Case No. 369 Satya ni Shodh - 14 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 14

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”

ડો. હિના દરજી

પ્રકરણ : ૧૪

શંકર અદબ વાળી બોલે છે: “બેટા એક અઠવાડિયું સરને અહિયાં જ રહેવું પડશે... નહીં તો તારી સાથે એમનો જીવ પણ જોખમમાં છે... માત્ર એમનો અને તારો નહીં...” શંકર આંખો બંધ કરે છે: “એટલું જ નહીં... આગળ તું પણ સમજદાર છે...”

આ સાંભળી કરણને આશ્ચર્ય થાય છે. એ એવું સમજતો હતો કે વિક્કી, પ્રતિક અને રોહિત મુશ્કેલીમાં છે. પણ અહિયાં તો એનો પૂરો પરિવાર મુશ્કેલીમાં હતો.

કરણ આંખો ફાડી શંકર સામે જુએ છે: “કાકા, તો એટલે પપ્પાએ સંધ્યા અને ચિન્ટુને અમદાવાદ મૂકીને આવવા માટે જિદ્દ કરી હતી? મમ્મીને પણ ત્યાં રોકાવાનું કહેતા હતા?”

કરણનાં ખભા પર શંકર હાથ મૂકે છે: “બેટા, તને બે દિવસ પણ નથી થયા એ કેસ વિષે જાણીને... તને શું લાગે છે... ગમે તેવો કેસ હોય, સર તને એ કેસ પર કામ કરવા માટે કોઈ દિવસ રોકે નહીં... તને શુક્લા કયા કેસ માટે તાત્કાલિક બોલાવે છે... એ એમને ખબર પડી હતી... એટલે એ તને ત્યાં રોકવા માંગતા હતા... તને એવું લાગ્યું કે અમદાવાદ તારી સાસરીનાં સગામાં લગ્ન છે એટલે સર તને રોકે છે... પણ તું માન્યો નહીં એટલે તારી પત્ની સંધ્યા અને પુત્ર ચિન્ટુને ત્યાં થોડા દિવસ રોકાવા માટે મનાવી લીધા... પણ તારી મમ્મી માની નહીં... એટલે એમની લઈને આવવું પડ્યું... એટલિસ્ટ સંધ્યા અને ચિન્ટુનો જીવ જોખમમાં નથી...”

કરણ બન્ને હાથ કપાળ પર મૂકે છે: “કાકા... તમે કેવી રીતે કહી શકો છો કે એ બન્નેને કોઈ જોખમ નથી... જો એ લોકો એટલા ખતરનાક છે તો પછી મુંબઈ, અમદાવાદ તો શું કોઈ જ્ગ્યા એ લોકો પણ સુરક્ષિત નથી...”

શંકર: “સાચું બોલે છે દીકરા... દુનિયાનાં દરેક ખૂણામાં એ લોકો દુશ્મનોને શોધી-શોધી મોત આપે છે... સંધ્યા, ચિન્ટુ અને તારી સાસરીવાળા દરેકને સરે અમદાવાદથી દૂર સલામત જ્ગ્યા પર મોકલી દીધા છે... સુધાભાભીને સમજાવી મેં ઘરે મોકલ્યા છે... એમને હવે સલામત જ્ગ્યા પર મોકલી શકાશે નહીં... નહિતો ખેંગારને શક થઈ શકે છે...” પર્વતસિંહનાં પલંગ પાસે જાય છે: “કરણ, બહુ બધાની જિંદગી દાવ પર લાગેલી છે... સર બધુ બરાબર કરી લેશે... પહેલાં આપણાં પરિવારને બચાવ... એવું ના વિચારીશ કે વિક્રાંતનો કેસ માત્ર ખેંગાર સુધી લઈ જાય છે... આ કેસનાં મૂળ દસ વર્ષ જૂના છે... વિક્રાંતને બચાવવાવાળો ટૂંક સમયમાં આવશે... કદાચ આવી પણ ગયો હશે... બસ આનાથી વધારે કોઈ માહિત આપી શકીશ નહીં...”

કરણ રાહતનો શ્વાસ લે છે. પલંગ પર નજર કરે છે. પર્વતસિંહ શાંતિથી સૂતેલા હતા: “પપ્પા ક્યારે મારી સાથે વાત કરશે?”

શંકર: “એમણે જ કહ્યું હતું ઉંધની દવા આપવા માટે... જેથી તને એમના પર શક ના થાય... બેટા, હું નથી ઈચ્છતો કે એમને ખબર પડે, તું બધુ જાણી ચૂક્યો છે... હું રાત્રે અહિયાં રોકાઇશ... તું સુધાભાભી પાસે જા...”

પર્વતસિંહનાં કપાળ પર હાથ ફેરવી કરણ રૂમની બહાર આવે છે, ત્યારે નર્સ રૂમમાં આવે છે. બન્ને આંખથી ઈશારો કરે છે. શંકરની નજર એ ઈશારો ચૂકી જાય છે. જો એ વખતે શંકર જોઈ ગયો હોત તો કદાચ આગળ બનનારા બનાવોને રોકી શકાત. કરણ, તેની ટીમ, તેનો પરિવાર, વિક્રાંત અને તેના મિત્રો અને એમનો પરિવાર અનેક યાતનાઓથી બચી ગયા હોત. નીલિમાને ફરી કોઈ મુશ્કેલીનો સામનો ના કરવો પડત. પણ ભાગ્યમાં શું લાખયું એ ખબર પડતી હોત તો કોઈના જીવનમાં તકલીફો આવતી નહીં. અહિયાં પણ એ જ બની રહ્યું હતું. કેસ સાથે જોડાયેલ દરેક વ્યકિતને અગ્નિપરીક્ષા આપવાની હતી. આવનારા દિવસોમાં અનેક ઘટનાઓ બનવાની હતી જે દરેકનાં જીવનમાં ઝંઝાવાત લાવવાની હતી. જે હિંમત હાર્યું એ ભસ્મ થઈ જશે. જે પરીક્ષામાં સફળ થયું એ સારી અને ખરાબ યાદો સાથે જીવન વિતાવશે.

***

શારદાનગર ચોકીમાં સંજય અને વિશાલે કેસ નંબર - ૩૬૯ ની દરેક વિગતો કાગળમાં ઉતારી હતી. કરણ એક પછી એક બધા કાગળ જોતો હતો. ત્રણેય કામમાં એવા ડૂબ્યા હતા જાણે એ કેસ સિવાય બીજું કોઈ કામ નથી. જમવાનું, ચા, નાસ્તો બધું કેસની વિગતોની ચર્ચા સાથે થતું હતું.

મંગળ શુક્લાનો માણસ છે, એ જાણી ટેન્શન કરવાના બદલે એનો ઉપયોગ કરવાનો ઇરાદો હતો. કોર્ટમાં બીજા એક કેસનાં આરોપીને લઈ જવાનો હતો, તે કામ આજે મંગળને આપી ચોકીથી દૂર કરવામાં આવ્યો હતો. રાવજી પહેલેથી કરણ સાથે હતો એટલે એના પર પૂરો ભરોસો હતો. રાવજીની મદદ લઈ મંગળને ઉંધા હાથે કાન પકડાવવાના હતા. હકીકતમાં કાન મંગળ નહીં પણ શુક્લાને પકડવા પડે એવી સ્થિતિ ઊભી કરવી હતી.

કરણ શુક્લાને છુપો સંદેશ આપવા માંગતો હતો કે કેસ એણે છોડ્યો નથી. એ કરવામાં જોખમ હતું પણ કરણ જાણતો હતો, જો વધારે સમય પસાર થશે તો જોખમ બધાના જીવને થશે. પપ્પા પર પૂરો વિશ્વાસ છે, પણ શુક્લા પર એક ટકાનો વિશ્વાસ કરવો ભૂલ ભરેલું હતું. જે પ્રમાણે શંકરે કહ્યું તેમ બધાનો જીવ જોખમમાં મૂકવા તૈયાર નહોતો. ખેંગાર અને અંગાર શુકલાને મજબૂર કરે એ પહેલા શુકલાને બાટલીમાં ઉતરવો જરૂરી હતો.

કરણ માટે મનુ અને રસિક પર ભરોસો કરવો કે નહીં, એ પ્રશ્ન પણ હતો. દરેક કાર્ય ખૂબ સાવચેતીથી કોઈને શંકા ના થાય એ પ્રમાણે કરવા માટે એક પરફેક્ટ પ્લાન જરૂરી હતી. મંગળને ક્યારે અને કેટલી માહિતી આપવી, એ માહિતીની સામે શુક્લા, સિંદે અને ખત્રી શું કરી શકે એ બધી શક્યતા વિચારવાની હતી. શક્યતાઓનું પરિણામ અને એના પછી કરણ બીજા શું પગલાં લેશે તેના માટે મનુ અને રસિકની જરૂર પડવાની હતી. જે માહિતી મળી એનો ભરપૂર ઉપયોગ કરી કરણ પોલીસ વિભાગને પોતાની મદદ કરવા માટે ફરજ પાડવા માંગતો હતો.

આ બધા કામ વચ્ચે કરણે હવાલદારની આપેલી ડાયરી અને માર્કશીટ પર ધ્યાન નથી આપ્યું એ વાત વિશાલને પરેશાન કરતી હતી. નીલિમા અને વિક્કીનાં પેરેન્ટ્સ સાથે કેવી રીતે વાત કરવી એ મુંજવણ સંજયને થતી હતી. હોસ્પિટલમાં સાદા વેશમાં માણસો જોયા પછી પેરેન્ટ્સ સાથે વાત કરવા માટે એકાંત જરૂરી હતું જે સંજયને મળ્યું નહોતું. એ બન્ને પોતાનું કામ આગળ કેમ વધારવું એ કરણને પૂછતા પણ કરણ શુક્લાને સંકજામાં લેવાનાં પ્લાન પર મશરૂફ હતો. વિશાલ અને સંજય જાણતા હતા કરણ ભલે એમની વાત પર ધ્યાન નથી આપતો, પણ એના મગજમાં એમની વાત સારી રીતે બેઠી છે. એ બન્ને કરણનાં કહ્યા પ્રમાણે કામમાં પરોવાયા હતા.

કરણની નજર એક કાગળ પર અટકી જાય છે. એ કાગળ પર લખેલી વાત વાંચી હોઠો પર ધીમું હાસ્ય ઉપજે છે: “સંજય... વિક્રાંત જ્યારે નીલિમા સાથે વાત કરતો હતો ત્યારે બન્નેની આંખમાં આંસુ આવ્યા હતા... રાઇટ?”

સંજય: “હા સર... નીલિમા બેભાન હતી પણ એની દરેક વાત સાંભળતી હતી...”

કરણ ગ્લાસમાંથી પાણી પેવે છે: “સંજય... કોમમાં ગયા પછી નીલિમાની આંખોમાં આના પહેલા આંસુ આવ્યા હતા?” કેટલા દિવસથી એ કોમમાં છે?”

સંજય: “સર પંદર દિવસથી એ કોમામાં છે... આના પહેલાં એની આંખોમાં આંસુ આવ્યા નથી...”

કરણ ફરી કાગળ સામે જુએ છે: “સંજય... તારે અત્યારે જ ફરી પત્રકાર બની સીધા નીલિમાનાં રૂમમાં જવાનું છે... ત્યાં પ્રેસ રિપોર્ટર તરીકે જ જવાનું છે... જોડે હોસ્પિટલ બહાર ઉભેલા બે-ચાર સાચા પત્રકારો લઈ જજે... કાલની જેમ અન્ય પત્રકારની મદદ લઈ કિશોરને એક સવાલ પૂછવાનો છે... પોલીસ સ્ટેશનમાં વિક્રાંતનું કસ્ટોડિયલ ડેથ થઈ જશે તેવો તમને શક છે?”

સંજય અને વિશાલ આ સાંભળી હસે છે. વિશાલ કાગળ હાથમાં લઈ બોલે છે: “સર... કદાચ આ સાંભળી નીલિમા ભાનમાં આવશે એવું તમને લાગે છે... રાઇટ...”

સંજય: “સર હું હમણાં જ જવું છું... પહેલાં મારે બહાર ડાઘિયો ઊભો છે એને રવાડે ચડાવવો પડશે...”

સંજય જાય છે એટલે વિશાલ ટેબલ પરથી ડાયરી ઉઠાવે છે: “સર... આની અંદર લખેલી માહિતી ખૂબ અગત્યની છે, એવું હવાલદારે કહ્યું હતું... પણ ડાયરીમાં શું લખ્યું છે, તે મારી સમાજમાં તો બિલકુલ આવ્યું નથી...”

કરણ ખુરશી પર આરામથી બેસે છે: “ડાયરીનો પહેલો ફકરો તેં વાંચ્યો?”

વિશાલ: “સર... એકવાર નહીં અનેક વાર વાંચ્યો... કઈ સમજ પડી નથી...”

કરણ: “ફકરાની શરૂઆતમાં શું લખ્યું છે?”

વિશાલ ડાયરીનું પહેલું પાનું ખોલે છે: “સર… ફકરાની ઉપર ૨૦૧૦ની સાલ લખેલી છે... પછી લખ્યું તો ગુજરાતીમાં છે... પણ માત્ર અર્જુન અને વિરેન નામ સિવાય મને કશું સમજમાં આવ્યું નથી...”

કરણ: “અર્જુન પછી શું લખ્યું છે? અને વિરેન પછી શું લખ્યું છે?”

વિશાલ: “અર્જુન પછી મૃત્યુ લખ્યું છે... અને વિરેન પછી જન્મ લખ્યું છે...”

કરણ: “પહેલાં ફકરાની જે ચાર લાઇન છે એના શબ્દોમાંથી એક નવું વાક્ય બનાવ...”

વિશાલ આશ્ચર્ય સાથે જુએ છે.

કરણ: “કોઈ દુવિધા રાખીશ નહીં... તું માત્ર પહેલાં ફકરાની ચાર લાઇનનાં શબ્દોમાંથી એક નવું વાક્ય બનાવ... જૂના શબ્દોમાંથી નવા શબ્દો ગોઠવવાથી જે નવું વાક્ય બનશે એટલે તને સમજ પડી જશે... હવે હું પણ ઘરે જઈશ... જ્યાં સુધી મંગળનો ઉપયોગ કરી શુક્લાને ચેતવી ના દઈએ ત્યાં સુધી મારે પોલીસચોકીમાં વધારે રોકાવું નથી... એની વે, નવું વાક્ય બની જાય તો WhatsApp કરજે...”

વિશાલ: “સર... મને એવું કેમ લાગે છે, કે તમે નવું વાક્ય બનાવી લીધું છે!”

કરણ આંખ મારી નીકળી જાય છે. વિશાલ નવું વાક્ય બનાવવા લાગી જાય છે. પંદર મિનિટ મથામણ કર્યા પછી નવું વાક્ય બને છે. એ વાક્ય વાંચી વિશાલનાં ચહેરા પર ખુશી છવાઈ જાય છે. એ વાક્ય કરણને WhatsApp કરે છે. કરણ પણ વાંચી ખુશ થાય છે.

એ વાક્ય હતું ‘દરેક વ્યક્તિનાં જીવનમાં ઉલ્કાપાત ક્યારેક તો દસ્તક આપે છે. જીવનમાં ક્યારેક એવો સમય આવે છે, જ્યારે અમુક ઈચ્છાઓનું મૃત્યુ થાય છે અને નવી ઇચ્છાઓનો જન્મ થાય છે. ઈશ્વરની ઈચ્છા હશે એટલે અર્જુનનો સર્વનાશ થયો છે અને વિરેનનો ઉદ્દભવ થયો છે.’

ક્રમશ: