Anant Safarna Sathi - 36 books and stories free download online pdf in Gujarati

અનંત સફરનાં સાથી - 36

૩૬.નવી શરૂઆત

શિવાંશ અને આર્યન એકબીજાને જોતાં ઉભાં હતાં. આયશા શિવાંશની હાલત સમજી શકતી હતી. છેલ્લાં એક વર્ષમાં તેણે શિવાંશની નાનામાં નાની વાત જાણી લીધી હતી પણ શિવાંશને પોતાની એટલી મોટી વાત જણાવી ન હતી. આયશાએ શિવાંશનાં ખંભે હાથ મૂકીને કહ્યું, "સોરી! મેં આટલી મોટી વાત તને જણાવતાં પહેલાં આર્યનને જણાવી દીધી." એણે પોતાનાં કાન પકડી લીધાં, "ખબર નહીં કેમ પણ હું તને મળવા માટેથી જ તને આ વાત જણાવી રહી ન હતી. કારણ કે મને પૂરી ખાતરી હતી કે તું વાત નહીં જાણે ત્યાં સુધી જ મને મળીશ. પછી કદાચ તું મને નહીં મળે." એણે આર્યન સામે જોયું, "આર્યનની બાબતે મને એવું કંઈ નાં થયું. તેણે જેવું મને પૂછ્યું તરત જ મને જણાવવાનું મન થઈ આવ્યું. આવું કેમ થયું? એ હું પણ નથી જાણતી. બસ મને અંદરથી એવું થયું કે આર્યન હકીકત જાણ્યાં પછી મારાથી દૂર નહીં જાય."
"તારી આદતથી હું વાકેફ છું. તને કોઈ ઉપર વિશ્વાસ આવી ગયો મતલબ આવી ગયો અને નાં આવ્યો મતલબ નાં આવ્યો." શિવાંશે આયશાની આંખોમાં આંખો પરોવી, "આ વખતે જે થયું એ કેમ થયું? એ જાણવાની જવાબદારી તારી છે. જ્યારે તે એ જાણી લીધું કે આર્યન ઉપર તે એટલો બધો વિશ્વાસ કેમ કર્યો? તે દિવસે હું તને માફ કરી દઈશ." કહીને શિવાંશ જતો રહ્યો. એ બધું સમજતો હતો. પણ આયશા સમજી શકશે કે નહીં? એટલું જ એ જાણવાં માંગતો હતો.
શિવાંશનાં ગયાં પછી આયશા આર્યન સામે જોઈ રહી. કદાચ આર્યન પણ સમજી ગયો હતો કે આયશાનાં દિલમાં શું ચાલે છે? અને આયશા આર્યન માટે શું ફીલ કરે છે? એ શિવાંશ જાણી ગયો છે એટલે જ આર્યન પણ ચૂપ જ રહ્યો. થોડીવાર બંને એકબીજાંની આંખોમાં જોઈ રહ્યાં. જે સાફ સાફ કહી રહી હતી કે તારાં વગર હું કંઈ નથી. આપણું મળવું એ કોઈ સંયોગ નહીં પણ આપણી કિસ્મત હતી. જેને હવે આપણે એકબીજા સાથે જોડી દેવી જોઈએ.
"તમે બંને અહીં શું કરો છો? જમવાનું બની ગયું છે. ચાલો જમવા." રાધિકાએ આવીને કહ્યું તો બંને અંદર ગયાં. ગૌરીબેનનાં હાથનું ભોજન આયશાને બહું સ્વાદિષ્ટ લાગ્યું. આવો સ્વાદ તો તેને તેનાં ઘરમાં દેશ-વિદેશની વાનગીઓ બનાવતાં મોટાં મોટાં સેફનાં હાથમાં પણ આવ્યો ન હતો. જેવો ગૌરીબેનનાં હાથની રસોઈમાં આવી રહ્યો હતો.
"આન્ટી! તમે ખરેખર જમવાનું બહું સ્વાદિષ્ટ બનાવો છો." આયશાએ આખરે ભોજનના વખાણ કરી જ દીધાં.
"મારી મમ્મીનાં હાથની રસોઈમાં સાક્ષાત અન્નપૂર્ણાનો વાસ છે. તેમનાં હાથની બધી વસ્તુઓ આટલી જ સ્વાદિષ્ટ બને છે." રાધિકા ગૌરીબેન પાસે ઉભાં ઉભાં જ બોલી. તેણે ગૌરીબેનને સાઈડ હગ કર્યું, "ખાસ કરીને મીઠાં ઘુઘરા! અમારાં ઘરની આજુબાજુ રહેતાં લોકો હોળી અને ધુળેટી પર ખાસ કરીને એ ખાવાં જ અમારી ઘરે આવે છે."
હોળી અને ધૂળેટી નામ પડતાં જ રાહીને ફરી ધૂંધળા દ્રશ્યો દેખાવા લાગ્યાં. કંઈ સ્પષ્ટ નાં દેખાવાથી તેનું માથું ફરી દુઃખવા લાગ્યું. અચાનક જ એક દ્રશ્ય તેને સાફ નજર આવ્યું. જેમાં એ રડી રહી હતી અને ફોનનો ગુસ્સામાં ઘા કરી દીધો. એ અચાનક જ ઉભી થઈને બોલી ઉઠી, "મારો ફોન ક્યાં?" રાહીને અચાનક એ રીતે જોઈને બધાં જ ઉભાં થઈ ગયાં. કોઈની કંઈ સમજમાં નાં આવ્યું. પણ રાધિકા બધું સમજી ગઈ. તેણે ધૂળેટીને યાદ કરી એટલે રાહીને એ દિવસ યાદ આવી ગયો. જે દિવસે તેણે ગુસ્સામાં અને પરેશાનીમાં તેનો ફોન તોડી નાંખ્યો હતો. સર્જરી પછી કોઈએ રાહીને તેનો ફોન આપ્યો ન હતો. જેનાંથી ધૂળેટીનાં એ દિવસ પછી રાહીનો ફોન ફરી રિપેર થઈ ગયો હતો. એની જાણકારી રાહીને ન હતી.
"અચાનક ફોનને શું કરવો છે તારે?" શિવાંશે રાહીનો હાથ પકડીને તેને શાંત કરતાં પૂછ્યું.
"તેમાં કેટલાં લોકોનાં કોલ આવતાં હોય છે. એ તૂટી ગયો છે. કોઈએ રિપેર કરાવવા આપ્યો કે નહીં?" રાહી માથું પકડીને બોલી રહી. શિવાંશ કંઈ સમજી નાં શક્યો. એણે રાધિકા સામે જોયું. એ આંખો ઝુકાવીને રાહી પાસે આવી.
"દીદુ! તમારો ફોન મારી પાસે છે. હજું કાલે જ રિપેર થઈને આવ્યો. તમે જમીને થોડીવાર આરામ કરો. હું તમને ફોન તમારાં રૂમમાં આપી જઈશ." રાધિકા રાહીને સમજાવીને તેને તેનાં રૂમમાં લઈ ગઈ. રાહી જ્યારે સુઈ ગઈ ત્યારે રાધિકા નીચે આવી. શિવાંશ હજું પણ કંઈ સમજી શક્યો ન હતો.
"આ ફોન તૂટવાનું શું ચક્કર છે?" શિવાંશે પરેશાન અવાજે પૂછ્યું. રાહીએ ધૂળેટીનાં દિવસ વાળી આખી ઘટના શિવાંશને કહી. પછી તે પોતાનાં રૂમમાં જઈને રાહીનો ફોન લઈ આવી. જે રાહીનાં હોસ્પિટલમાં એડમિટ થયાં પહેલાં આર્યને તેને આપ્યો હતો. રાધિકા નીચે આવીને ફોન જોવાં લાગી. જેમાં શિવાંશનો જૂનો નંબર સેવ હતો અને સાથે જ તેણે મેસેજમાં શિવાંશ સાથે વાતો કરી એ અને કોલ રેકોર્ડિંગ પણ હતાં. એ બધું રાધિકાએ શિવાંશને પણ બતાવ્યું.
"આ બધું કાઢવું પડશે. રાહી જોશે તો તે કંઈ સમજી નહીં શકે અને તેનાં મગજને જોર આપશે." શિવાંશે કહીને બધું જ કાઢવાં માંડ્યું. એક એક મેસેજ, કોલ રેકોર્ડિંગ, રાહીએ શિવાંશનું આપેલું પેન્ડન્ટ પહેરીને ફોટાં પાડ્યાં હતાં એ બધું જ શિવાંશે ફોનમાંથી કાઢી નાખ્યું. રાહીનો ફોન શિવાંશને પ્રપોઝ કર્યા પહેલાં જેવો હતો. એવો કરીને શિવાંશે ફોનને રાધિકાનાં હાથમાં આપ્યો. રાધિકા જઈને ફોન રાહીનાં રૂમમાં તેનાં નાઈટ લેમ્પ રાખેલાં ટેબલ પર મૂકી આવી.
"રાહી જે ભૂલી ગઈ છે. એ યાદ અપાવવા શું કરવું? એ વિશે કંઈ વિચાર્યું?" મહાદેવભાઈએ શિવાંશ સામે જોઈને પૂછયું.
"ટૂંકમાં રાહીને બનારસમાં તેને સપનામાં આવતો શિવ હું છું. એ જાણ થઈ, બનારસથી આવી પછી મારી સાથે વાત કરી, હું અહીં તમને મળવાં આવવાનો હતો અને મળ્યાં વગર જ એક વર્ષ માટે તેનાંથી દૂર જતો રહ્યો. એ બધું તે ભૂલી ગઈ છે." એણે ચોખવટ કરી, "ડોક્ટરનું કહેવું છે કે ભુલાઈ ગયું એ યાદ અપાવવા કરતાં નવી શરૂઆત કરી શકાય. એ દરમિયાન જ કંઈ યાદ આવે તો ઠીક બાકી નવી યાદો બનાવીએ."
"તો એ વિશે કોઈ પ્લાન બનાવ્યો?" મહાદેવભાઈએ ઉમ્મીદ બાંધતા પૂછ્યું.
"હાં, રાધિકાએ એક મસ્ત વિચાર કર્યો છે. જો સફળ થઈ જાય તો બધું સીધી લીટી દોરવા જેવું સરળ થઈ જાય." શિવાંશ રાધિકા સામે જોઈને સ્માઈલ કરી રહ્યો.
શિવાંશની વાતો પરથી ગૌરીબેન અને મહાદેવભાઈને એક ઉમ્મીદ બંધાઈ. તે હવે રાહી અને શિવાંશને જલ્દી લગ્નનાં બંધને બંધાતાં જોવાં માંગતા હતાં. સૌથી વધું ખુશ તો દાદી હતાં. રાહી સાથે જે થયું એ સારું થયું ન હતું. એ બધાં જાણતાં હતાં. છતાંય રાહીની પસંદ... મતલબ શિવાંશ આપણાં રોક્સ દાદીને બહું પસંદ આવ્યો હતો. બધી વાતો પછી રાધિકાએ શિવાંશને તેનો રૂમ બતાવી દીધો. શિવાંશે સૌથી પહેલું કામ ફ્રેશ થઈને પોતાની દાઢી સેટ કરવાનું કહ્યું. જલ્દીમાં ઘરેથી નીકળ્યો હોવાથી એ કપડાં લાવ્યો ન હતો. પણ તન્વીએ બધી વ્યવસ્થા કરી લીધી હતી. એ મુંબઈથી આવતી વખતે શિવાંશનો સામાન લાવી તે એણે જતાં પહેલાં રાધિકાને આપી દીધો હતો. જેને રાધિકાએ પહેલેથી જ શિવાંશનાં રૂમમાં પહોંચાડી દીધો હતો. શિવાંશે બેગ ખોલીને બ્લૂ જીન્સ પર વ્હાઈટ શર્ટ પહેરી લીધો. આજે ફીટ એક વર્ષ પછી શિવાંશ તેનાં જૂનાં ડેશિંગ લૂકમાં હતો. તે થોડીવાર આરામ કરીને તરત જ નીચે ગયો. નીચે પહોંચતા જ દાદીની નજર તેનાં પર પડી. દાદીએ તેને પોતાની પાસે આવવાનો ઈશારો કર્યો. આપણાં રોક્સ દાદીએ શિવાંશ સાથે સરખી વાત કરી ન હતી એટલે હવે તે બધી વાતો શિવાંશ સાથે કરવાં માંગતા હતાં. જે તેમણે એક વર્ષથી નક્કી કરી રાખી હતી.
શિવાંશ જઈને દાદી પાસે બેસી ગયો. દાદીએ પ્રેમથી તેનાં માથે હાથ મૂક્યો. તે પહેલાં તો શિવાંશને જ જોઈ રહ્યાં. રાહી જ્યારે સપનાં જોતી ત્યારે દાદી સામે તેનું આખું વર્ણન કરતી. એ વર્ણન યાદ કરતાં દાદી શિવાંશને રાહીનાં સપનાનાં રાજકુમાર સાથે સરખાવી રહ્યાં. સરખામણી પૂરી થતાં જ તેમનાથી બોલાઈ ગયું, "અદ્દલ મારી રાજકુમારીને જેવાં સપનાં આવતાં એવો જ તું છે."
"રાજકુમારી એટલે રાહી?" શિવાંશનાં ચહેરાં પર સ્માઈલ આવી ગઈ. દાદીએ ડોકું ધુણાવીને હાં પાડી. પછી બંને હસી પડ્યાં. શિવાંશને સરખી રીતે જોયાં પછી બંને વાતોએ વળગ્યાં. દાદીને પહેલી જ મુલાકાતમાં શિવાંશ સાથે સારું ફાવી ગયું હતું. ત્યાં જ રાહી નીચે આવી.
"તે દાદીને આખરે પટાવી જ લીધાં." રાહી આવતાંની સાથે જ બોલી ઉઠી.
"તને જલન થતી હોય તો તને પણ પટાવી શકું." શિવાંશે સ્મિત સાથે આંખ મારી.
"રહેવા દે કોઈ જરૂર નથી." રાહીએ નકલી ગુસ્સો કરીને આંખો ઝીણી કરી.
"મારાં જેવો હેન્ડસમ છોકરો ક્યાંય મળશે નહીં હો. જરાં વિચારીને બોલજે. હું તો તૈયાર છું પણ ક્યાંક તારી નાં થી મને કોઈ બીજી નાં લઈ જાય." શિવાંશ એટિટ્યૂડ બતાવતાં બોલ્યો. રાહી તેની વાત સાંભળી નિઃશબ્દ થઈ ગઈ. શિવાંશ રીતસર દાદીની સામે રાહી સાથે ફ્લર્ટ કરી રહ્યો હતો. અંકિતાનાં લગ્નમાં સખ્ત અને કામથી કામ રાખવાવાળો શિવાંશ અચાનક બદલી ગયો. એ વાતે રાહીને થોડું આશ્રર્ય થયું. પણ આ બદલાવ રાહીનાં કારણે જ આવ્યો હતો. એ વાત રાહી ભૂલી ગઈ હતી. શિવાંશ રાહીને પ્રેમ કરતો હતો. એટલે તો બધાંની સામે પણ રાહી સાથે ફ્લર્ટ કરતાં ડરતો ન હતો. એમાંય હવે રાહીની જાણ બહાર મહાદેવભાઈ પણ શિવાંશનો સાથ આપવા લાગ્યાં હતાં.
"ચુપ કેમ થઈ ગઈ? ડરી ગઈ કે શું? કે ક્યાંક સાચે જ મને કોઈ તારી પાસેથી લઈ ગયું તો?" શિવાંશે નેણ નચાવ્યા.
"હું શાં માટે ડરું? મને ખબર છે તને કોઈ નહીં લઈ જાય." રાહીએ આત્મવિશ્વાસથી ભરપૂર અવાજે કહ્યું.
"એટલો બધો આત્મવિશ્વાસ?" શિવાંશે આંખો પહોળી કરી, "તને કેવી ખાતરી કે મને કોઈ નહીં લઈ જાય? કદાચ લઈ જાશે તો તું શું કરીશ?" એની આંખો અચાનક જ ઝીણી થઈ ગઈ, "મને રોકીશ કે પછી જવાં દઈશ?"
"એ પછીની વાત છે. અત્યારે તું અહીંથી જવાનું શું લઈશ? એ જણાવ." રાહીએ વાતનો ટ્રેક જ બદલી નાખ્યો.
"રાહી! કોઈને એમ કહેવાતું હશે? એ તેની મિત્ર સાથે ખાસ તને જ મળવાં આવ્યો છે એ પણ મુંબઈથી તેનો બિઝનેસ છોડીને." દાદરા ઉતરી રહેલાં મહાદેવભાઈનાં કાને રાહીની વાતો પડતાં જ એ થોડાં ગુસ્સે થઈને બોલ્યાં. રાહીની આંખમાં ઝળઝળીયાં આવી ગયાં. એ આંખો નીચી કરીને બેસી ગઈ.
"અંકલ! અમે તો મજાક કરતાં હતાં." શિવાંશ ઉભો થઈને રાહી પાસે ગયો. તેણે પ્રેમથી તેનો હાથ પકડીને તેને ઉભી કરી, "રાહીની કોઈ ભૂલ નથી. હું જ તેને હેરાન કરતો હતો એટલે તેણે એમ કહ્યું." શિવાંશે જે રીતે રાહીનો પક્ષ લીધો એ રાહી સહિત દરવાજે ઉભેલી આયશા અને આર્યન પણ જોઈ રહ્યાં.
"રાહી કેટલી લક્કી છે ને! એ શિવાંશનો પ્રેમ ભૂલી ગઈ. છતાંય શિવાંશ આજે પણ તેની સાથે છે." આયશા ખુશીથી છલકાઈને બોલી ઉઠી, "અત્યારે કોણ ક્યારે પોતાનાં સ્વાર્થ ખાતર પોતાનો સ્વભાવ બદલી નાખે? કંઈ કહી નથી શકાતું. એવામાં શિવાંશે તો રાહી માટે તેનાં પ્રેમ માટે પોતાની જાત બદલી."
"એ રાહીને પ્રેમ કરે છે એટલે જ તે એ બધું કરી શક્યો. પ્રેમમાં બહું તાકાત હોય છે." આર્યન કહીને આયશા સામે જોવાં લાગ્યો.
"ખરેખર?" આયશાથી અનાયાસે જ આર્યનનો હાથ પકડાઈ ગયો. બંને એકબીજાને જોઈ રહ્યાં. કોઈ કંઈ બોલી નાં શક્યું.
"ચાલો બધાં ડીનર કરી લો." ગૌરીબેને જેવું કહ્યું. આયશાએ ફટ દઈને આર્યનનો હાથ મૂકી દીધો. એ ડાઇનિંગ ટેબલ તરફ આગળ વધી ગઈ. આર્યન પણ તેની પાછળ ગયો. એક પછી એક બધાં ડાઇનિંગ ટેબલની ફરતે ગોઠવાઈ ગયાં. શ્યામ અને રાધિકા પણ સ્ટડી રૂમમાંથી સ્કુલનું કામ પતાવીને આવી ગયાં. આજે ઘણાં સમય પછી આખો પરિવાર એક સાથે ડીનર કરી રહ્યો હતો. મહાદેવભાઈ રાહીની બાજુમાં બેઠેલાં શિવાંશ અને રાધિકાની બાજુમાં બેઠેલાં શ્યામ તરફ જોઈ રહ્યાં. બંને દિકરીઓને ખુશ જોઈને મહાદેવભાઈની આંખો ભરાઈ આવી. ત્યાં જ મહાદેવભાઈની પ્લેટમાં રોટલી મૂકતાં ગૌરીબેને કહ્યું, "આંસુ સંભાળીને રાખો. દિકરીઓની વિદાય વખતે કામ લાગશે. બહું રડી લીધું હવે તો ખુશ થવાનાં દિવસો છે." મહાદેવભાઈનાં ચહેરાં પર સ્મિત ફરી વળ્યું.
દાદીને પણ બંને બહેનોને જોઈને પોતાનું સપનું પૂરું થવાનું હોય એવું લાગી રહ્યું હતું. તેમણે ઘણાં સમયથી રાહી અને રાધિકાનાં લગ્ન જોવાનું સપનું જોયું હતું. જે હવે કદાચ પૂર્ણતાની કગાર પર આવી પહોંચ્યું હતું. પણ વચ્ચે એક અવરોધ હજું પણ હતો એ વાતથી દાદીની પારખું નજર પણ અજાણ હતી.
ડીનર કરીને બધાં બહાર બગીચામાં બેઠાં. આજે બધાંને જૂનાં દિવસો યાદ આવી રહ્યાં હતાં. રાહી પણ બનારસથી આવ્યાં પછી મહાદેવભાઈ સાથે બહાર બેઠી હતી અને તેમને પોતે કેવી રીતે બનારસ જવાં ખોટું બોલી હતી? એ જણાવ્યું હતું એ રાતને યાદ કરવાં લાગી. ત્યારે જ અચાનક તેને બનારસનો અસ્સી ઘાટ દેખાવા લાગ્યો. તે વધું કંઈ વિચારી શકે એ પહેલાં જ તેનાં ફોનની રિંગ વાગી. 'અંકિતા' નામ ફ્લેશ થતું જોઈને રાહીએ તરત જ કોલ રિસીવ કરીને કાને લગાવ્યો.
"અંકુ! આટલાં સમયે ફોન કર્યો. તને તો લગ્ન પછી મારી યાદ જ નથી આવતી." રાહીએ તરત જ શિકાયત કરી.
"તું પહેલાં એ જણાવ હવે તારી તબિયત કેમ છે?" અંકિતાએ પોતાની ચિંતા દર્શાવી.
"હવે હું બિલકુલ ઠીક છું. બધાં મને મળવાં આવી ગયાં. હવે તું ક્યારે આવીશ?" રાહીનું મોઢું બગડી ગયું, "હું તારાં એક વખત બોલાવવા પર ત્યાં આવી ગઈ. પણ તું છે કે આવતી જ નથી. જો હવે તું નાં આવી તો હું તારી સાથે ક્યારેય વાત નહીં કરું." એણે ચોખ્ખી ધમકી આપી, "શિવાંશ પણ અહીં જ છે. તન્વી અને અંકલ આન્ટી પણ આવ્યાં હતાં. તું પણ જલ્દી આવી જા."
"તું મારાં લગ્નમાં આવી હતી. તો હું પણ તારાં લગ્ન થાય ત્યારે આવું." અંકિતાએ વાતને નવી જ દિશા આપી દીધી.
"એ માટે છોકરો જોઈએ અને મને કોઈ સહન કરી શકે એવું ખરું?" રાહી હસવા લાગી.
"મારી નજરમાં એક છે." અંકિતાનાં અવાજનો લહેકો બદલ્યો.
"કોણ?" રાહી પણ થોડી ગંભીર થઈ ગઈ.
"મારો ફ્રેન્ડ શિવાંશ! હી લાઈક્સ યૂ." અંકિતા ખુશ થઈને બોલી. આ બધું શિવાંશનાં જ પ્લાનમાં આવતું હતું. રાહી થોડીવાર ચૂપ થઈ ગઈ. એ પોતાની નજર સમક્ષ દાદી સાથે હસી હસીને વાતો કરી રહેલાં શિવાંશને એકીટશે જોઈ રહી.
"તને આવું કોણે કહ્યું?" થોડીવાર પછી રાહીએ પૂછ્યું.
"તેની આંખોમાં જ બધું દેખાઈ આવે છે. ક્યારેક તેની આંખોમાં જોજે. એ તને પસંદ કરે છે એવું તને તેની આંખોમાં જ વાંચવા મળશે." અંકિતાએ એ રીતે કહ્યું કે રાહીની નજર શિવાંશ પરથી હટી જ નહીં. રાહીએ તરત જ ફોન કટ કરી દીધો. એ ફોન મૂકીને કંઈક વિચારી રહી હતી. ત્યાં જ તેનાં કાને શિવાંશનો અવાજ અથડાયો, "રાહી! દવા." શિવાંશ રાહીની દવા લઈને તેની સામે ઉભો હતો. રાહીએ તેની આંખોમાં જોવાની કોશિશ કરી. એ સાથે જ શિવાંશ દાદી સામે જોવાં લાગ્યો. રાહીએ તેનાં હાથમાંથી દવા લીધી એવો જ શિવાંશ જતો રહ્યો. એની નજર એનાં ફોનની સ્ક્રીન પર હતી. જેમાં થોડીવાર પહેલાં જ રાહીનો ફોન કટ થતાં જ અંકિતાએ મેસેજ કર્યો હતો.
અંકિતાની વાતો સાંભળ્યાં પછી રાહીને ક્યાંય ચેન ન હતું. એની નજર સમક્ષ ફરી બનારસમાં જે બન્યું એ બધાં દ્રશ્યો તરવરવા લાગ્યાં. પણ તરત જ અસ્સી ઘાટ પરની છેલ્લી મુલાકાત યાદ આવતાં જ બધું ધૂંધળું થઈ ગયું. રાહીનું માથું દર્દ કરવાં લાગ્યું. એણે પોતાની બંધ કરેલી આંખો ખોલી નાંખી. કેટલી અજીબ વાત હતી ને! રાહીને બધું જ યાદ હતું. બસ શિવાંશ સાથેનો પ્રેમ અને બનારસથી આવ્યાં પછી શિવાંશ સાથે થયેલી વાતો જ યાદ ન હતી. જેનાં લીધે એક વર્ષ સુધી તડપી, સપનાં જોયાં. એ સપનાં પણ એને યાદ ન હતાં.
"રાત બહું થઈ ગઈ છે. હવે સૂવું જોઈએ." શિવાંશે આવીને કહ્યું તો ફરી રાહી એની આંખોમાં જોવાં મથી રહી. રાહી શિવાંશ માટે વિચારે, એની સાથે વાત કરવા તડપે, એ બધાં માટે અંકિતાએ એને એવી વાતો કરી હતી. જે અમુક હદ સુધી સફળ રહી હતી. હવે શિવાંશને એક જ દિવસની રાહ હતી. રાહીને વસ્ત્રાપુર તળાવ પર લઈ જવાની.. જ્યાં તે પોતાનાં દિલની વાત રાહીને કહેવાનો હતો. એ દિવસ પણ જલ્દી જ આવી ગયો.

રાહી ધીરે-ધીરે સ્વસ્થ થઈ રહી હતી. સાથે જ એ શિવાંશને સમજવાની કોશિશ કરી રહી હતી. એને નજીકથી જાણવા મથી રહી હતી. જેમાં રાધિકાની મદદથી અમુક હદ સુધી એ સફળ પણ રહી હતી. રાધિકા શિવાંશની નાની-નાની વાતો જાણીને રાહીને કહેતી. શિવાંશ વિશે સાંભળતી વખતે રાહી એનાં જ રંગે રંગાઈ જતી. એ જાણીને શિવાંશને પણ ફરી એક ઉમ્મીદનું કિરણ દેખાયું હતું.
"દીદુ! જલ્દી તૈયાર થઈ જાવ. આપણે સ્કુલે જવાનું છે. આજે સ્કુલમાં વાર્ષિક મહોત્સવ છે." રાધિકાએ આવીને કહ્યું. તો રાહી તરત જ તૈયાર થવા લાગી. રાહીની સર્જરી પછી એ પહેલીવાર ઘરની બહાર જઈ રહી હતી. જેનાં લીધે એ ખુશ હતી. એ જલ્દી તૈયાર થઈને નીચે ગઈ. જ્યાં રાધિકા, આર્યન, આયશા અને શિવાંશ બધાં બહાર ગાડીમાં બેસીને એની રાહ જોઈ રહ્યાં હતાં. શિવાંશ પણ આવે છે. એ જાણીને રાહીને વધું ખુશી થઈ.
દાદીની તબિયત થોડી નરમ ગરમ રહેતી એનાં લીધે ગૌરીબેન એમની સાથે ઘરે જ રહ્યાં. મહાદેવભાઈને દુકાનનું કામ હોવાથી એ પણ જઈ નાં શક્યાં. આર્યને રાહીનાં આવતાં જ ગાડી સ્કુલ તરફ દોડાવી મૂકી. રાહી અને શિવાંશની વચ્ચે રાધિકા બેઠી હતી. રાહી રાધિકાથી છુપાઈને શિવાંશ તરફ જોઈ લેતી. એને એમ હતું કે ગાડીમાં કોઈને કંઈ ખબર નથી. પણ રાહી સિવાય બધાં બધું જાણતાં હતાં. રાહીને પોતાની તરફ એ રીતે જોતી જોઈને શિવાંશ પણ મનોમન ખુશ થઈ રહ્યો હતો. સ્કુલ આવતાં જ આર્યને ગાડી રોકી. બધાં નીચે ઉતરીને અંદર ગયાં.
"દીદી...દીદી..." અનોખી તરત જ દોડતી આવીને રાહીને વળગી ગઈ. રાહી ટૂંકા ગાળાની યાદો ભૂલી ગઈ હતી. જેમાંની એક અનોખી પણ હતી. તેને પણ રાહી ભૂલી ગઈ હશે તો? બધાંને પહેલો વિચાર એ જ આવ્યો.
"અરે અનોખી! તારી સ્ટડી કેવી ચાલે છે? આ વખતે પણ પહેલો નંબર આવ્યો કે નહીં?" રાહીએ જેવું પૂછ્યું. બધાનાં મનને શાંતિ થઈ. રાહી અનોખીને સારી રીતે ઓળખતી હતી. બધી વિકલી ટેસ્ટ અને પરિક્ષામાં અનોખીનો પહેલો નંબર આવતો. એ વાતે પણ રાહી પરિચિત હતી. રાહીએ જેમ કહ્યું હતું એમ અનોખી ખરેખર બધાં કરતાં અનોખી જ હતી.
બધાં અનોખી સાથે વાર્ષિક મહોત્સવ માટે બનાવેલાં સ્કુલનાં હૉલમાં પહોંચ્યા. જ્યાં કાર્તિક, સ્વીટી અને શ્યામ પહેલેથી જ બધી તૈયારીઓ જોઈ રહ્યાં હતાં. સ્ટેજથી લઇને, નાની-મોટી સજાવટ અને બાળકોનાં કપડાઓ સુધીની બધી વ્યવસ્થા બધાંએ સાથે મળીને સંભાળી હતી. બધી તૈયારી થઈ ગઈ હોવાથી રાધિકાનાં કહેવા મુજબ રાહીએ કાર્યક્રમની શરૂઆત કરી.
ત્રણ માળ ધરાવતી મહાદેવ પ્રાયમરી સ્કુલમાં એક વર્ષ દરમિયાન ઘણાં બાળકોએ એડમિશન લીધું હતું. એકથી દશ ધોરણ ધરાવતી આ સ્કુલ અમદાવાદમાં તેની ઓછી ફી અને ખાસ કરીને ગરીબ બાળકોને મળતાં એડમિશનનાં કારણે ઘણાં માતા-પિતા તેમનાં બાળકોનું આ સ્કુલમાં એડમિશન કરાવી ચૂક્યાં હતાં. આજનાં કાર્યક્રમમાં ઘણાં બાળકોએ ભાગ લીધો હતો. બધાનાં વાલીઓ પણ ઉપસ્થિત હતાં. કાર્યક્રમ દરમિયાન વચ્ચે વચ્ચે બાળકોએ વર્ષ દરમિયાન જે જે પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હોય અને એમનાં નંબર આવ્યાં હોય. એ બધાંને ઈનામ વિતરણ પણ કરવામાં આવ્યું. આખરે આખો કાર્યક્રમ બહું સારી રીતે પૂરો થયો. અનોખી તરત જ પોતાનું ઈનામ લઈને દોડતી રાહી પાસે આવી.
"દીદી! આજે તો આઈસ્ક્રીમ ખાવું જ પડે હો." એ પોતાની પરાણે વ્હાલી લાગે એવી ભાષામાં બોલી તો રાહીએ ખુશ થઈને એને ગળે લગાવીને કહ્યું, "તો તારી રાધિકા દીદીને કહે કે આપણને આપણાં આઈસ્ક્રીમ પાર્લર પર લઈ જાય." ખરેખર તો રાહીની પણ આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા હતી. એ રાધિકા પણ સમજી ગઈ હતી.
"મારે અહીં થોડું કામ છે. તમે લોકો નીકળો પણ ગાડી મૂકતાં જજો. મારે તેની જરૂર પડશે. અમે બધાં પાછળથી અનોખી સાથે એમાં આવી જાશું." રાધિકાએ શિવાંશ સામે જોઈને કહ્યું. એ બધું સમજી ગયો.
"તો અમે શું ચાલીને આઈસ્ક્રીમ પાર્લર સુધી જાશું?" રાહી હેરાની ભર્યા અવાજે બોલી.
"નાં, તમે બંને મારી બાઈક લઈને જાવ. અમે બસ હમણાં જ પહોંચ્યા." કાર્તિકે તેની બાઈકની ચાવી શિવાંશ તરફ લંબાવી દીધી. શિવાંશે તો તરત જ ચાવી લઈ લીધી. પણ રાહી હજું સુધી બાઈક પર જવું કે નહીં? એ જ વિચારી રહી હતી.
"તારે મારી સાથે નાં જવું હોય તો બધાં સાથે જાશું." શિવાંશ જાણે રાહીનાં મનનાં ભાવ કળી ગયો હોય એમ બોલ્યો.
"નાં, એવું કંઈ નથી." રાહી ઝડપથી બોલી ગઈ તો બધાનાં ચહેરાં પર સ્મિત આવી ગયું. બંને જવાં માટે બહાર નીકળ્યાં. બહાર થોડું થોડું અંધારું થવા લાગ્યું હતું. શિવાંશ પાર્કિંગમાંથી બાઈક લઈને સ્કુલની આગળ આવ્યો. રાહી હળવેથી બાઈક પર બેસી ગઈ પણ એ શિવાંશનાં ખંભે હાથ મૂકતાં અચકાઈ રહી હતી. શિવાંશે એનાં મનની મૂંઝવણ નોટિસ કરતાં સ્કુલની બહાર નીકળતી વખતે ગેટ પાસે જાણી જોઈને બ્રેક મારી જ્યારે રાહીનું ધ્યાન સ્કુલનું ગાર્ડન જોવામાં વ્યસ્ત હતું. અચાનક બ્રેક લાગવાથી રાહીએ શિવાંશનાં ખંભે હાથ મૂકી દીધો. શિવાંશનાં ચહેરાં પર સ્મિત આવી ગયું. જે રાહીએ સાઈડ મિરરમાં જોઈ લીધું. એ તરત જ બધું સમજી ગઈ.
"૫, આમ્રપાલી કૉમ્પ્લેક્સ, અંકુર રોડ, નારણપુરા, હેવમોર આઈસ્ક્રીમ પાર્લર તરફ લઈ લે." બાઈક બહાર રોડ પર આવી એ સાથે જ રાહીએ કહ્યું.
શિવાંશે તેની વાત તો સાંભળી લીધી. પણ તેનાં મનમાં તો બીજું જ કંઈક ચાલી રહ્યું હતું. એ એની રીતે બાઈક ચલાવતો હતો. રાહી પહેલીવાર બાઈક પાછળ બેસીને અમદાવાદ જોઈ રહી હતી. શિવાંશે બાઈક નારણપુરા જતાં રસ્તે નહીં ને વસ્ત્રાપુર તળાવ પર જતાં રસ્તે ઘુમાવી દીધી. રાહી પાછળ બેઠી શિવાંશનું મન શું કરવાં માંગે છે? એ વિચારવા લાગી પણ એને કંઈ સમજમાં નાં આવ્યું. વસ્ત્રાપુરનો રસ્તો રાધિકા પહેલાં જ એને જણાવી ચુકી હતી. શિવાંશે બિલકુલ તળાવની સામે જ બાઇક ઉભી રાખી રાહીને ઉતરવા ઈશારો કર્યો. રાહી ઉતરીને તળાવની સામે ઉભી રહી ગઈ. શિવાંશ પણ એની પાસે જઈને ઉભો રહી ગયો. રાહીએ ત્રાંસી નજરે એની સામે જોયું. એની આંખોમાં રહેલો સવાલ શિવાંશ સમજી ગયો.
"મને ઘણાં વખતથી એક છોકરીનું સપનું આવે છે. જેમાં હું રોજ તેને પ્રપોઝ કરું છું." એ સહેજ હસ્યો, "સપનાં સાચાં નાં પડે. એ હું જાણું છું. છતાંય એ સપનાથી પરેશાન છું. બધાંની સામે તને વાત નાં કરી શકત. એટલે તને અહીં લાવ્યો."
"પણ આ બધું મને શાં માટે કહે છે?" રાહીએ આંખો મોટી કરીને પૂછ્યું.
"આપણી વચ્ચે કોઈ એવો સંબંધ નથી. છતાંય તને જણાવવાની ઈચ્છા થઈ." બંને વચ્ચે પ્રેમ જેવો પવિત્ર સંબંધ હોવા છતાં શિવાંશ સફેદ જૂઠ બોલી ગયો. મજબૂરી માણસને કંઈ પણ કરાવી શકે. એ શિવાંશ આજે સમજી શકતો હતો, "મને તું સમજદાર લાગી. બાકી કોઈને કહી પણ દેત તો એ મારી મજાક ઉડાવતા."
"કોણ છે એ છોકરી? તું તેને ઓળખે છે? મતલબ સપનામાં તો એ જ આવે જેને આપણે ઓળખતાં હોઈએ. અથવા જેની સાથે આપણો કોઈ સંબંધ હોય, આપણે કોઈને પસંદ કરતાં હોય. તું શું એ છોકરીને પસંદ કરે છે?" રાહીએ એક સાથે જ બધાં સવાલ પૂછી લીધાં. એને આ બધું એક રોમાંચ જેવું લાગતું હતું. સપનાંને લઈને કોઈ આટલું ગંભીર હોઈ શકે એ વાત પર એને વિશ્વાસ આવતો ન હતો. જ્યારે થોડાં વર્ષો પહેલાં એ ખુદ પોતાનાં સપનાંને લઈને ગંભીર હતી. એણે ઘણાં પાગલપન પણ કર્યા હતાં. પરિવાર સામે ખોટું પણ બોલી ચુકી હતી.
"તું પહેલાં પ્રોમિસ કર કે તું વધારે પડતું રિએક્ટ નહીં કરે‌." શિવાંશે જમણો હાથ રાહી તરફ લંબાવ્યો.
"એક નામ જણાવવામાં પ્રોમિસ કેવું?" રાહી હસવા લાગી, "તું ગંભીર છે, બહું ઓછું હસે છે, ગુસ્સો વધું કરે છે. આ બધું તો‌ હું જાણતી હતી પણ કોઈ છોકરીને લઈને આટલો ગંભીર બની શકે? આવું વિચાર્યું ન હતું." રાહી જોરજોરથી હસવા લાગી.
"તું પ્રોમિસ કરે છે કે?" શિવાંશ સહેજ નારાજ થયો.
"તું તો એવી રીતે કહે છે જાણે એ છોકરી હું જ હોય." એ ફરી હસવા લાગી.
"હાં, એ છોકરી તું જ છે એટલે તો પ્રોમિસ માગું છું. પણ તને તો બધું મજાક લાગે છે." શિવાંશ ગુસ્સે થઈ ગયો. એની વાત સાંભળીને રાહી પણ ચુપ થઈ ગઈ. એણે વિચાર્યું ન હતું કે શિવાંશ ખરેખર એની જ વાત કરતો હશે. એ શિવાંશને પ્રેમ કરતી. તેનાં સપનાં જોતી એ બધું ભૂલી ગઈ હતી પણ જ્યારે હોસ્પિટલમાં સર્જરી પછી એણે શિવાંશને જોયો અને ઘરે બધાંએ એને કોઈ છોકરો પસંદ છે? એવું પૂછ્યું ત્યારથી રાહીનાં દિલનાં તાર ફરી શિવાંશ માટે ઝણઝણી ઉઠ્યાં હતાં. એમાંય અંકિતાએ જે કહ્યું એ પછી તો રાહી શિવાંશ વિશે વધારે પડતું જ વિચારવા લાગી હતી. એને કોઈ મૂર્તિની જેમ ઉભી જોઈને શિવાંશ વિચારે ચડ્યો. રાહી શું કહેશે? એ વિચારે જ એનું મગજ ઘુમવા લાગ્યું.
"તું ગુસ્સે છે? જો તું નાં ઈચ્છે તો હું તને હેરાન નહીં કરું. હું તો બસ મારી ફિલિંગ તને જણાવવા માંગતો હતો. મારો કોઈ ખોટો ઈરાદો ન હતો." શિવાંશ આખરે હિંમત એકઠી કરીને બોલી ગયો પણ તેનાં ચહેરાં પરથી જ જણાતું હતું કે તે કેટલો નર્વસ છે?
"હું ગુસ્સે હોત તો અત્યાર સુધીમાં તને એક થપ્પડ મારીને અહીંથી જતી રહી હોત." રાહીએ તળાવનાં પાણી પર મીટ માંડીને કહ્યું.
"તો હું હાં સમજું?" શિવાંશે રાહીનાં ચહેરાં તરફ જોયું, "મતલબ કોઈ ઉતાવળ નથી. તું સમય માંગી શકે છે."
"હું સમય નહીં માંગું પણ તું મારાં પપ્પા પાસે મારો હાથ માંગી શકીશ?" રાહીએ આખરે શિવાંશની આંખોમાં જોઈને પૂછયું.
"તું જ્યારે કહે ત્યારે હું એ સાહસ કરવાં પણ તૈયાર છું." શિવાંશે પણ રાહીની આંખોમાં આંખો પરોવીને કહી દીધું. રાહીની આંખો તરત જ શરમથી ઝુકી ગઈ. શિવાંશને એનો જવાબ મળી ગયો. ત્યાં જ એનાં ફોનમાં મેસેજની ટૉન વાગી. રાધિકા એમને આઈસ્ક્રીમ પાર્લર પર આવવાં કહી રહી હતી. એ બધાં ત્યાં પહોંચી ગયાં હતાં.
"રાધિકા આઈસ્ક્રીમ પાર્લર પર આવવાં કહે છે. તો જઈએ?" શિવાંશે કહ્યું. રાહી ઝુકેલી નજરે જ બાઈક તરફ આગળ વધી. શિવાંશનાં બાઈક પર બેસતાં જ રાહી તેની પાછળ બેસી ગઈ. આ વખતે પણ તે શિવાંશનાં ખંભે હાથ મૂકતાં અચકાતી હતી. શિવાંશ પણ જીદે ચડ્યો હતો. રાહીએ તેનાં ખંભે હાથ નાં મૂક્યો ત્યાં સુધી એણે પણ બાઈક નાં ચલાવી.
"હાં મળતાંની સાથે જ તારી દાદાગીરી વધવા લાગી હોય એવું નથી લાગતું!" રાહીએ મુસ્કુરાઈને કહ્યું.
"એટલો હક તો છે." કહીને શિવાંશે પણ સ્મિત વેર્યું. જે રાહીએ સાઈડ મિરરમાં જોઈ લીધું. શિવાંશે બાઈક નારણપુરા તરફ હાંકી મૂકી.



(ક્રમશઃ)


_સુજલ બી.પટેલ