Case No. 369 Satya ni Shodh - 7 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 7

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”

ડો. હિના દરજી

પ્રકરણ : ૭

કરણ રેસ્ટોરન્ટમાં આવી એક ખાલી ટેબલ પર બેસે છે અને નર્સને ઈશારો કરી ત્યાં આવવા જણાવે છે. નર્સ એક અંજાન પોલીસને પિતાની કઈ અસલિયત જાણવી છે એની અટકળ લગાવતી કરણની બાજુમાં ખુરશી પર બેસે છે. નર્સ ખૂબ ગભરાઈ ગઈ હતી. એનો ડરામણો ચહેરો ચડી ખાતો હતો કે નોકરીમાંથી હાથ ધોવાની વાત આવી એટલે એ કરણને મળવા આવી હતી. કરણ બાહોશ પોલીસ ઇન્સ્પેક્ટર હતો. અનેક ગુનેગારોને કોર્ટ અને રિમાન્ડથી બચવા બીમારીનો ઢોંગ કરતા એણે જોયા હતા. નાટક છે કે સચ્ચાઈ એ પલંગ પર સૂતેલા વ્યક્તિને જોઈ તરત કળી જતો. પર્વતસિંહને આપવામાં આવતા ઓક્સિજન સપ્લાઈને બંધ કરી એને વિશ્વાસ આવ્યો હતો કે પિતા ખોટું નાટક કરી રહ્યા છે.

એણે ધાર્યું હોત તો ઘડીના છઠ્ઠા ભાગમાં પપ્પાને ખોટા સાબિત કરી લેતો. પણ પપ્પાએ આવું શું કરવા કર્યું એ જાણવાનું બાકી હતું. કદાચ પપ્પાને આ કેસથી પોતાને દૂર કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હોય એવી શક્યતા પણ હતી. જો એવું હોય તો પપ્પાને કઈ વાત મજબૂર કરતી હતી. આ બધી ગૂંચવણ જ્યાં સુધી દૂર ના થાય ત્યાં સુધી એક ખોટું પગલું ભરવાથી વિક્કી અને એના દોસ્તોને બચાવવામાં નિષ્ફળ થઈ શકાય એમ હતું. પોતે પિતાની અસલિયત જાણી ચૂક્યો છે એ વાત બહાર આવે તો પણ ત્રણ નિર્દોષ છોકરાઓનો જીવ જોખમમાં આવી શકે છે. એ બધી બાબત કરતાં પણ વધારે અગત્યની વાત એ હતી કે અર્જુન વિશે એ કશું જાણતો નહોતો. બધી બાબતોનો વિચાર કરણે કર્યો હતો. જે રીતે પર્વતસિંહ બધી વાતથી અજાણ રહી તબિયતને હથિયાર બનાવી મેદાનમાં ઉતાર્યા હતા કે ઉતારવામાં આવ્યા હતા, એ જ રીતે કરણ પણ બધું જાણે છે એ વાત બધાથી છાની રાખી વાતની જડ સુધી જવા માંગતો હતો.

કરણ નર્સની સામે ખતરનાક નજરથી જોતો હતો. કોઇની પાસેથી વાત કઢાવવી હોય તો પહેલા એના મગજ સાથે રમત રમવી પડે છે. બંદૂકમાંથી સન્ન કરતી ગોળી નીકળે એ રીતે નજરની કમાલથી કરણ સામેવળાના મગજ સાથે રમત રમતો. આંખો પટપટાવ્યા વગર એકધારી રીતે કીકીમાંથી જાણે ગોળીઓ છૂટતી હોય એમ નર્સની સામે જોઈ રહ્યો હતો. નર્સનાં મસ્તિષ્ક પર એ ઘાતક નજરની અસર ધાર્યા કરતાં પણ વધારે થઈ હતી. કરણને એકપણ શબ્દ બોલવો પડ્યો નહીં.

નર્સે સામે ચાલી બોલવાનું શરૂ કર્યું હતું.: “જુઓ સર… તમારા પપ્પાને કશું થયું નથી... એમણે મારા સરને એમના કહ્યા પ્રમાણે કરવા માટે મજબૂર કર્યા છે... તમારા પપ્પાએ પણ તમારી જેમ જ મારા સરને ધમકી આપી કામ કરાવ્યું છે...” કરણના હાથમાંથી સાચું બોલીને છૂટી શકાશે એવું વિચારી નર્સ બધુ સાચું બોલી ગઈ. પણ કરણના ચહેરાના ભાવ બદલાયા નહીં. નર્સ ફરી ડરવા લાગી.: “સર... મેં તમને બધુ સાચું કહ્યું છે... આના સિવાય બીજી કોઈ વાત નથી...” કરણ હજી પણ એની નજરથી વાર કરતો હતો. “સર... તમારા પપ્પાને ખબર પડશે કે મેં તમને બધું કહ્યું છે તો.......”

કરણ હવે મલકાય છે. અત્યાર સુધી આંખોમાંથી આગ વરસતી હતી, ત્યાં આંખોમાં મસૂમિયત અને હોઠો પર માસૂમ મુસ્કાન આવી હતી. અચાનક કરણનું બદલાયેલું રૂપ જોઈ નર્સને ખબર પડતી નથી હસવું કે રડવું. આવી પરિસ્થિતીનો સામનો કોઈ દિવસ કરવાનો થયો નહોતો. નર્સ વિચારે છે અહિયાંથી જલ્દી જવામાં જ સારાસ છે: “સર... જે મને ખબર હતી એ મેં તમને કહી દીધું... હવે હું જઈ શકું?”

નર્સ કરણના જવાબની રાહ જોયા વગર ઊભી થાય છે. કરણ પહેલી આંગળી હલાવી એને પાછું બેસવા કહે છે. નર્સ આંગળીનો ઈશારો સમજી પાછી ચૂપચાપ ખુરશી પર બેસે છે. કરણ શર્ટના પોકેટમાંથી એક મોબાઈલ કાઢે છે. મોબાઈલ જોઈ નર્સના દિમાગમાં અનેક સવાલ ઊભા થાય છે. કોઈ અટકણ કર્યા વગર સીધું બોલે છે: “સર... મને એટલી ખબર પડે છે કે તમે મારી જોડે કોઈ કામ કરાવવા માંગો છો... પણ મને માફ કરો સર... હું કોઈ મુસીબતમાં પાડવા માંગતી નથી...”

કરણ નર્સનાં હાથમાં મોબાઈલ મૂકે છે.: “તારી પાસે કોઈ ચોઈસ નથી... તારે મારૂ કામ કરવું જ પડશે... જો તું નહીં કરે તો મારે મારા પપ્પાની અસલિયત જાહેર કરવી પડશે... અને હું એવું કહીશ કે તેં મને સચ્ચાઈ જણાવી છે...” કરણ ટેબલ પર રાખેલા ગ્લાસમાંથી પાણી પીવે છે. “હું જેટલો જિદ્દી છું એટલા મારા પપ્પા પણ છે... ખરું કહું તો જિદ્દ મને એમની પાસેથી વારસામાં મળી છે... પપ્પાને ખબર પડશે કે તેં મને કહ્યું એટલે એ તને નોકરીમાંથી છૂટી કરાવશે... અને જો મારૂ કામ કર્યું તો હું કોઈપણ હિસાબે તને તકલીફ પાડવા નહીં દઉં...” નર્સ વિમાસણમાં આવી હતી. કામ કરે તો મુસીબત અને ના કરે તો એનાથી વધારે મોટી મુસીબત હતી.

કરણ આરામથી ટેકો દઈ બેસે છે અને એક પગ પર બીજો પગ મૂકે છે. હાર્મોનિયમ વગાડતો હોય એમ ટેબલ પર આંગળી ફેરવે છે. “મારા પપ્પા કોની સાથે અને શું વાત કરે છે એ તારે આ મોબાઇલમાં રેકોર્ડિંગ કરવાનું છે... વિડીયો રેકોર્ડિંગ કરે કે ઓડિયો રેકોર્ડિંગ કરે, જે સમયે જે અનુકૂળતા હોય એ પ્રમાણે કરવાનું છે... બીજું જો રેડોર્ડિંગ કરવાનો ચાન્સ ના મળે તો કાન ખુલ્લા રાખવાના છે... જે પણ સાંભળે બધું મને કહેવાનું છે... એમની નાનામાં નાની વાતનું તારે ધ્યાન રાખવાનું છે...

નર્સ હજુ ગભરાયેલી હતી. એનો હાથ થરથર કાંપતો હતો અને મોબાઈલ નીચે પાડવાની તૈયારીમાં હતો. કરણની અનુભવી આંખો જોઈ લે છે કે નર્સ ખૂબ ગભરાયેલી છે. કરણ નર્સનો ધ્રૂજતો હાથ પકડે છે. એની બન્ને હથેળી વચ્ચે નર્સનો હાથ નરમાસથી દબાવે છે.: “હું સમજી શકું છું તારા મનની સ્થિતિ... તારા બોલ્યા વગર તારો ધ્રૂજતો હાથ અને પરસેવો ઘણું બધું કહી રહ્યો છે... તને હું વચન આપું છું તને કે તારી નોકરીને ઉની આંચ નહીં આવે... મારે ત્રણ નિર્દોષ છોકરાઓને છોડાવવા માટે તારી મદદ જોઈએ છે... તારી મદદથી ત્રણ પરિવારને એમના સંતાનો પાછા મળશે...” બોલતી વખતે કરણની આંખ ભીની થઈ જાય છે. એની ભીની આંખો જોઈ નર્સનું દિલ ભરાઈ આવે છે. કરણનાં શબ્દોમાં નિર્દોષ છોકરાઓને છોડાવવા માટેની આજીજી હતી. જે આંખો થોડીવાર પહેલાં કોપાયમાન હતી એ આંખો અત્યારે પ્રેમ અને ચિંતામાં ભીંજાયેલી હતી.

નર્સ એનો બીજો હાથ કરણનાં હાથ પર મૂકે છે.: “સર... તમારા પપ્પા કોઇની સાથે ફોન પર વાત કરતા હતા કે તારે આ કેસ કરણને આપતા પહેલા છોકરાઓના પરિવાર વિશે માહિતી મેળવી લેવાની જરૂર હતી... જો કરણને ખબર પડશે કે વિક્રાંત એની જેલમાં છે તો એ સમજી જશે કે એ નિર્દોષ છે... અસલી ગુનેગારને શોધવા માટે ગમે તે પગલું ભરશે... તારી યાદદાસ્ત આટલી કમજોર કેમ છે... તને મેં પહેલા પણ ચેતવણી આપી હતી કે વિક્રાંત અને એના મિત્રોને કોઈ દિવસ કરણની સામે આવવા દઇશ નહીં... તો પણ તું ભૂલી ગયો...”

નર્સ જેમ બોલતી ગઈ એમ કરણનો વિશ્વાસ દ્રઢ થતો ગયો કે વિક્રાંત નિર્દોષ છે અને એને ફસાવવામાં આવી રહ્યો છે. કરણ હાથની પકડ મજબૂત કરે છે: “બીજું શું તેં સાંભળ્યું છે?” હાથની પકડ વધતાં નર્સ ઝીણી ચીસ પડે છે. કરણ તરત સભાન થાય છે. હાથ છોડી સોરી બોલે છે.: “હું ભૂલી ગયો કે મેં તારો હાથ પકડ્યો છે... બીજું શું સાંભળ્યું છે?”

નર્સ મોબાઈલ એપ્રોનનાં ખીસ્સામાં મૂકે છે.: “સર... મેં બીજું કશું સાંભળ્યું નથી... પણ તમારા મમ્મીની હાલત જોઈ મને બહુ ચિંતા થતી હતી... એમને સાચી વાત ખબર નથી... પણ એમની સાથે પેલા ભાઈ છે... કદાચ એમનું નામ શંકર છે... એ બધું જાણે છે... તમારા પપ્પાને ફોન પણ એમણે લગાવીને આપ્યો હતો...”

કરણ આંખો બંધ કરી બધું સાંભળતો હતો.: “પપ્પા વાતમાં અર્જુન એવું કશું બોલ્યા હતા?” નર્સ થોડીવાર વિચારી બોલે છે: “ના સર... વિક્રાંત… શુકલા... સિંદે... બીજા કોઈ નામ મેં સાંભળ્યા નથી...”

***

કોર્ટ ચિક્કાર થઈ ગઈ હતી. અનાથાશ્રમનાં પાંચ કર્મચારીઓની હત્યા, માસૂમ બાળકોનું અપહરણ, અનાથાશ્રમની જમીન ગેરકાનૂની રીતે પચાવી પડાવી, અનાથાશ્રમની આડમાં અનેક ગેરકાનૂની કામ અને સૌથી અગત્યનું નીલિમા કાપડિયા ગેંગરેપ કેસ એટલે કે કેસ નંબર ૩૬૯નાં ત્રણ આરોપીને આજે પહેલીવાર કોર્ટમાં લાવવાના હતા. શારદાનગર વિસ્તારમાં બનેલી આ ઘટનામાં દરેક રહેવાશીને સત્ય જાણવાની ઉત્સુકતા હતી.

કોર્ટમાં બધાની વચ્ચે સંજય પત્રકાર બની બેઠો હતો. કોર્ટમાં આવેલી પબ્લિક જોઈ સંજયને કોઈ નવાઈ લાગતી નથી. એ સમજી ગયો હતો કે અહિયાં આવેલા માણસોમાં અડધા એને નિર્દોષ જાણીને આવ્યા છે અને અડધા એને ગુનેગાર સાબિત કરવાની ઈચ્છા સાથે આવ્યા છે. સંજય માણસોના ઝુંડમાં એક પછી એક બધાના ચહેરા જોવે છે. કોઈ પીછો કરતું આવ્યું હોય તો આગળ શું કરવું એના માટે અગમચેતી સ્વરૂપે બધાની વર્તણુંક જોતો હતો. કોઈનું ધ્યાન એના તરફ હોય એવો કોઈ વ્યક્તિ મળતો નથી, પણ એક માણસનો ચહેરો જોઈ એને ઝટકો લાગે છે. કોર્ટમાં એની જ લાઇનમાં છેલ્લે શંકર બેઠો હતો. કરણે જ્યારે સુધા અને શંકરને ICUમાંથી બહાર જવા કહ્યું એના પછી શંકર એક અગત્યનું કામ કરીને આવું છું, એવું સુધાને કહી કોર્ટમાં આવ્યો હતો. સંજય જાણતો હતો કે શંકર પણ રિટાયર ઇન્સ્પેક્ટર છે. પર્વતસિંહે કરણને આ કેસથી દૂર કરાવ્યો અને શંકર અહીયાં ખાતરી કરવા આવ્યો હતો કે કરણે આ કેસ છોડ્યો છે કે નહીં એ સમજતા સંજયને વાર લાગી નહીં. સંજયે મનમાં વિચાર્યું સારું થયું શંકર પર નજર પડી, હવે એનાથી દૂર રહેવાની સાવચેતી રાખવાની સમજ પડશે.

જજ આવે છે એટલે બધા ઊભા થાય છે. પોલીસ વિક્રાંત અને એના મિત્રોને બોક્સમાં ઊભા રાખે છે. સરકારી વકીલ આરોપી પર લગાવેલા ગુનાઓ વાંચે છે અને ૧૫ દિવસના રિમાન્ડ આપવા માટે માંગણી કરે છે. જજ વિક્રાંત અને મિત્રોને એમનો વકીલ છે કે નહીં એ પૂછે છે. વિક્રાંત ના પડે છે એટલે જજ એમને સરકાર તરફથી વકીલ આપવાની વાત કરે છે.

વિક્રાંત જાણે બોલવાનો મોકો મળે એની જ રાહ જોતો શાંતિથી ઊભો હતો.: “સર... અમારે સરકાર તરફથી કોઈ વકીલ જોઈતો નથી... અમે અમારો કેસ જાતે લાડીશું... તમે રિમાન્ડ મંજૂર કરો એ પહેલા મારે તમને થોડી રજૂઆત કરવી છે...”

સરકારી વકીલ: “ઓબ્જેક્સન...”

વકીલ આગળ કશું બોલે એ પહેલાં જજ બોલે છે: “ઓવરરૂલ્ડ... દરેક અપરાધીને એની વાત રજૂ કરવાનો હક્ક છે...”

વિક્રાંત: “આપનો ખૂબ આભાર સર... પહેલી વાત અમારા પર જેટલા ચાર્જ લગાવવામાં આવ્યા છે એ બધા ખોટા છે... બીજી વાત રિમાન્ડ પર જતાં પહેલા મારે નીલિમાને હોસ્પિટલમાં જોવા જવું છે...”

વિક્રાંતની બીજી વાત સાંભળી કોર્ટમાં ઊંચા અવાજે ગુસપુસ શરૂ થઈ હતી. આવું કદાચ દુનિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું હતું કે અપરાધી એ જ છોકરીને હોસ્પિટલમાં મળવા જવાની વાત કરતો હતો, જેના પર ગેંગરેપ કરવાનો આરોપ હતો.

ક્રમશ: