sundaratano khuni khel - 8 books and stories free download online pdf in Gujarati

સુંદરતાનો ખૂની ખેલ - પ્રકરણ - ૮

સુંદરતાનો ખૂની ખેલ

ડો. હિના દરજી

પ્રકરણ – ૮

કુસુમે રૂપાનું જે કારણ બતાવ્યું એના પર બધા વિચાર કરે છે.

કુસુમ: “રૂપા અનાથ હતી એટલે આપણેં ઘરનું કામ કરાવવાનાં બહાને અનાથાશ્રમમાંથી લાવ્યા હતાં... મોટી થઈ એટલે ખુબ સુંદર દેખાવા લાગી... મને સુંદર છોકરીઓનાં લોહીથી ન્હાવાની ટેવ પડી... એ આપણી જોડે રહેતી હતી એટલે એનું લોહી લેવામાં કોઇ મુશ્કેલી પડતી નહોતી... આપણાં લોહી લીધાં પછી પણ સારો ખોરાક ખાવાથી એની સુંદરતા વધતી જતી હતી... એટલે મને એની ઈર્ષ્યા થતી હતી... રૂપાને કદરૂપી કરવા મેં ચમન અને કરસન જોડે રૂપાની જીભ કપાવી અને ચહેરા પર એસિડનું કપડું લગાવડાવ્યું... એના લીધે રૂપા કદરૂપી થઈ અને મારા જીવને ટાઢક થઈ... શું રૂપા આ વાતનો બદલો લેવા આવું કરી શકે?” કુસુમ એકીશ્વાસે બોલી એટલે એનાં ધબકારા વધી ગયા, એની છાતી પર હાથ મૂકી હાંફવા લાગે છે.

કુસુમના બરડા પર મહેશ હાથ ફેરવવા લાગે છે: “કુસુમ... શાંત થઈ જા... રૂપાને આપણે લાવ્યા ત્યારે એ પાંચમાં ધોરણમાં ભણતી હતી... આપણે એનો અભ્યાસ બંધ કરાવ્યો હતો... એ અત્યારે બોલી શકતી નથી... વધારે ભણેલી નથી... એની બુધ્ધિ આટલી બધી ના ચાલે...” મહેશ આંખો બંધ કરી બોલે છે: “આપણી આંખની નીચે એવી કોઈ ઘટના બની છે... જે આપણને ખબર પડી નથી... એ ઘટના આપણાં બંગલામાં બની છે એ પાકું છે... એ ઘટના નીલમ સાથે જોડાયેલી છે એ પણ મને સાચું લાગે છે... બસ એ ખબર પડી જાય કે નીલમ સાથે જોડાયેલી એ વાત શું છે તો મુસીબતનો હલ મળી જાય…”

બંગલામાં થોડીવાર ટાંકણી પડે તો પણ સંભળાય એવી શાંતિ થઇ જાય છે. બંગલામાં હાજર દરેક જણનાં મોંઢા પર કડવી દવા પીધા પછી ચહેરો મુરજાઇ જાય એવી રીતે ચિમળાઇ ગયો હતો. દરેકનાં મનમાં એકસાથે અનેક વિચારો ચાલતાં હતાં. બે વર્ષ પહેલાં બનેલી ઘટનામાં ક્યાં ચૂક રહી ગઈ હતી એ યાદ કરવા મથતા હતા. પરંતુ એ પહેલાં અત્યારે જે ઘાયલ છોકરી છે એને સલામત જગ્યાએ ખસેડવી જરૂરી હતું. મહેશ બધાંને સોંપેલી કમગીરી પ્રમાણે જલ્દી કામ કરવાં કહે છે.

એક સમજદાર અને કહ્યાગરા નોકરની જેમ ચમન ઉત્સાહથી પોતે કરેલું કામ કહે છે: “સર, મેં બધાં હથિયાર પહેલેથી ભોયરાંમાં સંતાડી દીધા છે... રૂપા પેલી છોકરીનું ધ્યાન રાખે છે... એ બન્નેને નીચે લઈ જાઉં છું... તમે પોલીસને સંભાળો...” આટલું બોલી ચમન જાય છે.

કુસુમ અને કરસન સામે મહેશ જુએ છે. કરસન પણ ઉતાવળો થઇ બોલે છે: "સર હું અને મેડમ બેડરૂમની બાથરૂમ જોઇ લઈશું... તમે ચિંતા ના કરો..." કરસન અને કુસુમ પણ જાય છે. બધાં જાય છે એટલે મહેશ ડ્રોઇંગરૂમમાં આવી સોફા પર બેસી સિગારેટ સળગાવી લાંબો કસ લે છે. એના મગજમાંથી વિજયે બતાવેલો ફોટો હટતો નથી. વિજય બીજું શું જાણે છે એ તુક્કો લગાવે છે. દિવાલ પરનો ફોટો જોતો વિચારે છે, કુસુમની સાચી ઉંમર વિજયને ખરેખર ખબર પડી ગઈ હશે? પોતે ગામ છોડ્યું ત્યારે અનેક રહસ્યો ગામમાં દફનાવી નિકળ્યો હતો. એ રહસ્યનું એક પાનુ આજે વિજયે ખોલ્યું હતું.

વિજય મહેશ્વર રિસોર્ટથી થોડે દૂર પોલીસ જીપમાં બેસી કાનમાં hands free ભરાવી કંઈક સાંભળતો હોય છે અને એ સાંભળી મનમાં હસતો હોય છે. હસતો હસતો મોબાઇલમાં કોઈને WhatsApp થી મેસેજ કરે છે. મેસેજ થઈ જાય છે એટલે કોઈને ફોન કરી મહેશ્વર રિસોર્ટ આવવા માટે કહે છે.

મહેશ સિગારેટ પૂરી કરે એ પહેલા ગેટનો વોચમેન અને એક નોકર દોડતા દોડતા બેઠકરૂમમાં આવે છે. એ બન્ને કઈપણ બોલે એ પહેલા વિજય અને અન્ય પોલીસનો કાફલો આવે છે. સાથે એક સ્ટેચર લઈ બે વોર્ડબોય પણ આવે છે. મહેશનાં હાથમાંથી સિગારેટ નીચે પડે છે, એને એકદમ ખાંસી શરૂ થાય છે. મહેશ પાસે આવી વિજય નોકરને પાણી લાવી મહેશને આપવાનું કહે છે. વિજયના રૂપમાં આફતને જોતો મહેશ સોફા પરથી ઉભો થાય છે. નોકર પાણી લાવે છે એટલે વિજય એક ગ્લાસ મહેશને ધરે છે, બીજો ગ્લાસ પોતે પીવે છે. મહેશ ગ્લાસ હાથમાં લે છે, પણ પાણી પીવાના બદલે ગ્લાસ પાછો નોકરને આપે છે. વિજય કઈ માટીનો છે એ મહેશને ખબર પડતી નથી. મહેશ બસ વિજયને જોયા કરે છે. મહેશની સામે હસી વિજય એના કાફલા પાસે જાય છે. વિજયની હસીનો મતલબ મહેશ સમજે એ પહેલાં વિજય અન્ય પોલીસને સૂચનો આપવા લાગે છે.

વિજય: "સુભાષ, તું બીજા ચાર હવાલદારને લઇ આ બંગલાની પાછળ ખાડો ખોદેલો હશે એની આસપાસ ખોદકામ ચાલુ કર... સરિતા તું બે લેડી અને બે જેન્ટ્સ હવાલદાર અને બે વોર્ડબોયને લઇ ઉપરનાં કોઇ રૂમમાં ચમન, એક ઘાયલ છોકરી અને એક બીજી સ્ત્રી હશે એમને શોધ... મથુર તું બે લેડી અને બે જેન્ટ્સ હવાલદારને લઇ ઉપરનાં કોઇ મોટાબેડરૂમમાં ખૂબ જ સુંદર સ્ત્રી કુસુમ અને કરસનને શોધ..." આ બધી સૂચનાઓ આપતી વખતે વિજયનું સંપૂર્ણ ધ્યાન મહેશ તરફ હોય છે. વિજયની બોલવાની છટામાં એટલો રુઆબ હતો કે મહેશને એને રોકવા માટે કોઈ આઇડીયા આવ્યો નહીં. વિજય સાથે આવેલા દરેક વ્યક્તિ એના આપેલા ઓર્ડર પ્રમાણે કામે લાગ્યા. વિજય સાથે બે હવાલદાર રોકાય છે. એમાંથી એક હવાલદાર મહેશની પાસે જઇ ખંધું હસી બાજુમાં ઊભો રહે છે. બીજો હવાલદાર બંગલાના મુખ્ય દરવાજા પાસે જઇ ઊભો રહે છે.

મહેશને થોડી સેકન્ડની અંદર તમ્મર આવી જાય છે. એ પાછો સોફા પર બેસી જાય છે. વિજય પણ મહેશની સામે વાળા સોફા પર બેસે છે.

વિજય: “તમારો ખેલ ખલાસ થઈ ગયો... મી. પટેલ... તમારી સુંદર પત્નીનો સુંદરતાનો ખૂની ખેલ પણ પૂરો થઈ ગયો... બહું હત્યાઓ કરી માત્ર સુંદર દેખાવા માટે... બસ મારી ત્રણેય ટીમ પાછી આવે એટલી વાર… ત્યાં સુધી છેલ્લી સિગારેટ પી લો...” વિજય સિગારેટ કાઢી હોઠો વચ્ચે દબાવે છે. સિગારેટનું પેકેટ મહેશ સામે ફેંકે છે અને ફરીથી મનમાં ખુશ થાય છે. મહેશ આગળ શું થશે એની કલ્પના કરી શકતો નહોતો. અને વિજય સિગારેટના કસમાં ખોવાયો હતો.

ક્રમશ: