Case No. 369 Satya ni Shodh - 20 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - 20

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”

ડો. હિના દરજી

પ્રકરણ – ૨૦

અર્જુન બહુ થોડા શબ્દોમાં સંજયને પરિસ્થિતી સમજાવે છે. નીલિમા પર બળાત્કાર કરનાર બીજું કોઈ નહીં પણ અંગાર છે. ઉપરાંત નીલિમા અને વિક્કી પાસે અનાથાશ્રમનાં બાળકો પર ગેરકાનૂની પરીક્ષણ કરવામાં આવે છે એના પુરાવા પણ છે.

સંજય બધી સ્થિતિ સમજી જાય છે. એ ખૂબ ઝડપથી મોબાઈલમાં મેસેજ ટાઈપ કરે છે. અર્જુન અને રીયા બુરખા કાઢી હંસા અને કિશોરને પહેરાવે છે. શંકર સાઈડમાં સ્ટેચર હતું એની નીચે નીલિમાને સુવાડે છે. સ્ટેચરનું કપડું ચારેબાજુથી સરખું કરે છે જેથી નીચે દેખાય નહીં. સ્ટેચર ઉપર હંસા સૂઈ જાય છે. શંકર બહાર નીકળતી વખતે માથાથી લઈ પગ સુધી ઓઢવાનું સમજાવે છે. રીયા, હંસા અને કિશોરને અર્જુન કોઈપણ સંજોગોમાં બહાર જવાનું છે એ કહે છે.

સંજયનો મેસેજ થઈ જાય છે એટલે એ ત્યાં શંકરે પહેલેથી મુકવેલા વોર્ડબોયનાં કપડાં પહેરે છે. રીયા નર્સનાં કપડાં પહેરે છે. સંજય બહાર શું થઈ રહ્યું છે એ પડદો ખસેડી જોવે છે. ત્યારે ત્યાં બે માણસ દેખાય છે. બીજા બધા સંતાઈ ગયા હતા. બીજા લોકો ક્યાં સંતાયા છે એ સંજય શોધે છે. દૂર બાંકડા પર બે માણસ તથા સામેની લોબીના બાંકડા પર બે માણસ દેખાય છે. બીજા બે માણસ દેખાતા નથી. એ શંકર અને અર્જુનને કહે છે.

શંકર: “બે નહીં, આંઠ નહીં... કદાચ બીજા માણસો પણ હોય શકે છે... દવાખાનામાં આવવા-જવાના રસ્તા પર પણ કોઈ માણસો હશે... અર્જુન, બહુ કપરી સ્થિતિ આવી છે... આપણે બન્ને આહિયાં રોકાઈશુ... સંજય તું સ્ટેચર લઈ આ દરવાજાથી બહાર નીકળશે... બાજુમાં લિફ્ટ છે સીધા એમાં જઇ બેસમેંટમાં જવાનું છે... બેસમેંટની લિફ્ટની જમણી બાજુ ૮૫૪૦ નંબરની એમ્બ્યુલન્સ હશે એમાં જવાનું છે અને શાંતિથી એમાં બેસી રહેવાનું છે... સવાર સુધી ત્યાં બેસી રહેવું પડશે... જ્યારે સવારમાં બીજી એમ્બ્યુલન્સની અવર-જવર ચાલું થાય ત્યારે બહાર નીકળવાંનું છે...”

રીયા: “અને કોઈ અમને લીફ્ટમાં બેસતા જોઈ જાય તો?”

શંકર: “ગુડ ક્વેસ્ચન બેટા... અહિયાંથી લિફ્ટમાં બેસતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ તમને જોવે નહીં... દરવાજા અને લિફ્ટ વચ્ચે માત્ર દસ ફૂટનું અંતર છે... જો તમને કોઈ જોઈ જાય તો તમારે ગ્રાઉંડ ફ્લોર પર જવાનું અને લિફ્ટની ડાબી બાજું જ્યાં અત્યારે આપણે ઊભા છીએ એ જગ્યાએ ICU છે ત્યાં જવાનું...”

કિશોર થોડો ગભરાઈ ગયો હતો. : “ICUમાં કેમ જવાનું છે?”

અર્જુન ધીમા હાસ્ય સાથે બોલે છે. : “અંકલ... એ ICUમાં કાકાએ સંતાવાની વ્યવસ્થા કરી હશે?” બોલી અર્જુન આસ્તે શંકર સામે જોવે છે.

અર્જુનનો કાન પકડી શંકર બોલે છે: “નાલાયક... તારા લીધે મારે અને સરને બધુ કરવું પડે છે... તું એકલો દુનિયાભરનો ઠેકો લઈને બેસે છે... ઘરનાં અને બહારનાં બધાને મુશ્કેલીમાં મૂકે છે...”

અર્જુન ફરી એકવાર શંકરને પગે લાગે છે. : “સોરી કાકા... પણ તમે મારા પારકી પણોજણ પોતાના માથે લઈ લેવાની આદતથી નારાજ છો... પણ ગુસ્સે નથી એ વાત સાબિત કરે છે કે હું ખોટો નથી...”

શંકર હવે અર્જુનની પીઠ થાબડે છે: “બેટા... પારકી પણોજણ કોઈ વાર મોટી મુશ્કેલીમાં મૂકે છે એ હજુ પણ તું સમજવા તૈયાર નથી... હશે અત્યારે તો આપણે નીલિમાને બહાર લઈ જવાની છે... ICUમાં અંદર જઇ એક ખૂણામાં સ્ટેચર મૂકી તમારે બધાએ એક-એક પેશન્ટનાં પલંગ આગળ જઇ બેસી જવાનું... ICUમાં કોઈ સગાને રહેવા દેતાં નથી... પણ મારે ડોક્ટર સાથે ગોઠાવણ થઈ ગઈ છે... એ તમને લોકોને અડધો કલાક અંદર રહેવા દેશે... એ અડધા કલાકમાં તમારે ICUનાં બન્ને દરવાજાની બહાર કોઈ ના હોય ત્યારે સાવચેતી રાખી નીકળવાનું રહેશે... કોઈને કોઈ સવાલ છે...”

હંસા અત્યાર સુધી ચૂપ રહી બધુ સાંભળતી હતી. એને દીકરીની ચિંતા હતી એ સ્પષ્ટ દેખાતું હતું. શંકર એની પાસે જાય છે: “હંસાબેન... તમારી દીકરીને કશું નહીં થાય... એને ઊંઘની દવા આપવા માટે મેં જ કહ્યું હતું... એને અત્યારે આરામની વધારે જરૂર છે... એ એકવાર સાજી થઈ જાય પછી એને પણ આ રીયાની જેમ ફાઇટર બનાવવાની જવાબદારી મારી છે...”

ત્યાં લાગણીસભર દ્રશ્ય સર્જાયું હતું પણ સંજયનું પૂરું ધ્યાન બારીની બહાર હતું. નીલિમાનાં રૂમની બહાર બીજા બે માણસ આવી દરવાજો તોડવા માટે તૈયાર હતા. સંજય તરત સ્ટેચર આગળ આવે છે. આંખથી બહાર માણસ તૈયાર છે એ કહે છે. અર્જુન દરવાજો ખોલે છે. બાજુની રૂમનો દરવાજો ખૂલે છે એટલે બહાર ઉભેલા ચાર માણસો વાત કરવા લાગે છે. રીયા હાથમાં બાટલો પકડે છે. સંજય સ્ટેચર ખેંચી બહાર આવે છે. કિશોર બુરખો સરખો કરતો રિયાની પાછળ ચાલવા લાગે છે. રીયા અને સંજય બહું ઝડપથી પણ સાવધ રહી લિફ્ટ પાસે આવે છે. ઉપરથી બન્ને રાજુનાં માણસોમાંથી કોનું ધ્યાન એમના તરફ છે એ પણ તીરછી નજર સાથે ધ્યાન રાખે છે.

લિફ્ટ આવે છે એટલે પહેલાં કિશોર અંદર જાય છે. પછી રીયા અંદર આવી સ્ટેચર ખેંચે છે. સંજય સ્ટેચરને ધક્કો મારતો અંદર જાય છે. લિફ્ટમાં જતી વખતે કિશોરનાં બુટ એક ક્ષણ માટે બહાર દેખાયા હતા એ સામેની લોબીમાં ઉભેલા માણસને દેખાય છે. પહેલાં તો એને બુટ નહીં પણ બીજું કઈ હશે એવું લાગે છે. સંજયને પણ સામેની લોબીમાં ઉભેલા માણસે કશુક જોયું છે એવું લાગે છે. રીયા સામે જોઈ બેસમેંટનું બટન દબાવે છે.

સંજય વિચારે છે એ માણસ કઈ સમજે એ પહેલાં એ લોકો બેસમેંટની એમ્બુલન્સમાં પહોંચી જશે. પણ એ એની ભૂલ હતી. જે માણસે કિશોરનો બુટ જોયો હતો એ થોડો ચબરાક હતો. એ તરત રૂમની બહાર ઉભેલા માણસને ફોન કરી લિફ્ટ ક્યાં જાય છે એ જોવાનું કહે છે.

ફોન પર વાત કરતો માણસ ગિન્નાય છે: “તું બધાનો બાપ ના થઈશ... તું કહે એમ અમારે કરવાનું છે... તું ત્યાં ચૂપચાપ મર... અમને અમારું કામ કરવા દે...” ફોન કટ કરી બબડે છે: ‘સાલો હારામજાદો એની જાતને જાસૂસ સમજે છે.’

માણસ બબડતો હતો એ બાજુનો માણસ સાંભળે છે. બીજો માણસ સામે જુએ છે ત્યારે સામે વાળો માણસ દોડી લિફ્ટ સુધી આવી ગયો હતો. બીજો માણસ ફોનવાળા માણસને પૂછે છે: “કાળિયા, પેલો લિફ્ટ સુધી કેમ આવ્યો? શું કહેતો હતો તને?”

ફોનવાળો: “એ સાલો મને કહે છે... લિફ્ટ ક્યાં જાય છે એ ચેક કર... એ મારો સાહેબ નથી તો મારે એનું કહ્યું સાંભળવું...”

બીજો માણસ ફોનવાળા માણસ પર ગુસ્સે થાય છે: “સાલા મૂરખા... એ કઇંક વિચારીને તને કહેતો હશે... જો એ લિફ્ટ સુધી દોડી આવ્યો...”

રૂમની અંદર શંકર અને અર્જુન આ વાત સાંભળે છે. બન્નેને કોઈ મુસીબત આવવાનો શક થાય છે.

લિફ્ટ બેસમેંટમાં ઊભી રહે છે તે સામેવાળા માણસને ખબર પડે છે. એ માણસ બીજા કોઈને ફોન લગાવે છે: “એક લિફ્ટ બેસમેંટમાં આવી છે... ત્યાં જલ્દી પહોંચી જા...”

શંકર અને અર્જુન આ વાત પણ સાંભળે છે. અર્જુન તરત દરવાજાનું હેન્ડલ પકડે છે. શંકર એને રોકે છે. શંકર આંગળી મોઢા પર મૂકી ચૂપ રહેવા જણાવે છે. અર્જુન અકળાય છે. એને આવા મુસીબતનાં સમયમાં હાથ પર હાથ મૂકવાની આદત નહોતી. એ કશું બોલે એ પહેલાં શંકર દરવાજો ખોલી બહાર જાય છે અને દરવાજો બહારથી બંધ કરે છે. અર્જુનને કલ્પના પણ નહોતી કે એને રોકનાર કાકા જાતે બહાર જતાં રહેશે અને એને બહાર આવતા રોકશે. એ બારીનો પડદો ખોલી જોવે છે. દરેક માણસનાં હાથમાં લોંખડનાં નાના-નાના હથિયાર હોય છે. એક માણસનાં હાથમાં લાંબી છરી પણ દેખાય છે. અર્જુનને પોતાના પર ગુસ્સો આવે છે. કાકાએ હાથ પકડ્યો એ વખતે હાથ છોડાવી પોતે બહાર જવાની જરૂર હતી એમ બોલે છે.

ત્યાં સુધી લિફ્ટવાળો માણસ આવી ગયો હતો એટલે પાંચ માણસ ભેગા થયા હતા. શંકરને જોઇ એક માણસ ફોન કરે છે: “સાહેબ... લાગે છે પેલી છોકરીને પર્વતનાં કુતરાએ ભગાડી છે... એ કુતરો મારી સામે ઊભો છે... તમે કહો તો એને પહેલો ખતમ કરી નંખું...”

શંકર એ માણસનાં હાથમાંથી ફોન ઝૂંટવે છે.: “રાજુ... બહું મોટી ભૂલ કરે છે તું... તારે અને ખેંગારે એ છોકરી ઉપર હાથ નહોતો નાંખવાનો... એકવાર અંગારે ભૂલ કરી... બીજી ભૂલ તમે બન્ને ભાઈઓ કરો છો...”

શંકર હજુ બોલતો હતો પણ એક માણસે ફોન પાછો લઈ લીધો અને બીજા માણસે શંકરનાં માથામાં નાનો દંડો માર્યો. શંકર આવા નાના મારથી હાલે એવો નહોતો. શંકરે બચાવમાં એક માણસનું માથું બિંબ સાથે અથડાવ્યું. બીજા માણસને પૂરી તાકાતથી ધક્કો માર્યો, એ માણસનું માથું લોંખંડનાં બાંકડા સાથે અથડાયું. ત્રીજા માણસનાં પેટમાં લાત મારી, એ માણસ પણ ચાર ફૂટ દૂર પાછળ જઈ નીચે પટકાયો. ચોથા માણસને પંચ મારવા માટે હાથ ઊંચો કરે છે, પણ એ માણસ ચેતી ગયો હતો. ચોથો માણસ ઝડપથી બે ડગલાં પાછળ જાય છે એટલે શંકર બેલેન્સ ગુમાવી જમીન પર પટકાય છે. પાંચમો માણસ શંકરની પીઠ પર બેસી બરડા પર મુક્કી મારવા લાગે છે. ચોથો માણસ આવી શંકરનાં માથામાં હથોડી મારે છે. શંકરનાં માથામાંથી લોહી નીકળવાં લાગે છે.

શંકરનું લોહી જોઈ અર્જુન બરાડે છે: “ઓય... કાકાને છોડી દે...”

અર્જુનનો અવાજ સાંભળી પાંચેય રૂમ તરફ નજર કરે છે. અર્જુન બારી ખોલી ફરી બોલે છે: “તાકાત હોય તો મારી સાથે લડીને બતાવો... કાકાને છોડી દે...”

એક માણસ રૂમનો દરવાજો ખોલે છે. અર્જુન બહાર આવી એક માણસનાં પેટમાં જોરદાર પંચ મારે છે. બીજા માણસને મારે એ પહેલાં હથોડીવાળો માણસ ફરી શંકરને હથોડી મારે છે. અર્જુન હથોડીવાળા પાસે જવા પગ ઉપાડે છે. એક માણસ અર્જુનનાં પગમાં લોખંડની નાની પાઇપ મારે છે. અર્જુન લથડિયું ખાય છે પણ નીચે પડતો નથી.

અર્જુન ફરી કોઈને મારે એ પહેલાં પાઇપવાળો માણસ બોલે છે: “તું અમને મારીશ એટલીવાર આ પર્વતનાં કુતરાને માથામાં હથોડી પડશે...”

અર્જુન જુએ છે તો હથોડીવાળાએ ફરી એક ઘા કર્યો હતો. શંકરને હથોડીનાં મારથી બચાવવા માટે અર્જુન અટકી જાય છે.

જે માણસે પહેલાં ફોન કર્યો હતો એ ફરી ફોન કરે છે અને સ્પીકર ચાલું કરે છે: “સર... પર્વતનાં કુતરા સાથે તમારો જાની દુશ્મન પણ આ હોસ્પિટલમાં સંતાઈને બેઠો છે...”

રાજુ: “મને ખબર હતી પર્વત બીમાર થવાનું નાટક કરી હોસ્પિટલમાં સંતયો છે... એ સાલા અર્જુનને પકડી મારી સામે લાવો... અને ખતમ કરી નાંખો શંકરને... જો શંકર જીવતો રહ્યો તો તમે બધાં મારા હાથે મરશો... બીજી એક વાત પેલી છોકરીને પણ લઈને આવજો... નહિતો તમારી ખેર નથી...”

ક્રમશ: