Chamadano naksho ane jahajni shodh - 16 books and stories free download online pdf in Gujarati

ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 16

નાની વ્હેલ માછલીનો શિકાર.


"રોકી, મને હાર્પુન આપ જલ્દી." તૂતકના છેડા ઉપર ઉભેલા પીટરે બુમ પાડી.

"પણ, હાર્પુન છે ક્યાં?' તૂતકની ચારેય બાજુ હાંફળી-ફાંફળી નજર દોડાવીને રોકી બોલ્યો.

"અહીંયા જ પડ્યું હશે, આસપાસ ક્યાંક! જલ્દી લાવ." ફિડલ ઉતાવળા અવાજે બોલ્યો.

રોકી તૂતક ઉપર આમતેમ હાર્પુન શોધવા લાગ્યો. આખરે એની નજર કુવાથંભ પાસે પડેલા હાર્પુન ઉપર પડી. હાર્પુન દેખાયું એટલે એણે જલ્દી હાર્પુન તરફ દોટ લગાવી.

"અરે યાર જલ્દી લાવ. આ વ્હેલ છટકી જશે." ફિડલે જહાજના કિનારાના ભાગે ઉભા રહીને ફરીથી બુમ પાડી.

"લે પકડ." આમ કહીને કુવાથંભ પાસે પહોંચેલા રોકીએ હાર્પુનને ફિડલ તરફ ફેંક્યું. ફિડલે સહેજ પાછળ હટીને હાર્પુનને હવામાં જ વચ્ચેથી પકડી લીધું.

જહાજ ક્લિન્ટન નગર તરફ જઈ રહ્યું હતું ત્યારે દરિયામાં આગળ વધી રહેલા જહાજની બાજુમાં જ એક વ્હેલ માછલી જહાજનો પીછો કરતી હોય એમ જહાજ પાછળ જ આવી રહી હતી. આમ વ્હેલ તો માછલીઓ ખુબ જ મોટી હોય છે જ્યારે આ વ્હેલ માછલી નાની હતી. ફિડલે ધાર્યું કે આ નાનકડી વ્હેલ મોટી વ્હેલનું બચ્ચું હોવું જોઈએ. હાર્પુન એ શાર્ક અને વ્હેલ જેવી માછલીઓના શિકાર કરવા માટે વપરાતું હથિયાર છે. પશ્ચિમી દેશોના દરિયાખેડુઓ અને જહાજના ખલાસીઓ આ હથિયાર પોતાની સાથે જ રાખતા હોય છે.

ફિડલ વ્હેલનો શિકાર કરે છે એ વાત ધ્યાનમાં આવતા જ કેપ્ટ્ન હેરીએ જહાજની ઝડપ એકદમ ધીમી
કરાવી નાખી. ફિડલે નિશાન લઈને વ્હેલ તરફ હાર્પુનનો ઘા કર્યો. હાર્પુન વ્હેલના શરીરમાં ઘૂસી ગયું. આજુબાજુનું પાણી એકદમ લાલ થઈ ગયું. વ્હેલ નાની હતી એટલે હાર્પુન વડે એનો શિકાર કરી શકાયો. ફિડલે વ્હેલનો શિકાર કર્યો ત્યાં સુધીમાં રોકી જાળી લઈ આવ્યો. ક્રેટી, એન્જેલા, જ્યોર્જ, પીટર, કેપ્ટ્ન, પ્રોફેસર બધા જલ્દી ફિડલ પાસે દોડી આવ્યા. ઘણી બધી મહેનત બાદ વ્હેલના મૃત શરીરને જાળી વડે ખેંચીને જહાજ ઉપર ચડાવવામાં આવ્યું.

"વાહ! ફિડલ તું તો જબરો શિકારી છે." પ્રોફેસરે ફિડલની પીઠ થાબડી.

"હાર્પુન વાપરતા તને જબરું આવડે છે." કેપ્ટ્ને પણ ફિડલની પ્રશંશા કરી.

ફિડલ ગર્વભરી નજરે બધા સામે તાકી રહ્યો. કેપ્ટ્ન અને પ્રોફેસરે એની પ્રશંશા કરી એટલે એની છાતી ગજ ગજ ફુલતી હતી.

"ફિડલને રસોઈ બનાવતા પણ ખુબસરસ આવડે છે. તમે જોજો તેઓ હમણાં વ્હેલના માંસમાંથી જોરદાર ચટાકેદાર સ્વાદિષ્ટ વાનગી બનાવશે." ક્રેટી આટલું બોલી ત્યાં તો ફિડલ એકદમ ફુલાઈ ગયો.

ફિડલ મહેનતુ હતો. સાથોસાથ ખુબ ભોળો પણ. એના કોઈ વધારે વખાણ કરી લે તો એ એકદમ ફુલાઈ જતો. જેના કારણે એનો કામ કરવાનો જુસ્સો વધી જતો.

"અરે તમે ચિંતા ના કરો. હમણાં થોડાંક જ સમયમાં રસોઈ તૈયાર સમજો." આટલું કહીને ફિડલ મૃત વ્હેલ માછલીના કુહાડી વડે ટુકડાઓ કરવા લાગ્યો. ફિડલે જે ટુકડાઓ કર્યા એને રોકીએ તૂતક ઉપર જ સરખી રીતે મૂકી દીધા. થોડાક માછલીના ટુકડાઓ લઈને ફિડલ તૂતક ઉપરથી નીચે રસોઈ તૈયાર કરવા ચાલ્યો ગયો.

સવારનો પહોર હતો. એટલે તૂતક ઉપર ઉભા-ઉભા સૌ તાજી હવાની લહેરોનો આનંદ માણી રહ્યા હતા. કેપ્ટ્ન અને પ્રોફેસર જહાજ જે તરફ આગળ વધી રહ્યું હતું એ તરફ ધ્યાનથી જોઈ રહ્યા હતા. જ્યાં ઝોમ્બો નદી આ સમુદ્રને મળતી હતી ત્યાં થઈને એમને છેક ક્લિન્ટન નગર સુધી પહોંચવાનું હતું.

"કેપ્ટ્ન જુઓ ત્યાં પાણીનો મોટો ખાંચો દેખાય છે. અને એ ખાંચો પાસે નદી કે ઝરણું સમુદ્રને મળતું હોય એવુ મને લાગી રહ્યું છે." પ્રોફેસરે વિચારોમાં ડૂબેલા કેપ્ટ્નનું ધ્યાન સમુદ્રની ઉત્તર-પશ્ચિમ દિશામાં દેખાઈ રહેલા મોટા ખાંચા તરફ દોર્યું.

"પણ મારા ખ્યાલથી એ તરફ તો આપણું ક્લિન્ટન નગર છે ને પ્રોફેસર?" પ્રોફેસરને પ્રત્યુત્તર આપવાના બદલે કેપ્ટ્ને પ્રોફેસરને સામો પ્રશ્ન કર્યો.

"હા.. એ તરફ ક્લિન્ટન નગર જ છે." પ્રોફેસર થોડોક વિચાર કરીને બોલ્યા.

"જો એ તરફ ક્લિન્ટનનગર હોય તો આ જે સમુદ્રીય ખાંચા પાસે પાણીનું વહેણ દેખાઈ રહ્યું છે એ વહેણ ચોક્કસ ઝોમ્બો નદીનું જ હોવું જોઈએ." તૂતક ઉપર ઉભા રહેલા કેપ્ટ્ને ઉત્તર-પશ્ચિમ દિશામાં ઝીણી આંખો કરીને એકી નજરે જોતાં કહ્યું.

"વાહ! જો એ ઝોમ્બો નદી હોય તો પછી આજે મધ્યરાત્રિના સમયની આસપાસ આપણે ક્લિન્ટન નગર સુધી ચોક્કસ પહોંચી જઈશું." ક્યારનીય કેપ્ટ્ન અને પ્રોફેસરની ચર્ચા સાંભળી રહેલી એન્જેલા બોલી.

ભોજન તૈયાર થઈ ગયું હતું. એટલે એન્જેલા પ્રોફેસર અને કેપ્ટ્નને જમવા માટે બોલાવવા તૂતક ઉપર આવી હતી. પણ અહીંયા એણે કેપ્ટ્ન અને પ્રોફેસરને વાતોમાં મશગૂલ થયેલા જોયા એટલે ત્યાં જ ઉભી ઉભી ચુપચાપ એમની વાતો સાંભળવા લાગી. પછી જયારે એન્જેલા બોલી એટલે કેપ્ટ્ન અને પ્રોફેસરનું ધ્યાન એન્જેલા તરફ ગયું.

"એન્જેલા બેટી, તું અહીંયા ક્યારે આવી?" પ્રોફેસર એન્જેલા તરફ જોઈને બોલ્યા.

"ભોજન તૈયાર થઈ ગયું હતું એટલે હું તમને બન્ને જણાને જમવા માટે બોલાવવા આવી હતી પણ તમને બન્નેને વાતોમાં ડૂબેલા જોઈને હું પણ તમારી વાતો સાંભળવામાં જ ખોવાઈ ગઈ. અને તમને જમવાનું કહેવાનું ભુલાઈ ગયું." એન્જેલા હસી પડતા બોલી.

"જમવાનું બની ગયું! વાહ ખુબ સરસ મને તો ક્યારનીય કકડીને ભૂખ લાગી હતી. ચાલો પ્રોફેસર જમવા." એન્જેલાની વાત સાંભળતાની સાથે જ કેપ્ટ્ન આટલું બોલીને ઉતાવળા પગલે તૂતક ઉપરથી નીચે જવાની નિસરણી તરફ જવા લાગ્યા.

"પણ ઉભા તો રહો કેપ્ટ્ન મને પણ ભૂખ તો લાગી જ છે." કેપ્ટ્નને ઉતાવળા ચાલતા જોઈને પ્રોફેસરે પાછળથી મજાકના સૂરમાં કેપ્ટ્નને સંભળાવ્યું.

"ના હવે નહિ ઉભા રહેવાય. કારણ કે વાત અહીંયા ભૂખની નથી પણ વ્હેલ માછલીમાંથી બનેલી વાનગીની છે." કેપ્ટ્ન તૂતકની નિસરણી ઉતરતા બોલ્યા.

"હું કંઈ સમજ્યો નહિ કેપ્ટ્ન! વ્હેલ માછલીની વાનગીમાં વળી શું છે?" પ્રોફેસરે ફરીથી પ્રશ્ન કર્યો. અને પાછળ ફરીને એન્જેલા તરફ જોયું. એન્જેલાને પણ કેપ્ટ્નની વાત નહોતી સમજાઈ એટલે એન્જેલાએ પણ પ્રોફેસરની સામે જોઈને કંઈ ના સમજાયું હોય એવીરીતે ખભા ઉછાળ્યા.

"પ્રોફેસર તમે હવે દિવસે-દિવસે નાસમજ બનતા જાઓ છો." આટલું કહીને કેપ્ટ્ન હસી પડ્યા. પછી આગળ બોલ્યા. "તમને ખબર છે પ્રોફેસર આપણે કેટલા સમય પછી વ્હેલ માછલીના માંસમાંથી બનેલી વાનગી ખાવા જઈ રહ્યા છીએ! આપણું કોર્નિયા જહાજ તૂટ્યા પછી જહાજ પરનો આ પહેલો શિકાર છે. એટલે એમાંથી બનેલી વાનગી ખાવા માટે મારું મન ખુબઉત્સાહિત છે."

"હા, હવે હું સમજી ગયો તમારી વાત." પ્રોફેસર કેપ્ટ્ન સાથે સંમત થતાં બોલ્યા.

કેપ્ટ્ન, પ્રોફેસર અને એન્જેલા જયારે ભોજનખંડમાં પહોંચ્યા ત્યારે જહાજનો ભોજન ખંડ એક અલગ જ પ્રકારની ખુશ્બૂથી મહેંકી રહ્યો હતો. ફિડલે ખુબ જ મહેનત કરીને વ્હેલ માછલીના માંસમાંથી ખુશ્બૂદાર અને ચટાકેદાર વાનગી બનાવી હતી. બધાએ જમતા-જમતા ફિડલના ભરપેટ વખાણ કર્યા. ખરેખર આજે ફિડલે જે વાનગી બનાવી હતી એણે બધાના તન મન હરી લીધા હતા.

સમુદ્રીય ખાંચા પાસે જહાજ પહોંચ્યું ત્યાં સુધીમાં સૂર્ય પશ્ચિમમાં ડૂબી ગયો હતો. જહાજ ઉપર મશાલો સળગાવી રોશની કરવામાં આવી. કેપ્ટ્નની વાત સાચી હતી. આ ખાંચા પાસે જ ઝોમ્બો નદી સમુદ્રને મળતી હતી. ખાંચામાં પ્રવેશેલું જહાજ ધીમે-ધીમે ક્લિન્ટન નગર તરફ આગળ વધવા લાગ્યું. અને લગભગ મધ્યરાત્રિ પછી જહાજ ક્લિન્ટનનગર પાસેના ઝોમ્બો નદી ઉપર બાંધેલા પુલ પાસે પહોંચ્યું.

પુલ પાસે જહાજનું લંગર નાખવામાં આવ્યું. પણ જયારે કેપ્ટ્ન અને પ્રોફેસર તૂતક ઉપર આવ્યા ત્યારે આજુબાજુ કોલાહલ મચી ગયો. આ કોલાહલ હતો ક્લિન્ટનનગર વાસીઓનો. ક્લિન્ટન નગરના લોકોએ ક્યારેય જહાજ જોયું નહોતું અને મોટા અવાજ સાથે જહાજ પુલ પાસે પહોંચ્યું ત્યારે જહાજ ઉપર સળગતી મશાલો જોઈને બધા નગરવાસીઓ ગભરાઈ ઉઠ્યા. અને જે હાથમાં આવ્યું એ હથિયાર લઈને હોંકારા-પડકારા કરતા બધા પુલ પાસે આવી પહોંચ્યા.

(ક્રમશ)