sundaratano khuni khel - 7 books and stories free download online pdf in Gujarati

સુંદરતાનો ખૂની ખેલ - પ્રકરણ - ૭

સુંદરતાનો ખૂની ખેલ

ડો. હિના દરજી

પ્રકરણ – ૭

મહેશ અને કુસુમ આધાતમાં શું થઈ રહ્યું છે એ સમજવાની કોશિશ કરતાં હતાં ચમન ખબર નહીં ક્યાં જતો રહ્યો હતો. મહેશ એક નોકરને બોલવી ચમનને બોલાવવાનું કહે છે. બંગલાની અંદર મહેશ નોકરની સાથે વાત કરતો હતો એ સમયે વિજય ગાડિમાં બંગલાની બહાર જતો રહે છે. બંગલાથી થોડે દૂર જઇ ગાડિ ઉભી રાખી મોબાઇલમાં હેન્ડસ ફ્રી ભરાવી કશુંક સાંભળવા લાગે છે.

થોડીવારમાં ચમન ડાઈનિંગહોલમાં આવી શ્વાસ લીધાં વગર બોલે છે: “સર... તમે I Card જોયું? બે વર્ષ પહેલાં જે છોકરીને આપણે મારી બંગલાની પાછળ દફનાવી છે... એ નીલમનું I Card છે એ... કાલવાળી છોકરીનાં સામાનમાં નીલમનું I Card મળ્યું એ મને બહુ અચરજ થાય છે..." ચમન શ્વાસ લેવા રોકાય છે.

મહેશ એક હાથમાં કાર્ડ અને બીજો હાથ લમણાં પર મૂકી ગહન વિચાર કરવા લાગે છે. કુસુમ કાર્ડ અને મહેશને જોતી બીજી ખુરશી પર બેસે છે.

ચમન થોડીવાર થાક ઉતારી આગળ બોલે છે: "સર, ખબર નથી પડતી... એ છોકરી પાસે આ Card કેવી રીતે આવ્યું? બન્ને વચ્ચે શું સંબંધ હશે? જે છોકરીનું આપણે સૌથી પહેલાં ખૂન કર્યું હતું એ જ છોકરીનું I Card હવે મુસીબત બનીને આવ્યું છે... બે બર્ષ પહેલાં નીલમ જ આપણાં માટે મુસીબત બનીને આવી હતી... હવે આ છોકરી એનું કાર્ડ લઈને મુસીબત બનીને આવી છે...”

મહેશના ગળામાંથી અવાજ નીકળતો નથી. કુસુમનો સુંદર ચહેરો ચિંતાનાં કારણે ફિક્કો પાડવા લાગ્યો હતો. બન્ને ચમન સામે જુએ છે.

ચમન આગળ બોલે છે: “છોકરીનાં હાથમાંથી લોહી નીકળતું બંધ નહોતું થતું... માટે જો એ મૃત્યુ પામે તો એને દફનાવવી પડે... એટલે મેં કરસનને બંગલાની પાછળ આપણે જે જગ્યાએ છોકરીઓને દફનાવીએ છે ત્યાં ખાડો ખોદવાનું કહ્યું... અને હું એ છોકરીનો સામાન રિસોર્ટમાંથી લઈ આવ્યો... સમાન લાવીને શું છે તે જોતો હતો તો મને I Card મળ્યું...”

મહેશ ચિત્તા જેવી ઝડપથી ઊભો થઈ ચમન પાસે આવે છે: “કાલ વારી છોકરી મરી ગઈ કે જીવે છે?”

ચમન આંખો પહોળી કરી બન્ને હાથ લમણાં પર મૂકી બોલે છે: “સર... બહું નવાઈની વાત છે... છોકરી છ કલાકથી બેભાન છે... શરીરમાંથી થોડું થોડું કરી ઘણું બધું લોહી નીકળી ગયું... હ્રદયનાં ધબકારા ધીમા થઈ ગયા છે... પણ સાલી તોય જીવે છે...”

કુસુમ અચાનક ભાનમાં આવે છે. ઉભી થઇ મહેશનો હાથ પકડી બોલે છે: “મહેશ... એ છોકરી આપણાં માટે ખતરો છે... એની પાસે નીલમનું કાર્ડ કેવી રીતે આવ્યું એ આપણે જાણવું જ પડશે...” ચમન સામે જોઈ બોલે છે: “ચમન… ડોક્ટરને બોલાવવા પડે તો બોલાવ... પણ એ છોકરીને ભાનમાં લાવ... એક વાર ખબર પડે કે પેલી છોકરી અને નીલમ વચ્ચે શું સંબંધ છે... પછી એને હમેશાંને માટે જમીનમાં દાટી દઇશું...”

મહેશ I Card જોતો બોલે છે: “ચમન, કુસુમ કહે છે એમ એ છોકરીને ભાનમાં લાવવા માટે ડોક્ટરને બોલાવવા પડે તો બોલાવ... એ છોકરીનું મોઢું કોઇપણ હિસાબે ખોલાવવું પડશે...” મહેશ એ I Card શર્ટના ખીંસાંમાં મૂકે છે.

ચમન કશું બોલે કે જાય એ પહેલા કરસન આવે છે: “સર... છોકરીની નસમાંથી લોહી નીકળતું બંધ થઈ ગયું... એને ભાન નથી આવ્યું પણ રૂપાએ એના મોઢામાં પાણી રેડ્યું તો એ પી ગઈ...”

ચમન, મહેશ અને કુસુમને થોડી શાંતિ લાગે છે. બધાનાં મગજમાં અનેક સવાલ હોય છે કે આવનારી મુસીબત કેવી હશે એ મોટો પ્રશ્ન હોય છે.

ચમન સામે જોઈ મહેશ બોલે છે: “ચમન, પોલીસ આવી હતી... કદાચ આ છોકરી માટે આવી હતી... એ છોકરીને અહિયાં રાખવી જોખમ ભરેલી છે...” મગજ શાંત અને ઊંડો વિચાર કરી બોલે છે: “આપણે સમજીએ છે એના કરતાં વિજય ઘણું બધું વધારે જાણતો હોય એવું લાવે છે... આપણાં બધા હથિયાર, રૂપા અને બેભાન છોકરી બધું નીચે ભોંયરાંમાં સંભાળીને લઈ જા...” કુસુમ પાસે આવે છે: “કુસુમ... તારી બાથરૂમમાં કોઈ નિશાન દેખાતા હોય તો અત્યારે જ કરસન અને તું સાફ કરી દો... મને લાગે છે વિજય ખૂબ જલ્દી પાછો આવશે...”

મહેશના ખભા પર હાથ મૂકી કુસુમ બોલે છે: “મહેશ, પોલીસ એટલે કે વિજય છેલ્લે શું કહીને ગયો?”

મહેશ ખુરશી પર બેસી બોલે છે: “એણે તને કાચના ઘડિયાળમાંથી જોઈ... તું મને કાર્ડ બતાવતી હતી એ પણ કદાચ એણે જોયું હશે... મેં તને ઈશારો કરી અંદર જવાનું કહ્યું એ પણ એણે જોયું... બહુ જલ્દી પાછો આવશે એવું કહીને ગયો છે... એની પાસે આપણો પચ્ચીસ વર્ષ પહેલાંનો ફોટો છે... આપણાં લગ્ન પછી તરત પડાવેલો હતો એ ફોટો એની પાસે ક્યાંથી આવ્યો? એ પણ ખબર પડતી નથી... આપણાં જૂના ફોટા અને બીજી વસ્તુઓ સાચવીને ભોંયરાંમાં સંતાડી છે... આપણાં ભોંયરાં સુધી હજી સુધી કોઇ પહોંચ્યું નથી એ વાત સો ટકા સાચી છે... તો ફોટો બહાર કેવી રીતે આવ્યો? વિજયનાં ચહેરા પરનો આત્મવિશ્વાસ ઘણું બધું કહે છે... કે એ ફરી આવશે ત્યારે આપણાં બચવાનો કોઈ રસ્તો નહીં હોય...”

મહેશની કહેલી વાતથી બંગલામાં એકદમ શાંતિ થઈ જાય છે. મહેશ અને કુસુમને એટલી ખબર પડી ગઇ હતી કે ચમનનાં કહ્યા પ્રમાણે મુસીબત તો આવી છે. વિજય કેટલી હકિકત જાણે છે એ મહેશ અને કુસુમને ખબર નથી. નીલમનું કાર્ડ બેભાન છોકરી પાસે કેવી રીતે આવ્યું એ પણ સમજમાં આવતું નથી. કુસુમ એના રૂમમાં જવા સીડીનાં પગથિયા ચડતી હતી. અચાનક કોઇ વાત યાદ આવતાં અડધી સીડીથી પાછી નીચે ઉતરી મહેશ પાસે દોડતી આવે છે: "મહેશ... મહેશ... આ બધા પાછળ રૂપાનો હાથ હોઇ શકે? રૂપાને આપણે કદરૂપી બનાવી એટલે એ બદલો લેવા માટે આવું કરી શકે?”

કુસુમની વાત પર મહેશ વિચાર કરવા લાગે છે. ચમન અને કરસન પણ રૂપા બદલો લઈ શકે એ વાત પર વિચાર કરવા લાગે છે.

ક્રમશ: