Case No 369 Satyani Shodh - 22 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર ૩૬૯ સત્યની શોધ - 22

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”
ડો. હિના દરજી
પ્રકરણ - ૨૨

રિયા સમય ગુમાવ્યા વગર તરત જ એમ્બ્યુલન્સની ડ્રાઈવર સીટ પર બેસે છે. નવા આવેલા ચાર માણસો એમ્બ્યુલન્સને રોકવા માટે રસ્તા વચ્ચે ઊભા રહે છે. રિયા એક માણસને હડફેટ મારી ગાડી બહાર નીકળવાનાં ઢાળ પર લઈ લે છે.
એમ્બ્યુલન્સ દેખાતી બંધ થાય છે એટલે સંજયને થોડી હાશ થાય છે પણ એ હાશકારો માત્ર બે ક્ષણ માટે હોય છે. રાજુનાં માણસોની ગાડી બેઝમેંટમાં નહોતી. નવા આવેલા ચાર માણસોમાંથી એક સંજય સાથે લડી રહેલા માણસોની મદદે જાય છે. બીજા ત્રણ માણસો ઝડપથી ગ્રાઉંડ ફ્લોર પર મૂકેલી ગાડી પાસે જાય છે.
હવે સંજયને ચાર માણસોથી બચવાનું હતું. એને આવડતી હતી એ બધી તરકીબોની મદદ લઈ હવે એ થાક્યો હતો. એકસાથે ચાર માણસોએ ગડદાપાટું શરૂ કર્યું. એનાથી એના બરડા અને પગમાં અસહ્ય દુ:ખાવો શરૂ થયો. અર્જુન ત્યાં આવે છે અને સંજયને ચાર માણસો ઘેરી મારતા હતા એ જોવે છે. એમ્બ્યુલન્સ અને બીજા કોઈ દેખાતા નથી એટલે એ સમજી જાય છે કે રિયા બધાને લઈ નીકળી ગઈ છે.
અર્જુન ફૂલ સ્પીડમાં સંજયને બચાવવા માટે દોડે છે. એક માણસની બોચી પકડી બાજુમાં ઊભેલી ગાડીનાં કાચમાં માથું પછાડે છે. માથું જોરથી અથડાવાથી ગાડીનો કાચ તૂટે છે અને ગાડીની સાઇરન વાગવા લાગે છે. સાઇરન વાગવાથી સિક્યુરિટીનાં બે માણસો બેઝમેંટમાં ચેક કરવા આવે છે. સિક્યુરિટીનાં માણસો જોઈ રાજુનાં માણસો પલાયન થાય છે. અર્જુનની આ બચાવ કરવાની રીત સંજય બે ઘડી જોતો રહ્યો. થોડીવાર માટે એના શરીરનો બધો દુ:ખાવો શાંત થઈ ગયો. કોઇની ગાડીને નુકસાન ના થાય એનું ધ્યાન રાખી એ લડતો હતો, પણ એને આવી બુધ્ધિ નહોતી સૂજી કે ગાડીનો કાચ તૂટવાથી સાઇરન વાગે અને ગાડીને વધારે નુકસાન પણ ના થાય. સંજયને ટેકો આપી અર્જુન લિફ્ટમાં લઈ જાય છે.
અર્જુન: “સંજય, મારે રિયાની મદદે જવું પડશે... તું સીધો ડોક્ટર પાસે જજે... કરણને મારા આપેલા સરનામે આવવાનું કહેજે... અને વિશાલને શુક્લાની ઓફિસમાં જવાનું કહેજે...” સંજયનાં ખભા પર હાથ મૂકે છે: “સંજય, કાકા ભાનમાં આવે એટલે મેં માફી માંગી છે એમ કહેજે...” સંજય સમજે એ પહેલાં લિફ્ટ ગ્રાઉંડ ફ્લોર પર ઊભી રહેતા અર્જુન બહાર જતો રહે છે.
હોસ્પિટલ ચાર રસ્તા પર આવેલી હતી. ચાર રસ્તામાંથી ગમે તે રસ્તો આરામથી પકડી શકાય એમ હતો. રિયા બેઝમેંટમાંથી બહાર આવી ચાર રસ્તામાંથી એકપણ રસ્તો પકડતી નથી. હોસ્પિટલનાં ઈમરજન્સી ગેટની બહાર હમેશાં ત્રણ-ચાર એમ્બ્યુલન્સ ઊભેલી રહેતી. રિયા પણ ઈમરજન્સી ગેટની બહાર ઊભેલી એમ્બ્યુલન્સની લાઇનમાં ૮૫૪૦ નંબરની એમ્બ્યુલન્સ ઊભી કરે છે. એ જાણતી હતી એની ગાડીની પાછળ રાજુનાં માણસો આવશે. એ કેટલા લોકો છે અને કેટલી ગાડીઓ એમની પાસે છે એ ખબર નહોતી. જો એકપણ માણસ નીલિમાને જોઈ જાય તો મુશ્કેલી ફરી પાછી આવે. રિયાની ધારણા પ્રમાણે રાજુનાં માણસો હોસ્પિટલની બહાર મૂકેલી ગાડીઓ તરફ આવે છે.
એક માણસ ફોન કરી કોઇની સાથે વાત કરે છે. બીજો માણસ ગાડી કાઢે છે. વાત પુરી થાય છે એટલે ત્રણેય માણસો ગાડીમાં એમ્બ્યુલન્સ શોધવા નીકળે છે. થોડીવાર પછી બીજા ત્રણ માણસો બીજી ગાડી લઈ બીજા રસ્તા પર જાય છે. બન્ને ગાડીમાં બેઠેલા લોકોમાંથી કોઇની નજર ઇમરજન્સી ગેટની બહાર ઉભી રાખેલી નીલિમાની એમ્બ્યુલન્સ પર પડતી નથી. રિયાએ ત્યાં ઉભા રહી એક ચાન્સ લીધો હતો. જો કોઇની નજર પડત તો કોણ જીવતું રહેતું અને કોણ મૃત્યુ પામતું એ તો સમય જ બતાવત. પરંતુ રિયાનું લીધેલુ જોખમ અત્યારે એ લોકો માટે આશીર્વાદ સમાન તથા સાચા ગુનેગારો માટે મુશ્કેલીમાં વધારો કરનાર બન્યું હતું.
બન્ને ગાડી ગયા પછી ક્યાં જવું એ રિયા વિચારતી હતી ત્યાં એ અર્જુનને જોવે છે. અર્જુન અને રિયા બન્નેએ નક્કી કર્યું હતું કે કોઈ મુશ્કેલી આવે તો ઈમરજન્સી આગળ ભેગા થવું. અર્જુન સીધો ઈમરજન્સી ગેટ પાસે આવે છે. ૮૫૪૦ એમ્બ્યુલન્સ જોઈ એને થોડી શાંતિ થાય છે. અર્જુન પોતાની ગાડીમાં નીલિમા અને બીજા બધાને બેસાડી રિયાને રાજુનાં માણસો જે રસ્તે ગયા એની વિરુધ્ધ દિશાનો રસ્તો પકડી સલામત જગ્યાએ પહોંચી જવા માટે કહે છે. પોતે એમ્બ્યુલન્સ લઈ રાજુનાં માણસો જે રસ્તે ગયા હતા એની પાછળ જાય છે. એ રાત્રે અર્જુન મુંબઇનાં ધબકતા રહેતા રસ્તા પર એમ્બ્યુલન્સ લઈ ફરે છે અને રાજુનાં માણસોને ગેરમાર્ગે દોરતો રહે છે.
રિયા અને અર્જુન બન્ને કયા સમયે બળ અને કયા સમયે બુધ્ધિનો ઉપયોગ કરવો એ સારી રીતે જાણતા હતા. રાજુ અને ખેંગારનાં માણસોથી પીછો છોડાવવા માટે રિયા અને અર્જુને બુધ્ધિનો ઉપયોગ કર્યો હતો. રિયા હોસ્પિટલની બહાર આવી કોઇ એક રસ્તો પકડતી તો થોડેક આગળ એની ગાડી બીજા ગુંડાઓની નજરમાં આવી જતી અને ગુંડાઓ એ રાત્રે રિયા, નીલિમા, હંસા અને કિશોરને પકડી રાજુ પાસે લઈ જતા.
જો એવું બન્યું હોત તો એ જ રાત્રે શુક્લાની પોલિસચોકીમા વિક્કી અને એના મિત્રોનું એન્કાઉંટર કરવા માટેની યોજના ખેંગારે બનાવી હતી તથા શુક્લા અને ખત્રીને એ કામ કરવા માટે મજબૂર કર્યા હતા. એક રાત્રિમાં વિક્કી અને નીલિમાને મોતનાં ઘાટ ઉતારી ખેંગાર નાના ભાઇ અંગારને જેલમાં જતા રોકી શક્યો હોત. અર્જુનની તાકાત વિક્કી હતો. વિક્કી આ દુનિયામાં ના હોય તો અર્જુનની બધી તાકાત નકામી હતી. પછી અર્જુનને ખતમ કરવો બહું સહેલો હતો.
પરંતુ કિસ્મતે બીજું ધાર્યું હતું. નીલિમા આબાદ રીતે બચી હતી અને આગળનાં દિવસોમાં રાજુ, ખેંગાર અને અંગારને અનેક મુશ્કેલીનો સામનો કરવાનો હતો, જેની કલ્પના માત્ર કોઇને નહોતી.
એ ચોવીસ કલાકમાં એકસાથે સારા અને નરસા અનેક બનાવ બની ગયા. સારા બનાવમાં નીલિમા ભાનમાં આવી. અર્જુન અને રિયા હોસ્પિટલમાંથી નીલિમાને બહાર લાવવામાં સફળ થયા. વિશાલ અને રાવજી બહુ સાવચેતીથી સુધા અને પર્વતસિંહને સલિમનાં ગેરેજ પાછળની ઓરડીમાં લાવવામાં સફળ થયા. કરણ અને અર્જુન થોડી ક્ષણો માટે વર્ષો પછી ભેગા થયા. કરણ અને પર્વતસિંહ એકબીજાની વધારે નજીક આવ્યા. રાજુ અને ખેંગારનાં માણસોએ જીવનમાં પ્રથમ વખત કોઈનાં હાથે માર ખાધો. રાજુ અને ખેંગારને જીવનમાં પહેલીવાર હારનો સ્વાદ ચાખવા મળ્યો.
નરસા બનાવમાં સંજયની એક પાંસળી બહુ ખરાબ રીતે તૂટી હતી અને એક પગમાં ફેકચર થયું હતું. ડોક્ટરે બે મહિના સુધી પાટો બાંધવો પડશે એવું જણાવ્યું. શંકરની હાલત બહુ ગંભીર હતી. એની ખોપડીમાં હથોડીનાં મારથી અનેક તિરાડો પડી હતી જેનો ઈલાજ શક્ય નહોતો. કપાળ અને માથાની નસો ફાટી ગઈ હતી. એના માથામાંથી પુષ્કળ લોહી વહેતું હતું જે બંધ થતું નહોતું. ડોક્ટરે જીવ બચાવવા માટે પ્રયત્ન કર્યો પરંતુ શંકર મૃત્યુ પામ્યો. ખતરા સામે ટક્કર લેનાર પહાડ જેવા શંકરકાકા હવે નહોતા.
શંકરનું મૃત્યુ આધાતજનક હતું. પર્વતસિંહને સલામત જગ્યા પર સુધા અને સલિમે બહુ મુશ્કેલીથી રોક્યા હતા. પર્વતસિંહ શંકરને નાના ભાઈ કરતાં પણ વધારે ગણતા હતા. શંકરકકાનું મૃત્યુ કરણ માટે સ્વીકારી શકાય એવું નહોતું. શંકરનાં મૃત્યુ માટે એ પોતાને જવાબદાર સમજતો હતો. શંકરકકાને હોસ્પિટલ જવા જ ના દીધા હોત તો અત્યારે હયાત હોત.
બીજી બાજુ અર્જુન પણ શંકરકકાનાં મૃત્યુ માટે પોતાને જીમ્મેદાર ગણતો હતો. અર્જુન પર્વતસિંહ કરતા પણ દિલથી શંકર સાથે વધારે જોડાયેલો હતો. અર્જુનને કોઈ તકલીફ ના પડે તે જોવાનું કામ પર્વતસિંહે સુભાષનાં મૃત્યુ પછી શંકરને સોંપ્યું હતું. શંકરે તેની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી હતી. અર્જુન અને શંકર જ્યારે પણ મળે કલાકો સુધી વાતો કરતા. શંકર પણ એને એક પિતાની જેમ શિખામણ, સલાહ-સૂચન આપતો. અર્જુનને માન્યામાં આવતું નથી શંકરકાકા આ દુનિયામાં નથી. શંકરકાકા વગરનું જીવન કદી વિચાર્યું નહોતું. એ હંમેશા ખતરાઓથી ઘેરાયેલો રહેતો. સાધના અને વિક્રાંત સાથે પણ ઓછો સમય વિતાવતો. એ જ્યારે ઘરે ના હોય ત્યારે શંકર જ સાધના અને વિક્રાંતની જરૂરિયાતોનું ધ્યાન રાખતો.
અર્જુન પણ શંકરનાં અંતિમ સંસ્કારમાં જવા માટે તત્પર હતો. રિયાએ બહુ સમજાવવાની કોશિશ કરી. પરંતુ એ અર્જુન હતો. ખતરાઓથી કોઈ દિવસ ભાગ્યો નહોતો. શંકરનાં અંતિમ સંસ્કારમાં વેશ બદલીને ગયો. શંકરનાં અંતિમ સંસ્કાર કરણે કર્યા. એ દિવસે કરણની હાલત જોઈ અર્જુન તેની સાથે વાત કરવા માંગતો હતો, પરંતુ ખતરો હજુ પણ ઉભો હતો. અંતિમ સંસ્કારમાં ઘણાં માણસ જોડાયેલા હતા એમાં કોણ દુશ્મન છે, તે સમજી શકાય એમ નહોતું. કરણને પણ ગળા સુધી વિશ્વાસ હતો કે અર્જુન શંકરકાકાનાં અંતિમ સંસ્કારમાં આવ્યો હશે, પરંતુ એને અર્જુન ક્યાંય દેખાયો નહીં.
અત્યાર સુધી અર્જુન અને વિક્રાંતની લડાઈ રાજુ અને ખેંગાર સાથે હતી, હવે કરણની લડાઈ પણ શરૂ થવાની હતી. પિતા તથા ભાઈબંધ સમાન કાકાનાં મૃત્યુનો બદલો હવે લેવાનો હતો. ભાઇ ગણેલા મિત્રને આજીવન તકલીફો આપનાર દુશ્મનોને સજા અપાવવાની હતી. મિત્રનાં નાના ભાઇને ખોટા આરોપોમાંથી મુક્ત કરી જેલમાંથી બહાર લાવવાનો હતો. માસુમ બાળકોનાં શરીર સાથે દવાઓનાં પ્રયોગ કરનાર રાક્ષસોને નર્કની યાતના આપવાની હતી.

ક્રમશ: