Case No 369 Satyani Shodh - 23 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - 23

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”
ડો. હિના દરજી
પ્રકરણ - ૨૩

અર્જુન અને રિયા બધાને લઈ સલામત સ્થળે પહોંચી ગયા હતા. શંકરનાં અંતિમ સંસ્કારની વિધિ પૂરી થઈ હતી. સંજયનાં પગનું ઓપરેશન થઈ ગયું હતું. રાજુ, ખેંગાર અને અંગાર જેલમાં વિક્રાંત અને એના મિત્રો પર શુક્લા દ્વારા ત્રાસ ગુજારવાનો શરૂ કર્યો હતો. એમણે ઠેકઠેકાણે નીલિમા અને અર્જુનને શોધવા માટે માણસો દોડાવ્યા હતા. પર્વતસિંહનાં હ્રદયમાં શંકરનાં મોતનો બદલો લેવા માટે આગ લાગી હતી. બધા પોતાની રીતે એકબીજાને હરાવવા અને હંફાવવા માટે તત્પર હતા.
પર્વતસિંહ અને સુધા સલિમનાં ગેરેજ પાછળ સુરક્ષિત જગ્યા પર હતા તથા પત્ની અને પુત્ર પહેલેથી સુરક્ષિત હતા, એની કરણને શાંતિ હતી. હવે દુશ્મનોને એમના અંજામ સુધી પહોંચાડવાના હતા. અર્જુન તરફથી કોઈ માહિતી મળે પછી આગળ કામ થાય એવું હતું. કરણ સમજી ગયો હતો કે અર્જુન પાસે એવી કોઈ માહિતી છે જેનાથી ખેંગાર અને રાજુની દુ:ખતી નસ પકડી શકાય. શંકરની હત્યા એ લોકો માટે મુશીબત બની શકે છે એ પણ સમજી ગયા હશે. હું શાંત નહીં બેસુ કોઇ પગલા અવશ્ય લઈશ, શંકરકાકાનો બદલો લેવા હું ખૂબ જલ્દી આવીશ, આ બધું રાજુ, ખેંગાર અને અંગાર સાથે શુક્લા પણ જાણતો હશે.
કરણનાં મગજમાં બદલો લેવાનો, મિત્રને ખૂબ જલ્દી મળવાનો, વિંક્રાતને છોડાવવાનો એમ એકસાથે અનેક વિચાર આવતા હતા. સલિમનાં ગેરેજમાં જઇ દુશ્મનોને મમ્મી, પપ્પાનું પગેરું આપવું નહોતું એટલે અંતિમસંસ્કાર પતાવી ઘરે ગયો. એને ખ્યાલ આવ્યો હતો કે એની પાછળ ચાપંતી નજર રાખનારા માણસોની સંખ્યા વધી હતી. સંધ્યાકાળ થયો હતો. અડધી રાત્રીએ બધાને ચકમો આપી અર્જુનનાં આપેલા સરનામે જવાનો પાક્કો નિર્ધાર કર્યો.
***
જ્યારે બીજી બાજુ રાજુ, અંગાર અને ખેંગાર પણ બધાને એકસાથે ખતમ કરવા માટે યોજના બનાવતા હતા. માસુમ અનાથાશ્રમનાં એક ઓરડામાં બધા ભેગા થઈ યોજનાને સફળ બનાવવા માટે ચર્ચા કરતા હતા.
ખેંગાર: "શુક્લા, પેલા પરવતિયાનો છોકરો પણ હવે મેદાનમાં આવ્યો છે... જે યોજના બનાવી છે એ પ્રમાણે પાર પાડવાની તારી અને મારી ટીમની જવાબદારી છે... કાલ સાંજનો સૂર્યાસ્ત બધાનાં જીવનનો અંતિમ સૂર્યાસ્ત અને અમારા જીવનમાં નવો સૂર્યોદય લઈને આવવો જોઇએ... ધ્યાન રહે પર્વત ક્યાં સંતાયો છે એ ખબર નથી... સાલાને બહું ઘમકાવ્યો, રોક્યો, નજરકેદ કર્યો પણ ક્યારે દવાખાનામાંથી છટકી ગયો એ ખબર ના પડી... જ્યાં સુધી એ મળે નહીં ત્યાં સુધી કરણને કશું થવું જોઇએ નહીં... આમપણ શંકરને નાના ભાઇ કરતા વધારે ગણતો હતો... એનો બદલો લેવા એ બહાર આવશે... ત્યાં સુધી કરણ પર ચાંપતી નજર રાખો, પણ હાથ ના લગાવશો... એ ક્યાં જાય છે... કોને મળે છે... બધું જુઓ... અત્યારે એ અંધારામા હશે કે આપણે શાંત બેસીશું... એનો ફાયદો લઈ કાલે આપણી યોજના પૂરી કરો..."
શુક્લા: "આપણે બનાવેલી યોજના પ્રમાણે અર્જુન, વિક્રાંત અને એના મિત્રો તથા પેલી બન્ને છોકરીઓ કાલે મોતને ઘાટ ઉતરશે... પણ મને પર્વતસિંહની બીક લાગે છે... તમારા માણસોએ અર્જુનને તો શોધી કાઢ્યો પણ પર્વતને શોધવો અને ઓળખવો બહું અઘરો છે... કરણને કાબુમાં રાખવો એનાથી પણ અઘરો છે..."
અંગાર ઉગ્ર અવાજે એની ઉંમરનાં વ્યક્તિ સાથે વાત કરતો હોય એમ બોલે છે: "એ શુક્લા, તું એની પંચાત છોડ..." શુક્લાને તુકારે બોલાવ્યો એ ગમતું નથી. પણ કરોડો રૂપિયા નીચે શુક્લાનું મોઢું સિવાય જાય છે. "પેલી બન્ને છોકરીઓને મારે ઘંઘામાં બેસાડવાની છે... પેલી રિયાનાં કારણે દસ વર્ષ પહેલાં મુસીબત આવી હતી... હવે નિલીમાનાં કારણે આવી છે... બન્ને ભાઇઓ આ દુનિયામાં નહીં હોય તો એ બન્ને પણ કશું કરી નહીં શકે... એ બન્નેને તમારે જીવતી મારી પાસે લાવવાની છે..."
રાજુ: "નહીં અંગાર, એવી ભૂલ ના કરીશ... અમદાવાદનાં અનાથાશ્રમમાંથી રિયા બહું ચાલાકીથી ભાગીને સુભાષ પાસે આવી હતી... સાલી બહું ચબરાક છે... એ વખતે લડવાની એની આવડત નહોતી છતાં મારા માણસોને બેવકુફ બનાવ્યા હતા. હવે તો કરાટેનાં દાવ શીખી તાકાતવર બની છે અને દુશમનોને મારવામાં અર્જુનને મદદ કરે છે... રિયા અને અર્જુન આ બધી મુશ્કેલીની જડ છે... તારે નિલીમા સાથે ફરી મજા કરવી હોય તો એને જીવતી રાખ... પણ અર્જુન સાથે રિયાને પણ આ દુનિયામાંથી વિદાય આપવી હિતાવહ છે..."
ખેંગાર: "બેટા અંગાર, રાજુભાઇ સાચુ કહે છે... નિલીમા ભલે જીવતી રહે... શુક્લા, કાલ રાત સુધીમાં મારા અને તારા માણસો અર્જુન, વિક્રાંત, પ્રતિક, રોહિત અને રિયાને ઉપરની દુનિયામાં મોકલી દેશે... તારે શંકરની જેમ આ પાંચેયનાં મોત એક્સિડન્ટમાં થયા છે એમ બતાવવાનું છે..."
શુક્લા માથું હલાવી બહાર જાય છે.
રાજુ: "ખેંગાર, આ શુક્લા તો કરણ અને પર્વતસિંહથી હજુંપણ ડરે છે... એનો ડર આપણી બાજી અવળી પાડી શકે છે..."
ખેંગાર: "તમે સાચું કહો છો રાજુભાઇ... કાલની આપણી યોજના પાર પડે પછી શુક્લા ભીનું સંકેલી લે એ વઘારે અગત્યનું છે... બધું સમુંસૂતરું પાર પડે પછી પર્વત બહાર આવે કે ના આવે આપણે, શુક્લાનો રસ્તો કરી લઈશું... કદાચ એવી વારી આવે પણ નહીં અને પર્વત મળી જાય તો બાપ-દિકરાને જલ્દી એમના મિત્રો સુધી પહોંચાડીશું..."
રૂમમાં રાજુ, ખેંગાર અને અંગારનું રાક્ષસી હાસ્ય ગુંજે છે.
***
રાત્રિનાં ૨ વાગ્યા હતા. કરણની ઉંધ હરામ થઈ હતી. વારંવાર બારીની બહાર નજર કરી જોતો હતો. એની પર ચાંપતી નજર રાખનારાનું પૂરૂ ધ્યાન ઘર તરફ હતું. એના રૂમની લાઇટ જાણીજોઇ ચાલુ હતી. એ જાણીને રૂમમાં આંટા મરતો હતો જેથી બહાર ડાઘિયાઓ એને જોઇ શકે. ઉંઘતો આવવાની નહોતી. કોઇને શંકા ના થાય એના માટે મોડે સુધી લાઇટ ચાલુ રાખવાનું વિચાર્યુ હતું. લાઇટ બંધ કરી તરત પાછલા રસ્તે પલાયન થવાનો પ્લાન બનાવ્યો હતો. બહાર વોચ રાખતા માણસોને ખબર ના પડે એમ એક હેન્ડબેગમાં જરૂરી સામાન પણ મૂકે છે.
કરણ જાણતો હતો કાલે જે બનાવ બન્યો એનાથી દુશ્મનો તથા શુકલાને પણ ખબર પડી ગઈ હશે કે પોતે અર્જુન અને વિક્રાંતની મદદ કરી રહ્યો છે. પોતે શું, પર્વતસિંહ પણ મદદ કરે છે એ પણ સમજી ગયા હશે. દુશ્મનોને કમજોર સમજી શંકરકાકાને ગુમાવ્યા છે. હવે કોઇને ગુમાવવા નથી. નીલિમા જ્યાં સુધી કોર્ટમાં હાજર થઈ વિક્કીને બેગુનાહ ના બતાવે ત્યાં સુધી તે છૂટે એમ નહોતો. રાજુ અને ખેંગાર કોઈપણ સંજોગોમાં નીલિમાને કોર્ટ સુધી નહીં આવવા દે એ મુશ્કેલી ઊભી હતી. નીલિમાને કોર્ટ સુધી પહોચાડવાની ખૂબ જરૂરી હતી. પરંતુ એને અર્જુન કયા સુરક્ષિત સ્થાન પર લઈ ગયો છે તે જાણવાનું બાકી હતું.
કરણ રૂમની લાઇટ બંધ કરી બેડ પર આડો પડે છે. જેથી બધાને લાગે તે સૂઇ ગયો છે. એ વખતે રાતના ત્રણ વાગ્યા હતા. બરાબર ચાર વાગે ઘરથી ભાગી જવાનું વિચારે છે. એના હ્રદયમાં રાજુ, ખેંગાર અને અંગાર વિરુધ્ધ પુરાવા મળે એટલે બધાને જેલનાં સળિયા ગણાવવા માટેનું જુનૂન ઉમટ્યું હતું.
પરંતુ કિસ્મતે બીજો બનાવ વિચાર્યો હતો. કહેવાય છે કિસ્મતની ગતિ ન્યારી છે. ક્યારે કેવું પાસુ પલટાય એ સમજી શકાતું નથી. એવી અનહોની થવાની હતી જેની કલ્પના કરણ, અર્જુન, વિક્કી, પ્રતિક, રોહિત, નિલીમા અને રિયાએ વિચારી નહોતી. દરેકનાં જીવનમાં આવનારા ચાર કલાક બધાની કિસ્મત બદલવાના હતા.
આજે અર્જુનને મળી શકાશે એવો કરણનાં મનમાં આત્મવિશ્વાસ હતો. આંખો બંધ કરી એને માત્ર સમય પસાર કરવાનો હતો. થોડી મિનિટો પસાર થાય છે. કરણનાં ફોન પર એક અજાણ્યા નંબર પરથી WhatsApp Call આવે છે. રાતનાં ત્રણ વાગે કોણ અજાણ્યા નંબર પરથી ફોન કરી શકે વિચારી કરણ ફોન ઉપાડે છે. થોડી ક્ષણ બન્ને છેડે શાંતિ છવાય છે. સામે છેડેથી દર્દમાં કણસતા વ્યક્તિનો અવાજ આવે છે: "કરણ......"
કરણ અવાજ ઓળખી જાય છે: "અર્જુન!!!! મારા ભાઇ ક્યાં છે? હું હમણાં જ તારી પાસે પહોંચુ છું... તું ઠીક તો છે ને? તારો અવાજ મને બરાબર લાગતો નથી..."
અર્જુન: "કરણ, કાકા અને કાકીને જલ્દી સલામત જ્ગ્યા પર મોકલી દે..."
આટલું બોલી સામે છેડે શાંતિ થાય છે. કરણને સમજાતું નથી. અર્જુન પોતે ક્યાં છે એ કહેવાના બદલે મમ્મી-પપ્પાને સલામત જગ્યા પર મોકલવાની વાત કરે છે: "અર્જુન, શું થયું એ તો કહે! મને ગભરામણ થાય છે... જલ્દી બોલ... મને કોઇ અમંગળ એંધાણ આવે છે... તને શું થયું છે?"
અર્જુનનાં અવાજ પરથી અંદાજ આવતો હતો એ બહું તકલીફમાં છે. પરાણે બોલે છે: "કરણ લાગે છે આ વખતે વિધાતાએ મારું મૃત્યુ નિશ્ચિત લખ્યું છે... આ વખતે હું કિસ્મતને મ્હાત નહીં કરી શકું..."
કરણ: "અર્જુન, તું ક્યાં છું એ કહે... હું તરત તારી પાસે પહોંચુ છું..."
અર્જુન: "કરણ કદાચ તારા આવતા પહેલાં હું ખેંગારનાં માણસોનાં સંકજામાં આવી જઇશ... શંકરકાકાનાં અંતિમ સંસ્કારથી પાછો ફર્યો ત્યારથી એના માણસ મારો પીછો કરતા હતા... ખબર નહીં એ લોકોએ મને કેવી રીતે ઓળખી લીધો? એ લોકો મને તાકાતથી હરાવી શકે એમ નહોતા એટલે મારી ગાડીને ટ્રક સાથે અઠડાવી છે..."

ક્રમશ: