Chamadano naksho ane jahajni shodh - 15 books and stories free download online pdf in Gujarati

ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 15

જહાજ ધ્રુજવા લાગ્યું. એટલે ક્રેટી અને એન્જેલાના પેટમાં તો ફફડાટ વ્યાપી ગયો. જ્યારે બાકીના બધા જાણે કંઈ બન્યું જ ના હોય એવીરીતે જહાજના વિવિધ ભાગો ચેક કરતા હતા.



"પીટર તને કંઈ અનુભવાતું નથી.! આખું જહાજ હાલક - ડોલક થઈ રહ્યું છે.' કોલસો ચેક કરી રહેલા પીટરને પાછળથી હચમચાવતાં એન્જેલા બોલી.



"અરે પણ આટલી ગભરાય છે કેમ તું ? દરિયાના પાણીની સપાટી હવે જહાજના તળિયાને અડકીને ઉપર આવી રહી છે એટલે જહાજ પાણીમાં આમતેમ હલે છે.' પીટર એન્જેલાને સમજાવતા બોલ્યો.



"પણ..' એન્જેલા હજુ પણ ગભરાયેલી હતી. એ આટલું બોલીને અટકી ગઈ.



"પણ શું ?? અકળાયેલા પીટરે સામો પ્રશ્ન કર્યો.



"આપણે જ્યારે જહાજ ઉપર ચડ્યા હતા.ત્યારે જહાજ પાંચ મોટા પથ્થરો ઉપર પડ્યું હતું. અને હવે જો પાણીના કારણે એ પથ્થરો ઉપરથી પાણીમાં ગબડી પડ્યું તો ?' મુંઝાયેલી એન્જેલાએ નિદોષ ભાવે પૂછ્યું.



"અરે પગલી દરિયાની સપાટી બધી બાજુથી એક સરખી વધી રહી છે. એટલે પથ્થરો ઉપરથી જહાજ ઊંચકાઈ જશે. અને ત્યારબાદ દરિયામાં તરતું થઈ જશે.' પીટરે એન્જેલાના મનમાં ઉદ્બવેલી શંકાનું સમાધાન કરતા કહ્યું.


"તો પણ અમને બન્નેને ખુબડર લાગી રહ્યો છે.' એન્જેલાની પાસે ઉભેલી ક્રેટી ધ્રુજતા અવાજે બોલી.



"એતો તમે બન્ને પહેલા ક્યારેય જહાજને જોયું નથી. અને જહાજ ઉપર ક્યારેય ચડ્યા નથી. એટલે આવું થાય છે.' પીટરે એક અનુભવી નાવિકની અદાથી ક્રેટીને જવાબ આપ્યો.



ક્રેટી આમ એન્જેલા સિવાયના બીજા તમામ અનુભવી નાવિકો હતા. અને દરિયા તેમજ જહાજ અકસ્માતના બહોળા જ્ઞાનના જાણકાર હતા. એમને બધાને ખબર હતી કે દરિયા તેમજ જહાજ ઉપર કેવી-કેવી આપત્તિઓ સર્જાઈ શકે છે. અને એ આપત્તિમાંથી બચવા માટે કેવા ઉપાયો કારગત નીવડે એ વાતથી પણ સૌ માહિતગાર હતા.



"જ્યોર્જ જહાજના બધા એન્જીન બરોબર છે ને ?' એન્જીનની તપાસ કરી રહેલા જ્યોર્જને કેપ્ટ્ન હેરીએ પૂછ્યું.



"હા કેપ્ટ્ન.. પણ અહીંયા થોડોક કાટ વળી ગયો છે જેના કારણે જયારે જહાજ વધારે ઝડપથી ગતિ કરતું હશે ત્યારે એન્જીનનું આ બહારનું પડ ફાટી જવાની સંભાવના દેખાઈ રહી છે.' જ્યોર્જ મુખ્ય એન્જીનના બહારના પડ તરફ આંગળી કરીને બોલ્યો.



જ્યોર્જે બતાવેલા એન્જીનના પડ સામે કેપ્ટ્ન થોડીકવાર માટે તાકી રહ્યા. આખુ જહાજ જે પોલાદમાંથી બન્યું હતું. ત્યાં ક્યાંય કાટ જોવા મળ્યો નહોતો. પણ આ એન્જીનને કાટ લાગેલો જોઈને જ્યોર્જ તેમજ કેપ્ટ્ન બન્ને વિસ્મય પામ્યા.



"બાકીના ત્રણેય એન્જીનો તો બરોબર છે ને ?' કેપ્ટ્ન ધીમેથી બોલ્યા.



"હા કેપ્ટ્ન.' જ્યોર્જે ટૂંકો ઉત્તર આપ્યો.અને પછી એ જહાજના તૂતક તરફ જવા રવાના થયો. કેપ્ટ્ન પણ એન્જીન તરફ છેલ્લી એક નજર નાખીને જ્યોર્જની પાછળ તૂતક તરફ જવા લાગ્યા.



એન્જેલા અને ક્રેટી પણ તૂતક ઉપર આવી પહોંચી હતી. એ બન્ને હજુ ગભરાયેલી હતી. બાકી બધા તો આજે ખુશ - ખુશ હતા. કારણ કે જહાજ મળ્યા પહેલા કેપ્ટ્ને એવું અનુમાન કર્યું હતું. કે જહાજ શોધ્યા પછી જહાજનું બહુજ સમારકામ કરવું પડશે. પણ એવું કંઈ કરવું પડ્યું નહિ એટલે બધા ખુબ જ રાજી હતા.



હવે ફક્ત પાણીની સપાટી થોડીક વધે તો જહાજને પાણીમાં તરતું મુકવાનું હતું. અને પછી જો એન્જીન ચાલુ થઈ જાય તો એમની દરિયાઈ મુસાફરી શરુ થવાની હતી.



સૂરજ હવે સાવ પશ્ચિમમાં ઢળી ચુક્યો હતો. આકાશમાં રાતાશ તરી આવી હતી. સૂર્યના લાલ કિરણો દરિયાના પાણીમાં લાલ રંગને પ્રસ્થાપિત કરી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું. પેગ્વિન પક્ષીઓના ટોળાં હજુ દરિયા કિનારે આમ તેમ ફરતા હતા.



"કેપ્ટ્ન સાંજ પડવા આવી છે અને આપણે પાસે ખાવા માટેની તો કોઈ વસ્તુ પણ નથી.! હવે શું કરીશું ?' રોકી ચિંતિત અવાજે બોલ્યો.



"હા, આ સૌથી મોટી ઉપાધિ છે. દરિયાની સપાટી પણ વધી ગઈ છે નહિતર તરીને પણ જંગલ સુધી જઈને ખાવા માટે કંઈક લઈ આવત.' કેપ્ટ્ન પણ ચિંતાથી ઘેરાયેલા અવાજે બોલ્યા.



"અરે એ માટે આટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. જહાજના ભંડાકિયામાં હોડીઓ પડી છે એ ક્યારે કામ લાગશે ? કોઈ પણ બે જણ જઈએ હોડી લઈને આ કંઈક ખાવાનું લેતા આવીએ.' પીટરે આવી પડેલી ઉપાધિનું નિવારણ કાઢતા કહ્યું.



"પીટરની વાત સાચી છે. હોડી ચલાવ્યાને ઘણો સમય થઈ ગયો છે એટલે મારા હાથ હલેસા મારવા માટે તરસી રહ્યા છે.' પીટરની વાત સાંભળતાની સાથે જ ફિડલનું નાવીકપણું જાગી ઉઠ્યું. એ ઉત્તેજિત અવાજે બોલી ઉઠ્યો.



"ઠીક છે. હોડી લઈને જાઓ. પણ ફિડલની સાથે હોડીમાં બીજું કોણ જશે ?' કેપ્ટ્ને બધા સામે જોઈને પૂછ્યું.


"હું જઈશ.' પીટર બોલ્યો.


"ના, પીટર તું અહીંયા જ જહાજ ઉપર રહે. તારા વગર આ એન્જેલા બિચારી અકળાઈ જાય છે. એટલે તું મને જવા દે.' રોકી હસી પડતા બોલી ઉઠ્યો. રોકીની વાત સાંભળીને બધા હસી પડ્યા. અને રોકીની વાત પણ સાચી હતી. પીટર જયારે એન્જેલા પાસે ન હોતો ત્યારે એન્જેલા વ્યાકુળ બની જતી.


થોડોક જ દિવસ બાકી રહ્યો હતો. એટલે જંગલમાંથી ફળો વગેરે ખાવાનું લઈને જલ્દી પાછુ ફરવાનું હતું. એટલે ફિડલ અને રોકી તૂતક ઉપરથી નીચે જહાજના ભંડાકિયામાં ગયા. અને ભંડકીયામાંથી દરિયાના પાણીમાં એક હોડી તરતી મૂકી. પછી બન્ને મિત્રો એ હોડીમાં બેસી ગયા. ફિડલ ઉત્તેજિત થઈને હોડીના હલેસા મારવા લાગ્યો. ધીમે-ધીમે હોડી સરકીને આ વિશાળ જહાજથી દૂર જવા માંડી. અને પછી કુંડાળાકાર ખડકોના અભેદ કિલ્લામાંથી બહાર નીકળીને જંગલ તરફ જવા લાગી. જહાજ ઉપર ઉભેલા બધા જ્યાં સુધી હોડી દેખાતી બંધ ના થઈ ત્યાં સુધી હોડીને જોઈ રહ્યા.


રોકી અને ફિડલ દરિયા કિનારે પહોંચી. ત્યાં કિનારા પાસે જ હોડીને લાંગરી. અને પછી બન્ને જણ ખોરાકની શોધમાં જંગલ તરફ ઉપડી ગયા.


આ બાજુ દરિયાની સપાટી વધતા જહાજ એકદમ તરતું થઈ ગયું. જહાજ જે પથ્થરો ઉપર સ્થિર પડ્યું હતું. એનાથી લગભગ સાતેક મીટરથી પણ વધારે દરિયાની સપાટી વધી હતી એટલે જહાજ પથ્થરો ઉપરથી ઊંચકાઈને પાણી ઉપર એકદમ છૂટું તરી રહ્યું હતું.


"પીટર અહીંયા જ દરિયામાં ઊંડા લંગર નાખી દો. નહિતર જહાજ જો વધારે આમતેમ ડોલ્યું તો કોઈક ખડક સાથે અથડાઈ જશે.' કેપ્ટ્ને પીટરને સાવધ કરતા કહ્યું.


"પણ કેપ્ટ્ન જહાજનું એન્જીન ચાલુ કરીને આ કુંડાળાકાર ખડકો વચ્ચે જે જગ્યા છે ત્યાંથી જહાજને બહાર કાઢી લઈએ તો કેવું ?' પ્રોફેસરે કેપ્ટ્નને પૂછ્યું.


"હા એ પણ બરાબર છે. જ્યોર્જ તું નીચે જા. અને જહાજના એન્જીન ચાલુ કર.' કેપ્ટ્ને જ્યોર્જને સૂચના આપી.


જ્યોર્જ તૂતક ઉપરથી નીચે ગયો. અને જહાજના એન્જીન ચાલુ કરી નાખ્યા. ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ચડવા લાગ્યા. અને થોડીકવાર પછી હળવા આંચકા સાથે જહાજ આગળની તરફ સરકવા લાગ્યું.


જહાજ પર હાજર સૌ આનંદની કિકિયારી પાડી ઉઠ્યા.
થોડીવારમાં તો જહાજ પેલા કુંડાળાકાર ખડકોની વચ્ચે આવેલી વિશાળ જગ્યામાંથી પસાર થઈને મુક્ત અને અફાટ ફેલાયેલા દરિયામાં પ્રવેશી ગયું.


ફિડલ અને રોકી જંગલમાંથી થોડાંક કંદમૂળ તેમજ ફળો લઈને દરિયા કિનારે એમની હોડી જ્યાં લાંગરેલી હતી ત્યાં પાછા ફર્યા.


"અરે ફિડલ ત્યાં જો.. કેપ્ટ્ને જહાજને ખડકોની વચ્ચેથી બહાર કાઢી લીધું.' દૂર ઉડતા ધુમાડાના ગોટાઓ તરફ જોઈને રોકી આનંદિત અવાજે બોલી ઉઠ્યો.


"હા, ચાલ મારે પણ હવે ચાલતા જહાજ ઉપર સવારી કરવી છે. ઘણો સમય થઈ ગયો. જહાજમાં મુસાફરી કર્યાને.' ફિડલ ઉત્સાહિત થતાં બોલ્યો.


રોકીએ ઝટપટ હોડીનું લંગર છોડી નાખ્યું. અને પછી બન્ને મિત્રોએ ઝડપથી જહાજ તરફ પ્રયાણ કર્યું.


(ક્રમશ)