Case No. 369 Satya ni Shodh - 27 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - 27

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”

ડો. હિના દરજી

પ્રકરણ - ૨૭

શુક્લા: “ના ભાઈ... એવું ના કરીશ... તું કહે એમ તારો ભાઈ તારા સુધી આવી જશે... પણ પછી ખેંગારને હું શું કહીશ?”

કરણ: “તું પહેલા મારો પ્લાન સાંભળ... પછી ખેંગારને તારે જે કહેવું હોય એ કહેજે... અત્યારે આઠ વાગવામાં થોડી મિનિટો બાકી છે... બરાબર સાડા આઠે સ્વામી વિવેકાનંદ ગાર્ડન પાસે એક ગાડીમાં ત્રણેય છોકરાઓને બેસાડવાના છે... જો સાડા આઠથી ઉપર એક મિનિટ પણ થઈ તો હું આ વિડીયો સૌથી પહેલા પોલીસ કમિશ્નરને મોકલીશ... પછી તરત ઇન્ટરનેટ પર અને દરેક ન્યુઝ ચેનલ પર અપલોડ કરીશ...”

શુક્લા: “નહીં... નહીં... બરાબર સાડા આઠ વાગે ત્રણેય છોકરાઓ ત્યાં આવી જશે...”

કરણ: “જો ખેંગારને કે બીજા કોઈને ખબર પડી... કોઈ મારી ગાડીનો પીછો કરતું દેખાયું તો પણ અપલોડ થઈ જશે...”

શુક્લા: “ના ભાઈ કોઈને જાણ થશે નહીં... પણ મારે કોર્ટ અને ખેંગારને શું જવાબ આપવાનો?”

કરણ: “એ શુક્લા... તેં ખેંગારને આવો સવાલ પૂછ્યો હતો, જ્યારે વિક્કીને સોંપવાનું વચન આપ્યું હતું? તો મને શું કરવા પૂછે છે? કોર્ટમાં આપવાનો જવાબ તો તેં વિચારી રાખ્યો હશે ને?

શુક્લા: “પણ એ પ્રમાણે કરવું હવે શક્ય નહીં બને...”

કરણ: “તો પછી હું કહું એ પ્રમાણે કરી શકે તો, તારા માટે લાભદાયક રહેશે... ધ્યાનથી સાંભળ... નીલિમા કોમામાંથી થોડા સમય માટે બહાર આવી હતી, ત્યારે પકડવામાં આવેલા ત્રણેય છોકરાઓએ નહીં પણ બીજા એક છોકરાએ બળાત્કાર કર્યો છે અને એ છોકરો અમદાવાદનો હતો એવું સ્ટેટમેન્ટ આપ્યું છે... પીડિતા છોકરી આ સ્ટેટમેન્ટ આપ્યા બાદ ફરી કોમામાં ગયેલ છે... દીકરીનાં સ્ટેટમેન્ટનાં આધારે એના પિતાએ ત્રણેય છોકરાઓને છોડવા માટે અને અસલી ગુનેગારને શોધવા અપીલ કરી હતી... ત્રણેય છોકરાઓએ ગુનો કબુલ કર્યો નથી... નીલિમાનાં સ્ટેટમેન્ટ આપ્યા બાદ પણ લોકઅપમાંથી છોડવામાં ના આવવાનાં કારણે છોકરાઓએ અન્ન-જળનો ત્યાગ કર્યો હોવાથી તબિયત બગડવાથી એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે...”

શુક્લા: “પણ નીલિમાનું સ્ટેટમેન્ટ હું ક્યાંથી લાવું? કિશોરની અપીલ પણ જોઈએ...”

કરણ: “ક્યાંથી લાવવું એ તારે વિચારવાનું છે... બધી મદદ હું નહીં કરી શકું... બસ આજે મારે એ ત્રણે છોકરાઓ કોર્ટમાં નિર્દોષ સાબિત જોઈએ છે... જો એ નિર્દોષ સાબિત ના થયા તો પણ તમારો વિડીયો મારી પાસે છે... એ યાદ રાખજે... શુક્લા ‘કેસ નંબર - ૩૬૯’માં આજે મારો ભાઈ અને એના મિત્રો નિર્દોષ સાબિત થવા જોઈએ... સાથે અમદાવાદનાં છોકરાને શોધવા માટે કોર્ટની મંજૂરી મળવી જોઈએ... કેસ માત્ર ત્રણેય છોકરાઓને નિર્દોષ બતાવીને બંધ નથી કરવાનો... અસલી અપરાધીને શોધવા માટે ચાલુ રાખવાનો છે... જો આવું ના થયું તો........”

શુક્લા: “આ તો બહુ વધારે છે... અસલી અપરાધીને પકડવા જઈશું તો મોત નિશ્ચિત છે...”

કરણ: “શુક્લા... આટલા વર્ષ તેં પાણીમાં કાઢ્યા... પોલીસની નોકરી છોડી ગામડે જઈ ખેતી કર... તું એને જ લાયક છું... તારા અને ખત્રી પર કોઇ મુસીબત ના આવે એટલે તો છોકરો અમદાવાદથી આવ્યો એવું ગોઠવ્યું છે... અમદાવાદ અસલી અપરાધીને શોધવાનાં બહાને તું અને ખત્રી થોડા મહિનાઓ માટે મુંબઇ છોડી ક્યાંક લાંબુ વેકેશન માળવા ઉપડી જાવ... સરકારી ચોપડે તારા પર કોઇ તવાઇ નહીં આવે એવો વચલો માર્ગ મેં તને બતાવ્યો... એનો અમલ તો તારે કરવો પડશે નહીંતો મુશ્કેલી ભોગવવા તૈયાર થઈ જા..."

શુક્લા પ્લાન સાંભળી સુન્ન થઈ ગયો હતો. એ પ્લાન પ્રમાણે છોકરાઓ તો જેલની બહાર આવી જશે, પણ એના અને ખત્રી ઉપર રાજુ, ખેંગાર અને અંગાર બંદૂક તાકીને ઉભા રહેશે. જે લોકોને મારવા માટે પૈસા લીધા એ છોકરાઓને કોર્ટમાંથી ક્લીનચીટ અપાવવાની હતી. બન્નેની હાલત ના ઘરની ના ઘાટની એવી થઈ હતી. જો વિક્કીને છોડી દે તો ખેંગાર મારી નાંખશે. જો વિક્કીને ખેંગારનાં હવાલે કરે તો નોકરી અને ઇજ્જત જાય, ઉપરથી સમાજમાં બદનામ થઈ જાય. એક બાજુ ખીણ અને એક બાજુ કુવો હતો. બન્નેમાંથી એકમાં કૂદવું પડે એવું હતું. જો જીવ બચાવવો હોય અને સમાજમાં માનભેર રહેવું હોય તો ખીણ અને કુવાની કિનારી પર સ્થિર થઈ જીવવાનું હતું. શુક્લા હજુ પણ વિચારોમાં હતો.

કરણ: "રહી વાત ખેંગારને જવાબ આપવાની... તો એ તારો પ્રશ્ન છે... તારે જે જવાબ આપવો હોય એ આપ... મારે મારો ભાઈ જોઈએ... બસ એક વાતનું ધ્યાન રાખજે... બરાબર મારા આપેલા સમયે વિક્કી ત્યાં આવી જવો જોઈએ...”

શુક્લા આગળ કશું બોલે એ પહેલા કરણ ફોન કટ કરે છે. તરત સલિમને ફોન કરી તાત્કાલિક એક ગાડી ગાર્ડન પાસે મંગાવે છે અને બીજી ગાડી બે કિલોમીટર દૂર શાંત અને સલામત જગ્યાએ ઉભી રાખવા કહે છે. કોઈને શક ના થાય એ રીતે ત્રણેય છોકરાઓને ખૂબ જલ્દી મુંબઈની બહાર મોકલવાનો પ્લાન હતો. એકવાર ત્રણેય છોકરાઓ પપ્પા જોડે સુરત પહોંચી જાય પછી કોઈ ચિંતા નહીં.

અત્યારે સલિમ સિવાય કોઈ મદદ કરી શકે એમ નહોતું. કરણ ઘણીવાર સલિમ પાસે ગાડીની મદદ લેતો. સલિમ પણ ગાડીની વ્યવસ્થામાં લાગે છે. સલિમનાં ગેરેજમાં ઘણી ગાડીઓ રીપેરીંગ માટે આવતી અને એનો પોતાનો ટ્રાન્સપોર્ટનો ધંધો હતો. જ્યારે ઓફિસિયલ કામ પાર પાડવાનું હોય ત્યારે પોતાની ગાડીઓમાંથી આપતો. પણ ખતરાવાળા કામ માટે રીપેરીંગ માટે આવેલી ગાડી નંબર પ્લેટ બદલીને વાપરવામાં આવતી. સલિમને ક્યારે કેવી ગાડી ઉપયોગમાં લેવાની એ સમજાવવાની જરૂર રહેતી નહીં. ગણતરીની મિનિટોમાં ગાડી આવી જાય છે. બીજી ગાડી પણ બતાવેલી જગ્યા પર ઉભી રહે છે. સલિમે બન્ને ગાડીમાં બીજી નંબર પ્લેટ જરૂર પડે તો મૂકી હતી. થોડા સમયમાં બે છોકરાઓને કરણ પાસે મોકલે છે.

કરણ સાથે વાત કર્યા પછી શુક્લા અને ખત્રી વધારે ટેન્શનમાં આવ્યા હતા. બન્ને આ મુસીબતમાંથી કેવી રીતે બચવું એના વિષે વાત કરે છે. સમય બહું ઓછો હોવાથી ખત્રી અને શુક્લા ત્રીજા વ્યક્તિની મદદ લેવાનું વિચારે છે. સિંદેને થોડા રૂપિયાની લાલચ આપી નીલિમાનું સ્ટેટમેન્ટ બનાવવાનું કહે છે. ખત્રી કિશોરની અપીલ બનાવવા લાગે છે. શુક્લા કોઇ ડોકટરને ફોન કરી વિક્કી, પ્રતિક અને રોહિત હોસ્પિટલમાં સારવાર નીચે છે એના કાગળ તૈયાર કરાવે છે. ત્રણેયમાં શુક્લા સૌથી પહેલા ફોન કરી ફ્રી થાય છે. છોકરાઓને વિવેકાનંદ ગાર્ડન સુધી લઈ જવાનું કામ પણ શુક્લાનાં ભાગે આવે છે. ખત્રી અને શુક્લા પહેલા વિડીયો અપલોડ થતો રોકવાનું કામ કરે છે. ખેંગારથી બચવા માટે પછી કોઇ પેંતરો કરવાનું વિચારે છે.

વિશાલ એ ત્રણેયની વાતો કરણને જણાવે છે. કરણ અને વિશાલ એમનો પ્લાન સફળ થઈ રહ્યો છે એ જોઇ થોડી રાહત અનુભવે છે. પરંતુ બન્નેને આગળ શું મુસીબત આવવાની છે એનો થોડોઘણો અણસાર હતો. વિચાર્યા પ્રમાણે કામ થાય તો માત્ર વિક્કી અને એના મિત્રો જેલની બહાર આવવાના હતા. એમના પર અને પરિવાર પર આવેલો ખતરો વધારે વધવાનો હતો એ સારી રીતે સમજતા હતા.

કરણ: "વિશાલ, હવે તારે ચા બનાવવાની અને પીવડાવવાની જરૂર નથી. તું અત્યારે ગાર્ડનથી દૂર સલિમે બીજી ગાડી મોકલાવી છે એ વેશ બદલી લઈ લે... હું વિક્કીને લઈ આવું છું... તારે ત્રણેય છોકરાઓને લઇ સુરતથી પહેલા એક ગામમાં પપ્પા ગયા છે ત્યાં જવાનું છે... હું બીજા કોઇ પર વિશ્વાસ કરી શકું એમ નથી... એ લોકો હેમખેમ પપ્પા સાથે પહોંચી જાય પછી આપણે આગળ એક પછી એક બધાની મેથી મારીશું..."

વિશાલ તરત કરણની બતાવેલી જગ્યા પર જવા નીકળે છે. પછીનાં અડધા કલાકની અંદર બનાવ ખૂબ ઝડપથી બને છે. શુક્લા ત્રણેય છોકરાઓને લઈ વિવેકાનંદ ગાર્ડન આવે છે. એ ગાર્ડનમાં સવારે આઠ વાગ્યા સુધી થોડી પબ્લિક દેખાય, પછી બે કલાક સુધી રસ્તો થોડો શાંત રહેતો. ગેટથી થોડે દૂર ગાડી ઉભી હતી. શુક્લા એની ગાડી બરાબર જોડે ઉભી રાખે છે. શુક્લા ગાડીમાં જોવે છે, પણ અંદર કોઇ નહોતું. કરણ અને રાવજી ગાર્ડનની અંદર સંતાઇ બહાર શું થાય છે એ જોતા હતા. શુક્લા આજુબાજુ જોવે છે. કોઇ દેખાતું નથી. ગાડીમાંથી લોક ખુલવાનો બીપ અવાજ આવે છે.

શુક્લા સમજી જાય છે કે અર્જુન નજીકમાં ક્યાંક છે અને વિક્કીને ગાડીમાં બેસાડવાનું કહે છે. સૌથી પહેલા શુક્લા રોહિતને ટેકો આપી ગાડીમાં બેસાડે છે. રોહિતનાં પગમાં થોડી ઇજા થવાથી એ લંગડાતો ચાલતો હતો. પછી શુક્લા અને પ્રતિક બન્ને વિક્કીને પકડી લગભગ ધસડી ગાડી સુધી લાવે છે. પ્રતિકને બહું ઇજા થઇ હોય એવું ના લાગ્યું. પરંતુ વિક્કીની હાલત બહું ખરાબ હતી.

વિક્કીનાં બન્ને પગમાં જાણે જીવ નહોતો રહ્યો. એની આંખોની ચારેબાજુ કાળા અને લાલ ડાધા પડ્યા હતા. એના હાથમાં અનેક જ્ગ્યા પર ચકામા પડ્યા હતા. જે ડંડાનાં મારથી થયા હતા. હાલ જોઇ કરણ સમજી ગયો કે એના પર બહું ત્રાસ કરવામાં આવ્યો છે. પરિસ્થિતિ વધારે ગંભીર ના હોત તો એ અત્યારે જ શુક્લાને ડંડા મારી દવાખાના ભેગો કરી દેત. પરંતુ ત્રણ કલાક પહેલા અર્જુનનાં મોત પછી કરેલી મુર્ખામી ફરી ના કરવાનું યાદ આવતા જાતને સંભાળી લીધી. શુક્લા અને ખત્રીને ખૂબ જલ્દી ડંડાવારી કરી દવાખાને મોકલવાનું મનમાં નક્કી કર્યુ.

ગણતરીની સેકન્ડમાં ત્રણેય મિત્રો ગાડીમાં બેસે છે. કરણ ફોન કરી શુક્લાને ત્યાંથી નીકળી જવા કહે છે અને ફરી વિડીયોની ધમકી આપે છે. શુક્લા ગાડી લઇ જાય છે એટલે કરણ ઝડપથી ગાડી લઈ નીકળે છે. રાવજીને પાછળ કોઇ ગાડી આવે છે કે નહીં એ જોવા માટે ત્યાં રાખે છે. કરણનાં ગયા પછી પાંચ મિનિટ સુધી કોઇ શંકાસ્પદ વાહન દેખાતું નથી.

ક્રમશ: