Anant Safarna Sathi - 37 books and stories free download online pdf in Gujarati

અનંત સફરનાં સાથી - 37

૩૭.પ્રેમની પરીક્ષા


થોડીવારમાં રાહી અને શિવાંશ બંને એક સાથે જ હેવમોર આઈસ્ક્રીમ પાર્લર પર પહોંચી ગયાં. રાહી નજર નીચી કરીને અંદર આવી ગઈ. શિવાંશનાં ચહેરાં પર તેનાં ગાલ સુધી ખેંચાયેલી લાંબી સ્માઈલ જોઈને રાધિકા બધું સમજી ગઈ. રાહી જઈને રચના પાસે બેસી ગઈ. રાધિકા ઉભી થઈને શિવાંશ પાસે ગઈ. એણે શિવાંશને કોણી મારીને પૂછ્યું, "બધું સેટ છે બોસ." શિવાંશે માત્ર તેની સામે આંખો કાઢી. રાધિકા તરત જઈને શ્યામ પાસે બેસી ગઈ.
રચનાએ બધાં માટે આઈસ્ક્રીમનો ઓર્ડર આપ્યો. એને પણ રાધિકાએ બોલાવી હતી. આઈસ્ક્રીમ ખાતાં ખાતાં એ રાહી સાથે બુટિકને લઈને થોડીઘણી ડિસ્કસ કરવાં લાગી. વચ્ચે વચ્ચે એ શિવાંશ તરફ નજર કરી લેતી. જે આઈસ્ક્રીમ ખાતી વખતે એને જ જોઈ રહ્યો હતો. રાહી એની સામે એક નજર કરીને ફરી વાતો કરવાં લાગી. આઈસ્ક્રીમ ખાઈને બધાંએ પોતપોતાના ઘરનાં સભ્યો માટે પણ આઈસ્ક્રીમ પેક કરાવ્યું. બહાર આવીને કાર્તિક સ્વીટી સાથે પોતાની બાઈક પર જતો રહ્યો. શ્યામ તેની બાઈક લઈને જતો રહ્યો. રચનાએ ઓટો કરી અને રાધિકા, રાહી, આયશા, શિવાંશ અને આર્યન રાહીની ગાડીમાં ઘરે જવાં નીકળી ગયાં. આ વખતે શિવાંશે ગાડી ચલાવી. એણે ડ્રાઈવિંગ સીટ પર બેસતાં જ રિઅર વ્યૂ મિરર સેટ કરી લીધો. જેમાં એ રાહીને જોઈ શકે.
બધાં ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં ડીનરનો સમય થઈ ગયો હતો. બધાં હાથ મોં ધોઈને તરત જ ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયાં. આજે બધાં કરતાં વધું ખુશ શિવાંશ જ દેખાતો હતો. મહાદેવભાઈએ પણ એ વાત નોટિસ કરી. એમણે ઈશારામાં શિવાંશને પૂછ્યું પણ ખરું જેનો જવાબ શિવાંશે ઈશારામાં જ 'પછી વાત કરીએ' એમ આપી દીધો. ગૌરીબેને બધાંને જમવાનું પીરસી આપ્યું. એ સાથે જ બધાં જમવા લાગ્યાં. શિવાંશ આજે થોડીવાર પહેલાં આઈસ્ક્રીમ ખાવાનાં લીધે અને ખુશીનાં કારણે ઓછું જમ્યો. પ્રેમની પહેલી સીડી પણ એ જ છે ને! પ્રેમમાં હોય એટલે તમને ભૂખ નાં લાગે. જ્યારે શિવાંશ માટે તો આ બધું બીજીવાર હતું. પહેલીવાર તો એનો બધો સમય વિચારોમાં અને અસમંજસમાં જ નીકળી ગયો હતો એટલે આ વખતે એ પ્રેમની એક એક સીડી એનાં એક એક અનુભવને માણીને ચડી રહ્યો હતો. એણે જમીને જાહેરાત કરી, "તમે બધાં જમીને બહાર આવજો. હું બહાર ગાર્ડનમાં બધાં માટે બેસવાની અને આઈસ્ક્રીમની વ્યવસ્થા કરું છું." કહીને એ ખુરશીઓ ઉઠાવીને બહાર જતો રહ્યો. રાહી એને આ બધું કરતાં જોઈ રહી. એ પણ જમીને શિવાંશની મદદ કરવાં બહાર ગાર્ડનમાં ગઈ. જ્યાં શિવાંશ ખુરશીઓ ગોઠવી રહ્યો હતો.
"તે દવા લીધી?" રાહીને જોઈને શિવાંશે પહેલો સવાલ કર્યો. રાહીએ નકારમાં ડોક હલાવી એટલે શિવાંશ એની દવા લેવા અંદર ગયો. દવા અને પાણી લાવીને એણે રાહી સામે ધરી દીધું.
"હું કોઈ મદદ કરૂં?" દવા પીને રાહીએ પૂછ્યું.
"શું મદદ કરીશ?" શિવાંશે સામે સવાલ કર્યો.
"તું આ બધું શાં માટે અને શું કરી રહ્યો છે? એ જરાં મને સમજાવીશ?" રાહીએ પણ સવાલ સામે સવાલનો દોર શરૂ રાખ્યો.
"આ મદદ નહીં મને હેરાન કર્યો કહેવાય. હવે તે પૂછી જ લીધું છે તો જણાવી જ દઉં કે હું તને અત્યારે કંઈ નહીં જણાવી શકું. તું જાતે જ થોડીવારમાં બધું સમજી જઈશ." એણે તોફાની સ્મિત કર્યું, "પણ હાં એટલું જરૂર કહી શકું કે તું જે આ મને તું તું કરીને બોલાવે છે ને એનાં બદલે હવે તમે કહેવાની આદત પાડી લે." કહીને એ અંદર બીજો સામાન લેવાં જતો રહ્યો.
બધાં જમીને બહાર આવ્યાં. ધીરે-ધીરે બધાં ખુરશીઓ પર ગોઠવાઈ ગયાં. શિવાંશ બધાં માટે આઈસ્ક્રીમ લઈને આવ્યો. એણે બધાંને આઈસ્ક્રીમ આપ્યું. રાધિકા નાનાં છોકરાંની જેમ બીજી વખત આઈસ્ક્રીમ ઝાપટવામા લાગી ગઈ. રાહીએ બધાંથી નજર બચાવીને પોતાનાં માટે આઈસ્ક્રીમનો વાટકો લેવાં હાથ લંબાવ્યો. એ સાથે જ શિવાંશે એનાં હાથ પર ટપલી મારીને કહ્યું, "એકવાર ખાઈ લીધું હવે નહીં." રાહીનું મોઢું તરત જ બગડી ગયું. એ જોઈને શિવાંશને હસવું આવી ગયું.
"બહું હસવું આવે છે ને હવે તું જો." રાહી ધીમેથી બબડવા લાગી. એણે બધાં તરફ એક નજર કરી અને રાધિકાને કંઈક ઈશારો કર્યો. નાનપણથી જ એકબીજાનાં ઈશારા સમજતી આ બંને શેતાન બહેનોની જુગલબંધી શરૂ થઈ ગઈ.
"શિવાંશ! આજે આટલો બધો ખુશ કેમ છે તું? કોઈ ખાસ વાત?" રાધિકાએ રાહીનો ઈશારો મળતાં જ શિવાંશને ટાર્ગેટ બનાવ્યો, "કોઈ છોકરીનો મામલો તો નથી ને? હોય તો મને પહેલાં જાણ કરજે." શિવાંશ તરત બધું સમજી ગયો. એ ત્રાંસી નજરે રાહી સામે જોવાં લાગ્યો. એ હસી રહી હતી. જાણે કોઈ જંગ જીતવાની નજીક હોય. પણ એ વાતથી એ અજાણ હતી કે શિવાંશને સબક શીખવવાની આડમાં એ એની જ મદદ કરી રહી હતી. મહાદેવભાઈ પણ રાહીની ચાલાકી પાછળની નાદાની જોઈને મનોમન હસી રહ્યાં. એમણે પણ વાતને હવા આપવાનું કામ પોતાનાં સિરે લીધું.
"હાં શિવાંશ! હું પણ જોવ છું તું આજે બહું વધારે જ ખુશ છે. ખરેખર કોઈ છોકરીનું ચક્કર તો નથી ને?" મહાદેવભાઈએ સહજતાથી પૂછ્યું.
"અંકલ! હવે શું કહું છે તો એવું જ કંઈક છોકરી પણ માની ગઈ છે પણ તેનાં પપ્પા સાથે કેવી રીતે વાત કરું? એ સમજાતું નથી." શિવાંશે ચાલાકીથી વાતને આગળ વધારી. એની ચાલાકી ઉપર રાહી પણ હસી રહી હતી. આયશાને તો મજા આવી રહી હતી. એ રાહીની બનારસમાં શરૂ થયેલી લવ સ્ટોરી જાણવાં આવી હતી. જ્યારે અત્યારે તો એની સામે જૂનાં કિરદારોની નવી લવ સ્ટોરી શરૂ થઈ ગઈ હતી. શિવા‌ંશ રાહીનું જે રીતે ધ્યાન રાખતો. બંને બાઈક પર વસ્ત્રાપુર તળાવ ગયાં. ત્યાં એણે રાહી પાસે લગ્ન માટે હાં પડાવી લીધી. હવે જાણે મહાદેવભાઈ કંઈ જાણતાં જ નાં હોય એમ એમની સામે રાહીનો હાથ માંગવાની કોશિશ કરી રહ્યો હતો. એ બધું જોઈને આયશા રોમાંચ અનુભવી રહી હતી.
શિવા‍ંશ ઘડીક મહાદેવભાઈ સામે તો ઘડીક રાહી સામે જોઈ રહ્યો હતો. શિવાંશથી વધું ઉત્સુકતા તો રાહીનાં ચહેરાં પર નજર આવતી હતી. આવે પણ કેમ નહીં એની જાણ બહાર બધાંને તેનાં અને શિવાંશનાં પ્રેમ વિશે ખબર હતી. પણ બિચારી રાહીને તો આ બધું પહેલીવાર બની રહ્યું હોય એવું જ લાગતું હતું. મહાદેવભાઈ પણ રાહીની ઉત્સુકતા જોઈ શકતાં હતાં. એમણે શિવાંશ સામે જોઈને આંખ મારી.
"તને તેનાં પપ્પા સાથે વાત કરતાં ડર લાગતો હોય તો મને તેમનું નામ જણાવી દે હું તેમની સાથે વાત કરીશ." મહાદેવભાઈએ વાત આગળ ધપાવી.
"સાચ્ચે તમે તેમની સાથે વાત કરશો?" શિવાંશે પણ એક્ટિંગ કરવામાં સારો એવો ભાવ ભજવ્યો.
"અરે બેટા! તું મારાં દિકરા જેવો છે સાથે જ રાહીનો મિત્ર છે અને તે રાધિકાનો જીવ પણ બચાવ્યો હતો. તો હું તારાં માટે એટલું તો કરી જ શકું ને." મહાદેવભાઈએ શિવાંશનાં માથે હાથ મૂક્યો. શિવાંશ દોડીને અંદર ગયો અને પોતાનાં હાથ પાછળ કંઈક છુપાવતો બહાર આવ્યો. એ જઈને મહાદેવભાઈ સામે ઉભો રહી ગયો.
"આ છે એ છોકરીનાં પપ્પા! તમે તેમની સાથે વાત કરી લો. મને પણ ખાતરી છે એ નાં નહીં પાડે." શિવાંશે પાછળ છુપાવેલો પોતાનાં હાથમાં રહેલો અરીસો મહાદેવભાઈ સામે કર્યો. જેમાં એમને પોતાનું જ પ્રતિબિંબ દેખાયું. એમણે અરીસો સાઈડમાં કરીને શિવાંશ સામે જોયું.
"તું કહેવા શું માંગે છે? હું એ છોકરીનો બાપ છું?" એમણે રાધિકા સામે જોયું, "રાધિકા તો શ્યામને પસંદ કરે છે, મતલબ.." એમણે રાહી તરફ ડોક ઘુમાવી, "તું રાહીની વાત કરે છે?" મહાદેવભાઈનાં મોંઢે પોતાનું નામ સાંભળીને રાહી તરત જ નીચું જોઈ ગઈ. એનાં નીચું જોતાંની સાથે જ બધાં એકબીજા સામે જોઈને દબાયેલ અવાજે હસવા લાગ્યાં, "રાહી! તું પણ શિવાંશને પસંદ કરે છે?" મહાદેવભાઈએ પૂછ્યું એ સાથે જ રાહીએ પોતાની ડોક સાવ નીચી કરી લીધી અને શરમાઈ ગઈ. એક પિતાને તેની દીકરીનો જવાબ મળી ગયો. એમણે તરત જ રાહી અને શિવાંશનાં માથાં પર હાથ મૂક્યો, "કાલે તારાં મમ્મી-પપ્પા, નાના-નાની અને બહેનને ઘરે બોલાવી લે. બધી વાતચીત એમની સામે જ કરીશું." એમણે રાધિકા સામે જોયું, "તું પણ શ્યામને ફોન કરીને એનાં મમ્મી-પપ્પાને આવવાનું કહી દે. બંને દિકરીઓની સગાઈ સાથે થતાં જોવી છે મારે પછી લગ્નનું આયોજન નિરાંતે કરીશું."
મહાદેવભાઈની વાત સાંભળીને રાહી એમને ભેટી પડી. રાધિકા પણ ઉભી થઈને મહાદેવભાઈના ગળે ચોંટી ગઈ. મહાદેવભાઈએ એક વર્ષ પછી બંને બહેનોનાં ચહેરાં આટલાં ખુશ જોયાં હતાં. એક મોટી ભૂલ કર્યા પછી આખરે એમણે બંને દિકરીઓને એમની ખુશીઓ ફરી આપી દીધી હતી. મહાદેવભાઈને ભેટીને રાહી અને રાધિકા વારાફરતી દાદી અને ગૌરીબેનને પણ ગળે મળી.
"હવે બધાં સુઈ જાવ. કાલે બધી તૈયારી કરવી પડશે ને. મારી બંને દિકરીઓના સાસરાવાળા આવે છે તો અમે પણ થોડી ઘણી તૈયારી કરશું ને!" ગૌરીબેન ઉભાં થઈને દાદીનો હાથ પકડીને એમને અંદર લઈ ગયાં. એમની પાછળ પાછળ બાકી બધાં પણ અંદર જતાં રહ્યાં. ગાર્ડનમાં માત્ર શિવાંશ અને રાહી જ વધ્યાં. શિવાંશ ટેબલ પર પડેલો પોતાનો આઇસક્રીમનો વાડકો લઈને રાહી તરફ આગળ વધ્યો. એણે ચમચીમાં આઈસ્ક્રીમ લઈને રાહી તરફ લંબાવી. રાહી થોડીવાર એની આંખોમાં જોઈ રહી. શિવાંશે એની પાંપણો જપકાવી એટલે રાહીએ તરત જ આઈસ્ક્રીમની ચમચી મોંમાં મૂકી દીધી. શિવાંશ એનાં ચહેરાં પરની ખુશી જોવામાં વ્યસ્ત થઈ ગયો.
"આજે જ તને પણ મનાવી લીધી અને તારાં પપ્પા પાસે તારો હાથ પણ માંગી લીધો. હવે મને શું મળશે?" શિવાંશ રાહી સામે પ્રશ્નાર્થ સૂચક નજરે જોતો ખુરશી પર બેસી ગયો.
"શું જોઈએ છે તારે?" રાહીએ તેની સામે બેસીને પૂછ્યું.
"મારાં મમ્મી-પપ્પા આવે ત્યારે તારે અંકિતાનાં લગ્નમાં તે જે બનારસી સાડી પહેરી હતી. એ જ સાડી પહેરવી પડશે." શિવાંશે હળવું સ્મિત કર્યું, "એમાં તું બહું સરસ લાગે છે."
"જો હુકમ મેરે ફ્યુચર હસબન્ડ!" કહીને રાહી હસતી હસતી પોતાનાં રૂમમાં જતી રહી. શિવાંશ પણ એનાં પપ્પાને બધું જણાવીને રૂમમાં જઈને સૂઈ ગયો.
વહેલી સવારે ગૌરીબેન બંને દિકરીઓના સાસરીયા પક્ષનાં સ્વાગતની તૈયારીમાં લાગ્યાં હતાં. આજે તો‌ રાધિકા પણ એમની મદદ કરી રહી હતી. ત્યાં જ રાહી ઉતાવળમાં પોતાનું પર્સ લઈને નીચે આવી. એને ઉતાવળમાં જોઈને ગૌરીબેને પૂછ્યું, "આટલી ઉતાવળે ક્યાં જાય છે?"
"બૂટિક પર એક મીટિંગ છે. લંડનનો જે ઓર્ડર મળ્યો હતો એ બાબતે! મારું જવું જરૂરી છે." રાહીએ પરેશાન અવાજે કહ્યું.
"પણ બેટા! બપોરે શિવાંશ અને શ્યામ બંનેનો પરિવાર આવે છે." ગૌરીબેને પોતાની ચિંતા વ્યક્ત કરી.
"મને ખબર છે. બપોરે એમનાં આવ્યાં પહેલાં જ હું આવી જઈશ. પણ મારું જવું જરૂરી છે." કહીને રાહી સીધી જ નીકળી ગઈ. સવારનો નાસ્તો કે દવા પણ નાં લીધી એણે!
ગૌરીબેનની ચિંતામાં વધારો થયો. એમનું મન અચાનક જ ગભરામણ અનુભવવા લાગ્યું. એ તરત જ બધાં કામ મૂકીને મંદિરમાં રહેલી શંકર પાર્વતીની મૂર્તિ સામે હાથ જોડીને ઉભાં રહી ગયાં, "હે ભોલેનાથ પાર્વતી જી! મારી દિકરીઓ બહું હેરાન થઈ છે. હવે એમનાં જીવનમાં કોઈ સંકટ નાં આવવાં દેતાં. ખાસ કરીને રાહીને બધી મુસીબતોથી બચાવી લેજો. મને ખબર છે કે એક છોકરી પોતાનાં માટે શિવરૂપી પતિની કામના કરે ત્યારે એને બહું બધાં સંકટોનો સામનો કરવો પડે છે. શિવ જેવો પતિ કોઈને આસાનીથી નથી મળતો. તેનાં માટે કઠિન તપસ્યા કરવી પડે છે. જે મારી દિકરીએ એની ક્ષમતા મુજબ કરી છે. હવે વધું તેની પરીક્ષા નાં લેતાં. એને અને શિવાંશને એક કરી દેજો." ગૌરીબેન શંકર પાર્વતીની પ્રતિમા આગળ વિનવણી કરવાં લાગ્યાં. એમનો ડર પણ વ્યાજબી હતો. બધાં પોતાનાં માટે શંકર પાર્વતી જેવી જોડીની કામના કરે છે. પણ એનાં માટે તપસ્યા પણ એટલી જ કઠિન કરવી પડે છે જેટલી પાર્વતીજીએ કરી હતી. હવે રાહીની તપસ્યા એને ફળે છે કે નહીં એ તો જોવું રહ્યું.
ગૌરીબેન શંકર પાર્વતીની પ્રતિમા સામે હાથ જોડીને ઉભાં હતાં. એ સમયે જ શિવાંશ દાદરા ઉતરીને નીચે આવ્યો. બંધ આંખોએ પણ શિવાંશે ગૌરીબેનની ચિંતા માપી લીધી. એ તરત જ ગૌરીબેન પાસે ગયો. ગૌરીબેનને કોઈનાં આવવાનો આભાસ થતાં જ એમણે આંખો ખોલી. બાજુમાં શિવાંશને ઉભેલો જોઈને એમણે શિવાંશનાં માથાં પર હાથ મૂક્યો. શિવાંશે તરત જ એમનાં બંને હાથ પકડીને પોતાનાં હાથની હથેળીઓ વચ્ચે દબાવી દીધાં.
"સવાર સવારમાં કેમ આટલાં પરેશાન છો?" શિવાંશે પ્રેમથી પૂછ્યું.
"રાહી ઉતાવળમાં નાસ્તો કે દવા લીધાં વિના જ બૂટિક પર જતી રહી. કહેતી હતી કે, 'બહું જરૂરી મીટિંગ છે.' મને એની બહું ચિંતા થાય છે." ગૌરીબેનનો અવાજ ભીનો થઈ ગયો. એમની આંખોમાં ઝળઝળીયાં આવી ગયાં.
"એ તો તમારી બહાદુર દિકરી છે ને! એને કંઈ નહીં થાય. હવે એનું કામ વધી ગયું છે તો અવારનવાર એને જવું પડે. એમાં ચિંતા કરવાં જેવું કંઈ નથી." શિવાંશે ગૌરીબેનને સાંત્વના આપીને શાંત કર્યા અને ફરી કામોમાં વ્યસ્ત કરી દીધાં. પણ પોતે અંદરથી અસ્ત વ્યસ્ત થઈ ગયો. એણે ગૌરીબેનને તો સમજાવી દીધાં પણ પોતાની જાતને કેમ સમજાવે? એ એની સમજમાં નાં આવ્યું. એને પણ રાહીની ચિંતા થતી હતી. બહું લાંબો સમય બંને અલગ રહ્યાં હતાં. રાહીએ ઘણું સહન કર્યું હતું. હવે શિવાંશ પણ ઈચ્છતો ન હતો કે રાહી વધું હેરાન થાય અને પોતે રાહીથી વધું સમય અલગ રહે. એવાં વિચાર કરતો શિવાંશ બહાર ગાર્ડનમાં આવી ગયો. રાધિકા એનાં મનનો ઉચાટ સમજી ગઈ હતી. એ ચાનો કપ લઈને એની પાછળ ગઈ.
"દીદુના કારણે પરેશાન છો?" એણે ચાનો કપ શિવાંશ આગળ લંબાવીને પૂછ્યું. શિવાંશે માત્ર એની આંખોમાં જોઈને ચાનો કપ લઈને ટેબલ પર મૂકી દીધો.
"દીદુ જલ્દી જ આવી જાશે. આ વખતે તમને બંનેને એક થતાં કોઈ રોકી નહીં શકે. વિશ્વાસ રાખો." રાધિકા આજે થોડી વધારે જ સમજદાર થઈ ગઈ હોય એવું શિવાંશને લાગ્યું. એણે પોતાની સામે ઉભેલી રાધિકા સામે જોયું, "ચા પીને તમે પણ જલ્દી તૈયાર થઈ જાવ. દીદુ પણ સમયસર આવી જાશે." કહીને રાધિકા અંદર જતી રહી. શિવાંશ ચાનો કપ હાથમાં લઈને ચા પીવા લાગ્યો. ચા પીને એણે ખાલી કપ કિચનમાં મૂક્યો અને પોતાનાં રૂમમાં આવી ગયો. એણે પોતાની બેગમાંથી એક કુર્તો અને ચુડીદાર સલવાર કાઢીને પહેરી લીધાં. તૈયાર થતી વખતે પણ એની નજર વિન્ડોની બહાર જોતાં જ ઘરનાં એન્ટ્રેસ ગેટ પર પડતાં રસ્તા પર જ હતી. એક નજર દિવાલ પર લટકતી ઘડિયાળ તરફ કરીને એ નીચે ગયો. ગૌરીબેન અને રાધિકાએ મળીને નાસ્તો અને બપોરનું લંચ બધું તૈયાર કરી લીધું હતું. શિવાંશને વહેલી સવારે છ વાગ્યે જ મલયભાઈનો મેસેજ મળી ગયો હતો. એ લોકો મુંબઈથી અમદાવાદ આવવાં નીકળી ગયાં હતાં. બપોરનાં બાર વાગી ગયાં હતાં. એમની સાથે ઋષભ પણ આવી રહ્યો હતો. એની ડ્રાઈવિંગને ધ્યાનમાં રાખીને શિવાંશને ખાતરી હતી કે એ લોકો એક વાગ્યે અમદાવાદ પહોંચી જશે. હવે એક કલાકની જ વાર હોવાથી શિવાંશની નજર દરવાજે જ મંડાયેલી હતી. રાધિકા બધી તૈયારી કરીને ઉપર તૈયાર થવા જતી રહી હતી. હવે એની જગ્યાએ આયશા ગૌરીબેનની મદદ કરી રહી હતી. નવ વાગ્યે બૂટિક પર જવાં નીકળેલી રાહી હજું પણ આવી ન હતી. એની પહેલાં જ શ્યામ એનાં મમ્મી-પપ્પા સાથે પહોંચી ગયો. એમની પાછળ જ શિવાંશનાં નાના-નાની પણ આવી ગયાં. શિવાંશે બધાનાં ચરણ સ્પર્શ કર્યા. મહાદેવભાઈ પ્રવિણભાઈ અને વિઠ્ઠલભાઈને અને ગૌરીબેન કાન્તાબેન અને મંજુબેનને ગળે મળ્યાં. ત્યાં સુધીમાં રાધિકા પણ આવી ગઈ. એણે પણ બધાનાં ચરણ સ્પર્શ કર્યા. શ્યામે ઈશારામાં જ એને તર્જની આંગળી અને અંગુઠાને એક કરતાં એ બહું સુંદર લાગી રહી છે એવું જણાવી દીધું. એ સમયે જ આયશા અને આર્યન શિવાંશની પાસે આવ્યાં.
"રાહી હજું નથી આવી?" આર્યને તરત જ પૂછ્યું. શિવાંશે ઉદાસ ચહેરે નકારમાં ડોક હલાવી. હવે એની સાથે આયશા અને આર્યનની નજર પણ દરવાજા પર હતી. સાડા બાર વાગી ગયાં હતાં. રાહીનો હજું પણ કોઈ અતોપતો ન હતો. શિવાંશને પરેશાન જોઈને રાધિકાએ રાહીને ફોન જોડ્યો પણ એનો ફોન બંધ આવતો હતો. ઘડિયાળમાં એક વાગતાં જ શિવાંશનાં મમ્મી-પપ્પા, ઋષભ અને તન્વી પણ આવી ગયાં. શિવાંશે એમનાં ચરણ સ્પર્શ કરીને, ઋષભને ગળે મળીને, પોતાની આદત મુજબ તન્વીનાં માથે ટપલી મારીને, બધાંને અંદર આવકાર્યા. એક તરફ મહાદેવભાઈ અને મલયભાઈ અને બીજી તરફ ગૌરીબેન અને ગાયત્રીબેન એકબીજાને ગળે મળ્યાં. તન્વીએ દાદી, મહાદેવભાઈ અને ગૌરીબેનનાં ચરણ સ્પર્શ કર્યા અને એનાં નાના-નાની પાસે જઈને એમને ગળે મળી. બધાંને બેસાડીને ગૌરીબેન પણ હવે રાહીની રાહ જોવાં લાગ્યાં. બપોર સુધીમાં આવી જવાનું કહીને નીકળેલી રાહી હજું સુધી નાં આવી એ વાતનો ઉચાટ હવે ગૌરીબેનનાં મનમાં પણ હતો. ગાયત્રીબેન પણ કદાચ એને જ શોધી રહ્યાં હતાં. એમણે શિવાંશને ઈશારો પણ કર્યો. પણ બિચારો શિવાંશ શું જવાબ આપે?
"રાહી ક્યાંય દેખાતી નથી." આખરે ગાયત્રીબેને પોતાનાં મનની વાત બધાં સમક્ષ મૂકી દીધી.
"હું અહીં છું, આન્ટી!" બધાંની આંખોનો ઈંતેજાર રાહી! દરવાજે આવીને ઉભી હતી. એણે દરવાજેથી જ જવાબ આપ્યો. એણે આવીને બધાનાં ચરણ સ્પર્શ કર્યા અને તરત જ શિવાંશ સામે અજીબ નજરોથી જોઈને પોતાનાં રૂમમાં જતી રહી. શિવાંશ એની એવી નજરનો મતલબ સમજી નાં શક્યો. એની પાસે ઉભેલાં આર્યન અને આયશાને પણ રાહીનું એ રીતે શિવાંશ સામે જોવું થોડું ખટક્યું.
રાહી થોડીવારમાં જ તૈયાર થઈને નીચે આવી પણ એણે શિવાંશે કહ્યું હતું એમ અંકિતાનાં લગ્ન વખતે પહેરેલી બનારસી સાડી પહેરી ન હતી. હવે તો શિવાંશને પાક્કી ખાતરી થઈ ગઈ કે કંઈક તો એવું બન્યું છે જે બનવું જોઈતું ન હતું. રાહી નીચે આવી એ સાથે જ ગાયત્રીબેને એને પકડીને પોતાની અને તન્વીની વચ્ચે બેસાડી દીધી. બંને રાહી સાથે વાતોએ વળગી.
"મેં પંડિતજીને બોલાવી લીધાં છે. બસ આવે એટલે સગાઈનું મુહુર્ત કઢાવી લઈએ." મહાદેવભાઈએ મોકો જોઈને વાત મૂકી. બધાનાં ચહેરાં પર સ્મિત હતું. બસ રાહી જ ક્યાંક ખોવાયેલી હતી.
"એ પહેલાં હું રાહીને અમારાં ખાનદાની કંગન પહેરાવીને, ગોળધાણા કરીને, સંબંધ પાક્કો કરવાં માગું છું." ગાયત્રીબેને પોતાની ઈચ્છા વ્યક્ત કરી.
"મારી પણ એવી જ ઈચ્છા છે. ઘણાં સમયથી આ દિવસની રાહ જોતાં હતાં." મંજુબેને પણ ગાયત્રીબેનની ઈચ્છામાં પોતાનો સૂર પુરાવ્યો. ગૌરીબેન તરત જ ગોળધાણા લઈને આવ્યાં. પહેલાં ગાયત્રીબેને કંગન કાઢ્યાં અને રાહીનો હાથ લઈને પહેરાવવા લાગ્યાં. ત્યાં જ રાહીએ પોતાનો હાથ ખેંચી લીધો અને ઉભી થઈ ગઈ. બધાં એની સામે જ જોઈ રહ્યાં. ગૌરીબેનનો તો શ્વાસ અધ્ધર ચડી ગયો. શિવાંશ પણ જોરજોરથી ધબકતાં દિલ સાથે આંખો ફાડીને બધું જોઈ રહ્યો. રાહીએ વારાફરતી બધાં તરફ નજર દોડાવીને બધાંની હાલતનો અંદાજ મેળવ્યો.
"કોઈપણ રિત રિવાજ કર્યા પહેલાં મારે શિવાંશને કંઈક જણાવવું અને પૂછવું છે." રાહીએ શિવાંશ ઉપર પોતાની નજર ઠેરવી.
"દીદુ! તમારે અત્યારે એવું શું પૂછવું છે?" રાધિકા પણ થોડી ડરી ગઈ હતી. રાહી બધાંની વચ્ચેથી પસાર થઈને પોતાનાં રૂમમાં જતી રહી. થોડીવારમાં જ એ એક કવર સાથે નીચે આવી. એણે શિવાંશનાં હાથમાં એ કવર આપ્યું. શિવાંશે થોડીવાર રાહી સામે જોઈને એ કવર ખોલ્યું. એમાંથી નીકળેલાં ફોટોગ્રાફ્સ જોતાંની સાથે જ એની આંખો ફાટી ગઈ અને હાથ ધ્રુજવા લાગ્યાં.
"શિવાંશ! એમાં શું છે?" દૂર ઉભેલા મલયભાઈએ પૂછ્યું. શિવાંશ કંઈ બોલ્યો નહીં તો આયશાએ જ આગળ વધીને એનાં હાથમાંથી એ કવરમાંથી નીકળેલાં ફોટોગ્રાફ્સ લઈ લીધાં અને જોવાં લાગી. એણે તરત જ રાહી સામે જોયું.
"આ તને કોણે આપ્યાં?" આયશાએ રાહીનો ખંભો પકડીને પૂછ્યું.
"એ મને નથી ખબર પણ મારે એટલું જ જાણવું છે કે તમે બંને મિત્રો છો તો કોઈએ મને આવાં ફોટોગ્રાફ્સ શાં માટે આપ્યાં?" રાહીએ શિવાંશની આંખોમાં આંખો સ્થિર કરી. એની આંખોમાં જોતાં જ એક વખત તો રાહીને પણ પોતાનાં એવાં સવાલ પૂછવા પર અફસોસ થયો. શિવાંશની આંખોમાં રાહીને જરાં પણ છળકપટ નજર નાં આવ્યું. ઉલટાનું એક દર્દ દેખાયું. જે શિવાંશને રાહીનાં એવાં સવાલથી થયું હતું. રાહી તો શિવાંશને પ્રેમ કરતી હતી અને એને શોધવાં કેટલુંય કર્યું હતું એ વાત ભૂલી ગઈ હતી. પણ શિવાંશ કંઈ ભૂલ્યો ન હતો. બસ એનાં લીધે અત્યારે રાહીનાં એવાં સવાલથી શિવાંશને બહું તકલીફ થતી હતી.
આર્યને આયશાનાં હાથમાંથી ફોટોગ્રાફ્સ લઈને જોયાં અને એ રાહી પાસે ગયો. રાહીની નજર શિવાંશ પર જ મંડાયેલી હતી. પણ હવે એને શિવાંશનાં જવાબની નહીં માત્ર શિવાંશની ચુપ્પી તૂટવાની જ રાહ હતી. આયશા થોડીવાર શિવાંશ સામે જોઈ રહી. એ કંઈ નાં બોલ્યો. એ બોલી શકવાની હાલતમાં જ ન હતો. કવરમાં શિવાંશ અને આયશાનાં મુંબઈનાં કેફેમાં પાડેલાં ફોટોગ્રાફ્સ હતાં. જેનો જવાબ આયશા જ આપી શકે એમ હતી.
"શિવાંશ તારાં કોઈ સવાલનો જવાબ આપે એ પહેલાં હું તને એક સવાલ પૂછીશ કે તને શિવાંશ ઉપર વિશ્વાસ છે કે નહીં?" આયશાએ રાહીની આંખોમાં આંખો પરોવીને કહ્યું.
"મને પૂરો વિશ્વાસ છે. મારું બસ એટલું જ કહેવું છે કે કોઈ અમને અલગ કરવાં માંગે છે. પણ કોણ? એ હું નથી જાણતી. તો મારે એટલું જ જાણવું છે કે શિવાંશ મારાથી કંઈ એવી વાત છુપાવે છે?" રાહીએ શિવાંશનો હાથ મજબૂતીથી પકડી લીધો, "કોઈ તો શિવાંશનો દુશ્મન છે. જે અમને એક થવા દેવા માંગતો નથી. મેં શિવાંશ પર અવિશ્વાસ જાહેર કરવાં તેને આ સવાલ પૂછ્યો ન હતો. હું તો આ ફોટોગ્રાફ્સ કોણ મને આપી શકે? એ જાણીને શિવાંશનો સાથ આપવા માંગતી હતી." એણે ફોટોગ્રાફ્સ તરફ એક નજર કરી, "લગ્ન મંડપમાં કોઈ શિવાંશ ઉપર સવાલ ઉઠાવે એ પહેલાં જ હું આ કહાની ખતમ કરવા માગું છું. જેથી અમારું જીવન કોઈ અડચણ વગર શરૂ થઈ શકે." રાહીની વાત પૂરી થતાં જ શિવાંશે એને ગળે લગાવી લીધી. આયશાને રાહીનાં પ્રેમ પર પૂરો વિશ્વાસ આવી ગયો. એનાં ચહેરાં પર સ્મિત ફરી વળ્યું.
"આન્ટી! તમે ગોળધાણાની તૈયારી કરો. આ મેટર હું સંભાળી લઈશ." આયશાએ ગૌરીબેન સામે જોઈને કહ્યું. એની વાત સાંભળીને આર્યન અને શિવાંશ બંનેએ એની સામે જોયું. આયશાએ આંખોની પાંપણો જપકાવીને જ બંનેને શાંત અને ચૂપ રહેવા જણાવી દીધું. ગૌરીબેન ગોળધાણાની તૈયારી કરવા લાગ્યાં. બંને બહેનોનાં ગોળધાણા થતાં જ પંડિતજી આવી ગયાં. એમણે એક અઠવાડિયા પછીનું જ સગાઈનું મુહુર્ત કાઢ્યું. ગૌરીબેને બધાનું મોઢું મીઠું કરાવ્યું. મહાદેવભાઈએ પંડિતજીને દક્ષિણા આપીને વિદાય આપી.
ગૌરીબેન બધાં માટે જમવાની વ્યવસ્થા કરવા લાગ્યાં. તન્વી અને આયશા એમની મદદ કરવાં ગઈ. ગાયત્રીબેન અને મંજુબેન તો પોતપોતાની વહુને પાસે બેસાડીને વાતોએ વળગ્યાં હતાં. આયશા અને આર્યન દૂર ઉભાં કંઈક વાતો કરી રહ્યાં હતાં. એ બધાંની વચ્ચે જ રાહીનો ફોન રણક્યો. રાહીએ સ્ક્રીન પર જોયું તો અનનૉન નંબર પરથી કોલ આવેલો જોઈને એણે શિવાંશ સામે જોયું.



(ક્રમશઃ)


_સુજલ બી.પટેલ