The mystery of skeleton lake - 34 books and stories free download online pdf in Gujarati

ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ ૩૪ )

ફ્લેશબેક

પાછળના પ્રકરણમાં આપડે જોયું કે સ્વાતિ સોમચંદ અને મહેન્ડરરાયને લોકલ આદિવાસી પકડે છે અને પેલા રહસ્યમય પુસ્તકને જોઈ એ સૌ સ્વાતિને નંદા દેવીનો અવતાર સમજી પૂજે છે અને આગળ વધવામાં મદદ કરે છે . હવે આગળ ....

ભાગ ૩૪ શરૂ ...


પેલા સરદારે બતાવેલા રસ્તે સૌ આગળ વધ્યા . સૂર્ય હવે માથા પર આવવાની તૈયારીમાં હતો ત્યારે તેઓ પેલી નદી સુધી પહોંચી ગયા હતા . આગળના રસ્તે જવા માટે નદી પાર કરવી જરૂરી હતી , પરંતુ એ ચાલીને કે તરીને પાર કરવી અશક્ય હતી . આ સમયે સોમચંદનો તરવાનો અનુભવ કામે આવ્યો . પોતાની સાથે લીધેલા રોપનો (દોરડાનો) એક છેડો મજબૂત ઝાડના થડ સાથે બાંધ્યો અને બીજો છેડો પોતાની કમ્મરે બાંધી તેજ પાણીના પ્રવાહ વચ્ચે પોતાને જવાનું હતું તેનાથી ૩૦° આગળની બાજુ છલાંગ લગાવી અને તરવા લાગ્યા . પરંતુ પાણીના તેજ પ્રવાહમાં અધવચ્ચે પહોંચતા જ આગળ જવાને બદલે તણાવ લાગ્યા , તેથી મહેન્દ્રરાયે તેમને ખેંચીને કિનારા સુધી લાવ્યા .

સોમચંદ પોતાની ઉંમરના કારણે અને થોડા પાણીના તેજ પ્રવાહની સામે તરવાના કારણે હાંફી ગયા હતા . સૂર્ય આથમે એ પહેલા પોતાના ગંતવ્ય સ્થાન નંદાદેવીના મંદિરે પહોંચી પેલી કૈક રહસ્યમય વસ્તુને પૂનમના પછીના દિવસે ઉગતા સૂર્યના પ્રથમ કિરણના સંપર્કમાં લાવવાની હતી . જેથી હજારો વર્ષોથી ભટકતી આત્મા આખરે મોક્ષ પામે , એક મહાન હેતુ સિદ્ધ કરવાનો હતો અને સૌથી અગત્યની વાત કે એવું તો શુ છે એ રહસ્યમય વસ્તુ એ જાણવાનું હતું .(હજી પોતાની બીજી ટીમેં શુ માહિતી મેળવી છે એ આ ત્રણ માંથી કોઈ જાણતું નથી ત્યાં કોઈ પણ ધાતુને સોનુ બનાવી શકે એવી ' પારસમણિ' છે એ વાત ઝાલા અને રાઘવકુમાર મુખીના કહેવાથી જાણતા હતા .)

હિંમત હાર્યા વગર સોમચંદ ફરી બેઠા થયા અને હવે ૪૫° ના ખૂણે છલાંગ લગાવી . તેઓ હવે નદીના તીવ્ર પ્રવાહની વચ્ચેથી પસાર થઈને છેક કિનારા સુધી પહોંચવા આવ્યા હતા . એક ખડક હાથમાં આવી ઉપર ચડવા જતા હતા ત્યાં હાથ છટકી જતા ફરી નીચે પટકાયા અને નદીમાં તણાવા લાગ્યા ફરી મહેન્દ્રરાયે એમને ખેંચી લીધા . હાલ થોડી વધારે તીવ્રતાથી હાંફી રહ્યા હતા . હવે એમને થોડી વધારે બુદ્ધિ લગાવી , તેમને નદી વટાવી આગળ પશ્ચિમ તરફ જવાનું હતું , તેઓ ઉત્તર તરફ થોડા આગળ ગયા , હવે એમને ફરી ૬૦°ના ખૂણે ઉત્તર-પશ્ચિમ માં છલાંગ લગાવી અને નદીના પ્રવાહની મદદ મળી રહેતા આસાનીથી સામેના છેડે પહોંચી ગયા . ત્યાં એક બીજા કદાવર ઝાડના થડ સાથે રોપ બાંધી દિધી અને પહેલા સ્વાતિ ઝીપ-ક્રોસિંગ કરતા હોય એમ લટકાઈને સામે પહોંચી ગઇ . જ્યારે મહેન્દ્રરાય રોપ છોડીને આવી પોતાની કમમરે બાંધી અને સામે સોમચંદે એને ખેંચી લીધો .

સરળ લાગતું આ કામ ખૂબ તાકાત માંગી લેતું હોય છે એનું આ તાજું ઉદાહરણ હતું . થોડીવાર શાંતિથી બેસી પાણી પી અને થોડા ફળ ખાઈને ત્રણેય પેલા નકશા મુજબ આગળ વધી રહ્યા છે . થોડું આગળ વધતા અચાનક લીલાછમ ઝાડવાના બદલે કોઈ દાવાનળમાં સળગીને ખાક થઈ ગયેલા જંગલો જેમ સૂકા વૃક્ષો દેખાવા લાગ્યા . વર્ષોથી અહીંયા વરસાદ ના પડ્યો હોય એમ લાગતું હતું . માણસોતો ઠીક પણ કોઈ પશુ-પક્ષી પણ ત્યાં જોવા મળતા નહતા .હવે તેઓ એક એવી લાઇન પર ઉભા હતા જેની એક તરફ લીલીછમ જંગલ હતું અને બીજી તરફ બસ દુષ્કાળ જેવું જંગલ ! એ આભાસી લાઇનથી આગળ વધતા જાણે કોઈની હિંમત થતી નહોતી .ત્રણેયે એકબીજાના હાથ પકડ્યા , ત્રણેયના ધબકારા વધી ગયેલા હતા . આગળ જવાનું છે એ નક્કી હતું ચાહે જે પણ થાય . બધાએ એકસાથે પગ બીજી તરફ મુક્યો અને બે ડગલાં આગળ વધ્યાં . હજી એકબીજા તરફ જોઈને રાહતનો શ્વાસલે એ પહેલા તો

" ચીઉંઉઉઉ.....આઆઆ......." કરતો કોઈ પડછાયો પોતાની સામેથી આવી અચાનક ગાયબ થઈ ગયો હોય એમ સૌએ અનુભવ્યું. બધા આને પોતાના મગજનો વહેમ ગણી આગળ વધવા લાગ્યા . હવે આગળનો રસ્તો નક્કી કરવા સોમચંદે પેલું પુસ્તક ખોલ્યું એના અનુસાર ઉત્તર-પૂર્વ તરફ જવાનું હતું એટલે કે હોકાયંત્રમાં NNE( North North East )તરફ જવાનું હતું તે જોવા માટે હોકાયંત્ર હાથમાં લીધું અને તેના અનુસાર આગળ વધવા માંડ્યા . લગભગ એકાદ કલાક જેટલું ચાલ્યા અને જે જગ્યાએ પહોંચ્યા એ જોઈને સોમચંદના હાથમાં રહેલું હોકાયંત્ર અને સ્વાતિના હાથમાં રહેલું પુસ્તક બન્ને નીચે પડી ગયા . કારણ કે એક કલાક પછી પાછા તેઓ એક જગ્યાએ આવી ગયા હતા જ્યાંથી એમને શરૂવાત કરી હતી !

ખરેખર કોઈ ડરાવની ભૂતની સિરિયલો જેવું દ્રશ્ય હતું
આ સ્વાતિ આ જોઈને રીતસર બેભાન થઈ ગઈ હતી . મહેન્દ્રરાય સ્વાતિને ભાનમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને સોમચંદ પેલા હોકાયંત્રને તપાસી રહ્યા હતા . અત્યારે હોકાયંત્ર NNE દિશા પોતે ગયા હતા એની તદ્દન વિરુદ્ધ દિશામાં બતાવી રહ્યું હતું એમને પેલા સાધુની વાત યાદ આવી 'ત્યાં તમારા કોઈ આધુનિક યંત્રો જેવા કે હોકાયંત્ર અને મોબાઈલ ફોન કામ નહિ આવે ' એવુંજ બન્યું . ખતરાની પહેલી ઘંટી વાગી ચુકી સાથે આવનાર ખોફનાક ઘટનામી શરૂવાત થઇ ચુકી હતી .

પેલા સાધુએ શીખવાળેલું એમ એક લાકડી લઈને એના પડછાયામાં થતા ફેરફાર પરથી દિશા શોધવા એને ગોઠવી પાછા સ્વાતિ પાસે આવ્યા . સ્વાતિ ભાનમાં આવી ગઈ હતી અને સ્વસ્થ જણાતી હતી . પંદરેક મિનિટ પછી બંને પડછાયા વચ્ચેની ઉત્તર દિશા તરફ મોઢું રાખી સોમચંદ ઉભા રહ્યા પોતાની કાંડા ઘડિયાળના ૧૨ને ઉત્તર તરફ રાખી ૧૧ તરફ ચાલવાનું શરૂ કર્યું જે NNE દિશા હતી .
પહાડોમાં મૌસમ ક્યારે બદલાય એ કોઈ કહી શકે નહીં . હજી થોડા સમય પહેલા જ સૂર્યના પ્રકાશની મદદથી NNE દિશા ગોતિને સ્વાતિ , મહેન્દ્રરાય અને સોમચંદ આગળ વધી રહ્યા હતાં ત્યાં અચાનક જ સૂર્ય જાણે વાદળો પાછળ છુપાઈ ગયો અને સફેદ રૂ જેવી તાજા બરફની પાંદડી પડવા લાગી . અત્યારે શાંત દેખાતી બરફવર્ષા ઘણી તકલીફ આપવાની હતી . ધીમેધીમે નક્શાને અનુસરીને સૌ આગળ વધી રહ્યા હતા. હવે આગળ બરફની ચાદર ઓઢેલા પહાડોની શરૂવાત થઈ ચુકી છે . સૂર્ય પણ ક્યારે આથમી ગયો એ ખબર પડી નહિ . એક ઉંચો પહાડ સામે દેખાઈ રહ્યો હતો જેના પર ત્રણ અડીને બરફથી ઢંકાયેલી ચોટીઓ હતી બસ ત્યાં સુધી પહોંચીને રસ્તો પૂરો થઈ જતો હતો , પોતાનું ગંતવ્ય સામે દેખાઈ રહ્યું હતું છતાં હજી ખૂબ દૂર હતું . આકાશમાં રહેલો પૂર્ણ ચંદ્ર ક્યારેક દેખાતો હતો તો ક્યારેક વાદળો પાછળ છુપાઈ જતો .સતત હિમવર્ષા ને કારણે નકશામાં બતાવેલા રસ્તે એક પાતળા બરફની ચાદર પથરાઈ ગઈ હતી . આ બરફમાં ચાલવામાં ખૂબ તકલીફ પડી રહી હતી એમાં પણ એમની પાસે બરફમાં ચાલવા યોગ્ય બુટ અને હિમવર્ષાથી બચવા રેઇનકોટ કે યોગ્ય જેકેટનો અભાવ હતો . તેથી કપડાં પણ ધીમેધીમે ભીના થવા લાગ્યા હતા . ભીના કપડાંનું વજન અને ઉપરથી ઠંડા શરીરને ધ્રુજાવે એવા પવનની લહેરો , કલ્પના કરવી પણ અઘરી હોય એવી પરિસ્થિતિ હતી . થાકેલા , ડરેલા છતાં દ્રઢ નિશ્ચિયી એક ટિમ જેમ આગળ વધી રહ્યા હતા .

[તા:-૨૩ , પૂનમનો દિવસ] સૂરજ આથમી ગયો એને પણ ઘણો સમય વીત્યો હતો , ચંદ્ર ધીરેધીરે ક્ષિતિજ પર છાતી પોળી કરીકરીને પોતાનું સ્થાન લઇ રહ્યો હતો કારણ કે આજ પોતાનો દિવસ હતો .... આજે પૂનમ હતી . બીજી તરફ દૂર પેલી પર્વતની ચોટીઓ પરથી અવાજ આવી રહ્યો હતો , ચીસો સંભળાઈ રહી હતી જાણે કોઈ ભયંકર સંહાર થઈ રહ્યો હોય . આટલી ઠંડીમાં પણ પરસેવાના બુંદો અને બદલાયેલી મુખમુદ્રાઓ સૌના મુખ પર જોઈ શકાતી હતી .રાત પડતા જ આકાશમાં.વાદળો પોતાનું સ્થાન બનાવવા લાગ્યા હતા તેથી દિશાનું અનુમાન લગાવવું અઘરું પડતું જતું હતું . હવે સમય એવો આવ્યો કે આકાશ સંપૂર્ણ વાદળોથી ઘેરાઈ ગયું હતું . હવે આગળ કેમ વધવું ....?? પોતાને જવાની NWW (north , west,west) દિશા કેમ ગોતવી ...? અહીંયા સાધુએ શીખવેલી બીજી એક પદ્ધતિ કારગત નીવડીબ. ' જ્યારે સૂર્ય , ચંદ્ર કે તારા પરથી દિશા શોધી શકાય એમ ન હોય ત્યારે એક ઓછી કારગત રીત છે જેના દ્વારા દિશાનો અંદાજ મેળવી શકાય છે .... જ્યાં ખૂબ વધારે વૃક્ષોનો સમૂહ હોય તેનું અવલોકન કરતા તે એક તરફ ઝૂલેલા ...અથવા એક તરફ વધારે ઘટાદાર હશે ..બસ એજ દિશા દક્ષિણ દિશા જાણવી ' હજી વીસીબીલીટી એટલી ઓછી ન હોવાથી દૂર છૂટી ગયેલા પાઈન ના વૃક્ષો જોઈ શકતા હતા . એ પોતાની પીઠ હતી તે તરફ ઝુકેલા હતા તેથી એ દિશામાં ઘડિયાળનો ૬ વાગ્યાનો ભાગ રાખી ૧ વાગ્યાના ભાગ તરફ ચાલવાની શરૂવાત કરી જે NWW દિશા હતી .

રાત પડતા ફોગ ખૂબ વધી જતા વીસીબીલીટી સાવ ઘટી ગઈ હતી . પોતાના આગળ ઉભેલો માણસ જોવો પણ શક્ય નહોતું . જો પહેલો માણસ થોડો પણ દિશા ભટકી જાય તો ધીમેધીમે લાંબા અંતર પોતે યોગ્ય સ્થળે પહોંચવાને બદલે બીજે ક્યાંક જ પહોંચી જાય એ વાતમાં જરા પણ શંકા નહોતી . એમાં પણ બરફના પહાડોમાં અને રણમાં તો જો રસ્તો ભટક્યા તો મોત જ સમજો ...!! આથી હવે શુ કરવું એ વિચારવા માટે રોકાયા ત્યાં સ્વાતિના મગજમાં એક વિચાર આવ્યો એને કહ્યું

" સોમચંદજી , તમે આ રોપ(દોરડું) ને પકડીને આગળ જાવ અને નેતૃત્વ કરો , પછી થોડા અંતરે રોપ પકડીને હું વચ્ચે ચાલુ છું અને મહેન્દ્ર , તમે થોડું અંતર રાખી છેલ્લે ચાલો . હવે તમારે રોપ સોમચંદે પકડેલી રોપ અને તમે ચાલો છો એ રોપ સીધી રહે એમ ચાલવાનું છે સમજ્યા ...? "

" જી મેં'મ સાબ " મહેન્દ્રરાય અને સોમચંદ એક સાથે બોલ્યા અને પછી ત્રણેય હસવા લાગ્યા . ત્રણેય હવે પેલા પુસ્તકની દિશામાં આગળ વધતા જતા હતા .

●●●●●●●●●●●●●●●●●●●●●

[તા:-૨૩ , સવારે ૬:૦૦ ] બીજી તરફ ઝાલા અને રાઘવકુમારને કોઈ સમાચાર ના મળતા પેલા ઘડિયાળમાં રહેલા GPS ના છેલ્લા ઠેકાણા સુધી પહોંચવા નીકળી પડ્યા હતા . પ્લેનમાં બેસી ' જોલી ગ્રાન્ડ એરપોર્ટ - દેહરાદૂન' પહોંચ્યા ત્યારે સવારના ૬:૦૦ વાગ્યા હતા . આજે પૂનમ હતી અને કાલે રાત્રે જ છેલ્લું સિગ્નલ મળ્યું હતું . જ્યાં ઝાલા સાહેબની પોલીસ ખાતામાં ઓળખાણ હોવાથી એક જીપ બધી જરૂરી સામગ્રી સાથે તૈયાર હતી . ત્યાંથી નીકળી સીધા હવે એ સ્થળ સુધી પહોંચવાનું હતું જ્યાં પેલા GPS એ સિગ્નલ મૂકી દીધું હતું . ત્યાં કોઈ પણ જોખમ હોઈ શકે છે એમ હોવાથી સાથે હથિયાર અને સ્નિફન ડોગ પણ લીધો હતો . જેથી જરૂર પડ્યે એની પણ મદદ લઈ શકાય .

●●●●●●●●●●●●●●●●●●●●

પુસ્તક પર એક મંદિર દોરેલું હતું એ જગ્યા પર આવીને સ્વાતિ , મહેન્દ્રરાય અને સોમચંદ આવીને ઉભા હતા . હજુ કશું વિચાર કરે એના પેલા જ એક કાળો પડછાયો સ્વાતી પાસે આવીને એકદમ નીકળી ગયો . પણ સ્વાતિએ પોતાના મનનો વહેમ ગણી ચૂપ રહી . બાકીનાં બન્નેએ પણ એ પડછાયો જોયો હતો પરંતુ પોતે ડરપોક સાબિત થશે એવી બીકે કોઈ બોલ્યું નહિ . ત્રણ-ચાર વાર પડછાળો આમ નજીકથી નીકળી ગયો અને ફરી એજ કાળો પડછાયો બમણા વેગથી સ્વાતિ પાસે આવ્યો , સ્વાતિ ડરીને નીચે પટકાઈ ગઈ અને એ પડછાયો જાણે સ્વાતિની ઉપર બેસી એને ડરાવવા લાગ્યો . હવે સોમચંદ અને મહેન્દ્રરાયને ખબર પડી કે આ એક હકીકત છે . એમને ઝડપથી પેલા પથ્થર કાઢ્યા . શુ કરવું ...શું કરવું ....? આ વિચારતા બંને પથ્થર ઘસ્યા અને ઘસારા સાથે ઉત્પન્ન થતા અગ્નિના તીખારા જોઈ પેલો પડછાયો ભાગી ગયો . આ જોઈને સ્વાતિ બેહોશ થઈ ગઈ .

પાણી નાખી એને હોશમાં લવાઈ , થોડું પાણી પીને એ સ્વચ્છ જણાતા આગળ શુ કરવું એ જાણવા પુસ્તક ખોલાયું . ત્રણેય ના હાથ-પગ હજી કાંપી રહ્યા હતા . છતાં પોતે આ કામ પૂરું કરશે જ ચાહે કઇપણ થઈ જાય જાણે ત્રણેયે એવી ટેક લીધી હતી ...!!

પેલો નકશો અહીંયા આવીને અટકી જતો હતો . તેથી મંદિર અહીંયા ક્યાંક જ હોવું જોઈએ પણ ક્યાં ...? પેલા સાધુએ કહ્યું હતું (પથ્થર અપનારે) કોઈ રસ્તો ન મળેતો નીલા ને પૂછવું એ તમને યોગ્ય સ્થળે લઈ જશે . સોમચંદે બંને પથ્થર સ્વાતિના હાથમાં આપ્યા . સ્વાતિએ એને બે હાથ વડે ઘસ્યા અને હાથ ખુલ્લા કરતા જ નીલો પથ્થર સામે રહેલા બરફના ઉંચા ટેકરા તરફ ફંગોડાયો અને અંદર ગાયબ થઈ ગયો . આ જોઈ ત્રણેયે એ પથ્થર જેમ દોડ્યા અને એની સાથે ભટકવાના બદલે અંદર જતા રહ્યા . અંદર વિશાળ મંદિર હાજર હતું .... ! પૌરાણીક નંદાદેવી મંદિર ! અંદર જાણે કે હમણાં જ ધૂપ-દિવા થયા હોય એમ મહેકી રહ્યું હતું. કોણ જાણે આટલું બધું અજવાળું ક્યાંથી આવતું હતું !? મંદિરની અંદર રહેલી મૂર્તિઓ , નાની અને સુંદર કોતરણી , ગુંબજની અંદર ચારે તરફ શિવજીના અલગઅલગ સ્વરૂપો અને હરએક પિલર પર માઁતાઓના અલગઅલગ સ્વરૂપો બિરાજમાન હતા . મંદિરના ગર્ભગૃહમાં કોઈ પૂજારી જાણે માઁ નંદદેવીની આરતી કરી રહ્યો હતો . ત્રણેય જણા ત્યાં નજીક ગયા , અને હાથ જોડીને ઉભા રહ્યા . અહીંયા કોણ પૂજારી રોજ આવતો હશે...? એ પણ રોજ આટલી મુસીબતોને વેઠીને ! એને નકશાની જરૂર નહિ પડતી હોય ...? જો એને ખબર જ હોય કે પૌરાણિક મંદિર અહીંયા છે તો કોઈને કીધું કેમ નહિ હોય ...? અને સૌથી મોટો પ્રશ્ન .... પેલી રહસ્યમય વસ્તુ જોઈને લલચાયો નહિ હોય ....? કે પછી એને ખબર જ નથી કે અહીંયા આવી કોઈ રહસ્યમય વસ્તુ છુપાયેલી છે...? જેવા ઘણાબધા પ્રશ્નો અંદર ઉદભવી રહ્યા હતા

" હું જાણું છું કે અહીંયા રહસ્યમય વસ્તુ છુપાયેલી છે ...." જાણે અંદર ચાલતો પ્રશ્ન પૂજારી પારખી ગયો હોય એમ.કહ્યું . અને પાછળ તરફ મોઢું ફેરવ્યું ત્યાં એમના આશ્ચર્યનો પાર ન રહ્યો . આતો પેલો જ માણસ જે એ દિવસે ગાડું લઈને આવેલો અને સ્વાતિ અને મહેન્દ્રરાયને પેલી કાળી એમ્બેસેડર વાળા જગુ અને રઘુડાથી બચાવેલા , સ્વાતિને ભિખારી બનીને પેલો સિક્કો આપેલો , હજી થોડા સમય પહેલા જ સફેદ રીંછથી રક્ષણ આપેલું ધ્યાનથી જોતા આ બધા ચહેરા એક જ આદમીના , આ પૂજારી જેવા જ છે એવું લાગ્યું . ધ્યાનથી જોતા સમજાયું ' આતો...આતો પેલા સફેદ ..સફેદ દાઢીવાળા સાધુ....સાધુ મહારાજ..... મહર્ષિ વરુણધ્વનિ ' બધા એક જ હતા ....!!

પોતાની સીધી રીતે મદદ કરી શકે એમ ન હોવાથી આડકચરી રીતે મદદ કરી હતી . બધાના મોઢા આશ્ચર્યથી ખુલા રહી ગયા હતા .

" તમે તમારા કાર્યમાં સફળ રહ્યા , ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરે ....." મૌન તોડતા સાધુએ કહ્યું

ત્યાં પેલા ગુપ્ત દરવાજેથી જાણે કોઈ બટાલિયન આવી હોય એટલા માણસો હાથમાં હથિયાર લઈને આવ્યા . જેનો લીડર પેલો રઘુડો (જશધવન) હતો એને જોઈને જ કોઈ હિન્દી ફિલ્મના ગુંડા હોય એમ હાલ ખૂબ ભયાનક લાગતો હતો . તેનું શરીર પેલા કરતા બમણું થઈ ગયું હતું , આંખો મોટી મોટી ગોળ અને લાલ થઈ ગઇ હતી એની સાથેના માણસો હાથમાં મશીન ગન સાથે હતા .

" વો કિતાબ મુજે દેડો...." રઘુડાએ કહ્યું

" વો કહા હૈ ....કહા હૈ વો ચીઝ .... જિસકી ડોન બોસ્કો કો સાલો સે તલાશથી ..... કિસ કે લિયે મેરા બોસ ઇતના પૈસા બરબાદ કર રહા હૈ જરા હમેં ભી દિખાવ ...." બીજાએ કહ્યું

"ઘૂંટનો પે બેઠ જાવ ....મૈને કહા ઘૂંટનો પે બેઠ જાઓ....." ત્રીજો બોલ્યો . અને ચારે જણાં ઘૂંટણ પર બેસી ગયા . એક માણસ પેલું પુસ્તક લેવા આવ્યો હજી એને સ્પશ માંડ કર્યો હશે ત્યાં પેલા સાધુ મહારાજનું જાણે ત્રીજું નેત્ર ખુલ્યું અને એનું આંખો અંજવી નાખે એવું તેજ આખા સોનાના મન્દિરમાં અથડાઈ પેલા ગુંડાઓ પર પડ્યું અને તેઓ ભસ્મ બની ગયા . સાથે જ જશધવનનું પણ આ રીતે પશ્ચાતાપ પૂર્ણ થયું. આ ત્રણેય માટેનું બીજું આશ્ચર્ય હતું . તેઓ જળ બનીને ઉભા હતા એક પણ શબ્દ એમના મુખમાંથી નીકળી શકે એમ નહતું .

" લોભ માણસને હેવાન બનાવી દે છે , અને આવા હેવાન રાક્ષસોથી દેવીને નફરત (શબ્દ) છે " મૌન તોડતા કહ્યું . થોડી ક્ષણો એમજ શાંત વીતી પછી સ્વાતિએ પૂછ્યું

" તો તમે આજ સત્યની વાત કરતા હતા ...કે ઘણા બધા સત્ય જાણવામાં બાકી છે....??"

" દીકરી , સમય પહેલા ......"

" કેરી પણ ખાટી હોય છે જાણું છું સાધુ મહારાજ , પરંતું હજુ સમય નથી આવ્યો ...? એ સમય ક્યારે આવશે ..? "

" ખૂબ ઝડપી ,હવે તમારૂ અંતિમ લક્ષ તરફ આગળ વધીએ ....!?....જે હેતુથી તમે અહીંયા આવ્યા છો ...? "

"જી હા , સાધુ મહારાજ ....."

"તો ઠીક છે , દીકરી સોમવતી આવ મારી સાથે . ત્યાં સુધી તમે મંદિરમાં રહેલી મસાલો સળગાવી રાખો " સોમચંદ અને મહેન્દ્રરાહ તરફ જોઈને કહ્યું .

સાધુ મહારાજ સ્વાતિને લઈને ગર્ભગૃહમાં જાય છે . બહાર સોમચંદ અને મહેન્દ્રરાયે બધી મસાલો સળગાવી દિધી હતી . ગર્ભગૃહમાં જતા સ્વાતિને સમજાયું કે આખું મંદિર પ્રકાશથી કેવીરીતે ઝળહળી રહ્યું હતું . ત્યાં માઁ નંદદેવીને કરાયેલા દિવાનો પ્રકાશ સીધો એમના મુકુતમાં રહેલા એક વિશિષ્ટ હીરા પર પડતો હતો અને એનો પ્રકાશ બધી દિશામાં પ્રકિર્ણન પામી સોનાથી મઢેલા મંદિરના અંદરના ભાગ પર પડતો અને આખું મન્દિર ઝળહળી ઉઠતું . સાધુ મહારાજે કહ્યું

" બસ , આજ છે જેની પાછળ અમુક કુબુદ્ધિ વાળા મનુષ્ય પડ્યા છે . પારસમણિનું નામ સાંભળ્યું છે ...? એને જેની સાથે સ્પર્શ કરો એ સોનુ થઈ જાય ..? બસ આ એજ છે ...... આજ છે પારસમણિ ....!! "

" તો હવે ...આગળ શુ સાધુ મહારાજ ...? "

" બસ બેટા ... આજ છેલ્લી રાત છે ... હવે એ હજારો આત્માઓ મુક્ત થઈ જશે ...એમનું કલ્યાણ થઈ જશે દિકરી ....હમેશા તારો વિજય થાઓ "

" હવે એ પારસમણિ માઁને હાથ જોડી આજ્ઞા લઈને હાથમાં લે .... જો માઁ તારી વિનંતી સાંભળશેતો તને કઇ નહિ થાય ... પરંતુ ...."

" પરંતુ શુ ..."

" જો તારી વિનંતી નહી સ્વીકારે તો કદાચ ...કદાચ તું પણ ભસ્મ થઈ જઇશ ."

કોઈ પરવા નથી મહારાજ ... શુભ કામ માટે બીજા સો અવતાર પણ આપવા તૈયાર છુ આટલું કહી હાથ જોડી . પેલી પારસમણિ હાથમાં લીધી ત્યારે એના ધબકારા ખૂબ વધી ગયા હતા જાણે હમણાં હૃદય બહાર નીકળી નશે .... એ પારસમણિ હાથમાં લેતા જ આખા મંદિરમાં પથરાયેલું તેજ ગાયબ થઈ ગયું , બસ આ મસાલો એ તેજની ગેરહાજરી દૂર કરવાની નાકામ કોશિશ કરી રહી હતી . સાધુ મહારાજે એમને પ્રસાદના ફળો આપ્યા અને ત્રણે ભૂખ્યા એ પ્રસાદ આરોગવા લાગ્યા .
[તા:-૨૩ સમય રાતના ૭:૦૦ , પૂનમની રાત ]રાઘવકુમાર , ઝાલા પેલા અફસર સાથે ગાડીમાં બેસી આવી રહ્યા હતા . હવે આગળ ગાડીનો રસ્તો ન મળતા જરૂરી સામગ્રી સાથે લઈ આગડ વધી રહ્યા હતા . એક માણસને ગાડીમાં જ રાખ્યો હતો જેથી સેટેલાઇટ ફોન પર કોઈ માહિતી આપી શકે . હવે ઝાલા ટીમ સાથે એ જગ્યાએ પહોંચ્યા જ્યાં લીલોછમ પ્રદેશ અને સૂકો વેરાન પ્રદેશ અલગ થતા હતા . આ જોઈને પોતાની સાથે રહેલો અફસર ગભરાઈ ગયો અને કહ્યું

" સા'બ આગે નહિ જા શકતે ... આગે વેલી ઓફ ડેથ હૈ "

"વેલી ઓફ ડેથ ....?? "

" જી સા'બ વહા કોઈ નહિ જાતાં ...ઔર સાયદ કોઈ ગલતી કર ભી દે તો વાપીસ નહિ આતા "

" લેકિન હમેં જાના તો હોગા "

" સા'બ મુજે માફ કરો ... મેં યહાં તક હી આ પાઉંગા ... મેં યહા વેઇટ કરતા હું ઔર કોઈ ડૉક્ટર કો ઢૂંઢતા હું ..... સાયદ જરૂર પડે ... "

" ઠીક હૈ યે સ્નિફન (ડોગ ) મુજે દેદો ..."

"ઠીક હૈ સા'બ "

હાથમાં સ્નિફન ડોગ લઈને એ ડેથ વેલી તરફ નીકળી જાય છે . ત્યાં પેલી હાથમાં પહેરેલી GPS વાળી ઘડિયાળ સુંઘાડે છે અને પોતાની સ્મરણ શક્તિને કામે લગાવી સ્નિફન ડોગ આગળ જતું જાય છે . થોડે આગળ જતા ઠંડીના લીધે એની શક્તિ ઘટી જાય છે ત્યાં ફરી સોમચંદે નાંખેલો પોતાના કપડાંનો ટુકડો પેલા સ્નિફનનું શક્તિશાળી નાક સૂંઘી ફરી આગળ વધે છે . પરોઢ થવા આવી છે અને ઝાલા અને રાઘવકુમાર સતત આગળ વધ્યે જાય છે .

( ક્રમશઃ )

હવે તમે સમજી ગયા હશો કે આ ગોલમાલ શેની હતી .? કેમ મોટા રાજકારણીઓ અને ગુંડાઓ આ પુસ્તકની પાછળ પડ્યા હતા . કયો ખજાનો ત્યાં છુપાયો હતો .

આશા રાખું છું કે તમેં આના પચીને અંતિમ ભાગની રાહ જોતા હશો કે છેલ્લે શુ થશે ...બસ મિત્રો છેલ્લો એક ભાગ .... અને તમારી ઇન્તઝારી નો અંત !

મિત્રો તમારી કોમેન્ટ મારી માટે ખૂબ મહત્વપૂર્ણ છે કૃપયા તમારા અભિપ્રાય આપો . જેથી વધુ સારી રીતે હું લખી શકું .