Case No 369 Satyani Shodh - 44 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર ૩૬૯ સત્યની શોધ - ૪૪

કેસ નંબર - ૩૬૯, "સત્યની શોધ"
ડો. હિના દરજી
પ્રકરણ - ૪૪

નીલિમા બરાબર વચ્ચેની દીવાલને વળગી બેસી જાય છે. બેલેન્સ જળવાયા પછી એક બાજુ બન્ને પગ કરી એક બાલ્કની પર જંપ કરે છે.
નીલિમા જે વખતે નીચેનાં ફ્લેટની બાલ્કની પર કૂદે છે, એ વખતે વિક્કી તે ફ્લેટની નીચે આવી ગયો હતો. એ અને રાકેશ ઉપર ચોથા માળે જવાની તૈયારી કરતાં હતા. ઉપર કેટલા માણસ છે એ ખબર નહોતી એટલે કેટલા માણસને લઈ જવા એ નક્કી કરવું વધારે જરૂરી હતું. અંગાર બહુ ખતરનાક માણસ હતો. એની પાસે કેટલાય તાકાતવાળા માણસો હતા. નીલિમાને કીડનેપ કરવા માટે એણે કોઈનો કોન્ટેક્ટ કર્યો નહોતો. આટલું મોટું રિસ્ક પોતે ઉઠાવ્યું હતું.
વિક્કી અને રાકેશે અંગારનાં બધા માણસોનો મોબાઈલ સર્વેલન્સ પર રાખ્યો હતો. અંગાર એના માણસોને મોબાઈલ સિવાય બીજી રીતે કોન્ટેક્ટ કરી શકે એમ હતું. ફ્લેટનાં ચોથા માળે છોકરીઓને રાખવામાં આવી હોય તો થોડા માણસો હોવાની સંભાવના હતી. આ વખતે કોઈ ભૂલ થાય તો અંગાર આગળ શું કરશે એનો કોઈ અંદાજ નહોતો. ઉપરાંત આ વખતે અંગાર છટકી જવામાં સફળ થાય તો ફરી એને પકડવો મુશ્કેલ હતો. સાથે અનેક છોકરીઓને બચાવવાનો શુભ આશય ક્યારેય પૂરો થઈ શકે નહીં એ બહુ શરમજનક બાબત હતી.
નીલિમા બાલ્કનીનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કરે છે. દરવાજો ખૂલી જાય છે. દરવાજા પર પડદો પડેલો હતો. પડદો થોડો ઊંચો કરી રૂમમાં જોવે છે. રૂમમાં કોઈ નહોતું. રૂમનો દરવાજો ખુલ્લો હતો. દરવાજાની બીજી બાજુ જુએ છે ત્યારે રસોડામાં થોડો અવાજ આવતો હતો. ફ્લેટમાં એક વ્યક્તિ હોય એવું લાગ્યું. નીલિમા રૂમમાં નજર કરે છે. ટેબલ પર મોબાઈલ ચર્જિંગમાં મૂકેલો હતો.
નીલિમા મોબાઈલ લઈ પાછી બાલ્કનીમાં જાય છે. વિક્કીને ફોન કરે છે. અનનોન નંબર જોઈ વિક્કી કટ કરવાનું વિચારે છે. પછી અચાનક મનમાંથી ફોન ઉપાડવાનો આવાજ આવે છે. એ ફોન ઉપડે છે: "હલો..."
વિક્કીનો અવાજ સાંભળી નીલિમા ખુશ થઈ જાય છે: "વિક્કી… તું આવી ગયો?"
વિક્કી મનનો અવાજ સાંભળી ખુશ થાય છે. એની છઠ્ઠી ઇન્દ્રિય એ વખતે કામ કરતી હતી. એના મસ્તિષ્કમાં ફોન પર વાત કરવી જોઇએ એવો ટકોરો વાગ્યો હતો. કોઇવાર મનની વાત સાંભળવી જોઇએ એવું અર્જુન વારંવાર કહેતો. આજે ભાઇની આ શિક્ષા જરૂરિયાતનાં સમયે કામ લાગી હતી: "હા, હું અને રાકેશ ટીમ સાથે ઉપર ચોથા માળે અંગારને પકડવા આવીએ છે... અને તને ખબર પડી કે નહીં તે ભગવાન જાણે... તું જે માળે છું એ માળનાં બીજા ફ્લેટમાં થોડી છોકરીઓ રહે છે... તું ક્યાં પહોંચી?"
નીલિમા બાલ્કનીની નીચે વિક્કીની ગાડી શોધે છે: "હું ત્રીજા માળનાં ફ્લેટ પર આવી ગઈ છું... મેં અંગારને બેભાન કર્યો છે... એ ત્રણ-ચાર કલાક ભાનમાં આવવાનો નથી... ઉપર વધારે માણસ હોય એવું લાગતું નથી... બીજા ફ્લેટમાં છોકરીઓ છે કે નહીં એ તો ખબર પડી નથી, પણ હું જે ફ્લેટમાં છું ત્યાં પણ વધારે લોકો લાગતા નથી... રસોડામાં કોઇ સ્ત્રી હોય એવું લાગે છે, બીજું કોઇ દેખાયું નથી..."
વિક્કીનાં અવાજમાં જોશ આવે છે: "બસ તો પછી કોની રાહ જોવાની? તું ત્યાં ત્રીજા માળે શાંતિથી હું અંગારને પકડી લઉં એની રાહ જો... પછી શાંતિથી ઘરે જતી રહેજે..."
વિક્કી અને રાકેશ ત્રણ પોલીસ કોન્સટેબલને લઈ ચોથા માળે જાય છે. અંગાર વાળા ફ્લેટમાં એનો મિત્ર અને એક માણસ હોય છે. વિક્કી બહુ આશાનીથી ફ્લેટમાં આવે છે. મિત્ર પોલીસ જોઈ કોઈ વિરોધ કરતો નથી. મજબૂરીમાં મિત્ર સાથે મૈત્રી નિભાવતો હોય એવું લાગ્યું. પરંતુ અંગારનો માણસ થોડી ઝપાઝપી કરે છે. એકલો માણસ બે પોલીસને વધારે ટક્કર આપી શકતો નથી. વિક્કીની બે-ચાર અડબોટ પડે છે એટલે એ સરન્ડર કરી દે છે.
અંગારનાં રૂમનો દરવાજો બંધ હતો. વિક્કી અને રાકેશ થોડી મહેનત કરી દરવાજો તોડે છે. વિચાર્યા કરતા થોડો વધારે જ કમજોર દરવાજો હતો, એટલે દરવાજાનો આંકડો તૂટી જાય છે. જમીન પર અંગાર ઊંધો પડેલો હતો. નીલિમાએ માથું, હાથ-પગ બધુ બરાબર ફીટ બાંધ્યું હતું. જો એ ભાનમાં આવે તો પણ થોડીવાર સુધી એ હાલી શકે એમ નહોતો.
બહુ સહેલાઈથી અંગાર એ લોકોનાં હાથમાં આવે છે. એનો મિત્ર નીલિમાને રૂમમાં શોધતો હતો. ક્યારે અને કેવી રીતે નીલિમાએ અંગારને બાંધ્યો અને કેવી રીતે એ ફ્લેટની બહાર ગઈ, તે એને ખબર પડી નહીં. મનોમન નીલિમાની હોશિયારી પર એને ખુશી થાય છે. કદાચ અંગાર એટલે જ એ છોકરી પાછળ ગાંડો હતો. એનો મિત્ર સમજી જાય છે કે વિક્કી અને નીલિમાનાં સંકજામાં અંગાર પૂરી રીતે ફસાયો છે.
વિક્કી એ ફ્લેટમાંથી ત્રણ મોબાઈલ, થોડા રૂપિયા કબ્જે કરે છે. મિત્ર ઘરે ફોન કરી શકે એમ નહોતો પણ એને એની કોઈ ચિંતા નહોતી. એણે અંદાજ લગાવ્યો હતો કે વિક્કી એના ફ્લેટ પર પહોંચી ખેંગારને પણ પકડી લેશે.
વિક્કી અને રાકેશ એની ટીમ સાથે અંગારને લઈ પોલીસ ચોકી પહોંચે છે. સાથે એના મિત્ર અને બીજા માણસને જેલની કોટડીમાં બેસાડે છે.
એ સમય દરમિયાન સંજય અને વિશાલ મિત્રનાં ફ્લેટ પર જઈ ખેંગારને પકડી બીજી પોલીસ ચોકી પર લઈ આવે છે. ખેંગારની રક્ષા કરવા માટે કોઇ માણસ ત્યાં નહોતો એટલે ખેંગાર પણ બહુ સહેલાઇથી પકડાઇ જાય છે.
ખેંગાર અને અંગાર બન્નેને જુદી પોલીસચોકી પર રાખવાનું યોગ્ય લાગતાં બન્નેને જુદી જુદી ચોકી પર લાવ્યા હતા. બે કલાકની અંદર બન્ને ભાઈ પકડાઈ ગયા હતા. એમના પકડાઈ જવાના સમાચાર કરણ અને વિક્કી બહાર પાડવા નહોતા માંગતા.
રાજુનાં બોડીગાર્ડે જે પ્રમાણે એને છોડાવ્યો હતો એવું કશું થાય એવું કરણ કરવા નહોતો માંગતો. એટલે પકડાય છે તો પણ એ સમાચાર બહાર પાડતો નથી. બન્ને ભાઈઓ પોલીસચોકીમાં હોવાથી એમને છોડાવવા માટે કોઈ કેવો દાવ રમે એ ખબર નહોતી. એના માણસો મુંબઈમાં કયા ખુણામાં ભરાઇ પોલીસનો ખેલ જોતી હોય એ કહેવાય નહીં. અંગારનો કોઇ વધારે બુદ્ધિ ધરાવતો માણસ બધી મહેનત પર પાણી ફેરવી કાઢે તો પરિસ્થિતિ વધારે વણસી જાય.
કરણ અને વિક્કી બન્નેને પકડી લીધા પછી વધારે જોશમાં આવ્યા હોય છે. વિક્કીનાં કહ્યા પ્રમાણે શુક્લા અને ખત્રીને છોકરીઓને લાવવા માટે મોકલવાના હતા.
કરણ ફરી એકવાર અર્જુન બનવા આતુર હતો. ફરી એકવાર શુક્લા અને ખત્રીને એમની સાચી ડ્યૂટી યાદ કરાવવા ઉતાવળો હતો. આ વખતે એ બન્નેની હાલત પહેલા કરતાં વધારે ખરાબ કરવી હતી. કૂતરાની પૂંછડી કોઈ દિવસ સીધી થાય નહીં પણ શુક્લા અને ખત્રીની શાન ઠેકાણે લાવી આ વાત ખોટી પાડવી હતી.
ઘણા સમય પછી ભાઈબંધનાં ફોન પર એના નામથી વાત કરવાની હતી. એક ક્ષણ માટે એની આંખોમાં અર્જુનને યાદ કરી પાણી આવી જાય છે. ભાઈથી વધારે વ્હાલા દોસ્તનું અકાળે અવસાન થયું હતું. એ સમયસર એની મદદે પહોંચી શક્યો નહોતો એનું દુ:ખ અંતરને વારંવાર કનડતું હતું. એના આત્માની શાંતિ માટે એણે રાખેલા અધૂરા કામ પૂરા કરવાના હતા.
ભગવાન પણ સાથ આપતો હોય એમ અંગાર અને ખેંગાર કોઈજાતની લડાઈ કર્યા વગર, કોઈને ઇજા થયા વગર હાથમાં આવ્યા હતા. માસૂમ બાળકોનો ઉછેર NGO દ્વારા સારી રીતે થવા લાગ્યો હતો. હવે છોકરીઓને બચાવવાની હતી. છોકરીઓ પકડાઈ જાય તો એમને સમજાવી ફરીથી નવું જીવન શરૂ કરવા માટે પ્રેરણા આપવાની હતી.
શું વાત કરવાની છે એ બધુ નક્કી કરી કરણ શુક્લાને ફોન કરે છે. શુક્લા સ્ક્રીન પરનું નામ વાંચી પહેલી સેકન્ડમાં જ પોતાનો અડધો હોશ ખોઈ બેસે છે. ખેંગાર અને અંગારે ભાગી ગયા બાદ કોઈ સંપર્ક કર્યો નહોતો એટલે શાંતિ લાગી હતી. હવે એ બન્નેની જીહજુરી નહીં કરવી પડે એવું વિચારી રાહતનો શ્વાસ લીધો હતો. આટલા સમયથી અર્જુનનો ફોન આવ્યો નહોતો એટલે, એ મૃત્યુ પામ્યો હશે એવું વિચાર્યું હતું. અર્જુન આ દુનિયામાં ના હોય તો નોકરી પર કોઈ ખતરો નહોતો. બીજા કોઈ પાસે પોતાના વિરુદ્ધ પુરાવા નહોતા તેથી રિટાયર થાય ત્યાં સુધી શાંતિથી દિવસો પસાર કરવાના હતા.
શાંતિ સાથે રિટાયર થવાના સપના પર અર્જુનનાં એક ફોનથી પાણી ફરી વળ્યું હતું. હવે અર્જુન પોતાની સાથે શું કામ કરાવવા માંગે છે એ વિચાર માત્રથી એના કપાળ પરથી પરસેવો ટપકવા લાગે છે. ફોન ઉપાડવાની હિંમત નહોતી કે કોઇ ઇચ્છા પણ નહોતી. આખી રીંગ પૂરી થાય છે, ત્યાં સુધી એ ફોન જોયા કરે છે.
રીંગ બંધ થાય છે, રૂમમાં એકદમ નીરવ શાંતિ થઈ જાય છે. શુક્લાને પોતાનાં ધબકારા સ્પષ્ટ સંભળાતા હતા. રીંગ બંધ થયા પછી પણ થોડી ક્ષણો મોબાઇલને જોયા કરે છે. ફોન બંધ હોય તો અર્જુન કેવી રીતે વાત કરશે એવું વિચારી ફોન સ્વીચ ઓફ કરવાની ઇચ્છા થઈ.
ફરી ફોન આવે એ પહેલા સ્વીચ ઓફ કરવા માટે શુક્લા મોબાઇલ હાથમાં લે છે. એ જ ક્ષણે અર્જુનનો ફોન ફરી આવે છે. શુક્લાનાં હાથમાંથી મોબાઇલ છટકી ટેબલ પર પડે છે. શુક્લાની ધડકન ફરી તેજ થઈ જાય છે.

ક્રમશ: