Case No. 369 Satya ni Shodh - 18 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 18

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”

ડો. હિના દરજી

પ્ર - ૧૮

સાધનાનાં ફોનમાંથી હોસ્પિટલની બહાર પાર્કિંગમાં ગાડીની અંદર એક સ્ત્રી અને પુરુષ આ વાતો સાંભળતા હતા. એ સ્ત્રી અને પુરુષ બીજું કોઇ નહીં પણ રાજુભાઇના ખબરી પાસે ફોન માંગ્યો હતો, તે સ્ત્રી તથા સાથે આવેલ પુરુષ હતાં. નીલિમાનો અવાજ સાંભળીને એ સ્ત્રી અને પુરુષ અત્યંત ખુશ થાય છે.

સંજય ખુશખબર કરણને msg કરે છે. એ સમયે કરણ મોબાઈલમાં પર્વતસિંહ અને રાજુની વાત સાંભળતો હતો. ઓડિયો રેકોર્ડિંગ સાંભળી કરણનું પોલીસ મગજ મોટાભાગની વાત સમજી ગયું. રાજુની નજરમાં અર્જુનને મૃત જાહેર કર્યો હતો. એના જીવિત હોવાની વાત બહાર આવી, અથવા છોકરીઓ અને બાળકો ઉપર થતો અત્યાચાર રોકવા માટે અર્જુન આગળ આવ્યો. અમદાવાદમાં અને મુંબઈ બન્ને જગ્યા પર અનાથાશ્રમમાં થતો અત્યાચાર જવાબદાર છે. એ જોગાનુજોગ છે કે રાજુ અને ખેંગાર વચ્ચે કોઈ સંબંધ છે? આ સવાલનો જવાબ કરણને જોઈતો હતો.

એ મોબાઈલમાં google search ઓપન કરે છે. એમાં ખેંગાર પરિવાર ટાઈપ કરે છે. દસ મિનિટની મહેનત પછી google પર એને અમુક માણસોનાં ફોટા, અનાથાશ્રમનાં નામ, શહેરનાં નામ, ટ્રસ્ટીઓનાં નામ દેખાય છે. બધાનાં નામ, સ્થળ અને સંબંધ વાંચી તેના ચહેરા પર એક વિજયી ચમક આવે છે. તેના મગજમાં બધું પિક્ચર ક્લિયર થાય છે. જે વાત જાણવા માટે અત્યાર સુધી અંધારામાં વલખાં મારતો હતો એ બધી ગુથ્થિ ઊકલી હતી. ખેંગાર અને રાજુનાં પરદાદા એક હતા. પરદાદાએ પરિવારનાં દાન કરવાનો રિવાજ આગળ વધાર્યો. સૌ પ્રથમ અમદાવાદનાં અનાથાશ્રમમાં દાન કરવાની શરૂઆત પરદાદાએ કરી હતી. પરદાદાને બે દીકરા હતા. મોટા દીકરાને અમદાવાદમાં રહેવાનું વધારે પસંદ આવતા એ અમદાવાદમાં સેટ થયો. મોટા દીકરાનો પૌત્ર રાજુ અને નાના દીકરાનો પૌત્ર ખેંગાર. આમ ખેંગાર અને રાજુ ત્રીજી પેઢીએ ભાઈ થાય. દસ વર્ષ પહેલાં અર્જુનનાં હાથે રાજુનાં ભાઇનું ખૂન થયું હતું. હવે અત્યારે ખેંગારનાં ભાઈ અંગારનું મોત એને બોલાવે છે.

મોટાભાગનાં કોયડા ઉકેલાયા પછી કરણ મનમાં બોલે છે, ‘ખેંગાર, રાજુ હવે તમારા લોકોની જન્મ-કુંડળી મારા હાથમાં આવી છે... તમારા જીવનનાં કયા ગ્રહો કયા ખૂણામાં બેઠા છે, તે બધું હવે મારે શોધવાનું છે... તમારા બન્નેની નવી જન્મ-કુંડળી બનાવવી પડશે… અંગારની પણ નવી જન્મ-કુંડળી બનાવવી છે... હવે મારાથી કોઈ રીતે તમે બચી શકો તેમ નથી...”

કરણ અસલી ગુનેગારોનાં નામ જાણી એમને પકડવા માટે ઉતાવળો થાય છે. એ જ વખતે ખેંગાર અને રાજુ બંધ ઓરડામાં નીલિમાને દવાખાનામાં મારી નાંખવાનું કામ કોને સોંપવું, એ ચર્ચા કરતાં હતા. જ્યારથી નીલિમા ભાનમાં આવવાની છે, એ જાણ્યું ત્યારથી દવાખાનામાં માણસોની સંખ્યા વધારી હતી. એક-એક મિનિટની વાત ખબરીઓ રાજુને આપતા હતા. નીલિમા કોર્ટમાં વિક્કીને નિર્દોશ બતાવે, તો અસલી બળાત્કારી કોણ છે એ સવાલ ઉભો થાય. કોર્ટ પોલિસને અસલી ગુનેગાર પકડવા માટે આદેશ આપે તો કરણ અને પર્વતસિંહ કોઇપણ સંજોગોમાં અંગારને કોર્ટમાં ધસડી લાવે. વિક્કી બહુ ચાલાકી વાપરી જેલમાં સલામત જગ્યાએ ગયો. કરણ કોઇનાં દબાવમાં આવશે નહીં. અંગાર સુધી કરણ પહોંચી ગયો તો પર્વતસિંહને મજબૂર કરાશે નહીં. અર્જુન કઇ ગુફામાં સંતાઇને બેઠો છે એ પકડમાં આવતો નથી. બાળકો પર દવાઓનું ગેરકાનૂની પરિક્ષણ થાય છે, તથા સ્ત્રીઓને જબરજસ્તી દેહવ્યાપાર કરવા માટે મજબૂર કરાય છે. આ બધી વાતો મહિલા અને બાળ સુરક્ષા વિભાગને ખબર પડે તો પણ કરણ સરકારની મદદ લઈ અંગારને સજા અપાવે. ખેંગાર અને રાજુએ એક ભાઈ ગુમાવ્યો હતો. બીજો ગુમાવવો નહોતો. બન્ને નાના ભાઈને બચાવવા અને અર્જુન તથા વિક્કી સાથે બદલો લેવા માટે ગમે તે હદ પાર કરવા તૈયાર હતા.

નીલિમા ભાનમાં આવી છે એ વાતથી વિક્કી, રોહિત અને પ્રતિક અજાણ હતા. સિંદે અને ખત્રી એ લોકો પાસે ગુનો કાબુલ કરાવવા માટે અનેક અત્યાચાર કરતાં હતા. ત્રણેય માર ખાઈ હસતાં એનાથી ખત્રીને વધારે ગુસ્સો આવતો. ખેંગારે કોઈપણ હિસાબે એ લોકો પાસે ગુનો કાબુલ કરાવવા માટે હુકમ આપ્યો હતો. એકવાર ગુનો કબૂલ થઈ ગયા પછી કોર્ટમાં સાબિત કરવાનું સહેલું થઈ જાય છે. ઉપરાંત નીલિમાનાં ખૂન થઈ ગયા પછી એ કોર્ટમાં સચ્ચાઈ બતાવવા માટે આવશે નહીં. અર્જુનને પણ ભાઈને બચાવવા માટે બહાર આવવું પડશે. એકસાથે બધી પરેશાનીઓથી છુટકારો મેળવવાનો પ્લાન ખેંગાર અને રાજુએ બનાવ્યો.

વિક્કી, રોહિત અને પ્રતિકને સજા અપાવી ખત્રી નામના મેળવવા માંગતો હતો. મશહૂર થવાની ઇચ્છાએ એને સાચું-ખોટું વિચારવાથી ભટકાવ્યો હતો. શુક્લાનું પણ એવું જ હતું. લાખો રૂપિયાની લાલચે પોલીસની અસલી કામગીરી ભૂલવાડી હતી. સિંદેએ પણ નોકરીમાં બહુ ઊકળ્યું નહોતું. એને પણ ઝડપથી પૈસા કમાવવા હતા અને પ્રમોશન જોઈતું હતું. પૈસાવાળાની ચાપલૂસી કર્યા વગર પૈસાદાર થવાતું નથી એવું માની શુક્લાની ઓફિસમાંજ રહેવા માટે સાહેબની ગુલામી કરતો. ખત્રી સાથે એ પણ વિક્કીને દંડાથી મારતો હતો.

શુકલાની પોલીસચોકીમાં વિક્કી, રોહિત અને પ્રતિકને બન્ને હાથ ઉપર રાખી બાંધ્યા હતા. સિંદે અને ખત્રી વારાફરતી ત્રણેયને દંડાથી ફટકારતાં હતા. ત્રણેયનાં બરડા, પેટ, હાથ, પગ દરેક જગ્યા પર દંડાનાં લાલ નિશાન પડ્યા હતા. સૌથી વધારે વિક્કીને માર્યો હતો. વિક્કીનાં હોઠ, નાકમાંથી લોહી આવતું હતું. લોહીથી એનો ચહેરો પૂરો ખરડાયો હતો. છતાં માર ખાઈ થાક્યો નહોતો. સિંદે અને ખત્રી સિગારેટ પીવા રોકાયા. ત્યારે વિક્કીએ બન્નેને અકળાવવાનો મોકો છોડ્યો નહીં.

વિક્કી ખત્રીને ઉશકેરવા બોલે છે: “ખત્રી, બસ ભ્રષ્ટ પોલીસમાં આટલું જ પાણી હોય છે? સાલા તું તો ખેંગારનાં આપેલા રૂપિયાનું પણ બરાબર કામ કરી શકતો નથી... પોલીસનો પગાર તો મફતમાં લે છે... ડફોળ જેવા કોઈને તો વફાદાર બનીને બતાય... બન્ને સાથે ગદ્દારી કરે છે... સિંદે તારા સાહેબને વફાદારી શિખવાડ... વફાદારીનો મતલબ પણ ખબર નહીં હોય...” વિક્રાંતનાં આગ લગાડતા વાક્યો ખત્રીને ઉપરથી નીચે સુધી દજાડે છે. એ દંડાનાં બદલે વિક્કીનાં પેટમાં લાત મારે છે. વિક્કીનું બેલેન્સ નથી રહેતું. એના હાથ ઉપરથી બંધાયેલા ના હોત તો એ જમીન પર આળોટતો હોત.

ખત્રી ફરી લાત મારે છે ત્યારે પ્રતિક બોલે છે: “વિક્કી લાગે છે આજે ખત્રી બૈરી જોડે લડીને આવ્યો છે... એની દાઝ તારા પાર કાઢે છે... સાલો ખેંગારનો ગુલામ...”

હવે સિંદે પોતાનો આપો ખોઈ બેસે છે. એ પ્રતિકને દંડાથી મારવા લાગે છે. ખત્રી ફરી લાત મારવાં પગ ઉપાડે છે ત્યારે વિક્કી જાણીજોઇ બે ડગલાં પાછળ કૂદે છે. એના હાથ ઉપરથી બંધાયેલા હોવાથી એ નીચે નથી પડતો પણ ખત્રી ધડામ સાથે નીચે પડે છે. સિંદે એને ઊભો કરવા જાય છે એટલે ત્રણેય મિત્રો ખડખડાટ હશે છે. ત્રણેયને હસતાં જોઈ સિંદે અને ખત્રી ફરી દંડાથી જોયા વગર ઊંધું ઘાલી મારવા લાગે છે. ત્રણેય મિત્રો ફરી હસવા લાગે છે.

વિક્કી: “એ ખત્રી... તારો આજે દંડા મારવાનો જે જુસ્સો છે એ જોઈ મને લાગે છે... મારી નીલું ભાનમાં આવી ગઈ છે... ખેંગારે ગમે તે રીતે અમારો ગુનો કબૂલ કરાવવા માટે તને ફરી પૈસાથી નવડાવ્યો છે... એટલે અત્યારે અમને મારી તું પરસેવે ન્હાય છે...”

ખત્રી અને સિંદે એકાએક અટકી એકબીજાનું મોઢું જુએ છે. નીલિમાનાં ભાનમાં આવવાની વાત વિક્કીને કેવી રીતે ખબર પડી એ બન્નેને ખબર પડતી નથી. બન્નેને અટકી ગયેલા જોઈ વિક્કી અટ્ટહાસ્ય કરે છે. “એ બબૂચક હું જે બોલ્યો એ સાચું છે કે ખોટું એ તો બોલ... કે બોલતી પણ બંધ થઈ છે તમારા બન્નેની...”

ખત્રી અને સિંદે કશું બોલ્યા વગર કોટડીની બહાર આવે છે. વિક્કી બન્ને મિત્રો સામે જોઈ બોલે છે: “દોસ્તો... હવે ખરાખરીનો ખેલ જામશે... ખરી હિંમત હવે બતાવવાનો સમય આવશે...”

***

રાતનાં એક વાગે નીલિમાનાં રૂમની બહાર શાંતિ પથરાઈ હતી. પરંતુ એ શાંતિમાં અજીબ પ્રકારનો અજંપો હતો. કરણે સંજયને રાત્રે હોસ્પિટલમાં રહેવા માટે msg કર્યો હતો એટલે એ ફરીથી નીલિમાની બાજુવાળા રૂમમાં સંતાઈને બેઠો હતો. એ રૂમમાં હજીપણ કોઈ પેશન્ટ આવ્યું નહોતું એ સંજય માટે સારી વાત હતી. કરણનાં કહેવા પ્રમાણે આજે રાત્રે નીલિમા પર હુમલો થવાની શક્યતા હતી. પર્વતસિંહે પણ શંકરને ફોન કરી નીલિમાની રક્ષા કરવા માટે કહ્યું હતું. શંકર હોસ્પિટલમાં નીલિમાનો રૂમ દેખાય એ રીતે બાંકડા પર સૂવાનું નાટક કરતો હતો. કરણનાં કહેવાથી સંજય અને પર્વતસિંહનાં કહેવાથી શંકર હોસ્પીટલમાં સુરક્ષિત જગ્યાએ તૈયાર હોય છે. બાપ અને દીકરો બન્ને અણબનાવનું અનુમાન લગાવતા હતા. નીલિમાને બચાવવા માટે સૂચના આપતા હતા પણ બન્ને અજાણ હતા કે આજની રાત નીલિમા માટે નહીં પણ ઘણાંબધાં માટે બહુ ખતરનાક સાબિત થવાની હતી. સંજય અને શંકર નહોતા જાણતા આજની રાત કેવું તોફાન લાવવાની છે. રાજુ અને ખેંગારે બે માણસોને નીલિમાને માર્યા વગર આવશો તો મોત મળશે કહી મોકલ્યા હતા. એ લોકો માટે નીલિમાની હત્યા કરવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો.

સંજય પહેલેથી જ સાવધાન હતો. જ્યારથી ડોક્ટરે નીલિમા ભાનમાં આવી શકે છે, એવું કહ્યું હતું ત્યારથી તેના રૂમની બહાર અવર-જવર વધી હતી એ નોટિસ કર્યું હતું. સંજયે બન્ને રૂમ વચ્ચેનો દરવાજો બે ઇંચ જેટલો ખુલ્લો રાખ્યો હતો. એ ગેપમાંથી નીલિમાનો બેડ આરામથી દેખાતો હતો. ખતરાથી અજાણ નીલિમા શાંતિથી સૂતી હતી. બાજુમાં સોફા પર હંસા અને ખુરશી પર કિશોર સૂતો હતો. દરવાજાની બહાર બે હવાલદાર જોકા ખાતા હતા. સહેજ પણ અવાજ થાય એટલે સંજય બારીમાંથી બહાર હવાલદારને જોઈ લેતો.

સંજયને થોડો અવાજ સંભળાય છે એટલે બારીની બહાર નજર કરે છે. બે માણસો બન્ને હવાલદારનાં મોઢા પર કપડું દબાવી બેભાન કરે છે. બન્ને હવાલદારને ખુરશી પર સાચવીને અવાજ ના થાય એ રીતે બેસાડે છે. સંજયને ખબર પડી જાય છે કે એ લોકો નીલિમા પર હુમલો કરવા આવ્યા છે. સંજય થેલામાંથી બંદૂક કાઢી નીલિમાનાં રૂમમાં જવા પગ ઉપાડે છે, ત્યાં ફરીથી એને બહાર થોડો અવાજ સંભળાય છે.

ક્રમશ: