Bhayank safar (afrikana jangaloni) - 26 books and stories free download online pdf in Gujarati

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 26

કાળા પહાડો.
*******



હાથીની ધરતી ધ્રુજાવે એવી ચીંઘાડ સાંભળીને પેલા જંગલી માણસનું નિશાન ચૂક્યું અને એણે છોડેલું તીર મેરીને વાગવાની જગ્યાએ હાથીની આંખમાં ઘુસી ગયું. તીર આંખમાં ઘુસ્યું એટલે હાથી ફરીથી વેદના ભરી ચીંઘાડ પાડી ઉઠ્યો. આ વખતે હાથીની ચીંઘાડનો અવાજ એટલો ભયાનક અને વેદનાભર્યો હતો કે એના અવાજથી આજુબાજુનું વાતાવરણ ધ્રુજી ઉઠ્યું. આજુબાજુના વૃક્ષોમાં બેઠેલા પક્ષીઓ પણ હાથીની આ વેદનાભરી ચીંઘાડની અવાજની ફફડી ઉઠ્યા.


રોબર્ટ અને મેરી હાથી ઉપર બેઠા હતા એટલે એમણે જંગલીએ તીર એમની તરફ છોડ્યું એ તો દેખાયું પણ હાથીને ક્યાં વાગ્યું એ ના દેખાયું. પણ જયારે હાથીએ ફરીથી પોતાની સૂંઢ ઊંચી કરી ત્યારે રોબર્ટને હાથીની આંખમાં ઘૂસી ગયેલું તીર દેખાયું.


"મેરી પેલાએ છોડેલું તીર હાથીની આંખમાં ઘુસી ગયું છે.' રોબર્ટ ચિંતાગ્રસ્ત અવાજે બોલી ઉઠ્યો.


"હવે શું થશે રોબર્ટ ?? મેરી એકદમ ડરેલા અવાજે બોલી ઉઠી.


"હવે આ લોકોના હાથમાંથી બચવું મને મુશ્કેલ લાગી રહ્યું છે.' રોબર્ટ એમનાથી થોડેક દૂર સામે જ કામઠા ઉપર તીર ચડાવીને ઉભેલા જંગલી માણસ તરફ જોતાં બોલ્યો.


રોબર્ટ આટલું બોલ્યો ત્યાં તો હાથી એકદમ પાછળ ફર્યો અને તળાવ તરફની દિશામાં દોડવા લાગ્યો. હાથી ભાગ્યો એટલે પેલા જંગલીએ પાછળથી હાથી તરફ હાથી ઉપર બેઠેલા રોબર્ટને નિશાન બનાવીને તીર છોડ્યું. તીર સનનન કરતુ હવામાં ખુલ્લા ઉડી રહેલા વાળમાં થઈને પસાર થઈ ગયું. પેલો જંગલી માણસ ફરીથી બીજું તીર છોડે ત્યાં સુધીમાં તો હાથી રોબર્ટ અને મેરીને લઈને એ જગ્યાએથી ખાસ્સો દૂર ભાગી ગયો હતો.


હાથીની આંખમાં પેલા જંગલીએ પહેલીવાર છોડેલું તીર ઊંડે સુધી ખૂંપી ગયું હતું. છતાં એક આંખે અંધ બનેલો હાથી તળાવ તરફની દિશામાં ઝડપથી ભાગી રહ્યો હતો. હાથીને ભાગતો જોઈને એવું લાગી રહ્યું હતું કે એ મેરી અને રોબર્ટને બચાવવા ના ભાગી રહ્યો હોય.


"મેરી ડરતી નહિ હું તને પાછળથી પકડીને બેઠો છું.' હાથી ઉપર પોતાની આગળ બેઠેલી મેરીને રોબર્ટે કહ્યું.


"હા હવે તો જંગલીઓના હાથમાંથી બચી ગયા.' મેરીના અવાજમાં જંગલીઓના હાથમાંથી બચી ગયા એનો હર્ષ હતો.


"બચી તો ગયા પણ આ હાથી ક્યારનો દોડી રહ્યો છતાં હજુ તળાવ કેમ આવ્યું નહીં.!' રોબર્ટ ચંદ્રના આછા અજવાશમાં ચારેય તરફ નજર કરતા બોલ્યો.


"મને લાગી રહ્યું છે કે આ હાથી આપણને બીજી દિશામાં લઈ જઈ રહ્યો છે. એની આંખમાં તીર વાગ્યું છે એટલે કદાચ એ રસ્તો ભટકી ગયો છે.' મેરી આજુબાજુનો પ્રદેશ જોતાં બોલી. એના અવાજમાં હાથીની આંખમાં તીર વાગ્યું એની વેદના હતી.


"હા મને પણ એવું જ લાગી રહ્યું છે.' રોબર્ટ મેરીની વાત સાથે સંમત થતાં બોલ્યો.


"રોબર્ટ સામે જો પહાડો.' ચંદ્રના આછા અજવાળામાં સામેની દિશામાં કાળા ડિબાંગ દેખાઈ રહેલા પહાડો તરફ જોતાં મેરી બોલી.


"ઓહહ.! આ હાથી તો આપણને પહાડી વિસ્તારમાં લઈ આવ્યો.' રોબર્ટે એની આગળ બેઠેલી મેરીને પાછળથી પોતાનાની બાહોમાં પકડીને કહ્યું.


મેરી અને રોબર્ટ ચંદ્રના આછા અજવાળામાં સામે દેખાઈ રહેલા પહાડોને જોઈ રહ્યા ત્યાં તો હાથી થોભ્યો અને ત્યાં જ એક ઘટાદાર વૃક્ષની નીચે બેસી ગયો. હાથી નીચે બેઠો એટલે મેરી અને રોબર્ટ હાથી ઉપરથી નીચે ઉતર્યા. આજુબાજુના ઝાડ ઉપરના રસીલા ફળો ચંદ્રના અજવાસમાં દેખાઈ રહ્યા હતા. રોબર્ટે એ ફળો તોડ્યા અને એણે અને મેરીએ એ ફળો આરોગી લીધા અને ત્યાં જ હાથીની બાજુમાં પોતાની થાકેલી કાયા લંબાવી દીધી.


આ રાત વગર વિઘ્ને પસાર થઈ ગઈ. સવાર પડી ત્યારે મેરી રોબર્ટ કરતા વહેલી જાગી. સૂર્ય આકાશમાં ખાસ્સો ઊંચો ચડી ગયો હતો. ત્યાં તો મેરીની નજર સામે આવેલા પહાડો તરફ પડી. મેરીએ એ પહાડો તરફ જોઈને આંખો ચોળીને ફરીથી એ પહાડો તરફ જોયું.


"અરે આ પહાડો એકદમ કાળા કેમ છે.' સામે દેખાઈ રહેલા કાળા પહાડો જોઈને મેરીના મોંઢામાંથી શબ્દો નીકળી પડ્યા.


(ક્રમશ)


**********************************




હાથીઓના જંગલમાં.
************



"એલિસતરફ નહીં આ બાજુ આગળ વધવાનું છે.' માયરા આગળ ચાલી રહેલી એલિસને પાછળથી બુમ પાડતા બોલી.


"હા આ આવી.' એલિસ પતંગિયાઓની પાછળ દોડતા ખીલખીલાટ હસતા બોલી.


હોડીમાં બેસીને શિર્ત વનસ્પતિ ધરાવતી પીળા પાણીવાળી નદી પાર કર્યા બાદ બધા નદીના આ તરફના કિનારે ઉતરીને હાથીઓના જંગલમાં આગળ વધી રહ્યા હતા. એલિસને પતંગિયાઓ બહુજ ગમતા એટલે એ પતંગિયાની આગળ પાછળ દોડી રહી હતી. માયરાને એલિસના આ નાટકો જોઈને ગુસ્સો આવતો હતો. ગર્ગ એલિસના ખ્યાલોમાં ખોવાઈને પોતાની ધૂનમાં એલિસને નિહાળતો આગળ વધી રહ્યો હતો જ્યારે માર્ટિન હોડીમાંથી નીચે ઉતર્યો ત્યારનો એલિસ સાથે વાતચીત કરવા માટે તડપી રહ્યો હતો પણ એને એલિસ સાથે વાત કરવાનો મોકો મળતો નહોંતો.


"લે એલિસ આ પકડ્યું મેં પતંગિયું.' ગર્ગે એક પતંગિયું પકડીને એલિસને આપ્યું.


એલિસે ગર્ગના હાથમાંથી એ પતંગિયું લઈ લીધું અને એ લાગણી ભરી નજરે ગર્ગ સામે તાકી રહી. ગર્ગ પણ એલિસ સામે એકીનજરે જોઈ રહ્યો.


"અરે યાર ચાલોને આપણે હાથીદાંત પણ શોધવાના છે.' માયરાએ ફરીથી બુમ પાડી.


માયરાની બુમ સાંભળીને એલિસ અને ગર્ગ એકબીજા સામે જોઈ રહ્યા હતા એમાંથી એકદમ બહાર આવ્યા. અને ફરીથી એકબીજા સામે જોઈને જોરથી હસી પાડ્યા.


ગર્ગે એલિસને પતંગિયું પકડીને આપ્યું એટલે એલિસ ખુબ ખુશ થઈ એ જોઈને માર્ટિને પણ એલિસને ખુશ કરવા માટે પતંગિયું પકડ્યું. અને એ પતંગિયું આપવા માટે એલિસ પાસે આવ્યો.


"એલિસ લે આ પતંગિયું.' માર્ટિન એલિસ પાસે આવીને એકદમ મીઠા અવાજે બોલ્યો.


"અરે તું સાવ મૂર્ખ છે આ પતંગિયાની પાંખો કેટલી નાજુક છે અને તે એની પાંખો કેટલી મજબૂત રીતે પકડી છે. છોડી દે એને નહિતર એની પાંખો તૂટી જશે.' એલિસ માર્ટિન તરફ જોઈને ગુસ્સે થતાં બોલી.


એલિસ આવું બોલી એ સાંભળીને માર્ટિન એકદમ ભોંઠો પડી ગયો અને એણે એની હાથમાં રહેલા પતંગિયાને છોડી મૂક્યું અને એ ખિન્ન ચહેરે ચાલવા લાગ્યો.ગર્ગ અને એન્થોલી તો એલિસે માર્ટિનને આવું કહ્યું એટલે મોઢું દબાવીને હસી પડ્યા.


બપોર સુધી બધા ચાલતા રહ્યા ત્યારે સૌથી પહેલા જ્હોનને એક મોટા ઘાસના મેદાનમાં ઘણા બધા હાથીઓ ઘાસ ખાતા નજરે પડ્યા.


"માયરા ત્યાં જો હાથીઓ.!' જ્હોન એકદમ જોશમાં આવતા બોલ્યો.


જ્હોને બધાને મેદાનમાં ઘાસ ખાઈ રહેલા હાથી બતાવ્યા. બધા ત્યાં જ ઉભા રહી ગયા. અને દૂર મેદાનમાં ઘાસ ખાઈ રહેલા હાથીઓ તરફ તાકી રહ્યા.


"બાપરે આવડા મોટા હાથીઓને શિકાર કેવીરીતે કરીશું.' એકી નજરે હાથીઓના ઝુંડ તરફ તાકી રહેલી એલિસ બોલી.


"શિકાર તો ચપટી વગાડતા થઈ જશે. આ જુઓ મારી પાસેની રિવોલ્વર.' માયરા પોતાના કમર પટ્ટામાં છુપાવેલી રિવોલ્વર બધાને બતાવી.


ગર્ગ,જ્હોન,માર્ટિન તથા એન્થોલી માયરાના સુંદર હાથોમાં રહેલી રિવોલ્વર તરફ તાકી રહ્યા. અલગ જ બનાવટની આ રિવોલ્વર માયરા પાસે ક્યાંથી આવી હશે એ આ ચારેય જણ વિચારવા લાગ્યા.


"શું જોઈ રહ્યા છો ચાલો હવે.!' બધા માયરાના હાથમાં રહેલી રિવોલ્વર તરફ તાકી રહ્યા હતા એ જોઈને માયરા અચંબિત અવાજે બોલી.


"કંઈ નહીં ચાલો.' એન્થોલી હસતા બોલ્યો.


બપોર થઈ ચુકી હતી. સૂર્ય આકાશમાં ચડીને બરોબર તાપ વરસાવી રહ્યો હતો. માયરા અને એલિસના શરીર ઉપરથી પરસેવો નીતરી રહ્યો હતો. ગર્ગ તો એલિસને જોવામાં જ ખોવાઈ જતો હતો. ગર્ગ વિચારતો હતો કે હાથીઓનો શિકાર થાય કે ના થાય પરંતુ એલિસના દિલનો તો શિકાર કરી જ લેવો છે. બિચારો માર્ટિન તો સવારે જયારે એને એલિસે મૂર્ખ કહ્યો ત્યારનો જ ઉદાસ ચહેરે ચાલી રહ્યો હતો.


(ક્રમશ)