Case No. 369 Satya ni Shodh - 8 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 8

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”

ડો. હિના દરજી

પ્રકરણ : ૮

વિક્રાંત: “આપનો ખૂબ આભાર સર... પહેલી વાત અમારા પર જેટલા ચાર્જ લગાવવામાં આવ્યા છે એ બધા ખોટા છે... બીજી વાત રિમાન્ડ પર જતાં પહેલા મારે નીલિમાને હોસ્પિટલમાં જોવા જવું છે...”

વિક્રાંતની બીજી વાત સાંભળી કોર્ટમાં ઊંચા અવાજે ગુસપુસ શરૂ થઈ હતી. આવું કદાચ દુનિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું હતું કે અપરાધી એ જ છોકરીને હોસ્પિટલમાં મળવા જવાની વાત કરતો હતો, જેના પર ગેંગરેપ કરવાનો આરોપ હતો. સરકારી વકીલે જ્યાં સુધી ગુનેગારોના આરોપ રજૂ કર્યા ત્યાં સુધી કોર્ટમાં શાંતિ પથારીયેલી હતી. વિક્રાંતની રજૂઆત સાંભળી ટોળાંમાંથી બે-ત્રણ માણસોએ ઊંચા અવાજે સિટી મારી હતી. બીજા થોડા હિતેચ્છુઓ ખુશ થઈ તાળી પાડતા હતા. લોકોનો ઉત્સાહ બતાવતો હતો કે કોર્ટમાં વિક્રાંતનાં શુભચિંતક વધારે અને દુશ્મનો ઓછા છે.

સંજય ટોળાંમાં દુશ્મનો શોધતો હતો. આગલી હરોળમાં ચાર-પાંચ વ્યક્તિ હતા જે કોઈપણ જાતનું હલનચલન કર્યા વગર શાંત બેઠા હતા, એના સિવાય બીજા લોકો ખુશી વ્યક્ત કરતાં હતા. સંજય જાણવા માંગતો હતો કે શંકર ખુશ છે કે નહીં. એણે શંકરનાં ચહેરાને વાંચવાની કોશિશ કરી, પરંતુ એ શંકર સામે જોઇ વિમાસણમાં પડ્યો હતો. શંકરનાં ચહેરા પર ખુશી, દુ:ખ કે ચિંતા કશું જ જણાતું નહોતું. સંજય થોડી વાર શંકરને તાકી રહે છે જેથી કઇંક જાણી શકાય. સંજય ફરી મુંજાય છે કારણકે શંકર પણ ટોળાંમાં બેઠેલા લોકોને વારાફરતી જોતો હતો.

સંજય પોતાની નજર એના પરથી હટાવી તાળી પાડવા લાગે છે. સંજયને સમજતા વાર નથી લગતી કે શંકર પણ એની જેમ જ વિક્રાંતનાં દુશ્મનોને ટોળાંમાં શોધી રહ્યો છે. શંકરને પોતાના પર શક ના જાય એના માટે સંજયે પણ વિક્રાંતનાં હિતેચ્છુ હોવાનું દેખાડ્યું. સંજયનું મગજ પુરઝડપે વિચાર કરવા લાગ્યું. બની શકે કે શંકર દુશ્મનોને નહીં પણ કરણે કોઈને મોકલ્યા છે કે નહીં એ જોતો હોય. શંકર પણ પોલીસ તરીકે કામ કરી ચૂક્યો હતો. એને પોલીસની કામ કરવાની રીત ખબર હતી. સંજયનાં હાથ તાળી પડતા હતા પણ મગજ શંકરની વર્તણૂંક અને પર્વતસિંહનાં બીમારીના નાટક વિષે વિચારતું હતું. પર્વતસિંહે દીકરાને આ કેસથી દૂર કર્યો અને શંકરને કોર્ટમાં મોકલ્યો એના પરથી એટલું તો નક્કી હતું કેસ નંબર - ૩૬૯ બહુ આંટીઘૂંટીવાળો હતો. સંજય વધારે સાવધ થાય છે.

કોર્ટમાં અચાનક કોલાહલ શરૂ થયેલો જોઈ જજ હથોડીથી ઓર્ડર-ઓર્ડર બોલે છે પણ કોઈનું ધ્યાન ત્યાં જતું નથી. જજ ફરી ઊંચા અવાજે હથોડી મારી બોલે છે. ધીરેધીરે લોકો શાંત થાય છે એટલે સરકારી વકીલ બોલે છે: “ઓબ્જેક્સન માયલોર્ડ... અપરાધી જે છોકરીને હોસ્પિટલમાં મળવા જવાનું કહે છે એ છોકરી પર પોતે અગાઉ અનેક વખત બળાત્કાર કરી ચૂક્યો છે... છોકરીની સ્થિતિ ખૂબ ગંભીર છે... એ છેલ્લા સાત દિવસથી જમનાબાઈ હોસ્પિટલમાં પોલીસની નજર નીચે સારવાર પર છે... એ છોકરી પર એટલો બધો અત્યાચાર થયો છે કે સાત દિવસ થયા છતાં એને ભાન આવ્યું નથી... એ છોકરીની હાલતને ધ્યાન પર લઈ હું કોર્ટને વિનંતી કરું છું, કે અપરાધીને હોસ્પિટલમાં જવા માટે પરવાનગી આપવામાં આવે નહીં... આ ત્રણ અપરાધી એટલા ખતરનાક છે કે એ લોકો હોસ્પિટલમાં પણ એ છોકરીની હત્યા કરી શકે છે...”

વિક્રાંત એના ચહેરા પર એ જ સૌમ્ય હાસ્ય સાથે ઊભો હતો. વકીલ બોલતા હતા ત્યારે પણ વિક્રાંતનું ધ્યાન શાંત હાસ્ય સાથે જજ સામે હતું. જાણે એ હાસ્યમાં પણ જજને વિનંતી કરતો હતો કે મને હોસ્પિટલ જવા માટે મંજૂરી આપો. જજ પણ વિચાર કરવા લાગ્યા હતા કે આ કેવો અપરાધી છે જે અતિશય શાંત રહીને ધીમા હાસ્ય સાથે એમની જોડે વાત કરતો હતો.

જજ: “મિ. વિક્રાંત... કોર્ટ તમારી હોસ્પિટલ જવા માટેની વાત મંજૂર કરી શકે નહીં... મિસ નીલિમા બેભાન અવસ્થામાં છે અને એના માતા-પિતા પણ તમને મળવા આવવા માટે મંજૂરી આપશે નહીં...”

વિક્રાંત હાથ જોડી બોલે છે: “જજસાહેબ... નીલિમાનાં પિતાને મારા હોસ્પિટલ જવા માટે કોઈ વિરોધ ના હોય તો તમે પરવાનગી આપશો?”

વકીલ: “જજસાહેબ... એ છોકરીનાં પિતા શું કરવા મંજૂરી આપે?”

વિક્રાંત બન્ને હાથ બોક્સ પર પછાડી ગુસ્સા સાથે બોલે છે: “એ વકીલસાહેબ... ક્યારના એ છોકરી... એ છોકરી... કરીને વાત શું કામ કરો છો... મને આ કોર્ટમાં સજા અપાવવા આવ્યા છો એ પીડિતાનું નામ પણ તમને ખબર નથી... એનું નામ નીલિમા કિશોરભાઇ કાપડિયા છે... એનું નામ જરા ઇજ્જત સાથે બોલી વાત કરો...”

અત્યાર સુધી શાંત રહેલો વિક્રાંત અચાનક ઊંચા અવાજ સાથે બોલ્યો હતો. બોલ્યો શું હતો એણે બધાની હાજરીમાં વકીલને પીડિતાનું નામ ઇજ્જત સાથે બોલવા માટે ઓર્ડર કર્યો હતો. ફરીથી ટોળાંમાં ગુસપુસ, સિટી અને તાળીઓ વાગવા લાગી હતી. ટોળાંનું મજાક ભરેલું હાસ્ય સાંભળી વકીલને પરસેવો વળે છે. આગલી હરોળમાં બેઠેલા પાંચ લોકો હવે ગુસ્સે થાય હતા અને વકીલ થોથવાયો હતો.: “જજસાહેબ... આ માણસ... કોર્ટમાં આ... રીતે વર્તન......”

વિક્રાંત ફરી હાથ જોડી જજ સામે જુએ છે: “માજ કરશો... જજસાહેબ... હું નીલિમાનું ઇન્સલ્ટ કોઈપણ સંજોગોમાં સહન નહીં કરું... એ મારી વાગ્દત્તા છે... મારી ભાવિ પત્નીનું અપમાન મારુ અપમાન છે... નીલિમાનાં પિતા કિશોરભાઇ આ કોર્ટમાં હાજર છે... આપ એમને મરજી પૂછી શકો છો...”

વિક્રાંત ટોળામાં બીજી હરોળમાં બેઠેલા એક આધેડ ઉંમરનાં વ્યક્તિ સામે આંગળી ચીંધે છે. કિશોર ઊભો થઈ હાથ જોડે છે.: “જજસાહેબ હું પોતે ઈચ્છું છું કે વિક્રાંત મારી દીકરીને મળવા આવે... વિક્રાંતનો અવાજ અને પ્રેમ મારી દીકરીને ભાનમાં લાવશે એની મને પૂરી ખાતરી છે... જજસાહેબ મારી દીકરીની હાલત માટે જવાબદાર આ ત્રણ મિત્રો નથી... અસલી ગુનેગારોને તમે શોધશો એવી પણ આશા રાખું છું... જેનાથી મારી દીકરીને ન્યાય મળે...”

કિશોરની આંખોમાંથી અશ્રુધાર વહે છે. એની બાજુમાં બેઠેલી સ્ત્રીની આંખોમાં પણ આંસુઓ આવે છે. જજ કિશોરને બેસવા માટે ઈશારો કરે છે. વિક્રાંત, રોહિત અને પ્રતિક હાથ જોડી ઊભા રહે છે.

જજ: “વિક્રાંત ગાંધી, રોહિત રાણા અને પ્રતિક જાદવના પંદર દિવસનાં રિમાન્ડ મંજુર થાય છે... કોર્ટ પોલીસ વિભાગને સૂચના આપે છે કે ત્રણેય આપરાધીઓને જેલમાં લઈ જતાં પહેલા હોસ્પિટલ નીલિમા કાપડિયાને મળવા માટે લઈ જવા...”

જજનો ચુકાદો સાંભળી ફરી ટોળામાં ગુસપુસ થાય છે. સંજય ત્રાંસી નજરથી શંકર સામે જુએ છે તો ત્યારે શંકરનાં ચહેરા પર રહસ્યમય હાસ્ય હતું.

***

વિશાલ બાઇકની નોર્મલ સ્પીડ રાખી માસૂમ અનાથાશ્રમ સામેથી પસાર થાય છે. ગેટ પર સિક્યુરિટી ગાર્ડ મસાલો મચેડતો હતો. રસ્તા પર હળવો ટ્રાફિક હતો. એકલ-દોકલ વાહન સિવાય રસ્તો શાંત હતો. માસૂમ અનાથાશ્રમનો કોટ દૂર સુધી દેખાતો હતો જેનાથી અંદાજ લગાવી શકાય કે અનાથાશ્રમ ખૂબ મોટી જમીન પર આવેલો છે. આટલી મોટી વિશાળ જમીન જોઈ કોઈ લોભી માણસનું મન એને પચાવી પાડવા માટે ગમે તેવું પગલું ભરવા તૈયાર થાય એમાં કોઈ શંકાને સ્થાન નહોતું. એવા જ કોઈ માણસના ષડયંત્રનો શિકાર વિક્રાંત, રોહિત અને પ્રતિક બન્યા હશે. તો પછી આ બધામાં એક છોકરી કેવી રીતે ભોગ બની. એના પર ગેંગરેપ થયું છે એ આ કેસમાં કેવી રીતે બન્યું હશે. વિશાલ મનમાં કેસની વિગતો અને અનાથાશ્રમના માહોલ વિષે કડી જોડાવાનો પ્રયત્ન કરતો હતો.

અનાથાશ્રમ ચાર રસ્તા પર આવેલું હતું. ગેટથી આગળ વળાંક આવે છે ત્યાં વળ્યા બાદ વિશાલ ઊભો રહે છે. રસ્તા પર બીજા વાહન દેખાતા બંધ થાય છે એટલે વિશાલ કોટ પર ચઢી અંદર જોવે છે. કોટથી ઘણું દૂર એક બિલ્ડીંગ દેખાય છે. સાત માળનાં બિલ્ડીંગની દીવાલો જોઈ ખબર પડે કે બાંધકામ માંડ ત્રણ-ચાર વર્ષ જૂનું હશે. એ બિલ્ડીંગની આગળ થોડી દૂર મુખ્ય ગેટથી નજીક બીજું એક ચાર માળનું બિલ્ડીંગ દેખાય છે. એ બોલ્ડિંગનું બાંધકામ ધણુ જૂનું હતું. દીવાલ પર ઘણા વર્ષોથી રંગરોગાન થયેલું નહોતું એટલે એ મકાન વધારે જૂનું અને વિરાન ભાસતું હતું. એક જ જ્ગ્યા પર આવેલા બે બિલ્ડીંગની હાલતમાં જમીન-આસમાન જેટલો ફર્ક હતો. નવા બોલડિંગની બહાર પાર્કિંગમાં એક મર્સિડિસ કાર હતી. અનાથાશ્રમમાં આટલી મોંધી કાર કોણ લઈને આવ્યું હશે?

વિશાલનાં મનમાં અનેક સવાલ થાય છે. Dy. S.P. નાં પોલીસ સ્ટેશનમાં કોઈ કારણ વગર જવું મુશ્કેલ હતું. વિશાલ અનાથાશ્રમમાં કોઈ કારણ શોધવા શોધવા આવ્યો હતો. અંદરની સ્થિતિ જોઈ પોતાના મન સાથે થોડી ગડમથલ કરી એક નિર્ણય લે છે. બાઈકની ચાવી શર્ટના ખિસ્સામાં મૂકે છે. શર્ટનું અડધું ઇન્સર્ટ કાઢે છે. વાળ વેરવિખેર કરે છે. બાઈકના અરિસામાં દાઢી અને મૂંછ બરાબર ચેક કરે છે. ઝડપથી દોડી ગેટ પર આવે છે. સિક્યુરિટી ગાર્ડ કોઈને દોડતો આવતા જોવે છે. દંડો લઈ એ વિશાલ તરફ આગળ વધે છે. ગાર્ડ નજીક આવી વિશાલ જાણીજોઇ ઊભો રહી હાંફવા લાગે છે.

વિશાલને ઊભો થયેલો જોઈ ગાર્ડ પણ ઊભો રહે છે.: “ઓ ભાઈ આમ દોડતા કેમ આવ્યા? આ માસૂમ અનાથાશ્રમ છે અહી તમારે શું કામ દોડવું પડે છે... થોડે દૂર ડાબી બાજુ એક પાર્ક છે... ત્યાં દોડવા જાવ...” વિશાલ તરફ ખૂબ ગુસ્સાથી જોઈ મનમાં બાબડે છે ‘મને ડરાવી દીધો આ બબૂચકે.’ ગાર્ડ ત્યાંથી પાછો એની જ્ગ્યા પર જવા લાગે છે.

ગાર્ડ ખૂબ ધીમા અવાજે બોલ્યો હતો પણ વિશાલ એ શબ્દો સાંભળી જાય છે. વિશાલ પણ મનમાં બોલે છે ‘હજુ તો તારે વધારે ડરવાનું છે.’ વિશાલ ગાર્ડની પાછળ જાય છે.: “અરે ગાર્ડભાઈ... એક ચોર મારી હેન્ડબેગ લઈ આ બિલ્ડીંગમાં ગયો છે... મને મદદ કરો પ્લીઝ... મને અંદર જવા દો... જેથી હું મારી બેગ લઈ શકું...”

ગાર્ડ દંડો દેખાડી બોલે છે: “જુઓ ભાઈ... આ જ્ગ્યા ચોર લોકોની નથી... માસૂમ નાના ભૂલકાઓને રહેવાની જ્ગ્યા છે... ચોર અંદર આવે જ નહીં... એટલે તમારે અંદર જવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી... અને તમને કોઈ ગેરસમજણ થઈ લાગે છે...”

વિશાલ રડમસ ચહેરો બનાવે છે: “ગાર્ડભાઈ... એ બેગમાં મારી બધી માર્કશીટ અને બીજા અગત્યના કાગળો છે... મને ના જવા દો તો કોઈ વાંધો નહીં... તમે અંદર જઈ ચોરને પકડી શકો છો...”

ગાર્ડ: “અરે ભાઈ... તમને કેટલી વાર કહ્યું કે ચોર અંદર આવે જ નહીં... તમે જાવ પાછા...”

વિશાલ: “ગાર્ડભાઈ મારા પર મહેરબાની કરો... મને મારી બેગ લાવી આપો... નહિતો મારે પોલીસસ્ટેશન જવું પડશે...”

ગાર્ડ: “તો તારે તું જા પોલીસસ્ટેશન... તારાથી જે ઊખડે એ ઉખાડી લે... પણ તને અંદર જવા નહીં દઉં...”

વિશાલ થોડા વધારે કાલાવાલા કરી રડતો-રડતો ત્યાંથી પાછો બાઇક પાસે જવા લાગે છે. એના મનમાં ફરી સવાલો ઊભા થાય છે. ચોર અંદર કૂદીને આવ્યો છે એ સાંભળી ગાર્ડને કોઈ ફર્ક પડતો નથી, એનો મતલબ અનાથાશ્રમમાં નક્કી કોઈ ગેરકાનૂની કામ થાય છે. વિશાલ Dy. S.P.નાં પોલીસસ્ટેશન આવે છે. Dy. S.P. એમની ઓફિસમાં બેઠા હતા એ વિશાલ જાણી લે છે. શુકલાની ઓફિસની નજીક જે ટેબલ હતું ત્યાં જઈ વિશાલ મોટેથી બોલે છે જેથી ઓફિસની અંદર પણ અવાજ જાય: “સર... એક ચોર મારી હેન્ડબેગ ચોરી કરી માસૂમ અનાથાશ્રમની દીવાલ કૂદી અંદર જતો રહ્યો છે... ત્યાંનાં ગાર્ડને મેં ખૂબ વિનંતી કરી પણ મને અંદર જવા દીધો નહીં... સર એમાં મારા અગત્યના કાગળ અને માર્કશીટ છે... તમે મારી કમપ્લેઇન લખી એ ચોર પાસેથી મારી બેગ પાછી લાવી આપો તો તમારો ઉપકાર નહીં ભૂલું...”

વિશાલના ધાર્યા પ્રમાણે એના શબ્દોની અસર થઈ હતી. એની વાત પૂરી થાય એ પહેલા શુક્લા બહાર આવ્યો હતો. વિશાલ શુક્લા સામે જોવાના બદલે ટેબલ પર બેઠેલા ઇન્સ્પેક્ટર સામે જોતો હતો. એ ઇન્સ્પેક્ટરને પણ ઝાટકો લાગ્યો હતો. વિશાલ ઇન્સ્પેક્ટરને જોતો હતો પણ શુક્લા અને ઇન્સ્પેક્ટર એકબીજા સામે જોઈ ઇશારાથી વાત કરતા હતા.

ક્રમશ:

Share

NEW REALESED