Case No. 369 Satya ni Shodh - 24 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - 24

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”

ડો. હિના દરજી

પ્રકરણ - ૨૪

અર્જુન: "કરણ, કદાચ તારા આવતા પહેલાં હું ખેંગારનાં માણસોનાં સંકજામાં આવી જઇશ... શંકરકાકાનાં અંતિમ સંસ્કારથી પાછો ફર્યો ત્યારથી એના માણસ મારો પીછો કરતા હતા... ખબર નહીં એ લોકોએ મને કેવી રીતે ઓળખી લીધો? એ લોકો મને તાકાતથી હરાવી શકે એમ નહોતા એટલે મારી ગાડીને ટ્રક સાથે અઠડાવી છે..."

અર્જુનનો અવાજ સાંભળી કરણ ખુશીથી પાગલ થયો હતો. પણ એ ખુશી થોડીક ક્ષણોની નીકળી. અર્જુનની ગાડીનો એક્સિડન્ટ થયો છે, આ સાંભળી ખુશીની જ્ગ્યા ચિંતાએ લીધી. મનમાં વિચાર આવ્યો કે અત્યારે જઈ રાજુ, ખેંગાર અને અંગારની છાતીમાં એકસાથે બંદૂકની બધી ગોળીઓ ધરબી દે. એક ઝાટકે બધા દુશ્મનોને નર્કની મુસાફરી કરવા મોકલી દે. એ વખતે કરણની સામે જો ત્રણમાંથી કોઈ ઊભું હોત તો એ વિચારનો અમલ પણ કર્યો હોત એટલો ગુસ્સો એને આવ્યો હતો.

કરણ: "અર્જુન! તને શું ઇજા થઈ છે? જલ્દી બોલ... તને ખબર છે તારી સાથે વાત કરવા... તને મળવા માટે કેટલા વલખા માર્યા છે મેં? હું તને કશું નહીં થવા દંઉ..." કરણ આંધારામાં બારી બહાર જોવે છે. એક માણસ દૂર ફૂટપાથ પર બેઠો હતો અને એક ગાડી દૂર ઉભી હતી, ગાડીમાં કેટલા માણસો બેઠા હતા એ ખબર પડતી નહોતી. "અર્જુન, તું કઈ જગ્યા પર છું એ કહે હું તાબડતોબ ત્યાં આવું છું..."

અર્જુનનો દર્દમાં તરડાયેલો અવાજ આવે છે: "નહીં મારા ભાઇ... તારી પાછળ ખેંગારે બહું માણસો ગોઠવ્યા છે... તું બહાર ના આવીશ... મેં તને અહીંયા બોલાવવા માટે ફોન નથી કર્યો... માત્ર મરતી વખતે તારી સાથે... વાત કરવા માટે ફોન કર્યો છે... જેથી તને જીવનભર... મારી સાથે અંતિમ સમયે... વાત ના થઇ શકી... એવો અફસોસ ના રહે... કરણ મારું અઘુરૂ કામ તારે... અને વિક્કીએ પૂરૂ કરવાનું છે... કરણ હું અને રિયા એકબીજાને... ખૂબ પ્રેમ કરીએ છીએ... એ છોકરી દસ વર્ષથી... મારી સાથે દરબદરની થોકરો ખાય છે... તું એનું ધ્યાન રાખજે......"

અર્જુન બોલતો રહ્યો એટલી વારમાં કરણ બાજુનાં રૂમની બાલ્કનીમાંથી દોરડા દ્વારા નીચે આવી ઘરનાં કોટની સાઇડની દિવાલ કુદી બંગલાની બહાર આવી ગયો હતો. કરણે પહેલેથી દોરડું બાંધી રાખ્યું હતું અને ઘરની બહાર ઝાડની નીચે સલામત જગ્યા પર એક બાઈક સંતાડીને રાખ્યું હતું. કરણ સહેજપણ અવાજ ના થાય એમ બાઇક ઘરથી થોડે દૂર ધસડીને લઈ જાય છે. જેથી ખેંગારનાં માણસોને અવાજ સંભળાય નહીં. કરણ હવે વધારે ગુસ્સે થાય છે.

ઉંચા અવાજે બોલે છે, કારણકે એ હવે ખેંગારનાં માણસોથી પીછો છોડાવી દૂર આવ્યો હતો: "ગાંડા જેવી વાતો કરવાની બંધ કર... હું મારા ઘરથી બહાર આવી ગયો છું... હવે તું જલ્દી કહે ક્યાં છું... હું, તું અને વિક્કી બધા સાથે મળી બદલો લઈશું... અર્જુન... અર્જુન... બોલને તું ક્યાં છું?"

પહેલા અર્જુનનું નાદાન બાળક જેવું હાસ્ય અને પછી જીણી ચીસ સંભળાય છે: “કરણ… તું કહું છું એ પ્રમાણે કદાચ શક્ય બની શકત... પણ મારા પેટમાં... ગાડીનું સ્ટેયરિંગ અને... ગાડીની બારીના કાચ વાગ્યા છે... માથામાં પણ કશુક વાગ્યું છે... પેટ અમે માથામાંથી બહું લોહી... નીકળે છે...”

કરણની આંખોમાંથી પાણી નીકળવાનું શરૂ થાય છે: “અર્જુન, બસ તું ક્યાં છે એટલું મને કહે... હું આવું છું...”

અર્જુન જે જ્ગ્યા પર હતો ત્યાનું નામ કરણને કહે છે. કરણનું બાઇક એ દિવસે ૧૨૦ની સ્પીડે ભાગે છે. એને અર્જુન પાસે પહોંચવાની ઉતાવળ હતી. કરણ એમ્બ્યુલન્સને ફોન કરવા માંગતો હતો પણ અર્જુન ના પાડે છે. કરણ તો પણ અર્જુનનો ફોન કટ કરી એમ્બ્યુલન્સને ફોન કરી ત્યાં પહોંચવાનું કહે છે. એમ્બ્યુલન્સ જલ્દી એ જ્ગ્યા પર પહોંચે છે, પરંતુ ત્યાં એ લોકોને કોઈ માણસ મળતો નથી. એ જ્ગ્યા પર કચ્ચરઘાણ થયેલી ગાડી પડી હતી. બીજું કોઈ પેશન્ટને લઈ ગયું એમ વિચારી એ લોકો નીકળી જાય છે. કરણ ત્યાં આવે છે ત્યાં સુધી એમ્બ્યુલન્સ નીકળી ગઈ હતી.

કરણને પહેલા એવું લાગે છે કે એમ્બ્યુલન્સ અર્જુનને લઈને ગઈ. પણ એને ગાડીની હાલત જોઈ શંકા જાય છે. ગાડીનું બોનેટ અથડાઇને લોચો વળ્યું હતું. એની અંદર બેઠેલો માણસ ઓન ધ સ્પોટ દેવલોક સિધાવી જાય એટલો ભયંકર એક્સિડન્ટ હતો. છતાં પણ અર્જુને પોતાની સાથે વાત કરી હતી. એનો મતલબ એ થયો કે અર્જુન એ ગાડીમાંથી બહાર નીકળી એની સાથે વાત કરતો હતો. કરણ આજુબાજુ નજર કરે છે. ગાડીની આગળ-પાછળ બીજા ટાયરનાં નિશાન હતા. એ નિશાનમાં એક મોટા ટ્રકનાં અને બીજા નાની ગાડીનાં હતા. નાની ગાડીના નિશાન સામે દેખાતા સિંગલ રોડ તરફ જતાં હતા. એ રોડ પર લોહીનાં નિશાન પણ દેખાતા હતા.

કરણ બાઇક લઈ એ રોડ પર જાય છે. થોડે દૂર રોડ પૂરો થતો હતો ત્યાં એક જૂનું મકાન હતું. મકાનની બહાર એક ગાડી ઊભેલી હતી. કરણ સમજી ગયો કે અર્જુન એ મકાનમાં સંતાઈને બેઠો હશે. સમય ગુમાવ્યા વગર કરણ મકાન તરફ દોટ મૂકે છે. ત્યાં એને બંદૂકનો અવાજ સંભળાય છે. વહેલી પરોઢમાં બંદૂકની ગોળીનો અવાજ ચારેબાજુ ગુંજે છે. એ અવાજની દિશા તરફ કરણ આગળ વધે છે ત્યાં ફરી બંદૂકની ગોળીનો અવાજ આવે છે. આ વખતે કરણને એક માણસ મકાનની અગાશી પરથી નીચે પટકાતો દેખાય છે.

કરણ ઝડપથી મકાનની અગાશી પર પહોંચે છે. ત્યાંનું દ્રશ્ય જોઈ એ સ્તબ્ધ થઈ જાય છે. અર્જુન લોહીલુહાણ હાલતમાં ચાર માણસો સાથે લડાઈ કરતો હતો. અર્જુન હાથમાંથી બંદૂક નીચે ફેંકે છે. બંદૂકમાં ગોળી ખલાસ થઈ ગઈ હતી. બે ગોળી અર્જુને ચલાવી હતી. એમાં એક માણસને ગોળી વાગતા એ નીચે પડ્યો હતો. બીજા માણસને છાતીમાં ગોળી વાગી હતી એ મૃત્યુ પામ્યો હતો. બીજા બે માણસ અર્જુન સાથે હાથપગના દાવ અજમાવતા હતા. કરણ આવી એક માણસની ડોકી મરડે છે. અર્જુન મિત્રને જોઈ નીચે બેસી જાય છે. કરણ તરત બીજા માણસ પાસે આવી એના પેટમાં પૂરી તાકાતથી લાત મારે છે. એ માણસ લથડિયું ખાઈ સિમેન્ટની ટાંકી સાથે અથડાય છે, એના માથામાંથી લોહી નીકળે છે. અર્જુનને ઊભો કરી કરણ ચાલે છે. વર્ષો પછી બે મિત્રો ખભે-ખભા મિલાવી ચાલતા હતા. અર્જુનને જાણે ભગવાન મળ્યા હોય એમ કરણ ઉપર ઢળી પડે છે.

કરણ: “અર્જુન સહેજ પણ ચિંતા કરીશ નહીં... આપણે ખૂબ જલ્દી હોસ્પિટલ પહોંચી જઈશું... બસ તું જાગતો રહે...”

કરજ જલ્દી હોસ્પિટલ જવા માંગતો હતો. એ અર્જુનને બાઇક પર બેસાડતો હતો પણ એ બેસી શકતો નથી. અર્જુનનાં શરીરમાં તાકાત રહી નહોતી. એના શરીરમાંથી ઘણું લોહી વહી ગયું હતું. એ બેભાન થવાની તૈયારીમાં હતો.

કરણ એને હિંમત આપે છે: “અર્જુન બસ થોડીવાર મને પકડી બેસી જા... આપણે ખૂબ જલ્દી હોસ્પિટલ પહોંચી જઈશું...”

કરણ મહેનત કરી એને બેસાડે છે. અર્જુન મિત્રની કમર પર હાથ વીંટાળી બેસે છે. થોડેક આગળ જાય છે, ત્યાં અર્જુનની પકડ ધીમી થાય છે. એ જમીન પર પટકાય છે. કરણનું બાઇક આગળની દિશામાં ઢસડાય છે. કરણ પણ નીચે પડે છે. પોતાને કશું વાગ્યું છે કે નહીં એની ચિંતા કર્યા વગર એ ચારપગે અર્જુન પાસે આવે છે: “અર્જુન... અર્જુન...”

અર્જુન બેભાન થઈ ગયો હોય છે. વર્ષો પછી મળેલા મિત્રની આવી હાલત જોઈ કરણ મોટેથી રાડ પાડે છે. એ રાડનો અવાજ સાંભળી અર્જુન ભાનમાં આવે છે: “કરણ… મારા ભાઈ... મારો અંતિમ… સમય આવી ગયો છે... મને વચન આપ... મારુ અધૂરું કામ... તું પૂરું કરીશ... વિક્કીને મોટાભાઈની... ખોટ નહીં પાડવા દે... રીયાને સમજાવજે... કોઈ સારો છોકરો... જોઈ પરણી જાય... મારા બદલે... કાકા પાસે માફી માંગજે... શંકરકાકાની માફી... હું ઉપર જઈ માંગી લઇશ...”

કરણ બાઇક જોવે છે એ નીચે પડ્યું હતું. બાઇક ઊભું કરે કે મિત્રને ઉભો કરે. અર્જુનની હાલત જોઈ એ બેબાકળો થયો હતો. અર્જુન એના માથે હાથ ફેરવે છે: “દોસ્ત… વર્ષો પછી તને... ભેટવા મળ્યું છે... થોડો શ્વાસ છે... ત્યાં સુધી... મને ભેટી લેવા દે...”

કરણ દોસ્તને ગળે લગાવી ચોધાર આંસુ સારે છે. મિત્રની છાતીએ વળગી અર્જુનને સંતોષ થાય છે: “યાદ છે કરણ... આપણે નાના હતા... ત્યારે મને કશું થાય... તો તું મને આ રીતે... ગળે લગાડતો... મારી બધી તકલીફ... દૂર થઈ જતી...” અર્જુન બોલતા હાંફી જાય છે. એના મોઢામાંથી લોહી આવવાનું શરૂ થાય છે.

કરણ એના મોઢે હાથ મૂકે છે: “બોલીશ નહીં અર્જુન... હું ફરી એમ્બ્યુલન્સને ફોન કરું છું...” કરણ ફોન કાઢી નંબર લગાવે છે. પાંચ સેકન્ડમાં ફોન ઉપડે છે પણ એ પાંચ સેકન્ડ આજે કરણને પાંચ કલાક જેવી લાગી હતી. એમ્બ્યુલન્સ બોલાવી ફોન બંધ કરે છે.

અર્જુન ફોન હાથમાં લઈ એક નંબર લગાવે છે: “આ રિયાનો નંબર છે...” અર્જુન ફરી કરણની છાતીમાં માથું મૂકે છે. જૂની વાતો યાદ કરે છે. બન્ને મિત્રો પરિસ્થિતી ભૂલી ભૂતકાળમાં ખોવાય છે. એ થોડીક ક્ષણો બન્ને નાના બાળક બની વાતો કરી હસવા લાગે છે. હસતાં-હસતાં થોડી સેકંડોમાં અર્જુન આ દુનિયામાંથી હંમેશાને માટે વિદાય લે છે. કરણ એનાં મૃતદેહને કેટલીય વાર સુધી વળગી વલોપાત કરે છે. કેટલો સમય આમ વિત્યો એનું ભાન પણ નહોતું. દૂર આકાશમાં સૂર્યનાં કિરણો દેખાવા લાગ્યા ત્યારે એને ભાન થયું પોતે ક્યાં છે.

ભાન થતાં એને મમ્મી-પપ્પા અને વિક્કી તથા એના દોસ્તો યાદ આવે છે. નીલિમા, રિયા બધા એકસાથે નજર સમક્ષ દેખાય છે. એ પર્વતસિંહને ફોન કરે છે. સામે છેડેથી કોઈ ફોન ઉપાડતું નથી. કરણ થોડો ગભરાય છે. સુધાને ફોન કરે છે. એ પણ ફોન ઉપાડતી નથી. હ્રદય એક ધબકાર ચૂકી જાય છે. અર્જુને ફોન કરી તરત કહ્યું હતું કાકા-કાકીને સલામત જગ્યા પર લઈ જા. અર્જુનને બચાવવામાં એ બીજી વાતો ભૂલી ગયો. એ વિશાલને ફોન કરે છે.

વિશાલ પણ એના ફોનની રાહ જોતો હોય એમ તરત બોલે છે: “સર... હું તમને જ ફોન કરવા જતો હતો... અને તમારો ફોન આવ્યો...” એનો અવાજ પણ થોડો ગભરાયેલો હતો.

કરણ: “શું થયું વિશાલ? કેમ ગભરાયેલો છું?”

વિશાલ: “સર... આજે સિંદે, ખત્રી અને શુક્લા બધાએ વિક્કી, પ્રતિક અને રોહિતને કોર્ટમાં લઈ જતી વખતે એન્કાઉન્ટર કરવાનો પ્લાન બનાવ્યો છે...”

આ સાંભળી કરણ પૂરો હોશ ખોઈ બેસે છે. હાથમાં અર્જુનની લાશ હતી. માતા-પિતા સાથે વાત થઈ નહોતી. એ લોકો ખતરામાં હતા કે સલામત હતા તે ખબર નહોતી. ઉપરથી બીજા સમાચાર એ મળ્યા કે વિક્કીનું એન્કાઉન્ટર થવાનું છે.

ક્રમશ:

Share

NEW REALESED