Strange story sweetheart .... 17 books and stories free download online pdf in Gujarati

અજીબ કહાની પ્રિયાની....17

પ્રિયા મોટાભાઈનાં ઘરે આવી. ભાઈ - ભાભીને મળીને ખૂબ જ ખુશ થઈ. સુશીલનાં નહિ આવવાનું કારણ પણ જણાવ્યું. માયાભાભીએ એને ભાવતી જ બધી રસોઈ બનાવી હતી. જમીને ત્રણેય જણાં વાતો કરવાં લાગી ગયાં.

"તમારે સારું ને પ્રિયાબેન ઉઠીને કંઈ જ કામ કરવાનું નહિ. આખો દિવસ ટી. વી. સામે જ બેસી રહેવાનું. આવવા - જવા માટે ય ગાડી. સાચે જ નસીબદાર છો તમે."

"હા.. કામ તો કંઈ જ કરવાનું નથી હોતું પણ છતાં હું સવારની રસોઈ કરાવવા લાગી જાઉં છું. પણ...."

"પણ....શું....? બેના......"

"પણ...આ...લોકોનાં સ્વભાવ મને થોડાં વિ...(વિચિત્ર પૂરું બોલી નહિ ને શબ્દ ફેરવી નાંખ્યો) આપણાંથી જરા જુદાં લાગ્યાં. "

"એ તો ફેર રહેવાનો જ ને એ લોકો આપણાંથી અમીર રહ્યાં તે..." માયાભાભી હસીને બોલ્યાં.

સાંજે પ્રિયા જમીને સાસરે પાછી ફરી. હાથમાં કમલેશે આપેલું મિઠાઈનું મોટું પેકેટ હતું. સાસુ - સસરા અંદર પોતાનાં રૂમમાં હતાં. પ્રિયા સીધી અંદર પોતાનાં રૂમમાં ગઈ. અંદર જઈને જોયું તો સુશીલ નહોતો. એ કપડાં બદલી, ફ્રેશ થઈને સૂઈ ગઈ. લગભગ પરોઢિયે ચાર વાગ્યે એની આંખ ખુલી..એણે બાજુમાં નજર કરી તો સુલીલ દેખાયો નહિ.
"સુશીલ હજી સુધી આવ્યો નથી...." એ ધીરેથી બોલી. એ ઉઠીને બહાર હૉલમાં આવી. એને ગભરામણ થતી હતી. એને સમજમાં નહોતું આવતું કે એ શું કરે...? સસરાજીનાં સ્વભાવનાં બીકને લીધે એ એમનાં રૂમનો દરવાજો પણ ખખડાવી શકી નહિ. પાંચ વાગ્યે સુશીલ આવી ગયો.

"આટલું લેટ...!!! ક્યાં હતાં તમે....? મને તમારી ચિંતા થતી હતી."

"મેં તને કીધું છે ને કે મારી ચિંતા કરવાની નહિ. હવે મને સૂવા દે. આપણે સવારે વાત કરીશું." એમ કહી સુશીલ અંદર રૂમમાં જઈને સૂઈ ગયો.

પ્રિયા આંખ બંધ કરી બહાર સોફા પર જ પડી રહી. એને થયું કે સવારે ઉઠીને સાસુજી જોડે વાત કરશે. પણ સવારે સાસુ - સસરાની રોજની જેમ ખટખટને લીધે એ પોતાની વાત બોલી શકી જ નહિ. ને આવી પરિસ્થિતિ લગભગ રોજ જ એની સાથે સર્જાતી હતી. એની માટે આ બધી જ બાબતો સ્વીકારવું ખૂબ જ અઘરું થઈ પડતું હતું. ને કોઈને આ વિશે વાત કરી પણ નહોતી શક્તી. એટલે એક દિવસ એને થયું કે એ લલિત જોડે વાત કરે. કદાચ લલિત સાથે વાત કરવાથી એનું મન હળવું થઈ જાય એ વિચારે એ લલિતને ઓફિસમાં ફોન કરે છે. લલિત એક સાંજે એને મળવા માટે આવે છે. બંને એક નાનાં રેસ્ટોરન્ટમાં વાતો કરતાં બેઠાં છે.

"બોલ પ્રિયા કેવું ચાલે છે તારું લગ્નજીવન?"

"આમ તો સારું છે....પણ...."

"પણ...શું...?"

"કંઈ...નહિ..., છોડ...."

"છોડ....નહિ...., બોલ..., શું વાત છે?"

"એ લોકોનાં સ્વભાવ અને આદતો સાથે મને નથી ફાવતું...નજીવી બાબતોમાં સાસુ - સસરાની રોજની સવાર પડે એટલે ખટખટ....ને..."

"ને...શું....?"

"સુશીલની આદતો સાથે પણ મુશ્કેલી સર્જાય છે. સગાઈ પછી જે સુશીલને હું જાણતી હતી એ સુશીલ તો હવે રહ્યો જ નથી. એવું લાગે છે કે એ સાવ બદલાઈ ગયો છે. રાત્રે ઘરે મોડાં આવવું, સવારે મોડાં ઉઠવું, સસરાજી સાથે એને ફાવતું નથી, હું કંઈપણ પૂછું તો એ વાતનો સીધો જવાબ મળતો નથી. રાત્રે એની જોડે વાત કરવી હોય તો કહેશે હમણાં ઘણું ટેન્શન છે, સવારે વાત કરીશું. સવારે વાત કરવા જાઉં તો કહેશે કે સવાર- સવારમાં માથાકૂટ કરવી નહિ. એટલે એને કંઈ જ બોલાતું નથી. સાસુજીનાં અને મારાં વિચારોમાં અંતર જણાય છે એટલે એમની સાથે વાત કરવી ફાવતી નથી. મને વારંવાર આકળામણ જેવું લાગ્યા કરે છે. પૈસો ખૂબ છે, ઘર મોટું છે, નોકર - ચાકર છે . જાહોજહાલી ભરેલાં જીવનમાં પણ મન વ્યાકુળ બની જાય છે. "

"એ દરેક છોકરીને સાસરે શરૂ - શરૂમાં એવું થાય પણ પછી ધીમે - ધીમે બધું સેટ થઈ જાય. તારું મન આકળાય ત્યારે મારી સાથે વાત કરી લેવાની." લલિત એને સમજાવતાં બોલ્યો.

"કંઈ જ સમજમાં નથી આવતું કે શું કરવું ને શું નહિ. રાત્રે સુશીલનાં આવવાની રાહ જોવાની ને સવારે એનાં મૂડને સાચવવાનો ને એટલે દરેક વખતે ચૂપ રહેવાનું. મહિનામાં બે વાર ફરવા માટે લઈ જાય , બે વાર બહાર મોટી - મોટી રેસ્ટોરન્ટમાં જમવા લઈ જાય એટલે એને એમ જ છે કે એ તો મને ખૂબ જ ખુશ રાખે છે."

લલિત શાંતિથી એની વાત સાંભળી રહ્યો હતી. પ્રિયાને શું કહેવું એની સમજ નહોતી પડતી. એને સહારો આપે કે સાથ આપે એ વિશે નક્કી નહોતો કરી શક્તો હતો.

(ક્રમશ:)