Our Excellencies - Part 12 - Lord Dattatreya (Part 2) in Gujarati Biography by Mrs. Snehal Rajan Jani books and stories PDF | આપણાં મહાનુભાવો - ભાગ 12 - ભગવાન દત્તાત્રેય (ભાગ 2)

આપણાં મહાનુભાવો - ભાગ 12 - ભગવાન દત્તાત્રેય (ભાગ 2)

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો.
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.


ભગવાન દત્તાત્રેય વિશે વધુ માહિતી જોતાં....

ભગવાન દત્તાત્રેયનાં મંદિરો:-

વલસાડ જીલ્લામાં:-
મહારાષ્ટ્રના બ્રાહ્ણણ પરિવારના પરમ પૂજ્ય અનસૂયામાજી એ તેમના પુત્ર અને શિષ્ય ગુરૂદાસ સ્વામીજી સાથે બે વખત સમગ્ર ભારતની પદયાત્રા કરી. પરમ પૂજ્ય અનસૂયામાતાજી તેમના જીવનના શરૂઆતના તબક્કાથી જ ભગવાન દત્તાત્રેયના પ્રખર અનુયાયી હતા. શ્રી દત્ત ભગવાનના આશિર્વાદથી તેમણે ત્રણ વખત કન્યાકુમારીથી હિમાલય સુધીની પદયાત્રા કરી. તેમણે જંગલોમાં વર્ષો સુધી "શ્રી દત્ત ઉપાસના" કરી. ભગવાન દત્તાત્રેયએ તેમની "ભક્તિ"થી પ્રસન્ન થઈ તેમને દર્શન દીધા અને તેમને વલસાડમાં એક જગ્યા બતાવી અને તેમને અહીં દત્તપીઠની સ્થાપના કરવા અને સ્થાયી થવા કહ્યું. પરમ પૂજ્ય માતાજી અને સ્વામીજીએ પરમ પૂજ્ય અનસૂયા માતાજી ચેરિટેબલ ટ્રસ્ટની નોંધણી કરાવી અને ભગવાન શ્રી દત્તાના ભવ્ય મંદીરનું નિર્માણ કરાવ્યું.

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના વલસાડ શહેરથી સાત કિલોમીટર અને ધરમપૂર રોડ હાઈવેથી ત્રણ કિલોમીટર દૂર, પથરી ગામમાં વાંકી નદીના સ્વચ્છ અને શાંત કુદરતી વાતાવરણની વચ્ચે ભગવાન દત્તાત્રેયનું સુંદર મંદીર આવેલું છે. લીલીછમ હરિયાળીની વચ્ચે અને વાંકી નદીના સ્ત્રાવ વિસ્તારમાં આવેલું આ મંદીર ભક્તિભાવવાળા અને ધાર્મિક તરંગોની અનુભૂતિ કરાવે છે. અહીં એકદમ શાંતિ અને દિવ્યતા પ્રવર્તે છે.

શ્રી દત્ત પીઠ વાંકી નદી પાસેની સાત એકર જમીન પર આવેલું છે. તેને "વિશ્રામ સ્થળ" તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણકે તે સિદ્ધકશ્રેષ્ઠ ગંગાપુરથી 700 કિલોમીટર અને પથરી થી ગીરનાર (દત્તપ્રભૂની પાદૂકા)ના 700 કિલોમીટરના અંતર પર આવેલું છે. કારવીર પીઠના શંકરાચાર્ય દ્વારા આ મંદીરનું ઉદ્ઘાટન અને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવ્યા હતા. ગંગાપુરના વિદ્વાન બ્રાહ્યણો દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો.

કર્ણાટકમાં:-
ઉત્તર કર્ણાટકના ગુરબર્ગા જિલ્લામાં ભીમ નદીના કિનારે ગંગાપુર શહેર આવેલું છે, જ્યાં દત્તાત્રેય મૂર્ત સ્વરૂપને પામ્યા હોવાનું કહેવામાં આવે છે.બેલગામના શ્રી વિશ્વનાથ કેશવ કુલકર્ણી-હટ્ટારવટકર દ્વારા લખવામાં આવેલા પત્રો અને લેખોમાંથી આ માહિતી લેવામાં આવી છે. તેઓ કર્ણાટકની દત્ત-પરંપરાના નિષ્ણાતોમાંથી એક છે. પાસે આવેલા મહારાષ્ટ્ર રાજ્યમાં દત્તાત્રેય પરંપરા ખૂબ સમૃદ્ધ છે. વાસ્તવમાં ગુરૂચરિત્રકાર શ્રી સરસ્વતી ગંગાધર ખુદ કન્નડ હતા. તેમના સિવાય અસંખ્ય શિષ્યો અને દત્તાત્રેય ભક્તો ઉત્તર કર્ણાટકનાં હતા. કેટલાક વિખ્યાત નામોમાં શ્રીધરસ્વામી, કેડગાંવના નારાયણમહારાજ, સાધોઘાટના સિદ્ધેશ્વર મહારાજ, હુબલીના સિદ્ધારૂદ્ધ સ્વામી વગેરે છે.

દત્તાત્રેયની પૂજા પર શ્રીપંતમહારાજ બેલકુંદરીકરએ પણ કન્નડ ભાષામાં અનેક કવિતાઓ લખી છે. બોરગાંવ, ચિકોડી, સદ્દાલ્ગા, લેલકુંદરી, શાહપુર, નિપાની, હુબલી, હંગલ ધારવડ વગેરે જેવા સ્થળો પર દત્તાત્રેય મંદીરો અને કેટલાક સ્થળો પર નરસિંહાના મંદીરો આવેલા છે. જેમને દત્તાત્રેયના અવતાર માનવામાં આવે છે. વાસ્તવમાં એવું લાગે છે કે, શ્રી નરસિંહા સરસ્વતી અને તેમના કેટલાક શિષ્યો દત્તાત્રેયના આ સ્વરૂપની પૂજા કરતા હતા. મૈસૂરના છેલ્લા મહારાજા મહામહિમ્ન જયચામારાજો વોદિયાર બહાદૂરએ અંગ્રેજીમાં દત્તાત્રેય: ધ વે એન્ડ ધ ગોલ લખ્યું છે. અંતિમ પ્રકરણ અ ક્રિટીકલ એસ્ટિમેટ ઓફ ધ ફિલોસોફી ઓફ દત્તાત્રેય છે, જેમાં દત્તાત્રેય તત્વચિંતન અને કામને વિસ્તારથી વર્ણવવામાં આવ્યા છે.

આંધ્રપ્રદેશમાં:-
દત્તાત્રેયના પ્રથમ અવતાર, શ્રી શ્રીપાદ શ્રીવલ્લભ આંધ્રપ્રદેશના પીઠપૂરમનાં હતા. હાલ મહારાષ્ટ્રમાં આવેલું માતાપુર કે મહુર પહેલાનાં સમયમાં તેલંગાણાનો ભાગ હતું. મહુર મંદિરનાં વડાને દત્તાત્રેય યોગી તરીકે ઓળખવામાં આવે છે.

1550 સીઈ (CE)ની આસપાસ દત્તાત્રેય યોગીએ તેમના શિષ્ય દાસ ગોસાવીને મરાઠીમાં દત્તાત્રેય તત્વચિંતન સમજાવ્યું. પછી ગોસાવીએ તેમના બે તેલુગુ શિષ્યો ગોપાલભટ્ટ અને સર્વવેદને આ તત્વચિંતન શીખવ્યું, જેમણે દાસ ગોસાવીના પુસ્તક વેદાંતાવ્યવહારસંગ્રહ નો અભ્યાસ કર્યો અને તેલુગુ ભાષામાં તેનો અનુવાદ કર્યો. પ્રૉ. આર. સી. ધીરેના મતે દત્તાત્રેય યોગી અને દાસ ગોસાવી તેલુગુની દત્તાત્રેય પરંપરના મૂળ ગુરુ છે. પ્રૉ. રાવ નોંધે છે કે, દત્તાત્રેય સત્તકામુ પરમાનંદ તિર્થે લખ્યું છે, જેમણે પણ દત્તાત્રેયની તેલુગુ પરંપરામાં એટલું જ મહત્વનું પ્રદાન આપ્યું છે. તેઓ અદ્વૈત તત્વચિંતનના હિમાયતી હતા. તેમણે પોતાના બે મહાકાવ્યો અનુભવદરપણમૂ અને શિવદનયનયાનમંજરી ને અર્પણ કર્યા છે. નિજશિવગુણયોગી દ્વારા તેમના વિખ્યાત પુસ્તક વિવેકચિંતામણિ નો કન્નડમાં અનુવાદ કરવામાં આવ્યો હતો અને લિંગાયત સંત શાંતલિંગાસ્વામીએ તેનો મરાઠીમાં તરજૂમો કર્યો હતો.

ધર્મપુરીમાં:-
ગોદાવરી નદીનાં કિનારા પર કરીમનગર જીલ્લામાં ધર્મપુરી ગામ આવેલું છે. ત્યાં ગોદાવરી નદીના કિનારા પર એક દત્તાત્રેય મંદીર આવેલું છે. ગોદાવરી નદીના સમગ્ર માર્ગમાં આ એકમાત્ર એવું સ્થળ છે કે જ્યાં ગોદાવરી નદી ઉત્તર થી દક્ષિણ તરફ વહે છે જ્યારે નદીનો મુખ્ય પ્રવાહ પશ્ચિમથી ઉત્તર તરફનો છે. હજુ ત્રણ દાયકા અગાઉ પણ આ શહેરના બ્રાહ્યણો નદીમાં સ્નાન કરતા હતા. તેઓ પહેલા દત્તાત્રેય મંદીરના દર્શન કરતા અને પછી જ શહેરના અન્ય મંદીરોમાં જતા હતા. ધર્મપૂરીએ દરેક શેરીના ખૂણા પર આવેલા નાના નાના મંદીરોથી ભરપૂર શહેર છે. અહીંના ઘરો બે થી ત્રણ સદીઓ પુરાણાં છે, જેમાં વૈદિક બ્રાહ્મણો રહે છે અને તેમને વેદોનું ઊંડું જ્ઞાન છે.

તમિલનાડુમાં:-
આ મંદીર વિશે વધુ માહિતી પ્રાપ્ત થઈ શકી નથી, પરંતુ આ મંદિરમાં દત્ત ભગવાનની 25 મુખવાળી મૂર્તિ છે અને દરેક મુખ અલગ અલગ ભાવો પ્રગટ કરે છે. એનો ફોટો અહીં રજુ કરેલ છે.

ભગવાન દત્તાત્રેયે પોતાનાં જીવનમાં અનેક ગુરુઓ કર્યા હતાં. જેમની પાસેથી જે શીખવા મળ્યું તે ગ્રહણ કર્યું. તેમનાં કહેવા મુજબ જેની પાસેથી જે ગુણ શીખવા મળ્યા તે ગ્રહણ કર્યા. જોઈએ તેમનાં ચોવીસ ગુરુઓ વિશે.

1. પૃથ્વી:-
ભગવાન દત્તાત્રેયનાં પ્રથમ ગુરુ પૃથ્વી છે. પૃથ્વી પાસેથી તેઓ સહનશીલતા શીખ્યા. ગમે તેવા અનિષ્ટ પદાર્થો પોતાનાં પર ફેંકવામાં આવે તો પણ ક્રોધ ન કરવો. એક માતા તરીકે સૌનું પાલનપોષણ કરવું. પોતાની શક્તિ પ્રમાણે પૃથ્વી દરેક પ્રાણીમાત્ર અને વનસ્પતિઓનું પોષણ કરે છે. દરેકની યથાયોગ્ય સેવા કરવી એવું શીખ્યા.

2. પાણી:-
પાણી સિંચન કરે છે અને દરેકની સાથે ભળી જાય છે, છતાં તે પોતાનાં ગુણ નથી છોડતું. ગંદકી વહાવીને સ્થાન ચોખ્ખું કરે છે, વનસ્પતિનું અને અન્ય સજીવોનું પોષણ કરે છે, છતાંય અભિમાન કર્યા વગર નિર્લેપ રહે છે. આપણે પણ કોઈને મદદ કર્યા પછી એનાં પર ઉપકાર કર્યો હોય એવો ભાવ મનમાં ન લાવવો.

3. આકાશ:-
આકાશની જેમ તેઓ સર્વ વ્યાપ્ત છે. એનો કોઈ આકાર નથી અને એક જ જગ્યાએ પ્રાણરૂપે છે. અગ્નિ, પૃથ્વી, જળ વગેરે હોવાં છતાં મેઘ ધારણ કર્યો છે અને પૃથ્વીનું પોષણ કરે છે.

4. વાયુ:-
વાયુ બધે વ્યાપ્ત છે, છતાં નિર્લેપ છે, વિરક્ત છે. ક્ષમા અને વૈરાગ્ય તેનાં પરમ ગુણ છે. તમામ સજીવમાત્રને પ્રાણવાયુ આપી જીવન આપે છે.

5. અગ્નિ:-
અગ્નિમાં તપશ્ચર્ય અને પ્રદીપ્તનો ગુણ છે. જે કંઈ પણ મળે તેનું સુખેથી મિશ્રણ કરવું અને ક્યાંય લિપ્ત ન થવું. ક્યારેક ગુપ્ત રહેવું અને ક્યારેક પ્રગટ થઈ પોતાનાં ગુણો પ્રગટ કરવા.

6. ચંદ્ર:-
ચંદ્ર એક જ મહિનામાં પંદર દિવસ વધતો જાય છે અને પંદર દિવસ ઘટતો જાય છે. દરેક નક્ષત્રમાં ભ્રમણ કરે છે. વૃદ્ધિ અને ક્ષયમાં પણ શાંત અને શીતળ જ રહે છે. આત્મા અલિપ્ત છે અને ચંદ્ર એનો સાક્ષી છે. દેહવિકાર ન કરવો એવું દત્તાત્રેય ચંદ્ર પાસે શીખ્યા.

7. સૂર્ય:-
સૂર્ય સર્વત્ર વ્યાપ્ત છે. તેનું પ્રતિબિંબ પણ બધે જ વ્યાપ્ત છે. એ પાણીમાં પડે તો ચલિત દેખાય છે, પાણી હરતું ફરતું લાગે છે. દેશ, કાળ વગેરેમાં કાળનું સાતત્ય હોવાં છતાં સૂર્ય બધાંથી અલિપ્ત રહે છે. કોઈની પણ સાથે દ્વેષભાવ રાખતો નથી. પોતાનો નિત્યક્રમ જાળવી રાખે છે.

8. કરોળિયો:-
કરોળિયો લાળ વડે જાળ ગુંથે છે અને પોતે જ એમા ફસાય છે. તે સત્વ, રજસ અને તમો ગુણથી મુકત થઈને વિચરે છે. કરોળિયો પોતાનાં મનોરથ, વાસના વગેરેની માયા થકી જાળનું ગુંથણ કરે છે અને અંતે તેનો સંહાર કરે છે. કરોળિયો પોતે વ્યાપક છે, બધાને જ ગુંથી લેશે એવા મોહમાં રાચે છે, જે એનો ભ્રમ છે. મારા જેવું બીજું કોઈ નથી - એવા ભ્રમમાંથી બહાર આવવા દત્તાત્રેય ભગવાને કરોળિયાને ગુરુ બનાવ્યા હતા.

9. પતંગિયું:-
ભલે પતંગિયું પોતે દેખાવમાં આકર્ષક હોય, પરંતુ દીવાની જ્યોત જોતાં જ તેનાં પર મોહિત થઈને એમાં પોતાનું સર્વસ્વ હોમી દે છે. અંતે મૃત્યુને ભેટે છે. આવો જ સમર્પણભાવ રાખી પોતાની આત્માને પરમાત્માને સોંપી દેવા માટેની શીખ પતંગિયા પાસેથી મળે છે. પરમાત્માને મેળવવા માટે શરીર અને મોહનો ત્યાગ કરવાની પ્રેરણા પતંગિયા પાસેથી મેળવી એને પણ દત્તાત્રેય ભગવાને ગુરુનું પદ આપ્યું.

10. સમુદ્ર:-
સમુદ્ર પોતે શાંત છે અને બધાને પોતાનામાં સમાવે છે. ભરતી અને ઓટ બંનેને એકસમાન ન્યાય આપે છે. અનેક કિંમતી રત્નો તેનાં પેટાળમાં સમાયેલા છે. આટલી બધી સંપત્તિ ધરાવતો હોવાં છતાં પણ એ પોતે તો શાંત જ રહે છે. ખૂબ જ ઊંડો હોવાં છતાં પોતાનો ભેદ કોઈને કહેતો નથી. આમ, પોતાની મહત્તાનાં ગુણગાન ન કરવાનું શીખવે છે.

11. મધમાખી - ભમરો:-
આ બંને કમળ પર બેસે છે. કમળના પરાગથી ભમરો એમાં કેદ થાય છે અને મધમાખી ઘણાં બધાં ફૂલો પર બેસીને તેમનો રસ ચૂસી મધ બનાવે છે. એ પોતે મધનું સેવન કરતી નથી. એ તો મધ બીજા માટે બનાવે છે. આમ, ભમરા પાસેથી મોહમાં કેદ ન થવું જોઈએ અને મધમાખી પાસેથી નિઃસ્વાર્થભાવે સેવા કરવી જોઈએ એવું શીખવા મળે છે.

12. મધુહારક:-
મધુહારક એટલે મધપૂડામાંથી મધ મેળવનાર. આપણે જાણીએ જ છીએ કે મધપૂડામાંથી મધ મેળવવું કેટલું મુશ્કેલ છે! મધુહારક એ શીખવે છે કે પોતાનું લક્ષ્ય મેળવવા જે પણ કંઈ કષ્ટ પડે તે સહન કરવું. ધુમાડાથી પોતાની આંખોમાં બળતરા થાય છે તે સહન કરવું.

13. હાથી:-
હાથી મદોન્મત અને અજય છે. હાથણી સિવાય કોઈને વશ થતો નથી. પારકી હાથણી સાથે વાસના અને પ્રેમ મોહનાં કારણે એ બીજા હાથી સાથે લડે છે. ક્યારેક આ જંગ ખૂંખાર બની જાય છે અને કોઈ એક હાથી પોતાનો જીવ ગુમાવે છે. ટૂંકમાં, હાથીની આ વાસના શીખવે છે કે પારકી સ્ત્રીને પામવા માટે બીજા સાથે ઝગડો કરી પોતાનો જીવ જોખમમાં મૂકવો નહીં, કારણ કે વાસના અને મોહનો કોઈ જ અંત નથી. આવા દુર્ગુણોનો ત્યાગ જ કરવો પડે.

14. મૃગ:-
કસ્તુરી મૃગ તેની નાભિમાંથી નીકળતી સુગંધને લીધે પ્રખ્યાત છે. ગાયન સાંભળતાં જ તે મંત્રમુગ્ધ થઈ જાય છે અને પોતાનું સર્વસ્વ ગુમાવી દે છે. એની આ જ બાબતનો લાભ લઈ કેટલાંક શિકારીઓ થોડાં સંગીત અને ગાયનનાં બળે તેને વશ કરી મારી નાંખે છે અને તેની કસ્તુરી લઈ લે છે. આમ, તેની પાસે મોહમાં ન ફસાવવાનું શીખવે છે.

15. ભમરી:-
તે મશરૂમની જેમ માટીનું ઘર બનાવી તેમાં અન્ય જીવજંતુઓનો સંગ્રહ કરે છે. જરુર પડ્યે આ જ જંતુઓને ડંખ મારીને મારી નાંખે છે અને ખાઈ જાય છે. પોતાનાં સ્વાર્થ ખાતર બીજાનો જીવ લેવો એ યોગ્ય નથી. આવા દુર્ગુણમાંથી મુકત થવાનું અને સંગ્રહખોર ન બનવું એવું આ ભમરી પાસે શીખી શકાય.

16. માછલી:-
માછલી પોતાની મરજીથી પાણીમાં રહે છે, વાયુની જેમ પાણીમાં ગતિ કરે છે. દરિયામાં પુષ્કળ ખોરાક હોવાં છતાં માછીમારે નાખેલ જાળમાં રહેલ ખોરાકથી આકર્ષાય છે અને મોતને ભેટે છે. આથી જ આવી લાલચ આપનારી વાસનામાં ન ફસાવું જોઈએ એવું આ માછલી શીખવે છે.

17. અજગર:-
કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર એ એક જ જગ્યાએ પડ્યો રહે છે. હંમેશા નિજાનંદમાં વ્યસ્ત હોય છે. એને પોતાનાં બળ પર ભરોસો છે. આથી પૂરા વિશ્વાસથી એ એક જ જગ્યાએ પડી રહેવાનું સાહસ કરી શકે છે. એને ખોરાક ન મળે તો ભૂખ્યો પડી રહે છે, પણ લાલચમાં ફસાતો નથી. હંમેશા જાગૃત રહે છે. આથી નિજાનંદમાં રહેવું, લાલચમાં ન ફસાવું, પોતાનાં પર ભરોસો રાખવો અને હંમેશા આસપાસની પરિસ્થિતી પ્રત્યે જાગૃત રહેવું એ આ અજગર શીખવે છે.

18. સરકાર(શિકાર કરતો વાઘ):-
શિકાર કરતી વખતે વાઘનું ધ્યાન સંપૂર્ણપણે એનાં શિકાર પર જ હોય છે. આમ, લક્ષ્ય પ્રત્યે એકાગ્રતા જાળવવાનું વાઘ પાસેથી શીખવા મળે છે.

19. બાળક:-
એક નાનું બાળક હંમેશા નિજાનંદમાં મસ્ત રહે છે. તેનાં મનમાં કોઈનાં પ્રત્યે દ્વેષભાવ હોતો નથી. બાળક માટે સારુ નરસું, માન અપમાન બધું એકસમાન જ હોય છે. એ પળવારમાં માફી આપી દે છે. માતા પિતાની તુલના એકસમાન જ કરે છે. એની પાસેથી નિર્દોષતા અને કપટરહિત જીવન જીવવાનું શીખવા મળે છે.

20. કુમારી કંકણ:-
કુમારીનાં કંકણો હાથમાં રણકે છે. જ્યારે એ ઘરમાં ડાંગર છણે છે ત્યારે બંને કંકણ અથડાય છે અને મધુર ધ્વનિ ઉત્પન્ન કરે છે. ખાંડેલ ડાંગરને પ્રેમથી રાંધીને જમાડે છે. બંને કંકણ સાથે રહે છે છતાં કોઈ પણ દ્વેષભાવ વગર મધુર ધ્વનિ કરે છે. આ જ બાબત કંકણ પાસેથી શીખવાની છે કે કેવી રીતે સાથે રહેવું.

21. સર્પ:-
સર્પ ક્યારેક એક સ્થાને પડ્યો નથી. એ હંમેશા વિચરતો રહે છે. એ જયાં રહે છે ત્યાં મોજથી રહે છે. એ ક્યાં પહોંચશે તેની એને ચિંતા નથી. પ્રમાદમાં આવી જઈને કોઈ પણ ખોટું કામ કરતો નથી. જયાં સુધી એને છંછેડો નહીં ત્યાં સુધી એ કોઈને નુકસાન પહોંચાડતો નથી. વગર કારણે કોઈનાં પર ગુસ્સો ન કરવો એ સાપ પાસેથી શીખવા મળે છે.

22. ગણિકા:-
જે સ્ત્રી કોઈ એક પુરુષ સાથે લગ્ન નથી કરતી અને અનેક પુરુષો સાથે ફરે છે એને ગણિકા કહે છે. એની પોતાની કોઈ ઈજ્જત હોતી નથી. નૃત્ય કે ગાયન કે પછી અન્ય કોઈ પણ રીતે એ પરપુરુષને પોતાનાં વશમાં કરીને પોતાનું સર્વસ્વ ગુમાવે છે. ગમે એટલું ભોગવવા છતાં ક્યારેય તૃપ્ત નથી થતી. ગણિકા પાસેથી શીખવા મળે છે કે દ્રવ્ય કે લોભ માટે ક્યારેય ઈજ્જત ગુમાવવી નહીં.

23. કપોત(પક્ષીવિશેષ):-
જંગલમાં માળો બાંધીને રહે છે. તે ક્યારેય પોતાનાં પરિવારથી અલગ થતાં નથી. ક્ષુધા, તૃષા બધું છોડીને પણ આનંદમાં રહી શકે છે. મૃત્યુ ક્યારે આવશે એની પરવા કર્યા વિના પોતાનાં પરિવાર સાથે જ રહે છે. પોતાનાં બાળકોનું પાલનપોષણ કરવું એ જ તેનું ધ્યેય હોય છે. તે કદી પરિવારનો ત્યાગ કરતો નથી. આમ, કપોત પાસેથી પરિવારભાવના શીખવા મળે છે.

24. શ્વાન:-
દત્તાત્રેય ભગવાનની આસપાસ હંમેશા ચાર શ્વાન દેખાય છે. આ ચારેય શ્વાન ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું પ્રતિક છે. સંસારમાં રહેતાં દરેકને આ ચાર બાબતોનું જ્ઞાન હોવું જરૂરી છે. કર્મનાં બંધનમાં ન બંધાઈને તેમ જ ચારે બાજુનું જ્ઞાન મેળવીને મનુષ્ય પોતાને મુક્તિમાર્ગે લઈ જઈ શકે છે.

જીવનમાં ગુરુની એક ખાસ વિશેષતા છે. ગુરુ વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી. જ્ઞાન મેળવવા કોઈને ને કોઈને ગુરુ બનાવવા જ પડે છે. એકલવ્યનું ઉદાહરણ આપણી પાસે છે જ. કર્ણએ પણ પરશુરામને ગુરુ બનાવ્યા હતા અને આ માટે એણે જૂઠું પણ બોલવું પડયું હતું. આથી જ ભગવાન દત્તાત્રેય જે સ્વયં ભગવાનના અવતાર હતા, તેમણે પણ પોતાનાં જીવનમાં ગુરુ કર્યા હતા, તે પણ ચોવીસ.

નારેશ્વર, ગિરનાર, ગરુડેશ્વર, લીંચ, ગંગણાપુર, નરસિંહ વાડો, કુરવપુર, અક્કલકોટ, ઔદુમ્બર, કાંરજા, માહુર વગેરે ભગવાન દત્તાત્રેયનાં મુખ્ય સ્થાનકો છે.

જીવનમાં કંઈક શીખો અને જેની પાસે શીખો એને ગુરુ બનાવો એ જ જીવનનો મંત્ર હોવો જોઈએ. આ સાથે જ હું અહીં વિરમું છું.

ગુરુદેવ દત્ત🙏

નોંધ:- આ આખો લેખ ઈન્ટરનેટના વિવિધ વેબપેજની મદદથી તૈયાર કરેલ હોવાથી ભૂલચૂક બદલ ક્ષમાયાચના અર્ચુ છું.

Rate & Review

Darshan Kalathiya
અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi
Mahendra R. Amin

Mahendra R. Amin Matrubharti Verified 2 years ago

અત્યંત સુંદર માહિતી. પ્રાપ્ત કરાવવા બદવ અભિનંદન ્

Mrs. Snehal Rajan Jani

ગુરુદેવ દત્ત🙏🙏🙏

Balkrishna patel

Balkrishna patel 2 years ago

Share