Case No. 369 Satya ni Shodh - 40 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - ૪૦

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”

ડો. હિના દરજી

પ્રકરણ - ૪૦

રાજુ આઘાતમાંથી બહાર આવે એ પહેલા એના ફોન પર ખેંગારનો ફોન આવે છે. ખેંગારનો ફોન લેવા માટે રાજુ અચકાતો હતો. જે મુસીબત મુંબઇમાં આવી હતી એને દૂર કરવા માટે ત્યાં જવાનાં બદલે પોતે અહીંયા મુસીબતને નોતરું આપી બેઠો હતો. આ વાત ખેંગારને કેવી રીતે કહેવી એ વિચારતો એ ફોન જોયા કરે છે.

આખી રીંગ પૂરી થઈ જાય છે, પણ રાજુ ફોન ઉપાડવાની હિમંત કરી શકતો નથી. રાજુ ફોન ઉપાડતો નથી એટલે ખેંગાર ગુસ્સે થયો હતો. ખેંગાર હવે આશ્રમનાં લેન્ડલાઇન નંબર પર ફોન કરે છે. રાજુને ખબર પડી જાય છે, આ ફોન ખેંગારે કર્યો છે. એ બોડિગાર્ડને ઇશારો કરી ફોન લેવા કહે છે. બોડિગાર્ડ ફોન ઉપાડે છે એટલે 'કોણ છે?' પુછ્યા વગર ખેંગાર ગાળો બોલવાનું શરૂ કરે છે. બોડિગાર્ડ ચુપચાપ ખેંગારની ગાળો સાંભળી લે છે. ખેંગાર બોલવાનું બંધ કરે છે એટલે ધીમેથી બોલે છે: "સર હું રાજુસરને ફોન આપું છું..."

ખેંગાર તડૂકી બોલે છે: "એ ડફોળને ફોન આપતા પહેલા ટીવી ચાલુ કરી સમાચાર જો... અને એ બળદને પણ દેખાડ..." આટલું બોલી ખેંગાર ફોન મૂકી દે છે. બોડિગાર્ડ ટીવી ચાલુ કરી સમાચારની ચેનલ મૂકે છે. સમાચાર સાંભળી બન્નેની આંખો પહોળી થઈ જાય છે.

દરેક ન્યુઝ ચેનલ પર બ્રેકિંગ ન્યુઝમાં અનાથાશ્રમ છવાયું હતું. 'બાળકોને અનાથ બનાવી પૈસાદાર બનવાનું કાવતરું ઝડપાયું.' 'કોઇ સગા-સંબંધી ના હોય અને એકલા રહેતા હોય એવા પૈસાદાર દંપતીને કાવતરાથી એક્સિડન્ટ કરાવી બાળકોને અનાથ બનાવવાનું ષડયંત્ર પકડાયું.' 'અચાનક અનાથ થયેલા બાળકોને અનાથાશ્રમમાં આશરો આપવાનાં બહાને એમની મિલકત પડાવી લેવાનું થતું શરમજનક કૃત્ય.' 'અમદાવાદ અને મુંબઇનાં અનાથાશ્રમમાં ચાલતા કૌભાન્ડ પરથી પડદો ઉઠ્યો.'

ન્યુઝ હેડિંગ સાથે જે દંપતીઓની હત્યા કરવામાં આવી હતી, એમનાં ફોટા તથા તેમનાં બાળકોનાં ફોટા વિગતવાર બતાવતા હતા. એટલું જ નહીં એમની મિલકતની દરેક માહીતી બતાવવામાં આવતી હતી. કેવી રીતે બાળકોની સહિ કરાવી અથવા એમના ગાર્ડિયન બની ઘર અને ઓફિસો અનાથાશ્રમનાં નામે કરવામાં આવતું હતું એ કાગળિયા દેખાડવામાં આવતા હતા. દરેક બાળકની કેટલી મિલકત અનાથાશ્રમનાં હસ્તક છે, એની વિગતવાર માહિતી દેખાતી હતી.

રાજુનું મગજ સુન્ન થયું હતું. એની વિચાર શક્તિ નાશ પામી હતી. બોડિગાર્ડ કશુંક બોલતો હતો પણ એ બાઘો બની ટીવી જોતો હતો. બોડિગાર્ડ એને ખભેથી હચમચાવે છે: "સર, હવે ખબર પડી... એ લોકો શું લેવા આવ્યા હતા... બહું મોટી ગેમ રમ્યા એ લોકો... એ છોકરીએ એના રૂપનો જાદુ ચલાવ્યો અને આપણેં થાપ ખાઇ ગયા..."

રાજુ સહમી ગયો હતો. કોઇ દિવસ સ્ત્રીઓ પાછળ સમય બગાડ્યો નહોતો. જીવનમાં પહેલી વાર કોઇ અજાણી સ્ત્રી પાછળ પહેલા ગાંડો અને પછી મૂર્ખ બન્યો હતો. ભાઇની હત્યા એક છોકરીનાં કારણે થઈ હતી ત્યારથી એણે સ્ત્રી સાથે અંતર રાખવાનું શરૂ કર્યુ હતું. પત્ની બીજા સાથે આડા સંબંધ રાખતી હતી એટલે એને છુટાછેડા આપ્યા હતા. આમ એક સ્ત્રીએ લગ્ન કરી પોતાનું જીવન બગાડ્યું હતું અને બીજી સ્ત્રીનાં કારણે ભાઇનું ખૂન થયું હતું. બે સ્ત્રીઓનાં લીધે એ દરેક સ્ત્રીને નફરત કરવા લગ્યો હતો. પરંતુ રીયાને જોઇ નફરત હારી ગઈ હતી.

વર્ષો પહેલા રીયા ભાઇનું મોત બની ભાગી હતી. વર્ષો પછી પોતાને બરબાદ કરવા માટે પાછી આવી હતી. થોડીવાર સુનમુન બેઠા પછી અચાનક જોરથી ચીસ પાડે છે. ચીસ એટલી ભયાનક હતી આશ્રમનાં દરેક બાળકો અને નોકરો ગભરાઇ જાય છે. બોડિગાર્ડ રાજુને શાંત થવા કહે છે. રાજુ પોતાનાં બન્ને હાથ ટેબલ પર પછાડે છે: "કંઇ પણ કર... કાલે આવેલા એ ત્રણેયને મારી સામે લઇ આવ... આ વખતે રીયાનાં હાલ બહું ખરાબ થશે... એ મારી સામે મોત માટે કરગરશે... પણ એને રીબાઇ-રીબાઇ જીવવું પડશે... દેહવ્યાપાર નહોતો કરવો એટલે ભાગી ગઈ હતી... હવે દેશ-વિદેશનાં દરેક ગુંડાઓને એની સાથે મજા લેવડાવીશ... એની સુંદરતાને ઢાલ બનાવી મને ફોસલાવ્યો... એની સુંદરતા માટે એને પસ્તાવો થશે..."

રાજુ ફોનમાં ખેંગારનો નંબર ડાયલ કરે છે: "ખેંગાર, વર્ષો પહેલાં જે છોકરી આશ્રમમાંથી ભાગી હતી એ રીયા અને બીજા બે માણસોનાં કારસ્તાન છે..."

ખેંગાર હજુ પણ ગુસ્સામાં હતો: "ડફોળ જેવા બીજી તને શું ખબર પડી... તારા આશ્રમ અને મારા આશ્રમનાં ન્યુઝ એક જ દિવસે આવ્યા... એટલે બન્ને ન્યુઝ પાછળ એક જ વ્યક્તિ જવાબદાર છે... મુંબઈની પરિસ્થિતિ માટે અર્જુન જવાબદાર છે... તો પછી રીયા અને અર્જુન સાથે મળી કામ કરે છે?"

રાજુ: "હા એ વાત સાચી લાગે છે... વર્ષો પહેલા મારા ભાઇની હત્યા કરનાર અને છોકરાઓને ભગાડી જનારો અર્જુન છે, એ મને ખાતરી થઇ છે... પણ હજુ એક વાત મારા સમજમાં આવી નથી... મારા અનાથાશ્રમમાંથી રીયા ભાગી હતી ત્યારે એક પોલીસનું ખૂન થયું હતું... એ પોલીસનાં છોકરા એટલે કે અર્જુને મારા ભાઇની હત્યા કરી હતી... તો એ મારો દુશ્મન તારો દુશ્મન કેવી રીતે બન્યો?"

ખેંગાર થોડો શાંત થાય છે. રાજુની વાતમાં દમ હતો. પોતે આ બાબત વિચારી નહોતી: "રાજુ, તારી વાત પર વિચાર કરવા જેવો છે... અર્જુનનો ભાઇ અને એના દોસ્તોને અંગારે જેલમાં મોકલ્યા હતા... અર્જુનનાં ભાઇની ગર્લફ્રેન્ડ સાથે અંગારે મજા કરી અને બળાત્કારનો આરોપ છોકરીનાં ભાવી પતિ પર લગાવ્યો હતો... મતલબ હવે સમજાય છે... અમદાવાદમાં તારી સાથે મોટા ભાઇની દુશ્મની થઈ અને મુંબઈમાં નાના ભાઇની અંગાર સાથે દુશ્મની થઈ... એટલે આપણાં દુશ્મનો એક નીકળ્યા... બે વર્ષ પહેલાં મારા અનાથાશ્રમની થોડી વિગતો અર્જુને મેળવી હતી... થોડી માહીતી લેબની ઓફિસમાંથી એ લોકોને મળી... પણ તારા અનાથાશ્રમની માહિતી એ લોકોને કેવી રીતે મળી?"

રાજુને બોલ્યા વગર છુટકો નહોતો. એ બધી વાત ખેંગારને કહે છે. ખેંગાર બધું સાંભળી ગાળો બોલે છે. અમદાવાદમાં રીયા અને સાથે આવેલા માણસોને શોધવા માટે કહે છે. એ વખતે રીયા સાથે અર્જુન આવ્યો હતો એવું બધા સમજ્યા હતા. રાજુનો બોડિગાર્ડ વધારે પડતો ચાલાક હતો. એણે ગઈકાલે એના માણસને એ લોકોનો પીછો કરવા માટે મોકલ્યો હતો. એ વાત રાજુને જણાવે છે. રાજુ તાત્કાલિક એ જગ્યા પર માણસો મોકલી રીયા અને અર્જુનને લાવવા માટે કહે છે.

બોડિગાર્ડ એના માણસોને ફોન કરી રીયા અને અર્જુનને લાવવાનું કહે એ પહેલા, ઓફિસની બહાર બહું બધા લોકોનાં પગરવનો અવાજ આવે છે. રાજુ અને બોડિગાર્ડ બહાર જઇ જોવે એ પહેલા એક નોકર આવે છે: "સાહેબ પોલીસની મોટી ટુકડી આવી છે અને બાળકોને ગાડીમાં બેસાડે છે..."

રાજુ બહાર આવી બરાડે છે: "કોનું મોત આવ્યું છે?"

પ્રતિક ડંડો હલાવી રાજુ તરફ સ્થિર કરે છે, ખૂબ શાંતિ અને રૂઆબથી બોલે છે: "તારું મોત આવ્યું છે..."

પ્રતિકની બોલવાની છટા જોઇ રાજુ બે સેકન્ડ માટે સ્તબ્ધ થાય છે. પરિસ્થિતિ સમજાય છે એટલે ગુસ્સામાં બોલે છે: "કોઇ આલતું-ફાલતું લોકો બકવાશ વાતો ન્યુઝ ચેનલને મોકલે એટલે તમે લોકો સાચી માની લો છો? હમણાં કમિશ્નરને ફોન કરું છું... પછી તારી ખેર નથી..."

રાજુ કમિશ્નરને ફોન કરતો હતો એટલામાં ત્યાં કમિશ્નર જાતે આવે છે: "મારા ઓર્ડરથી તમને કસ્ટડીમાં લેવામાં આવે છે... તમે બાળકોનાં જીવન અને મિલકત સાથે બહું રમત રમ્યા... હવે કોર્ટમાં જવાબ આપજો..."

રાજુ કશું બોલે કે સમજે એ પહેલા પ્રતિક એના હાથમાં હથકડી પહેરાવે છે. બોડિગાર્ડ હોશિયારી વાપરી ઓફિસની બહાર નહોતો આવ્યો. એણે તરત ખેંગારને ફોન કરી પોલીસ આવી છે એ સમાચાર જણાવ્યા. કમિશ્નર અને રાજુની બધી વાત ખેંગારને ફોન પર સંભળાય છે. એ તરત ફોન બંધ કરી અંગાર સામે જુએ છે. એ સમજી ગયો કે અમદાવાદ અનાથાશ્રમ પર પોલીસ બાળકો અને રાજુને પકડીને લઈ ગઈ છે, તો મુંબઈમાં કોઇપણ સમયે પોલીસ આવી શકે છે.

ખેંગારને અંગારનાં ગુસ્સાની વધારે ચિંતા હતી. પરંતુ અંગાર અત્યારે એના સ્વભાવ કરતા વિપરીત રીતે શાંત હતો. અંગાર સમયસૂચકતા વાપરી ખેંગારને લઈ ઓફિસની બહાર નીકળી જાય છે. નીકળતા પહેલા ઓફિસનાં લોકરમાંથી જેટલા રોકડા રૂપિયા અને અગત્યનાં ડોક્યુમેન્ટ હતા એ બધા નાની સૂટકેસમાં સલામત રીતે મૂકે છે. અચાનક આવી પડેલી તકલીફમાંથી બચવા માટે અંગાર જે કરતો હતો એ જોઇ ખેંગારને નવાઇ લાગે છે. હમેંશા એ અંગારને શાંત રીતે વિચાર કરવા માટે કહેતો. આજે અંગાર શાંત રીતે પરિસ્થિતિ સમજી પગલાં લેતો હતો.

પાંચ મિનિટની અંદર ખેંગાર અને અંગાર ઓફિસનાં નાના પાછલા દરવાજાથી બહાર નીકળી જાય છે. એ લોકો નીકળતા હતા એ જ વખતે વિક્કી પોલીસની ટુકડી સાથે અનાથાશ્રમમાં આવે છે. એ સમયે વિક્કીએ પાછળનાં દરવાજા પર માણસો મોકલ્યા હતા. પરંતુ એને ખબર નહોતી કે પાછળ એક મોટો અને એક નાનો દરવાજો છે. વિક્કીને માત્ર મોટા દરવાજાની ખબર હતી જ્યાં માણસો હતા. એ દરવાજા તરફ અંગાર અને ખેંગાર આવ્યા હોત તો એ લોકો તરત ઝડપાઇ ગયા હોત. પરંતુ ખેંગાર અને અંગારની નિયતિ જુદી હતી. એ લોકો વિક્કીની નજરથી દૂર જવામાં સફળ થયા હતા. વિક્કી માત્ર એક મિનિટ મોડો હતો. એક મિનિટ પહેલા આવતો તો ઘણી મુશ્કેલીઓ રોકી શકાઇ હોત.

એ દિવસે રાજુ પોલીસની પકડમાં આવ્યો પરંતુ અંગાર અને ખેંગારને નસીબે સાથ આપ્યો એટલે ભાગી જવામાં સફળ થયા હતા. પ્રતિકે આશ્રમ, તથા આશ્રમનાં બધા બેંક એકાઉન્ટ સિલ કર્યા. રાજુ વકીલને ફોન કરવા માંગતો હતો પણ કરી શક્યો નહીં. પર્વતસિંહે આ વખતે અમદાવાદ અને મુંબઇ બન્ને પોલીસ કમિશ્નરને મળી બધી યોજના બનાવી હતી. રાજુ પર કેસ કરવા માટેની ચાર્જશીટ પર્વતસિંહનાં બતાવ્યા પ્રમાણે પ્રતિકે તૈયાર કરી. કોર્ટની પહેલી તારીખમાં રાજુનાં વિરુદ્ધ પુરાવા બતાવી લાંબી સજા મળે એવી ગોઠવણ કરવામાં હતી.

મુંબઇમાં પણ અંગાર અને ખેંગાર વિરુદ્ધ પુરાવાની ફાઇલ સચોટ રીતે તૈયાર કરવામાં આવી હતી. પોલીસની હિરાસતમાંથી છુટી શકે એવી કોઇ શક્યતા રાખવામાં આવી નહોતી. ઉપરથી ખેંગાર અને અંગાર પર છોકરીઓ સાથે દેહવ્યાપાર કરાવે છે, એના માટે પણ પૂરતા પ્રમાણમાં પુરાવા એકઠા કર્યા હતા. સંજય અને વિશાલે થોડી છોકરીઓ સાથે કોન્ટેક્ટ કરી કોર્ટમાં સાક્ષી બનવા માટે સમજાવ્યા હતા. ખેંગાર અને અંગારને છટકવા માટે કોઇ બારી બાકી રાખવામાં આવી નહોતી.

પરંતુ એ લોકો હાથમાં આવે ત્યારે બધું શક્ય હતું. એ લોકો પલાયન થવામાં સફળ થયા એટલે બધી યોજના પર પાણી ફરી વર્યું હતું. થોડી મિનિટોની અંદર બાજી પલટાઇ હતી. અનાથાશ્રમનાં દરેક બાળકોને સરકારી NGOમાં મોકલવામાં આવ્યા હતા. અમદાવાદ અને મુંબઈ બન્ને આશ્રમનાં બાળકો સરકારનાં બાળ વિકાસ મંત્રાલયની દેખરેખ નીચે કામ કરતાં NGOને સોંપવામાં આવ્યા હતા. મુંબઈમાં જેમનાં ઉપર દવાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું એવા બાળકો પણ મળ્યા હતા. જેમાં અમુક બાળકો બીમાર હતા તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાળકો સલામત હતા એટલી સફળતા વિક્કી અને કરણને મળી હતી.

પરંતુ કરણ અને વિક્કીનાં મગજમાં હવે એક વાત ફરતી હતી. જે છોકરીઓ સાથે કોલ ગર્લનું કામ બળજબરીથી કરાવવામાં આવતું હતું એ છોકરીઓને કેવી રીતે બચાવવી. કારણકે કોઇને એ છોકરીઓને ક્યાં રાખવામાં આવે છે એની ખબર નહોતી.

ક્રમશ: