Kudaratna lekha - jokha - 19 books and stories free download online pdf in Gujarati

કુદરતના લેખા - જોખા - 19


આગળ જોયું કે મયુર અનાથાશ્રમમાં બાળકોને ભોજન કરાવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. તેમના મિત્રો અનાથાશ્રમ આવવાની ના પાડે છે. મયુર કેશુભાઈને જાણ કરે છે જ્યારે કેશુભાઈ મીનાક્ષીને અનાથાશ્રમમાં હાજર રહેવા કહે છે પણ મીનાક્ષી પોતાના કામમાં વ્યસ્ત છે એવું જણાવે છે. કેશુભાઇએ પોતાનો હકક જણાવતા કહ્યું કે તારે અહીં હાજર રહેવું જ પડશે.
હવે આગળ......

* * * * * * * * * * *


કેમ આટલી ઉદાસ થઈ ગઈ છે? સોનલે મીનાક્ષીને બંને હાથ માથા પર રાખીને બેસતા જોઈને પૂછ્યું. કેટલું કામ હજુ બાકી છે યાર અને કેશુભાઇએ કાલે અનાથાશ્રમમાં હાજર રહેવાનો ફોન કરીને આદેશ આપ્યો છે. તને તો ખબર જ છે ને, કે કામનું કેટલું પ્રેશર છે. જો હું એક દિવસ પણ રજા રાખીશ તો કોઈ પણ વેપારીને સમયસર માલ નહિ આપી શકીએ. પોતાની ગેરહાજરીમાં ઘણું કામ અટકી જશે એ જણાવતા મીનાક્ષીએ સોનલને કહ્યું.


હા, સાચી વાત છે. હમણાં કામ ઘણું જ છે. ઓછામાં પૂરું ત્રણ છોકરીઓ તો બે દિવસથી કામ પર આવતી જ નથી. અને હમણાં તો વેપારીઓનો ઓર્ડર પણ બધો ઇમરજન્સી વાળો જ આવે છે. વિચારને આપણે બને ત્યાં સુધી સુલાઈ મશીન પર કામ નથી કરતા. બધું જ કામ છોકરીઓ પાસે જ કરાવીએ છીએ. પણ આ ઇમરજન્સી ઓર્ડરના કારણે બે દિવસથી તો આપણે બંનેએ ડ્રેસ સિવ્યા જ છે ને! સોનલે મીનાક્ષીને વાતને સમર્થન આપતા કામના ભારણને દર્શાવતા કહ્યું.


"હું કેશુભાઈને ના પાડી દવ છું." ફોન પોતાના પર્સમાંથી બહાર કાઢતા મીનાક્ષીએ સોનલને કહ્યું.


"અરે, એવું કાંઈ કરાતું હશે. કેશુભાઈને કેટલો લગાવ છે તારા ઉપર. એક દીકરીની જેમ ઉછેરીને મોટી કરી છે. તું એને ના પાડીશ તો કેટલું દુઃખ લાગશે તેમને. કેટલા અધિકાર ભાવે તને ત્યાં જવા માટે કહ્યું છે. તું કાલે જજે બેફિકર થઇને. હું અહી છું ને, સંભાળી લઈશ." સોનલે મીનાક્ષીને નિશ્ચિંત થઈને જવા માટે કહ્યું.


"હા, સાચી વાત છે. કેશુભાઇએ એક બાપની ફરજ પૂરી પાડી છે. એના થકી જ આ સીવણ ક્લાસ ખોલી શક્યાને. બાકી આપણી તો ક્યાં ઔકાત હતી કે આવડું મોટું સીવણ ક્લાસ શરૂ કરી શકીએ. હવે એણે જે કામ શરૂ કરી આપ્યું એની વ્યસ્તતામાં જ હું એમના જ કામમાં ના પાડું એ ખરેખર ખોટું કહેવાય. હું કાલે જઈશ જ અનાથાશ્રમ." સોનલની વાત સાથે સહમત દર્શાવતા મીનાક્ષીએ કહ્યું.


સોનલ :- હા, હવે બરોબર.


મીનાક્ષી :- પણ યાર એક વસ્તુ મને ના સમજાણી?


સોનલ :- શું? થોડા આશ્રર્ય સાથે.


મીનાક્ષી :- અત્યાર સુધીમાં ક્યારેય કેશુભાઇએ આટલા અધિકાર ભાવે મને નથી કહ્યું. એ દર વખતે કોઈ કામ માટે મને બોલાવતા તો એ જરૂર મારી અનુકૂળતા પૂછી લેતા. એ સામેથી જ કહેતા કે જો આવવાની અનુકૂળતા હોય તોજ આવજે. પણ આજે મે એમને આપણા કામની વ્યસ્તતા જણાવી તો પણ એ ના માન્યા. અને મને કહ્યું કે મારે કાલે મીનાક્ષી અહી જોઈએ જ.


સોનલ :- છે તો વાત વિચારવા જેવી. તે કીધું એ પછી એક વિચાર મને પણ આવ્યો કે કોઈ ધનાઢય કુટુંબ બાળકોને જમાડવા માટે આવે તો એ કાંઈ સેવા વાળા માણસો ના શોધે. એ તો એની સાથે માણસો લઈ ને જ આવે ને. સોનલે પણ પોતાનો વિચાર રજૂ કર્યો.


મીનાક્ષી :- જે હોય તે. હવે તો કાલે ત્યાં જઈશ પછી જ ખ્યાલ આવશે. વિચારોને પૂર્ણ કરવાના આશયથી કહ્યું.


સોનલ :- હમ. ટૂંકો જવાબ આપ્યો.


મીનાક્ષી :- ચાલો આજે મોડે સુધી કામ કરીશું એટલે કાલે તારે વધારે કામનું પ્રેશર ના રહે. ઓફિસ ની ખુરશી પરથી ઉભા થતા કહ્યું.


સોનલ :- ના તારે ઓફિસનું કામ પૂરું કરવું હોય તો કરી દે. કાલે હું સવારે વહેલા ઊઠીને સીવણ ક્લાસ આવી જઈશ અને કામ પૂરું કરી નાખીશ. ત્રણ છોકરીઓ રજા પર છે એને પણ પૂછી લવ જો એકાદ છોકરી પણ કાલ પૂરતી આવી જાય તો કામ પૂરું કરવામાં આપણે આસાની રહે. પર્સ માથી ફોન કાઢતા મીનાક્ષીને કહ્યું.


એક પછી એક ત્રણેય છોકરીઓને ફોન કર્યા પછી સોનલે હસતા મુખે મીનાક્ષીને કહ્યું કે ત્રણેય છોકરીઓ કાલે કામ પર આવી જશે હવે તારે અહીંનું કંઈ ટેન્શન લેવાનું નથી તું કાલે બિન્દાસ અનાથાશ્રમ જઈ આવજે.


સારું તો કાલે જઈ આવું. મીનાક્ષી એ કહ્યું.


* * *


મયુર સવારમાં વહેલા જ અનાથાશ્રમ પહોંચી ગયો. ત્યાંના વાતાવરણ માં નીરવ શાંતિનો એહસાસ મયૂરને થઈ રહ્યો હતો. અનાથાશ્રમ ના પગથિયાં ચઢતાં જ જમણી બાજુમાં કેશુભાઇની ઓફિસ હતી. આગળ જતાં ડાબી બાજુ વળતા સળંગ ૬૦ ફૂટ લાંબી લોબી હતી જેની અડોઅડ જ કતારબંધ ૬ રૂમ હતી. જેમાં પ્રથમ એક રૂમમાં બાળકો માટે રમકડાં મૂકવામાં આવ્યા હતા જ્યારે છેલ્લા રૂમમાં બાળકો માટે રસોઈ કરવામાં આવતી. વચ્ચેના ચાર રૂમમાં બાળકો અને વ્યવસ્થાપકો રહેતા હતા. આખું અનાથાશ્રમ ઊંધા L આકારનું હતું. ઓફિસ અને બધા રૂમનું માળણ કામ સાગના લાકડામાં કરેલું હતું જેના પર વિલાયતી નળીયા બિછાવેલા હતા. જેટલું બાંધકામ કરેલું હતું એની સામે એટલું જ વિશાળ ફળિયું હતું. જેમાં રંગબેરંગી કલરના ફૂલઝાડ રોપાયેલા હતા. અને લાઈન બધ્ધ રીતે ૪ આસોપાલવના ઝાડ અને ૨ લીમડાના ઝાડ મેદાન પર આવતા સૂર્ય કિરણોને રોકી રહ્યા હતા.


મયૂરને જોતા જ કેશુભાઇએ મયૂરને આવકાર્યો. "વાહ મયુરભાઈ તમે તો બહુ વહેલા આવી ગયા." મયૂરને ગળે મળતા કેશુભાઈ એ કહ્યું. "મે આપને કીધેલું જ હતુંને કે હું વહેલો જ આવી જઈશ તમને મદદ કરાવવા." મયુરે પ્રત્યુતર વાળ્યો. "જો કે તમારે કોઈ કામ કરવાનું નથી બધા જ કામ માટે માણસો બોલાવી લીધા છે તમે ફક્ત બાળકોનો ઉત્સાહ વધારશો તો પણ ચાલશે." લોબીમાં જ એક ખુરશીને ખેંચી તેના પર બેસવાનો ઈશારો કરતા કહ્યું. " હા, ચોક્કસ હું બાળકોનો ઉત્સાહ વધારિશ જ પણ સાથે બધા કામમાં મદદ પણ કરીશ." ખુરશી પર બેસતા મયુરે કહ્યું.


એ જ સમયે મંડપ બાંધવા વાળા આવ્યા એટલે કેશુભાઈ એ તે લોકોને સૂચન કરી કઈ જગ્યા પર મંડપ નાખવાનો છે સમજાવી ફરી પાછા મયુરની બાજુમાં બેઠક લીધી.


મયુરે કેશુભાઈને અમુક પૈસા આપી દીધા જેથી કેશુભાઈને કોઈ જગ્યા પર પૈસા ચૂકવવા પડે તો ચૂકવી શકે. પછી મયુરે આજ નું આયોજન કઈ રીતે કરવાનું છે તેની માહિતી કેશુભાઈ પાસેથી લીધી. "મયુરભાઈ આજે બધા બાળકોને મે વહેલા જ તૈયાર કરી દીધા છે એ બધા બાળકોને હું અહી મોકલું છું એ બાળકો સાથે થોડો વાર્તાલાપ કરો ત્યાં સુધી હું રસોડાનું થોડું કામ પૂરું કરીને આવું." ખુરશી પરથી ઉભા થતા કેશુભાઇએ કહ્યું.


"સારું મોકલો બાળકોને, તમે આવો ત્યાં સુધી હું તેમની સાથે પરિચય કરી લવ." મયુરે કહ્યું.


કેશુભાઈ બધા જ રૂમમાં જઈ બાળકોને લોબી પર આવી જવા સૂચના આપતા આપતા રસોઈ વાળા રૂમ પર જાય છે.


થોડી વારમાં જ એક એક રૂમમાંથી બાળકો કતારબદ્ધ લાઈનમાં આવી મયુરની સામે સરખી પાંચ હરોળમાં બેઠક લે છે. મયુર બાળકોની આવી શિસ્ત જોઈને આનંદિત થઇ ગયો. મયુરે એક પછી એક બાળકને ઊભા થઈ તેમનો પરિચય પૂછી રહ્યો હતો. એ જ સમયે દરવાજા આગળ કોઈને જોઈ ને બાળકોએ બધી શિસ્ત ભૂલી દરવાજા તરફ દોટ મૂકી.


ક્રમશઃ
પ્રમોદ સોલંકી


દરવાજા તરફ કોણ આવ્યું હશે જેથી બાળકોએ બધી શિસ્ત ભૂલી દોટ મૂકી?
અનાથાશ્રમમાં કરેલું આયોજન કેવું રહેશે?

જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા - જોખા"

વધુ આવતા અંકે........

આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ
આભાર🙏🙏🙏