Case No. 369 Satya ni Shodh - 5 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 5

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”

ડો. હિના દરજી

પ્રકરણ : ૫

કરણ જાતે ત્રીજા અપરાધીનું નામ બોલે છે: “વિક્રાંત ગાંધી......” કરણ એક હાથ સંજયનાં ખભા પર અને બીજો હાથ વિશાલનાં ખભા પર મૂકે છે.: “વિક્કી... વિક્રાંત ગાંધીનું હુલામણું નામ... મારા નાનપણનાં ભેરું અર્જુન ગાંધીનો નાનો ભાઈ...”

કરણ આટલું વાક્ય બોલી ભૂતકાળમાં સરવાની તૈયારીમાં હતો. ત્યાં યાદ આવે છે એને હોસ્પિટલ જવાનું છે. જ્યારે સંજય અને વિશાલને એક નવો ઝટકો લાગ્યો હતો. બન્નેને પર્વતસિંહ રાઠોડનું અચાનક બીમાર થવાનું નાટક પણ સમજાય છે. અપરાધીનો આત્મવિશ્વાસ અને કરણનું મુંજાવું પણ થોડું સમજમાં આવે છે.

સંજય અને વિશાલ ખભા પર મૂકેલા કરણનાં હાથ પણ પોતાના હાથ મૂકે છે. “અર્જુન મારો જીગરજાન લંગોટિયો મિત્ર... અમે અમદાવાદ એક સ્કૂલમાં ભણતા... અમારા ક્વાર્ટર પણ સાથે-સાથે હતા... એના અને મારા પપ્પા એક જ પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર તરીકે કામ કરતા હતા... મારા કરતા પણ હોશિયાર, ચબરાક, ચપળ, ચાલાક અને ખતરનાક મગજ ધરાવતો મારો ખાસ દોસ્ત... જોખમો ખેડવાનો એનો સ્વભાવ કહો કે શોખ કહો... કોઈપણ કપરી પરિસ્થિતીમાંથી બહાર આવવાની એની આવડત બહુ કાબિલે તારીફ હતી... એ એના નાના ભાઈ વિક્કીને આવી સ્થિતિમાં મૂકી કેવી રીતે શકે? નક્કી અર્જુન પણ કોઈ મોટી મુસીબતમાં છે અને એના સુધી પહોંચવું ખૂબ જરૂરી છે... ખાસ તો મને ચિંતા એ વાતની છે કે એનામાં ગમે એવી મુસીબતમાંથી બહાર આવવાની આવડત હોવા છતાં એ તકલીફમાં કેવી રીતે આવી શકે એ સમજાતું નથી?”

કરણનાં આ ખુલાસાથી સંજય અને વિશાલને એમના ઘણાં જવાબ મળી જાય છે. સાથે બન્નેને એ વિચાર પણ આવે છે કે છેલ્લા ત્રણ વર્ષથી કરણ સાથે કામ કરે છે પણ આવા દોસ્ત વિષે ક્યારેય વાતચીત નથી થઈ એવું કેમ થયું હશે? વર્ષોથી બન્ને મિત્રો એકબીજાને મળ્યા નથી એનું કારણ શું હશે?

અર્જુનના વિચારોમાંથી કરણ બહાર આવે છે: “સંજય, મારે પપ્પાને હોસ્પિટલ જઈ વિશ્વાસ અપાવવો પડશે કે હું આ કેસથી દૂર છું... મને આ કેસમાં કોઈ રસ નથી... હવે મારો પૂરો આધાર તમારા બન્નેની હોશિયારી અને બાતમી મેળવવાની કામગીરી પર છે... મને વિશ્વાસ છે કે તમે બન્ને ખૂબ સારું કામ કરશો અને મારી આપેલી ટ્રેનીંગનો ભરપૂર ઉપયોગ કરશો... તમારી અંદર રહેલા ખુફિયા પોલીસની કામગીરી ઉત્તમ રીતે કરશો... સંજય, તારે કોઈપણ હિસાબે વિક્કી પાસેથી અર્જુન ક્યાં છે એ માહિતી લઈને જ આવવાનું છે... તમારી પરીક્ષા આ ચોકીની બહારથી જ શરૂ થઈ જશે... Dy.s.p.એ મારી એકલાની પાછળ નહીં તમારી પાછળ પણ માણસ ગોઠવ્યા હશે... જે લોકો આપણે ત્રણેય શું કરીએ છીએ એની પળ-પળની માહિતી Dy.s.p.ને આપશે...”

સંજય અને વિશાલ સાથે સાવધાનની પોઝિશનમાં ઊભા રહી ‘યસ સર’ બોલે છે.

કરણ: “બીજી અગત્યની વાત... આપણે ત્રણમાંથી કોઈ એકબીજા સાથે ફોનથી વાત નહીં કરીએ... આપણા ફોન પણ ટેપ થઈ શકે છે... તમને જે પણ માહિતી મળે આપણા whatsapp ગ્રૂપમાં મેસેજ કરજો... હું જ્યાં સુધી તમને ફોન ના કરું તમારે ફોન કરવાનો નથી... જરૂર પડી તો આપણે વાત પણ whatsapp callથી કરીશું... યાદ રહે તમારે પોલીસની આંખોમાં ધૂળ છાંટી કામ કરવાનું છે... એ પણ Dy.s.p.ની ટીમનું ધ્યાન ગેરમાર્ગે દોરી આપણું કામ પર પાડવાનું છે... so be careful… all clear?”

બન્ને હકારમાં માથું હલાવે છે. કરણ ફરી બન્નેનાં ખભા થપથપાવી ઓફિસની બહાર નીકળે છે. સંજય અને વિશાલ બે-ત્રણ મિનિટ કામ કેવી રીતે અને ક્યાંથી શરૂ કરવું એ બાબતે થોડી ચર્ચા કરે છે. ખૂબ ઝડપથી એક નિર્ણય લે છે. સંજય અને વિશાલ ખૂબ સાવચેતીથી કોઈ અવાજ ના થાય એ રીતે ખૂણામાં મૂકેલું ફાઇલ કેબિનેટ ખસેડે છે. ફાઇલ કેબિનેટની પાછળની દીવાલમાં નાની બારી જેવો દરવાજો હોય છે એ ખોલે છે. દરવાજો ખૂલતાં અંદર નાનું કબાટ દેખાય છે. બન્ને કબાટ ખોલી એક મોટ્ટો થેલો કાઢે છે. સંજય થેલામાંથી સફેદ કુરતો, ખાદીની કોટી, દાઢી-મૂંછ અને સાદા કાચવાળા ચશ્મા કાઢે છે. વિશાલ સાદું ફોર્મલ પેન્ટ, સાદું શર્ટ, મૂંછ કાઢે છે. એ થેલાની અંદર બીજા પણ ઘણાં જાત-જાતનાં કપડાં, દાઢી-મૂંછ, જુદી જુદી ટોપીઓ અને બીજો અનેક સમાન હતો.

કરણે આ બધો સામાન બહુ મહેનતથી એકઠો કર્યો હતો. જ્યારે પણ કોઈ કેસમાં જાસૂસી કરવી પડે તો આ ખજાનો બહુ ઉપયોગમાં આવતો. બન્ને એમનો જોઈતો સામાન લઈ એમની રોજની હેન્ડબેગમાં મૂકે છે. થેલો પાછો એ જ્ગ્યા પર મૂકી કબાટ બંધ કરે છે. ફાઇલ કેબિનેટ પાછું એની અસલ જ્ગ્યા પર ગોઠવી દે છે. કોઈને પણ ખબર ના પડે કે ફાઇલ કેબિનેટની પાછળ જે દીવાલ છે એમાં એક કબાટ પણ છે, એટલું સરસ રીતે ફાઇલ કેબિનેટ દીવાલનું રક્ષણ કરતું હોય છે. બન્ને એમની હેન્ડબેગ લઈ બહાર નીકળે છે.

બહાર હવાલદારની રૂમમાં આવી સંજય બોલે છે.: “રાવજી, સર હવે મોડા આવશે... અમે પણ ઘરે જઈએ છીએ... કોઈ ઈમરજન્સી હોય તો મને ફોન કરજે હું આવી જઈશ... તમે ચારેય પણ વારાફરતી ઘરે જઈ આરામ કરી લેજો...”

બહાર એમની રાહ જોઈને ઊભા રહેલા માણસોને બન્ને ઘરે ગયા છે એ વિશ્વાસ અપાવવો ખૂબ જરૂરી હતો એટલે પહેલા ઘરે જવાનું નક્કી કર્યું. એકવાર પીછો કરનારાનું ધ્યાન એમના તરફથી દૂર જાય એટલે પાછલા દરવાજેથી પલાયન થવાનો પ્લાન નક્કી કર્યો હતો. સંજય અને વિશાલનું ક્વાર્ટર જોડે-જોડે હતું. બન્ને મોટાભાગે એક બાઇક પર જ આવતા. બન્ને ચોકીની બહાર નીકળે છે ત્યારે એમની પાછળ બે બીજા બાઇક પીછો કરતાં હતા. બાઈકના સાઈડમિરરથી સંજય અને વિશાલ એ જુએ છે અને ધીમું હસે છે. એજ રીતે કરણની જીપ પાછળ પણ એક બાઇક આવતું હતું એ કરણને ખબર પડી હતી. કરણ હોસ્પિટલ પહોંચે છે એ જ વખતે સંજય અને વિશાલ એમના ક્વાર્ટર પર આવે છે.

સંજય: “યાર વિશાલ, આખી રાત ચોકીમાં કાઢી બહુ થાક લાગ્યો છે... આખું શરીર અકડાઈ ગયું છે... હું તો સીધો સૂઈ જ જવાનો છું...”

વિશાલ: “હા... હું પણ સાંજ વગર ઉઠવાનો નથી... Dy.s.p. સરે પહેલાં કેસ આપ્યો... આખી રાત જાગવાનુ કહ્યું... આપણે એક મિનિટ પણ શાંતિથી બેઠા નથી... આખી રાતનો ઉજાગરો માથે પડ્યો... Dy.s.p. સરે એકજોતાતો આ કેસ પાછો લઈ આપણા પર તો મહેરબાની જ કરી છે...”

સંજય: “હા... તારી વાત સાચી છે વિશાલ... નહીં તો આપણે અત્યારે કોર્ટમાં ધક્કા ખાતા હોત... હવે તો આખો દિવસ આરામ કરી તન અને મન બન્ને રિલેક્સ કરીશું...”

વિશાલ: “હા... હું પણ પૂરો આરામ કરવા માંગુ છું...”

બન્ને જાણીજોઇને પીછો કરનાર સાંભળે એમ બોલી પોતાના ઘરમાં ગયા. પીછો કરતા માણસો આ સાંભળી રાહત અનુભવે છે. એક માણસ ફોન કરી કોઈની સાથે વાત કરે છે, બીજો માણસ ખિસ્સામાંથી સિગારેટ કાઢી હોઠ વચ્ચે દબાવે છે. સંજય અને વિશાલ બન્ને પોતાના ઘરની બારીમાંથી એ માણસોની પ્રતિક્રિયા જોઈ તીર નિશાના પર લાગ્યું છે એ જોઈ ખુશ થાય છે.

***

કરણ હોસ્પિટલ પહોંચે છે. હોસ્પિટલ આવતા રસ્તામાં અનેક વિચારો એને આવ્યા હતા. પપ્પાએ જ એને આ કેસથી દૂર કરાવ્યો છે એની ખાતરી કરવી હતી. પપ્પા આ બાબતમાં સામેલ હોય તો એ જરૂર જાણતા હશે કે વિક્કીને અપરાધી તરીકે મારી ચોકીમાં લાવવામાં આવ્યો છે. અમદાવાદ લગ્નમાંથી અચાનક પાછું આવવાનું થયું, તો એ પપ્પાને સાથે આવવાની ના પડતો રહ્યો પણ એ માન્યા નહીં. એને પપ્પાના આરામની ચિંતા હતી, તો પપ્પાને પોતાને આ કેસથી દૂર રાખવાની ઈચ્છા હતી. કરણને બધા વિચારો કરીને વિશ્વાસ આવ્યો હતો કે પપ્પા ઘણી બાબતો જાણે છે, પણ પુત્રનું હ્રદય પિતાની આ સચ્ચાઈ સ્વીકારવા માટે આનાકાની કરતું હતું. કરણ રિટાયર Dy.s.p. પર્વતસિંહ એટલે કે એના પિતાનો સાચા દિલથી આદર કરતો હતો. પોલીસની નોકરીમાં ઈમાનદારીથી કામ કરવાનું એ પિતા પાસેથી શીખ્યો હતો. એને વિશ્વાસ હતો કે એના પિતાએ કોઈ દિવસ ગુનેગારોને રક્ષણ આપ્યું નથી. કોઈ દિવસ હરામની કમાણી ઘરમાં લાવ્યા નથી. આજે આ વિશ્વાસ પાંગળો સાબિત થવાની અણી પર હતો. પોતે આ વિશ્વાસ તૂટે એવું કોઈ કાળે ઈચ્છતો નહોતો.

કરણના મન અને મગજમાં ગડમથલ ચાલતી હતી. એ જ વખતે સંજય અને વિશાલ પીછો કરનારાની નજરથી દૂર પોતાના ઘરમાં વેશ બદલવાની શરૂઆત કરતા હતા. પર્વતસિંહ હોસ્પિટલના ICUમાં હતા. એમને ઓક્સિજન આપવામાં આવ્યો હતો. BP અને પ્લસરેટનું મશીન થોડી સેકન્ડ પછી બીપ અવાજ કરતું હતું. કરણના મમ્મી સુધાબેનની આંખોમાંથી ગંગા-જમના સતત વરસતા હતા. એ ICUની બહારની લોબીમાં બાંકડા પર બેઠા હતા. સુધા જોડે શંકર બેઠો હતો જે સતત સાંત્વના આપતો હતો. શંકર ઘરનો નોકર કહો કે પર્વતસિંહનો ખાસ માણસ કહો. પર્વતસિંહની જોડે એમનો પડછાયો બની શંકર 24X7 એમની સાથે રહેતો.

કરણ આવે છે એટલે સુધાની આંખોમાં ફરીથી આંસુની ધાર શરૂ થાય છે. સુધા દીકરાને ભેટી રડવા લાગે છે. કરણ પણ સુધાને ભેટે છે. શંકર ઉદાસ ચહેરો લઈ કરણની નજીક આવે છે. કરણનું ધ્યાન સુધાનાં આંસુઓ તરફ નહીં પરંતુ શંકર પર હતું. શંકરના ચહેરા પરથી કરણ કોઈ તાગ મેળવવા માંગતો હોય એવું લાગતું હતું. શંકર પણ કદાચ જાણતો હતો કે કરણ એને શંકાની નજરથી જોશે એટલે એ બને એટલી ઉદાસી ચહેરા પર લાવી મગરમચ્છના આંસુ સારતો હતો.

સુધા દીકરા પાસે હૈયું ઠાલવે છે: “બેટા, અચાનક એમને છાતીમાં દુ:ખાવો થયો... આખી રાત ગાડીમાં સફર કરીને આવ્યા હતા એટલે મેં એમને ગરમ દૂધ આપી કહ્યું કે દૂધ પી સૂઈ જાવ... દૂધ પીતા હતા ત્યારે શુકલાનો ફોન આવ્યો એટલે એમણે એની સાથે વાત કરી... ફોન પર વાત ચાલતી હતી ને અચાનક એમને દુ:ખાવો શરૂ થઈ ગયો...”

***

પોલીસ ક્વાર્ટરમાં સંજય અને વિશાલ બન્ને હેન્ડબેગમાંથી લાવેલા કપડાં કાઢી ખૂબ ઝડપથી તૈયાર થાય છે. વિશાલ ચહેરા પર કાળી ક્રીમ લગાવી એનો ચહેરો થોડો કાળો બનાવે છે પછી મૂંછ લગાવે છે. સદા ફોર્મલ કપડાં અને ચહેરાનો રંગ બદલવાથી વિશાલનો ગેટઅપ બદલાઈ જાય છે. સંજય સફેદ કુરતો અને કોટી પહરે છે. વાળમાં તેલ લગાવી વાળ ચપ્પટ ઓળે છે. દાઢી અને મૂંછ લગાવે છે. પત્રકારની જેમ કાપડનો થેલો લબડાવે છે. બન્નેને જોઈ કોઈ ઓળખી શકે નહીં કે એ બન્ને કોણ છે. બન્ને ૧૦ મિનિટ પછી ક્વાર્ટરના પાછલા દરવાજેથી બહાર નીકળી પાછળનો કોટ કૂદી જાય છે. કેસ નંબર - ૩૬૯ના સત્યની શોધની શરૂઆત બસ થોડી ક્ષણોમાં શરૂ થવાની હતી જેનાથી અસલી ગુનેગારો અજાણ હતા.

ક્રમશ:

Share

NEW REALESED