Case No. 369 Satya ni Shodh - 19 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - 19

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”

ડો. હિના દરજી

પ્રકરણ - ૧૯

સંજયને થોડો અવાજ સંભળાય છે એટલે બારીની બહાર નજર કરે છે. બે માણસો બન્ને હવાલદારનાં મોઢા પર કપડું દબાવી બેભાન કરે છે. બન્ને હવાલદારને ખુરશી પર સાચવીને અવાજ ના થાય એ રીતે બેસાડે છે. સંજયને ખબર પડી જાય છે કે એ લોકો નીલિમા પર હુમલો કરવા આવ્યા છે. સંજય થેલામાંથી બંદૂક કાઢી નીલિમાનાં રૂમમાં જવા પગ ઉપાડે છે, ત્યાં ફરીથી એને બહાર થોડો અવાજ સંભળાય છે.

બહારનું દ્રશ્ય જોઈ સંજયનું મોઢું ખુલ્લુ થઈ જાય છે. જે બે માણસોએ હવાલદારો પર હુમલો કર્યો હતો એ બે માણસો ઉપર બીજા બે વ્યક્તિએ એટેક કર્યો હતો. અચરજ વાળી વાત એ હતી કે નવા આવેલા વ્યક્તિઓએ બુરખા પહેર્યા હતા. બુરખાવાળા બન્ને વ્યક્તિએ ખૂબ સાવચેતી અને આરામથી માણસોનું માથું હાથ વચ્ચે દબાવી રાખ્યું. હાથની પકડ એટલી મજબૂત હતી કે હવાલદારને બેભાન કરનારા બન્ને માણસો ખુદ બેભાન થાય છે. બુરખાધારીમાં એક પુરુષ અને એક સ્ત્રી હતા એ સંજય સમજી જાય છે. બુરખાવાળા વ્યક્તિઓ આજુબાજુ નજર કરે છે. લોબીમાં દૂર બાંકડા પર અન્ય માણસો સૂતા હતા. કોઈનું ધ્યાન આ બનાવ પર નથી ગયું એની ખાતરી કરે છે. બન્નેને થોડે દૂર બાંકડા પર ઢસડીને લઈ જાય છે અને બેસાડે છે. પોતે બીજા બાંકડા પર બેસે છે.

સંજય મોઢું ફાડીને જોતો રહી ગયો. શું થાય છે એ ખબર પડતી નહોતી. નીલિમાનાં રૂમમાં જઇ જુએ છે, બધા શાંતિથી સૂતા હતા. કોઈને ખબર પડી નહીં કે નીલિમા પર હુમલો કરવા માટે બે માણસો આવ્યા હતા. એ માણસોને બીજા બે બુરખાધારી એમાં પણ એક સ્ત્રી અને એક પુરુષે બેભાન કર્યા. સંજયને અંદાજ આવ્યો કે એ લોકો નીલિમાની રક્ષા કરવા માટે આવ્યા છે. ફરી નવા આશ્ચર્યકારક બે વ્યક્તિ સામે આવ્યા હતા. ફરી એકવાર પ્રશ્ન ઊભો થયો કે એ બન્ને કોણ છે.

બુરખાવાળા સ્ત્રી અને પુરુષ સાથે વાત કરવી કે નહીં સંજય વિચારે છે. નીલિમાની મદદ કરે છે તો વાત કરી શકાય એવું વિચારી એ રૂમનો દરવાજો ખોલે છે. દૂરથી બીજા ત્રણ માણસને આવતા જોઈ એ ફરી રૂમમાં જાય છે. ત્રણેય માણસોનાં હાથમાં પાતળી, લાંબી દોરીઓ હતી. એ ત્રણ માણસો પર બુરખાવાળા સ્ત્રી અને પુરુષની નજર પડે છે. સંજય સમજી જાય છે, એ ત્રણ માણસો નીલિમા માટે આવ્યા છે. સંજયને લાગ્યું એ લોકો નીલિમાનાં રૂમમાં આવશે. એ અંદરના દરવાજા પાસે જઈ બંદૂક કાઢી સાવધ થઈ રૂભો રહે છે.

ત્રણ નવા આવેલા માણસોએ બુરખાવાળા લોકોને એમના સાથીદારને બેભાન કરતાં જોયા હતા. એ લોકો નીલિમાનાં રૂમ તરફ આવવાના બદલે બુરખાવાળા સ્ત્રી અને પુરુષ પર હુમલો કરે છે. સંજય અને બુરખાવાળા વ્યક્તિઓ વિચારતા હતા કોઈનું ધ્યાન એ લોકો પર નથી, પરંતુ એ લોકો ખોટા હતા. બીજા લોકોનું ધ્યાન પણ બનેલા બનાવ પર હતું.

બુરખાવાળા વ્યક્તિઓ સમજે એ પહેલા ત્રણે માણસો ફૂલ સ્પીડથી એ લોકોના પેટમાં લાત મારે છે. એક માણસ સ્ત્રીનાં ગળામાં દોરી વીંટાળી ખેંચવા લાગે છે. બીજો માણસ પુરુષનાં પગ પકડી દોરીથી બાંધે છે. એ વખતે ત્રીજો માણસ પુરુષનાં પેટમાં બન્ને હાથથી મુક્કીઓ મારે છે. મુક્કીનાં મારનાં કારણે પુરુષ પગ બંધાતા રોકી શકતો નથી. પગ બંધાઈ જાય છે એટલે ત્રીજો માણસ પુરુષનાં હાથ પાછળ લઇજઇ દોરીથી ફિટ બાંધે છે. પુરુષનાં હાથ-પગ બંધાઈ જાય છે. પુરુષને મુક્કીઓનાં મારથી ધવા વળે છે એટલે એ બન્ને માણસોની પકડમાંથી ઊછળીને કૂદે છે. કુદવાથી એ દૂર પડે છે. પગ બંધાયેલા હોવાથી એ ઝડપથી ઊભો થઈ શકતો નથી. એક માણસ લાતો મારે છે અને બીજો માણસ મોઢા પર બુટ મૂકી દબાવે છે. હાથ અને પગ બંધાઈ ગયા હતા. બુરખો પહેરેલો હોવાથી હલનચલન કરવામાં તકલીફ હતી ઉપરથી મોઢા પર બુટ આવ્યો હતો.

બુરખાનાં કારણે સ્ત્રીને ફાયદો થયો હતો. ગળામાં દોરીની પકડ મજબૂત થઈ નહોતી. હુમલો કરનાર માણસ સ્ત્રીની પાછળથી દોરી ખેંચતો હતો. સ્ત્રીએ માણસનાં હાથમાં લાંબા ધારદાર નખથી ઉજરડા પડ્યા. માણસનાં હાથમાં લોહી ફૂટયું અને બળતરા થઈ એનાથી દોરીની પકડ થોડી ઢીલી થાય છે. સ્ત્રી વિલંબ કર્યા વગર પગ પાછળ લઈ જઈ માણસનાં પગમાં ભરાવી આગળ ખેંચે છે. માણસ પાછળની તરફ ઉંધા માથે પડે છે. સ્ત્રી બુરખો ઊંચો કરી માણસનાં પેટમાં ઉપરછાપરી પાંચ મુક્કી મારે છે. માણસ બેવડ વળે છે.

સ્ત્રી પુરુષને મદદ કરવા આવે છે ત્યાં સુધી પુરુષે પગની દોરી ખોલી નાંખી હતી. પગ આગળ ઉભેલા માણસને સ્ત્રી બરડામાં જોરદાર લાત મારે છે. એ માણસ પુરુષ પર બુટ રાખી ઊભો હતો એના પર પડે છે. પુરુષ પાછળથી હાથ ઊંચા કરી આગળ લાવે છે. દાંતની મદદથી દોરી છોડે છે. ઉતાવળમાં બાંધેલી દોરીની ગાંઠ મજબૂત ના હોવાથી એ ઝડપથી ખૂલી જાય છે. પુરુષ બુટવાળા માણસને લાત મારે છે એ તેના પગમાં વાગે છે, તે નીચે પડે છે. બીજો માણસ ઊભો થાય છે એના હાથ સ્ત્રી દોરીથી બાંધે છે. ત્યાં સુધી સ્ત્રીનું ગળું દબાવ્યું હતું એ માણસ ઊભો થઈ સ્ત્રી આગળ આવે છે. પુરુષ એક સાથે બન્ને માણસને બગલથી દબાવે છે.

થોડી જ ક્ષણોમાં ખેલ થયો હતો. પહેલાં ત્રણ માણસો સ્ત્રી અને પુરુષ પર ભારે પડ્યા અને થોડી ક્ષણોમાં સ્ત્રી અને પુરુષ એ લોકો પર ભારે પડે છે. પુરુષની હાથની પકડ બહુ મજબૂત હતી એનાથી બન્ને માણસોને શ્વાસ લેવામાં તકલીફ થવાથી તેઓ બેભાન થાય છે. સ્ત્રી ત્રીજા માણસનાં પેટમાં મુક્કીઓ મારી અધમૂઓ કરે છે. એ નીચે જમીન પર ફસડાય છે. સ્ત્રી બહુ સહેલાઇથી ગળામાં ઊભો હાથ મારે છે એ માણસ પણ બેભાન થાય છે.

સંજય આ ખેલ જોઈ સ્ત્રી અને પુરુષની હિંમત અને કરામતનાં મનોમન વખાણ કરે છે. સંજય સાથે બીજી એક વ્યક્તિ પણ બન્નેનાં કામથી ખુશ થાય છે. સંજય મદદ કરવા માટે બહાર આવ્યો હતો પણ એની મદદ વગર બન્નેએ ત્રણેયને હરાવ્યા હતા. સ્ત્રી અને પુરુષનાં ચહેરા જોઈ સંજયને આશ્ચર્ય થતું નથી. સવારે જે સ્ત્રી અને પુરુષે રાજુનો નંબર લાવી આપવામાં મદદ કરી હતી એ જ સ્ત્રી અને પુરુષ હતા. એ ત્રણેય બેભાન થયેલા ત્રણેય ગુંડાઓને બાંકડા પર બેસાડે છે. સંજયને તરત સવાલ થાય છે આ સ્ત્રી અને પુરુષ નીલિમાની રક્ષા કેમ કરે છે?

એ જ વખતે બીજી વ્યક્તિ જે બધુ જોઈ ખુશ થયા હતા તે એ લોકોની પાછળ આવે છે. એ શંકર હતો. શંકરને જોઈ સંજય જવા લાગે છે. જ્યારે સ્ત્રી અને પુરુષ એને પગે લાગે છે. પહેલા શંકર બન્નેને ગળે લગાડે છે. થોડીવાર પછી શંકર પુરુષને લાફો મારે છે: “તું અહિયાં આવ્યો છે? આ વર્તન મને અને સરને બન્નેને ગમ્યું નથી... નીલિમાની સુરક્ષા શું તું એકલો જ કરી શકે એમ છે? અમે લોકો અહિયાં જખ મારીએ છે?”

પુરુષ કશું બોલ્યા વગર શંકર સામે અદબ વાળી ઊભો રહે છે. શંકર: “હવે તારી ઠાવકાઈ રહેવા દે... નીલિમાની રૂમની બાજુવાળો રૂમ મેં ખાલી રખાવ્યો હતો... ત્યાં આવી ઈમરજન્સીમાં હું રોકાવાનો હતો... ત્યાં સંજયે જગ્યા પચાવી પાડી... તું બુરખો પહેરી આવી ગયો... તમે બે મિત્રો મને અને સરને શાંતિનો શ્વાસ ક્યારે લેવા દેશો? રીયા તું પણ આ નાલાયકની સાથે દોડી આવી... મુરખાઓ આ કરી તમે જીતી ગયા નથી... હજી પણ ખતરો ટળ્યો નથી...”

થોડીવાર કોઈ શબ્દ બોલતા નથી. સંજય આ વાતો સાંભળી ચક્કર ખાઈ ગયો. શંકરની વાતો પરથી સંજય પુરુષને ઓળખવાની મથામણમાં પડે છે. વિક્રાંતનાં કહેવા પ્રમાણે અર્જુન આ દુનિયામાં નહોતો. જે માહિતી મળી હતી એના પ્રમાણે અર્જુન મૃત્યુ પામ્યો છે અને વિરેન અસ્તિત્વ ધરાવે છે. એની સામે બીજું કોઈ નહીં પણ અર્જુન ઊભો હતો. નીલિમાની રક્ષા કરવા માટે આવેલ પુરુષ બીજો કોઇ નહીં પણ અર્જુન હતો. અર્જુનને જોઈ સંજય ખુશ થાય છે. પાંચ માણસોને ધૂળ ચટાડી અર્જુન અને રીયા વિચારે છે હવે કોઈ ખતરો નથી. હંસા અને કિશોર હજીપણ બધી વાતથી અજાણ હતા. એકમાત્ર શંકર ખતરો સાચે ટળ્યો કે નથી ટળ્યો એ વિચારતો હતો.

એ બધા નીલિમાનાં રૂમમાં જાય છે. અવાજ થવાથી કિશોર જાગે છે. પહેલા એ ગભરાય છે પણ બુરખામાં અર્જુન અને રિયાને જોઈ નિશ્ચિંત થાય છે. શંકર દરવાજો બંધ કરતાં પહેલા બહાર બધુ ચેક કરે છે. શંકરને બધી સાવચેતી રખાતો જોઈ સંજયને પણ ખતરાનાં ભણકારા વાગે છે. શંકર આંખથી ઈશારો કરી અર્જુનને બોલાવે છે. બન્ને થોડી વાતચીત કરી કોઈ નિર્ણય લે છે. અર્જુન ધીમેથી હંસાને ઉઠાડે છે. હંસા અને કિશોરને સમજાવી નીલિમાને વ્હીલચેર પર બેસાડે છે. ઘેનની અસરનાં કારણે નીલિમાને હજું ભાન નહોતું. નીલિમા પર હુમલો થાય તો બચવાની તૈયારી કરી હતી. નીલિમા, હંસા અને કિશોરને બાજુનાં રૂમમાં મોકલે છે.

બધા એક સાથે નીલિમાની રૂમમાં આવ્યા તે બહુ મોટી ભૂલ બનવાની હતી. કિસ્મત આજે અંગારની તરફ હતી. કોઈ એક વ્યક્તિ બહાર રોકાયો હોત તો બહાર શું ચાલી રહ્યું છે એ સમજી શકાત. રૂમની અંદર બધા સાવચેતીનાં પગલાં લે એ પહેલા ખેંગારનાં બીજા ત્રણ માણસો ત્યાં આવી પહોંચે છે. પાંચ માણસો જે બેભાન થયા હતા એમના ઉપર બોટલથી પાણી રેડે છે. પાંચમાંથી ત્રણ માણસોને થોડો હોશ આવે છે. એક મિનિટની અંદર બધા માણસો ભાનમાં આવી જાય છે.

હવે એ આઠ માણસ હતા. જ્યારે અંદર શંકર, સંજય, અર્જુન અને રીયા ચાર લોકો હતા. હંસા, કિશોર અને નીલિમાની સાથે પોતાની સુરક્ષા પણ કરવાની હતી. એ માણસોને ખબર પડે કે બુરખામાં અર્જુન છે તો વધારે ખતરો ઊભો થવાનો હતો. આ બધી વાતોનો અણસાર દરેકનાં મગજમાં આવ્યો હતો. જો નીલિમાને કઇં થાય તો વિક્રાંતને સજાથી બચાવવાનું લગભગ અશક્ય થઈ જાય.

નીલિમાને બાજુની રૂમમાં લાવી બન્ને રૂમનાં દરવાજા સજ્જડ બંધ કરવામાં આવે છે. શંકરનો અનુભવ અણસાર આપે છે કે બહાર બીજા માણસો આવી ગયા છે. બારીનાં પડદામાંથી એ ખાતરી કરે છે. ત્યારે પાંચ માણસ ટોળું વળી ચર્ચા કરતાં હતા. બધાં જાણતા હતા રાજુ અને ખેંગાર કોઈપણ સંજોગોમાં નીલિમાને જીવતી નહીં રહેવા દે, કારણકે જો નીલિમા જીવતી રહી તો અંગાર જેલ ભેગો થશે.

અર્જુન બહુ થોડા શબ્દોમાં સંજયને પરિસ્થિતી સમજાવે છે. નીલિમા પર બળાત્કાર કરનાર બીજું કોઈ નહીં પણ અંગાર છે. ઉપરાંત નીલિમા અને વિક્કી પાસે અનાથાશ્રમનાં બાળકો પર ગેરકાનૂની પરીક્ષણ કરવામાં આવે છે એના પુરાવા પણ છે.

ક્રમશ: