Case No. 369 Satya ni Shodh books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - ૩૯

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”

ડો. હિના દરજી

પ્રકરણ - ૩૯

રાજુ ગ્લાસ હાથમાં લઈ નોકરને ટ્રે ઓફિસમાં લાવવાનું કહે છે. રાજુ ઓફિસમાં આવી પોતાની ખુરશી પર આવી બેસી રીયાને સામે બેસવાનું કહે છે: “તમે મારૂ શૂટિંગ આજે કરી લો... મને કોઈ વાંધો નથી...”

રીયાનાં ચહેરા પર હાસ્ય અને આંખોમાં ચમક આવે છે. રીયા અને પ્રતિક ઓફિસમાં આવી રાજુ સામે બેસી શરબત પીવે છે. બચુકાકા બહાર શરબત પીવાથી ઘેનમાં આવેલા બોડિગાર્ડને ખુરશી પર સુવાડે છે. બચુકાકાએ ગ્લાસમાં ઊંઘની દવા ભેળવી હતી. એ દવાની અસર માત્ર અડધો કલાક રહેવાની હતી. માણસ ખૂબ થાકી ગયો છે એને કોઈ પરેશાન ના કરે અને થોડીવાર ઓફિસમાં કોઈ ડિસ્ટર્બ ના કરે એવું નોકરને કહી બચુકાકા રાજુની ઓફિસમાં આવે છે.

રાજુ શરબત પીધા પછી ઘેનમાં આવવાની તૈયારીમાં હતો. રીયા એની સામે કાગળ અને પેન લઈ સવાલ પૂછવા લાગે છે. રાજુને ઘેનની અસર થવાથી એ સૂઈ જાય છે. રીયા, પ્રતિક અને બચુકાકા ખૂબ ઝડપથી ઓફિસની ફાઈલો શોધી ફોટા પાડવા લાગે છે. જે ડોક્યુમેન્ટ દેખાય બધાના ફોટા ખૂબ સાવધાનીથી પાડે છે. દરેક ડ્રોવર, કબાટ, ટેબલ પર પડેલી ફાઇલ બધુ ચેક કરે છે. ત્રણેય ખૂબ ઝડપથી ઓફિસનો ખૂણેખૂણો જોઈ લે છે. એ લોકોને ઘણી અગત્યની માહિતી મળી હોય છે.

એ ફાઈલોમાં જે માતા-પિતાનાં એક્સિડન્ટ રાજુ એ કરાવ્યા હતા, એ બધાની મિલકતની માહિતી મળી હતી. કોઈ પાસે કરોડો રૂપિયાની જમીન, લક્ઝ્યુરિયસ બંગલાઓ, કરોડોનાં ટર્નઓવરનાં બિઝનેસ જેવી કામ લાગે એવી માહિતી મળે છે.

રાજુ ઘેનમાં હલવા લાગે છે એટલે ત્રણેય ખૂબ ઝડપથી એમનું કામ પતાવી પાછા એમની જગ્યા પર બેસી જાય છે. એમના પ્લાન મુજબ રાજુ અને બોડીગાર્ડ બન્ને ભાનમાં આવવાની તૈયારીમાં હતા. બોડિગાર્ડ ઓફિસમાં આવે એ પહેલા રાજુ ભાનમાં આવે એ જરૂરી હતું. રીયા પોતાનો ગ્લાસ ઉપરથી નીચે ફેંકે છે જેથી રાજુ અવાજ સાંભળી ભાનમાં આવી જાય.

કાચનાં ગ્લાસનો અવાજ સાંભળી રાજુ ભાનમાં આવે છે. રીયા દયામણો ચહેરો કરી બોલે છે: “સોરી મી. રાજુ... મારા હાથમાંથી ગ્લાસ નીચે પડી ગયો...”

રાજુ નોકરને બોલાવી સાફ કરવાનું કહે છે. બરાબર એ વખતે બોડીગાર્ડ ઓફિસમાં આવે છે. રાજુ ખુરશી પર બેસી નોકરને કામ બતાવતો હતો એટલે બોડીગાર્ડને રાહત થાય છે. બોડીગાર્ડ અને રાજુ બન્ને નોર્મલ વર્તન કરે છે. બન્નેમાંથી કોઈને ખબર પડતી નથી કે શું થયું. પ્રતિક કેમેરો ચાલુ કરે છે. રીયા સવાલ પૂછતી જાય એમ રાજુ ઉમંગથી જવાબ આપતો હતો. થોડીવાર નાટક કરી ત્રણેય ત્યાંથી વિદાય લે છે.

રાજુ આખો દિવસ રીયા સાથે કાઢવા મળ્યો એની ખુશીમાં ગાંડો થાય છે. એને ખબર નહોતી આ ખુશી એને કેટલી ભારે પડવાની છે.

અમદાવાદમાં પ્રતિક અને રીયા અનાથાશ્રમની હકીકત બહાર લાવવા માટે ન્યૂઝ બનાવવા લાગે છે. મુંબઈમાં કરણ, વિક્કી, સંજય બધા પોતપોતાનાં ઘરે માસૂમ અનાથાશ્રમનાં ન્યૂઝ બનાવતા હતા. આવતીકાલની સવાર ખેંગાર, અંગાર અને રાજુને કોઈ દિવસ ભૂલાય નહીં એવી આવવાની હતી.

એ રાત્રે મોડા સુધી જાગી બધા કામ કરતાં હતા. કોઈને ઊંઘ આવતી નહોતી. વિક્કી અને અર્જુનને શાંત કેવી રીતે કરવા એ વિચારોમાં ખેંગાર ઊંધી શકતો નહોતો. નીલિમાનાં સપનામાં ખોવાયેલો અંગાર ઊંધી શકતો નથી. શુક્લા અને ખત્રી ડરનાં માર્યા ઊંધી શકતા નથી. પર્વતસિંહ, સાધના, સુધા, સંધ્યા આવતીકાલ કેવી ધડાકા સાથે આવશે એ વિચારથી ઊંધી શકતા નથી. મુંબઈમાં બધા પોતાનાં વિચારોમાં મગ્ન હતા તો અમદાવાદમાં પણ એ જ હાલ હતા.

રાજુનાં દિલમાં રીયા માટે પ્રેમ જાગ્યો હતો. ફરી ક્યારે મળશે એ વિચારોમાં ઉંધ નહોતી આવતી. બોડીગાર્ડને હજી પણ શંકા હતી. અચાનક થોડી પળો માટે ઊંઘ કેવી રીતે આવી ગઈ અને એ સમય દરમિયાન શું થયું એ વિચારમાં ઊંઘ નહોતી આવતી.

કરણ અને વિક્કીનું કામ થઈ જાય છે એટલે એ બન્ને સંજયને બધુ સેન્ડ કરે છે. સંજય દરેક પત્રકારને એમના ન્યૂઝ ચેનલમાં આ ન્યૂઝ ચલાવવા માટે મોકલી આપે છે. પ્રતિક અને રીયાનું કામ પૂરું થાય છે એટલે એ પણ બધુ સંજયને સેન્ડ કરે છે. સંજયે પત્રકારો સાથે સંબંધ વધારી અમદાવાદની ન્યૂઝ ચેનલ માટે પણ ઓળખાણ કરી હતી. પ્રતિકની મોકલેલી ફાઇલ એ અમદાવાદનાં પત્રકાર મિત્રને મોકલી આપે છે.

***

સવારનાં પાંચ વાગવાની તૈયારી હતી. રાજુની આંખો વહેલી સવારે મીંચાઇ હતી. બોડીગાર્ડ આવી એને ઉઠાડે છે. રાજુ આંખો ચોળતો એના પર ગુસ્સે થાય છે: “સાલા નાલાયક... મને અત્યારે કેમ ઉઠાડે છે? પરાણે મને ઊંઘ આવી હતી...”

બોડીગાર્ડ: “સર, કાલે શરબત પીધા પછી તમને થોડીવાર ઊંઘ આવી હતી?”

રાજુની આંખોમાં ઉજાગરાનાં કારણે લાહ્ય ઉડી હતી. પણ અચાનક આવા અણધાર્યા સવાલથી લાહ્યની અસર જતી રહે છે. રાજુ આશ્ચર્યથી બોડિગાર્ડ સામે જોઈ રહે છે. બીડીગાર્ડ ફરીથી એ સવાલ પૂછે છે. રાજુ માથું ખંજવાળતો બોલે છે: “તને કેવી રીતે ખબર પડી?”

બોડીગાર્ડ: “મને પણ થોડીવાર માટે ઊંઘ આવી હતી... પહેલા મને એવું લાગ્યું એક સેકન્ડ માટે મારી આંખ મીંચાઇ હતી... પણ નોકર સાથે વાતચીત કરતાં ખબર પડી હું અડધા કલાક જેવુ ખુરશી પર સૂઈ ગયો હતો... આંખ ખૂલી એટલે હું ઓફિસમાં આવ્યો ત્યારે તમને વાત કરતાં જોયા... ત્યારે મને ખબર નહોતી અડધો કલાક પસાર થયો નહિતો હું એ લોકોને જીવતા ના રાખત... નોકરે એવું પણ કહ્યું કે કોઈને ઓફિસમાં આવી ડિસ્ટર્બ કરવા નહીં અને મને ઉઠાડવો નહીં એવું પેલા કાકાએ કહ્યું હતું...”

રાજુ: “મને કેમ ખબર ના પડી? મારું ધ્યાન ઉંઘ પર ગયું કેમ નહીં? એ લોકો શું કરવા આવ્યા હતા? અને કોણ હતા? એનું નામ સાચે રીયા હતું?”

બોડીગાર્ડ: “સર એનું સાચું નામ શું હતું એ તો ખબર નથી... પણ એ લોકોનાં વર્તન પરથી છોકરી અને છોકરો પહેલા આશ્રમમાં આવી ગયા હોય એવું મને લાગતું હતું... ખબર નહીં પણ એ લોકોનું વર્તન અને વાતો બન્નેમાં મનમેળ બેસતો નહોતો લાગતો... એ લોકો કામ બીજું કરવા આવ્યા હતા અને આપણને બીજી વાતોમાં ઉલજાવતા હતા... છોકરી દીવાલ પરના એક ફોટાને ઘણીવાર સુધી જોઈ રહી હતી... બે કલાકથી એ છોકરી ફોટામાં શું જોતી હતી એ હું શોધું છું પણ મળતું નથી...”

બોડીગાર્ડ બાળકોનો એક ગ્રુપ ફોટો રાજુને આપે છે: “કદાચ તમને આ ફોટામાં કશું જાણવા મળે જે મને મળ્યું નથી...”

રાજુ એ ફોટાને જોઈ બોલે છે: “આ ફોટો મારા ભાઈનાં ખૂનનો બદલો હું લઈ શક્યો નથી એ યાદ અપાવે છે... મારો ભાઈ છોકરીઓ સાથે દેહવ્યાપાર કરાવતો હતો... ખબર નહીં કેવી રીતે એક છોકરી અહિયાંથી ભાગી જવામાં સફળ રહી હતી... એ પોલીસને લઈ આવી ત્યારે ઝપાઝપીમાં મારા ભાઈની હત્યા થઈ હતી... જે છોકરાએ એનું ખૂન કર્યું હતું એને હું મારા હાથે મારવા માંગતો હતો... પણ એનું નસીબ સારું હતું... એ મૃત્યુ પામ્યો... મને એ છોકરાનાં મોતનાં સમાચાર સાંભળી ખુશી થઈ પરંતુ મારા હાથે એને મારવાની ઈચ્છા અધૂરી રહી... છોકરી જીવતી હતી... કયા ખૂણામાં ભરાઈ હતી, હું એને શોધતો રહ્યો પણ એ મળી નહીં... આ બનાવનાં થોડા મહિના પછી ફોટાનાં ઘણા બાળકોને એક છોકરી અને છોકરો છોડાવીને લઈ ગયા હતા... ત્યારે મને શંકા ગઈ એ છોકરી આશ્રમમાંથી ભાગી હતી એ હશે અને છોકરો મારા ભાઇનો હત્યારો હશે... ત્યારથી એ બન્નેને શોધવાનું કામ ચાલુ છે...”

રાજુ ફોટામાં એ છોકરીને શોધે છે અને એનો ચહેરો બોડીગાર્ડને બતાવે છે. બોડીગાર્ડ પોતાના મોબાઇલમાંથી રીયાનો ફોટો કાઢી એ છોકરીનાં ચહેરા સાથે સરખાવી જોવે છે. થોડીવાર ધ્યાનથી બન્ને ફોટા જોઈ પછી હાથની મુઠ્ઠી વાળે છે: “સર જે છોકરી ભાગી ગઈ હતી એનું નામ શું હતું?”

રાજુને ફરી ઝટકો લાગે છે. એ દીવાલ સામે એકીટસે જોયા કરે છે: “એ છોકરીનું નામ પણ રીયા હતું...”

રૂમમાં એકદમ શાંતિ થઈ જાય છે. રાજુને ચારસોચાલીસ વૉલ્ટનો કરંટ લાગ્યો હતો. બે દિવસથી જે છોકરી પાછળ ગાંડો થઈ ગયો હતો એ છોકરી વર્ષો પહેલા આશ્રમમાંથી ભાગી ગયેલી. એ છોકરી લાડકા નાનાભાઈની હત્યાનું નિમિત હતી. વર્ષોથી એને દેશનાં દરેક શહેરોમાં શોધતો હતો. એના ભાગી ગયા પછી તકલીફો શરૂ થઈ હતી.

રાજુનાં મગજમાં બધી વાત ઉતરવા લાગી હતી. નક્કી એ જ રીયા આશ્રમમાં બે દિવસથી આવતી હતી. રીયાની સચ્ચાઈ સામે આવ્યા પછી નવા સવાલો ઊભા થાય હતા. જેને શોધવા માટે અનેક માણસોને લાખો રૂપિયા આપ્યા હતા એ સામે ચાલી આશ્રમમાં શું કરવા આવી? જીવ બચાવી સંતાતી હતી એ પોતાનો જીવ મુશ્કેલીમાં મૂકવા કોઈ કારણ વગર ના આવી હોય? એ કશું કરવા અથવા લેવા આવી હતી? પણ શું? એને જે જોઈતું હતું એ મળી ગયું હશે તો કોઈ મુસીબત આવશે એ નક્કી છે. એ કોઈ મોટું કારસ્તાન કરવા આવી છે એટલે એણે ખતરો ઉઠાવ્યો હતો.

રાજુની ઊંઘ ઊડી જાય છે. એ તરત ઓફિસમાં જાય છે. બોડીગાર્ડ પણ સાથે આવે છે. એ પોતાના પર ગુસ્સે થતો હતો. લીંબુ શરબત પીવાની જરૂર નહોતી. એ પીધું ના હોત તો કાલે એ લોકો પોતાના કામમાં સફળ ના થયા હોત. એ છોકરીની પાછળ ગાંડા થઈ અહીંયા રોકાવાની જરૂર નહોતી. મુંબઇ જતા રહેવાનું હતું. અનેક વિચાર મનમાં આવે છે.

રાજુ અને બોડિગાર્ડ ઓફિસમાં કોઇ વસ્તુ ગાયબ થઈ છે કે નહીં એ ચેક કરે છે. બધી વસ્તુ પોતાની જગ્યા પર સલામત દેખાતી હતી. રાજુ ગુસ્સામાં રાડ પાડી બોલે છે: સાલી શું કરવા આવી હતી? હવે મારા હાથમાં આવી તો મારા હાથે એનું નાજુક ગળું દબાવી દઇશ..."

બોડિગાર્ડ કબાટ ખોલી બધું ચેક કરતો હતો: "સર, આપણી બધી ફાઇલ સલામત છે?"

રાજુ એની ફાઇલો ચેક કરે છે: "બધી ફાઇલ બરાબર છે... તો એ લોકોએ અડધો કલાક શું કર્યુ?"

બોડિગાર્ડ: "કશુંક તો કર્યુ છે... જે આપણા ધ્યાનમાં આવતું નથી..." બન્ને આખી ઓફિસમાં દરેક વસ્તુ ચેક કરે છે. એમને ખબર પડતી નથી રીયા શું કરવા આવી હતી. આ બધા બનાવોમાં સવારનાં સાત વાગવા આવે છે. બોડિગાર્ડ થાકી ખુરશી પર બેસે છે. રાજુ ક્યારનો થાકી બેસી ગયો હતો.

બોડિગાર્ડ આંખો બંધ કરી માથું ખુરશી પર ટેકવે છે. એ શાંતિથી રીયા આવી ત્યારથી બનેલા બનાવો યાદ કરે છે. રાજુને પણ શાંતિથી એ વિચારવા માટે કહે છે. મગજ થોડું શાંત થાય છે એટલે બુદ્ધિ કામ કરવા લાગે છે. બોડિગાર્ડ ખરેખર હોશિયાર હતો. રાજુ ભાન ભુલ્યો ના હોત તો કોઇ મુશ્કેલી આવતી નહીં. ભાન ભુલ્યાનો વિચાર આવતા એનું મગજ ફરી કામ કરવા લાગે છે: "સર મુંબઈમાં શું થયું છે? તમને અર્જન્ટ ત્યાં કેમ બોલાવતા હતા?"

રાજુ વિચારોમાંથી બહાર આવે છે: "ત્યાં લેબમાં અનાથ બાળકો પર પરિક્ષણ કરવામાં આવતું હતું... એ લેબ પકડાઇ ગઈ છે... દવામાં જે પાઉડર ભેળવવામાં આવતો હતો એ શરીર માટે નુકશાન કારક છે એ પણ બહાર આવ્યું છે..." થોડીવાર બન્ને એકબીજાનું મોઢું જોઇ રહે છે. રાજુ લમણા પર બન્ને હાથ મુકે છે: "ઓ ભગવાન હવે તું એવું ના કહીશ કે બન્ને જગ્યા પર મુસીબત લાવનાર એક જ માણસો છે!"

બોડિગાર્ડ હળવું હસે છે: "સર, મારે કહેવાની જરૂર નથી... તમે જાતે એ વાત સ્વીકારો છો..."

રાજુ હજી આઘાતમાંથી બહાર આવ્યો નહોતો, એ પહેલા એના ફોન પર ખેંગારનો ફોન આવે છે. ખેંગારનો ફોન લેવા માટે રાજુ અચકાતો હતો. જે મુસીબત મુંબઇમાં આવી હતી એને દૂર કરવા માટે ત્યાં જવાનાં બદલે પોતે અહીંયા મુસીબતને નોતરું આપી બેઠો હતો. આ વાત ખેંગારને કેવી રીતે કહેવી એ વિચારતો એ ફોન જોયા કરે છે.

ક્રમશ: