Case No 369 Satyani Shodh - 46 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર ૩૬૯ સત્યની શોધ - ૪૬

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”
ડો. હિના દરજી
પ્રકરણ - ૪૬

મુંબઈમાં અંગાર અને ખેંગાર પકડાઈ ગયા છે એ વાત રાજુ જાણતો નહોતો. રાજુએ અમદાવાદમાં પ્રતિક અને રીયા પર અને મુંબઈમાં કરણ અને એના પરિવાર પર એક સાથે હુમલો કરવાનો પ્લાન બનાવ્યો હતો એ વાતથી અજાણ બધા પોતાનાં કામમાં વ્યસ્ત હતા.
કોઈ દિવસ સ્ત્રીઓ પાછળ સમય ના બગાડનાર રાજુ પોતાની એક ભૂલ પર પસ્તાતો હતો. કોઈ સ્ત્રી પર ભરોસો ના કરનાર રાજુ કેવીરીતે સુંદર રીયાનો મોહમાં આવી ગયો એ ખબર ના પડી. રીયાએ પ્રેમજાળ પાથરી એને બરબાદ કરી નાંખ્યો તે ભૂલી શકતો નહોતો. કોઈપણ હિસાબે એ રીયાને પાઠ ભણાવવા માંગતો હતો. બોડીગાર્ડની હિમંતના જોર પર પ્રતિક અને રીયા સાથે બદલો લેવો હતો. હ્રદયમાં બદલાની આગ ભભૂકી હતી. એ રીયા અને પ્રતિકને તડપાવીને આપેલા મોત પછી શાંત થવાની હતી.
બોડીગાર્ડનાં ઘરમાં એનો નવો અડ્ડો બનાવ્યો હતો. થોડા વિશ્વાસુ માણસો ત્યાં એકઠા કર્યા. પ્રતિક કયા દવાખાનામાં છે અને તેની સાથે કોણ રહે છે. બધી માહિતી એના વિશ્વાસુ માણસોએ મેળવી હતી. પર્વતસિંહ અને રીયા હોસ્પિટલમાં વારાફરતી રોકાતા હતા. રાત્રે હોસ્પિટલમાં રીયા રોકાતી હતી. રાત્રે હુમલો કરી બન્નેની હત્યા એકસાથે કરવાનો પ્લાન બનાવતા હતા.
રાજુને પોલીસ અમદાવાદમાં શોધતી હતી એટલે ત્યાં રોકાવામાં ખતરો હતો. બોડીગાર્ડે દવાખાનામાં પ્રતિક અને રીયાનું ખૂન કરવાની જવાબદારી લીધી અને રાજુને મુંબઈ જતાં રહેવા માટે કહ્યું. રાજુને પણ આ વિચાર યોગ્ય લાગ્યો એટલે એ ખેંગાર સાથે વાત કરી મુંબઈ જવા નીકળવાનો હતો. ખેંગાર અને અંગારનાં પકડાઈ જવાના સમાચાર પોલીસે જાહેર કર્યા નહોતા તેથી રાજુ એ વાતથી અજાણ હતો. કેટલીય વાર ફોન કર્યા પછી પણ ખેંગાર સાથે વાત ના થઈ એટલે રાજુને શક થયો હતો. ખેંગાર અને અંગાર પોલીસથી બચવા ભાગતા હતા. નક્કી બન્ને ભાઈ કોઈ મુસીબતમાં ફસાયા છે.
રાજુ મારતી ગાડીએ મુંબઈ પહોંચે છે. એ લોકો અંગારનાં એક મિત્રનાં ઘરમાં સંતાયા હતા એવી ખેંગાર સાથે પહેલા ફોન પર વાત થઈ હતી. એ લોકોનો સંપર્ક નથી થતો એટલે રાજુ એના માણસોને મિત્રનું ઘર શોધવાનું કહે છે. એના માણસો મિત્રનું ઘર શોધી લે છે. રાજુ એક માણસને મિત્રનાં ઘરે મોકલી બધી માહિતી મેળવે છે. બન્ને પકડાઈ ગયા છે એ જાણી રાજુ વધારે ક્રોધમાં આવે છે. રીયા અને અર્જુનથી પરેશાન હતો. ઉપરથી અર્જુનનાં ભાઈ વિક્કીએ ખેંગાર અને અંગારને પકડી જેલમાં ક્યાં રાખ્યા છે તે પણ ખબર નહોતી.
રાજુ મુંબઈ તો આવી ગયો પણ જે ખતરાથી દૂર પોતે રહેવા માંગતો હતો એ ખતરો મુંબઈમાં રાહ જોતો હતો. પ્રતિક, વિક્કી, કરણ, અર્જુન બધા એક સાથે મળી કામ કરતાં હતા એ વાત પૂરી રીતે સમજાઈ હતી. મુંબઈમાં શાંતિથી રહેવા માટે વિક્કી અને કરણથી બચીને રહેવાનો વારો આવ્યો હતો. પ્રતિક અને રીયા સાથે બદલો લેવાનું કામ બાકી હતું. મુંબઈમાં પણ શાંતિથી રહી શકાય એવી પરિસ્થિતી નહોતી. આ રીતે બધાથી ડરી અને ભાગીને રહેવું શક્ય નહોતું અને મંજૂર પણ નહોતું. રાજુ પોતાની ઇજ્જત પાછી લાવવા મરણિયો બને છે. હવે મુંબઈમાં કોઈ ધડાકો કરી બધાને પોતાની તાકાત બતાવવી પડશે એવું વિચારી હુમલો કરવાની તૈયારી કરે છે.
રાજુ બોડીગાર્ડને ફોન કરી એ રાત્રે હોસ્પિટલમાં હુમલો કરવા માટે કહે છે. પોતે મુંબઈમાં પર્વતસિંહનાં ઘરે માણસો લઈ જવાનું નક્કી કરે છે. આમ બન્ને જગ્યાએ એકસાથે હુમલો કરી બધા દુશ્મનો સાથે એક રાતમાં બદલો લેવા માટેનો ખતરનાક પ્લાન બનાવે છે. બધા દુશ્મનો એકસાથે ખતમ થઈ જાય પછી શાંતિથી ભાઈઓને છોડાવી શકશે અને ખૂબ આરામથી આગળની જિંદગી વિતાવી શકાશે.
રાતનાં એક વાગે બોડીગાર્ડ ત્રણ માણસ લઈ હોસ્પિટલ પહોંચે છે. હોસ્પિટલમાં રાતની ડ્યૂટીમાં રોકાયેલો સ્ટાફ અડધી ઉંધમાં હતો. પ્રતિકની રૂમની બહાર એક હવાલદાર પોતાની ડ્યૂટી પર સ્થિર અવસ્થામાં બેસી ઊંઘની ઝપ્પી લેતો હતો. હકીકતમાં હવાલદાર સ્થિર બેસી સુવાનું નાટક કરતો હતો, એ પોતાની ડ્યૂટી નાટક કરી પૂરી કરતો હતો. હોસ્પિટલમાં બધા ઘસઘસાટ ઊંઘની મજા લેતા હતા, હવાલદારની આંખો લાલ હતી પણ ઊંઘનું નામોનિશાન નહોતું. પર્વતસિંહે બહુ વફાદાર અને કાબેલ હવાલદારને સુરક્ષા માટે મૂક્યો હતો.
વર્ષોનો અનુભવ ધરાવતા પર્વતસિંહ ગુંડાઓની રગેરગ જાણતા હતા. બોડીગાર્ડ રાજુને છોડાવી શકતો હોય તો પ્રતિકને નુકશાન પહોંચાડવા માટે ગમે તે પગલું ભરી શકતો હતો. ખતરાને ધ્યાન પર રાખી કમિશ્નર સાથે વાત કરી બહુ કાબેલ હવાલદારને રાતની ડ્યૂટી પર મૂક્યો હતો. હવાલદાર જ્યારથી રાત્રિ ડ્યૂટી પર હતો ત્યારથી ચારેબાજુ એની નજર ચાતકની જેમ ફરતી હતી.
ખુરશી પર સ્થિર બેઠો ઝીણી અને ત્રાંસી આંખે બધો નજારો જોતો હતો. ચાર માણસ ચાર ખૂણે ઊભા એકબીજાને ઈશારો કરતાં એની નજરમાં આવી ગયા હતા. સ્થિર બેસી કોઈને ખબર ના પડે એમ ત્રણ વાર પગ પછાડે છે. પગ પછાડવાથી બુટનો અવાજ આવે છે, એ અવાજથી રીયાને બહાર કોઈ હુમલો કરવા આવ્યું છે એ ખબર પડે છે. ખતરો દેખાય તો બુટનો ત્રણવાર અવાજ કરવાનો એ પહેલેથી નક્કી હતું.
રીયા પણ દરવાજા પર ત્રણ ટકોરા મારી પોતે સાવધાન છે એની જાણ હવાલદારને કરે છે. તરત પર્વતસિંહને ફોન કરે છે. બોડીગાર્ડ અને ત્રણ માણસો ઘીમાં પગલે પ્રતિકની રૂમની બહાર નજીક આવે છે. હવાલદાર હજીપણ સ્થિર બેઠો હતો. બોડીગાર્ડ અને એક માણસ રૂમનો દરવાજો ખોલી અંદર જાય છે. બાકી રહેલા બે માણસ અંદર જાય એ પહેલા હવાલદાર એક માણસને દંડો મારે છે અને બીજા માણસનું ગળું પકડે છે. પહેલો માણસ પગ પર હાથ ફેરવતો જમીન પર બેસી જાય છે. બીજો માણસ ગળું છોડાવવા માટે બન્ને હાથથી હવાલદારનો હાથ પકડે છે. હવાલદાર બીજા હાથથી નીચે બેસી ગયેલા માણસને ફરી દંડો મારે છે.
રીયા દરવાજાની પાછળ હાથમાં ઈંજેક્સન લઈ સંતાઈને ઊભી હતી. બોડીગાર્ડ પહેલા અંદર આવે છે. રીયા બોડીગાર્ડની ગરદન પર ઈંજેક્સન મારે છે. બોડીગાર્ડ તરત બેભાન થઈ જાય છે. બીજો માણસ બોડીગાર્ડને પકડે છે ત્યારે રીયા એ માણસની ગરદન પર કરાટેનો જોરદાર મુક્કો મારે છે. એ માણસનાં હાથમાંથી બોડીગાર્ડ છટકી નીચે પટકાય છે. માણસ પોતાની ગરદન પર હાથ ફેરવતો રીયા બાજુ ફરે છે. રીયા માણસનાં પેટમાં લાત મારે છે. માણસ ત્રણ ફૂટ દૂર જઈ નીચે પટકાય છે. રિયાને બોડીગાર્ડથી વધારે ખતરો હતો એને બેભાન કરી દીધો હતો. અંદર બીજો આવેલો માણસ પેટ પકડી ઊભો થવાની કોશિશ કરે છે. રીયા બન્ને હાથની વચ્ચે માણસનું માથું દબાવે છે અને પગથી એના પેટમાં ઢીંચણ મારે છે. એ માણસ બેવડ વળી નીચે પટકાય છે.
બહાર જે માણસને બે વાર દંડો માર્યો હતો એ ઊભો થઈ હવાલદારનાં હાથમાંથી એના સાથીદારને છોડાવવા મથ્યો હતો. હવાલદારનાં હાથની પકડ મજબૂત હતી, બન્ને માણસ પૂરી તાકાતથી જોર લગાવતા હતા પણ હાથની પકડ છોડાવી શકતા નહોતા. રીયાએ પર્વતસિંહને ફોન કર્યો હતો એટલે એમણે પોલીસની ટીમ હોસ્પિટલમાં તાબડતોબ મોકલી હતી. ટીમ આવે છે એટલે બહાર બન્ને માણસોને પકડે છે. રૂમમાં બોડીગાર્ડ અને બીજા માણસને પણ પકડી કસ્ટડીમાં લે છે.
અમદાવાદમાં બોડીગાર્ડ પોલીસ કસ્ટડીમાં આવી જાય છે. ત્યારે મુંબઈમાં રાજુ એના માણસો લઈ કરણનાં ઘરની બહાર આવી ગયો હતો. કરણે બધાને પહેલેથી બીજે મોકલી દીધા હતા એટલે કોઈ મુસીબત નહોતી. પર્વતસિંહનાં કહેવાથી કરણ એકલો જાણીજોઇ રાત્રે ઘરે આવતો હતો. પર્વતસિંહની અગમચેતીનાં કારણે આજે એમનો પરિવાર સલામત હતો. કરણ ગમે એટલા માણસો હશે પહોંચી વળશે એવો અટલ વિશ્વાસ હતો. ખેંગારનાં માણસો પકડાય એ જરૂરી હોવાથી કરણે પણ રાત્રે ઘરે રોકાવાનું પસંદ કર્યું હતું.
જ્યારે રીયાએ પર્વતસિંહને ફોન કરી માહિતી આપી ત્યારે એમણે તરત કરણ અને વિક્કીને જાણ કરી હતી. કરણ અને વિક્કીને ત્યારે ઘર પર હુમલો થઈ શકે છે એવો અંદાજ આવ્યો હતો. અડધા કલાકની અંદર કરણનાં ઘરે વિક્કી, સંજય અને વિશાલ આવી જાય છે. રાકેશ અને સલિમને પરિવારનાં સભ્યો પાસે મોકલે છે.
બે વાગવા આવ્યા હતા. રાજુ કરણનાં ઘરની બહાર અંદર જવાની તૈયારીમાં હતો. અંદર ઘરમાં બધાને બહારથી થોડો ઝીણો અવાજ આવતો હતો. ઘરનાં ડ્રોઈંગરૂમમાં કરણ અને બીજા સોફા પર રાજુની રાહ જોઈ બેઠા હતા. કરણે ઘરનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો. રાજુ દરવાજો અડે છે તરત ખૂલી જાય છે. રાજુને ખબર પડતી નથી કે દરવાજો જાણીજોઇ ખુલ્લો રાખવામાં આવ્યો છે. રાજુ અને એના માણસો ઘરમાં આવે છે તરત વિશાલ ડ્રોઈંગરૂમની લાઇટ ચાલુ કરે છે.
અચાનક લાઇટ ચાલુ થવાથી રાજુ અને એના માણસો ચોંકી જાય છે. કરણ અને વિક્કી હાથમાં બંદૂક લઈને રાજુ પર નિશાન લગાવે છે. રાજુને કલ્પના નહોતી કે એનું આવી રીતે સ્વાગત થશે. એના હાથમાં પણ બંદૂક હતી પરંતુ એ હાથ ઊંચો કરવાની બુદ્ધિ એનામાં નહોતી. એના માણસો તો લાઇટ ચાલુ થઈ ત્યાંજ થોડી હિમંત હારી ગયા હતા. એના માણસોનાં હાથમાં રામપુરી ચાકુ અને લોખંડનાં રોડ જેવા હથિયાર હતા. વિશાલ અને સંજય બધા માણસોનાં હાથમાંથી હથિયાર લઈ લે છે. રાજુ જાતે પોતાની બંદૂક સંજયનાં હાથમાં આપે છે. કરણ અને વિક્કીની આંખોમાં આત્મવિશ્વાસ જોઈ રાજુ કોઈ પાગલપન કરવાનું વિચારી શકતો નથી.
કરણ બંદૂકથી ઈશારો કરી રાજુને સોફા પર બેસવાનું કહે છે. સંજય અને વિશાલ એના માણસોને પકડી પોલીસચોકી લઈ જાય છે. રાજુ વિરોધ કરવાનું ટાળી સોફા પર બેસી જાય છે એટલે કરણ બંદૂક પેન્ટમાં મૂકે છે. રાજુ સમજી શકતો નથી કરણને કેવી રીતે ખબર પડી કે પોતે આવવાનો છે. એક મિનિટની અંદર એનો ગુસ્સો, બદલાની આગ, ભાઈને છોડાવવાની તાલાવેલી બધા પર પાણી ફરી વર્યુ હતું.

ક્રમશ: