The key value of a pinch of vermilion - 8 books and stories free download online pdf in Gujarati

એક ચુટકી સિંદૂર કી કિંમત - 8


પ્રકરણ-આઠમું/૮

મિલિન્દનો હાથ ઝાલી હુંફાળા સ્પર્શ સાથે સાંત્વનાના શબ્દ સથવારે વૃંદા બોલી,

‘આ તારી સર્વશ્રેષ્ઠ સ્વરાંકન વિહીન બંદિશને જ બહાર લાવવાં જ મને આ સમય જોઈતો હતો. કોણ કહે છે કે, તું જીવંત નથી ? તારા આદર્શથી તારું જીવન સંગીતમય છે, પણ મ્યુટ છે. મિલિન્દ આપણે સૌ ઈશ્વરના એક જાયન્ટ મેરી ગો રાઉન્ડમાં પોતપોતાની બેઠક પર બેઠાં છીએ. અને સમયનું ઘટનાચક્ર જેમ જેમ ફરતું જાય એમ સ્થાન અને પરિસ્થિતિનું પરિવર્તન થતું રહે. તું બહુ જલ્દી નિરાશ થઇ જાય છે. મનોવ્યથાને મેગ્નીફ્લાય ગ્લાસથી જોવાની તને આદત પડી ગઈ છે, કારણ વગર કણને મણ કરી નાખે છે. અને પછી કહે છે, પણ.. પણ..પણ. જો હળવાફૂલ થઈ લાઈફને લાઈટલી માણવી હોય તો આ મણ જેવા પણનો ભાર ઉતારીને ફેંકી દે પહેલાં.’

થોડીવાર ચુપ રહ્યા પછી મિલિન્દ બોલ્યો..

‘કોણ કોને સમજાવે છે ? ચલ મને એ સમજાવ એક લક્ઝુરીયસ, ઉત્તમ સાધન સંપ્પન જિંદગી જીવવા માટે તારી પાસે શું કમી છે ? અને છતાં પણ તે એમ કહ્યું હતું કે, તારી જીવનનૈયા આફતરૂપી પરિતાપના પૂરમાં ઢસડાઈ રહી છે ? તો હમણાં તે જે ફીલીસોફીનો ક્લાસ લઈને ડાહીડમરી વાતો કરી એ તને નથી લાગુ પડતી ? કે તું કોઈ અજાણ્યા પ્રદેશની એલિયન છો ?’

એટલે હસતાં હસતાં વૃંદા બોલી,

‘તારી અને મારી સમસ્યાની કોઈ સરખામણી જ ના થઇ શકે મિલિન્દ. તારી ઉલઝન માનવ સર્જિત અને સાહજિક છે, જયારે મારી મુસીબત મુકદ્દરને આધીન છે. મને બહુ ડીપમાં તારા મુંઝવણની જાણ તો નથી પણ તારી વાતો પરથી એટલું નક્કી કે તને ઈકોનોમિકલ સિવાય કોઈ તકલીફ નથી, એમ આઈ રાઈટ ?

‘હા.’ મિલિન્દે એકાક્ષરી ઉત્તર આપ્યો.

‘એક નક્કી રકમ ચપટી વગાડતાં તારા ઉખાણાં જેવી ઉપાધિનો ઉકેલ લાવી શકે.’
પણ, અને તેનાથી અનેક ગણી અધિક માત્રાની રકમ મારી માસે હોવા છતાં મારી જટિલ જીવતરનું સોલ્યુશન ન લાવી શકે.’
વિસંગત સમસ્યાના અસમાનતાની સમજણ આપતાં વૃંદા બોલી.

‘પણ આવું કેમ બને ? અને તકદીરે એવું તે કેવું તાળું માર્યું છે તારી લાઈફમાં કે જેનો કોઈ તાળો કે કુંચી નથી ? આશ્ચર્ય સાથે મિલિન્દે પૂછ્યું,


સ્માઈલ સાથે વૃંદા બોલી,
‘આજે ફરી મારા સંવાદનું પુનરાવર્તન કહેતા કહીશ કે...
‘બસ અપના હી ગમ દેખા હૈ ? તૂને કિતના કમ દેખા હૈ.’
‘મિલિન્દ, પારસમણી લોઢાને સ્પર્શે તો લોઢું સુવર્ણમાં રૂપાંતરિત થઇ જાય, પણ
પારસમણી ન થાય. તારા માટે અસંભવ લાગતી તારી સમસ્યા હું ચપટી વગાડતાં અદ્રશ્ય કરી શકું, પણ એ જ ઉપાય મારી માટે નાઇલાજ છે.’

‘પણ પ્લીઝ, હવે પઝલની જેમ વાત કર્યા વિના પહેલાં તારી પ્રશ્નાર્થ જેવી પહેલી શું છે એ કહે.’ અધીરાઈથી મિલિન્દ બોલ્યો.


થોડો સમય ચુપકીદી સેવ્યા પછી એક ગહન શ્વાસ લઈને વૃંદા બોલી.



‘મિલિન્દ આજે હું પહેલીવાર તારા ભારોભાર ભરોસાને આધારે મારા એ અતીતખંડમાં પ્રવેશવાની હિંમત કરું છે, કે, જેના ખ્યાલ માત્રથી હું સમસમી ઊઠું છું. મને આશા છે કે તું મને સંભાળી લઈશ. તો હવે સાંભળ.........’

‘તને યાદ છે, મેં કહ્યું હતું કે મારા બે ઘર છે, એક મલાડમાં અને એક મલબાર હિલમાં. એટલા માટે કે મમ્મી મલાડમાં રહે છે, ને પપ્પા મલબાર હિલમાં.
અને હું.....ફૂટબોલના બોલની માફક મન ભરાઈ જાય ત્યારે જાતે જ નક્કી કરીને ફેંકાઈ જાઉં છું, આ બંને માંથી કોઈ એક ઘરમાં.’

અચંબાના આંચકા સાથે મિલિન્દે પૂછ્યું.
‘મતલબ ?

‘મારા ડેડ એડવોકેટ શશાંક સંઘવી એટલે સ્વર્ગીય જુગલદાસ સંઘવી, શહેરના નામાંકિત ન્યાયાધીશ અને મારા દાદાનું એક માત્ર સંતાન. પદ, પ્રતિષ્ઠા અને પરંપરાથી પંકાયેલું ધનાઢ્ય પરિવાર. મારી મમ્મીના ડેડ એટલે મારા નાનાજી એડવોકેટ શશીધર ગાંગુલી અને દાદા બન્નેના એકબીજા પ્રત્યેની નિસ્વાર્થ સંગતની સોબતના સંબોધનના ત્યારે સ્થાનફેર થયાં જયારે મારા મમ્મી વિદ્યા ગાંગુલી,સંઘવી પરિવાની પુત્રવધુ બની ગઈ.’

‘નાની ઉંમરમાં એક દંતકથા સમાન અને પ્રેરણાસ્ત્રોતના પ્રતિક જેવી ટૂંકી જિંદગી જીવીને મારા જન્મ પહેલાં જ મારા દાદા સડન્લી સ્વીયર હાર્ટ એટેક આવતાં આ ફાની દુનિયાને છોડીને જતા રહ્યાં. કાશ.....કુદરતે એમને થોડો વખત આપ્યો હોત તો.... આજે આ વ્યથાકથા વર્ણવાનો વખત ન આવ્યો હોત.’

‘પણ... એવું તે શું બની ગયું છે તારી લાઈફમાં વૃંદા ? અચરજ સાથે મિલિન્દે પૂછ્યું.

વૃતાંત આગળ જણાવતાં વૃંદા બોલી..

‘એક નવજાત શિશુ માટે જગતભરની જાહોજલાલી એટલે વ્હાલથી વીંટાળાયેલો અને વાત્સલ્યની હુંફથી ભરપુર માતાનો ખોળો, શ્વાસ જેટલુ જ જરૂરી અતિ સંવેદનશીલ સ્પર્શનું સાનિધ્ય, એક એવું બાળક જે જેની ઉંમર આંગળીના વેઢે ગણી શકાય એ.. એ.. બાળક ઊંઘમાં પણ તેની માતાના તનની ખુશ્બુની આહટથી ઝબકીને જાગી જાય. સ્તનપાનના સપ્રમાણ સ્પંદનપાનની પણ ભૂખ હોય.’

‘મિલિન્દ.....જે ઉંમરે, આઆ...આ શબ્દોના ભાવાર્થ સમજતી થઇ ત્યારથી બસ આમ જ છું.. કારણ કે આ શબ્દો મેં વાંચ્યા છે, નાના મોટા પડદે જોયા છે પણ, કદાચ અનિચ્છાએ અપવાદ રૂપી અછૂત કન્યાના શ્રાપનો થપ્પો લઈને અમંગળ ઘડીએ અવતરી હોઈશ એટલે ઈશ્વરે મને આ પ્રેમ જાતથી બાકાત રાખી છે. અને....’

આગળ બોલે એ પહેલાં તો... તેની અશ્રુધારા અવરોધ બની ગઈ.
વૃંદાના ગતકાલીન ગમના અતિ ગતિશીલ પરિતાપના પ્રચંડ પુરના પ્રવાહ સામે ઉછળતાં સમંદરના મોજાંની મસ્તી પણ ઓસરીને પીછેહઠ કરી ગઈ હતી.

થોડો સમય ચૂપ રહેવું મિલિન્દને બહેતર લાગ્યું.

સ્વને સ્વસ્થ કરતાં વૃંદા આગળ બોલી...

‘પુખ્ત વયમાં પ્રવેશતા હું સમજણની એક એવી સપાટી પર આવી ગઈ કે જ્યાં સંબંધોના સમીકરણનું સભાનતા અને તટસ્થતાથી વિશ્લેષણ કરી કરી શકું. ત્યારે અકારણ અંતર્વેદનાની સજાના સંતાપનું સબબ જાણવા મમ્મીને પૂછ્યું.....

‘ત્યારે જાણ થઇ કે.... આ અકારણ અન્યાયી અધર્મદંડ જેવા એકાંતકૈદની વ્યથાના ગુણધર્મ તો મને રક્તકણ સાથે વારસાઈમાં મળ્યા છે. જેને હું તો શું ખુદ ઈશ્વર પણ નહીં નકારી શકે.’

‘મમ્મી-પપ્પાના અંશત સુખી અને આનંદિત એરેન્જડ લગ્નજીવનના એકાદ વર્ષ પછી મમ્મીના ગર્ભમાં મારો અંશ પાંગરવા લાગ્યો. એ ગર્ભાવસ્થાના પ્રારંભિક તબક્કામાં જ એક દિવસ એક એવો ધરતીકંપ આવ્યો કે...શાંત સરિતા જેવા સ્નેહ સંસારમાં કુદરતના એક અદ્રશ્ય કાંકરી ચાળાએ અનંત, અકળ અને અતળ આત્મપીડાના કુંડાળા રચી દીધા.’

‘વૃંદા.... મને લાગે છે કે, તારા સ્વરના કંપન પરથી તારી કરુણતાનો ક્યાસ કાઢવાનું ગજું મારી કલ્પના બહારનું છે.’
વૃંદાની આટલી રજૂઆતથી વ્યથિત થયેલા તેના માનસિક અવસ્થાની દશા રજુ કરતાં મિલિન્દ બોલ્યો.
એક સંતાપિત સ્મિત સાથે વૃંદા બોલી..
‘ જરા સોચો મિલિન્દ બાબુ.... આગાઝ યે તો અંજામ ક્યા હોગા ?

‘અચાનક અનાયસે એક દિવસ મમ્મીને એવા ઠોસ પુરાવા હાથ લાગ્યા કે...પરિણય સંબંધમાં બંધાયાના પહેલાંના એક અરસા પૂર્વે પપ્પાના કોઈ પાત્ર સાથે ગાઢ પ્રેમ સંબંધ હતા. બસ.... અતિ સંવેદનશીલ સાથે સત્યાગ્રહી અને સિદ્ધાંતવાદી પિતા તરફથી વારસામાં મળેલા વ્યક્તિગત લક્ષણની અસરથી તે અઘટિત ઘટનાના તીવ્રઘાતથી મમ્મીના સ્વાભિમાન પર એવો માનસિક કુઠારાઘાત થયો
કે, તે દિવસથી આંશિક ડીપ્રેશનનો શિકાર થઇ ગઈ.’

‘આઆ..આ પીડા મને ગર્ભમાં જ પોષણના રૂપમાં જ મળેલી છે. તે દીવસે
અક્ષયસુખ ભોગવતા દામ્પત્યજીવનમાં પપ્પાની શરતચૂકથી તેમણે સંઘરેલી મૂડી જેવા પીળા પડી ગયેલા પ્રીતની પીડાને મૂક વાચા આપતાં તેના પ્રિયપાત્રના પ્રેમપત્રોએ પાડેલી દરાર આજે એક ખાઈ બની ગઈ છે.’

‘મમ્મીના મસ્તિષ્ક પર પડેલા એ વજ્રઘાત જેવા આઘાતની ઊંડી અસર જ્યાં સુધી રહી ત્યાં સુધી હું મારું બચપણ ગુમાવી ચુકી હતી. મમ્મીનું કહેવું હતું કે, જે સંબંધની ઈમારત જુત્ઠાણાની બુનિયાદ પર બાંધવામાં આવે તેની આવરદા કેટલી ?
જે સંબંધનો શરણાગતીથી સ્વીકાર કરવો પડે તેમાં ડગલે ને પગલે ઔપચારિકના પત્થર અથડાવાના જ.’

વૃંદાની સળંગ દાહક દર્દભરી દાસ્તાં સાંભળીને સ્તબ્ધતાથી સુકાઈ ગયેલા ગળાને ખોંખારો ખાઈને સાફ કરતાં મિલિન્દે પૂછ્યું.

‘જાણી શકું એ ત્રીજું પાત્ર કોણ હતું ?

‘મૃત્યુનું સચોટ કારણ જાણ્યા પછી પણ મૃતક જીવિત નથી થતો, મિલિન્દ. એટલે એ પાત્ર વિશે તો મમ્મીએ જાણવાની તસ્દી નથી લીધી. આત્મપરીતાપ સાથે ખુલ્લાં દિલથી પપ્પાએ નગ્નસત્યનો અનેકોવાર એકરાર કર્યો છતાં, પણ મમ્મી, પપ્પાની આ શરતચૂકને ક્ષ્રમા આપવા આજ દિન સુધી રાજી નથી. એક હદ બહારની મમ્મીની જીદ પછી મારા નાનાજીને પણ પસ્તાવાનું બ્રહ્મજ્ઞાન થયું પણ... ત્યાં સુધીમાં એક લાંબા અંતરાલ પછી પપ્પા-મમ્મીના મિથ્યાભિમાન જેવા લાગતાં પરમોઅહંની આંટીઘૂંટીના ચક્કરમાં હું એવી પીસાઈ ગઈ કે, ધનાઢ્ય પરિવારની એક માત્ર પુત્રી હોવાથી મમ્મી-પપ્પા બન્નેએ જાહોજલાલીની આડમાં પોતપોતના સ્વાભિમાન કક્કો સાચો ઠેરવવા મને આર્થિકરાશિની ઔપચારિક આગની ઉષ્મા આપવાની કોશિષ તો કરી પણ, હું વાત્સ્યાલના હેતની હૂંફથી સદાયથી અળગી રહી. બન્નેને તેમના અભિમાનને પોષવાનો એક પાશવી આનંદ લુંટતા જોઇ મને એક અનૌરસ સંતાનની છાપ લઈને પેદા થયાની અતિશય ધૃણા ઉપજતા મારી જાત પર બેફામ ફિટકાર વરસાવવાનું મન થતું,’

‘મિલિન્દ.. સામાન્ય માણસ જે સુખ,સાહ્યબી સ્વપ્નમાં પણ ન માણી શકે એ હું બચપણથી ભોગવતી આવી છું. પરમાત્મા એ બધું વણમાંગ્યે જ આપ્યું છે, પ્રતિષ્ઠિત પરિવારમાં જન્મ, પૈસો, મનગમતા નિર્ણય લેવાની સ્વતંત્રતા, ગર્વ લઇ શકું એવા પરિપૂર્ણ અભ્યાસના અંતેની પસંદીદા ફિલ્ડમાં આદર સાથેની જોબ..
બસ ન મળી તો કોઈના વ્હાલભર્યા વાત્સલ્યના હેતની હુંફ.’

આટલું બોલી વૃંદાએ સજળનેત્રો સાથેનો ચહેરો તેની બંને હથેળી પર ઢાળી દીધો.

ઉંમરનું સ્તર સમજણની સપાટીએ આવ્યા પછી પ્રથમ વખત વૃંદાએ મિલિન્દના ભરોસા સાથે તેની આંગળી ઝાલીને દુ:ખાલયના દરવાજા પર દસ્તક દેવાની હિંમત કરી હતી.

નિરાશ થયેલા મિલિન્દ પાસે નર્યા નિસાસા સિવાય કોઈ કારગત હથિયાર નહતું. વૃંદાની મણ જેવી મર્મપીડા આગળ તેની મુસીબત કણ જેવી લાગી. એક ગહન શ્વાસ લીધા પછી મિલિન્દ બોલ્યો...

‘કેવી વિલક્ષણ વિત્તવ્યવસ્થા કહેવાય નહીં ? પ્રેમ અને પૈસાની ? હું પરિવારના ભરપુર પ્રેમથી તરબતર છું, છતાંયે પૈસા વિના જીવન શૂન્ય, અને...એ જ તું પૈસાથી તું માલામાલ છે છતાં, પ્રેમની અનુપસ્થિતિએ સ્નેહના શૂન્યાવકાશનું સર્જન કર્યું છે.’

‘મિલિન્દ...કાન બધું જ સાંભળે તો આપણે ક્યારેય એવું વિચાર્યું કે કાનને પણ કંઇક કહેવું હશે ? કાનને કોણ સાંભળે ? કયારેક ક્યારેક ડૂબતાને તારતા તણખલાને પણ ડૂબવાનો ડર લાગતો હોય. કયારેક કોઈ ખભાને પણ સહારાની જરૂર પડે. ક્યારેક આંસુ લૂંછતા ટેરવાં પણ કાંપી ઉઠે. કયારેક સાવ કુણા તડકાથી પણ કુમળા છોડને જલન થતી હોય. ક્યારેક આકાશને પણ છતની ખપ પડે. અને કયારેક ધરતીમાતાને પણ કોઈ ખોળાની ઝંખના હોય, તો મને પણ ક્યારેક મને એમ ન થાય કે મારો પણ કોઈ હાલ પૂછે. ?


વૃંદાનું વાક્ય પૂરું થયું અને મિલિન્દનો સેલફોન રણક્યો...

-વધુ આવતાં અંકે.