Case No. 369 Satya ni Shodh - 15 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 15

કેસ નંબર-૩૬૯,“સત્યની શોધ”

ડો. હિના દરજી

પ્રકરણ : ૧૫

પંદર મિનિટની મથામણ પછી વિશાલથી નવું વાક્ય બને છે. એ વાક્ય વાંચી વિશાલનાં ચહેરા પર ખુશી છવાઈ જાય છે. એ વાક્ય કરણને WhatsApp કરે છે. કરણ પણ વાંચી ખુશ થાય છે.

એ વાક્ય હતું ‘દરેક વ્યક્તિનાં જીવનમાં ઉલ્કાપાત ક્યારેક તો દસ્તક આપે છે. જીવનમાં ક્યારેક એવો સમય આવે છે, જ્યારે અમુક ઈચ્છાઓનું મૃત્યુ થાય છે અને નવી ઇચ્છાઓનો જન્મ થાય છે. ઈશ્વરની ઈચ્છા હશે એટલે અર્જુનનો સર્વનાશ થયો છે અને વિરેનનો ઉદ્દભવ થયો છે.’

વિરેન એ અર્જુનનો નવો જન્મ છે, તે વિશાલને માન્યામાં નથી આવતું. વાક્ય પરથી તો અર્જુન જ વિરેન છે, એ ખબર પડતી હતી. પણ અર્જુનનો સર્વનાશ શું કરવા થયો હશે? ૨૦૧૦નાં વર્ષમાં એવી કઈ ઘટના બની હતી જેનાથી અર્જુનને નામ બદલવું પડ્યું? અર્જુનનાં નામ બદલવા વિષે કરણ પણ નહોતો જાણતો. ખાસ મિત્રો વચ્ચે એવું શું બન્યું કે ૧૦ વર્ષ વીતી ગયા ત્યાં સુધી એક-બીજાને મળ્યા નથી. વિશાલનાં મગજે તર્ક-વિતર્ક કરવાનું શરૂ કર્યું હતું.

કરણ પણ વિચારોનાં વમળમાં અટવાયો હતો. બીજા ફકરાઓનાં પણ આ રીતે વાક્ય બનાવવાના શરૂ કરવાનો મેસેજ વિશાલને કરે છે. વિશાલને ખબર હતી કરણ એવું જ કહેશે, એટલે એ બીજા વાક્યો બનાવવા લાગ્યો હતો. કરણ ઘરે આવી સુધાબેનને જુએ છે. સુધા મંદિરમાં બેસી માળા કરતી હતી. સુધાની સાથે વાત કર્યા વગર કરણ એના રૂમમાં જાય છે. પલંગ પર આડો પડી ભૂતકાળમાં સરી જાય છે.

દસ વર્ષ પહેલાં પર્વતસિંહ અને અર્જુનનાં પિતા સુભાષ ગાંધી અમદાવાદ એક પોલીસ સ્ટેશનમાં સાથે હતા. બન્નેનાં ક્વાર્ટર જોડે હોવાથી પરિવારોમાં પ્રેમ અને મિત્રતા અન્ય લોકો માટે ચર્ચાનું કેન્દ્ર બની હતી. અર્જુન અને કરણ એક ક્લાસમાં હતા. બન્નેની મિત્રતા લોકોની આંખોમાં ઉડીને આવતી હતી. બન્નેની દોસ્તીની કસમ ખવાતી હતી. વિક્રાંત પાંચ વર્ષ નાનો હતો. એ હંમેશા બોલતો મારે બે મોટાભાઇ છે. અર્જુન અને કરણ પણ એનું મોટાભાઇ તરીકે ખૂબ ધ્યાન રાખતા.

અર્જુન હંમેશા પિતાની જેમ પોલીસ બનવાના સપના જોતો. કરણને વકીલ બનવું હતું. કરણની ઈચ્છા પર્વતસિંહ જાણતા હતા. એ કોઈ દિવસ કરણને પોલીસ બનવા માટે કહેતા નહીં, પરંતુ અર્જુનને સારા પોલીસ ઇન્સ્પેક્ટર બનવા માટે દરેક પ્રકારે સલાહ સૂચન કરતા. અર્જુનને પર્વતસિંહ જ નહીં સુભાષ પણ પોલીસ ઇન્સ્પેક્ટર બનવા માટે પ્રેરણા આપતો. અર્જુને દસમા ધોરણથી કરાટે, બોક્સિંગ, સ્વિમિંગ, કસરત વગેરે સારા IPS ઓફિસર બનવા માટે શરૂ કર્યું હતું. અર્જુન પોતાની અંદર પોલીસ જેવો જુસ્સો ધરાવતો હતો. અન્યાય થતો જોવે એટલે તરત આગળ આવી નિર્દોષ લોકોનો મસીહા બનતો. એક બે વાર સફળ થતાં લોકો સાચે એને મસીહા ગણવા લાગ્યા. ગુનેગારોને પાઠ ભણાવતા એનો સ્વભાવ આકારો થવા લાગ્યો. ક્યાંય પણ કોઈ ઊંચા અવાજે વાત કરે તો તરત વધારે ઊંચા અવાજ સાથે સામેવાળાનો અવાજ દબાવી દેતો. એને શાંત કરવા માટે કોઈવાર કરણ એને પોલીસ કહેવાના બદલે જેલર કહી બોલાવતો. ખૂંખાર અપરાધીઓનો કેસ લડી એમને સજા કાપવા તારી જેલમાં મોકલીશ એવી મસ્તી પણ કરતો. એ મસ્તીમાં પણ બન્નેને અનહદ આનંદ આવતો.

અર્જુન અને કરણ ૧૨માં ધોરણમાં સારા માર્કસથી પાસ થયા બાદ કોલેજમાં પ્રથમ વર્ષ બી. કોમ.માં એડમિશન લીધું. અર્જુને બી. કોમ. પછી UPSC પાસ કરી IPS બનવાનું નક્કી કર્યું. કરણે બી. કોમ. પછી LLB કરવાનું નક્કી કર્યું. બન્નેનાં માતા-પિતા આ નિર્ણયથી ખુશ હતા.

પરંતુ કિસ્મતનાં ખેલ કોણ સમજી શક્યું છે. ઘડીનાં છઠ્ઠા ભાગમાં ખેલ બદલાઈ જાય છે, ત્યારે માનવને કિસ્મતનો નિર્ણય મરજી વિરુધ્ધ પણ સ્વીકાર કરવો પડે છે. કુદરતની કારીગરી પર સવાલ કરનારા પાસે કોઈ જવાબ મળતો નથી. સવારે શું કરવું છે તે વિચારી તમે રાત્રે નિરાંતે સૂઈ જાવ અને બીજા દિવસે સવારે અણધાર્યો બનાવ બને જે તમારા જીવનની દિશા બદલી નાંખે. જે જીવન તમે જીવો છો એમાં અચાનક મોટો બદલાવ આવે ત્યારે હકીકત સ્વીકારવી ખૂબ મુશ્કેલ થાય છે.

૨૦૧૦નું વર્ષ પણ અર્જુન અને કરણનાં પરિવાર માટે અનેક મરજી વિરુધ્ધનાં બનાવો લઈને આવ્યું. ૨૦૧૦નાં જૂન મહિનાની શરૂઆતનાં દિવસો બન્ને પરિવાર માટે આધાતજનક હતા. માત્ર ૩ દિવસમાં બન્ને પરિવાર વેર-વિખેર થઈ હંમેશા માટે જુદા પડ્યા.

કોલેજ ચાલુ થવાને એક અઠવાડિયું બાકી હતું. નાનીનાં આગ્રહથી કરણ ચાર દિવસ એમની પાસે રહેવા ગયો હતો. જ્યારે પાછો આવ્યો ત્યારે અર્જુનનાં ઘરે તાળું હતું. પર્વતસિંહની મુંબઇ બદલી થઈ હોવાથી તાત્કાલિક હાજર થવાનું હતું. કરણે મિત્રને મળ્યા વગર જવાની ના પાડી પણ પિતાની જિદ્દ સામે કશું ચાલ્યું નહીં. ‘સુભાષની સુરત બદલી થઈ અને એ લોકો તાત્કાલિક સુરત જતાં રહ્યા છે. અર્જુન તને મળવા માટે રોકાયો નથી. જો તારો ખાસ મિત્ર હોત તો તને ફોન કરીને જણાવતો. એના માટે દોસ્તી મહત્વની નથી તો તું પણ એને ભૂલી જા.’ જેવી અનેક વાતો કરી પર્વતસિંહે કરણને અર્જુનથી દૂર કર્યો હતો.

દિવસો વિત્યા. મહિનાઓ અને વર્ષો વિત્યા. કરણ જીવનની રફતરમાં અર્જુનને ભૂલી ગયો એવું ઘરમાં બધાને લાગ્યું. પરંતુ અર્જુન કશું કહ્યા વગર જતો રહ્યો એ રહસ્ય હંમેશા વિસ્મય પમાડતું રહ્યું. અર્જુન કોઈ મુસીબતથી ગભરાતો નહોતો. કરણ એટલું સમજી ગયો હતો કે, મુસીબતમાંથી બહાર નીકળવાની એની આવડત હોવા છતાં કોઈ એવો બનાવ બન્યો છે જે પર્વતસિંહ અને સુભાષની રાતોરાત બદલીનું કારણ બન્યું છે. એટલું જ નહીં બન્ને પરિવાર વચ્ચે રહેલો પ્રેમભર્યા સંબંધનાં અંતનું કરણ બન્યો છે. પોતે અર્જુનનાં મોઢે પોતાનું નામ સાંભળવા માટે તરસતો રહ્યો. અનેક વાર પિતા જોડેથી સચ્ચાઈ જાણવા માટે પ્રયત્ન કર્યો પણ હકીકતનો સામનો ક્યારેય થયો નહીં. બસ એક વાત જાણતો હતો કે જે બનાવ બન્યો હશે એ બહું અકલ્પનીય હશે.

ફરી કિસ્મતે કરણનાં જીવનમાં અર્જુનનું રહસ્ય ખોલવા માટે ટકોરા માર્યા હતા. આ વખતે કોઈ ભૂલ કરવા નહોતો માંગતો. શંકર જોડે વાત કર્યા પછી એટલી ખબર પડી હતી કે પિતા પાસેથી કોઈ સચ્ચાઈ જાણવા મળશે નહીં. સુધાને સીધી રીતે પૂછી શકાશે નહીં. પૂછે તો પણ એ કેટલી વાત જાણે છે તે ખબર નથી. નહિતો આટલા વર્ષોમાં સુધાના મોઢામાંથી કોઈ વાત તો નીકળી જ હોય. સુધાએ શરૂઆતમાં બહુ સવાલ કર્યા હતા પણ કોઈ જવાબ મળ્યા નહોતા. ઉપરથી એ પોતે પર્વતસિંહને એકવાર સાધના સાથે વાત કરવા માટે વિનંતી કરતી હતી. કોની પાસે સાચી વાત જાણવા મળશે એ સવાલનો કરણ પાસે કોઈ જવાબ નહોતો. હવે માત્ર સોમવારની સવાર પડે અને અર્જુનને મળવા જાય એની રાહ જોવાની હતી.

***

કરણ ભૂતકાળમાં ખોવાયો હતો. સંજયે હોસ્પિટલમાં પત્રકારોને નીલિમાનાં માતા-પિતાને સવાલો પૂછવા માટે તૈયાર કર્યા હતા. સંજયે પોતાની વાક્ચાતુરીનો ઉપયોગ કરી ચાર પત્રકારોને વાતમાં ભોળવ્યા હતા. એ લોકો નીલિમાનાં રૂમમાં આવ્યા ત્યારે બહાર એક માણસ બધું નિરીક્ષણ કરતો જોયો હતો. સંજય પહેલેથી એલર્ટ હતો. એ પહેલાની જેમ નીલિમાની બાજુનાં રૂમમાં જાય છે. થોડા સવાલો પછી એક પત્રકાર સંજયનાં સમજાવ્યા પ્રમાણે બોલે છે: “પોલીસ સ્ટેશનમાં વિક્રાંતનું કસ્ટોડિયલ ડેથ થઈ જશે તેવો તમને શક છે?”

આ સવાલનો શું જવાબ આપવો એ હંસા અને કિશોરને સમજાતું નથી. એ સાંભળી બન્ને સુન્ન થઈ જાય છે. સંજયે પત્રકારોનાં મગજમાં કસ્ટોડિયલ ડેથ બરાબર ફિટ બેસાડી હતી. બીજો પત્રકાર આ વાતની શક્યતા નકારતો નથી.: “જી, મી. કિશોર તમે આ બાબતે વિચાર્યું છે? વિક્રાંતની કસ્ટોડિયલ ડેથ પણ થઈ શકે છે... આટલી મોટી શક્યતા તમે વિચારી છે?”

કિશોર અને હંસા હજી પણ કઈ સમજી શક્યા નહોતા. બધા પત્રકારો જવાબની રાહ જોતાં હતા. સંજયનું બધું ધ્યાન કિશોર અને હંસા પર નહીં પરંતુ નીલિમા પર હતું. પત્રકારો પણ જ્યાં સુધી જવાબ મળે નહીં ત્યાં સુધી ગોળ-ગોળ ફેરવી સવાલ પૂછવા માટે પાવરધા હોય છે. અહિયાં પણ એ જ થયું કસ્ટોડિયલ ડેથની વાત વારંવાર બોલવામાં આવી.

એની ધારી અસર થઈ હતી. નીલિમાનાં ચહેરા પર રેખાઓ તંગ થઈ. એના હાથની મુઠ્ઠી ભીસાંતી હતી. આંખોમાંથી આંસુ શરૂ થયા હતા. એની ઘડકન વધવા લાગી હતી. એના શ્વાસનો અવાજ અચાનક વધ્યો. આખું શરીર અક્કડ થયું અને એની છાતી અસાધારણ રીતે ઉપર નીચે થતી હતી. આ બધું જોઈ નર્સ ડોક્ટરને બોલાવવા માટે દોડી. હંસા અને કિશોર દીકરીની સ્થિતિ જોઈ ગભરાઈ ગયા.

અવાજ સાંભળી બહારથી હવાલદાર અંદર આવે છે. પત્રકારોને ત્યાંથી જવા માટે કહે છે. ડોક્ટર ચેકઅપ કરે છે. હંસા અને કિશોર ડોક્ટર સામે આશાભરી નજરે જુએ છે. ડોક્ટર નર્સને એક ઈંજેક્સન આપવા માટે કહે છે. નર્સ વિલંબ કર્યા વગર ઈંજેક્સન આપે છે. નીલિમા ફરી શાંત થાય છે. એની મુઠ્ઠીઓ ખૂલે છે. ચહેરો ફરી નિર્મળ થાય છે.

ડોક્ટર: “ચિંતા જેવુ કશું નથી... અત્યારે ઊંધનું ઈંજેક્સન આપ્યું છે... નીલિમા કદાચ સારી થઈ ગઈ છે... હવે એના ભાનમાં આવવાની રાહ જોવાની છે... ઈંજેક્સનની અસર પૂરી થાય પછી ખબર પડે કે એને ભાન આવ્યું છે કે નહીં...”

કિશોર અને હંસાને ડોક્ટરની વાત સમજાતી નથી. એ બન્ને એકબીજાની સામે અને ડોક્ટર સામે જોતાં હતાં. ડોક્ટર ફરી બોલે છે: “કિશોરભાઈ કદાચ નીલિમા ભાનમાં આવી ગઈ છે... ઘેન ઉતરે પછી ખબર પડે કે હકીકતમાં ચેતન આવ્યું છે કે નહીં... અત્યારે તો આપણે આશા રાખીએ છીએ કે એ ભાનમાં આવી ગઈ છે...”

ડોક્ટરની વાત સાંભળી રૂમમાં ખુશીનું વાતાવરણ થાય છે. ખુશીનાં સમાચારમાં આવનારી મોટી મુસીબતથી બધા અજાણ હતાં. નીલિમાનાં ભાનમાં આવવાની સાથે સંકટનો સિલસિલો ચાલુ થવાનો હતો.

સંજય બાજુનાં રૂમમાં આ બધું જોતો હતો. એ ખુશ થઈ તરત કરણને મેસેજ કરે છે. ફટાફટ મેસેજ કરી બહાર સિવિલ ડ્રેસમાં ઉભેલો માણસ શું કરે છે એ જોવે છે. એ માણસ પણ કોઈને ફોન પર નીલિમાનાં ભાનમાં આવવાની વાત કરતો હતો. એ માણસ કોનો ખબરી છે, એ જાણવું સંજય માટે ખૂબ જરૂરી હતું. એ જાણવા માટેનો પેંતરો પણ એણે ગોઠવી રાખ્યો હતો.

ખબરી જેવો ફોન કટ કરે છે તરત એની સામે એક સુંદર સ્ત્રી આવી ઊભી રહે છે. એ સ્ત્રી એની સાથે વાત કરે છે: “સર, મારે એક અર્જન્ટ કોલ કરવો છે... મારી પાસે મોબાઈલ નથી... તમે મને મદદ કરશો?”

ક્રમશ: