My 20years journey as Role of an Educator - 19 in Gujarati Social Stories by Jagruti Vakil books and stories PDF | મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફરે - ભાગ 19

મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફરે - ભાગ 19

પ્રેમાળ શિષ્ય બન્યા ઉત્તમ ગુરુ..

ગણિત ગુજરાતી અને હાઈકુનો ત્રિવેણી સંગમ ગત પ્રકરણમાં આપણે માણ્યો. ખરેખર શિક્ષક દરેક વિદ્યાર્થીના એક સાચા દિશા સૂચક હોકા યંત્ર બની શકે.
બાળકોમાં આજીવન સંસ્કારના બીજ અને એ પણ માનવતાના સંસ્કારના બીજ વાવવા એ ખરેખર એક શિક્ષક પોતાના શિક્ષણ કાર્ય ની સાથે સાથે ખૂબ સુંદર રીતે કરી શકે, તેનું એક ઉત્તમ ઉદાહરણ અહીં રજૂ કરું છું.
અગાઉના પ્રકરણમા વાત કરી તેમ પ્રોક્સી તાસ હંમેશા મારા માટે આશીર્વાદરૂપ બન્યા કે જેના પરિણામે સમાજને નવા નવા પ્રોજેક્ટ રૂપે વિદ્યાર્થિની ઓમાં માનવતાના સંસ્કારનું બીજ વાવવાની તક મળી. જે તેમના જીવનનું આજીવન ભાથું બની રહ્યું.
હસ્તી ખૂબ ઉત્સાહી અને ચપળ દીકરી, જેને એકવાર કોઈ વાત કરીએ એટલે તરત જ ઝડપી લે અને તેના પર ચૂપચાપ કામ કરવા મંડી પડે. નવમા ધોરણમાં એક વાર પ્રોક્સી તાસમાં બુધવારે ગરીબ બાળકો ની નિરક્ષરતા પર વાત નીકળી. બધાએ ખૂબ વાતો કરી આસપાસના ગરીબ બાળકો અંગેની વાતો થઈ. તાસ પૂરો થતાં બધા છુટા પડ્યા એ પછીના રવિવારે સવારે 10 વાગ્યે મને હસ્તીનો ફોન આવ્યો ,' બેન, તમારી આ જગ્યાએ આવવાનું છે.જલ્દી આવો.દીકરીઓની સરપ્રાઈઝ હવે હું સમજી ગઈ હતી એટલે ઘરના અને બહારના બધા કામ મૂકીને હસ્તી એ બતાવેલા સ્થળ પર પહોંચી ગઈ. સ્થળ થોડું અંદરના ભાગમાં હતું.એટલે હસ્તી રસ્તા પર મારી રાહ જોઇને ઉભી હતી અને મને ઉત્સાહ અને ખુશી સાથે તરત જ એની સાથે લઈ ગઈ. એક એપાર્ટમેન્ટમાં નીચેના ભાગમાં પાર્કિંગમાં તે મને લઈ ગઈ એપાર્ટમેન્ટ ના પાર્કિંગમાં કાળું પાટિયું લગાવેલું હોય જેમાં એપાર્ટમેન્ટના લોકો માટે સૂચનો લખાતા હોય, તેમાં અત્યારે હસ્તીના સુંદર હસ્તાક્ષરોમાં એકડો ,બગડો અને ક,ખ,ગ લખેલા હતા. કાળા પાટિયા પાસે નાના બાળકો કોઈ છ વર્ષના ,કોઈ આઠ વર્ષના કોઈ દસ વર્ષના બેઠા હતા. જે ખૂબ ઉત્સાહથી અક્ષરજ્ઞાન લઇ રહ્યા હતા. આપ સૌ કલ્પના કરી શકો છો અને સમજી જ ગયા હશો કે આ શું છે? ઓછું બોલી વધુ કામ કરનારી હસ્તીએ બુધવારે કરેલી વાત ખૂબ ગંભીરતાથી મગજમાં બેસાડી દીધી હતી. હવે મને વિગતે વાત કરતા તેણે કહ્યું કે,બેન, તમે જ્યારે વાત કરી ત્યારે જ મને આ બાળકો યાદ આવી ગયા. એપાર્ટમેન્ટની પાછળ ના ભાગમાં રોજ કામ કરતા મજૂરો ના ઝુંપડા છે અને તેમના બાળકો જ્યારે તેમના માતા-પિતા કામ પર જાય ત્યારે આજુબાજુમાં ફરતા હોય છે, થોડા મોટા થયા પછી આ બાળકો કચરો વીણતાં હોય છે, પ્લાસ્ટિકના ઝબલા ભેગા કરતા હોય છે અને એમાંથી નાનું-મોટું કમાતા હોય . સરકારી શાળાઓમાં જાય પણ એમની મરજી મુજબ ...ક્યારેક જાય અથવા ક્યારેક ન જાય.. ને આજુબાજુ માંથી ભીખ માગીને પૈસા કે ખાવાનું લઇ પોતાનો રોજનો દિવસ પૂરો કરતા હોય છે. મે એ લોકો સાથે વાત કરી અને મારા જેવી બીજી બહેનપણીઓ ની મદદથી તેમને ભણવા તૈયાર કર્યા.અમારા વાલીઓએ તેમના વાલીઓને સમજાવવામાં અમને મદદ કરી અને અમે આ બાળકોને ભણવા માટે તૈયારી શરૂ કરી. એમના માટે પા ટી પે ન અમે બધા અમારા પોકેટ મનીમાંથી લઈ આવ્યા.એપાર્ટમેન્ટ હવે એપાર્ટમેન્ટ નું સૂચન બોર્ડ એ મારી નાની શાળાના બ્લેકબોર્ડ બની ગયું! રોજ સાંજે એક કલાક અને રવિવારે સવારે બે કલાક ભણતા શીખવવાનું શરૂ કરવાનું નક્કી કર્યું. અને હવે અમે નક્કી કર્યું કે એમને સ્વચ્છતા ના પાઠો પણ શીખવી શું.'
ખરેખર શિક્ષણ સાથે કેળવણી આપી એ અંતરના રાજીપા સાથે આંખમાંથી હરખના આંસુ નીકળી ગયા. બાળકો સાથે વાત કરી.તેઓ ખુબ ખુશ હતા.અવારનવાર તે લોકોને મળવાનો વાયદો કરી નીકળી ગઈ. બીજા રવિવારે મારી સાથે નોટ, પેન, ચોકલેટ,ફળ, પાટી-પેન જેવી બાળકોની ગમે તેવી વસ્તુઓ અને ઉપયોગી થાય તેવી વસ્તુઓ લઇને સવારે 10 વાગ્યે પહોંચી ગઈ. બાળકો ખૂબ ખુશ થઈ ગયા. મેં એમની સાથે વાતો કરી.ત્યાં હસ્તી એ કહ્યું કે 'બેન મારે ફરિયાદ કરવી છે'.. મને તો નવાઈ લાગી, મેં કહ્યું કે 'બેટા આ તો કેવા ડાહ્યા થઈને ભણે છે? અને એક અઠવાડિયામાં તો કેટલું બધું શીખી ગયા છે.અને રોજ સ્વચ્છ થઈને આવે છે. ગયા રવિવાર કરતા આજે તેઓ વધારે સ્વચ્છ લાગે છે.તેમના ઘરની આસપાસ પણ થોડી થોડી સ્વચ્છતા જોવા મળી રહી છે. તો હવે તને એના વિષે શું ફરિયાદ છે??'
ત્યારે બાળકો કહેવા લાગ્યા: 'ના દીદી,તમે અમારી ફરિયાદ મોટા બેન ને કરશો નહીં.' હસ્તી ખૂબ હસવા લાગી ને કહે કે, ' આજે તો કહીશ જ.' હું તો આ નાનકડી પણ મારી પણ 'ગુરુ' એવી હસ્તી અને તેના નાનકડા મીઠડા શિષ્યો વચેની પ્રેમભરી નોક જોક આનંદથી માણતી રહી.છેવટે હસ્તી એ મને કહ્યું,' બેન, આ બાળકો હવે એમની શાળાએ જવા માગતા નથી. કહે છે કે અમને અહીં જ તમારી પાસે ભણવું છે.મેં બહુ સમજાવ્યા કે પરીક્ષા આપવી પડે ને શાળાએ જવું પડે.પણ માનતા નથી. તો હવે તમે જ કંઈક સમજાવો ને પ્લીઝ .!મેં બાળકો સામે જોયું. અને પૂછ્યું કે 'શું આ સાચું છે?' બાળકોએ નીચું મોં કરી હા પાડી અને તેમના મોઢા થોડા નીચા થઇ ગયા, એ ડરથી કે કદાચ હવે હું એમની પર ગુસ્સો કરીશ.પણ મેં તેમને કહ્યું કે, 'મને સાચું કારણ જણાવો કે તમે શા માટે નિશાળે જવા માગતા નથી?' ત્યારે બાળકો નો જવાબ ખરેખર મારા માટે એક ગૌરવની લાગણી પ્રેરે એવો હતો તેમણે જવાબ આપ્યો કે 'દીદી અમને એટલું સરસ ભણાવે છે અને એમને બહુ પ્રેમ કરે છે, હસતા હસતા અઘરું પણ સરસ શીખવે છે. એટલે અમને અહીં બહુ મજા આવી છે. ક્યારેક રમતો પણ એટલી સરસ રમાડે છે કે અમને અહીં જ ભણવું છે.બેન તમે અહીં એક સરસ શાળા ખોલી દો...ને દીદી જેવા બીજા દીદીને પણ બોલાવી લો..
હું નિ: શબ્દ બનીને તેમને, તેમના ગુરુ પ્રત્યેનો અહોભાવ,પ્રેમ ને માણતી રહી. થોડીવારે હોશ આવતા મે તે લોકોની સમજાવ્યા કે તમારે શાળાએ શા માટે જવું જરૂરી છે? હવે આ તો મારા ગુરુ ના ગુરુ નીકળ્યા !!! એ બાળકો મને કહે તો બેન તમે એક વાયદો કરો તો જ તમે શાળાએ જઈશું. મને તો નવાઈ લાગી કે હવે આ ચપળ ચતુર બાળકો મારી પાસે શું માંગશે ? મેં કહ્યું સારું ચલો વાયદો આપ્યો પણ તમે પહેલા કહો કે શાળાએ જશો ને ?
બાળકો નો જવાબ મારા માટે ખરેખર ખુબ ખુશી લાવનારો હતો તેમણે કહ્યું કે બેન દીદીને સાથે આવી તમે પણ અમને દર રવિવારે મળવા ને ભણાવવા આવશો તો જ અમે નિશાળે જઈશું અને દીદી ને કહું કે સાંજે રજા ન રાખે અમે દરરોજ અહીં ભણવા આવીએ છીએ તો બહુ મજા આવે છે. ખરેખર એક વિદ્યાર્થીની અત્યારથી સાચા શિક્ષકત્વ ગુણ કેળવી તેના શિષ્યોમાં હૃદયમાં કેવો પ્રેમ લાગણી જગાવી શકે ..એ આપણે સૌ શિક્ષક મિત્રોને શીખવા જેવું ખરું કે નહીં? તો મને લાગે છે કે શાળામાં ગેરહાજરી કે drop out ના પ્રશ્નો જરૂર હલ થઈ જાય...ખરુને મિત્રો ??

Rate & Review

Jagruti Vakil

Jagruti Vakil Matrubharti Verified 1 year ago

પ્રેમાળ શિષ્ય બન્યા ઉતમ ગુરુ.

Alka Dave

Alka Dave 1 year ago

Rastey Chetana

Rastey Chetana 1 year ago

Asha Shah

Asha Shah 1 year ago

Salute💐

Kuldeep Gandhi

Kuldeep Gandhi 1 year ago