sundaratano khuni khel - 9 books and stories free download online pdf in Gujarati

સુંદરતાનો ખૂની ખેલ - પ્રકરણ - ૯

સુંદરતાનો ખૂની ખેલ

ડો. હિના દરજી

પ્રકરણ – ૯

મહેશ કપાળ પર હાથ મૂકી હવે શું થશે એ વિચારતો રહે છે. વિજય એની ત્રણેય મોકલેલી ટીમ પાછી આવે એની ઉત્સુક્તાથી રાહ જુએ છે. સૌથી પહેલા મથુરની ટીમ પાછી આવે છે. બે લેડી કુસુમને પકડી અને બે હવાલદાર કરસનને પકડી બેઠકરૂમમાં લઈ આવે છે. કુસુમનો ચહેરો ગુસ્સાથી તગતગતો હતો. એ મહેશને સોફા પર નીરસ બેઠેલો જોઈ વધારે ગુસ્સે થાય છે. બોલવા માટે મોઢું ખોલવા જતી હતી ત્યાં લેડી હવાલદાર એના ગાલ પર તમાચો મારી બોલે છે: “હમણાં સાહેબ પૂછે એનો જવાબ આપજે... અત્યારે ચૂપ મર...”

મહેશ અને કુસુમ બન્નેને ખબર પડી જાય છે કે હવે બચવાનો કોઈ રસ્તો નથી. બન્ને એકબીજા સામે અસહાય નજરે જોતાં રહે છે. કુસુમ અને મહેશ કોઈ પ્રતિક્રિયા કરે એ પહેલાં સરિતાની ટીમ આવે છે. બે લેડી હવાલદાર રૂપાનો હાથ પકડી, બે હવાલદાર ચમનને પકડી બેઠકરૂમમાં લાવે છે. એ લોકોની પાછળ સ્ટેચર પર ઘાયલ છોકરીને લઈ બે વોર્ડબોય આવે છે. વિજય ઊભો થઈ સ્ટેચરની નજીક જાય છે. છોકરીના કપાળ પર હાથ ફેરવે છે. કડક સ્વભાવના વિજયની આંખો પણ ભીની થાય છે. એ વોર્ડબોયને છોકરી લઈ સીધા હોસ્પિટલ લઈ જવાનું કહે છે.

વિજય ઈશારો કરે છે એટલે મથુર અને બે હવાલદાર મહેશ, ચમન અને કરસનને હથકડી પહેરાવી સોફા પર બેસાડી દોરડાથી બાંધે છે. સરિતા કુસુમને અને એક લેડી હવાલદાર રૂપાને હથકડી પહેરાવી બીજા સોફા પર બાંધે છે. વિજય બે હવાલદાર જે પહેલાં એની પાસે હતા એ અને મથુરને ત્યાં રોકી બીજા બધા જેન્ટ્સ હવાલદારને સુભાષની ટીમ સાથે મદદમાં મોકલે છે. મહેશ અને કુસુમને હથકડી પહેરાવેલી જોઈ બીજા નોકર ચૂપચાપ એક જગ્યાએ ઊભા રહે છે. મહેશ અને કુસુમ બન્નેને ગુસ્સો આવતો હતો પણ હવે કશું થાય એવું નહોતું. બન્ને વિચારે છે કે એક વાત નક્કી છે ડાઈનિંગ હોલમાં જે વાત થઈ એ બધી વિજયે સાંભળી છે પણ કેવી રીતે એ ખબર પડતી નથી.

વિજય મૂછોને તાવ દેતો મહેશ પાસે આવે છે. સોફાની બાજુમાં સિંગલ બેઠક હતી એ ખસેડી બિલકુલ મહેશની સામે લાવી બેસે છે. એક હાથથી મહેશના પેન્ટના ખીંસાંમાંથી નાનો મોબાઈલ કાઢે છે. એ મોબાઈલ મહેશનો નહતો. મહેશને ખબર પડી જાય છે કે વિજયે એના ખીંસાંમાં મોબાઈલ મૂક્યો અને પોતાને ખબર સુધ્ધાં પડી નથી.

વિજય હળવા સ્મિત સાથે બોલે છે: “તમારા જેવાં ખતરનાક લોકો માટે ક્યારેક આવું જોખમ લેવું પડે છે... આ સુંદર બંગલામાં તમે અનેક ગુનાઓ કર્યા છે... દરેક ગુનો કરનારને એવું હોય છે કે કોઈ દિવસ એ પકડાશે નહીં... પણ દરેક ગુનેગાર પકડાય છે અને એને એક દિવસ સજા ચોક્કસ થાય છે...”

મહેશ વિચાર કરે છે કે વિજયે ક્યારે એના ખીંસાંમાં મોબાઈલ મૂક્યો. મૂક્યો પણ એવી રીતે કે પોતાને કશી ખબર પણ પડી નહીં. વિજયની આવડત પર કોઈ સવાલ થઈ શકે એમ નહોતો. જો મહેશ પર આફત ના આવી હોત તો એ વિજયની કામ પ્રત્યેની નિષ્ઠા અને કાબિલિયતનાં ખૂબ વખાણ કરત.

વિજય હાથની ચપટી મારી મહેશ સાથે ફરી વાત કરે છે: “હવે દરેક ગુનો સ્વીકાર કરવાનો સમય આવી ગયો છે મી. મહેશ પટેલ... આ બંગલામાં જે કાળી કરતૂત કરી છે એક પછી એક બોલવાનું શરૂ કરો...”

મહેશ પાસે બોલ્યા સિવાય છૂટકો નહોતો. કુસુમ સામે જોઈ લાચાર બની બોલવાનું શરૂ કરે છે: “અમારાં લગ્નને થોડા દિવસોમાં પચ્ચીસ વર્ષ પૂરા થશે... લગ્ન પછી અમે અમારાં વતનમાં ખૂબ ખુશીથી રહેતા હતાં... બાપદાદાની વસાવેલી હજાર વિધા જેટલી જમીનમાં દર વર્ષે હજારો મણ ધાન્ય ઉપજતું હતું... એ પાકની મબલક કમાણી થતી હતી... આખા ગામમાં વાતો થતી કે મહેશ ખૂબ ભાગ્યશાળી છે, કુસુમ જેવી રૂપાળી વહુ મળી છે એને... બધાની બતો સાંભળી મારી છાતી ગજ-ગજ ફૂલી નહોતી સમાતી... હું કુસુમને હંમેશાં સોનાથી મઢેલી રાખતો... ઘરેણાં અને શૃંગારથી એની સુંદરતામાં ચારચાંદ લાગી જતાં... થોડા મહિના પછી એક સુંદર દેવરૂપ છોકરાને એ જન્મ આપે છે... મા બન્યા પછી એની સુંદરતામાં વધારો થયો હતો... એ રોજ ઘરેલું વસ્તુઓથી પોતાના શરીરને સુંદર દેખાડવા માટેના પ્રયત્નો કરતી રહેતી... મને પણ એ સુંદર દેખાય તે પસંદ હતું... એને ઘરનાં કામમાં મદદ મળી રહે એનાં માટે મેં ઘરમાં અનેક નોકરો રાખ્યા હતાં... જોતજોતામાં લગ્નને પંદર વર્ષ વીતી ગયા... ત્યારે હું વૃધ્ધ અને કુસુમ જવાન દેખાતી હતી એટલે ગામમાં લોકો જાત-જાતની વાતો કરી કુસુમના વખાણ અને મારી મજાક કરવા લાગ્યા હતા... હું કુસુમનાં વખાણ સાંભળી ખુશ થતો પણ મારી મજાક મારાથી સહન નહોતી થતી... એટલે ગામ છોડી અમે અમદાવાદ રહેવા આવ્યા... અમદાવાદમાં જૂના નોકરોને લાવવાની ઇચ્છા નહોતી એટલે અમે રૂપાને અનાથાશ્રમમાંથી ઘરનાં કામ કરવવા માટે લાવ્યા... ગામડાની શુધ્ધ હવા અને રહેણીકરણી છોડવાથી કુસુમની સુંદરતા ધીરે ધીરે ઓછી થવા લાગી હતી... જે અમને બન્નેને ગમ્યું નહોતું...

પાંચ વર્ષ પહેલાં એક દિવસ કુસુમના હાથમાં ધારદાર ચપ્પુ વાગ્યું ત્યારે લોહીથી એનો હાથ ખરડાયો હતો... હાથમાં દડદડ લોહી નીકળતું હતું એ વખતે કુસુમ દુખાવો ભૂલી પોતાનો લોહીવાળો હાથ જુએ છે તો એ હાથ બહુ સુંદર દેખાય છે... એ દિવસ પછી કુસુમે સુંદરતા જાળવી રાખવા સુંદર છોકરીઓના લોહીથી ન્હાવાનું નક્કી કર્યું... ગામડાની બધી જમીન વેચી દીવમાં ભવ્ય રિસોર્ટ અને બંગલો બનાવ્યો... ગામમાં એવી વાત ફેલાવી કે અમે હંમેશાં માટે પરદેશ જઈએ છે…”

મહેશ બોલતો હતો વિજય અને બીજાલોકો ધ્યાનથી સાંભળતા હતાં. સુભાષ આવી બોલે છે: “સર... તમે કહેતા હતાં એમ જમીનમાંથી હાડપિંજર મળવાના શરૂ થયા છે... અત્યાર સુધી દસ હાડપિંજર મળ્યા છે... બીજા પણ વધારે મળે એવું લાગે છે...” વિજયના ચહેરા પર બીજી એક જીતની ખુશી દેખાય છે.

ક્રમશ: