Kudaratna lekha - jokha - 20 books and stories free download online pdf in Gujarati

કુદરતના લેખા - જોખા - 20


આગળ જોયું કે મયુર વહેલા અનાથાશ્રમ પહોંચી જાય છે ત્યાં બાળકો સાથે પરિચય કરાવી રહ્યો હતો ત્યાંજ દરવાજા પર કોઈ આવતા બાળકો શિસ્ત તોડી આવેલ વ્યક્તિને મળવા દોટ મૂકે છે
હવે આગળ........

* * * * * * * * * * * * * *

આભો બનીને મયુર બાળકોને દોડતા જોય રહ્યો. આવનાર બુકાનીધારી છોકરીનો ચેહરો દેખાતો ન હોવા છતાં બાળકો તેને ઓળખી ગયા અને એની ફરતે કુંડાળું કરી ઊભા રહ્યા. છોકરીએ ધીરેથી બુકાન હટાવી ગોઠણ ભર બેસી બધા બાળકોને એક સાથે પોતાની બાહોમાં સમાવી લીધા. ચહેરા પરથી બુકાન હટતા જ મયુર ખુરશી પરથી ઊભો થઈ ગયો. એક ઉંહકારા સાથે મોઢા માંથી "મીનાક્ષી" નામનો શબ્દ બહાર નીકળ્યો. મયુરે તો કલ્પના પણ નહોતી કરી કે મીનાક્ષી આજે અહીં જોવા મળશે. એ આશ્ચર્યભરી નજરે મીનાક્ષી સામે જોઈ રહ્યો. મયુરનું મોઢું મીનાક્ષીને જોઇને આપો આપ ખુલ્લું ને ખુલ્લું રહી ગયું.


મીનાક્ષીએ પોતાના પર્સમાંથી ચોકલેટ કાઢી બાળકોને આપી રહી હતી. બાળકો પણ ઉત્સાહથી ચોકલેટ લઈ મીનાક્ષી ના ગાલ પર ચુંબન આપી ચોકલેટની ભરપાઈ કરી રહ્યા હતા. ધીરેધીરે બધા બાળકો ચોકલેટ લઈ લોબી તરફ આગળ વધ્યા. મીનાક્ષી પણ બાળકોની પાછળ લોબીમાં આવી રહી હતી ત્યાં જ તેની નજર મયુર પર પડી. મયુર પણ મીનાક્ષીને ક્યારનો ઘુરી રહ્યો હતો જેવી નજર મીનાક્ષી ની મયુર પર પડી તરત જ મયુરને ભોંઠપનો એહસાસ થયો. એણે તરત જ પોતાની નજર નીચી કરી લીધી. નજર ઊંચી કરી ત્યાં સુધીમાં મીનાક્ષી મયુરની સામે ઉભી હતી.


મીનાક્ષીએ હાઈ કહીને હાથ મયુર સામે લંબાવ્યો. જે મયુરની અપેક્ષા બહારની વાત હતી. મયુરે પણ મીનાક્ષીને હાથ મેળવતા હાઈ કહ્યું.


કેમ તમે આજે અહીં? મનમાં ઘોળાઈ રહેલો પ્રશ્ન મીનાક્ષીએ પૂછી નાખ્યો.


જો કે મયુર જ આ પ્રશ્ન મીનાક્ષીને પૂછવા માંગતો હતો પરંતુ મીનાક્ષીએ પહેલાં શરૂઆત કરી નાખી.


મારા પપ્પાને અનાથાશ્રમ ના બાળકો પ્રત્યે ખૂબ જ લગાવ હતો એટલે મેં વિચાર્યું કે એમના મોક્ષાર્થે બાળકોને હું મારા હાથે ભોજન કરાવું. માટે જ આજે હું અહી આવ્યો છું. મયુરે પ્રત્યુતર વાળ્યો.


મયુરનો જવાબ સાંભળી મીનાક્ષીને થોડી નવાઈ લાગી. જો ખરેખર મયુર જ બાળકોને જમાડવા માટે આવવાનો હતો તો કેશુભાઇએ કેમ મયુરનું નામ ના લીધું. અને મયૂરને તો હવે હું ઓળખું પણ છું. એને ઘરે પણ જઈ આવી તો નામ છુપાવવા પાછળ શું કારણ હોય શકે?


હજુ મીનાક્ષી વિચારોમાં જ હતી ત્યાં મયુરે પોતાની આંખોથી જ શું થયું તેવો ઈશારો મળતા મીનાક્ષી વિચારોમાંથી બહાર આવે છે.


ઓહ આઇ એમ સોરી......
તમારા પરિવારનું અચાનક જ .......... આગળ ના બોલી શકી મીનાક્ષી.


ઉપરવાળાને ગમ્યું તે ખરું. ખૂબ દ્રઢતાથી મયુરે કહ્યું. કદાચ મયુર આ દુઃખદ ઘટનાને સ્વીકારતા શીખી ગયો હતો.


હા. એ ક્યાં આપણા હાથની વાત છે. કુદરતના લેખમાં થોડું કોઈ મેખ મારી શકે? પણ હા પરિવાર વગરનું જીવન કેટલું કષ્ટદાયી હોય એ હું સારી રીતે જાણું છું. મીનાક્ષી પોતે પણ એક અનાથ છે એવું જાણી જોઈને દર્શાવ્યું કદાચ એનાથી મયૂરને થોડી સાત્વના મળે.


કષ્ટદાયી તો છે જ. પરિવાર વગરનું જીવન કેવું થઈ જાય છે ખબર છે? મયુર કહ્યું.


કેવું?


પાટા વગરની ટ્રેન જેવું. ટ્રેનને આગળ જવા માટે કોઈ માધ્યમ જ નથી રેતો. ટ્રેન ક્યારે ક્યાં ફંટાઈ જાય એ નક્કી જ નહિ... ભારોભાર દુઃખ છલકાતું હતું મયુરના શબ્દોમાં.


પણ હવે તમારે એ ટ્રેનની આગળ પાટા પણ ગોઠવતા જવાનું છે અને ટ્રેનને ફૂલ સ્પીડ દોડાવવાની પણ છે. મયૂરને પ્રોત્સાહન પૂરું પાડવા મીનાક્ષી એ કહ્યું.


મયુર માટે આ શબ્દો દિલાસો આપવા માટે કાફી હતા. મીનાક્ષી ના શબ્દો મયૂરને હૂંફ આપી રહ્યા હતા.


બનતા બધા જ પ્રયત્નો કરીશ કે ટ્રેન સીધી જ ચાલે. મયુરના શબ્દોમાં વિશ્વાસ છલકતો હતો.


પણ હા એક વાત પૂછવાની તો ભુલાઈ જ ગઈ કે તમે આજે અહી કેમ? પેહલા જ પૂછવાનો પ્રશ્ન ફરી યાદ આવતા અત્યારે પૂછી નાખ્યો મયુરે.


કાલે કેશુભાઈ નો ફોન આવ્યો હતો કે તારે અહી આખો દિવસ હાજર રહેવાનું છે માટે જ હું અહી આવી છું. જવાબ વાળ્યો મીનાક્ષી એ.


સારું થયું તો તો મારે પણ તમારી કંપની રહેશે. મયુરે ખુશ થતા કહ્યું.


હા ચોક્કસ કેમ નહિ!


કેશુભાઈ રસોડાની દીવાલની પાછળ મયુર અને મીનાક્ષી વચ્ચે થઈ રહેલી વાતોને દૂરથી જોય રહ્યા હતા. તેમના ચહેરા પર સ્પષ્ટ રાજીપો વર્તાઈ રહ્યો હતો. મીનાક્ષી અને મયુરના ચહેરા પર ઉપસતા ભાવોને વાંચવા તેમની નજર થોડી વાર મયુર પર સ્થિર થતી તો થોડી વારે મીનાક્ષી પર સ્થિર થતી. આખરે બંનેના ચહેરાને ખીલેલા જોય એક નિર્ણય પર આવ્યા. એ નિર્ણય આ આયોજન પૂર્ણ થાય પછી રજૂ કરશે તેવું મનોમન નક્કી કર્યું. બંનેને છુપાઈને વધારે વખત સુધી જોવા યોગ્ય ના લાગતા એ લોકો જ્યાં ઊભા હતા તે તરફ કેશુભાઈ આગળ વધે છે.


ઓહ..... મીનાક્ષી બેટા તું ક્યારે આવી? તેમની તરફ પહોંચતા જ અજાણ બની મીનાક્ષીને પ્રશ્ન કર્યો.


હું તો ક્યારની આવી ગઈ છું. તમે મને બોલાવો અને હું ના આવું એવું થોડું બની શકે! મીનાક્ષીએ કહ્યું.


સારું થયું બેટા તું આવી ગઈ. તું સાથે હોય એટલે મને ઘણી ધરપત રહે છે. માટે જ તને ખાસ આગ્રહ કરીને અહી બોલાવી. કેશુભાઇએ કહ્યું.


પણ એક વસ્તુ મને ના સમજાણી? જો મયુર જ બાળકોને જમાડવા માટે આવવાનો હતો તો તમે મને એનું નામ કેમ ના જણાવ્યું? હું મયૂરને ઓળખું જ છું ને! મનમાં ગૂંગળાઈ રહેલો પ્રશ્ન મીનાક્ષીએ પૂછી લીધો.


અરે એ તો કામની દોડાદોડીમાં કહેવાનું રહી ગયું. ચાલો તમે અહી બેસો હું તમારા માટે ચા મોકલાવું છું. આટલું કહેતા જ કેશુભાઈ રસોડા તરફ આગળ વધ્યા. કદાચ એ આ વાતને વધારે દહોરાવવા નહોતા માંગતા.


મયુર અને મીનાક્ષી વાતો કરી રહ્યા હતા એ સમયે જ મયૂરને કંઇક યાદ આવતા ખુરશી પરથી ઉભા થઇ સાગરને ફોન લગાવે છે સાગરે ફોન ઉપાડતા જ મયુરે કહ્યું કે " અરે યાર તમારે મારું એક કામ કરવું પડશે. હું અહી બાળકો માટે કશું લીધા વગર જ આવી ગયો છું. તમારે મીઠાઈ ની સાથો સાથ ચોકલેટ, બાળકોના પુસ્તકો અને રમકડાં લેતા આવવાના છે" (મીનાક્ષીએ બાળકોને ચોકલેટ આપતા જોય ત્યારે જ મયૂરને આ વિચાર આવેલો)


ભલે! અમે લઈ આવીશું પણ અમે આ બધો સામાન એક રિક્ષામાં ત્યાં મોકલી આપીશું. અમે ત્યાં નહિ આવીએ. સાગરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. કદાચ હજુ તેના મનમાં મીનાક્ષી અને કેશુભાઇ નો ડર હતો.


હા.. કશો વાંધો નહિ. પણ ભૂલ્યા વગર બધી વસ્તુ મોકલજો.


ફોન પર વાત કરીને મયુરે ફરી પાછી મીનાક્ષી ની બાજુમાં બેઠક લીધી. ત્યાં જ કેશુભાઈ પોતે જ ચા લઈ આવ્યા.


અરે મને કીધું હોત તો હું લઈ આવત. કેશુભાઈના હાથમાંથી કીટલી અને રકેબી લેતા મીનાક્ષીએ કહ્યું.


બીજા માણસો કામમાં હતા તો હું જ લઈ આવ્યો.


ચા પીતા પીતા જ કેશુભાઈ, મીનાક્ષી અને મયુરે આગળ કઈ કઈ પ્રવૃત્તિ કરવાની છે તેનું આયોજન કર્યું. જેમાં નક્કી કરવામાં આવ્યું કે પેહલા બાળકોને મેદાનમાં જુદી જુદી રમતો રમાડવી. પછી બાળકોને જમાડવા અને છેલ્લે બાળકોને પ્રોત્સાહન મળી રહે એ માટે ત્રણેએ થોડું વ્યક્તવ્ય આપવું.


ક્રમશ:
પ્રમોદ સોલંકી


કેશુભાઇએ શું નિર્ણય કર્યો હશે?
બાળકો આવી પ્રવૃતિથી કેટલા ઉત્સાહિત થશે?
શું મયુર મીનાક્ષી પોતાના દિલની વાત કહી શકશે?


જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા - જોખા"


વધુ આવતા અંકે........


આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ
આભાર🙏🙏🙏