Case No 369 Satyani Shodh - 43 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર ૩૬૯ સત્યની શોધ - ૪૩

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”
ડો. હિના દરજી
પ્રકરણ - ૪૩

નીલિમા ઊભી થઈ એને પકડી પલંગ પર સુવાડે છે. દસ સેકન્ડની અંદર અંગાર બેભાન થઈ જાય છે. નીલિમા સમય ગુમાવ્યા વગર અંગરનો ફોન હાથમાં લે છે. અંગારે એના મિત્રની મદદથી નવો ફોન લીધો હતો. નીલિમા એ ફોનમાં વિક્કીનો નંબર ડાયલ કરે છે.
વિક્કી અને કરણ આગળનો પ્લાન બનાવતા હતા. કોઈ ભૂલચૂક ના થાય એની ચોકસાઇ રાખવા માટે દરેક પાસા વિચારતા હતા. ત્યારે વિક્કીનાં ફોન પર રીંગ આવે છે. ટ્રુકોલર પર અંગારનાં મિત્રનું નામ જોઈ વિક્કીનાં ચહેરા પર હાસ્ય આવે છે.
તે કરણને ફોન બતાવે છે: “કરણભાઈ આ અંગારનાં મિત્રનો ફોન છે... અને સો ટકા આ ફોન નીલિમાએ કર્યો છે. અંગારે એના ભાઈબંધનાં નામથી નવો ફોન ચાલુ કર્યો છે...”
કરણ એક ક્ષણનો વિલંબ કર્યા વગર ફોન ઉપાડી સ્પીકર ચાલું કરે છે: “હલો...” સામેથી શાંત અવાજે નીલિમા બોલે છે: “કરણભાઈ તમે!!! સારું થયું તમે આવી ગયા... અંગાર અને એના મિત્રની વાતો પરથી મને ખેંગારનું સરનામું મળ્યું છે... છોકરીઓને ક્યાં રાખવામાં આવી છે તે તો હું નથી જાણતી પણ... મને જ્યાં રાખવામાં આવી છે એ એક ફ્લેટ છે... અને એ ફ્લેટનાં ચોથા માળે હું છું એટલી મને ખબર પડી છે...”
કરણ ચિંતાતુર સ્વરે બોલે છે: “તને જેટલી પણ ખબર પડી એટલી બરાબર છે... તારાથી નીકળી શકાય એવું હોય તો તું નીકળી જા... પહેલા એ કહે તું બરાબર છે? શું તેં અંગારને પાવડર ખવડાવ્યો... એ નરાધમ બેભાન થઈ ગયો છે? એ બધું છોડ એ રાક્ષસ જે રૂમમાં હોય તે રૂમથી તું દૂર રહે... હું તને લેવા આવું છું...”
અંગાર ભાનમાં આવી નીલિમા સાથે ફરી કોઈ જબરજસ્તી કરે, એવી બીકને કારણે કરણ નીલિમાને અંગારથી દૂર રહેવા કહે છે. કરણ કોઇપણ હિસાબે નીલિમાને બચવવા જવા માટે તૈયાર હતો. નીલિમાની સુરક્ષાને ધ્યાન પર લઈ બીજા કેટલા લોકોનાં જીવને જોખમ છે તે પણ ભૂલી ગયો હતો. પહેલા નીલિમા ક્યાં છે એ ખબર ના હોવાથી પોતે દિશાવિહીન હતો. હવે નીલિમા સલમાત હતી પણ સલામત જગ્યા પર નહોતી એટલે ચિંતાતુર હતો.
કરણનાં ખભા પર હાથ મૂકી વિક્કી આંખોથી શાંત રહેવા કહે છે: “નીલિમા, તું ઠીક છે?”
નીલિમા બહુ ધીરા અવાજે બોલે છે: “હું ઓલરાઇટ છું... કરણભાઈ મારી ચિંતા ના કરશો... તમારી વાત હું નહીં ઉથાપુ... પણ તમે માત્ર મારી સલામતીની ચિંતા ના કરશો... અત્યારે બીજા ઘણાબધાં કફોડી સ્થિતિમાં મુકાયા છે... તમે શાંત રહો અને બધાંને પહેલા સાચવો... હું ભલે ચોથા માળ પર છું... મને મારી રક્ષા કરતાં આવડે છે...”
વિક્કી: “નીલિમા... અંગારનાં નવા ફોનમાંથી કોઈ માહિતી ચોક્કસ મળશે... તું ફોનમાંથી કશું જાણવા મળે તો જાણી ત્યાંથી નીકળી જા... તારું ત્યાં વધારે રોકાવું યોગ્ય નથી...”
વિક્કી ફોન કટ કરી રાકેશનો નંબર ડાયલ કરે છે: “રાકેશ નીલિમા ચોથા માળ પર છે... શું લાગે છે એ ફ્લેટ પરથી અંગારને ઉઠાવવો છે?”
કરણ: “વિક્કી, કેવો બકવાસ સવાલ કરે છે... રાકેશ તું એ ફ્લેટ પર જઈ અંગારને કસ્ટડીમાં લે નહીંતો હું આવું છું...” કરણ હજુ પણ માત્ર નીલિમા માટે ચિંતીત હતો.
રાકેશ: “કરણભાઈ મને લાગે છે આ ફ્લેટ પરથી આપણને થોડી છોકરીઓ મળી આવશે... આ ફ્લેટ ચાર માળનો છે... અને એમાં વીસ ઘર આવેલા છે... દરેક માળ પર પાંચ ઘર છે... અને ઉપરનાં પાંચેય ફ્લેટ ખેંગારનાં નામનાં છે... મેં અહિયાંનાં વોચમેન પાસેથી થોડી માહિતી મેળવી છે... ચોથામાળનાં દરેક મકાનમાં થોડી છોકરીઓ પેઈંગ ગેસ્ટ તરીકે રહે છે... સ્વાભાવિક છે એ બધી છોકરીઓ અંગારનાં ત્રાસનો ભોગ બની હોય...”
કરણનું પોલીસ મગજ હવે કામે લાગે છે: “એટલે એ ફ્લેટ પરથી છોકરીઓ મળવાની શક્યતા છે... તો પછી તું ત્યાં ઊભો રહે... હું સંજય અને વિશાલને બીજી ટીમ સાથે મોકલું છું... જોડે હું પણ વિક્કી સાથે ત્યાં આવું છું... વિક્કી ચાલ આપણે અત્યારે જ ત્યાં જવાનું છે...”
વિક્કી: “રાકેશ, તું કેટલી છોકરીઓ મળે એમ છે તે જાણવાની કોશિશ કર...” વિક્કી ફોન કટ કરે છે: “કરણભાઈ હમણાં ત્યાં નથી જવાનું... પહેલા આપણે બીજું અગત્યનું કામ કરવાનું છે... તમે માત્ર નીલિમાની ચિંતા કરો છો... પણ તમારા ઘરમાં માત્ર સ્ત્રીઓ છે તે તમે ભૂલી ગયા... તમારા ઘરમાં બધાને સાચવવાની જવાબદારી પણ આપણી છે...”
કરણનાં ટેન્શનવાળા ચહેરા પર આછું સ્મિત આવે છે. ખિસ્સામાંથી ફોન કાઢી એક નંબર લગાવે છે: “સલિમ, ક્યાં પહોંચ્યા તમે લોકો? કોઈ પીછો કરતું નજરે આવ્યું છે? ગુડ, બતાવેલી જગ્યા પર પહોંચી જાવ એટલે મને જાણ કરજે... અને જો કોઈ પીછો કરતું દેખાય તો ત્યાં જ એના રામ રમાડી દેજે... આગળ હું જોઈ લઇશ...”
હવે વિક્કી આછું સ્મિત કરે છે: “હું તો ભૂલી ગયો કે તમે કરણભાઈ છો... તમે પહેલેથી મમ્મી, આંટી, આર્યા, ભાભી અને ચિન્ટુને ક્યાંક મોકલી દીધા... તમે પરિવારની રક્ષા પહેલા વિચારો છો એ તો હું ભૂલી ગયો... પણ તમે બધાને ઘરની બહાર કેવી રીતે લઈ ગયા? અને ક્યારે આ બધું શક્ય બન્યું? તમે એ લોકોને ક્યાં મોકલ્યા છે? જ્યાં પણ મોકલ્યા હોય એ જગ્યા બહું સારી અને સલામત હશે એ મને વિશ્વાસ છે...”
કરણ ઊભો થાય છે. વિક્કીનો હાથ પકડી ઊભો કરે છે: “એ બધી ચર્ચા કરવાનો સમય નથી... બસ એ લોકો સલામત છે અને થોડીવારમાં એવી જગ્યા પર જતાં રહેશે જેની ખબર અંગારને પડશે નહીં... સાથે નીલિમાનાં મમ્મી-પપ્પાને પણ સાવચેત રહેવા જણાવ્યું છે... કદાચ સુરતનાં મકાનની જાણકારી રાજુને મળી જાય તો ત્યાં આપણે કોઈને રાખી શકીએ એમ નથી... એટલે મેં બધાને મુંબઈમાંજ એવી જગ્યા પર મોકલ્યા છે જેની કલ્પના અંગારને આવે એમ નથી... વિક્કી, મને નીલિમાની ચિંતા થાય છે... એ ફ્લેટ પરથી બીજી છોકરીઓ મળે કે ના મળે... નીલિમા બહાર આવવી જોઈએ... એ છોકરીએ બહું સહન કર્યું છે... હવે ફરી એના પર અત્યાચાર થયો તો હું અર્જુનને મોઢું નહીં બતાવી શકું...”
અર્જુનનું નામ સાંભળી વિક્કીની પાંપણો ભીની થાય છે. કરણે બધાને મુંબઈમાં સલામત જ્ગ્યા પર મોકલવા માટે નિશ્ચય કર્યો એ વાતથી રાહત પણ થાય છે: “કરણભાઈ એ ફ્લેટ પરથી છોકરીઓને છોડાવવાનું કામ મારે શુક્લા અને ખત્રી પાસેથી કરાવવું છે... એ લોકો છોકરીઓ છોડવશે તો અંગાર એ લોકોનાં છોડીયા ઉખાડશે...”
વિક્કીનાં ફોન પર મેસેજ આવે છે. એ મેસેજ નીલિમાએ કર્યો હતો. એમાં અંગારનાં મિત્રનાં ઘરનું સરનામું હતું જ્યાં ખેંગાર સંતાઈને બેઠો હતો. એ વાંચી વિક્કી આગળનો પ્લાન બોલે છે: “બને ત્યાં સુધી આ વખતે અંગારને ફ્લેટ પરથી અને ખેંગારને નીલિમાએ બતાવેલી જગ્યા પરથી સાથે ઉપાડીએ તો કેવું રહેશે? ખેંગાર કે અંગાર બે માંથી કોઈ બહાર રહ્યું તો કોઈ કારસ્તાન કરશે... સંજય અને વિશાલને ખેંગારને પકડવા મોકલો... અને શુક્લા અને ખત્રીને છોકરીઓ છોડાવવા મોકલો... હું પણ નીલિમા પાસે પહોંચી અંગારને પકડું છું... તમે અહિયાંથી શુક્લાને અર્જુનભાઈ સાથે વાત કરાવો...”
***
નીલિમા ફોનમાં કોઈ જરૂરી વાત જાણી શકાય એવું હોય એ જોઈ અગત્યની લાગે એવી માહિતી વિક્કીને મેસેજ કરે છે. અંગારને બેભાન થયે પંદર મિનિટ થવા આવી હતી. એનું બેભાન રહેવું આવશ્યક હતું. નીલિમા રૂમમાં કઈ વસ્તુઓ છે એ ચેક કરે છે. કબાટમાંથી એને બેભાન કરવા માટેનું સ્પ્રે મળે છે. એ સ્પ્રે લઈ એ અંગાર પાસે આવે છે. અંગારનાં ચહેરા પર છાંટે છે જેનાથી એ વધારે સમય બેભાન રહી શકે. સ્પ્રેની અસર થવાથી અંગાર વધુ ગાઢ નિંદ્રામાં જાય છે.
નફરતવાળી નજરથી નીલિમા એના ચહેરાને તાકી રહે છે. અચાનક એના કોમળ ચહેરા પર લાલ નસો ઉપસી આવે છે. વર્ષો સુધી ક્રોધને કાબૂમાં રાખી જાણે કંટાળી હતી. અંગારનાં ગાલ પર જોરથી એક તમાચો મારે છે. બેભાન અવસ્થામાં રહેલા અંગારનાં ગાલ પર સટાક કરતો લાફો આવે છે એની સાથે એ બેડ પરથી નીચે પડે છે. નીલિમાએ એટલો જોરથી તમાચો માર્યો હતો એની અસરથી એ ભોંય જમીન પર પડે છે. જો અંગાર ભાનમાં હોત તો આ શક્ય નહોતું.
અંગારને સીધો કરી નીલિમા ફરી એના બીજા ગાલ પર તમાચો મારે છે. એનો ક્રોધ હવે એના વશમાં નહોતો. ભોગવવી પડેલી બધી પીડાનો બદલો એ તમાચા દ્વારા કહેર બની અંગાર પર તૂટી પડે છે. દસ-પંદર તમાચા માર્યા પછી નીલિમા થોડી શાંત થાય છે. અંગારને ઢસડી સોફા સુધી લાવી એને ઊંધો કરે છે. બારીનો પડદો કાઢી અંગારનાં મોઢા પર વીંટે છે. પડદાને ભેગો રાખવાની પટ્ટીથી એના બન્ને હાથ બાંધે છે. બીજી બારીનો પડદો કાઢી એનાથી અંગારનાં પગ વીંટે છે અને પડદો ભેગો રાખવાની પટ્ટી સોફાનાં પાયા સાથે બાંધે છે. અંગાર ભાનમાં આવે ત્યારે તરત હલનચલન કરી શકે નહીં એવું કરે છે.
અંગારને બાંધી એ ફ્લેટની બાલ્કનીમાં આવે છે. એ બાલ્કની સાથે બાજુનાં ફ્લેટની બાલ્કની જોડાયલી હોય છે. બન્ને બાલ્કની વચ્ચે છ ફૂટની દીવાલ હતી. નીલિમા નીચે જોવે છે તો નીચેનાં ફ્લેટની બાલ્કની દેખાય છે. બાલ્કનીની રેલિંગને પકડી નીચેનાં ફ્લેટની બાલ્કની પર જવું હોય તો સાહસ કરી જઈ શકાય એમ હતું.
બીજો પડદો મળે તો કામ થઈ જાય એમ હતું. અંદર જઈ જોવે છે તો એ રૂમમાં બે બારી હતી એના પડદા પહેલેથી ઉપયોગમાં લઈ લીધા હતા. રૂમમાં બીજી કોઈ વસ્તુ એના કામમાં આવે એવી નહોતી. નીલિમા બેડની ચાદર ખેંચે છે. ચાદરને બહાર લાવી એક છેડો રેલિંગ સાથે ફિટ બાંધે છે. બીજો છેડો પોતાની કમર પર ફિટ બાંધે છે.
ચાદરનાં વચ્ચેના બન્ને છેડા પકડી રેલિંગની બહાર એક પગ મૂકે છે. રેલિંગ પર એક પગ બરાબર મુકાય છે એટલે બીજો પગ પણ બહાર લાવી સાવચેતીથી મૂકે છે. ધીરે-ધીરે પડદાનાં છેડા પકડી નીચેની બાલ્કની સુધી જવા પ્રયત્ન કરે છે. બન્ને બાલ્કની વચ્ચેની રેલિંગનું અંતર સાત ફૂટ જેટલું હોય છે. નીચેની બાલ્કની બરાબર દેખાય છે એટલે નીલિમા નીચની બન્ને બાલ્કનીની વચ્ચેની દીવાલ પર પગ મૂકે છે. વચ્ચેની દીવાલ પર પગ બરાબર ગોઠવાય છે એટલે કમર પરથી ચાદરનો છેડો છોડી થોડી નીચે આવે છે. નીચે આવી બન્ને પગ દીવાલની આજુબાજુ લઈ જાય છે અને ચાદર છોડી દીવાલ પર કૂદકો મારે છે.
નીલિમા બરાબર વચ્ચેની દીવાલને વળગી બેસી જાય છે. બેલેન્સ જળવાયા પછી એક બાજુ બન્ને પગ કરી એક બાલ્કની પર જંપ કરે છે.

ક્રમશ: