Case No 369 Satyani Shodh - 45 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર ૩૬૯ સત્યની શોધ - ૪૫

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”
ડો. હિના દરજી
પ્રકરણ - ૪૫

ફરી ફોન આવે એ પહેલા સ્વીચ ઓફ કરવા માટે શુક્લા મોબાઇલ હાથમાં લે છે. એ જ ક્ષણે અર્જુનનો ફોન ફરી આવે છે. શુક્લાનાં હાથમાંથી મોબાઇલ છટકી ટેબલ પર પડે છે. શુક્લાની ધડકન ફરી તેજ થઈ જાય છે.
ફોન નહીં ઉપાડે તો પણ મુસીબત આવશે અને ઉપાડશે તો પણ મુસીબત આવશે. ફોન ઉપાડવાથી અર્જુન કહે એ પ્રમાણે કરવાથી કદાચ ઓછી તકલીફ ભોગવવી પડશે. પણ ફોન પર વાત કર્યા પછી કોઈ અટપટું કામ કરવાનું કહેશે અને નહીં કરી શકે તો શું થશે? શુક્લા બરાબર ગભરાયો હતો. એ ગભરામણમાં એનું મગજ બરાબર કામ કરવા લાગ્યું હતું. જે થશે એ ભોગવી લઇશ એવું વિચારી થથરતા હાથે ટેબલ પરથી ફોન લઈ ઉપાડે છે.
શુક્લા ફોન ઉપાડ્યા પછી બોલી શકતો નથી. અર્જુનનાં બોલવાની રાહ જોવે છે. કરણ મનમાં બહુ હસે છે. એને શુક્લાની હાલત પર ખૂબ મજા આવે છે, સાથે એની દયા પણ આવે છે. પૈસાની લાલચ માણસને અનેક કુકર્મ કરવા માટે મજબૂર કરે છે. જ્યારે આંખ ખૂલે છે ત્યારે બહુ મોડુ થઈ ગયું હોય છે. શુક્લાની હાલત પણ એવી થઈ હતી. ખેંગારની કરોડો રૂપિયાની થપ્પીઓ નીચે ફરજ દબાઈ ગઈ હતી.
આપણાં દેશમાં માણસ કરતાં પણ ભ્રષ્ટાચાર વધારે ફેલાયેલો છે. કોઈને સારું કામ કરવા માટે લોકો સાથ નથી આપતા પણ કોઇને હેરાન કરવા લોકો પડાપડી કરવા લાગે છે. શુક્લા અને ખત્રી જેવા પોલીસ ઓફિસરો પણ રંગરેલીયા મનાવવા માટે સત્યનાં માર્ગ પરથી દૂર થઈ જાય છે. કરણ રસ્તો ભટકી ગયેલા શુક્લા અને ખત્રીને સીધા માર્ગ પર લાવવા માટે એમને સારા કામ કરવા માટે મજબૂર કરવા માંગતો હતો.
કરણ: “શુક્લા બહુ વાર કરી ફોન ઉપાડવામાં… તને શું લાગ્યું... રાજુનાં માણસો મને મારી નાખવામાં સફળ થઈ ગયા... જે રીતે ખોટા કામ કરવા માટે પણ પ્લાનિંગ કરવું પડે છે... યોગ્ય સમયે લોકોની આંખમાં ધૂળ નાંખી ખોટા કામને સાચા કામમાં ફેરવવું પડે છે... એવી રીતે હું પણ યોગ્ય સમયની રાહ જોતો હતો... બાકી મને ઉપર પહોચાડવાની તાકાત કોઈમાં નથી... હવે બોલ ફોન ઉપાડવામાં આટલી વાર કેમ કરી?”
શુક્લા થોથવાય છે: “એ તો મારો ફોન સાયલન્ટ હતો એટલે ખબર ના પડી... અને મને તો ખબર જ હતી... તું કોઈવાર મને ફોન કરીશ... પણ ફોન કરવામાં તેં થોડું મોડું કર્યું... હું તો ઘણાં સમયથી તારા ફોનની રાહ જોતો હતો...” શુક્લા થોથવાતો પોતાના બચાવ માટે સારા વાક્યો બોલવા લાગે છે. “આ વખતે મારે શું કામ કરવાનું છે? તેં ફોન કર્યો એનો મતલબ નક્કી આ વખતે ફરી કોઈ એવું કામ કરવાનું છે જે હું નહીં કરું તો તું મારો વિડીયો વાઇરલ કરીશ...”
કરણ હસે છે: “વાહ શુક્લા... તું તો બહુ હોશિયાર થઈ ગયો છું... તું સામે હોત તો તને ગળે લાગી મારી જાતને ધન્ય બનાવી લેતો... પણ અત્યારે આપણે ગળે મળી લીધું એવું સમજી લે... હવે કામની વાત કરીએ... હું તને સરનામું મોકલું છું... એ જ્ગ્યા પર કેટલીક છોકરીઓની સાથે બળજબરીથી દેહવ્યાપારનો ધંધો કરાવવામાં આવે છે.. તારે અને ખત્રીએ ટીમ લઈને જવાનું છે અને બધી છોકરીઓને સહીસલામત છોડાવવાની છે...”
શુક્લા વિચારે છે, અર્જુનને બધી છોકરીઓ છોડાવવામાં શું રસ હોય. બે વર્ષ પહેલા નીલિમાને અને વિક્કીને બચાવવા માટે મેદાનમાં આવ્યો હતો. હવે કોના માટે આવ્યો છે?: “એ છોકરીઓને મારે શું કરવા બચાવવી પડે? તારો દોસ્ત પણ પોલીસ છે... કરણ... એને આ કામ કરવાનું કહે... કે પછી તારો દોસ્ત આ કામ કરવા માટે કાબેલ નથી...”
કરણ જોરથી હસે છે: “એ તો કોઈપણ કામ કરવા મટે સક્ષમ છે... પણ તું કેમ ના પાડે છે? શું તું કામ કરવા માટે સક્ષમ નથી? કે પછી કોઇ ચેલેન્જવાળું કામ કરવાનું તને આવડતું નથી... બસ ફાલતુ કામ કરવામાં તને શાન લાગે છે... કોઈ દિવસ મર્દ બનીને કામ કરી બતાવ...” કરણ થોડીવાર ચૂપ રહે છે: “હું તો ભૂલી ગયો તને મર્દાનગી બતાવવામાં કોઈ રસ નથી....”
શુક્લાને ગુસ્સો આવે છે: “અર્જુન, હું એક પોલીસ ઓફિસર છું... મારા વિષે ગમે તે બોલતા પહેલા ભાન રાખ... તું મને મર્દાગની બતાવવાની વાત કરે છે... તો તારા દોસ્તને જ કહેને…”
કરણ બહુ શાંતિથી બોલે છે: “જો શુક્લા... મારે કોને કયું કામ કરવાનું કહેવું... એ મારે નક્કી કરવાનું... આ કામ મારે તારી સાથે કરાવવું છે... તારે ના કરવું હોય તો બોલ... હજુ પણ તારો અને ખત્રીનો વિડીયો મારી પાસે સલામત છે... મારે તારી પાસે કામ એટલે કરાવવું છે, કારણકે તારા થોડા પાપ ઓછા થાય... હવે બોલ તું કરીશ કે નહીં?”
શુક્લા શાંત થઈ હા નો જવાબ આપે છે. કરણ કામ જલ્દી કરવાનું અને છોકરીઓને ક્યાં લઈને જવું એ જણાવી ફોન મૂકે છે. શુક્લા થોડો ટેન્શનમાં આવે છે. અર્જુન કોઈ કરણ વગર કામ કરાવે નહીં. એ કરણ જાણવા મળ્યું નહીં. પણ કામ નહીં કરે તો પોલીસની નોકરી જવાનો અને ઇજ્જત ધૂળમાં મળી જવાની બીક હતી.
શુક્લા ફટાફટ ખત્રીને ફોન કરી બોલાવે છે. ખત્રીને અર્જુનનો ફોન આવ્યો એ જાણી ધડકન વધી જાય છે. અર્જુન આ વખતે કેવા કેવા કામ કરાવશે એ વિચારી એનું મગજ બહેર મારી જાય છે. એને પણ શુક્લાની જેમ નોકરી જવાની અને નામ બદનામ થવાની ચિંતા થાય છે. આ કામ કરવાથી અર્જુન વિડીયો અપલોડ નહીં કરે એવું શુક્લા કહે છે, ત્યારે કામ કર્યા વગર છૂટકો નથી એ સમજાય છે.
શુક્લા અને ખત્રી અડધા કલાકની અંદર કરણની બતાવેલી જગ્યા પર છોકરીઓને લેવા જવાનું ગોઠવે છે. કરણ પોતે વેશ બદલી શુક્લાની પાછળ જાય છે. શુક્લા અને ખત્રી આપેલા સમયમાં કામ પૂરું કરવા માટે મહિલા પોલીસની ટીમ સાથે લાવ્યા હતા.
કરણને મહિલા પોલીસ ટીમ જોઈ શુક્લા અને ખત્રી એમનું કામ પૂરું કરશે એવી ખાતરી થાય છે. વિક્કી અને રાકેશ જ્યારે અંગારને લેવા ગયા હતા ત્યારે વધારે માણસો નહોતા. પણ બીજા ફ્લેટમાં છોકરીઓ પાછળ માણસ મૂકેલા છે કે નહીં તે ખબર નહોતી. જો માણસો ના હોય તો શુક્લા અને ખત્રી કોઈ તકલીફ વગર કામ પૂરું કરી શકશે. જો માણસો હશે તો થોડી હાથાપાઈ થવાની સંભાવના હતી.
શુક્લા ફ્લેટ પર આવે છે. એ પહેલા ખત્રીને ઉપરની પરિસ્થિતી જાણવા માટે જવાનું કહે છે. ખત્રી બે હવાલદાર અને બે મહિલા હવાલદારને લઈ ઉપર જાય છે. બે હવાલદારને દાદર પર સંતાઈને ઊભા રહેવાનુ કહે છે અને મહિલા હવાલદારને બે બાજુનાં ખૂણાઓમાં સંતવાનું કહે છે. ચોથામાળનાં ત્રણ ફ્લેટમાં છોકરીઓને રાખવામા આવી હતી. ખત્રી ઉપર આવી સીધો એક ફ્લેટની ડોરબેલ વગાડે છે. એક સુંદર છોકરી દરવાજો ખોલે છે. છોકરીની સુંદરતા જોઈ ખત્રી બે ઘડી શું કામ કરવા આવ્યો હતો એ ભૂલી જાય છે.
છોકરી દરવાજો ખુલ્લો બંધ કરી ખત્રીને બેસવાનું કહી અંદરનાં રૂમમાં જતી રહે છે. એ છોકરીઓ માટે કોઈ પુરુષ આવે તો કોઈ નવાઈની વાત નહોતી. ખત્રી સદા વેશમાં આવ્યો હતો એટલે એ પોલીસ છે એવી ખબર પડતી નહોતી. છોકરી અંદર જાય છે એટલે પચાસ વર્ષની આસપાસની એક સ્ત્રી આવે છે. પહેલા ખત્રીને બરાબર જોઈ અહીની છોકરી જોઈએ તો વધારે માલ આપવો પડશે એવું કહે છે. ખત્રી પૂરા પૈસા આપવાની વાત કરે છે. સ્ત્રી ખુશ થઈ તાલી પાડે છે. તાલીનો અવાજ સાંભળી પાંચ સુંદર છોકરીઓ આવીને ઊભી રહી જાય છે. સ્ત્રી દરેક છોકરીઓનો કલાક પ્રમાણે ભાવ બોલે છે.
સ્ત્રી બધી છોકરીઓનો ભાવ બોલતી હતી એ સમયે ખત્રી શુક્લાને ફોન કરે છે. શુક્લા ફોનમાં બધી વાત સાંભળે છે. ફ્લેટમાં અર્જુનનાં કહ્યા પ્રમાણે છોકરીઓ હાજર છે એવું શુક્લા સમજી જાય છે. શુક્લા તરત પૂરી ટીમ લઈ ચોથામાળે આવે છે. ખત્રી વાતો કરતો ફ્લેટનો દરવાજો ખોલે છે. તરત ચારેય હવાલદાર અંદર આવે છે. ખત્રી પોતાનું આઈકાર્ડ બતાવી બધાને પોતાની સાથે આવવાનું કહે છે.
પોલીસ બધાને લઈ જશે તો તારી હાલત એના શેઠ બહુ ખરાબ કરશે એવી સ્ત્રી ઘમકી આપે છે. ખત્રી રહ્યો પુરુષ અને એમાં પણ પોલીસ. કોઈ સ્ત્રીની ઘમકી કેવી રીતે સહન કરે. એ તરત સ્ત્રીને લાફો મારે છે. સ્ત્રી ગાલ પર હાથ ફેરવતી દૂર ખસી જાય છે. ખત્રી બીજી કેટલી છોકરીઓ છે એવું પૂછે છે. અંદરનાં રૂમમાંથી બીજી બે છોકરીઓ બહાર આવે છે.
શુક્લા બીજા ફ્લેટમાંથી છ છોકરીઓ બહાર કાઢે છે અને ત્રીજા ફ્લેટમાંથી બીજી સાત છોકરીઓ મળી આવે છે. ત્રણેય ફ્લેટમાં ચાર સ્ત્રીઓ હતી જે છોકરીઓ પર અંકુશ રાખતી હતી. શુક્લા ચાર સ્ત્રીઓ અને વીસ છોકરીઓને લઈ કરણની બતાવેલી જગ્યા પર લઈ જાય છે. બધી છોકરીઓ વિચારતી હતી એમને પોલીસ સ્ટેશન લઈ જશે. અંગાર થોડા રૂપિયા ખવડાવશે એટલે ફરી પછી આ નરકમાં આવી જશે. પણ જ્યારે છોકરીઓ ગાડીમાંથી નીચે ઉતારી ત્યારે એ લોકોની આંખો ચાર થઈ ગઈ હતી.
બધી છોકરીઓને સરકારી સ્ત્રી સહાય કેન્દ્ર પર લાવવામાં આવી હતી. ચાર સ્ત્રીઓને પણ ત્યાં લાવવામાં આવી હતી. સહાય કેન્દ્ર પર કરણે પહેલેથી છોકરીઓ લાવવામાં આવશે એવી વાત કરી રાખી હતી. કેન્દ્રની અધિકારી મહિલા બધી છોકરીઓ સાથે ખૂબ નરમાશથી વાત કરે છે.
બધી છોકરીઓ અંગારની ચંગુલમાં કેવી રીતે આવી તથા એમના માતાપિતા ક્યાં રહે છે વગેરે પૂછપરછ કેન્દ્રમાં કામ કરતી મહિલાઓ કરે છે. પોલીસ સ્ટેશનમાં બધી છોકરીઓ સલામતી નહીં અનુભવી શકે અને સાચી વાત કરતાં અચકાશે એવું વિચારી કરણ બધી છોકરીઓને સહાય કેન્દ્રમાં રખવાનું નક્કી કરે છે. એના આ નિર્ણયની ધારી અસર થઈ હતી. પહેલા બધી છોકરીઓ મુંજાઈ હતી. પણ પછી બધી છોકરીઓ રડી પડી હતી. દરેકે પોતાના ઘરની મહિતી આપી પણ અમુક છોકરીઓ ઘરે પાછા જવાની ના પાડતી હતી.
બીજા દિવસે કરણ અને વિક્કી સહાય કેન્દ્ર પર આવી બધી છોકરીઓને મળે છે. કોર્ટમાં અંગાર વિરુદ્ધ સાક્ષી બનવા માટે સમજાવે છે. વીસમાંથી ચાર છોકરીઓ સાક્ષી બનવા માટે તૈયાર થાય છે. કરણ અને વિક્કી એ ચાર છોકરીઓ સાથે બીજી થોડી વાતચીત કરી જેટલી બને એટલી અંગાર વિરુદ્ધ માહિતી મેળવે છે. બીજી કોઈ જગ્યા પર છોકરીઓને રાખવામા આવે છે કે નહીં એ માહિતી પણ મેળવે છે. આ પૂછપરછમાં થોડી છોકરીઓને અંગારે વિદેશ વેચી હતી એ વાત પણ જાણવા મળે છે.
બધી વાતો કોર્ટમાં સાચી સાબિત કરવા માટે કરણ અને વિક્કી બીજા પુરાવા એકઠા કરવાનું વિચારે છે. અંગાર અને ખેંગાર વિરુદ્ધ સજ્જડ FIR બનાવી કોર્ટમાં કેસ ચાલુ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવે છે. કરણ, વિક્કી, રાકેશ, સંજય અને વિશાલ બધા કેસ પેપર તૈયાર કરવામાં લાગી જાય છે.
મુંબઈમાં અંગાર અને ખેંગાર પકડાઈ ગયા છે એ વાત રાજુ જાણતો નહોતો. રાજુએ અમદાવાદમાં પ્રતિક અને રીયા પર અને મુંબઈમાં કરણ અને એના પરિવાર પર એક સાથે હુમલો કરવાનો પ્લાન બનાવ્યો હતો એ વાતથી અજાણ બધા પોતાનાં કામમાં વ્યસ્ત હતા.

ક્રમશ: