Case No. 369 Satya ni Shodh - 11 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 11

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”

ડો. હિના દરજી

પ્રકરણ : ૧૧

ખેંગાર અને અંગારનું નામ સાંભળી વિશાલનાં પગ નીચેથી જમીન સરકી જાય છે. કેસ નંબર - ૩૬૯ની પાછળ આટલા ખતરનાક લોકોની સંડોવણી હશે એવી કલ્પના પણ નહોતી. કરણ સાચું કહેતો હતો આ કેસ બહુ પેચીદો છે. આપણે અસલી ગુનેગારોને પકડવા માટે જમીન-આસમાન એક કરવા પડશે.

ખેંગારચંદ અને અંગારચંદ બે સગા ભાઈ હતા. એમની ઉંમરમાં ૧૦ વર્ષનું અંતર હતું. બન્નેનાં પિતા એક પણ માતા અલગ હતી. ખેંગારનાં જન્મ સમયે એની માતાનું અવસાન થયું હતું. પિતા દીકરાને અપર મા આપવા નહોતા માંગતા એટલે બીજા લગ્ન કર્યા નહીં. પરંતુ ખેંગાર થોડો મોટો થયો એટલે એણે મમ્મી લાવી આપવા માટે જીદ્દ કરી. ઓફિસમાં એક નાની ઉંમરની વિધવા સ્ત્રી કામ કરતી હતી. એની સાથે લગ્ન કરી ખેંગારની ઈચ્છા પૂરી કરી. થોડા વર્ષો પછી અંગારનો જન્મ થયો. ખેંગાર મોટો હતો એટલે નાના ભાઈને ખૂબ સાચવતો. અંગારને પિતા સમાન મોટાભાઇ અને માતા-પિતાનો આંધળો પ્રેમ મળ્યો હતો, એટલે વધારે લાડકોડથી ઉછર્યો હતો.

એમના બાપદાદા ખૂબ શ્રીમંત હતા. બાપદાદાએ અનેક જગ્યાએ ધર્માદામાં કરોડો રૂપિયા આપ્યા હતા. માસૂમ અનાથાશ્રમ અને સંકટ હોસ્પિટલમાં પણ કરોડો રૂપિયા દાન આપ્યું હતું. ખેંગારને પણ એના પિતા સેવાકાર્ય કરવા માટે સમજાવતા હતા. પિતાની ધર્મકાર્ય કરવાની લગની જોઈ ખેંગાર એમનાં કહ્યા પ્રમાણે દાનધર્મ કરતો પરંતુ કોઈવાર એ કરતાં એનો જીવ કોચવાતો. આગલી પેઢીઓએ ધંધાની ખૂબ જમાવટ કરી હતી. ખેંગારનાં પિતાએ બાપદાદાનો ધંધો ખૂબ આગળ વધાર્યો હતો. ખેંગારે અભ્યાસ પૂરો કરી ઘરનાં ધંધામાં રસ લેવાનું શરૂ કર્યું. થોડા મહિનાઓમાં ધંધાને લગતી બધી બાબતો શીખી ગયો. પિતાનાં અવસાન પછી ખેંગારનાં માથે તમામ જવાબદારી આવી. ઘરની અને ધંધાની તમામ જવાબદારી ખેંગારે ખૂબ સારી રીતે ઉપાડી.

કહે છે જે ઘરમાં ધર્મકાર્ય પેઢીઓથી થતાં હોય એવા ઘરમાં પણ પેઢીનું નામ બદનામ કરવા માટે રાક્ષસનો જન્મ થતો હોય છે. અંગાર પણ એની પેઢીને બદનામ કરનાર રાક્ષસ હતો. અંગારને પોતાનો દીકરો ગણનાર ખેંગારે એની બધી સારી-ખરાબ આદતોને પ્રોત્સાહન આપ્યું. આ પ્રોત્સાહને અંગારને દુનિયાનાં તમામ કુદરત વિરોધી કાર્ય કરવા માટે પ્રેરણા આપી. ખેંગાર અને અંગાર દુનિયા સામે સજ્જન માણસનું વ્યક્તિત્વ ધરાવતા હતા. સમાજમાં બહુ ઇજ્જતદાર પરિવાર હતું. પરંતુ પોલીસ પાસે દરેક ગુનેગારોનાં ક્ચ્છા-ચિઠ્ઠા હોય છે. કાનૂનની નજરમાં બન્ને નિર્દોષ હતા, પરંતુ માણસાઈની અદાલતમાં એ મહાપાપી હતા.

ગણપતની વાત સાંભળી વિશાલને કેસની મુખ્ય કડી મળી હતી. બન્નેનાં નામ સાંભળી એને યાદ આવ્યું કે અનાથાશ્રમનાં અનેક ટ્રસ્ટીઓમાં એક નામ ખેંગારનાં પિતાનું પણ છે. સંકટ હોસ્પિટલનાં ટ્રસ્ટીઓમાં ખેંગારનાં દાદાનું નામ હતું, જેમાં સમય જતાં સ્થાન પૌત્રને મળ્યું હતું. વિશાલ પોતાનું ધ્યાન ફરી ગણપત તરફ લઈ જાય છે. ગણપતની વાતચીત બંધ થઈ હતી. વિશાલ પોલીસ સ્ટેશનનાં દરવાજા પર નજર કરે છે. ગણપત અને એક હવાલદાર ચાની કીટલી પર આવી વિશાલની પાછળવાળી બેઠક પર બેસી ચા મંગાવે છે.

હવાલદાર: “હવે ખેંગાર અને અંગારે શું કર્યું કે મોટી ઓફિસવાળો પરસેવે રેબઝેબ થઈ હવાતિયાં મારે છે?”

ગણપત બીજા હવાલદારનાં કાનમાં ધીમા અવાજે બોલે છે: “સંકટ હોસ્પિટલમાં બહુ ગફલાં છે... નાના છોકરાઓની જિંદગી સાથે ગંદી રમત રમાય છે... હકીકત તો મને પણ નથી ખબર... મારે જાણીને કરવું પણ શું છે? ખોટા લફડામાં ના પડવું જોઈએ એવું કોઈ પંડિતે સલાહ આપી છે...”

હવાલદાર: “આજે તું છોકરાઓને ત્યાં લઈ જવાની શું વાત કરતો હતો?”

ગણપત: “કાલે અનાથાશ્રમમાં પાંચ છોકરાઓ ગંભીર રીતે બીમાર થયા છે... એ છોકરાઓને સંકટ હોસ્પિટલમાં લઈ જવાનાં છે...” ગણપત આજુબાજુ કોઈ વાત સાંભળતું નથી એની ખાતરી કરે છે. એને ક્યાં ખબર હતી કે વિશાલ ટ્રાન્સમીટરની મદદથી બધી વાત સાંભળતો હતો.

ગણપત: “ખેંગારે મોટી ઓફિસવાળાને ફોન કરી એક એમ્બ્યુલન્સ માટે પોલીસ પ્રોટેકશન માંગ્યું હતું... એટલે મને ત્યાં ખત્રી સાથે મોકલ્યો હતો... અમે ત્યાં પહોંચ્યા ત્યારે પેલો અંગાર છે ને એ બહું ગુસ્સામાં હતો... કોઈને લડતો હતો, તારે એક્સપરીમેન્ટ કરતી વખતે રીએકશનનું ધ્યાન રાખવું જોઈએ... અમે હોસ્પિટલ જઈએ એ પહેલાં ખત્રીને મોટી ઓફિસવાળાએ પેલા ત્રણ છોકરાઓનો કેસ લેવા માટે તાબડતોબ મોકલ્યો...”

હવાલદાર: “કોણ પેલો ચૂનૌતીવાળા છોકરાઓનો કેસ?”

ગણપત: “હા... એ છોકરાએ તે દિવસે વાતોમાં મોટી ઓફિસવાળાને જબરો લઈ પાડ્યો હતો... મારી જિંદગીમાં મેં મોટી ઓફિસવાળાને આટલો ગુસ્સામાં જોયો નહોતો...”

હવાલદાર: “હા... એ છોકરનું કહેવું પડે... એણે મોટી ઓફિસવાળાને ખતરનાક રીતે ઉશ્કેરયો હતો અને કહ્યું હતું કે, હું શારદાનગર વિસ્તારમાં રહું છું... તમારામાં તાકાત હોય તો શારદાનગર પોલીસચોકીમાં મારો કેસ મોકલો... અને મોટી ઓફિસવાળાએ પહેલાં એ લોકોને ત્યાં મોકલ્યા... પણ પછી ખત્રીને કેસ કેમ આપ્યો?”

ગણપત: “મને તો એટલી ખબર પડી કે કોઈએ ફોન કરી એ કેસ શારદાનગર ચોકીમાંથી પાછો લેવા માટે મજબૂર કર્યા છે... વહેલી સવારે ગભરાયેલા આવ્યા અને ખત્રીને ફોન કરી કહ્યું કે કેસ તું લઈ લે...”

હવાલદાર: “આપણો મોટી ઓફિસવાળો ખેંગાર અને અંગારથી બહું ડરે છે કેમ એ સમજાતું નથી?”

ગણપત: “કેમ ના ડરે? આપણો મોટી ઓફિસવાળો જ નહીં એનો મોટી ઓફિસવાળો પણ એનાથી ડરે છે...” ગણપત ફરી કોઈ એમની વાત સાંભળતું નથી એની ખાતરી કરે છે. “મેં એક વાર ખેંગારને બહું બધી ૨૦૦૦ હજારની નોટો આપણાં મોટી ઓફિસવાળાને આપતા જોયો છે... એ વખતે એ બોલ્યો હતો, બીજા પણ જોઈએ એટલા રૂપિયા મળશે પણ મારા અંગારનો વાળ પણ વાંકો ના થવો જોઈએ...”

હવાલદાર: “ઘોર કળજુગ આયો છે ભાઈ... માણસાઈની કિમંત કાગળનાં રૂપિયામાં તોલાય છે... મેં ચૂનૌતીવાળા છોકરાને માર ખાતા જોયો છે... હસતાં ચહેરે એણે માર ખાધો છે... છતાં એ શારદાનગર ચોકીમાં જવા માંગતો હતો અને ગયો પણ ખરો... મને લાગે છે... એ ચોકીના ઇન્સ્પેક્ટર કરણ પાસે એ છોકરાને ન્યાયની આશા હશે... ભગવાન કરે એ છોકરાઓ નિર્દોષ હોય તો છૂટી જાય... આપણે કઈ કરી શકીએ એમ નથી. આપણે જો ઊંડા ઊતરીએ તો આપણને મુશ્કેલી ઊભી થાય એમ છે... આપણે ચૂપચાપ પગારથી મતલબ રાખો...”

વિશાલ મનમાં બહું ખુશ થાય છે કે જોડે આવેલા હવાલદારે જે જવાબ જોઈતા હતા એવા સવાલોનાં જવાબ મેળવી આપવામાં મદદ કરી હતી. વિચાર પણ આવે છે કે એ હવાલદાર મદદરૂપ થઈ શકે એમ છે.

***

વિશાલ કેસની શરૂઆત સુધી આવ્યો હતો ત્યારે સંજય હોસ્પિટલમાં વિક્રાંત અને ખાત્રીનો ખેલ જોતો હતો. વિક્રાંતે જે પ્રમાણે ખત્રીને અને રોહિત અને પ્રતિકે બે હવાલદારોને સંકજામાં લીધા હતા એ જોઈ વિક્રાંત અને એના દોસ્તોની ફિઝિકલ ફિટનેસ પર માન થયું. ત્રણ પોલીસની ટ્રેનીંગ લીધેલા લોકોને એ લોકો હંફાવતા હતા.

વિક્રાંત પકડ મજબૂત કરી બોલે છે: “ખત્રી આ તારી જેમ પોલીસની ટ્રેનીંગ લીધેલા હાથ નથી... આ મારા ભાઈની આપેલી ટ્રેનીંગવાળા હાથ છે... તું આ પકડમાંથી હું ઇચ્છિશ ત્યારે જ છૂટી શકીશ... મારે નિલુ સાથે થોડી વાત કરવી છે, માટે ચૂપચાપ ખૂણામાં ઊભો રહી જા...”

વિક્રાંત ખત્રીને તથા રોહિત અને પ્રતિક હવાલદારોને છોડે છે. ત્રણેય આ માથાભારે છોકરાઓની હિંમત જોઈ ચકિત થઈ જાય છે. અત્યાર સુધી ખત્રીને આવો કોઈ માથે ચડી બેસે એવા અપરાધી જોડે પનારો પડ્યો નહોતો. શુક્લા આવા કેસ કરણને કેમ આપતા હતા એ વાત આજે એને બરાબર સમજ પડી.

વિક્રાંત ફરી નીલિમાનાં માથામાં હાથ ફેરવી બોલે છે: “નિલુ... બસ હવે બહુ આરામ કર્યો તેં... હવે ખૂબ કામ કરવાનું છે... જલ્દી ઊભી થઈ પહેલાં કરતાં દસઘણી તાકાત સાથે મેદાનમાં ઉતરવાનું છે... જેટલો આરામ કરવો હોય એટલો કરી લે... પછી તને આરામ કરવા નહીં મળે... તું મારી ચિંતા ના કરીશ... હું બહુ જલ્દી જેલમાંથી બહાર આવીશ... આપણે જે સપનાની દુનિયા વિચારી છે એમાં જીવવા માટે બહું કઠણ પરીક્ષા આપવાની છે... તારા વગર એ પરીક્ષા હું આપી શકીશ નહીં...”

વિક્રાંત નીલિમાને ઉઠાડવા માટે બનતા બધા પ્રયત્ન કરે છે. એની વાત સાંભળી નીલિમાની આંખોમાં પાણી આવે છે. આંસુ જોઈ વિક્રાંત એના ગાલ પરના આંસુ બહું પ્રેમથી લૂછે છે. સંજય મનમાં વિચારે છે, બન્ને વચ્ચે આટલો પ્રેમ છે તો આ માણસે એના પર બળાત્કાર કર્યો છે એવો આરોપ લગાવનારો મૂર્ખ હશે. થોડીવારમા ખત્રી વિક્રાંત અને મિત્રોને લઈ જાય છે. સંજય ધીરેથી રૂમની બહાર શંકરને શોધે છે. શંકર રૂમની બહાર થોડે દૂર ઊભો હોય છે. એ દરવાજાનાં પડદાની આડસ રાખી શું થાય છે એ જુએ છે. શંકર ખત્રીને ખૂણામાં લઈ જાય છે. બન્ને હવાલદાર સાથે વિક્રાંત, રોહિત અને પ્રતિક બહાર જાય છે. ખત્રીનાં ગાલ પર શંકર જોરદાર ચમાટ મારે છે. સંજયને હર્ષ અને આશ્ચર્ય એકસાથે થાય છે. એને શંકરની વાત સાંભળવી હતી પણ ત્યાં નજીક જવામાં જોખમ હતું. પરંતુ અર્જુન નામ એને સંભળાય છે. સંજય વિચારે છે, સો ટકા શંકરે ખત્રીને સાવધ રહેવા તથા ફરી કોઈ મૂર્ખામી ના કરવા કહ્યું હશે. ખત્રી ઉતરી ગયેલું મોઢું લઈ બહાર જાય છે. શંકર મોબાઇલમા કોઈ નંબર ડાયલ કરી વાત કરે છે.

***

શંકરને હોસ્પિટલમાંથી ગયે ઘણો સમય થયો હતો. જ્યારે કોઈ મુસીબત આવી હોય ત્યારે પર્વતસિંહ શંકરને એમાંથી બહાર નીકળવા માટે કામે લગાડતા. કરણને અંદાજ આવ્યો હતો કે શંકર ચોક્કસ કેસ નંબર - ૩૬૯ માટે બહાર ગયો હશે. આ કેસની સચ્ચાઈ સુધી કેવી રીતે જવું એની વિમાસણ હતી. કોઈ દિવસ પપ્પાને મજબૂર જોયા નથી, તો આ કેસમાં એવું શું છે કે એમને નાટક કરવું પડ્યું છે. કરણ પિતાની પાસે બેસીને પણ વિક્રાંત અને અર્જુન વિષે વિચારતો હતો. એના મગજમાં અનેક વિચારો આવ્યા હતા. સો ટકા અર્જુન કોઈ મુસીબતમાં છે અથવા કોઈ ગંભીર બાબત બની છે. એ સંજય અને વિશાલ શું વાત જાણી લાવે છે એની રાહ જોતો હતો.

કરણનાં whatsapp પર સંજયનો ‘call ?’ મેસેજ આવે છે. કરણ બહાર જઈ સંજયને whatsapp call કરે છે. સંજય પાસેથી અર્જુન આ દુનિયામાં નથી એ જાણી એને ઘેરો આધાત લાગે છે.

ક્રમશ: