Shabdrang Kavya - 1 books and stories free download online pdf in Gujarati

શબ્દરંગ કાવ્ય - ભાગ - ૧

શબ્દરંગ કાવ્ય

ડો. હિના દરજી

ભાગ-૧

વ્હાલા મિત્રો, આપની સમક્ષ મારો પ્રથમ કાવ્યસંગ્રહ રજૂ કરૂ છું. આશા રાખું છું જેટલો પ્રેમ અને આવકાર મારી નવલકથાને મળે છે એટલો પ્રેમ અને આવકાર મારી કવિતાઓને પણ મળશે.

(૧) સવાલ પૂછે ?

ફરિયામાં ઉડતા પક્ષીઓનો કલરવ સવાલ પૂછે મને;

શું તને આ મધુર સંગીત સાંભળવું ના ગમે ?

બારીમાંથી ડોકિયા કરતું આકાશ સવાલ પૂછે મને;

શું તને બહારનું આકાશ નિહાળવું ના ગમે ?

દરિયાનાં ફીણ કરતાં મોજા સવાલ પૂછે મને;

શું તને મન મુકીને મોજામાં ન્હાવું ના ગમે ?

નદી કિનારાની ભીની સુવાસ સવાલ પૂછે મને;

શું તને ભીના સાનિધ્યમાં ભીંજાવું ના ગમે ?

અજવાળી રાત્રિની શીતળ ચાંદની સવાલ પૂછે મને;

શું તને મારી શીતળતામાં રંગાવું ના ગમે ?

જીવનની ઢળતી સંધ્યાએ મન મારૂ સવાલ પૂછે મને;

શું તને તારા પોતાના માટે જીવવું ના ગમે ?

(૨) આંખની મર્યાદા

આંસુઓને આંખમાંથી છલકાવું પડે છે,

આંસુ વહેતાં રોકવાની આંખની મર્યાદા છે.

આંખમાંથી છલકાતા આંસુઓને થીજાવું પડે છે,

સતત છલકાતા રહેવાની પણ આંખની મર્યાદા છે.

આંખોની ભાષામાં ક્યારેક બોલવું પડે છે,

હંમેશાં મૌન સાધવાની આંખની મર્યાદા છે.

આંખમાંથી પ્રેમના ધોધને વહેવું પડે છે,

પ્રેમને કેદ રાખવાની પણ આંખની માર્યાદા છે.

આંખનાં અંગારાને બહાર આવવું પડે છે,

ગુસ્સો ના જતાવવાની આંખની મર્યાદા છે.

આંખ ઉંચી કરી અનીતિ સામે લડવું પડે છે 'હિના',

બે આંખની શરમ રાખવાની પણ આંખની મર્યાદા છે.

(૩) અનંત

તારા સ્વરમાંથી નીકળતો આ કેવો નાદ છે,

સાંભળવું છે અનંત સુધી પણ કર્ણ થંભી જાય છે.

તારા નયનોમાંથી વરસતો આ કેવો સંદેહ છે,

જોવું છે અનંત સુધી પણ નજર થંભી જાય છે.

તારા કદમોનાં સાથનો આ કેવો પ્રવાહ છે,

ચાલવું છે અનંત સુધી પણ કદમ થંભી જાય છે.

તારા ઉરમાંથી છલકાતો આ કેવો નેહ છે,

પામવું છે અનંત સુધી પણ હૈયું થંભી જાય છે.

તારા ધબકારાની લયનો આ કેવો પ્રભાવ છે,

જીવવું છે અનંત સુધી પણ જીવન થંભી જાય છે.

તારા વિરહની વેદનાનો આ કેવો અંજામ છે 'હિના',

જીરવવું છે અનંત સુધી પણ દરદ થંભી જાય છે.

(૪) મથામણ

તારા ધારણ કરેલાં મૌનમાં મને શબ્દો સંભળાય છે,

મારા હોઠો પર એ કથન લાવવાની મથામણ છે.

જતી, આવતી હર ક્ષણમાં તારા હોવાનો અહેસાસ છે,

તું હંમેશાં આસપાસ છું એ જતાવવાની મથામણ છે.

તારા અંતરની લાગણીનું એક અનોખું સ્થાન છે.

નથી કર્યો કોઇ હક્ક એ સમજાવવાની મથામણ છે.

તને નથી કોઇ જાણ મેં સંબંધ નિભાવ્યો છે.

કર્યો છે ઇચ્છાઓનો ત્યાગ એ કહેવાની મથામણ છે.

આંખ બંધ કરીને 'હિના'એ અનેક રૂપે નિરખ્યા છે,

પૂજા કરી છે રોજ એ સિધ્ધ કરવાની મથામણ છે.

(૫) પગલાં રહી ગયા

કોરી રેતી પર પાડેલા પગલાં રહી ગયા,

તમારા પાછા ફરવાનાં કારણ રહી ગયા.

રણનાં ઉકળતા ધોમધખતા સન્નાટામાં,

આંખોમાં ઉષ્ણ આંસુઓનાં ઝારણ રહી ગયા.

સાચવીને રાખેલા સંભારણા નર્મ યાદોનાં,

હૈયામાં ઉત્કટ મિલનનાં જારણ રહી ગયા.

આયખું કર્યું હતું અર્પણ તમને એક પળમાં,

તુટેલા હૈયામાં આસનાં ધારણ રહી ગયા.

લોકજીભે ચઢી ગયેલા આપણાં પ્રણયનાં,

વર્ણન, ગુણગાનનાં 'હિના' ભારણ રહી ગયા.

(૬) ઘર

હોય નાની ઝૂંપડી કે, હોય મોટો મહેલ

ઘરમાં મળે છે ધરતીનો છેડો એ કહેવું સૌને ગમે.

ફરી લો આખી દુનિયા, યાદ આવે ઘરનો ઓટલો,

ઘરમાં મળે છે શાંતિ એ કહેવું સૌને ગમે.

વિતાવ્યા છે અનેક દિવસો ખુશીઓ ભરેલા,

ઘરમાં મળે છે આનંદ એ કહેવું સૌને ગમે.

રહેલી છે સ્વજનોની હુંફ ખૂણે ખૂણામાં,

ઘરમાં મળે છે પ્રેમ એ કહેવું સૌને ગમે.

કરેલી મહેનતનું ફળ મળે છે દરેકને જીવનમાં,

ઘરમાં મળે છે સુખ 'હિના' એ કહેવું સૌને ગમે.