Case No. 369 Satya ni Shodh - 10 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 10

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”

ડો. હિના દરજી

પ્રકરણ : ૧૦

ખત્રી વિક્રાંતને ધક્કો મારી નીલિમાનાં રૂમમાં જવા કહે છે. વિક્રાંતની નજર ત્યારે સંજય પર હતી. સંજયને એની વાત સાંભળી આંચકો લાગ્યો હતો. સંજયનું રીએક્સન જોઈ વિક્રાંત સમજી જાય છે કે અર્જુન આ દુનિયામાં નથી એ વાતની એને ખબર પડી ગઈ છે.

અર્જુન આ દુનિયામાં નથી એ જાણી સંજયને જોરદાર આંચકો લાગ્યો હતો. કરણ વિચારતો હતો કે અર્જુન એના ભાઈને મુશ્કેલીમાં છોડી ના શકે. અર્જુન ક્યાં છે? એણે વિક્રાંતને બચાવવા માટે કોઈ પગલાં કેમ લીધા નથી? એ બધી મુંજવણનો જવાબ મળ્યો હતો. જે માણસ આ દુનિયામાં હોય નહીં, એ એના ભાઈને બચાવવા માટે ક્યાંથી આવે? કરણ વિચારતો હતો કે વિક્રાંતની જેમ અર્જુન પણ કોઈ મોટી મુસીબતમાં હશે. જ્યારે સત્ય હકીકત જુદી હતી. અર્જુન આ દુનિયામાં હતો જ નહીં.

વિક્રાંત એવું બોલ્યો કે અનેક છોકરીઓના જીવ બચાવવા જતાં અર્જુને જીવનું બલિદાન આપ્યું છે. મતલબ અર્જુન કોઈ મોટી મુસીબતનો સામનો કરતા આ દુનિયામાંથી ચીર વિદાય પામ્યો છે. એનો અર્થ એ થયો કેસ નંબર - ૩૬૯ સાથે બીજા અનેક કેસ પણ જોડાયેલા છે. જે છોકરીઓના જીવ સાથે એટલે કે બની શકે કે દેહવ્યાપાર સાથે જોડાયેલો હશે. વિક્રાંત એવું પણ બોલ્યો કે એ માસૂમ છોકરાઓ અને લાચાર છોકરીઓને બચાવવા મેદાને ઉતર્યો છે. માસૂમ છોકરાઓ એટલે માસૂમ અનાથાશ્રમનાં નિર્દોષ બાળકોની એણે વાત કરી. લાચાર છોકરીઓ એટલે અનાથાશ્રમમાં છોકરીઓ સાથે અન્યાય અથવા એમની સાથે પણ દેહવ્યાપાર જેવી શરમજનક વર્તણૂંક કરવામાં આવે છે.

સંજયનાં મગજમાં વિક્રાંતનાં બોલેલા શબ્દોનાં અનેક મતલબમાંથી સાચું છું છે, તે સમજવા માટે અર્થોનું યુધ્ધ શરૂ થયું. વાતનો મતલબ સમજવા માટે એટલો મશગૂલ થઈ ગયો કે બે મિનિટ માટે હોસ્પીટલમાં છે એ ભૂલી ગયો. વિક્રાંત ક્યારનો નીલિમાનાં રૂમમાં ગયો છે એ પણ ધ્યાનમાં ના રહ્યું.

એની બાજુમાંથી બે માણસ રડતાં નીકળે છે, એ અવાજથી એની તંદ્રા તૂટે છે. સભાન થતાં એ નીલિમાનાં રૂમમાં વિક્રાંત શું કરે છે એ જાણવા માટે દોડે છે. નીલિમાનાં રૂમમાં જવા માટે આખી લોબી પસાર કરી સામેની લોબીમાં જવાનું હતું. એ ત્યાં જલ્દી જાય તો એને ખબર પડે કે વિક્રાંત ત્યાં શું કરે છે અને નીલિમાની હાલત કેવી છે. એ ત્યાં પહોંચે છે ત્યારે શંકર પણ રૂમની બહાર એક બારીમાંથી સાંભળવાની કોશિશ કરતો હોય છે. સંજયને ખૂબ ગુસ્સો આવે છે.

શંકર એને જોઈ જાય નહીં એ રીતે ત્યાં જવાનું હતું. શંકર જે બારીની બહાર ઊભો હોય છે એની બાજુમાં બીજી બારી પણ હોય છે. પરંતુ એ બારીમાંથી સાંભળવું જોખમ ભરેલું હતું. બારી પછી દરવાજો હતો. દરવાજા પછી થોડી દૂર બીજી બારી હતી, જે કદાચ બીજા રૂમની બારી હતી અને એ રૂમનો દરવાજો ખુલ્લો હતો. સંજય વિચારે છે એ રૂમની અંદરથી કદાચ નીલિમાનાં રૂમની વાત સાંભળી શકાશે.

એ રૂમ સુધી જવા માટે શંકર અને ખત્રીનાં બે હવાલદાર આગળથી પસાર થવાનું હતું. એ વખતે બે વોર્ડબોય એક સ્ટ્રેચર પર પેશન્ટ લઈ આવે છે, પાછળ પેશન્ટનાં સગાઓ ચાલતાં હોય છે. સંજય પણ એ સગાઓ પાછળ ચાલી બાજુનાં રૂમમાં આવે છે. બન્ને રૂમની કોમન દીવાલ પર એક નાનો દરવાજો હોય છે. સંજય એ દરવાજાનું હેન્ડલ ગુમાવે છે તો દરવાજો ખૂલી જાય છે. દરવાજો થોડો ખોલી એ રૂમમાં જુએ છે. એને બેડ પર નીલિમાનાં પગ તથા બે સ્ત્રી અને એક પુરુષ દેખાય છે. દરવાજો થોડો વધારે ખોલે છે ત્યાં એને બે સ્ત્રીઓની વચ્ચે નીલિમાનો હાથ પકડી વિક્રાંત ચેર પર બેઠેલો દેખાય છે.

એક સ્ત્રી રડતાં-રડતાં બોલે છે.: “વિક્કી... આજે પંદર દિવસ થવા આવ્યાં... એ ભાનમાં આવતી નથી... મારી નિલુને જલ્દી સાજી કરી દે...” એ સ્ત્રી કિશોર સામે જોવે છે: “કિશોર... મારી દીકરીને સાજી કરો...” સ્ત્રી ફરી રડે છે. એ નીલિમાની મમ્મી હંસાબેન કાપડિયા હતા. હંસા અને કિશોર બન્ને વિક્રાંતને હાથ જોડે છે.

કિશોર: “વિક્કી... ડોક્ટર કહેતા હતા નિલુને ખૂબ આધાત લાગ્યો છે... એની સામે સારી અને પોઝિટિવ વાતો કરો... એની ગમતી વાતો કરો... એ બધું સાંભળે છે... અમે પંદર દિવસથી બધા પ્રયત્ન કર્યા પણ એને ભાન આવતું નથી... હવે તું એની સાથે કોઈ વાત કર તો કદાચ એને ભાન આવશે...”

વિક્રાંતની મમ્મી હંસાબેનનાં ખભે હાથ મૂકે છે. હંસા: “સાધના, જોને મારી છોકરીની એ નરાધામોએ કેવી હાલત કરી છે... એ રાક્ષસોએ મારી ફૂલ જેવી નિલુને જનાવરને હલાલ કરે એ રીતે રહેંસી નાંખી છે...”

નીલિમાનાં માથામાં વિક્રાંત હાથ ફેરવે છે.: “મમ્મી... એ લોકો જાતે જાનવર છે એટલે બીજાને પણ જાનવર સમજે છે... એક જાનવર પાસે આપણે બીજી અપેક્ષા પણ ના રખાય... પણ હું તમને ત્રણેયને વિશ્વાસ આપવું છું કે એ લોકોને એમની કરનીનું પરિણામ મારા હાથે આપીશ...”

નીલિમાનો હાથ પ્રેમથી પંપાળે છે. “નિલુ, તું કહેતી હતી ને કે ન્યાય ના મળે તો જાતે ન્યાયાધીશ થવામાં કોઈ પાપ નથી... પાપીને આપણાં હાથે સજા આપવાથી પાપ નથી લાગતું... આ કલિયુગમાં પાપીઓને સજા આપવા માટે ભગવાન અવતાર નથી લેતા... આપણે જ અન્યાય સામે લડી ગુનેગારોને દંડ આપવો પડે છે. પોતાના હક્કની લડાઈ જાતે લડવી પડે છે...”

નીલિમાનાં કપાળ પર હળવું ચુંબન કરે છે: “તારી આવી હાલત કરનારનો ન્યાયાધીશ હું નહીં પણ તું બનીશ... તું જલ્દી ઊભી થઈ જા... તારે એ પાપીઓને શોધી-શોધી સજા આપવાની છે... તારા જેવી અનેક છોકરીઓનો બદલો તારે લેવાનો છે... મારા ભાઈ અને ભાભીનું અધૂરું કામ આપણે બન્નેએ સાથે મળી પૂરું કરવાનું છે... આપણી સાથે પ્રતિક અને રોહિત સિવાય પણ બીજા સાથીદારોનો સાથ છે... આ વખતે એવો સાથી મળ્યો છે જે આપણને ડગલેને પગલે મદદ આપશે...”

ખત્રી વિક્રાંતને બાવળેથી પકડી ઊભો કરવા જોર કરે છે: “ચાલ મજનૂની ઓલાદ... તારી પ્રેમલીલાને સંકેલી જેલ ભેગો થા... થોડીવાર પછી તારો રિમાન્ડ ચાલું થશે એટલે તું બધાં ગુના કબૂલીશ... અને હું તને ઓછામાં ઓછી આજીવન કેદની સજા અપાવીશ... આ છોકરી જો ભાનમાં આવી તો એ દેહવ્યાપાર કરશે... જો એનું ભલું ઈચ્છતો હોય તો એના મોતની પ્રાર્થના કરજે... નહીં તો જીવતી રહી તો રોજ નવો પતિ મળશે...”

ખત્રી જોરથી હસવા લાગે છે. વિક્રાંત ખત્રીની પરવા કર્યા વગર નીલિમાનાં કાન આગળ બોલે છે: “નિલુ, આ ઇન્સ્પેક્ટર છેને અંગારનો કૂતરો છે... અંગાર રોજ બટકું રોટલો ફેંકે એટલે પૂંછડી પટપટાવતો ધૂળમાં પડેલી રોટલી ખાવા ફાંફા મારે... નિલુ તને ખબર છે... એને ફાંફા કેમ મારવા પડે... એની આગળ પેલો હડકાયો શુક્લા રોટલી માટે હડકાયો થયો હોય... હવે મોટો કૂતરો રોટલી માટે આગળ વાઘ થઈ ઊભો હોય એટલે આ ખત્રી નામનો કૂતરો બિલાડી બની અંગાર અને શુક્લાની સામે પણ એ પૂંછડી પટપટાવે...”

ખત્રી પોતાના માટે આવા ઉચ્ચાર સહન કરી શકતો નથી. એ વિક્રાંતની ચેરને લાત મારે છે. વિક્રાંતને કે ચેરને કશું થતું નથી પણ ઉપરથી ખત્રીને પગમાં વાગે છે. લોંખડની ખુરશીનો પાયો વાગવાથી પગમાં લોહી જામી ગયું હોય એમ લબકારા શરૂ થાય છે. ખત્રી વધારે ગુસ્સે થાય છે. એ વિક્રાંતને પીઠમાં મુક્કો મારવા જાય છે. વિક્રાંતને પણ ખબર પડી ગઈ હતી કે ખત્રી એને મારવાની કોશિશ કરશે, એટલે એ ઊભો થાય છે. વિક્રાંત અચાનક ઊભો થાય છે એટલે ખત્રીનો હાથ પીઠને બદલે ખુરશીની બેઠક પર પછડાય છે. હાથ લોખંડની ખુરશી પર પછડાતા હાથમાં પણ ઝણઝણાટી આવે છે. હવે ખત્રી પોતાના પરથી કાબૂ ગુમાવે છે. ગાળ બોલી વિક્રાંતનું ગળું પકડવા હાથ ઊંચો કરે છે. વિક્રાંત એક હાથથી ખત્રીનો હાથ પકડે છે અને બીજા હાથે ખત્રીનું ગળું પકડે છે.

નીલિમા સામે જોઈ શાંત અને ધીમા અવાજે બોલે છે: “જોયું નિલુ, આ કૂતરો તો હડકાયો થઈ ગયો... આજકાલ કૂતરાઓને પણ એમની અસલિયત બતાવો તો એમની ઔકાદ પર આવી જાય છે...” ખત્રી ગળું છોડાવવા માથે છે, પણ વિક્રાંતની પકડ એના ધાર્યા કરતાં પણ વધારે મજબૂત હતી. વિક્રાંતનાં હાથ ખત્રી જોડે ઝપાઝપીમાં હતા પણ નજર નીલિમા પર હતી.

એ આગળ બોલે છે: “ભલે ગુંડાઓની આગળ-પાછળ ગોળ-ગોળ ફરે અને એમનો એંઠવાડ ખાતા હોય પણ સમાજમાં ગરદન ટટ્ટાર કરી ફરે... આખરે પૈસાવાળાનાં કૂતરાઓનું પણ ગલીનાં કૂતરાઓ કરતાં માન વધારે હોય... પણ આ પૈસાનાં જોરે બીજા કૂતરાઓની સામે રોફ જમાવતા કુરકુરિયાઓને એ ખબર નથી હોતી કે પૈસાની ચકાચૌંધ બધાને આંધળા નથી બનાવતી...”

ખત્રીને અંદાજ પણ નહોતો કે વિક્રાંતમાં આટલી તાકાત હશે. પોતાને છોડાવવા માટે એ હવાલદારને બૂમ પાડે છે. બહાર ઉભેલા બન્ને હવાલદાર અંદર આવે છે. પ્રતિક અને રોહિત એ લોકોને પકડી રોકે છે. બન્ને હવાલદાર પણ રોહિત અને પ્રતિકની પકડમાંથી છૂટવા માટે ફાંફા મારે છે.

***

ગણપત બહાર આવી પોતાની બેઠક પર ચૂપ થઈ બેસી જાય છે. સિંદે થોડીવાર પછી આવી વિશાલને કહે છે: “જુઓ ભાઈ... અનાથાશ્રમવાળા રોડ પર અવાર-નવાર ચોરી થાય છે... ચોર ખૂબ જલ્દી પકડાઈ જશે... એના માટે તમે FIR ના લખાવશો... તમને તમારી વસ્તુ મળી જશે... બે દિવસ પછી તપાસ કરજો... મારે અત્યારે એક અગત્યનાં કામથી જવાનું છે... અને બીજી એક વાત ચોરી વિષે બહુ ચર્ચા કરશો નહીં... નહીંતર ચોર સાવધ થઈ જશે અને તમને તમારી માર્કશીટ પાછી નહીં મળે... તમને સર્ટિફિકેટ નહીં મળે તો તમને જ મુશ્કેલી ઊભી થશે... એ તો તમે સમજો જો ને?”

વિશાલ થોડું નાટક કરી ત્યાંથી બહાર આવે છે. એ સમજી ગયો કે સિંદેએ ખૂબ હોશિયારી વાપરી એને રવાના કર્યો હતો. કોઈ સાથે ચર્ચા ના કરવાનું કહીં અનાથાશ્રમથી દૂર રાખવાની કોશિશ પણ કરી હતી. વિશાલ થોડું વધારે ત્યાં રોકાયો હોત પણ એને ગણપત પાસેથી માહિતી મેળવવી હતી. વિશાલ જ્યારે બહાર આવે છે ત્યારે ગણપતનાં ચહેરા પર અકળામણ સ્પષ્ટ દેખાતી હતી. વિશાલ પોલીસસ્ટેશન સામે ચાની કીટલી પર સ્ટેશનનો દરવાજો દેખાય એવી એક બેઠક લઈ બેસે છે. વિશાલ એક ચા પીવે છે ત્યાં સુધી ગણપત દેખાતો નથી. ગણપતનાં ખિસ્સામાંથી ટ્રાન્સમીટર કાઢવું ખૂબ જરૂરી હતું. જો એ ટ્રાન્સમીટર શુક્લા કે બીજા કોઈના હાથમાં આવે તો ભાંડો ફૂટી જવાનો ભય હતો. વિશાલ ફરી ચા નો ઓર્ડર આપે છે. ગણપત બહાર નથી આવતો પણ એ કોઇની સાથે વાત કરવા લાગે છે.

“સાલું આ હવાલદારની નોકરી છે, કે ગધ્ધામજૂરી છે એ જ સમજ નથી પડતી.”

“શું થયું ભાઈ... ફરી કોઇની ચાપલૂસી કરવાની થઈ લાગે છે આપણાં મોટી ઓફિસવાળાને?”

“હા... પેલા ખેંગાર અને અંગારનાં જૂતીયા ચાટે છે સાલાઓ... અને મને પણ કઠપૂતળીની જેમ નાચવાનું કહે છે...”

“શું કરીએ ભાઈ... આપણે રહ્યાં નાના માણસો... આપણે પણ મોટા કાર્ટુનો સાથે ખેલ કરવાના...”

ખેંગાર અને અંગારનું નામ સાંભળી વિશાલનાં પગ નીચેથી જમીન સરકી જાય છે. કેસ નંબર - ૩૬૯ની પાછળ આટલા ખતરનાક લોકોની સંડોવણી હશે એવી કલ્પના પણ નહોતી. કરણ સાચું કહેતો હતો આ કેસ બહુ પેચીદો છે. આપણે અસલી ગુનેગારોને પકડવા માટે જમીન-આસમાન એક કરવા પડશે.

ક્રમશ: