Case No. 369 Satya ni Shodh - 16 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 16

કેસ નંબર-૩૬૯,“સત્યની શોધ”

ડો. હિના દરજી

પ્રકરણ:૧૬

ખબરી જેવો ફોન કટ કરે છે તરત એની સામે એક સુંદર સ્ત્રી આવી ઊભી રહે છે. એ સ્ત્રી એની સાથે વાત કરે છે: “સર, મારે એક અર્જન્ટ કોલ કરવો છે... મારી પાસે મોબાઈલ નથી... તમે મને મદદ કરશો?”

આવેલી સ્ત્રીની સુંદરતા જોઈ ખબરી દંગ રહી જાય છે. એક અતિસુંદર સ્ત્રી મુસીબતમાં મદદ માંગે તો કોઈ ના કેવી રીતે કહી શકે. પુરૂષ ગમે એટલો ચાલાક હોય એક નાજુક, ખૂબસૂરત સ્ત્રીને પહેલીવાર જુએ તો થોડીક ક્ષણો માટે હોશ ખોઈ બેસે છે. ખબરીનું પણ એવું જ થયું. સટ્ટી-બટ્ટી ગુલ થઈ ગઈ. સ્ત્રી પણ જેટલી સુંદર હતી એટલી જ ચબરાક હતી. સંજયનાં કહેવા પ્રમાણે ખૂબ સરસ રીતે આંખોથી અદાઓ કરી વિનંતી કરી હતી. ખબરીએ વગર વિચાર્યે ફોન સ્ત્રીનાં હાથમાં આપ્યો. સ્ત્રીએ recent call list open કરી લાસ્ટ ડાયલ નંબર જોઈ યાદ કર્યો. સ્ત્રી નંબર લગાવે એ પહેલાં એક પુરુષ આવી બોલે છે: “ડાર્લીંગ, પપ્પાની તબિયત વિષે જે ફોન કરવાનો હતો એ થઈ ગયો છે... ચલ જલ્દી ડોક્ટર બોલાવે છે...”

ખબરીને કોઈ શક થતો નથી અને સ્ત્રી એના કામમાં સફળ થાય છે. સ્ત્રી ફરીથી આંખોથી આભાર માની આવેલ પુરુષ જોડે જતી રહે છે. સંજય પણ એ સ્ત્રી પાછળ જાય છે. ખબરી દેખાતો બંધ થાય છે, એટલે સ્ત્રી સંજયનાં મોબાઈલ પર એક નંબર ડાયલ કરી આપે છે. સંજયનાં truecaller પર રાજુ નામ આવે છે. ત્યારે સ્ત્રીએ આટલી જલ્દી કયા પુરુષને મદદ કરવા માટે તૈયાર કર્યો એ સંજયને નવાઈ લાગે છે. પરંતુ રાજુ કોણ હશે એ વિચારવામાં એનું ધ્યાન પુરુષ તરફથી હટી જાય છે.

***

વિશાલ નવા વાક્યો બનાવવામાં ચાર કલાકથી લાગ્યો હતો. ઘણી મથામણ કર્યા પછી થોડી કડીઓ જોડાઈ હતી. એ વાત કરણને કરવી જરૂરી હતી. એ કરણને whatsapp call કરે છે. કરણ ભૂતકાળમાંથી બહાર આવે છે.

વિશાલ કાગળિયામાં માથું નાંખે છે: “સર... ડાયરીમાં ૫ જૂન ૨૦૧૦ની વાત છે... આ વાત સમજમાં આવે તો અર્જુન અને વિરેનનો કોયડો ઉકલે એવું છે... બધી વાત તો સમજમાં આવી નથી, પરંતુ કેસ નંબર-૩૬૯નાં મૂળ ૨૦૧૦નાં વર્ષમાં રોપાયા છે એ વાત સ્પષ્ટ ઊભરી આવી છે...”

કરણ એક ઝાટકે બેઠો થાય છે: “વિશાલ... જલ્દી બોલ... ૨૦૧૦માં શું બન્યું હતું એ જાણવા માટે હું ઉતાવાળો છું...”

વિશાલ: “સર... વાત બહુ લાંબી છે... ફોન પર વાત કરવી યોગ્ય રહેશે... તથા પાછળનાં પાનાં ઉકેલાયા નથી...”

કરણ: “વિશાલ... સહેજ પણ સમય વેડફયા વગર બોલવાનું શરૂ કર... જે થશે તે જોયું જશે...”

વિશાલ ડાયરીમાંથી જે વાક્યો બનાવ્યા તે બોલવા લાગે છે.

૨૦૧૦નાં વર્ષમાં અમદાવાદનાં એક અનાથાશ્રમની છોકરીઓને દેહવ્યાપારનાં ધંધામાં બળજબરીથી ધકેલવામાં આવી હતી. એક છોકરી પોતાની રક્ષા કરવા માટે એ લોકોનાં હાથમાંથી છટકી પોલીસસ્ટેશન આવે છે. ત્યારે ઇન્સ્પેક્ટર સુભાષ ડ્યૂટી પર હતો. અર્જુન પપ્પાને ટિફિન આપવા ગયો ત્યારે એ છોકરી સુભાષ સાથે ગુનેગારો બાબતે વાત કરતી હતી. અર્જુને બધી વાત સાંભળી. છોકરીની હાલત જોઈ અર્જુન ખૂબ ગુસ્સે ભરાયો. ઉભરતું લોહી અને પોલીસ બનવાનો જુસ્સો પહેલેથી હતો. ગુનેગારોને પકડવા માટે પોલીસ કેવા અખતરા કરે છે, એ જોવા માટે પપ્પાને સાથે આવવા માટે જિદ્દ કરી. સુભાષ દીકરાને સફળ પોલીસ બનાવવા માંગતો હતો. અપરાધીને સંકજામાં લેવાની ટ્રિક અર્જુનને બતાવવા માટે એને સાથે લે છે. જીપમાં બેઠા પછી અર્જુનને પર્વતસિંહ યાદ આવે છે.

અર્જુન: “પપ્પા, આપણે કાકાને ફોન કરી ત્યાં આવવા માટે કહેવું જોઈએ...”

સુભાષ: “વાત તો તારી સાચી છે બેટા... પણ પર્વત આજે સુધાભાભીને પિયર મૂકવા ગયો છે... ભાભી પણ ભાઈ અને મમ્મી સાથે ત્રણ-ચાર દિવસ રહેવા માંગે છે... એ પાછો વળતો હશે... આપણે એને બોલાવી હેરાન કરવો નથી... તું ચિંતા ના કર... મારા આ ચાર હવાલદાર છે... એમાં આ કરસન તો મારા માટે જીવ આપી દે એવો છે...”

પર્વતસિંહને જાણ કર્યા વગર સુભાષ ટીમ લઈ અનાથાશ્રમ પહોંચે છે. અનાથાશ્રમમાં ભાગી ગયેલી છોકરી પોલીસ લઈને આવશે એવો શક પહેલેથી હતો. એટલે એ લોકોએ પોલીસ સાથે લડાઈ કરવાનો ચાપતો બંદોબસ્ત રાખેલ હતો. સુભાષ અને તેની ટીમ પહોંચે છે. સુભાષે અર્જુનને જીપમાં બેસી રહેવા માટે જણાવ્યું. અર્જુન જીપમાં બેસી રહ્યો. સુભાષ ચાર હવાલદાર સાથે આશ્રમમાં જાય છે. આશ્રમની પરસાળમાં ગુંડાઓ લોંખડની પાઇપો લઈ લપાઈને બેઠા હતા. સુભાષ અને હવાલદારો પરસાળમાં આવે છે એટલે તરત ગુંડાઓ તેમને ચારે બાજુથી ઘેરી લે છે. સુભાષ અને બીજા સમજે એ પહેલાં ગુંડાઓ લોંખડની પાઇપ વડે એમના પર હુમલો કરવાનું શરૂ કરે છે. પોલીસ અને ગુંડાઓ વચ્ચે આશ્રમની પરસાળમાં યુધ્ધ જેવો માહોલ જામે છે.

સુભાષનાં માથામાં લોંખડની પાઇપનો જોરદાર ઘા વાગે છે. કપાળમાં દડદડ લોહી વહેવાનું શરૂ થાય છે. માથામાં વાગવાથી અને લોહી વહેવાથી સુભાષને ચક્કર આવે છે, તે નીચે પડે છે. અર્જુન પિતાની આ હાલત જોઈ શકતો નથી. તે પૂર ઝડપે પરસાળમાં આવી એક માણસનાં હાથમાંથી પાઇપ ખેંચે છે. ગુસ્સા સાથે પૂરી તાકાતથી ગુંડાઓ પર ઉપરા-છાપરી પાઇપનાં ઘા કરે છે. અર્જુનનાં વારમાં એટલી બધી તાકાત હતી, એ તાકાત સામે અનાથાશ્રમના ગુંડાઓની તાકાત ઓછી પડી. અર્જુને ત્રણ માણસનાં માથામાં સળિયાનો ઘા કર્યો. એ લોકો જમીન પર ધડામ કરતા પડે છે. ત્રણેયનાં કપાળમાંથી લોહી વહેવા લાગ્યું. અર્જુન પોતાનો આપો ખોઈ બેઠો હતો. સુભાષને થોડું ભાન હતું. એ દીકરાને રોકવાની કોશિશ કરે છે. પણ એના ગળામાંથી અવાજ બહાર આવતો નથી. કરસન અને બીજા હવાલદાર ઝડપથી સુભાષને જીપમાં લે છે. અર્જુન હજી પણ ગુંડાઓને મારવા માંગતો હતો. બીજા બે ગુંડાઓના પેટમાં અને પગમાં ઘા કર્યા. અર્જુનનો પોતાના ઉપર કાબૂ રહ્યો ન હતો. પિતાનું વહેતું લોહી જોઈ હોશકોશ ગુમાવી દીધેલો હતો. દરેકને એ જ વખતે સબક શીખવાડવાની ધૂનમાં શું કરતો હતો તે સમજી શક્યો નહીં.

કરસન મહા મહેનતે અર્જુનને ખેંચી જીપમાં બેસાડે છે. ‘તારા પપ્પાને તારી જરૂર છે’. એવું સમજાવી હોસ્પિટલ લઈ આવે છે. અર્જુન પિતાની હાલત જોઈ ધ્રુસકે-ધ્રુસકે રડે છે. કરસન આ બધી જ વાત પર્વતસિંહને ફોન કરીને જણાવે છે. પર્વતસિંહ મારતી ગાડીએ તાત્કાલિક હોસ્પિટલ આવે છે. ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું. સુભાષની આ દુનિયામાંથી વિદાઈ થઈ ચૂકી હતી. એ વાતથી અજાણ અર્જુનનો ગુસ્સો હજુ યથાવત હતો.

પર્વતસિંહને જોઈ અર્જુન બોલે છે: “કાકા હજુ એ માણસોને સબક શિખવાડવાનું બાકી છે... તમે ચાલો મારી સાથે એ લોકોને જેલ ભેગા કરવાનાં બદલે આ દુનિયામાંથી વિદાય કરો...”

પર્વતસિંહ સટ્ટાક દઈ અર્જુનને થપ્પડ મારે છે. એનો કોલર પકડી બોલે છે: “બેટા તને ખબર પડે છે તેં શું કર્યું છે... તને કંઈ ભાન પડે છે... તારા હાથે શું થયું છે... આજે તેં માણસોને માર્યા હતા તેમાંથી ત્રણ માણસ ઓલરેડી મૃત્યુ પામ્યા છે... બીજા બે માણસો સીરીયસ છે... એ અનાથાશ્રમ કોનો છે? એના માલિક કોણ છે? એ કશું જાણ્યા વગર તું અને સુભાષ ત્યાં પહોંચી ગયા... તને એટલી ખબર છે કે સુભાષ પણ હવે આ દુનિયામાં નથી... તારે જેલમાં જવું પડશે... સાધનાભાભી અને વિક્રાંતનું શું થશે એ વિચાર કર્યો છે?” પર્વતસિંહ બન્ને હાથ માથા પર મૂકે છે: “તું સારો પોલીસ ઓફિસર બનાવને લાયક નથી... તારો ગુસ્સા ઉપર કંટ્રોલ નથી રહેતો... તેં બધું છિન્નભિન્ન, ખેદાનમેદાન કરી નાખ્યું... હજુ કોલેજનું પહેલું પગથિયું ચડ્યો નથી... અને જાતે ગુનેગારોને તારા હાથે સજા આપવાની વાતો કરે છે...”

પિતાનાં મૃત્યુનાં સમાચાર અને તેનાં હાથે ત્રણ માણસનાં ખૂન થયા છે તથા બે માણસ સીરીયસ છે, તે સાંભળી અર્જુનના હોશકોશ ઊડી ગયા હતા. અર્જુન બાઘાંની જેમ પર્વત સામે જુએ છે. પર્વતસિંહ સમયસૂચકતા વાપરી આગળનું કામ હાથ પર લે છે: “કરસન... તું અર્જુન અને સુભાષનો પાર્થિવ દેહ લઈ સીધા સ્મશાનમાં જવાની તૈયારી કર... બીજા હવાલદારને સાધનભાભી અને વિક્રાંતને લઈ તાત્કાલિક સ્મશાન આવવાનું કહે... હું પોલીસ કમિશનરને મળી સ્મશાન આવું છું...” અર્જુનનાં ખભા પર હાથ મૂકે છે: “બેટા, હું ના આવું ત્યાં સુધી કોઈ પગલું ભરતો નહીં...”

અર્જુન: “કાકા... પપ્પાને ઘરે તો લઈ જવા દો...”

પર્વતસિંહ: “બેટા... હવે એ ઘરે તું, ભાભી કે વિક્રાંત કોઈ જઇ શકશે નહીં... ત્યાં તમારા ત્રણેય માટે હવે ખતરો છે... હું તમારા ત્રણેયને કશું થશે તો મારી જાતને માફ નહીં કરી શકું... હું કહું છું એટલું કર...”

પર્વતસિંહ માટે વ્હાલસોયા મિત્રનાં મોતનાં સમાચાર ભાભીને કેવી રીતે આપશે તે દુવિધા હતી. સાથે મિત્રનાં દીકરાને પોતાનો દીકરો ગણ્યો હતો, એ દીકરાને સજાથી કેવી રીતે બચાવવો તે સંકટ હતું. પોલીસ કમિશનર સાથે પર્વત અને સુભાષને ખૂબ સારા સંબંધો હતા. પોલીસ કમિશનર સાથે બે કલાક જેવી ચર્ચા કર્યા બાદ ઘણાં નિર્ણય લેવાય છે. આ નિર્ણયથી બન્ને પરિવારની જિંદગી બદલાઈ જાય છે.”

વિશાલ થોડું રોકાય છે.: “સર... હજુ થોડું લખેલું ઉકેલવાનું બાકી છે... પણ હવે વાક્યો બની રહ્યા નથી... છેલ્લા પાનાં પર સોમવારે આપેલાં સરનામાં પર આવવાનું અને શુક્લાની ચોકીમાં સર્ટિફિકેટ મળી ગયા છે તે જણાવવાનું લખ્યું છે...”

કરણ બધું સાંભળી અવાચક થઈ ગયો હતો. એને સપનામાં પણ ખ્યાલ નહોતો કે અર્જુનનાં હાથે ત્રણ માણસનાં ખૂન થયા છે. પિતા સમાન કાકા એ દિવસે મૃત્યુ પામ્યા હતા. આટલી ભયંકર સ્થિતિ ઊભી થઈ હતી અને પોતાને એ વાતની દસ વર્ષ થયા પછી ખબર પડી. અર્જુન કેટલો એકલો થઈ ગયો હતો. જ્યારે તેને જરૂર હતી ત્યારે હું એની પાસે નહોતો. અનેક વિચારો એકસાથે કરણને આવે છે. વિશાલ એના જવાબની રાહ જોતો હતો એ પણ ભૂલી જાય છે.

કરણ: “વિશાલ... અત્યારે ફોન મૂક... પછી વાત કરીશું...”

વિશાલ સમજી જાય છે કે કરણનું દિલ અત્યારે આક્રંદ કરતું હતું. મિત્ર માટે કશું કરી શક્યો નથી એ વાત એના અંતરાત્માને દુ:ખી કરતી હતી.

કરણ દિલ પર હાથ મૂકી બોલે છે: “અર્જુન... એ વખતે હું કશું જાણતો નહોતો... આ વખતે એવું નહીં થાય... સોમવારે તને મળવા આવું છું... આપણે બન્ને વિક્કીને બહાર લાવીશું...”

ક્રમશ: