Yakshi - 28 books and stories free download online pdf in Gujarati

યશ્વી... - 28

('વાંઢા મંડળ' પ્લે 16મી એ રજૂ કરવાનું નક્કી થયું. યશ્વી અધૂરું મૂકેલ નાટક પુરુ કરવા બેઠી છે અને ઈન્ટરવ્યૂ છપાવાથી શામજીભાઈ અને તેના સાથી શેખચલ્લી જેવા વિચારો કરી રહ્યા છે. હવે આગળ...)

પહેલા: "ખરેખર શામજીભાઈ, તમે જ આપણા નેતા છો. જે અમારા જેવા કુંવારાઓ માટે વિશે વિચારો છો."

શામજીભાઈ: "રહેવા દે, હજી તો ઘણું વિચાર્યું છે. જેમ કે ગામડાની છોકરી ને પરણી લાવી તો દઈએ, પણ આપણું સ્ટેટસ જાળવવા માટે બ્યુટી પાર્લર વિભાગ ખોલીશુ."

પહેલો: "વાત સાચી"

બીજો: "હા, પાછું નયન જોડે થયું એવું થાય તે પહેલાં પાળ બાધી પડેને. પુરુષો માટે ખાસ ખોલજો."

શામજીભાઈ: "હા કેમ નહીં...તારા થોબડા માટે તો સ્પેશ્યલ."

ત્રીજો: "વાહ શામજીભાઈ, આપણા નેતા આવા હો..."

શામજીભાઈ: "અને જે ગામડા ની કન્યા હા પાડે તો તેના ઘરની ઉન્નતિ કરી દેવાની અને વિદેશી કન્યા હા પાડે તો એ દેશની કંપનીને એમઓયુ કરીને પૈસાદાર બનાવી દેવાના. પરણેલા મંડળના સભ્યો ના ઘરમાં ની કોઈપણ કન્યા મળેને તો એમને સરસ સરકારી ઓફર અથવા પદ આપી દેવાનું. અને અલ્યા આ તો ઓફરો જ બતાવવાની ખાલી."

(આમ વાતો ચાલતી હતી ત્યાં જ ફોનની રીંગ વાગી. ફોન ઉપાડી ને)

શામજીભાઈ: "હેલો, વાંઢા મંડળ નો પ્રમુખ શામજી."

સામેથી: "એ હું ય કુંવારી મંડળની સેક્રેટરી ડોલી બોલું."

શામજીભાઈ: "હા, તો તમારે પ્રમુખ બનવું છે, તો વોટ તમને આપું એ કહેવા માટે ફોન કર્યો હતો. આપણા વોટ જરૂરી છે હો.."

ડોલી: "એ રહેવા દો તમારો વોટ તમારી જોડે. આ તો પેપરમાં ઈન્ટરવ્યૂ અને ફોટો જોઈને ફોન કર્યો."

શામજીભાઈ: "તમારા પ્રમુખને ય ઈન્ટરવ્યૂ છપાવો છે. આપણી બહુ મોટી ઓળખાણ છે એ ન્યૂઝ પેપરમાં."

ડોલી: "રહેવા દો તમારી જોડે. સ્માશને કામ તમને આવશે. હું તો એ કહેવા ફોન કર્યો છે કે તમે લગ્નની ઈચ્છા ધરાવતા હોય તો અમારા કુંવારી મંડળના પ્રમુખ નીનાબહેન ની સાથે મીટીંગ ગોઠવી દઉં."

શામજીભાઈ(ખુશ થઈને): હા કેમ નહીં, કયારે? કારણકે હું બહુ બીઝી છું."

ડોલી: "તો નીનાબેન પણ બીઝી જ છે. છતાંય પણ ચાલો તમારી ઓફિસમાં ગોઠવીએ."

શામજીભાઈ: "આવો ...આવો ત્યારે"
(ફોન મૂકીને) અલ્યા સરખું કરી કાઢ. અને નયન તું સરસ નાસ્તો મંગાવી લે. જેવો તેવો ના માંગતા. આ ઈન્ટરવ્યૂ મને ફળવાનો, 60 વર્ષે તો 60 વર્ષે વાંઢાનું લેબલ જવાનું.
અલ્યા મને જોવા 'કુંવારી મંડળ'ની પ્રમુખ નીના આવે છે."

પહેલો: "હે શામજીભાઈ... તમે 'વાંઢા મંડળ' ના અને નીનાભાભી 'કુંવારી મંડળ'ના પ્રમુખ, જોડી જામે શે હો.."

(એક ઘરડી સ્ત્રી એટલે કે નીનાદેવી અને 35 વર્ષની સ્ત્રી ડોલી આવે છે.)

શામજીભાઈ: "આવો...આવો.. નીના બહેન, ના.. નીના અને ડોલી."

ડોલી(પહેલા ની સામે જોઈને): "તમે શામજીભાઈ....."

પહેલો: "ના..ના..હું નહીં, હું તો રમણ છું.(હાથ થી બતાવે છે) શામજીભાઈ તો આ રહ્યા."

નીના(કટાક્ષમાં): "આહો...આ તો બહુ જુવાન.."

શામજીભાઈ(કટાક્ષમાં): "અને તમે ઘરડી ઘોડીને લાલ લગામ..."

નીના: "એટલે જ તો લગામ રાખવા નીકળી. પણ તે ઘોડી નહીં પણ ખરેખર જ ઘરડો ઘોડો નીકળ્યો. એટલે ...."

શામજીભાઈ: "પુરુષ અને ઘોડો ગમે ત્યારે ગુલાટ મારે, તે કયારેય ઘરડો નથી થતા એ કહેવત તો સાંભળી છે ને. ઘરડી તો ખાલી ઘોડી જ થાય. હું તો હજી 60નો છું."

નીના: "તે સ્વીટ સિકસ્ટનના 16 નહીં પણ સાઠે બુદ્ધિ નાઠી વાળા 60 થયા."

(રમણ અને ડોલી એકબીજાની સામું જોઉ રહ્યા હતા, પણ આ લોકોની વાતોથી કંટાળીને રમણ બોલ્યો)

રમણ: "શામજીભાઈ અને નીના ભાભી... નીનાબેન તમે આમ જ ટોણા માર્યા કરશો કે વાત તો કરો. મિસ. પીએ ચાલો બહાર જઈએ. આમને વાત કરવા દઈએ."

(નીના રમણ સામું જુવે છે.)

ડોલી: "હા, ચાલો બહાર તમે મીટીંગ કરો."

(રમણ અને ડોલી બહાર જાય છે.)
નીના: "મારે તમારા જેવા 60 વર્ષ ના ડોસલા જોડે નથી પઇણવુ."

શામજીભાઈ: "મારેય કયાં પઇણવુ છે તારી જોડે. તું તો ઘરડી છે. મારે તો જુવાન કન્યા જોઈએ છે."

નીના: "તો પછી મારે કયાં ઘરડો વર જોઈએ છે."

શામજીભાઈ: "તમારી જોડે પઈણવા કરતાં વાંઢા મંડળ નો પ્રમુખ જ સારો."

નીના: "તે હું પણ કુંવારી મંડળની પ્રમુખ જ સારી. હે, પછી તે કોણ આલશે તમને?"

શામજીભાઈ: "મને તો તમારી પીએ ડોલી ગમે છે."

નીના: "એમ તો મનેય રમણ ગમે છે."

શામજીભાઈ(કંઈક વિચાર કરતાં): "એક કામ કરીએ આપણે સાંઠગાંઠ કરી લઈએ."

નીના: "મને સમજ ના પડી. કેવી વાહિયાત વાત કરો છો? સમજાવશો ખરા"

શામજીભાઈ: "જુઓ મને ડોલી ગમે અને તમને રમણ તો તમે રમણ જોડે લગ્ન કરી લો અને હું ડોલી જોડે. કેવું રહેશે બરાબર!"

નીના: "સરસ રહેશે, પણ..."

શામજીભાઈ: "પણ..."

નીના: "એમાં એવું છે કે તે બંને તૈયાર કેવી રીતે થશે? એ તો બંને આપણા કરતાં જુવાન છે."

શામજીભાઈ: "પણ હું તો ગર્ભ શ્રીમંત છું તો પછી ડોલીને શું નડે?"

નીના: "ગર્ભ શ્રીમંત...ભૂલી જજો. એવી તો ઘણી લાંબી લાઈન છે, પણ તે હા નથી પાડતી."

શામજીભાઈ: "તો પછી..."

નીના: "અને રમણ પણ મને કેમ હા પાડે શે?"

શામજીભાઈ: "એની તમે ચિંતા ના કરો. હું મંત્રી બનીશ પછી હું તેને ફોર્સ કરીશ... ના, હું તેને ઓર્ડર કરીશ."

નીના: "તો તે તમારી વાત કેમનો માનશે?"

શામજીભાઈ: "તેને મારી દયા મેળવવા માટે મારી વાત માનવી જ પડશે."

નીના: "અને તમે મંત્રી કેમ કરીને બનશો?"

શામજીભાઈ: "મારે છે ને આ સાલ ચૂંટણી લડવાનો છું. મારી જીત નક્કી છે અને મંત્રી પદ પણ નક્કી જ છે."

નીના: "કયું મંત્રી પદ મળશે?"

શામજીભાઈ: "હોમ મિનિસ્ટર નું પદ મળશે જ."

નીના: "ભલે ત્યારે જો તમે મંત્રી બનશો તો હું ડોલીને પ્રલોભન આપીને મનાવી લઈશ."

શામજીભાઈ: "તો પછી મને વોટ મળે તે માટે સહકાર આપજો, નીના બેન."

નીના: "રમણ જોડે લગ્ન કરવા માટે કંઈ પણ. ચાલો ત્યારે ચૂંટણીમાં મળીએ."

(શામજીભાઈ ચૂંટણીમાં લડે છે અને જીતી જાય છે.)

બધા: "આપણા નેતા કેવો હો.... શામજીભાઈ જેવા હો.... આપણા નેતા કેવા હો.... શામજીભાઈ જેવા હો....."

શામજીભાઈ: "આજે જે કંઈપણ બન્યો છું. તે તમારા લીધે જ, તમારા બધાના આર્શીવાદ અને પ્રતાપથી. હું જલદી જ સરકાર પાસે મંત્રી પદ માંગીશ અને તે મળતાં જ આપણી માંગ રજૂ કરીને મંજૂર કરાવીશ. અને જલદી જ 'વાંઢા મંડળ' માટે કંઈક પગલાં લઈશ."

(ત્યાં જ નીનાબેન આવે છે.)
શામજીભાઈ: "જુઓ નીનાબેન હું મંત્રી બની ગયો છું. હવે ડોલી જોડે મારું સેટિંગ કરી દો અને મારા વાજા વગાડવો."

નીના: " અને તમે મારા રમણ જોડે"

(ત્યાં રમણ અને ડોલી લગ્ન કરીને આવે છે.)
રમણ(જોરથી): "હું શામજીભાઈ ના પ્રતાપે જ પરણી ગયો છું. અને શામજીભાઈ તમને મંત્રી પદ માટે અમારા તરફથી શુભેચ્છા."

શામજીભાઈ(ગુસ્સામાં): "પણ તે મને પૂછયા વગર કેમ લગ્ન કર્યા. ડોલી જોડે તો મારે લગ્ન કરવાના હતા. એ માટે તો મંત્રી પદ મળે તેની રાહ જોતો હતો."

નીના: " અને ડોલી તારે નહીં પણ મારે રમણ જોડે કરવાના હતા."

શામજીભાઈ: "ડોબા, મેં કુંવારી મંડળ જોડે વોટ મેળવવા માટે સાંઠગાંઠ કરી હતી. નીનાબેન તારી સાથે અને ડોલી મારી સાથે લગ્ન કરત. જેથી તે હંમેશા સપોર્ટ તરીકે જ રહેત. પણ તે મારો બધો પ્લાન ધૂળમાં મેળવી દીધો. હું તને મારા પીએ પદ પરથી નીકાળી દઉં છું."

નીના: "ડોલી તે મારો વિશ્વાસઘાત કર્યો છે. હું પણ તને કુંવારી મંડળ માંથી કાઢી મૂકું છું."

ડોલી: "હું રહેવા પણ નથી માંગતી. જયાં મારી જાણ બહાર મારા નામની જ સાંઠગાંઠ થતી હોય."

રમણ: "હું પણ વાંઢા મંડળમાં રહેવા નથી માંગતો. હું અને ડોલી એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. એવામાં તમારી સાંઠગાંઠો વિશે ખબર પડી. તમારી સાંઠગાંઠો માટે અમે શું કામ અમારું જીવન બગાડીએ. અમારે કંઈ મંત્રી કે સરકારી પદ નહોતું જોઈતું એટલે બંનેએ લગ્ન કરી લીધા."

ડોલી: " અને નીના બેન મેં તમારી શામજીભાઈ જોડે થયેલી વાત સાંભળી ગઈ હતી. એટલે જ અમારે લગ્ન ની ઉતાવળ કરવી પડી."

રમણ: "અને હા, તમે મને વાંઢા મંડળમાં થી કાઢી મૂકો છો ને. મારે આમેય નહોતું રહેવું આ મંડળમાં અને મને તો પરણેલા મંડળનું પ્રમુખ પદ ઓફર થયું છે. હું પ્રમુખ અને ડોલી ઉપપ્રમુખ."

શામજીભાઈ: "અને પરણેલા મંડળનો પ્રમુખ...."

રમણ: "એણે પણ ચૂંટણી જીતી લીધી છે અને એને તો હોમ મિનિસ્ટર નું પદ પણ ઓફર થઈ ગયું છે. જે પદ તમારે જોઈતું હતું તે પદ તો શું પણ તમને સરકાર માં પણ સ્થાન નથી મળવાનું. આવજો ત્યારે વાંઢા મંડળના પ્રમુખ અને કુંવારી મંડળના પ્રમુખ."

રમણ(જોશથી): "આપણા નેતા કેવા હો....
શામજીભાઈ જેવા હો....."

(શામજીભાઈ અને નીનાબેન એમને જતાં જોઈ રહે છે.)

(શું નાટક પુરુ થઈ ગયું કે બાકી? યશ્વી 'વાંઢા મંડળ'પ્લે પ્રેઝન્ટ પ્રોપર થશે ખરો? એના માટે કેવી તૈયારી કરવી પડશે?
જાણવા માટે જુઓ આગળનો ભાગ...)