History of Mysore Mumbai books and stories free download online pdf in Gujarati

માયાનગરી મુંબઈનો ઇતિહાસ

આજે સફર ખેડવી છે માયાનગરી મુંબઈની! એ મુંબઈ શહેર કે જેને 'સપનો કા શહેર' કહેવામાં આવે છે. પણ એ સપના જોવા માટે ક્યારેય ઊંઘતુ નથી! હંમેશા વ્યસ્ત અને જાગતું રહેતું આ શહેર ખુલ્લી આંખના સપના જુએ પણ છે, દેખાડે પણ છે અને કેટલાંક સપના તોડે પણ છે અને જોડે પણ છે! ભારતની આર્થિક રાજધાની કહેવાતું મુંબઈ શહેર ભારતના લગભગ બધા જ ધર્મો, જાતિઓ અને પ્રાંતના લોકોને પોતાના બનાવી લે છે. કહેવાય છે કે, જે એક વખત અહીં આવી જાય છે એ પછી મુંબઈવાસી જ બની જાય છે. આ એ શહેર છે જે બોલિવુડની ચકાચોંધથી લઈને ધારાવી જેવી કારમી ગરીબાઈને પોતાની છાતીમાં સમાવીને બેઠું છે. એક તરફ મુંબઈ શહેર આર્થિક દૃષ્ટીએ દક્ષિણ એશિયાનું સૌથી મોટું શહેર ગણાય છે તો બીજી તરફ એશિયાનો બીજા નંબરના સૌથી મોટા સ્લમ વિસ્તાર એવા ધારાવીને પણ સાચવીને બેઠું છે! આ શહેરનો ઇતિહાસ ખરેખર દિલચસ્પ છે. આજનું આ સપનાનું શહેર એક સમયે સાત અલગ અલગ ટાપુઓનો એક સમૂહ માત્ર હતો. આજે શહેરની રોશનીમાં ચમકતો જમીનનો આ ટુકડો એક સમયે ટાપુઓથી બનેલી સમુદ્રની એક સામાન્ય ખાડી માત્ર હતો! આ સમુદ્ર એ સાત ટાપુઓના સમૂહથી લઈને માયાનગરી સુધીના મુંબઈ શહેરના આખા ઇતિહાસને પોતાના પેટાળમાં સમાવીને બેઠો છે. તો ચાલો આજે આ માયાનગરીના જન્મના ઇતિહાસના પાનાઓ ખંગાળીએ.

આ એ સમયની વાત છે કે જ્યારે મુંબઈ શહેરની જમીન એક સળંગ જમીનનો ટૂકડો નહીં પણ સાત અલગ અલગ ટાપુઓમાં વહેંચાયેલી હતી. ઉત્તર મુંબઈમાં કાંદિવલી પાસે ખોદકામ કરતાં જે જૂના અવશેષો મળ્યા એ મુજબ છેક પાષાણયુગથી અહીં આ ટાપુઓનું અસ્તિત્વ છે. અહીં માનવ વસાહત હોવાનો સૌથી જૂનો લેખિત પુરાવો લગભગ ઈ.સ. પૂર્વે 250 નો છે. આ તો લેખિત પુરાવાની વાત છે બાકી એ પહેલાં પણ લોકો અહીં વસવાટ કરતાં જ હતા. એ સમયે ટાપુઓનો આ સમૂહ હેપ્ટાનેશિયા (Haptanesia) તરીકે ઓળખાતો. આજથી લગભગ 2300 વર્ષ પહેલાં આ ટાપુઓ પર સમ્રાટ અશોક અને મૌર્ય સામ્રાજ્યનો એક ભાગ હતા. ત્યાર પછી તો સતવાહન સામ્રાજ્યનું રાજ આવ્યું. આગળ જતાં ઈ.સ. 1343 સુધી અહીં સિલહારા વંશના હિન્દુ રાજાઓએ રાજ કર્યું. છેલ્લે જ્યારે ભારતમાં મુઘલો અને પોર્ટુગીઝો આવવા લાગ્યા ત્યારે આ ટાપુઓનો કબજો આપણા ગુજરાતી શાસક બહાદુર શાહ પાસે હતો. મુઘલોના આગમનથી બહાદુર શાહને પણ આ દ્વીપસમૂહ છીનવાઇ જવાનો થોડો ડર લાગ્યો. આખરે ઈ.સ. 1534 માં ટાપુઓની બાજુમાં આવેલા બેસિન શહેરના (હાલ મુંબઈનો જ ભાગ) નામથી ઓળખાતી બેસિનની સંધીના નામે એમણે આ જગ્યા પોર્ટુગીઝોના હવાલે કરી દીધી. બીજી તરફ અંગ્રેજો પણ ભારત પર કબજો જમાવવાની વેતરણમાં હતા. કેટલોક પ્રદેશ કબજે કર્યા પછી એમની નજર આ સાત ટાપુઓ પર બગડી. ઊંડો સમુદ્ર જહાજોના આવાગમન માટે ઉપયોગી થાય એમ હતો. અંગ્રેજોએ કેટલાંક પ્રયાસો કર્યા પણ ફાવ્યા નહીં. ઈ.સ.1652 માં જ્યાં પોર્ટુગીજોના જહાજોનું સમારકામ થતું ત્યાં પહોંચીને પણ હુમલો કર્યો પણ બે જ જહાજ હાથ લાગ્યા જે એમણે સળગાવી દીધા પણ ટાપુઓ પર કબજો કરવામાં હંમેશા નિષ્ફળતા જ મળી. આખરે છેક ઈ.સ. 1661 માં એક ઘટનાએ જાણે એમને બગાસું ખતા પતાસું મોમાં મુકી દીધું! અંગ્રેજોએ પોતાના રાજકુમાર ચાર્લ્સ બીજા માટે પોર્ટુગલની રાજકુમારી કેથરીનનો હાથ માંગ્યો. રાજકુમારી તરફથી હા આવી અને બન્ને પરણી ગયા. પોર્ટુગીઝોએ ટાપુઓનો આ સમૂહ કે જેના માટે આંગ્રેજો હવાતિયાં મારી રહ્યા હતા એ ચાર્લ્સ બીજાને દહેજમાં આપી દીધો! તારીખ હતી, 11 મે 1661. (આવી ખબર હોત તો પહેલાં જ પરણાવી દેત! હીહીહી.)

પોર્ટુગીઝ લોકો આ દ્વીપસમૂહને બોમબોહિઅ કહેતા. જેનો અર્થ થાય, એક સારો કિનારો. પછી આગળ જતાં અગ્રેજોની ટૂંકી જીભને આ નામ રાશ ન આવતા બોમ્બે થઈ ગયું. હવે આગળ વધતા પહેલાં આ સાત ટાપુઓ પર એક નજર ફેરવી લઈએ. ઉત્તરથી શરૂ કરીએ તો સૌથી પહેલો ટાપુ હતો, માહીમ. 13 મી સદીમાં રાજા ભીમદેવના શાસનકાળમાં આ ટાપુ એની રાજધાની હતી. માહીમથી દક્ષિણ તરફ વરલી નામનો બીજો ટાપુ હતો. જ્યાં આજે હાજીઅલીની દરગાહ આવેલી છે, એ વિસ્તાર આ ટાપુનો એક હિસ્સો હતો. જોકે આ ટાપુ બાકીના બધા ટાપુઓ જોડાઈ ગયા બાદ છેક ઈ.સ. 1784 માં પાછળથી મુંબઈ સાથે જોડવામાં આવેલો. ત્યાર પછી વરલીની બાજુમાં પૂર્વ તરફનો ટાપુ પરેલ તરીકે ઓળખાતો. 13મી સદીમાં આ ટાપુ પર પણ રાજા ભીમદેવનું જ રાજ હતું. પરેલથી દક્ષિણ તરફ મઝગાવ ટાપુ હતો. જે માછલી પકડનારાઓના ટાપુ તરીખે ઓળખાતો. 17 મી સદીના અંતમાં આ ટાપુ પર જ આજના મુંબઈના પાયા નંખાઈ ચૂક્યા હતા. કારણ કે આ ટાપુ ધીમેધીમે એક મોટા શહેર જેવા ઘાટમાં ઘડાઈ રહ્યો હતો. મઝગાવથી દક્ષિણમાં આવેલો બોમ્બે ટાપુ સૌથી જૂનો અને મોટો ટાપુ ગણાતો. દક્ષિણ તરફ નીચે આવતાં આ દ્રિપસમૂહનો સૌથી નાનો ટાપુ આવે છે, લિટલ કોલાબા. આ ટાપુ અલઓમાની તરીકે પણ ઓળખાતો. કારણકે અહીંના માછીમારો માછલી પકડવા માટે ઘણી વખત પશ્ચિમ તરફ છેક ઓમાન સુધી પહોંચી જતા! છેલ્લો અને સાતમો ટાપુ હતો, કોલાબા. જેનો અર્થ થાય કોલી સમુદાયનો ટાપુ. કોલી સમુદાયના લોકો અહીં માછીમારી કરતા. તો આ હતા મુંબઈને જન્મ આપનારા એ સાત ટાપુઓ. પણ તો પછી આ ટાપુઓ જોડાયા ક્યારે અને કઈ રીતે? એ સમયે આ ટાપુઓ જોડવા કેટલી બધી જહેમત ઉઠાવવી પડી હશે!

આમ તો પોર્ટુગીઝો આવ્યા ત્યારથી જ ધીમેધીમે આ ટાપુઓની તકદીર બદલાવા લાગેલી. ઇંગ્લેન્ડના રાજકુમાર ચાર્લ્સ બીજાના હાથમાં દહેજરૂપે આવેલા આ ટાપુઓ વચ્ચે કોમ્યુનિકેશન અને ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા હતી. થોડા થોડા અંતરે આવેલા આ જમીનના ટુકડાઓમાં આ સમસ્યા તો રહેવાની જ. આખરે ચાર્લ્સ બીજાએ આ આખો દ્વીપસમૂહ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભાડાપટ્ટે (લીઝ પર) આપી દીધો. એ પણ માત્ર 10 પાઉન્ડમાં! મતલબ આજની તારીખે રૂપિયામાં કન્વર્ટ કરીએ તો લગભગ 1030 રૂપિયા જેવું થાય. જે મુંબઈ આજે ભારતની આર્થિક રાજધાની તો ઠીક પણ આખા દક્ષિણ એશિયાનું સૌથી મોટું આર્થિક કેન્દ્ર ગણાય છે એ એક સમયે કોડીઓના ભાવે (ખાલી હજાર રૂપરડીમાં) લીઝ પર અપાયેલું! હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની કામે લાગી ગઈ. જોકે એમની સામે પડકારો પણ ઘણા હતા. ઉપરથી આ જગ્યા પર વખતોવખત બિમારીઓ ભરડો લેતી. કંપનીની મહેનતથી ધીમેધીમે બિમારીઓ પર પણ બ્રેક લાગી. તો ઈ.સ. 1687 માં પોતાનું વડું મથક પણ સુરતથી અહીં મુંબઈમાં ખસેડી લીધું. ફેક્ટરીઓ અને સરકારી ઓફિસો બનવા લાગી. જેથી આર્થિક વ્યવહારો વધતાં જનસંખ્યામાં પણ વધારો થવા લાગ્યો. આ ટાપુઓને જોડવાની શરૂઆત ઈ.સ. 1708 થી થઈ. સૌપ્રથમ માહિમ અને સાયન વચ્ચે એક કોઝવે બન્યો. ત્યાર પછી ઈ.સ. 1772 માં મહાલક્ષ્મી અને વરલીનો નંબર લાગ્યો. પણ આ બન્નેને જોડતો કોઝવે આધુનિક ભારતના ઇતિહાસનું સૌથી જૂનું ગેરકાનૂની બાંધકામ સાબિત થયું! બન્યું એવું કે તત્કાલીન ગવર્નર વિલિયમ હર્નબીએ કંપનીના સંચાલકને એક ચિઠ્ઠી લખી. જેમાં આ કોઝવે બનાવવાના કામ માટે મંજૂરી માંગી હતી. આ તરફ વિલિયમભાઈએ જવાબની રાહ જોયા વગર જ કામ ચાલુ કરી દીધું. કદાચ એમને ઓવરકૉન્ફિડન્સ હશે કે મંજૂરી તો મળી જ જશે. ધડાધડ કામ શરૂ થયું. લગભગ એક લાખ રૂપિયા જેવી માતબર રકમ ખર્ચાઈ ગઈ ત્યારે જઈને કોઝવે બન્યો. હવે એક વર્ષ પછી છેક પેલી ચિઠ્ઠી નો જવાબ આવ્યો અને બદ્નશીબે એમની આ માંગ રિજેક્ટ થઈ! પણ હવે તો કોઝવે પણ બની ચૂક્યો હતો એટલે વિલિયમ હર્નબીને કાઢી મૂકવાની સજા કરવા સિવાય કંઈ થઈ શકે એમ નહોતું!

આ દ્વીપસમૂહ આસપાસ સમુદ્રનું પાણી વધારે ઊંડું નહોતું. જનસંખ્યા પણ વધી રહી હતી અને જમીન પણ ટૂંકી પડી રહી હતી તો બીજી તરફ કમ્યુનિકેશન પણ અઘરું તો હતું જ. તો હવે અંગ્રેજોને આ વચ્ચે રહેલો છીછરો દરિયો બૂરીને દ્વીપસમૂહમાંથી એક આખું શહેર બનાવવાનું સૂઝ્યું અને મુંબઈની જે સરજમીન પર આજે મોંઘી ગાડીઓના પૈડા ફરી રહ્યા છે એને આવું ઠોસ સ્વરૂપ મળવાનું કામ શરૂ થયું. લેન્ડ રિક્લેમેશનથી બધા ટાપુઓ વચ્ચે આવીલી જગ્યા બૂરવામાં આવી. આ કામ ખરેખર અતિ કઠિન અને ખર્ચાળ હોય છે. આમાં ખાલી રહેલી જગ્યામાં ધૂળ, પથ્થર અને અન્ય ઠોસ વસ્તુઓ નાંખીને એને પૂરવામાં આવે છે. આ આખા પ્રોજેક્ટને વિલિયમ હર્નબીના નામ પરથી હર્નબી વેલાર્ડ (hernby vellard) નામ આપવામાં આવ્યું. આખરે લગભગ દોઢસો વર્ષની મહામહેનત બાદ ઈ.સ. 1845 માં મુંબઈ નગરી પોતાના અસલી આકારમાં સાકાર થઈ. ટાપુઓ એક થઈ ગયા પછી તો ધડાધડ પ્રગતી કરતા મુંબઈ શહેરે ક્યારેય પાછું વળીને જોયું જ નહીં! ઈ.સ. 1853 માં તો મુંબઈ અને થાણે વચ્ચે પ્રથમ રેલ્વે પણ દોડવા લાગી. ઈ.સ. 1861 થી 1865 દરમિયાન મુંબઈ શહેરે વિશ્વનું મોટું કપાસ વેચાણ કેન્દ્ર બનીને સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું. તો ઈ.સ. 1869 માં ભૂમધ્ય સાગર અને લાલ સાગરને જોડતી સુએઝ કેનાલ બન્યા પછી તો મુંબઈ અરબ સાગરનું એક મહત્ત્વનું બંદર બની ગયું. સત્તરમી સદીના મધ્યભાગમાં જેની વસ્તી માત્ર દસ હજાર જ હતી એ 19 મી સદી શરૂ થતાં સુધીમાં તો દસ લાખને પાર પહોંચી ગઈ!

આજે ભારતભરમાંથી દર વર્ષે હજારો યુવાનો સપનાના આ શહેરમાં પોતાના સપના સાકાર કરવા આવે છે. આ મયાનગરી પણ દરેક ધર્મ, જાતિ અને પ્રાંતના લોકોને પોતાનામાં સમાવી લે છે. પણ ઈ.સ.1992-93 ના રમખાણોએ આ પ્રતિષ્ઠિત શહેરની બિનસાંપ્રદાયિકતા પર કાળી ટીલી લગાવી દીધી. ખેર, ઈ.સ. 1995 માં મુંબાદેવીના નામ પરથી બોમ્બેનું આજનું નામ મુંબઈ પડ્યું. મુંબા આ દેવીનું નામ છે અને આઈ એટલે મા. આજે આ માયાનગરી 603 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી છે અને લગભગ બે કરોડથી પણ વધારે વસ્તી ધરાવે. તો મિત્રો જ્યારે પણ તમે મુંબઈની સરજમીન પર પગ મૂકો ત્યારે એક વખત એનો આ ભવ્ય ઇતિહાસ ચોક્કસથી મમળાવજો.


- ભગીરથ ચાવડા
bhagirath1bd1@gmail.com