Tears of the soul books and stories free download online pdf in Gujarati

આત્માનાં આંસુ

વૈશાલીના સંથાગારમાં• આજે ભારે ગરબડ મચી રહી હતી. કેટલાક વૃદ્ધ રાજપુરુષો સંથાગારનાં સ્વચ્છ આરસનાં પગથિયાં પર બેસી ગયા હતા. કેટલાક ખુલ્લા મેદાનમાં, પોતપોતાના રથની દોરી હાથમાં રાખી સંથાગારમાં થતો કોલાહલ સાંભળી રહ્યા હતા, જબ્બર ભાલા હાથમાં ધરીને કેટલાક જુવાનો ફાવે તેમ ટહેલતા હતા. સભામાં ગેરવ્યવસ્થા હતી. કોઈ કોઈનું સાંભળે તેમ હતું નહિ. જેને જેમ ફાવે તેમ બોલતા હતા.

• વૈશાલીમાં પ્રજાકીય તંત્ર હતું. એટલે આ સંથાગાર ‘કોર્ટ’નું કામ પણ કરતું. સંથાગાર એટલે નગરમંદિર ‘ટાઉનહૉલ’ જેવું.

અટલામાં સામેની બજારમાંથી એક રથ આવતો દેખાયો. આતુરતામાં ને કૌતુકમાં લાંબી ડોક કરી આવનાર કોણ છે તે જાણવાને સૌ ઉતાવળા થવા લાગ્યા. થોડી વારમાં જ રથ પાસે આવ્યો.

‘એ તો મહાનમન છે,’ એક જુવાને બૂમ પાડી. એ સાંભળીને સંથાગારનાં પગથિયાં પરથી કેટલાક જુવાનો મેદાનમાં આવી મહાનમનના રથના માર્ગમાં જ ઊભા રહ્યા.

‘મહાનમન એકલા જ આવ્યા લાગે છે !’

‘એમ ! ત્યારે આમ્રપાલી નથી આવી ?’ બધા જુવાન માણસો એકીસાથે બબડી ઊઠ્યા. તેમાંના એકે તો ગુસ્સામાં પગ પછાડી પોતાનો ભાલો ભોંયમાં ખોસ્યો. ‘ત્યારે રાજગણની ને કાયદાની અવજ્ઞા કરવાની તેની દાનત છે એમ ?’

એક સુંદર સવારને રસ્તો આપવાને તેઓ જરા પાછા હઠ્યા. બીજી દિશાએથી બેચાર ઘોડેસવારો આવ્યા. તેમણે શિકારીનો જ વેશ પહેર્યો હતો. સુંવાળા, લીસા ને ચળકતા વાળવાળા કૂતરાઓ તેમના ઘોડાની આગળપાછળ દોડતા હતા. એટલામાં મહાનમન રથમાંથી નીચે ઊતરી આરસનાં લીસાં પગથિયાં ચડતો ચડતો નગરમંદિરમાં જઈ ઊભો રહ્યો.

ઊકળતો માનવસમુદાય, જાદુઈ લાકડી ફરી હોય તેમ એકદમ શાંત બન્યો. હવે મહાનમન શું બોલે છે તે સાંભળવાને સૌ આતુર બન્યા.

‘મહાનુભાવો ! મારી પાલિતા પુત્રી આમ્રપાલી...’ તેનો સ્વર જરા લથડ્યો. પણ તે ખોંખારી આગળ વધ્યો : ‘આમ્રપાલી, જેને લિચ્છવીગણના• કાયદા પ્રમાણે તમે લગ્ન કરવા દેવાની ના પાડી હતી, અને જેને મેં લિચ્છવીઓ અંદર અંદર કપાઈ ન મરે માટે અવિવાહિતા રાખી હતી...’

• વૈશાલીના ગણસત્તાક રાજ્યમાં એવો નિયમ હતો કે અતિ સૌંદર્યવતી સ્ત્રીએ કોઈને ન પરણતાં, જનસમૂહને રંજન કરવા અપરિણીત અવસ્થામાં રહેવું. મહાનમન નામના શ્રીમંતને આમ્રપાલી નામે એક પુત્રી હતી. તે અત્યંત સુંદર હોવાથી, જો તે કોઈને પરણે તો વૈશાલીનો જુવાનવર્ગ અંદર અંદર સ્પર્ધા કરીને કપાઈ મરે એવી અવસ્થા હતી. સિંહનાયક, જે અહીંના મહાજનસત્તાક વ્યવસ્થાના ‘પ્રેસિડેન્ટ’ જેવો હતો તેણે વાતનો મર્મ સમજી, તેનો નિકાલ લાવવા પ્રયત્ન કર્યો હતો.

લોકો અંત સાંભળવાને અધીરા થવા લાગ્યા.

‘...તેનો આઠ દિવસ થયાં પત્તો નથી !’

‘પ્રજાનો દ્રોહ ! મંડળનું અપમાન ! તદ્દન ખોટી વાત !’ કેટલાક બરાડ્યા.

મહાનમન કંઈ ન સાંભળતો હોય તેમ આગળ બોલ્યો જતો હતો : ‘પત્તો નથી...પત્તો ન હતો પણ, આજે તે પોતે જ અચાનક મળી આવી છે!’

લોકોએ છુટકારાનો દમ ખેંચ્યો, કેટલાકે હર્ષના પોકારો કર્યા. ‘અને હવે...’

એ જ વખતે મેદાનમાં ગરબડાટ વચ્ચે થઈ, એક ભવ્ય ઘોડેસવાર લોકસમુદાયમાંથી પોતાનો માર્ગ કાપીને આગળ આવતો દેખાયો. ચારે તરફ પ્રજાજનો બે હાથ જોડીને તેને પ્રણામ કરતા હતા.

‘પણ લ્યો, નાયક આવે છે. એ તમને બધી વાત કરશે.’ એમ કહી મહાનમન બતર બેસી ગયો.

લોકોએ કુતૂહલથી મેદાન તરફ જોયું. પેલા સવારે ઘોડા પરથી ઊતરીને નગરમંદિરનાં પગથિયાં પર પગ મૂક્યો હતો; ઘોડાને ત્યાં નોકર પાસે રાખી તે આગળ વધ્યો.

‘વૈશાલીનો જય ! લિચ્છવીગણનો જય ! સિંહનાયકનો જય !’ લોકસમૂહમાં એકદમ જયનાદ ઊઠ્યા.

જરા હસીને લોકસમૂહ સામે બે હાથ જોડી રાખી તે સંભાળથી ચપળતાપૂર્વક પગથિયાં ચડ્યે જતો હતો. નગરમંદિરમાં પહોંચતાં રાજપુરુષોએ ઊભા થઈને તેને માન આપ્યું. તે મહાનમનની બાજુમાં એક આસન પર જઈ બેઠો. કોઈ એક કાંકરી ફેંકે તો પણ સંભળાય એવી ગાઢ શાંતિ એકદમ પ્રસરી ગઈ. સિંહનાયક હવે શું કહે છે તે સાંભળવાને લોકો તળેઉપર થઈ રહ્યા.

સિંહનાયક ઊભો થયો. તેણે લોકો તરફ એક ઊડતી નજર ફેંકી.

એક માણસના પ્રતાપ ને પ્રભાવ આગળ આખો જનસમુદાય નાનો થતો હોય તેમ લાગ્યું હતું. ધીરેથી પણ સ્પષ્ટ અવાજમાં વાત શરૂ કરી : ‘મહાનુભાવો ! નીલપદ્મભવનમાંથી આમ્રપાલી આ તરફ આવવાને તૈયાર થઈ ત્યાર પછી જ હું તમારી પાસે આવ્યો છું. જો મહાજનને વૈશાલીનો નિયમ અક્ષરશઃ પાળવાનો આગ્રહ હોય તો આપ્રપાલી જે શરતો મૂકે તે મહાજને સ્વીકારવી પડશે.’

‘બરાબર છે ! બરાબર છે ! શરતો શી છે તે બોલો.’

‘આમ્રપાલી કહે છે કે મારું ઘર સુરક્ષિત કિલ્લા જેવું મનાશે; તેમાં રજા વિના કોઈથી નહિ અવાય. જનસમૂહને સંગીતથી આનંદ આપવો એ મારું મુખ્ય કામ રહેશે.’

‘એ શરત તો બરાબર છે,’ કેટલાક બોલ્યા. નગરમંદિરમાં બેઠેલ ગણરાજો, નગરશેઠો ને પ્રજાના પ્રતિનિધિઓએ ‘ઠીક છે’ એટલું કહીને નાયકને બીજા નિયમો સંભળાવવાની ઈશારત કરી.

‘આમ્રપાલીને રહેવા માટે પુષ્પવિહારમાં મહાજને સુંદર પ્રાસાદસપ્તભૂમિકાપ્રાસાદ આપવો પડશે.’

મહાજનમંડળમાંથી કેટલાકે એકબીજાની સામે જોયું.

‘ત્રીજી શરત એ છે કે આમ્રપાલીના ઘરમાં કોણ આવે છે, જાય છે, તથા તે કોણ છે તેની તપાસ નહિ કરી શકાય.’

મહાજનમંડળમાં ગણગણાટ શરૂ થયો. કેટલાક વૃદ્ધ રાજપુરુષોનાં મોં ક્રોધથી તપાવેલા તાંબાનાં પતરાં જેવાં લાલચોળ થઈ ગયાં. કેટલાક નવકોટિનારાયણોએ• અસંતોષ દર્શાવવા ભવાં ભેગાં કરીને સિંહનાયક તરફ તીક્ષ્ણ દૃષ્ટિએ જોયું. એક ગણરાજ+ તો જરા બેઠો જેવો થઈ ગયો, અને ‘એ તો મહાજનમંડળની સત્તાનું અપમાન થાય’ એમ મોટેથી બોલી ઊઠ્યો.

• કોટ્યાધિપતિને માટે વપરાતો શબ્દ : નવ કરોડના માલિક એમ સાધારણ અર્થ છે.

+ આવા અઢાર મહારાજો પણ મહાજનમંડળમાં હતા.

પણ એ બધાં દૃશ્યો પૂરાં ભજવાયાં, ન ભજવાયાં, ત્યાં તો સૌની આંખ નગરમંદિરનાં પગથિયાં પર ચોટી. ચાંદની જેવાં શ્વેત વસ્ત્રમાં લપેટાયેલી એક સ્ત્રીની મૂર્તિ ત્યાં દેખાઈ. મેદાનમાં મોટી ગડબડ મચી રહી હતી, ને આગળ આવવા માટે લોકો ધક્કામુક્કી કરતા હતા. કેટલાક જુવાન માણસો પોતાના ભાલાથી લોકોને ભડકાવીને રસ્તો કરતા હતા.

તે સ્ત્રી છેક સંથાગારમાં આવી. થોડી વારમાં ફરીથી બધે શાંતિ ફેલાઈ ગઈ. તેણે પોતાનો આછા રેશમી વસ્ત્રોનો સાળુ સંકોર્યો, અને હુકમ કરવાની ઢબથી મહાજનમંડળ સામે જોયું. તેનું નાનું નાક અભિમાનમાં ફૂલ્યું હતું અને ક્રોધ તથા તિરસ્કારથી ભવાં ચડ્યાં હતાં. ઘણાંને આ દૃષ્ટિ અન ેતેમાં રહેલું પ્રજાસત્તાનું અપમાન ખૂંચ્યાં. પણ તેની રમણીય મોહકતા વિષે પાયેલા તીરની જેમ હૈયાસોંસરવી નીકળી જતી હતી.

‘મહાજનો ! - અને બ્રાહ્મણો !...’ તેના શબ્દોમાં ચોખ્ખો ધિક્કાર હતો. ‘વૈશાલીમાં જે દુષ્ટ નિયમ તમે સાચવી રહ્યા છો...’

‘દુષ્ટ !... કાયદાનું અપમાન !’ મંડળમાંથી જ કોઈક બોલ્યું.

‘હા.’ તેણે ભાર દઈને ઉત્તર આપ્યો. ‘એ દુષ્ટ નિયમ જેને તમે સાચવી રહ્યા છો તે હું સ્વીકારું છું - જો તમને મારી શરતો કબૂલ હોય તો, નહિતર હું મહાજનમંડળને તાબે થવા ના પાડું છું. પૃથ્વીની કોઈ સત્તાને તાબે ન થવા માટે ઈશ્વરે મને રૂપ આપ્યું છે.’ તેણે અભિમાનમાં ડોક અદ્ધર કરી પોતાનું શરીર ઊંચું કર્યું, ને માથા પરથી ખસી જતી મોતીની સેર એક હાથથી સમારી.

એકદમ તોફાનનું વાદળ ફેલાયું. મહાજનમંડળમાં આમ્રપાલીના શબ્દોથી વીજળીનો આંચકો લાગ્યો. ‘તેના ઘરમાં કોણ છે તેની તપાસ પણ ન થાય.’ એ નિયમ ઘણાને ખૂંચવા લાગ્યો.

‘એનો અર્થ એટલો જ કે ગમે તે શત્રુ આવી તેને ત્યાં સલામત રહી શકે,’ મંડળમાં ચર્ચા થવા લાગી.

‘એ નિયમ ન જ સ્વીકારાય.’

‘એ તો જાણે કે મહાજનમંડળની પોતે જ અધિષ્ઠાત્રી !’

મામલો તોફાને ચડેલો જોઈને ‘તમે નિશ્ચય કરો’ એટલું બોલી આમ્રપાલી એકદમ ચાલી નીકળી. તેની પાછળ તેનો પિતા મહાનમન પણ ચાલી નીકળ્યો.

‘મહાજન એવો નિયમ નહિ સ્વીકારે,’ અંતે સૌએ એક અવાજે સિંહનાયકને જવાબ વાળ્યો : ‘અને પ્રજાસત્તાનો નિયમ મહાનમને સ્વીકારવો જ પડશે.’

સિંહનાયકના કપાળ પર ચિંતાની રેખાઓ પડવા લાગી. તેણે પોતાનો હાથ જરા કપાળ પર ફેરવ્યો, ખોંખારો ખાઈને સાદ સુધાર્યો, અને મહાજનને કહ્યું, ‘મહાનુભાવો ! વૈશાલીની આસપાસ તેને કોળિયો કરી જવા માટે અનેક રાજ્યો તૈયાર ઊભાં છે. મહાનમન જેવા શતકોટ્યાધિપતિને એવે વખતે શત્રુ બનાવવો એ રાજનીતિ વિરુદ્ધ છે.’

‘લિચ્છવી જુવાનો પણ તક્ષશિલામાં જઈને ધનુર્વિદ્યા ભણ્યા છે..’• કેટલાક જુવાન સભાસદોએ ઉત્તર વાળ્યો : ‘અને અમે કોઈ પણ રાજ્ય સામે ટક્કર ઝીલવા તૈયાર છીએ !’

• આ અતિશયોક્તિ નથી. તક્ષશિલાથી બીજે નંબરે ગણાતા કાશી મહાવિદ્યાલયમાં એંશી કરોડના માલિકનો એક છોકરો ભણતો એનો ઉલ્લેખ છે. જુઓ ‘વિશ્વભારતી’ (૧-૩)માં પ્રોફે. રાધાકુમુદનો લેખ.

નાયક જરા હસ્યો. એ બેદરકાર હાસ્યથી જ બોલનારા તો શરમાઈ ગયા.

‘તમારી ધનુર્વિદ્યાની કીર્તિ સાચી છે. અને એવો વખત આવે છે કે જ્યારે દરેક જુવાન લિચ્છવી પાસેથી સ્વતંત્રતાના બદલામાં માથું માગવામાં આવશે... પણ આંતરવિગ્રહથી નબળી થયેલી સત્તા સડી ગયેલા ફળની માફક, એની મેળે જ નાશ પામે છે. આંતરવિગ્રહથી બચો.’ કેટલાક વૃદ્ધ અને ડાહ્યા સભાસદો વિચારમાં પડ્યા.

‘શી રીતે બચવું ? આમ્રપાલીને...’

‘એક ઉપાય છે. આમ્રપાલીને આઠ દિવસ અગાઉથી કહ્યા વિના એનું ઘર તપાસાય નહિ એવી શરત મહાજન કબૂલ કરશે ?’ સિંહે કહ્યું.

‘એમાં વૈશાલી નાશ પામશે.’ કેટલાક બોલ્યા.

‘વૈશાલીના આંતરવિગ્રહ કરતાં એ નાશ વધારે ભયંકર નહિ થાય.’

‘આમ્રપાલી એ શરત સ્વીકારે છે ?’

‘તે હું જોઉં છું !...પણ મહાજનને એ માન્ય છે ?’

‘હા, હા...’ એમ બોલતાંની સાથે મહાજનમંડળ ઊભું થયું. નીચે

કેટલાક જુવાનો પરિણામ માટે આતુર હતા. ટોળાબંધ તેઓ સિંહનાયકના ઘોડા પાસે જમા થયા. સિંહ આવતાં જ ‘વૈશાલીનો જય !’ એ શબ્દ સાથે લોકસમૂહ તેની વીંટી વળ્યો.

‘શું કહ્યું ? મહાનમન શું કહે છે ?’

‘તે તો તમે સાંભળ્યું.’

‘અને મહાજન ? મહાજનનો શો જવાબ છે ?’

‘કાલે સન્નિપાતભેરીથી• સૌને ખબર આપવામાં આવશે.’ કહી તે ઝપાટાબંધ પોતાના ઘોડા પર ચડ્યો ને સાંજ પડવા આવી હતી એટલે વૈશાલીના યુદ્ધોદ્યાનમાં ફરવા ચાલ્યો ગયો. અનેક ભવ્ય મકાનોમાં રત્નખચિત ઝરૂખાઓ જોતોજોતો તે વૈશાલીના વિશાળ મેદાનમાં પહોંચ્યો. હજારો ઘોડેસવારો ને રથીઓ ત્યાં નિયમબદ્ધ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતા હતા. પરદેશીઓ, સોદાગરો ને દૂર દૂરના રાજકુમારો લિચ્છવી જુવાનોને કૌતુકથી નિહાળતા ઊભા હતા. એક જગ્યાએ રથીઓ સ્પર્ધામાં ઊતર્યા હતા. જાંબુડી રેશમી દોરીથી વેગમાં દોડતા રથોને કાબૂમાં રાખવા માટે સારથિઓ તનતોડ મહેનત કરતા હતા. રાજહંસની પાંખ જેવા ધોળા ઘોડાઓ જોડેલા રથોમાં બેસીને કેટલાક શ્રીમંતો આ બધું જોઈ રહ્યા હતા.

• લોકસમૂહને ભેગા કરવા માટે વગાડવામાં આવતું ઢોલ જેવું વાદ્ય.

સિંહનાયક આ બધું જોતોજોતો આગળ વધ્યો. જ્યાં જુઓ ત્યાં અશ્વિનીકુમાર જેવા રૂપાળા જુવાનો રથમાં કે ઘોડા પર ફરતા હતા. બધે જ ઠેકાણે શૌર્ય ને નિયમબદ્ધ તાલીમ દેખાતાં હતાં. વૈશાલીનો વિચાર કરતાં અભિમાનમાં ને ઉલ્લાસમાં તેની છાતી ફૂલી. ‘શો ભાર છે બિંબિસારનો, કોસલના કે અવંતીનો કે કોઈનો કે આ લિચ્છવી જુવાનોને એક ઘડી પણ તાબે રાખી શકે ?’ એણે વેગમાં ને વેગમાં ઘોડાને એડી મારી.

નીલપદ્મસરોવરને કિનારે તે આવી પહોંચ્યો. સંધ્યાના રંગો, પાણીને સોનેરી રંગથી છાઈ રહ્યા હતા ને પોયણાં ચંદ્રને જોવા અરધું છાનું હસતાં હતાં. સરોવરને કિનારે અર્ધવર્તુલાકારમાં વૈશાલીનું વિલાસભવન પુષ્પવિહાર આવ્યું હતું. નીચે પાણીમાં સંગેમરમરનાં છત્રોના પડછાયા હાલતા હતા. જ્યાં ત્યાં મધુર કંઠની રમઝટ જામી હતી, ને દીપાવલિઓથી શોભતી અનેક જલનૌકાઓ સરોવરમાં વિહાર કરવા માટે સજ્જ થતી હતી. સિંહ ત્યાં થંભી ગયો. વૈશાલીનો આ ભાગ અત્યંત સુંદર હતો, તેણે વૈશાલી તરફ એક નજર ફેંકી. તાંબાના, રૂપાના અને સોનાના ઘુમ્મટથી વૈશાલી ચિત્રવિચિત્ર રંગો ધારણ કરી રહી હતી. એક ઘડી ત્યાં થંભીને સિંહ પાછો ફર્યો, પણ એ વખતે એની મુખમુદ્રા કંઈક પડી ગયેલી હતી, ઉત્સાહ કમી હતો, ને વેગ ઘટ્યો હતો. એના અંતઃકરણમાં એક ચિંતા ઊંડીઊંડી હમણાં જ જાગી હતી : ‘આટલા બધા વૈભવ ને વિલાસમાંથી પ્રજાનો વિનાશ કરનાર તત્ત્વ તો નહિ જન્મે ને!... લિચ્છવીઓ સુંવાળા રેશમ માટે એમનું લાકડાનું કઠણ ઓશીકું તો નહિ છોડી દે ને ?’

તેણે વિચાર કરતાં પોતાનો ઘોડો ઘર તરફ વળ્યો, ને ત્યાંથી એકલો પગપાળો આમ્રપાલીના ઘર નીલપદ્મભવન તરફ ચાલ્યો.

સિંહ નીલપદ્મભવન પાસે પહોંચ્યો. આમ્રપાલીના આગ્રહી સ્વભાવનું દર્શન તેને થયું હતું. આજે નગરમંદિરમાં મહાજન મંડળ પાસે તેને ખરા સ્વરૂપમાં જોઈ. મહાજનમંડળ પોતાનો કક્કો ન છોડે અને આમ્રપાલી આઠ દિવસ અગાઉથી જણાવ્યા પછી ઘર તપાસાય એવો નિયમ સ્વીકારવા ના પાડે તો, એટલા નાના તણખામાંથી થનારી આગ વૈશાલીને બાળી મૂકશે એ વિચારથી તે આજે ધ્રૂજતો હતો. જો મહાનમન આમ્રપાલીને અમુક યુવાન સાથે પરણાવાવનું નક્કી કરશે તો વૈશાલીના મેદાનમાં અને કદાચ નીલપદ્મભવનની પાસે જ હજારો જુવાનો પોતાના રથોને દોડાવતા આમ્રપાલીને મેળવવા યુદ્ધમાં ઘૂમી રહેશેઃ દેવપુત્ર જેવા લિચ્છવીઓ ધનુષ્યના ટંકાર કરતા સામસામા લડવા માંડશે; આમ્રપાલીનો હાથ મેળવવા માટે દરેકેદરેક જુવાન પોતાનું લોહી રેડશે અને પછી ?... સિંહનાયકે વ્યગ્રતાથી પોતાનું માથું દાબ્યું. આવો જબરદસ્ત આંતરવિગ્રહ થયા પછી ગમે તે શત્રુ ચડી આવીને વૈશાલીને પાયમાલ કરી નાખશે !... નાયક આ કલ્પનાથી એવો ધ્રૂજ્યો કે તેની આંખે તમ્મર આવ્યા, ને તે પોતાના એક આરસના ઓટલા પર બેસી ગયો; શૂન્ય દૃષ્ટિએ નીલપદ્મભવનના ઘેરા આસમાની રંગ તરફ જોઈ રહ્યો.

‘વૈશાલી ! વૈશાલી ! તારા ઘુમ્મટને અખંડ રાખવા સિંહ તો પ્રાણ હશે ત્યાં સુધી ઝઝૂમશે !...’ મનમાં ને મનમાં આવી ગાંઠ વાળતાં તેને નવું બળ આવ્યું હોય તેમ તે તરત સ્વસ્થ થયો ને નીલપદ્મભવનના દ્વારમાં આવીને ઊભો.

દ્વારમાં પેસતાં જ, કલ્પનાની મૂર્તિઓ જેવી દાસીઓએ તેનો સત્કાર કર્યો. ઈંદ્રભવન જેવા અનેક સુંદર ખંડોમાં થઈ તે આમ્રપાલીના ભવનમાં આવ્યો. આમ્રપાલી હિંડોળા ઉપર બેસીને વિચારમાં ને વિચારમાં પગની ઠેસથી હિંડોળો જરાજરા હલાવી રહી હતી. સિંહને જોતાં જ તે બેઠી થઈને તેની સામે પ્રણામ કરતી ઊભી. પાસેના એક લાલ ચંદનના બાજઠ પર સિંહ બેસી ગયો. આમ્રપાલી વીણાને એક તરફ ખેસવીને બીજા બાજઠ પર સામે બેઠી.

‘આમ્રપાલી ! મહાજનમંડળને તારી એકેય શરત કબૂલ નથી.’ સિંહ જરા રહીને બોલ્યો.

આમ્રપાલી દૃઢતાથી તેની સામે જોઈ રહી.

‘પણ મહાજને એટલું કબૂલ્યું છે કે આઠ દિવસની સૂચના આપ્યા પહેલાં તારું ઘર તપાસી ન શકાય. એટલી શરત સ્વીકારવામાં વાંધો નથી.’ સિંહે આગળ કહ્યું.

‘પણ હું તમારા દુષ્ટ નિયમને જ સ્વીકારતી નથી !’ આમ્રપાલી બોલી : ‘તમારા આગ્રહને વશ થઈ જ મેં અમુક શરતો સંથાગારમાં મૂકી હતી.’

સિંહે અપમાન ગળી જવા માટે નેણ પરથી કપાળ પર હાથ ફેરવ્યો. મહાજનમંડળના નિયમનું એક સ્ત્રી અપમાન કરે તે તેને ખૂંચ્યું, પણ તેને ધીરજથી કામ લેવાની ટેવ પડી ગઈ હતી.

‘આમ્રપાલી ! એ નિયમ દુષ્ટ હશે - છે, પરંતુ અત્યારે તો વૈશાલીનું ભવિષ્ય એના પર લટકે છે.’

‘એ નિયમ શા માટે રદ કરતા નથી ? આવા દુષ્ટ નિયમ બીજી કોઈ જગ્યાએ છે ? સ્ત્રીઓનું આવું અપમાન થાય ત્યારે તે સાંખી લેવામાં તમને આનંદ આવે છે ?’

‘એવો વખત આવશે કે જ્યારે આ નિયમ રદ થશે.’

‘ક્યારે ?’

‘જો હમણાં તું વૈશાલીને બચાવશે તો -’

‘વૈશાલીને બચાવવા માટે શું મારે કલંકભરેલું જીવન ગાળવું ?’

‘પ્રજાઓના ઉદ્ધાર માટે એટલું સ્વાર્પણ - યૌવનનું ને યશનું તારી પાસેથી વૈશાલી વતી હું માગી લઉં છું.’

આમ્રપાલીના ફૂંફાડા મારતો સ્વભાવ એકદમ નરમ પડી ગયો, તેને લાગ્યું કે આ માણસ વૈશાલીની મહત્તામાં ઓતપ્રોત છે. વૈશાલીનું નામ સાંભળતાં તેને પણ મહાન થવાની એકદમ પ્રેરણા જાગી.

‘નાયક !’ તે ઠરી ગયેલા અવાજે બોલી, ‘પ્રજાઓના ઉદ્ધાર માટે સ્ત્રીને અમૂલ્ય એવું સ્ત્રીત્વ જ ખપનું છે ? બીજો કોઈ માર્ગ જ નથી ?’

‘મહાન બનનારનું સ્વાર્પણ પણ મહાન જ હોય. વૈશાલીની સ્ત્રીઓએ કનૈયા જેવા રૂપાળા જુવાન પતિ, પુત્ર અને ભાઈઓને હોમી આપતાં આંચકો ખાધો નથી. એવાં મીઠાં લોહી પી પીને આ ધરતીમાં કલ્પદ્રુપ ફાલ્યાં છે. આજે વૈશાલીની ધરતી; સ્ત્રીત્વનો ભારતમાં ક્યાંયે ન ધરાતો એવો વિચિત્ર ભોગ માગે છે.’ સિંહે જવાબ આપ્યો. તેના શબ્દેશબ્દમાં પ્રેરણાના પ્યાલા ભર્યા હતા. આમ્રપાલીની નસેનસમાં પણ ‘વૈશાલી ! વૈશાલી !’ એમ થઈ રહ્યું.

‘વૈશાલીને મારો પ્રાણ આપું તો ?’

‘ના, એનાથી આંતરવિગ્રહ જાગશે, મહાનમનને લાગશે કે પુત્રીનો

ભોગ અપાયો. અનેક કુટુંબો એના પક્ષમાં છે તે બધા મહાજનની સત્તાને ધિક્કારશે. વૈશાલી તારું સ્ત્રીત્વ માગે છે. પ્રજાઓના ઉદ્ધાર માટે તારા મૃત શરીરનો નહિ, પરંતુ જીવતા શરીરનો ખપ પડ્યો છે.’

ચીમળાઈ ગયેલા ફૂલની જેમ આમ્રપાલી ઝાંખી પડી ગઈ. તે ખિન્ન અવાજથી બોલી : ‘નાયક ! વૈશાલી જેવી પવિત્ર નગરી આવો અપવિત્ર ભોગ લેશે ?’ ‘દુનિયામાં વસ્તુમાત્ર નિર્વિકાર - પવિત્ર છે. એને પવિત્ર કે અપવિત્ર ભાવના જ બનાવે છે.’

‘નાયક ! હું સ્ત્રી છું, ને સ્ત્રીત્વ નહિ છોડું.’ આમ્રપાલીએ અત્યંત દૃઢતાથી જવાબ આપ્યો, ‘મહાજન મારી શરત સ્વીકારે તોપણ નહિ. મને ઈશ્વરે સ્ત્રી બનાવી છે, એને મટાડવી એ પણ એક તેના હાથમાં છે !’

‘ત્યારે હવે વૈશાલી, જે અત્યારે તક્ષશિલા, રાજગૃહ, કાશી અને અવંતી સૌને ટક્કર મારે તેવી છે, તે થોડા વખતમાં હતી ન હતી થઈ જશે,’ નાયક ખિન્ન થઈ બોલ્યો : ‘એના બેનમૂન પ્રજાકીય તંત્ર, નીલપદ્મભવન, પુષ્પવિહાર, બધો વૈભવ - સઘળું થોડા વખતમાં સરી જશે.’

‘કેમ ! શી રીતે ?’

‘શી રીતે ? અત્યારે વૈશાલી પર મગધનો મોટો ભય ઝઝૂમી રહ્યો છે એ ખબર છે ? અનિયંત્રિત સત્તાવાળાં ચાર ચાર મહારાજ્યોની વચ્ચે એક ખોબા જેવું વૈશાલી પોતાની સત્તા જાળવી રહ્યું છે. વૈશાલી બધી પ્રજાઓને તારવા માટે નવો સંદેશો લઈ આગળ ધસ્યું છે. આ સંદેશો તે એની મહાજનસત્તાક રાજ્યવ્યવસ્થાનો છે. અને આ સંદેશાની સામે કોણ કોણ છે ? જેવાંતેવાં નહિ પણ કોસલ, વત્સ ને મગધ જેવાં વૈશાલીને ત્રણે દિશાથી ઘેરી પડેલાં ત્રણ મહારાજ્યો અને અવંતી ચોથું.’

‘કોણ - કોસલ પણ ? ત્યાંનો પ્રસેનજિત તો વૈશાલીનો મિત્ર છે ને?’

સિંહે ડોકું ધુણાવ્યું : ‘ના બાપુ ના. એ સૌ રાજકીય તંત્રના હિમાયતી છે, અને તે માટે અરસપરસ મિત્રો બન્યા છે. વૈશાલી સિવાય બીજું કોઈ મગધના બિંબિસારની આડે આવે તેમ નથી. અત્યારે મગધ રાજનીતિની ખાતર કોસલ અને અવંતીનું મિત્ર બન્યું છે, તેણે પોતાની પૂર્વમાંનો અંગદેશ લઈને પીઠ પરથી ઘા ન પડે તેવી સ્થિતિ કરી દીધી છે. હવે આગળ વધવા માટે રાજા બિંબિસાર ગોમતી અને ગંડકીના સંગમ પર વહેલોમોડો કિલ્લો બાંધશે ત્યારે વૈશાલી પણ ધ્રૂજશે અને વૈશાલી પડતાં શું થશે ? રાજાઓની અનિયંત્રિત સત્તા ફરી જાગશે. આમ્રપાલી ! વિદેહમાં રાજાએ એક બ્રાહ્મણકન્યા ઉપર જુલમ કર્યો. ખુદ રાજાની ભરબજારમાં કતલ કરીને લોકોને પ્રજાતંત્ર જાહેર કર્યું છે. લિચ્છવીઓએ ફેલાવેલી પ્રજાકીય તંત્રની ભાવનાનું આ ફળ છે. કપિલવસ્તુમાં, રામગામમાં, કેશપુત્તમાં ને ભગમાં મહાજનસત્તા જમાવવા માટે પ્રબંધ પણ રચાયા છે. એકહથ્થુ સત્તાના શોખીન મગધની સામે પ્રજાતંત્રનો નવો સંદેશો વૈશાલી પોકારી રહ્યું છે.’

‘એમાં વૈશાલી ફાવશે ? નહિ ફાવે તો ?’

‘ફાવશે ? કોને ખબર છે ? મગધ અત્યંત બળવાન છે. આપણું તો ઘર ફૂટ્યું છે. મારો ભાઈ ગોપાલ રાજા બિંબિસારનો પ્રધાન છે. જો વૈશાલી નહિ ફાવે તો કોસલ, વત્સ ને બીજા અનેક દેશો જે અત્યારે મગધના મિત્રો છે તે મગધમાં હોમાઈ જશે. મગધની મહત્ત્વાકાંક્ષા ઠેઠ અવંતી સુધી પહોંચવાની છે. એટલે વૈશાલી પડશે કે તરત મગધનો વાવટો અવંતી ઊપડશે ! અત્યારે માત્ર વૈશાલી અનેક પ્રજાઓને પ્રજારૂપે જાળવી રહ્યું છે !’

‘કોસલ પણ પડશે ?’

‘હા, બધા જ પડશે. વૈશાલી પડશે, અનેક પ્રજાઓ પડશે, પ્રજાકીય તંત્રો પડશે, માત્ર મગધનો સૂર્ય અંગદેશથી અવંતી સુધી તપશે !...’

આમ્રપાલી આ મહાપુરુષની દૃષ્ટિ જોઈ રહી. એને વૈશાલી મારફત અનેક પ્રજાઓનો ઉદ્ધાર કરવો હતો. રાજસત્તાકને બદલે ગણસત્તાક વ્યવસ્થા દાખલ કરવી હતી. વૈશાલીનો વૈભાવ કાયમ રાખવો હતો.

‘નાયક !’ તે એની મહત્તાથી અંજાઈને બોલી : ‘પ્રજાઓનો આ કલ્યાણમાર્ગ કેમ ખુલ્લો રહી શકે ?’

‘તું એને ખુલ્લો રાખે તો જ, પવિત્ર હેતુ માટે તારાં યૌવન, યશ ને ગૃહસ્થાશ્રમ - એ ત્રણનો મહાન ભોગ દે તો જ.’

‘હાય ! વૈશાલી ! સ્ત્રીત્વ તું લેશે ? પછી મારી પાસે શું રહ્યું ?’

‘પછી શું રહ્યું ? લોકકલ્યાણ માટે અપવિત્ર થયેલું શરીર - પરંતુ તેમાં વસતો પુણ્યપવિત્ર આત્મા. આત્મા શરીરમાં નથી રહેતો, વિચારમાં રહે છે.’

આમ્રપાલીના હૃદયસોંસરવો એક ઘા થઈ રહ્યો. તે ઘડીભર શાંત થઈ ગઈ. પણ પછી દૃઢ અને સ્પષ્ટ શબ્દોમાં બોલી ગઈ : ‘નાયક ! આ બધો તર્કવાદ ભયંકર છે; પણ જા વૈશાલીને મારું યૌવન, યશ ને ગૃહસ્થાશ્રમ ત્રણે સમર્પણ કર્યા ! આવતી કાલથી હું પુષ્પવિહારમાં રહેવા જઈશ, મારે મન હવે કોઈ પુરુષ જ રહ્યો નથી. સ્ત્રીને જોઈને સંયમ રાખે તે પુરુષ, અને ધ્રૂજે તે જનાવર ! લિચ્છવીગણને આટલો છેલ્લો સંદેશો પણ મારા તરફથી આપજે કે ‘અક્ષણવેધી’ ને ‘વાલવેધી’નો અભ્યાસ કરવા માટે લક્ષ્ય બનાવવા આમ્રપાલીનું માથું જોઈએ તો માગી લેજો !... અને નાયક ! લિચ્છવીઓ વિલાસી બન્યા છે માટે તેમનો નાશ નજીક છે !’ એટલું બોલીને આમ્રપાલી વીજળીની ઝડપથી બેઠી થઈ દોડી ગઈ. અંદરના ખંડમાં જતાં જ એના દાબેલા રુદનનો અવાજ આવ્યો.

સિંહે જવા માટે પગ ઉપાડ્યો હતો તે ખેંચાયો : ‘દેવી ! વૈશાલી તો પ્રસન્નચિત્તે આપેલો ભોગ લે છે. આમ્રપાલી ! હું તને બંધનમુક્ત કરું છું. આવો ભોગ ન ખપે !’ આમ્રપાલી ! એકદમ બારણામાં બહાર આવી. તેનો ચહેરો કડક ને ઉગ્ર હતો. તેણે સિંહ સામે જોયું.

‘આંસુ સાથે આપેલો ભોગ ન ખપે, આમ્રપાલી !’ સિંહે સ્પષ્ટ અવાજે કહ્યું.

‘આંસુ ?’ આમ્રપાલી બોલી : ‘આંસુ ક્યાં છે ?’ તે ટટ્ટાર થઈ ગઈ.

‘આંસુ તો, નાયક ! હવે શરીરમાં ક્યાંયે નથી. આત્મામાં છે; ને તે વહાલા વૈશાલી માટે હમેશાં ખરશે !’

સિંહનો જવાબ સાંભળવા ઊભી ન રહેતાં તે અંદર દોડી ગઈ, ચંદનનાં સુગંધી તેલથી મહેકતી સોનાની દીવીઓ પાસે થઈ નાયક ધીમે પગલે બહાર ચાલ્યો ગયો.

આ પછી ઘણા દિવસ વીતી ગયા છે. વૈશાલીમાં આમ્રપાલીની વીણાની લોકપ્રિયતા હજી ઘટી નથી. છેક તક્ષશિલાથી ચંપા સુધીના સોદાગર વૈશાલીની અનેક વાતો કરે છે. તેમાં આમ્રપાલીની વાત પણ આવે છે. મગધનો રાજા બિંબિસાર એક વખત આમ્રપાલીને મળવા આતુર થયો. પોતાના પ્રધાન ગોપાલ મારફત ખબર કઢાવ્યા. આમ્રપાલીએ કહેવડાવ્યું કે, ‘ખુશીથી આવજો, પણ તમારી રાજખટપટ ત્યાં છોડતા આવજો. આઠ દિવસ સુધી તો તમે મારા ઘરમાં સહી સલામત છો.

રાજહંસ જેવા સુંદર ધોળા બળદ જોડેલા ગાડામાં બેસીને રાજા બિંબિસાર પુષ્પવિહારમાં ઊતર્યો. તે દિવસે વૈશાલીમાં પર્વ હતું. સ્ત્રીઓના રાસ, જુવાન લિચ્છવીઓની રથની પ્રતિસ્પર્ધા અને વિધવિધ રોશનીભરી નૌકાઓથી નીલપદ્મ સરોવરનો કિનારો ગાજી રહ્યો હતો. આ બધું જોતો ને રાજગૃહ સાથે વૈશાલીને સરખાવતો બિંબિસાર ઈન્દ્રભવન જેવા આમ્રપાલીના સપ્તભૂમિકાપ્રસાદમાં પેઠો.

અંદર પેસતાં જ એક મોટું ચોગાન હતું. ચોગાનની ચારે તરફ અનેક ખંડો હતા, ને તેના ઉપર બીજા ખંડો આવ્યા હતા. છેક ઉપરના ભાગમાં સંગેમરમરના છત્ર ઉપર સુવર્ણકળશો શોભી રહ્યા હતા.

રાજા બિંબિસાર ત્યાં ઊભો કે તરત જ સુંદર દાસીઓ આવી તેને પ્રણામ કરતી ઊભી. બિંબિસારે આમ્રપાલીને મળવાની ઈચ્છા દર્શાવી. ખૂબસૂરત દાસીઓ સાથે સુગંધી પાણી છંટાયેલા રસ્તા પર તે આગળ વધ્યો. મીનાકારી કમાનોવાળા સંગેમરમરના સુંદર કુંડની પાસે એક દાસી સોનાના કળશમાં સુગંધિત જળ લઈને હાજર હતી. મર્દન અને સ્નાન કર્યા પછી તે અનેક ખંડમાં થઈ ઉપર ગયો.

‘અહીં આમ્રપાલી આવશે,’ એમ કહેતી હસતી દાસીઓ ચાલી ગઈ.

રાજા એકલો ખંડમાં ઊભો. આખો ખંડ સંગેમરમરનો હતો. ભીંતો પર ચિત્રો ટાંગેલાં હતાં. એક તરફ ચંદનના બાજઠ પર મૂકેલી સોનાની ધૂપદાનીમાંથી ધૂપનો સુગંધ ફેલાતો હતો. બીજી તરફ સુખડના તેલથી બળતા દીવાઓના પ્રકાશમાં રત્નના તેજ જેવી ભોંય નીલપદ્મના રંગ જેવી દેખાતી હતી. સ્વચ્છ પાણીના સરોવર જેવી નીચલી ભોંય હતી, અને તેમાં અનેકરંગી માછલીઓ તરતી હતી.

રાજા આગળ પગલું દેતાં થંભ્યો. ભોંયતળિયું ને તેમાં માછલીઓને ફરતી જોઈ તેને શંકા ગઈ, ‘પાણી હશે તો ?’ તેણે પોતાની રત્નની વીંટી કાઢી ફેંકી. શુદ્ધ રણછો સંભળાયો. તે આગળ પગલું ભરે છે, ત્યાં તો મધુર, મંદ, સોનાની ઘૂઘરીઓ જેવું પહેલું હાસ્ય અને પછી શબ્દો સંભળાયા :

‘એ તો અહીંના શિલ્પી મહાલીની કૃતિ છે; પાણી નથી, તેજની રચના છે; અને માછલીઓ પણ યંત્રથી જ ફરે છે.’

રાજાએ ઊંચું જોયું, સામેના ખંડનું દ્વાર ખોલી આમ્રપાલી ત્યાં હસતી ઊભી હતી. તેણે મલબારી ગાજનો સાળુ પહેર્યો હતો. પાણીના જેવો તદ્દન પાતળો ચિનાઈ રેશમનો ચણિયો તેના અર્ધ અંગને ઢાંકતો હતો. લંકાનાં મોટાં સરખાં પાણીદાર મોતીની માળા તેની ડોકમાં લટકતી હતી. કટિમેખલા, હીરાનાં કુંડલ ને રત્નજડિત નૂપુર આ શૃંગારથી આમ્રપાલીનું સૌંદર્ય બેનમૂન બન્યું હતું. એક મંદ હાસ્યથી રાજાએ આગળ વધવાનું કહી પોતે હિંડોળા પર જઈ બેઠી. સોનાના સળિયાને રત્નની વેલ ચડાવી હિંડોળાને અત્યંત સુંદર બનાવ્યો હતો. રાજા બિંબિસાર આગળ વધ્યો, ને ઘડીભર મગધ અને વૈશાલીની દુશ્મનાવટ ભૂલી આ અનુપમ હિંડોલ પર બેઠો. હિંડોલ હાલ્યો ને હવા નાખવા દાસીઓ હાજર થઈ ગઈ. મીઠી પીળી કિનખાબની ગાદી પર રત્નજડિત કમળ ને રાજહંસ શોભતાં હતાં. ઓશીકા પર મોતીની વેલ ચડાવી હતી. પાસે ચંદનના બાજઠ પર એક નાની સરખી મોતીથી ભરેલી સુવર્ણની ધૂપદાનીમાંથી સુગંધ ફેલાતો હતો. નવપ્રભાતના જેવા શાંત પણ મોહભર્યા તાજા ખુશનુમા ચહેરા પર દીવાનો પ્રકાશ પડ્યો. કોતરેલ હાથીદાંતના હાથવાળી ચમરીથી હવા નાખતી દાસીઓ એક પછી એક સરી ગઈ. અનેક તારાખચિત રજની શોભે તેમ આમ્રપાલી એકલી એ ખંડમાં શોભી રહી.

રાજા બિંબિસાર આઠમે દિવસે ચાલ્યો ગયો.

આ બનાવને છ વર્ષ વીતી ગયાં છે. એ જ મકાનમાં એ હિંડોળ પર એક પાંચ વર્ષનો કુમાર સૂતો છે. તે ભરનિદ્રામાં છે. આમ્રપાલીને રાજા બિંબિસારથી થયેલો પુત્ર તે આ. પાસે બાજઠ પર આમ્રપાલી બેઠી છે.

આજે તેના ચહેરા પર ભારે વેદના પથરાઈ ગઈ છે. દીવાઓનો મંદ પ્રકાશ થયો ને કૂતરાં ભસવા લાગ્યાં, જાણે કોઈ જબ્બર આઘાત થયો હોય તેમ આમ્રપાલી બે હાથથી માથાને દબાવી નીચે મોંએ બેસી રહી.

થોડી વારે દ્વાર ખૂલ્યું. આમ્રપાલીએ બેદરકારીથી ઊંચું જોયું. તેની દાસી આવતી હતી.

‘ભોજલ કહે છે, રથ તૈયાર છે.’

આમ્રપાલી હાથ વતી તેને જવાની નિશાની કરી, પોતે પાછી નીચે મોંએ બેસી ગઈ.

‘બે ઘટિકા રાત્રી રહી છે...’ દાસી જતાં જતાં બોલતી ગઈ.

થોડી વારમાં ફરી દ્વાર ઊઘડ્યું ને પુરુષનો ભરેલો અવાજ આવ્યો : ‘આમ્રપાલી !’

આમ્રપાલી સડાપ બેઠી ગઈ ગઈ. ધૂળ ખંખેરે તેમ તેણે વેદના ખંખેરી નાખી. એનો ચહેરો કડક, તીવ્ર અને દૃઢ બન્યો.

‘આવો સિંહનાયક...’ અને તેણે પોતાનો એક બાજઠ તેના તરફ સેરવ્યો.

‘કુમાર સૂતો છે ?’

‘હા, પણ હવે રથ તૈયાર છે, જવાની તૈયારી છે; પણ... તમને ખાતરી છે કે કુમાર તેના પિતા પાસે મગધમાં જાય તેમાં વૈશાલીનું હિત છે? બીજો કોઈ માર્ગ નથી જ ? તમે ગઈ કાલે કહ્યું કે, વૈશાલીની ખાતર, કુમાર છોડ. આજે હું તેમ કરવા તૈયાર છું, પણ એમાં જ વૈશાલીનું હિત છે ?’

‘હા અનેક રીતે. મગધમાં એના જવાથી બે પક્ષ થશે. રાજા બિંબિસારના પાટવી અજાતશત્રુ સામે આ તારો કુમાર પ્રતિસ્પર્ધી થશે. અને એમાં કદાચ એ ફાવશે તો વૈશાલી પર એને ભાવ રહેશે. ભવિષ્યની કોને ખબર છે ? એ નહિ ફાવે તો વૈશાલી એને ફરી સંઘરશે.’

‘રાજખટપટમાં આ કુમાર જીવી શકશે ? નાયક, આવા કુમળા બાળકને હાથે કરીને આવો ઝેરનો પ્યાલો દેતાં છાતી ધ્રૂજે છે !’

‘તેં રાજા બિંબિસાર પાસેથી વચન નથી લીધું કે તેણે પુત્રને પાળવો?’

રથમાં જોડેલા ઘોડા ખોંખારવા માંડ્યા. આમ્રપાલી અત્યંત દુઃખથી બે ઘડી બોલી નહિ.

‘હા, વચન તો લીધું છે.’

‘ત્યારે બસ, મગધનો રાજા એકવચની તો છે જ. એ શત્રુ છે છતાં એના ગુણ પ્રશંસાપાત્ર છે. અજાતશત્રુની મા - વૈદેહી - પણ ત્યાં નથી ? એ મારી પુત્રી છે, અને વધારે નહિ તો કુમારને સાચવશે તો ખરી જ. બિંબિસાર તારે ત્યાં આવ્યા ત્યારે ગોપાલ સાથે પણ તેં પ્રથમથી એ શરત નહોતી કરી?’

કુમાર પડખું ફર્યો. તેના ચહેરા પર દીવાનો પ્રકાશ પડતો હતો. આમ્રપાલી ત્યાં જોઈ રહી. સિંહ ચેત્યો હોય તેમ એકદમ બેઠો થયો. ‘આમ્રપાલી, હવે માંડ દોઢેક ઘટિકા રાત્રિ હશે.’

આમ્રપાલી બેઠી થઈ, દાસી આવીને કુમારને તેડવા લાગી. તેને હાથથી આઘે ખેસવી આમ્રપાલીએ કુમારને તેડ્યો. તેની આંખો મીંચાયેલી હતી. તેણે નિદ્રામાં જ માના ખભા પર ડોકું નાખી દીધું. આમ્રપાલીની આંખમાંથી આંસુ ખરવા લાગ્યાં, પણ તે બળ કરીને આગળ વધી.

ચોગાનમાં રથ તૈયાર હતો. સુંવાળી ગાદી પર ધીમેથી કુમારને મૂકી આમ્રપાલી તેની પાસે બેઠી. બે દાસીઓ પાછળ ચડી.

‘સાથે કોણ જાય છે ?’

‘વાસવી અને મલ્લિકા, હું થોડે જઈને પાછી ફરીશ.’

રથની દોરી શિથિલ થઈ, ઘોડા ઊપડું ઊપડું થયા. અચાનક ભડકી ઊઠે તેમ આમ્રપાલી બેઠી થઈ ગઈ.

‘અરે ! અરે ! નાયક આ શું ?’

સિંહ આમ્રપાલીના ચરણમાં પડ્યો હતો. તેની રેશમી મોજડીને તેણે માથા પર ચડાવી.

‘આમ્રપાલી ! તું સ્ત્રી નથી, સ્વાતંત્ર્યની દેવી છે ! તું વૈશાલીમૂર્તિ છે ! કુમારને હરકત થાય તો મેં મગધને પહોંચી વળવા જેટલી તૈયારી રાખી છે હો ! હવે સુખેથી સિધાવો.’ સિંહનાયકે સૂતેલા કુમાર પર હેતથી હાથ ફેરવ્યો : ‘બેટા ! મગધમાં પણ મહાજનસત્તા સ્થાપવા ચિરંજીવ થાજો હો-’

તે વજ્ર પુરુષની છાતીએ પણ ડૂમો આવ્યો. આનંદથી કિલકિલાટ હસતા નિર્દોષ બાળકને ઊંઘમાં ને ઊંઘમાં પોતે આજે પરદેશ - છેક મગધમાં-એકલો, અનાથ મોકલતો હતો, એ વિચાર આવતાં તેની આંખ ભરાઈ ગઈ.

‘આમ્રપાલી ! તું તો થોડેથી જ પાછી આવે છે નાં ?’ ‘હા, સીમાડાથી જ.’

રથ ચાલતો થયો. અંધારામાં તેનો અવાજ અત્યંત કર્કશ લાગ્યો.

નાયક આંસુ લૂછતો એકલો અંધારામાં ચાલ્યો ગયો. આમ્રપાલીના રથનો અવાજ પણ અંધારામાં ડૂબવા લાગ્યો. વૈશાલીનો નાયક એકચિત્તે, મંદ - અતિમંદ બનતા ઘોડાના ડાબલાનો અવાજ સાંભળી રહ્યો. અંધકારમાં અવાજ તદ્દન ડૂબી ગયો ત્યારે તે ઘડીભર ત્યાં ઊભો રહ્યો ને મનથી બોલ્યો : ‘વૈશાલીમાં જ્યાં સુધી આવી સ્ત્રીઓ છે ત્યાં સુધી વૈશાલી અજેય છે !’

રથ જ્યારે સીમાડે પહોંચ્યો ત્યારે મોંસૂઝણું થતું આવતું હતું. આછા ઉજાસમાં કુમારનો ચહેરો દેખાવા લાગ્યો. આમ્રપાલીએ તેને એક વખત ગોદમાં લીધો ને કપાળ પરથી વાળ ખેસવી ચુંબન કર્યું, ફરી ચુંબન કર્યું - અતૃપ્ત આત્માને સંતોષવા હજી એક વખત ચુંબન કર્યું. એ વખતે કુમારે ઊંઘમાંથી આંખ ઉઘાડી ! ‘બા એટલું બોલીને પાછો તે તરત સૂઈ ગયો.

થોડી વારમાં સિંહના મોકલેલા સવારો આવ્યા. ‘રથના રક્ષણ માટે સિંહનાયકે અમને મોકલ્યા છે’ કહી તેઓ આમ્રપાલી પાસે આવી હાજર થયા.

હવે ઘડીભર પણ થોભાય તેમ હતું નહિ. કુમાર જાગે તે પહેલાં નીકળી જવું જોઈએ. તે નીચે ઊતરી, ને ઊતરતાં ઊતરતાં એક વાર છોકરાને ગોદમાં લીધો.

‘પહોંચો કે તરત ગોપાલને ત્યાં જજો હો, ભોજલ ! અને વાસવી! મલ્લિકા ! - જીવની જેમ એને જાળવજો !’ દાસીઓના દેખતાં આંસુ ન આવે તો ઠીક, એમ વિચારી મોઢું ફેરવીને આંસુ લૂછી નાખ્યાં.

‘ગોપાલને બધી વાત આગળથી થઈ ગઈ છે એટલે કંઈ વાંધો નથી. વાસવી ! મલ્લિકા ! - કુમારને જાળવજો હો !’

‘દેવી ! અમારા જીવની પેઠે જાળવીશું !’

‘અને વારંવાર સમાચાર કહેવરાવજો હો ?’

થોડે છેટે ઝાડ પર કાગડા બોલવા લાગ્યા. પ્રકાશ વધવા લાગ્યો. આમ્રપાલીએ કુમારને એક વખત નીરખી લીધો. તેણે હાથથી રજ હાંકવા

આજ્ઞા કરી. દાસીઓએ પ્રણામ કર્યા. રથ ચાલતો થયો. આમ્રપાલી પથ્થરના પાળિયાની માફક ત્યાં થંભી ગઈ; રથ જોતી જ રહી. રથ દેખાતો બંધ થયો; તેનો અવાજ બંધ થયો : માત્ર તેની ધૂળ જ રહી; આમ્રપાલી હવે ધૂળ જોવા લાગી. જ્યારે એ પણ બંધ થઈ ત્યારે એ અત્યંત શોકથી પાછી ફરી. સામે વૈશાલીનાં મંદિરો પ્રકાશી રહ્યાં હતાં. કાનની બૂટ પાસે આંગળી મૂકી તે મંદિરો તરફ જોઈ રહી : ‘મને કોણ વધારે વહાલું છે ? વૈશાલી કે કુમાર ?’

અત્યંત બળથી ઉગ્ર વેદના તેના ચહેરા પર ફરી ફરી દેખાવા લાગી. દૃઢ નિશ્ચય પ્રેમના તાપમાં ઓગળી ગયો.

તે ગાંડાની માફક એકદમ રથને રસ્તે દોડી. પક્ષીઓ બોલી રહ્યાં હતાં, સૂરજનાં કિરણો ફૂટતા હતાં, ને ઉષાએ આવીને રજનીની ચાદર સંતાડી દીધી હતી. ‘હાય ! હાય ! અત્યારે એ પૂછતો હશે, મારી બા ક્યાં છે ? મારી મા ક્યાં છે ? ઓ મારા ફૂલ ?’

જંગલમાં ઘાસ પર પડી તે ખૂબ રડી. આર્તસ્વરના રુદનથી જંગલને ગજાવી રહી, અંતે આંસુ પણ ખૂટ્યાં. તે નિરુપાયે ધીમે પગલે પાછી ફરી. વૈશાલીના સુવર્ણ કળશો, રૂપેરી કળશો ને તાંબાના કળશો દેખાવા લાગ્યા. કુમાર વિનાનું પોતાનું જંગલ જેવું મંદિર તેની નજરે ચડ્યું. વેદનાના જુસ્સામાં ધબ દઈને નીચે બેસી ગઈ.

વૈશાલી ! ઓ વૈશાલી ! તને મેં મારું સ્ત્રીત્વ આપ્યું. માતૃત્વ આપ્યું, હવે શું જોઈએ છે ? બોલ, શું આપું ?’

ચારે તરફથી જાણે જંગલ બોલતું હોય તેમ લાગ્યું : ‘તારો પ્રાણ !’