Anant Safarna Sathi - 11 in Gujarati Novel Episodes by Sujal B. Patel books and stories PDF | અનંત સફરનાં સાથી - 11

અનંત સફરનાં સાથી - 11

૧૧.અસ્સી ઘાટશિવાંશના કાને અચાનક જ મ્યુઝિકનો અવાજ પડતાં જ તેની આંખો ખુલી. તેણે એક નજર ઘડિયાળ તરફ કરી. ઘડિયાળમાં નવ વાગી રહ્યાં હતાં. શિવાંશ રાત્રે મોડો સૂતો હતો. એટલે તેની આંખ મોડી ખુલી. મ્યુઝિકનો અવાજ કાને નાં પડ્યો હોત. તો હજું પણ ઉંઘ ઉડવાની કોઈ શક્યતાં ન હતી.
શિવાંશ ચાદર હટાવીને ટુવાલ લઈને બાથરૂમ તરફ આગળ વધી ગયો. નાહીને તેને કંઈક સારું મહેસૂસ થયું. થોડાં દિવસનો જે થાક હતો. એ તરત જ ઉતરી ગયો. છતાંય મુંબઈ કરતાં અહીં તેને એટલું કામ નાં રહેતું. શિવાંશ તૈયાર થઈને રૂમની બહાર નીકળ્યો. બહાર તો કંઈક અલગ જ માહોલ હતો. કાલ શિવાંશ જે પાંચ છોકરીઓને લાવ્યો હતો. એ છોકરીઓને રાહી રેમ્પ વોક કરતાં શીખવી રહી હતી. રાહીએ કાલ આખી રાત આ કામ જ કર્યું હતું. રાહી ખુદ કમર પર હાથ રાખીને રેમ્પ વોક કરીને બધી છોકરીઓને શીખવી રહી હતી.
રાહી સારું કામ કરી રહી હતી. પણ તેનાં ચહેરાં પર નાં સમજી શકાય એવાં ભાવ હતાં. કામ અહીં કરતી હતી. પણ મન બીજાં જ કોઈ વિચારોમાં ખોવાયેલું હતું. એમ કહી શકાય.
"ભાઈ, ચા." તન્વી આવીને શિવાંશને ચાનો કપ આપી ગઈ. શિવાંશ ત્યાં જ હોલમાં સોફા પર બેસીને ચા પીવા લાગ્યો. રાજુભાઈ તેની ઓફિસે જતાં રહ્યાં હતાં. અંકિતાના લગ્ન પછી તેમણે આજે તેમનું કામ શરૂ કર્યું હતું.

"દીદુ, ગ્રીન ટી." રાધિકાએ રાહીની નજીક જઈને કહ્યું. પણ રાહીનુ ધ્યાન ન હતું. રાધિકાએ રાહીના ખંભે હાથ મૂક્યો. ત્યારે તેને ભાન થયું. તે રાધિકા સામે જોઈને એક સ્માઈલ આપીને તેનાં હાથમાંથી ગ્રીન ટીનો કપ લઈને પીવાં લાગી.
"આજે રાહીને શું થયું છે?" રાધિકા તન્વી પાસે ગઈ.‌ તો તન્વીએ પૂછ્યું.
"આજે સોમવાર છે ને એટલે.!!" રાધિકાએ કહ્યું.
"કેમ સોમવારે શું હોય છે??" તન્વીએ આશ્ચર્ય સાથે પૂછ્યું.
"એ એક લાંબી કહાની છે. પછી ક્યારેક કહીશ." રાધિકાએ એક પ્લેટમાં બટેટાં પૌંઆ લઈને ચેર પર બેસતાં કહ્યું.
"આ સોમવારનું શું ચક્કર છે??" રાધિકા અને તન્વીની વાત સાંભળી રહેલો શિવાંશ મનોમન જ વિચારવા લાગ્યો. તેની નજર રાહી ઉપર જ હતી. જે હજું પણ કોઈ વિચારોમાં ખોવાયેલી હતી.
"વાઉઉઉ...બટાટા પૌંઆ. આ તો મારાં ફેવરિટ છે." અચાનક જ શ્યામે આવીને કહ્યું.
"એટલે જ બનાવ્યાં છે. હવે જલ્દી નાસ્તો કરવા બેસી જા." દામિનીબેને એક પ્લેટમાં બટાટા પૌંઆ નાંખતા કહ્યું.
"આટલાં બધાં ખાઈશ તો મોટું થઈ જઈશ." પ્લેટમાં છલોછલ ભરેલાં બટાટા પૌંઆ જોઈને રાધિકાએ કટાક્ષ કરતાં કહ્યું.
"મોટી તો તું છે. જો ને કપડાં ફીટ નથી આવતાં તો ફાડીને પહેરવાં પડે છે." શ્યામે રાધિકાના ફાટેલાં જીન્સ તરફ નજર કરીને કહ્યું.
"ઓ હેલ્લો, ઈટસ્ ફેશન. છોડ તને નહીં સમજાય. અને હાં હું કોઈ મોટી નથી." રાધિકાએ શ્યામને આંગળી બતાવીને તેનો ચહેરો ઘૂરતા કહ્યું.
શ્યામ અને રાધિકાની વાતો સાંભળીને બધાનાં ચહેરાં પર હાસ્ય આવી ગયું. પણ રાધિકા જરાં પણ નાં હસી. શ્યામ તેને જોતાં જોતાં જ બટાટા પૌંઆ ખાઈ રહ્યો હતો. તો રાધિકાએ કહ્યું, "આમ શું જુએ છે. મને ખાવાનો ઈરાદો છે કે શું??"
"હાલ તો બટાટા પૌંઆની લિજ્જત માણી લઉં. બીજું પછી ક્યારેક." શ્યામે તેનો નીચલો હોઠ જાણી જોઈને દાંત વચ્ચે દબાવીને કહ્યું.
"પહેલાં શંકા હતી. હવે તો પાક્કું થઈ ગયું." રાધિકા ધીમેથી બબડી.
"શું પાક્કું થઈ ગયું??" ધીમેથી બોલવાં છતાંય રાધિકાથી એક ચેરનુ અંતર જાળવીને બેઠેલો શ્યામ બધું સાંભળી ગયો. તો તેણે રાધિકા સામે જોઈને પૂછયું.
"એ જ કે તું એક નંબરનો પાગલ, સનકી અને લફંગો છે." રાધિકાએ ઉભાં થઈને કહ્યું. તન્વી અને દામિનીબેન ત્યારે કિચનમાં હતાં. તો તેમને કંઈ જાણ નાં થઈ. રાધિકા એટલું કહીને અંદર જતી રહી. શ્યામ બટાટા પૌંઆ ખાતો હસવા લાગ્યો. શિવાંશ આ બધું પણ સોફા પર બેઠો જોઈ રહ્યો હતો.
શ્યામ નાસ્તો કરીને શિવાંશ પાસે ગયો. બંને વચ્ચે વધું વાત નાં થતી. પણ બંને સ્વભાવનાં સારાં હતાં. એ વાત એ બંને પણ જાણતાં હતાં. શ્યામ શિવાંશ પાસે બેસીને ન્યૂઝ પેપર લઈને વાંચવાં લાગ્યો. જો કે આ માત્ર એક નાટક હતું. તેને તો રાધિકાને હેરાન કરવી હતી. જે અત્યારે રાહીની મદદ કરી રહી હતી.
"ક્યૂં ઉસે પરેશાન કર રહે હો??" રાધિકાને જોઈને મંદ મંદ હસી રહેલાં શ્યામને શિવાંશે પૂછ્યું.
"વો અહમદાબાદ મેં કૈસે લેડી ડોન બની ફિરતી હૈં. આપકો નહીં પતા હૈં. વો ક્યાં મુજસે પરેશાન હોંગી. વો તો અહમદાબાદ મેં સભી લડકો કો પરેશાન કરતી હૈં." શ્યામે રાધિકા વિશે જણાવતાં કહ્યું.
"તો યહાં તુમ ઉસે પરેશાન કરના ચાહતે હો. ઐસા ક્યૂં? ક્યાં ઉસને કભી તુમ્હે પરેશાન કિયા હૈ??" શિવાંશે પૂછ્યું.
"નહીં, લેકિન ઉસે પરેશાન કરે બિના રહ નહીં પાતા. જબ પહલી બાર ઉસે અહમદાબાદ મેં એક લડકે કો સબક સિખાતે દેખા. તબ સે ઉસસે બાત કરને કા મન કિયા થા. ફિર દૂસરી બાર બનારસ આતે હુયે સ્ટેશન પર મિલા થા. તબ યે નહીં જાનતા થા. યે ભી યહી આ રહી હૈ. ફિર જબ હલ્દી કી રસમ મેં ઈસે યહાં દેખા. તબ ઈસ પર મેરા...." શ્યામ કહેતાં કહેતાં અટકી ગયો. શિવાંશ તેનો ચહેરો વાંચવા લાગ્યો. જેથી શ્યામની અધૂરી છોડેલી વાત એ સમજી શકે. રાધિકાને જોઈને શ્યામ જે રીતે બ્લશ કરી રહ્યો હતો. એ જોઈને શિવાંશ બધું સમજી ગયો.
"વો રાધા શાયદ તેરે લિયે હી બની હૈં. લેકિન યે બાત બતાને મેં દેર મત કરના. વરના પ્યાર મેં દેરી અક્સર હમ પર ભારી પડ જાતી હૈ." શિવાંશ મનોમન જ બોલીને રૂમમાં જવાં ઉભો થયો. ત્યાં જ રાહી સાથે અથડાઈ ગયો. તેણે રાહીને પડતી બચાવવા માટે પોતાની બાહોમાં સમાવી લીધી. શિવાંશના બંને હાથ રાહીની કમર ઉપર અને રાહીના બંને હાથ શિવાંશની ગરદન ફરતે વીંટાળાયેલા હતાં. આ અત્યાર સુધીની બંનેની બીજી અથડામણ હતી.
"આંધળો થઈ ગયો છે?? કે પછી તને વારંવાર આવું કરવાની આદત પડી ગઈ છે?? જે રસ્તે હું જતી હોય. એ રસ્તે જ તારે પણ જવું હોય. આટલાં મોટાં ઘરમાં આ જગ્યાએથી જ જવું હતું તારે...બીજી જગ્યાએથી પણ જઈ‌ શકે." રાહી ગુસ્સામાં નોન સ્ટોપ બોલવાં લાગી.
"ઓ હેલ્લો, મારો રૂમ અહીંથી જ આવે છે. તો બીજી જગ્યાએથી કેવી રીતે જાવ!? કે પછી ટેરેસ પરથી મારાં રૂમની છત પર મોટું કાણું પાડીને સીધો ત્યાંથી જ રૂમમાં કૂદી પડું." શિવાંશ પહેલીવાર ગુસ્સામાં ગુજરાતી બોલી રહ્યો હતો. તન્વી તેનું આ રૂપ જોઈને હેરાન હતી.
"એક નંબરનો ડોબા જેવો છે. ફાલતુની વાત પર આટલો દિમાગ ચલાવે છે. એ કરતાં ચાલતી વખતે આજુબાજુ નજર રાખતો હોત. તો ક્યારેય કોઈ સાથે અથડાતો જ નહીં."
"મારી પાસે દિમાગ તો છે. તારી પાસે તો એ પણ નથી. એટલે તો નાની એવી વાત પર ક્યારની ઝઘડે છે. તું પણ આંખો ખુલ્લી રાખીને ચાલતી હોત. તો મારી સાથે નાં અથડાતી ને. તારે અત્યારે આ કોમ્પટિશનની નહીં કોઈ દિમાગના ડોક્ટરની જરૂર છે. જે તારાં દિમાગનો ઈલાજ કરી શકે."
"જરૂર તો તારે નંબરનાં ચશ્માની છે. કાળાં ગોગલ્સ પહેરીને દેખાતું જ બંધ થઈ ગયું છે. એટલે તો સામે આવતું કોઈ નજરે જ નથી ચડતું. નંબરનાં ચશ્મા પહેરીશ તો બધું દૂરથી જ નજર આવી જાશે."
"પહેલાં તું તારાં દિમાગનો ઈલાજ કરાવી લે. બધું જાતે જ સરખું થઈ જાશે."
"તારી સાથે તો વાત કરવી જ બેકાર છે. ખુદ પર ધ્યાન નાં આપીને બીજાંને સલાહ આપવા નીકળ્યો છે."
"તો કોણ કહે છે મારી સાથે વાત કર. જઈને તારું કામ કર."
"હું તો એ જ કરતી હતી. તું જ વચ્ચે આવી ગયો."
"બસસસસસ...ચૂપ કરો હવે. શું થઈ ગયું છે તમને બંનેને?? એક નાની એવી વાત પર શું માંડ્યું છે આ??" રાહી અને શિવા‌ંશ એકબીજાંને બક્ષ આપવાનાં મૂડમાં નથી. એ વાતની જાણ થતાં જ ક્યારની ચૂપચાપ બંનેને શબ્દોનાં ઉપરી ઉપરી પ્રહાર કરતાં જોઈ રહેલી તન્વી આખરે બોલી ઉઠી.
"તન્વીની આખો હોલ ગુંજી ઉઠે એટલો ઉંચો અવાજ સાંભળીને રાહી અને શિવા‌ંશ બંને તેની તરફ જોવાં લાગ્યાં. રાધિકા બંનેને એ રીતે લડતાં જોઈને ખિલખિલાટ હસી રહી હતી. કોમ્પિટિશનમા રાહીના બનાવેલ ડિઝાઈનર કપડાં પહેરીને જે છોકરીઓ તેને બધાંની સામે રેમ્પ વોક કરીને પ્રેઝેન્ટ કરવાની હતી. એ છોકરીઓ પણ રાહી અને શિવાંશને એ રીતે લડતાં જોઈને હસી રહી હતી. તો બીજી તરફ શ્યામ હેરાન હતો. આટલાં દિવસ એ રાહી અને શિવાંશ સાથે રહ્યો હતો. એટલાં દિવસમાં બંને કામ પૂરતું જ બોલતાં. એમાં જ્યારે આજે આટલું બધું બોલી ગયાં. તો શ્યામનુ હેરાન થવું વ્યાજબી હતું. દામિનીબેન બહાર માર્કેટમાં ગયાં હતાં. નહીંતર એ તો આ બધું જોઈને પાગલ જ બની જાત.

શિવાંશ એક નજર બધાં પર કરીને રૂમમાં જતો રહ્યો. રાહી નજર નીચી કરીને ફરી પોતાનાં કામમાં લાગી ગઈ. બંનેને હવે ભાન થયું હતું કે તે બંને શું બોલી ગયાં છે. રાધિકા હજું પણ હસતી હતી. તન્વીએ તેનાં ખંભે એક ટપલી મારીને તેને હસવાથી રોકી.
"આ બંને બહેનો વાવાઝોડું છે. નાની બહેન ચાલતું ફરતું વાવાઝોડું અને મોટી બહેન અચાનક આવી ચડતું વાવાઝોડું. ચાલ બેટા શ્યામ તું પણ ચૂપચાપ બેસી જા. નહીંતર નાની બહેન જોડે કોઈ પંગો થઈ ગયો. તો એ શબ્દોનાં નહીં બોક્સિંગ પંચનાં પણ વાર કરશે." શ્યામ મનોમન બોલવાં લાગ્યો. અને ત્યાં જ સોફા પર બેસીને ફરી ન્યૂઝ પેપર વાંચવા લાગ્યો.
દામિનીબેન અગિયાર વાગ્યે માર્કેટમાંથી બધો સામાન લઈને આવ્યાં. તન્વીએ તેમને પાણી આપ્યું. થોડીવાર આરામ કરીને દામિનીબેન રસોઈ બનાવવા વળગ્યાં. બપોર થતાં જ સવારે આવેલી છોકરીઓ પણ જતી રહી. રાહી રૂમમાં ફ્રેશ થવા માટે જતી રહી.
રાહી ફ્રેશ થઈને અરીસા સામે ઉભી રહી ગઈ. તેની આંખો સામે શિવાંશ સાથે શબ્દોની જે લડાઈ થઈ. એ દ્રશ્યો તરવરવા લાગ્યાં. બંનેએ બોલેલા શબ્દો તેનાં કાનમાં ગુંજવા લાગ્યાં. રાહીએ છેલ્લાં એક વર્ષમાં પહેલીવાર આવું વર્તન કર્યું હતું. તે પહેલાં આવી જ બેપરવાહ છોકરી બનીને રહી હતી. કોઈ પણને કંઈ પણ કહેવું હોય. એ વિચાર્યા વગર જ કહી દેતી. પણ છેલ્લાં એક વર્ષમાં તેનાં જીવનમાં જે બદલાવો આવ્યાં. તેને લઈને રાહીના મન ઉપર પણ ઘણાં બદલાવો આવી ગયાં હતાં. જ્યારે આજે ફરી પહેલાં જેવી રાહી બહાર આવવા લાગી હોય. એવું રાહીને લાગી રહ્યું હતું.
શિવા‌ંશની પણ એવી જ હાલત હતી. તેણે ક્યારેય કોઈ સાથે આ રીતે શાબ્દિક લડાઈ કરી ન હતી. જ્યારે રાહીએ બોલવાનું શરૂ કર્યું. તો એ પણ ખુદને રોકી નાં શક્યો. જમવાના સમયે બંને બહાર આવ્યાં. તો ફરી બંનેનો આમનો સામનો થયો. બંનેએ થોડીવાર પહેલાં જે કર્યું હતું. એ યાદ આવતાં જ બંને નજર નીચી કરીને ડાઇનિંગ ટેબલ તરફ આગળ વધી ગયાં. ફરી બંનેને સાથે જોઈને રાધિકા ખુદને હસતાં રોકી નાં શકી. પણ દામિનીબેન તેને હસતી જોઈને કંઈ પૂછી શકે એ પહેલાં જ તન્વીએ તેને કોણી મારીને ચૂપ રહેવા ઈશારો કર્યો.
"આજે સોમવાર છે. તો આજે આપણે બધાં અસ્સી ઘાટ પર થતી ગંગા આરતીમાં જાશું. અહીં એ આરતીનું બહું મહત્વ છે." દામિનીબેને બધાંની થાળીમાં જમવાનું પસોસતા કહ્યું. બધાંએ ડોક હલાવીને હામી ભરી દીધી. આમેય રાહીની પણ એ આરતી અને બધાં ઘાટ જોવાની ઈચ્છા હતી. ચોર્યાસી ઘાટ એક દિવસમાં તો નાં જોઈ શકાય. તો પણ એ આરતીમાં સામેલ થઈને બે-ચાર ઘાટ જોવાં માંગતી હતી.
સોમવારનું યાદ આવતાં જ રાહીને સવારે આવેલું સપનું યાદ આવી ગયું. તે જમીને તરત પોતાનાં રૂમમાં જતી રહી. આ વખતે રાહી જે રીતે ગઈ. એ જોઈને શિવાંશ, રાધિકા અને તન્વી સહિત શ્યામને પણ અજીબ લાગ્યું. રાધિકા તન્વી સામે આંખોની પાંપણો જપકાવીને રાહીની પાછળ ગઈ. રાહી રૂમની વિન્ડો સામે ગુમસુમ ઉભી હતી.
"દીદુ, શું થયું?? હમણાં તો તમે બિલકુલ ઠીક હતાં." રાધિકા જઈને રાહીની પાસે બેસી ગઈ.
"કંઈ ઠીક નથી. તને તો ખબર છે. આજે સોમવાર છે. તો ફરી એ જ સપનું આવ્યું. પણ આ વખતે એક નાનાં છોકરાનું સપનું હતું. જેમાં તેણે મારો હાથ પકડી રાખ્યો હતો. પણ સામેથી બીજું કોઈ મને ખેંચી રહ્યું હતું. એ કોણ હતું? એ હું નાં જોઈ શકી. પણ મને કંઈક ખરાબ થઈ રહ્યું હોય. એવું લાગે છે." રાહીએ પરેશાન અવાજે કહ્યું.
"કંઈ નહીં થાય. તમે પરેશાન શાં માટે થાવ છો. આજે આપણે આરતીમાં જવાનાં છીએ ને. ત્યાં તમારું મન એકદમ શાંત થઈ જાશે." રાધિકાએ રાહીનો‌ હાથ પોતાનાં બંને હાથ વચ્ચે દબાવીને કહ્યું. બંને વચ્ચે વાતો ચાલતી હતી. ત્યાં જ રાહીના મોબાઈલની રિંગ વાગી. રાહીએ જોયું તો ગૌરીબેનનો ફોન હતો. રાહી બનારસ આવી. પછી તેણે એકવાર ગૌરીબેનને પોતે પહોંચી ગઈ. એવો મેસેજ કર્યા પછી કોઈ વાત જ કરી ન હતી. એમાંય આજે રાહી પરેશાન હતી. તો તે વાત કરવાની હિંમત નાં કરી શકી. રાહી કોલ રિસીવ કરે એ પહેલાં જ રિંગ પૂરી થઈ ગઈ. કોલ કટ થઈ ગયો. ત્યાં ફરી રિંગ વાગી. ગૌરીબેનનો જ કોલ હતો.‌ આ વખતે રાધિકાએ કોલ રિસીવ કર્યો. તેણે પોતાની સમજદારીથી રાહી કોમ્પિટિશનની તૈયારીમાં બિઝી છે. એવું જણાવી દીધું. સાથે જ ફ્રી થતાં જ રાહી સામે ચાલીને કોલ બેક કરશે. એમ પણ કહી દીધું.
"થેંક્સ રાધુ." ગૌરીબેન સાથે વાત કરીને રાધિકાએ રાહીને તેનો મોબાઈલ પરત કર્યો. તો રાહીએ કહ્યું.
"ઈટસ્ ઓકે દીદુ, બસ તમે ખુશ રહો. શિવને તો આપણે અમદાવાદ જતાં પહેલાં શોધી જ લેશું." રાધિકાએ રાહીને હિંમત આપતાં કહ્યું.
રાધિકા રૂમની બહાર જતી રહી. રાહી પોતાનાં રૂમમાં જ બેઠી રહી. "સોરી મમ્મી, તમારી સાથે જાણીજોઈને વાત નાં કરી. કારણ કે હું તમને હેરાન કરવા માંગતી ન હતી." રાહી મનોમન જ બોલી ઉઠી.

સાંજના સાડા પાંચ વાગ્યે બધાં અસ્સી ઘાટ પર જવાં નીકળી પડ્યાં. રાજુભાઈને આ અંગે અગાઉ જ જાણ કરી દીધી હતી. તો તેઓ કામ ખતમ કરીને જલ્દી જ ઘરે આવી ગયાં હતાં. રાજુભાઈની કારમાં દામિનીબેન, તન્વી અને‌ રાધિકા બેઠાં. તો શ્યામ પણ એ કારમાં જ બેસી ગયો. બાકી શિવાંશ અને રાહી બચ્યાં. તો તેમને દામિનીબેને શિવાંશની કારમાં આવવા કહ્યું. સવારે જે બન્યું એ પછી બંને એકબીજાનો સામનો પણ કરી શકતાં ન હતાં. એવામાં એક સાથે અસ્સી ઘાટ સુધી જવું. બંને માટે થોડું અઘરું હતું. છતાંય રાજુભાઈની કારમાં બધાં પહેલેથી જ ગોઠવાઈ ગયાં હતાં. તો રાહી પણ શિવાંશની કારમાં બેસી ગઈ. રાજુભાઈએ પોતાની કાર આગળ ચલાવી. શિવાંશ તેમની પાછળ ચલાવવા લાગ્યો. રાધિકા પાછળ ફરીને એ બંનેને એક કારમાં આવતાં જોઈને હસી રહી હતી.
"દીદુને કોઈ શિવની તલાશ નાં હોત. તો હું તો શિવાંશને જ મારો જીજુ બનાવી લેત. આમ પણ શિવાંશ હોય કે શિવ શું ફેર પડવાનો. ચહેરાં અલગ હોઈ શકે નામનો અર્થ તો એક જ થાય છે." રાધિકા મનોમન જ વિચારવા લાગી.
રાધિકાના વિચારો અને શિવાંશ-રાહીની બેચેની વચ્ચે બંને કાર અસ્સી ઘાટ તરફ આગળ વધી રહી હતી. શિવાંશ અને રાહી વચ્ચે કોઈને પણ અકળાવી મૂકે એવું મૌન છવાયેલું હતું. આખરે શિવાંશે એ મૌન તોડતાં કહ્યું, "સુબહ જો હુઆ. ઉસકે લિયે આઈ એમ સોરી. મેં ઇતના જ્યાદા કભી બોલતાં નહીં. લેકિન તુમ બોલને લગી તો ખુદકો રોક નહીં પાયા."
"તો ક્યાં કલ કો મૈં કિસી કા ખૂન કર દૂંગી. તો તુમ ભી મુજે ઔર ખુદ કો નાં રોક કર ખુદ ભી કિસીકા ખૂન કર દોંગે??" રાહીએ એવાં સવાલનુ તીર છોડ્યું કે શિવાંશ બસ રાહી સામે જ જોઈ રહ્યો. રાહીને કોઈ ખુદને નાં પસંદ હોય એવું કામ કોઈ બીજાનાં કહેવાથી કે કોઈ બીજાનું આંધળું અનુકરણ કરીને કરે. એ પસંદ ન હતું. તો એનાંથી એવું પૂછાઈ ગયું.
"ઈટસ્ ઓકે, પણ તને ગુજરાતી આવડે છે. તો તું ગુજરાતીમાં વાત કેમ નથી કરતો?" રાહીએ શિવાંશની ચુપ્પી તોડતાં વાતને બદલીને બીજો સવાલ પૂછ્યો.
"બિઝનેસના લીધે અને મુંબઈમાં હિન્દી જ બોલવાનું થાય. એટલે ગુજરાતી સાવ નહીંવત પ્રમાણમાં બોલવાનું રહે. મમ્મી અમદાવાદથી છે અને તન્વી પણ મમ્મીની સાથે ગુજરાતી બોલે. તો ગુજરાતી પણ આવડે છે. પણ બોલવાનું સાવ નહીંવત હોય. ખબર નહીં તારી સાથે કેમ બોલાઈ ગયું." શિવાંશે કંઈક વિચારતાં કહ્યું.
"તો હવે મારી સાથે ગુજરાતીમાં જ વાત કરજે." રાહીએ શિવાંશ સામે જોઈને કહ્યું.
"કેમ? તને હીન્દી બોલવું નાં ફાવે?" શિવાંશે પણ રાહી સામે જોતાં પૂછ્યું. બંનેની નજર મળતાં ફરી દિલમાં એક કરંટ વીજળી વેગે પ્રસરી ગયો. તો બંનેએ નજર ફેરવી લીધી.
"ફાવે અને આવડે પણ છે. પણ રોજની આદત નથી. તો ગુજરાતી જ વધું બોલાય જાય. એમાંય ગુસ્સામાં હોય ત્યારે તો ગુજરાતી સિવાય મોંઢેથી કોઈ બીજી ભાષા જ નાં ફૂટે. અમદાવાદમાં રહું છું. તો ગુજરાતી ભાષાનો જ રંગ ચડ્યો છે. બાકી હિન્દીમાં તો મેં મારી..." રાહી કહેતાં કહેતાં અટકી ગઈ.
"શું મારી? આગળ બોલ ને. હું સાંભળું છું." શિવાંશે સાંભળું છું શબ્દ પર વધારે ભાર આપતાં કહ્યું.
"કંઈ નહીં. એ બધું છોડ. પણ હવે તું મારી સાથે ગુજરાતીમાં જ વાત કરજે." રાહીએ ફરી એકવાર વાતને બદલતાં કહ્યું.
"ઓકે, ટ્રાય કરીશ." શિવાંશે કહ્યું.
રાહી પોતાની ડાયરી અંગે શિવાંશને જણાવવા જઈ રહી હતી. જેમાં તેણે હિન્દી ભાષામાં કેટલીયે શાયરી અને કવિતાઓ લખી હતી. પણ અચાનક જ કંઈક વિચાર આવતાં તેણે વાતને અધૂરી છોડીને બદલી નાંખી. બંનેની વાતો વચ્ચે કાર અસ્સી ઘાટ પર આવી પહોંચી. બધાં કારને એક જગ્યાએ પાર્ક કરીને ઘાટ તરફ આગળ વધ્યાં.

બનારસનો અસ્સી ઘાટ... જગ્યા લોકોથી ભરાયેલી હતી. છતાંય વાતાવરણમાં એક અલગ જ શાંતિ હતી. આરતી માટે ઘાટ પર અલગ અલગ દરવાજા બનેલાં હતાં.‌ બધાં દરવાજાની વચ્ચે એક લાકડાનું મોટું સ્ટેજ બનેલ હતું. તેની ઉપર એક એક પંડિત તેનાં હાથમાં અલગ અલગ સ્ટેપથી બનેલું દીવાનું પિતળનુ સ્ટેન્ડ પકડીને ઉભાં હતાં. એ સ્ટેન્ડના બધાં સ્ટેપ પર કેટલાંય દીવા ઝગમગતા હતાં. એ સાથે જ હવામાં એક શંખનાદ થયો. શંખનાદની સાથે જ એ બધાં પંડિતજી હાથમાં રહેલાં સ્ટેન્ડ વડે આરતી કરવાં લાગ્યાં. ગંગા નદીનાં કાંઠે કેટલીયે હોડીઓ ઉભી હતી. લોકો એમાં સવારી પણ કરી રહ્યાં હતાં. રાહી એ બધું જોવામાં જ વ્યસ્ત હતી.
બનારસનો અસ્સી ઘાટ ગંગા આરતી માટે જાણીતો છે. રાહી ઘણાં સમયથી આ આરતીનો હિસ્સો બનવા માંગતી હતી. તેનું એક સપનું તો બનારસ આવ્યાં પછી પૂરું થઈ ગયું હતું. હજું બે સપનાં બાકી હતાં. રાહી અવિરતપણે આરતીની એ જ્યોતને નિહાળી રહી હતી. પછી બધાંએ કાગળથી બનેલો વાટકો લઇને તેમાં દીવો પ્રગટાવીને તેને ગંગા નદીમાં તરતો મૂક્યો. જેમાં થોડે દૂર જતાં શિવાંશ અને રાહીનો દીવો એકબીજાની એકદમ નજીક આવી ગયો. જે શિવાંશ અને રાહી સિવાય તન્વી, રાધિકા અને શ્યામ પણ જોઈ રહ્યાં હતાં. દીવા નજીક આવ્યાં પછી અલગ જ નાં થયાં. ત્યાં જ શુભમ ત્યાં આવી પહોંચ્યો. તન્વી શુભમને જોઈને ખુશ થઈ.
"આજે બધાં એક સાથે આરતીમાં આવ્યાં લાગે છે." શુભમે બધાં તરફ નજર કરીને કહ્યું.
"લેકિન તુમ તો તન્વી કો દેખકર હી ખુશ હોંગે.." રાધિકાએ ધીરેથી શુભમના કાનમાં કહ્યું. રાધિકાને બધી કેવી રીતે ખબર પડી? એ વાતે શુભમ આશ્ચર્યમાં પડી ગયો.
"હમે સબ પતા રહતા હૈ. કોઈ ચાહે બતાયે નાં બતાયે. તો ઈતના હૈરાન હોને કી જરૂરત નહીં હૈ." રાધિકાએ ધીરેથી હસીને કહ્યું. પછી એ ત્યાંથી જતી રહી. શુભમ તન્વી પાસે જઈને ઉભો રહી ગયો. વાતાવરણમાં એક પવિત્ર સુગંધ ભળીને વાતાવરણને મહેંકાવી રહી હતી.
રાધિકા ઘાટની સીડીઓ ચડીને ઉપર આવી. તો દામિનીબેન અને રાજુભાઈ તો મંદિરનાં પુજારી સાથે વાતો કરી રહ્યાં હતાં. રાહી અને શિવાંશ બંને આગળની તરફ જઈ રહ્યાં હતાં. તો રાધિકાને તેમને રોકવા ઠીક નાં લાગ્યું. રાહી ઘણાં સમય પછી ખુશ દેખાતી હતી. તો રાધિકા તેને જોઈને જ ખુશ હતી.
"મારાં સિવાય અહીં કોઈ નથી. તો તારી પાસે મારી સાથે વાત કરવા સિવાય કોઈ ઓપ્શન નથી." અચાનક જ શ્યામે રાધિકા પાસે આવીને તેનાં કાનમાં ધીરેથી કહ્યું.
"નો ચાન્સ, હું ચૂપચાપ બેસીશ. પણ તારી સાથે ક્યારેય વાત નહીં કરું." રાધિકાએ મોં બગાડીને કહ્યું.
શ્યામ તો બસ રાધિકાને જ જોતો રહી ગયો. રાધિકા અત્યારે કુર્તી અને એંકલ લેગિઝ પહેરીને આવી હતી. જેમાં તે ખૂબ સુંદર લાગી રહી હતી. રાધિકા મોં ફુલાવીને આગળ ચાલવા લાગી. તે રાહી અને શિવાંશ જે તરફ ગયાં.‌ તેની સામેની તરફ આગળ વધી ગઈ. શ્યામ પણ તેની પાછળ પાછળ ચાલતો થયો.

રાહી અને શિવાંશ ગંગામહલ ઘાટની સીડીઓ પર બેઠાં હતાં. જેની પાછળ ગંગામહલ નામનો એક મોટો વિશાળકાય મહેલ બનેલો છે. બધાં ઘાટ એકબીજાથી થોડાં થોડાં અંતરે જ આવેલાં હતાં. અહીં લોકોની ભીડ થોડી ઓછી હતી. બધાં લોકો અસ્સી ઘાટ પર આરતીમાં આવ્યાં હતાં. તો અહીં એટલાં લોકો ન હતાં.
"મેં વિચાર્યું હતું. એનાં કરતાં આ જગ્યા વધારે સુંદર છે." રાહીએ ઘાટનાં પાણી પર નજર ઠેરવીને કહ્યું.
"આ કેટલાંય દેવી-દેવતાઓનુ નિવાસસ્થાન છે. ચોર્યાશી ઘાટ અને કાશીવિશ્વનાથનુ ધામ છે. તો આ જગ્યા સુંદર હોય જ ને.!!" શિવાંશે આજુબાજુ નજર દોડાવતાં કહ્યું.
રાહી તો ઘાટનાં પાણીને જ જોઈ રહી હતી. જ્યારે શિવાંશની નજર એકીટશે ઘાટનું પાણી નિહાળી રહેલી રાહીના ચહેરાં પર પડી. તો શિવાંશ બસ તેને જ જોતો રહી ગયો. માસૂમ ચહેરો, ધારદાર આંખો, નાજુક નમણી કાયા, ચહેરાં પર એક કાયમ રહેતું સ્મિત જેનાં વગર રાહીનુ અસ્તિત્વ ગુમ થઈ જતું. ગુલાબી હોંઠ જે બહું ઓછું બોલતાં પણ જ્યારે બોલતાં જાણે આફત જ આવી જતી. શિવાંશ નીરખીને રાહીને જોઈ રહ્યો હતો.
બનારસના અસ્સી ઘાટ પર તન્વી અને શુભમ, ગંગામહલ ઘાટ પર શિવાંશ અને રાહી અને તુલસી ઘાટ પર રાધિકા અને શ્યામ એમ ત્રણ જોડી બેઠી હતી. સાક્ષાત્ મહાદેવ તેમનાં મિલનની પુષ્ટિ કરી રહ્યાં હતાં. પણ એ ત્રણેય જોડી હજું સુધી તેનાં દિલનાં અહેસાસને સમજી શકી ન હતી. ખાસ કરીને રાહી અને શિવાંશ... એકબીજાની એટલાં નજીક હોવાં છતાં મનમાં અનેકો વિચારોનું પૂર આવ્યું હતું.
અચાનક જ રાહીની નજર શિવાંશ પર પડી. તે એને જ જોઈ રહ્યો છે. એવી જાણ થતાં રાહીએ પોતાની નજર ઝુકાવી લીધી. તો શિવાંશ પણ સામેની તરફ જોવાં લાગ્યો.
"આ તને શું થઈ રહ્યું છે શિવાંશ?? તારી લાગણીઓ ઉપર તારાં બદલતાં અહેસાસ ઉપર કાબૂ મેળવી લે. એ તારી મંઝિલ નથી. ગાડી અવળાં પાટે ચડશે. તો તકલીફ તને જ થશે." શિવાંશ મનોમન વિચારવા લાગ્યો.
"દીદુ, ચાલો ઘરે જવું છે. બધાં વેઇટ કરે છે." અચાનક જ રાધિકાએ સીડીઓ પર ઉભાં રહીને કહ્યું.
રાહી અને શિવાંશ તરત જ ઉભાં થયાં. રાધિકા સાથે શ્યામ પણ હતો. રાધિકાના નાક પર ગુસ્સો નજરે ચડતો હતો. શ્યામે તેને પોતાની વાતોથી પરેશાન કરી છે‌. એ તેનાં ચહેરાં પરથી જ જણાતું હતું. શ્યામ રાધિકાને જોઈને હળવું સ્મિત કરી રહ્યો હતો. આખરે રાધિકાને શ્યામ હેરાન નાં કરે તો કોણ કરે!? આ અમદાવાદનો શ્યામ પણ વૃંદાવનના નટખટ શ્યામ જેવો જ હતો.
શિવાંશ અને રાહીના આવતાં જ બધાં કાર તરફ આગળ વધી ગયાં. શુભમ અસ્સી ઘાટ પરથી જ પોતાની ઘરે જવા નીકળી ગયો હતો. આ વખતે પણ શિવાંશ અને રાહી શિવાંશની કારમાં એકલાં જ ઘરે આવ્યાં.

(ક્રમશઃ)


_સુજલ બી.પટેલ

Rate & Review

Nipa Upadhyaya

Nipa Upadhyaya 10 months ago

Jayshree Thaker

Jayshree Thaker 11 months ago

Arti Patel

Arti Patel 12 months ago

Trupti Ashara

Trupti Ashara 12 months ago

Urmila Patel

Urmila Patel 12 months ago