Case No. 369 Satya ni Shodh - 35 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - ૩૫

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”

ડો. હિના દરજી

પ્રકરણ - ૩૫

રોહિત જે જાણતો તરત કરણ અને વિક્કીને જણાવતો. રોહિત એ રાત્રે એક નાના છોકરા પર દવાનું પરીક્ષણ થવાનું છે તે કરણને જણાવે છે. આ માહિતી મેળવી કરણ નવી બનાવેલી લેબનો ખુલાસો દુનિયા સામે લાવવાનો દિવસ નક્કી કરે છે. કરણ ફોન કરી સંજયને ફરી એકવાર પત્રકાર બનવા અને પત્રકારોને એ જગ્યા પર ગમે તે પ્રકારે લઈ જવાની કામગીરી સોંપે છે.

સંજયને મનપસંદ કામ કરવાનો મોકો ફરી મળ્યો એનાથી એ ખૂબ ખુશ હતો. બે વર્ષનાં સમયમાં કરણે બધાને અલગ અલગ કામમાં પારંગત થવા માટે કહ્યું હતું. દરેક યુધ્ધની તૈયારી કરતાં હોય એમ મન મૂકી કામ શીખતા હતા અને નવા સંપર્ક કરતાં હતા. સંજયને દરેક ન્યૂઝ પેપર અને ન્યૂઝ ચેનલનાં પત્રકારો સાથે ઓળખાણ અને એ લોકોનાં કામ શીખવાનું કહ્યું હતું. સંજયે એ કામ ખૂબ સારી રીતે કર્યું હતું. દરેક ચેનલ અને પેપરના પત્રકારો સાથે નજીકનો સંબંધ કેળવ્યો હતો.

સત્યની શોધ માટે પ્રથમ એના કામથી શરૂઆત થઈ એટલે કામનો જુસ્સો હતો એના કરતાં બમણો થયો હતો. કરણ જે પ્લાન સમજાવે છે એના પ્રમાણે કરવા માટે સંજય લેબની બહાર આવે છે. લેબની બહાર બીજા બે પત્રકાર એની રાહ જોતાં હતા. આ કામ માટે સૌથી કાબેલ અને ઝડપથી નિર્ણય લઈ શકે એવા પત્રકારને સંજયે પસંદ કર્યા હતા.

સૌથી પહેલા એ લોકો લેબમાં સુરક્ષિત જવા માટે ચારેબાજુ ખતરો કેટલો છે એ ચેક કરે છે. લેબમાં જવાનો એક દરવાજો હતો. લેબની ચારેબાજુ સાત ફૂટ ઊંચી દીવાલ હતી. ગેટની બહાર બે સિક્યોરિટીવાળા ઊભા હતા. લેબની જમણી બાજુ ખુલ્લુ મેદાન હતું એમાં લાંબુ ઘાંસ થયું હતું. ડાબી બાજુ વિશાળ જગ્યામાં જૂની હવેલી જેવુ બંધ મકાન હતું. લેબની પાછળ ખુલ્લી જગ્યા હતી એમાં થોડા મોટા વૃક્ષ હતા.

સંજય અને બીજા બન્ને પત્રકાર બંધ હવેલીની બહાર સંતાઈને ઊભા હતા. જમણી બાજુથી કોટની અંદર કૂદીને જવું મુશ્કેલ હતું. એ લોકો હવેલીની પાછળથી સંતાઈને લેબની પાછળનાં ભાગમાં આવે છે. કોટની દીવાલ ઊંચી હોવાથી સંજય એક ઝાડ પર ચઢી અંદર જુએ છે. લેબની પાછળ થોડું અંધારું વધારે હતું. પાછળનાં ભાગમાં બારીમાંથી અંદરનો પ્રકાશ દેખાતો હતો. પાછળ કોઈ સિક્યુરિટી નહોતી પણ દરવાજાની બહાર બીજા બે માણસ વોચ રાખતા હતા.

સંજય બહુ ચપળતાથી અંદર કૂદે છે. પાછળ એક પત્રકાર કૂદે છે. બીજા પત્રકારને સંજય ઝાડ પરથી નજર રાખવા કહે છે. ત્રણેય કોન્ફરન્સ કોલથી વાત કરતાં હતા. જમણીબાજુથી સંજય અને ડાબીબાજુથી પત્રકાર આગળ વધે છે. દરવાજાની બહાર ઉભેલા સિક્યુરિટી અને સંજયની વચ્ચે પંદર ફૂટ જેટલું અંતર હતું. પત્રકાર અને સિક્યુરિટી વચ્ચે માત્ર પાંચ ફૂટનું અંતર હતું. સંજય નાનો પથ્થર લઈ જમણીબાજુ ખુલ્લી જગ્યા હતી ત્યાં ફેંકે છે. અવાજ આવવાથી બન્ને સિક્યુરિટી વાળા એ બાજુ જાય છે. પહેલા પત્રકાર દરવાજાની અંદર દોડીને જાય છે. સંજય ફરી પથ્થર લઈ જમણીબાજુ કોટની બહાર ગેટની સાઇડે ફેંકે છે. એ અવાજ સાંભળી ગેટની બહાર અને અંદર એમ ચારેય સિક્યુરિટીવાળા જમણીબાજુનાં ખૂણામાં ભેગા થાય છે. સંજય ખૂબ ઝડપથી પંદર ફૂટ દોડી દરવાજાની અંદર જતો રહે છે. બીજો પત્રકાર જે ઝાડ પર બેઠો હતો એ ઊંચું જોઈ પક્ષી જેવો અવાજ કરે છે. એટલે ચારેય સિક્યુરિટીવાળા પાછળની બાજુ આવે છે. પત્રકાર ખૂબ ઝડપથી નીચે ઉતરી મોટા ઝાડનાં થડ પાછળ સંતાય છે.

સિક્યુરિટીનાં લોકોને શંકા જાય છે. એક માણસ લેબની અંદર કહેવા જાય છે. બીજો સિક્યુરિટીવાળો કોટ પર ચઢી પાછળ કૂદે છે. ત્રીજો અને ચોથો માણસ બન્ને બાજુ બંદૂક લઈ જોવા લાગે છે. સંજય અને પત્રકાર જાણતા હતા સિક્યુરિટીવાળો અંદર કહેવા આવશે. એટલે એ બન્ને અંદર આવી એક રૂમમાં સંતાઈ જાય છે. સિક્યુરિટીવાળો સીધો જ્યાં છોકરાને સુવાડવામાં આવ્યો હતો એ રૂમમાં જાય છે.

સંજય અને પત્રકારને કશું સંભળાતું નથી પણ કોઈ હલચલ થઈ એ એમને ખબર પડે છે. સંજય એ વખતે સિક્યુરિટીવાળો કયા રૂમમાં જાય છે એ જોતો, તો બહુ જલ્દી એને લેબમાં ચાલતી ગેરરીતિવળી જગ્યા ખબર પડી જતી. પણ પકડાઈ જવાની બીકે બન્ને ત્યાં સંતાઈને બેસી રહે છે. થોડીવારમાં ફરી કોઈનો ચાલવાનો અવાજ આવે છે. સિક્યુરિટીવાળો દરેક રૂમમાં ચેક કરતો હતો. સંજય અને પત્રકાર જે રૂમમાં સંતાયા હતા એ પણ લેબ હતી. પત્રકાર લેબનાં એક ખૂણામાં પ્લેટફોર્મની નીચે સંતાઈ આગળ એક નાનું સ્ટૂલ મૂકી દે છે. એક ખૂણામાં એપ્રોનનાં ઢગલામાં સંજય સંતાયો હતો.

એ લોકો જ્યાં સંતાયા હતા ત્યાં સિક્યુરિટીવાળો ચેક કરી પાછો જાય છે. બીજો પત્રકાર જે ઝાડનાં થડ પાછળ સંતાયો હતો એ ઝાડની નજીક સિક્યુરિટીવાળો આવે છે. પત્રકાર હોશિયારી વાપરી નાની કાંકરી લઈ કોટની અંદર ફેંકે છે. ફરી અંદર અવાજ આવવાથી સિક્યુરિટીવાળો જમણીબાજુથી દોડી પાછો ગેટ પર જાય છે. ત્યારે બીજા બન્ને સિક્યુરિટીવાળા ગોળ ફરી ત્યાં આવી ગયા હોય છે. ચોથો સિક્યુરિટીવાળો અંદરથી બહાર આવે છે. અંદરો-અંદર વાત કરી બધુ બરાબર છે એમ બોલે છે.

બીજા પત્રકારને બધી વાત સંભળાય છે. એ ફોન પર બધુ ઓકે છે એમ સંજય અને પત્રકારને કહે છે. સંજય એ વખતે ઢગલાની બહાર આવી કરણને ફોન કરી પોતે અંદર આવી ગયો છે એમ જણાવે છે. કરણ ત્યાં બધુ ચોખ્ખું દેખાય એવા ફોટા અને વિડીયો ઉતારવાનું કહે છે. વિક્કી અને એની ટીમ થોડીવારમા ત્યાં આવશે એમ જણાવે છે.

સંજય અને પત્રકાર બીજા રૂમમાં જાય છે ત્યાં કાચની બરણીઓમાં અને કેમિકલ હતા. અમુક બરણીઓ ચાલુ ગેસ પર મૂકેલી હતી એમાંથી વરાળ આવતી હતી. એ રૂમમાં થોડી ઝેરી હવાનો અનુભવ બન્નેને થાય છે. બન્ને ખૂબ ઝડપથી એ રૂમની બહાર આવી જાય છે. બાજુનો રૂમ ખોલે છે. એ રૂમમાં એક ટેબલ પર કોમ્પ્યુટર અને થોડીક ફાઈલો હતો. સંજય એક ફાઇલ ખોલી જુએ છે એમાં દવા બનાવવા માટેની રીત લખેલી હતી. એ રૂમમાં બીજા અનેક કાગળો અને ફાઈલો હતા. એ બન્ને બીજા રૂમમાં જાય છે ત્યાં બે માણસો દેખાય છે અને સ્ટેચર પર બે બાળકો દેખાય છે. સંજય અને પત્રકાર ફોટા પાડવાનું શરૂ કરે છે.

બીજો પત્રકાર બંધ હવેલીમાં જઈ સંતાવાનું વિચારી એ બાજુ જાય છે. ત્યારે એને સપને પણ ખ્યાલ નહોતો કે એને જેકપોટ લાગવાનો છે. એ હવેલી બહારથી બંધ લાગે પણ એ હવેલીમાં અંગાર એની બધી નકલી દવાઓ અને દવાઓ બનાવવાનો સામાન મૂકતો હતો. લેબમાં માત્ર પરીક્ષણ કરવામાં આવતું હતું જ્યારે હવેલીની અંદર બધો નકલી સામાન સંતાડવામાં આવતો હતો. એ હવેલીમાં આવવા-જવા માટે એ લોકો પાછળનાં દરવાજાનો ઉપયોગ કરતાં હતા. પત્રકાર પાછળનાં દરવાજા આગળ આવી બેસે છે. ત્યારે એને પગનાં નિશાન દેખાય છે. આખરે એ પત્રકારનો જીવ હતો. એને તરત ખબર પડી કે અહિયાં કોઈ આવે-જાય છે.

પત્રકાર તરત એ વાત સંજયને જણાવે છે. સંજય એ વાત કરણને અને કરણ એ વાત વિક્કીને કહે છે. વિક્કી એ વખતે લેબ પહોંચવાની તૈયારીમાં હતો. ગાડી દૂર મૂકી એ અને એની ટીમ અવાજ ના થાય એમ ધીરેથી આગળ વધતાં હતા. સંજયનાં બતાવ્યા પ્રમાણે વિક્કી હવેલીમાં પહેલા આવે છે. પત્રકાર ત્યાં સુધી અંદર જઈને બધુ જોઈ આવ્યો હોય છે.

પત્રકાર: “ઇન્સ્પેક્ટર... અંદર બધો સામાન છે... કોઈ માણસ નથી... નવાઈની વાત એ છે કે આગળ મોટું તાળું લટકે છે... અને પાછળ દરવાજા ખાલી બંધ કરેલા છે...”

પત્રકાર હાથમાં એક પાઉડરની કોથળી લાવ્યો હતો. વિક્કી એને સુંધે છે: “આ પાઉડર ચરસ કે કોકેન લાગતો નથી... આ પાઉડર લેબમાં મોકલવો પડશે... એ બન્નેને પૂછો ફોટા અને વિડીયો ઉતાર્યો કે નહીં?”

પત્રકાર: “એ બન્નેએ કામ ચાલુ કરી દીધું છે... બહાર ચાર સિક્યુરિટીવાળા છે... અંદર લેબમાં બે માણસ છે... બીજા માણસ હોય તો ખબર નથી પડી...”

વિક્કી એની ટીમને કહે છે: “તમે ચાર જઈ એ ચાર સિક્યુરિટીને સંભાળો... બે માણસ અહિયાં પત્રકાર સાથે ઊભા રહો...”

બે હવાલદાર ગેટની બહાર ઉભેલા બે સિક્યુરિટીવાળાને પકડી હાથપગ બાંધે છે. અંદરની સિક્યુરિટીવાળા વધારે હોશિયાર હતા. એ બન્ને હવાલદાર સાથે થોડી ઝપાઝપી કરે છે. વિક્કી એક સિક્યુરિટીવાળાને ગરદન પર મુક્કી મારે છે. એ ચક્કર ખાઈ નીચે પડે છે. બીજા સિક્યુરિટીવાળાને હવાલદાર હાથપગ બાંધે છે.

વિક્કી: “રાવજી, આપણાં ડ્રાઈવરને શાંતિથી ગાડી ચલાવી અહિયાં આવવા કહે... આ ચારેયને ગાડીમાં નાંખો...” વિક્કી લેબમાં દાખલ થાય છે ત્યારે સંજય અને પત્રકાર એમના કામમાં વ્યસ્ત હોય છે. લેબની અંદર રહેલા બે માણસોને અવાજ આવે છે એટલે એ ઊભા થાય છે. વિક્કીની નજર સ્ટેચર પર બેભાન પડેલા બે બાળકો પર જાય છે. સંજય અને રાવજી લેબમાં પરીક્ષણ કરી રહેલા બન્ને માણસને પકડી હાથ બાંધે છે.

વિક્કી સ્ટેચર પર બેભાન થયેલા બન્ને બાળકોની નસ ચેક કરે છે. એક બાળકની નસ થોડી ધીમી ચાલતી હતી. વિક્કી કામ કરી રહેલા બન્ને માણસોને એક-એક તમાચ મારે છે. બાળકોને સમયસર હોસ્પિટલ પહોંચાડે છે.

***

બીજા દિવસે સવારમાં બધા ન્યૂઝ ચેનલ પર એક જ સમાચાર હતા. ‘ગેરકાનૂની રીતે બાળકો પર દવાઓનું પરીક્ષણ કરવામાં આવતી લેબ પકડાઈ છે...’ ‘આ કામને ઇન્સ્પેક્ટર વિક્કી અને એમની ટીમે બહુ દિવસોનાં અથાગ પ્રયત્નો અને તકલીફો વેઠી પાર પાડ્યું છે...’ ‘લેબની બાજુમાં આવેલી બંધ હવેલીમાં દવાઓ બનાવવાનો સામાન મોટા પ્રમાણમાં મળ્યો છે...’ ‘લેબ અને બંધ હવેલી કોની માલિકીની છે એ સ્પષ્ટ થયું નથી...’ ‘નાના બાળકો પર આ પ્રમાણે અત્યાચાર કરનાર નરાધમ બહુ જલ્દી જેલનાં સળિયા પાછળ આવશે એવી ઇન્સ્પેક્ટર વિક્કીએ ખાતરી આપી છે...’

સમાચારમાં અનેક વાતો કહેવાઈ પણ કરણે ખેંગાર અને અંગારનું નામ બહાર લાવવાનું ટાળ્યું હતું. માત્ર લેબની સચ્ચાઈ બહાર આવવાથી એ લોકોને પકડી શકાય એમ નહોતું. એ લોકો આ લેબ સાથે કોઈ સંબંધ નથી એમ કહી ઉપરી અધિકારીઓને પૈસા પકડાવી આબાદ છટકી જાય એમ હતા.

કરણ અને વિક્કીનાં મગજમાં બીજી યોજનાને આકાર આપવાની વાત ફરવા લાગી હતી. લેબ પકડાઈ જવાથી એ લોકોને નુકશાન ઘણું થયું હતું એ વાતથી કરણ અને વિક્કીને સંતોષ હતો. એ બન્ને દુશ્મનોને બધી રીતે ખુલ્લા પાડી પછી જેલમાં લઈ જવા માંગતા હતા.

ક્રમશ: