Shabdrang kavya - 2 books and stories free download online pdf in Gujarati

શબ્દરંગ કાવ્ય - ભાગ - ૨

શબ્દરંગ કાવ્ય

ડો. હિના દરજી

ભાગ-૨

વ્હાલા મિત્રો, આપની સમક્ષ મારો બીજો કાવ્યસંગ્રહ રજૂ કરૂ છું. આશા રાખું છું આપના દ્વારા અગાઉ જેટલો પ્રેમ અને આવકાર મારી નવલકથાઓ તથા પ્રથમ કાવ્યસંગ્રહને મળ્યો છે એટલો પ્રેમ અને આવકાર મારા બીજા કાવ્યસંગ્રહને પણ મળશે.

(૧) પાતાળનો દરવાજો

ધરતી ફાડી એક્વાર અંદર જવું છે,

પાતાળનો દરવાજો એકવાર ખોલી જોવું છે.

હવા ચીરી એક્વાર પસાર થવું છે,

અવાજનાં પડઘાને એક્વાર સાંભળવું છે.

જૂગ્નુની ચમકમાં એક્વાર ઝગમગવું છે,

તિમિરનાં ઓછાયામાં એક્વાર સંતાવું છે.

ધરતીનાં ગર્ભમાં એક્વાર શ્વાસ ભરી જોવું છે,

પાતાળની માયાજાળમાં એક્વાર રંગાવું છે,

'હિના' કપરા પથ પર એક્વાર ચાલવું છે,

માર્ગનાં કંટક, નડતરને એક્વાર હંફાવવું છે.

(૨) એક રાતની મુલાકાત

તનબદનમાં પ્રસરતી એ સોડમ અનેરી હતી,

એક રાતની આપણી એ મુલાકાત ન્યારી હતી.

ક્ષણ અને પ્રહર અવિરત થઈ વિતી રહ્યા હતા,

આંખોનાં દરિયામાં ભરતીની ઝલક ન્યારી હતી.

બિડાયેલા હોઠમાં મીઠી મુંઝવણ કાયમ હતી,

મૌનનાં માધ્યમથી વાતોની આપ-લે ન્યારી હતી.

શરમનાં ઓછાયામાં ચહેરાનો રંગ ખિલ્યો હતો,

હ્રદયમાં વ્યાપેલા રોમાંચની કંપન ન્યારી હતી.

અધિર થયેલા હૈયાને તારા સ્પર્શની તડપ હતી,

'હિના' એક રાતની આપણી એ મુલાકાત ન્યારી હતી.

(૩) અનેરી શક્તિ

અસત્ય પર સત્યનો વિજય કરાવે છે અનેરી શક્તિ,

તમસમાં રોશનીનો પથ બતાવે છે અનેરી શક્તિ.

અજ્ઞાનતાનાં જુવાળમાં ભુલો પડયો છે માનવ,

જ્ઞાનના ભંડારનો પથ બતાવે છે અનેરી શક્તિ.

સંસારની ગતિનાં ચક્રાવાતમાં હોમાય છે માનવ,

સંસારચક્ર ભેદવાનો પથ બતાવે છે અનેરી શક્તિ.

જવાબદારીનાં વમળમાં ડૂબતો જાય છે માનવ,

ભમરમાં તરવાનો પથ બતાવે છે અનેરી શક્તિ.

'હિના' અપમાનનાં કડવા ઘૂંટડા પીતો રહ્યો છે માનવ,

સન્માન મેળવવાનો પથ બતાવે છે અનેરી શક્તિ.

(૪) તારો સમય આવશે

ધીરજથી તારું કામ કર, તારો સમય આવશે,

સમસ્યાઓથી તું ના ડર, તારો સમય આવશે.

સફળતા મેળવવા માટે અથાગ પ્રયત્ન કર,

સપનાઓ બધા પુરા થશે, તારો સમય આવશે.

મઝધારમાં ફસાયેલી નાવડી કિનારા પર આવશે,

જીવનનાં તોફાનો શમી જશે, તારો સમય આવશે.

કુદરતનાં કહેર સામે બાથ ભીડી ઉભી રહે,

કિસ્મત કદીક બદલાઈ જશે, તારો સમય આવશે.

મન ભરીને જીવન જીવતા શીખી લે 'હિના',

મૃત્યુ દરેકનું નિશ્ચિત છે, તારો સમય આવશે.

(૫) યાદ છે મને

એક-બે મુલાકાત હોય તો ભૂલી પણ જવાય,

અગણિત મીલનની વાતો યાદ છે મને.

એક-બે સ્મૃતિ હોય તો ભૂલી પણ જવાય,

અસંખ્ય મનમોહક સ્મરણો યાદ છે મને.

એક-બે અશ્રુ હોય તો ભૂલી પણ જવાય,

આંસુથી ભીંજાયેલો રૂમાલ યાદ છે મને.

એક-બે ઈચ્છા હોય તો ભૂલી પણ જવાય,

અનેક તૂટેલા સ્વપ્નાઓ યાદ છે મને.

એક-બે ઝલક હોય તો ભૂલી પણ જવાય,

'હિના' ઉદાસ ચહેરાનું દરદ યાદ છે મને.

(૬) સફર છે આ જિંદગી

દવાખાનાથી સ્મશાન સુધીની સફર છે આ જિંદગી,

રડતા આવી હસતા જવાની સફર છે આ જિંદગી.

અનેક ઉતાર-ચઢાવની વિસંગતતા વચ્ચે,

સ્થાયી જીવન જીવવાની સફર છે આ જિંદગી.

ઘોંઘાટ, દોડભાગથી ભરેલી વ્યસ્તતા વચ્ચે,

ખુશીની બે પળ માળવાની સફર છે આ જિંદગી.

આપત્તિના ભારતણી નીતનવી આફતો વચ્ચે,

સંકટનો સામનો કરવાની સફર છે આ જિંદગી.

લોભ-લાલચનું મુખૌટુ ઘરાવતા લોકોની વચ્ચે,

પોતિકાઓને શોધવાની 'હિના' સફર છે આ જિંદગી.

(૭) પ્રવાસ

મળ્યા હતા આપણે એ મુલાકાત નહીં ભૂલાય,
આપણો સાથે કરેલો એ પ્રવાસ નહીં ભૂલાય.


તારા બાહુપાસમાં મારી રેશમી ઝુલ્ફો લહેરાય,
મારી લટો સાથે કરેલી એ ક્રિડા નહીં ભૂલાય.


હરઘડી નીકળતા શ્વાસમાં જાણે અત્તર રેલાય,
તારા શ્વાસમાંથી આવતી એ સુગંધ નહીં ભૂલાય.


શરમથી ગાલ પર લાલીમાનો પ્રકાશ ફેલાય,
મારા તનબદનને પહેલો એ સ્પર્શ નહીં ભૂલાય.


એકાંતમાં કાંપતા અધરને હોઠની તરસ વર્તાય,
સમય થંભ્યો હતો 'હિના' એ અવસર નહીં ભૂલાય.