Vat mara fulavar na dada ni - 1 books and stories free download online pdf in Gujarati

વાત મારા ફુલાવર ના દડા ની - 1

પ્રિયા વાંચક મિત્રો,

મારી પાંચ મી નોવેલ " મારો ફુલાવર નો દડો " તમને ચોક્કસ ગમશે. તમારા પ્રતિભાવ મને વધારે ને વધારે લખવા પ્રેરણા આપે છે માટે ચોક્કસ પ્રતિભાવ આપતા રહો અને વાંચતા રહો.

મારી પહેલા ની નોવેલ , અધૂરો પ્રેમ , નિર્મલા નો બગીચો , વિશ્વ ની ન્યારા અને નિર્ણય ને તમે જે પ્રતિભાવ આપ્યો એ બદલ તમારો આભાર.

મારી વાર્તા કરમ ની કઠણાઈ , ર્ડો અલી કૃષ્ણકાંત પંડિત , આદુ વાળી ચા, સરહદ પરે ની દોસ્તી , અનોખો સંબંધ ઘર , મહામારી એ આપેલું વરદાન અને ઝુમખા વાળી તમને ચોક્કસ ગમશે.

© આનલ ગોસ્વામી વર્મા

Email dilkibatein30@gmail.com .

વાત મારા ફુલાવર ના દડા ની

ભાગ -૧

લીમડા ના ઝાડ નીચે, ખાટલા માં આરામ થી પડ્યા પડ્યા, શહેર ની ભીડ અને ચહલ પહલ થી દૂર હોવા છતાં આજેય જયારે એ જીવન વિશે વિચારું ત્યારે આખા શરીર માં ઉત્સાહ નું મોજું ફરી વળે છે . શું ભવ્ય દિવસો હતા એ! એ જીવન એટલે મેં શહેર માં ગુજારેલ સમય. અમદાવાદ જેવા મોટા શહેર માં ગાળેલા એ ૪૦ વર્ષ.

આમ તો આ ક્રમ રોજ નો હતો પણ આજે છોકરા નો ફોન આવેલ કે મારે એક અઠવાડિયા પછી ત્યાં જવાનું છે દુકાન નું ઉદ્ઘાટન કરવા. ત્યાં એટલે સ્વતંત્ર બંગલા ની સામે બનેલા નવા કોમ્પ્લેક્સ માં. એટલે આજે મને અમદાવાદ વધારે સાંભરી આવ્યું. આ ઉંમરે પણ હસવું આવી ગયું. મારી નજર સામે એક છોકરી તરવરી ઉઠી. એ છોકરી એટલે બંગલા નંબર આઠ માં રહેતી રેશમા , રેશમા મહેતા. દીપ્તિ ભાભી ની દિકરી અને મારી એક માત્ર સખી.

અને હું,બંસી, બંસી શાકવાળો. હવે તો હું ૬૦ વર્ષ નો થયો. હવે હું અહીંયા મારે ઘેર સાગવાડા જ રહું છું. ખાટુ શ્યામ ની કૃપા થી અહીંયા ની ખેતી થી મારુ અને રેવતી નું ગુજરાન સરસ ચાલે છે. બે વહુ પોતાના છોકરા સાથે અમારા થી થોડે દૂર રહે છે અને દિવસ માં એક વાર આવી ને મળી જાય છે. શહેર માં છોકરા મારો જમાવેલો શાક નો ધંધો કરે છે અને હવે એ લોકો એ એક દુકાન પણ લીધી છે. એના ઉદઘાટન માટે જ મને શહેર બોલાવે છે. આજે દશ વર્ષથી તો અહીંયા જ છું. ક્યારેય શહેર માં પાછા જવાનો મોકો જ ના મળ્યો. દશ વર્ષ પહેલા ગામ થી ફોન આવેલો કે રેવતી ને પેટ માં ખુબ દુખાવો ઉપડ્યો છે અને એ હૉસ્પિટલ માં છે ત્યારે મારતી ગાડી એ અહીંયા આવી ગયો હતો પછી ક્યારેય પાછા જવાનું શક્ય જ ન બન્યું.

એ વખતે મેં રેશમા ને છેલ્લી વાર જોઈ હતી. હું એમણે મંગાવેલ પત્તરવેલિયા ના પાન આપી રહ્યો હતો અને મોબાઇલ પર મારા ભાઈ નો ફોન આવ્યો. મારા ચહેરા ના હાવભાવ જોઈને રેશમા એ અંદેશો આવી ગયો કે કઇંક ગંભીર છે અને મને આશ્વાસન આપ્યું કે બિલકુલ ચિંતા ના કરતા સૌ સારાવાના થશે. સારાવાના થયા પણ પાંચ વર્ષ લાગ્યા મને એ બધા માં થી બહાર નીકળતા. ખાટુ શ્યામ ની કૃપા થી મારી ઘરવાળી રેવતી બચી ગઈ. એને ગર્ભાશય નું કેન્સર હતું. ડૉક્ટર સાથે ફોન પર રેશમા જ વાત કરતી. ત્યારે આંતરે દિવસે થતી અમારી વાત પછી અઠવાડિયે એક વાર થવા લાગી. આજે પણ ૧૦ દિવસે એક વાર તો ફોન પર વાત થતી જ. મારી સાથે રેવતી પણ રેશ્મા ની સહેલી હતી.

આ તો થઇ અમારી આજ ની વાત પણ અમારી ગઈ કાલ વિશે પણ જાણવા જેવું છે. અમારી પહેલી મુલાકાત, મેં ગાળેલા એ ચાલીસ વર્ષ આ બધા વિશે પણ જાણવા જેવું ખરું. તો તૈયાર થઇ જાવ મારી,એક શાક વાળા ની પ્રેમ કહાની જાણવા. હસવું આવ્યું, હે ને ? પણ એક વાત પૂછું કેમ શાકવાળા ના હાડ માંસ વાળા શરીર માં એક નાનું નાજુક, સતત ધબકતું ને કોઈને પોતાના માટે ઝંખતું હૃદય ના હોઈ શકે? તો ચાલો મારી સાથે પચાસ વર્ષ પાછા, મારી જિંદગી ના અમૂલ્ય સમય વિશે જાણવા માટે.

સાંભળો મારી પ્રેમ કહાની મારી જુબાની. વાત કંઈક આવી છે.

ગામડાં માં જન્મેલા અને ઉછરેલા ઘણા બધા લોકો ની જેમ મને પણ મારા કાકા (બાપુ માટે વપરાતો શબ્દ) ૧૦ વર્ષ નો હતો ત્યારે એમની જોડે શહેર માં લઇ ગયા હતા. શરૂ માં તો એમની જોડે ઉભો રહીને એ જે કહે તે કામ કરતો અને ભૂલ થાય ત્યારે માથા પર ટપલી પણ ખાતો. કાકા કહેતા કે જો ધ્યાન નહિ રાખે તો ગામડે પાછો મોકલી દઈશ. કાકા મને જેમ બને એમ જલ્દી તૈયાર કરી દેવા માંગતા હતા કારણકે એમને થોડે કે દૂર બીજી લારી કરવી હતી અને ગામડા માં કોઈક સારો માઠો પ્રસંગ હોય ત્યારે એમની ગેરહાજરી માં હું આ જમાવેલ જગ્યાએ લારી સાંભળી લઉં તો રોકડી ચાલુ રહે એવું એમનું મારવાડી મગજ કહેતું.

હજી તો માંડ ૪ દિવસ થયા હશે મને ગામ છોડ્યા ને કે એક વાર દીપ્તિ કાકી આવ્યા. દીપ્તિ કાકી ના ઘર ની સામે જ અમારી લારી ઉભી રહેતી. કાકા એમને ભાભી કહેતા. “આવી ને બોલ્યા કે, મોહન ભાઈ (મારા બાપુ નું નામ) ૨૦૦ ગ્રામ ભીંડા કરોને આ છોકરી ને તો શાક ના ભારે નખરા. ગણી ને બે ચાર શાક ખાય. રામ જાણે શું કરશે સાસરે જઈને? અને એટલી વાર માં મારી પર નજર પડતા પ્રેમાળ નજરો એ મને જોતા કાકા ને મારા વિશે પૂછ્યું. અને પછી પ્રેમ થી મારા માથે હાથ ફેરવતા બોલ્યા કે બેટા બંસી, ક્યારેય માં ની યાદ આવે તો મારી પાસે આવી જજે.અને એ ભીંડા લઈને પાછા ગયા. એમના વાત કરવાના અંદાજ થી મને એ માયાળુ લાગ્યા એટલે હું એમને જતા જોઈ રહ્યો. એ જેવા સામે એમના ઘેર પહોંચ્યા એક મારા જેટલી ઉંમર ની લાગતી છોકરી બહાર આવી અને જોર જોર થી બૂમો પાડવા માંડી કે “ભીંડા આવી ગયા , ભીંડા આવી ગયા“.

એ છોકરી એટલે રેશમા મહેતા. એણે લીલા રંગ નું ફ્રોક પહેર્યું હતું અને બે ચોટલી બાંધેલી હતી. ગોરા ગોરા ગાલ અને લીલા રંગ ના ફ્રોક માં મને તો એ ફુલાવર જેવી લાગી. પાતળી હતી એટલે કાકડી જેવી પણ ખરી.એના હોઠ ટામેટાં જેવા લાલ હતા.


વધુ આવતા અંકે …………………………...