Case No 369 Satyani Shodh - 48 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર ૩૬૯ સત્યની શોધ - ૪૮

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”
ડો. હિના દરજી
પ્રકરણ - ૪૮

પાણી અને ખોરાક ના મળવાથી શરીરમાં કેટલી કમજોરી આવે છે, એ કોઈ દિવસ અંગારને ખબર નહોતી. પાણી માંગે ત્યાં ખેંગાર દૂધ હાજર કરતો હતો. નાના માસૂમ બાળકોને અંગાર ઘણીવાર આ રીતે ભૂખ્યા તરસ્યા રાખતો હતો. એ બાળકોની કેટલી ખરાબ હાલત થતી હતી એની નાની ઝલક એને કરણે દેખાડી હતી. જીવનમાં પહેલી વખત એને પાણી અને ખોરાકનું મહત્વ સમજાયું હતું.
આખી રાત અંગારને પાણી અને ખોરાક વગર રાખવામાં આવ્યો. ભૂખ અને તરસનાં કારણે કમજોરી વધારે આવી હતી. સવારે પાંચ વાગ્યા સુધી ભૂખને કારણે એને ઉંધ ના આવી. સવાર પડે એની આંખ મીંચાઇ હતી. સવારનાં નવ વાગે એની કોટડીમાં વિક્કી આવે છે. એના પર પાણીનો જગ ઊંધો કરે છે. શરીર પર પાણી પડવાથી અંગારની આંખ ખૂલે છે. વિક્કીને જોઈ એની ગરદન પકડવા હાથ લાંબા કરે છે.
વિક્કી એના હાથ પકડી એને બેસાડી દે છે: “મારી ગરદન પકડવા માટે તારે બીજો જન્મ લેવો પડશે અંગાર... અત્યારે તો મારા હાથમાં તારી ગરદન જ... નહીં તારા શ્વાસ પણ મારી મુઠ્ઠીમાં છે...”
અંગાર હાર માને એવો નહોતો: “તારી વાત સાંભળી મૂવીનો ડાયલોગ યાદ આવી ગયો... તારી ચોકીમાં આવ્યો છું, એટલે બોલવાની હિમંત કરે છે... એક વાર મારા ભાઈને વકીલ સાથે આવવા દે... તારી આંખોમાં પાણી ના લાવું તો મારૂ નામ અંગાર નહીં...”
વિક્કી એની પાસે બેસે છે: “મારી આંખોમાં પાણી તો તેં બહુ પહેલાથી આપી દીધું છે... ભૂલી ગયો લાગે છે... તારા કારણે મારે થોડા દિવસ આવી કોટડીમાં વિતાવવા પડ્યા છે... નીલિમા મહિનાઓ સુધી શાંતિથી સૂઈ શકી નથી... હું અને નીલું આખી જિંદગી તારી આ મહેરબાની યાદ રાખીશું...”
અંગારની આંખોમાં અચાનક નશો છવાઈ જાય છે: “નીલિમાને તો કેમ કરી ભૂલી શકું... સાલી છે જ એટલી નસીલી... આખી રાત એના શરીર સાથે મસ્તી કરું તો પણ જીવ ભરાય નહીં...”
વિક્કીની આંખોમાં ગુસ્સાની આગ ભભૂકે છે. એ વખતે જ વિક્કીને અંગારની જીભ ખેંચી નાંખવાનું મન થાય છે. અંગાર એ આગ વધારે તેજ કરવાનો પ્રયાસ કરે છે: “મને એની સાથે તારી આ કોટડીનાં પથ્થર પર પણ સુવાનું ગમશે...”
વિક્કી આંખો અને અંતરમાં આવેલા આવેશને શાંત કરે છે. અંગાર જેલમાં હતો. થોડા કલાક પછી એને કોર્ટમાં લઈ જવાનો હતો. ઉશ્કેરાઈને બનતી વાત બગાડવી નહોતી: “તું જેલની બહાર જાય તો તારી અધૂરી રહેલી બધી કામનાઓ પૂરી કરજે... અત્યારે તો તું મારો મહેમાન છું... અને મહેમાનની આવભગત કરવાની મને ખૂબ ગમે છે... ખોરાક અને પાણી સિવાય તને અહિયાં બધા પ્રકારની મહેમાન નવાજીનો લાભ મળશે.
વિક્કીનો આવેશ એક પળમાં શાંત થઈ ગયો હતો. ઊભો થઈ અંગારની પીઠ પર હાથ મૂકે છે અંગારથી એ સહન થતું નથી: “આ મારી પીઠ છે વિક્કી... તારી નીલુંનું નાજુક અને નમણું શરીર નથી... તારી નીલુંને કોમળ કળીમાંથી સ્ત્રી બનાવી એના માટે મારી પીઠ થાબડવાની જરૂર નથી... ફરી મારી પાસે લાવી દે... થોડા માહિનામાં મા પણ બનાવી દઇશ...”
અંગારનો જમણો હાથ ડાબી બાજુ પીઠ પાછળ લાવી વિક્કી ચેનવાળી હથકડી પહેરાવે છે. અંગારનો ડાબો હાથ જમણી બાજુની પીઠ પાછળ લાવી હથકડીનો બીજો ભાગ પહેરાવે છે. છાતી આગળ હાથની ચોકડી પડે છે, બન્ને હાથ પાછળ હથકડીથી બંધાય છે. વિક્કીએ ગુસ્સો મનમાં દબાઈ એના બન્ને હાથ બાંધવાનું કામ કર્યું હતું. અંગાર બીજું કઈ સમજે એ પહેલા એના મોંઢા પર પટ્ટી મારે છે અને માથા પર કાળું કપડું પહેરાવે છે. વિક્કી આ રીતે એના હાથ, મોઢું અને માથું બંધ કરશે એવો કોઈ અંદાજ અંગારને નહોતો. વિક્કી એને લઈ કોટડીની બહાર આવે છે.
***
કોર્ટનાં કઠેડામાં રાજુ ઊભો હોય છે. શુક્લા અને ખત્રી કોર્ટમાં લાવ્યા એટલે એ વિચારતો હતો કે એને જામીન મળી જશે. જામીન મળી જવાના વિચારા માત્રથી એ ખુશ હતો. ખેંગાર બહાર આવી ગયો છે અને એને છોડાવવા માટે વકીલ કર્યો છે એવું વિચારે છે. ખેંગારનાં કોન્ટેક્ટ આટલા બધા વિશાળ છે એ વિચારી, એ છૂટ્યા પછી સીધો કરણ અને વિક્કીને મારવાનાં સપના જોતો હતો. બેઠેલા લોકોમાં એને ખેંગાર કે અંગાર દેખાતા નથી એટલે એમને શોધવા ડાફોળિયા મારે છે. કોઈ દેખાતું નથી એટલે એને શક થાય છે, જે પોતે વિચારે છે એવું નથી પણ વાત કઇંક જુદી છે.
જજ આવે છે એટલે વકીલ કેસની વિગતો રજૂ કરે છે. કેસ નંબર-૩૬૯ સાંભળી રાજુને પહેલા આ કેસનો નંબર સાંભળેલો લાગે છે. વકીલ છેલ્લે નીલિમા કાપડિયા રેપ કેસ બોલે છે એટલે રાજુને બધુ યાદ આવે છે. એના નામે નીલિમા રેપ કેસ શરૂ થયો હતો. પોતે કોઈ દિવસ નીલિમાને જોઈ નહોતી એના પર બળાત્કાર કરવાનો આરોપ આવ્યો હતો. ફૂલ સ્પીડમાં ચાલતી ગાડી અચાનક અટકી જાય એમ રાજુનું મગજ કામ કરતું અટકી ગયું હતું. શુક્લા અને ખત્રી સામે જોતો હતો. બન્નેમાંથી કોઈ એની સામે જોતા નહોતા.
હવે કોઈ ચમત્કાર બચાવે એવી રાજુને ખાતરી થઈ હતી. પોતે આ ગુનો કર્યો નથી અને સ્વીકારશે નહીં એવો મક્કમ નિર્ધાર કરે છે. ગમે તે પરિસ્થિતી થાય, વકીલ ચાલબાજી કરી ગુનો કબૂલ કરવા માટે ઉત્તેજિત કરે ત્યારે ચોકસાઇથી જવાબ આપશે. પોતે અમદાવાદનો રહેવાશી છે તો કેસ અમદાવાદની કોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે માંગણી કરવાનું વિચારે છે.
રાજુ અમદાવાદ પોલીસને સોંપવાની વાત વિચારતો હતો. ખેંગાર અમદાવાદથી રાજુ આવી છોડાવશે એવી આશા બાંધતો હતો. અંગાર પોલીસની ગાડીમાં બેઠો હતો. પોતાને વિક્કી ક્યાં લઈ જાય છે એની અટકળ કરતો હતો. પોલીસની જીપ હતી એટલી એને ખબર પડી હતી. વિક્કીએ પાછળની બાજુ પહેરાવેલી હથકડીનાં કારણે હાથમાં ઝણઝણાટી શરૂ થઈ હતી. બન્ને ખભાનાં સ્નાયુ ખેંચાતા હતા એમા પીડા શરૂ થઈ હતી. મોઢા પર મારેલી પટ્ટીની આસપાસ ચામડી ખેંચાતી હતી. કપડું પહેરાવેલું હતું એટલે કશું દેખાતું નહોતું. કશું જોવા મળતું નહોતું, ભૂખ અને તરસથી શરીરમાં કમજોરી ઊભી થઈ હતી. ઉપરથી શરીરમાં દુ:ખાવો વધતો હતો. એટલે અંગારની હાલત બહુ ખરાબ થઈ હતી.
રાજુનો કેસ જે હોલમાં ચાલતો હતો એ હોલમાં સંજય અને વિક્કી અંગારને લઈ આવે છે. કેસ નંબર-૩૬૯ સાંભળી અંગારને થોડી વાત સમજાય છે. કઠેરામાં રાજુ ઊભો છે તે એને ખબર પડે છે. વકીલની દલીલ જેમ સાંભળે છે એમ એને બધી વાત સમજાવા લાગે છે. રાજુનાં મોઢે નીલિમાનો અપરાધી અંગાર છે એ બોલાવવાની ચાલ કરણ અને વિક્કીની હતી.
નીલિમાનાં વકીલ અને રાજુની વાતચીત ચાલે છે. રાજુ પહેલા ગુનો કબૂલ કરતો નથી. વકીલ જે વાત બોલે છે એના વિચાર કરી સચોટ જવાબ આપે છે. થોડીવારની વાતચીતમાં વકીલના સવાલ સામે રાજુ બરાબર ટક્કરનો જવાબ આપે છે. અંગારને એના જવાબ સાંભળી રાહત થતી હતી. રાજુ પોતાને ફસાવે એવી કોઈ વાત બોલે નહીં એવી મનમાં ભગવાનને પ્રાર્થના કરે છે.
ભગવાન ક્યાં સુધી અપરાધીઓને બચાવતા રહે. પાપનો ઘડો એક દિવસ છલકાઇ જાય છે. આજે ભગવાન નીલિમાની સાથે હતા. રાજુ અને અંગાર બન્ને સત્યને પડદા પાછળ રાખવા માટે મથે છે. પણ સત્યને એક દિવસ લાખો પડદાઓ ઓળંગીને બહાર આવતા રોકી શકાતું નથી. યોગ્ય સમયે સત્ય પ્રકાશમાં અવશ્ય આવે છે. જ્યારે સત્ય બહાર આવે છે ત્યારે હજાર જૂઠને એકલા હાથે હંફાવે છે.
રાજુ બહુ કોશિશ કરે છે. બળાત્કારનાં કેસમાંથી બચવા માટે ક્યારે વકીલે વાતચીતમાં અમદાવાદ અનાથાશ્રમની વાત લાવી દીધી એ સહેજપણ ખબર ના પડી. પર્વતસિંહે વકીલને બરાબર સમજાવી કોર્ટમાં મોકલ્યો હતો. બળાત્કારનાં કેસની આડમાં અનાથાશ્રમનાં બાળકો સાથે કરેલો અત્યાચાર એના મોઢે સ્વીકારવા માટેનો દાવ રમાયો હતો. રાજુ જાતે પોતાના તથા અંગાર અને ખેંગારનાં ગુનાઓ કબૂલ કરે એ માટે અદાલતમાં સવાલ અને જવાબની હરીફાઈ શરૂ થઈ હતી.
રાજુ આખરે વાતોનાં પ્રપંચમાં ફસાઈ જાય છે. એક પછી એક મૂકવામાં આવતા આરોપોમાંથી બચવા માટે બધી હકીકત બોલી જાય છે. માસૂમ બાળકો સાથે કરેલો અન્યાય જાતે કબૂલ કરે છે. નીલિમા પર બળાત્કાર કરનાર પોતે નહીં પણ અંગાર હતો એ વાત બોલવા માટે મજબૂર બની જાય છે. કોર્ટમાં આ ચર્ચા થતી હતી ત્યારે બિલકુલ શાંતિ પથરાયેલી હતી. ત્યાં હાજર દરેક વ્યક્તિ મનમાં રાજુ, અંગાર અને ખેંગારને ધૃણા કરવા લાગ્યા હતા.
અંગરના ચહેરા પર હજુ પણ કપડું પહેરાવેલું હતું. કપડાંની અંદર અંગાર છે એવી રાજુને ખબર નહોતી. બધા આરોપ અંગાર અને ખેંગાર પર નાંખે તો સજા થોડી ઓછી થાય એવું વિચારી ખેંગાર અને અંગારનાં બધા ગુનાઓ બોલવા લાગે છે. અંગારને પારાવાર ગુસ્સો આવતો હતો. એ બંધાયેલો ના હોત તો રાજુ ગુનાઓ બોલતો હતો તે વખતે એના પર ધડાધડ બંદૂકની ગોળીઓનો વરસાદ કરી લેતો.
નીલિમાનો વકીલ બહુ ચાલાકીથી બધી વાત બોલાવી લે છે. પછી જજ સામે અસલી ગુનેગાર અંગારને લાવવાની વાત કરે છે. વિક્કી એ સમયની ક્યારનો રાહ જોતો હતો. એ અંગારને પકડી રાજુની બાજુમાં ઊભો રાખે છે. એના ચહેરા પરનું કપડું અને મોઢા પરની પટ્ટી કાઢે છે. અંગારને જોઈ રાજુની આંખો ચાર થાય છે. કોર્ટરૂમમાં ચારે બાજુ ખેંગાર અને અંગારને શોધ્યા હતા. દેખાયા નહોતા એટલે સજાથી બચવા માટે બન્નેનાં ઉપર દોષનો ટોપલો નાંખ્યો હતો. બાજુમાં જ અંગારને જોઈ એના મોતિયા બહાર આવી જાય છે. અંગારની આંખોમાં સળગતો અંગારો દેખાય છે. પોતાના બચાવ માટે રાજુ બન્ને હાથ ઊંચા કરી દયામળું મોઢું કરે છે.
અંગાર પોતાની સળગતી નજર વિક્કી પર નાંખે છે. વિક્કીની પાછળ નીલિમા બેઠેલી દેખાય છે. એની અંગારા વરસતી આંખે એ નીલિમા સામે તાકી રહે છે. પહેલા એની નજરથી ડરી જતી નીલિમા આજે એની આંખોમાં આંખ પરોવી જોવે છે. અંગારની આંખોની લાલાસ ધીરી થાય છે તો નીલિમાની આંખોની લાલાસ વધે છે.
અંગાર એની સામે જોઈ ઊંડા વિચારમાં ગરકાવ થાય છે. વકીલે દલીલ શરૂ કરી હતી. અંગારનું ધ્યાન કોઈ દલીલ પર નહોતું. વકીલ સવાલ પૂછવા માટે એની પાસે આવે છે, તો પણ એ નીલિમા સામેથી નજર હટાવતો નથી. વકીલ એના વર્તનને કોર્ટનું અપમાન ગણાવે છે. જજ એને વોર્નિંગ આપે છે.
અંગાર જજ સામે જોઈ ધીમું હસી બોલે છે: “જજ સાહેબ છોડો બધા સવાલ-જવાબ... આ વકીલ સાહેબ આડકતરી રીતે સવાલો પૂછી મારા મોઢે મેં નીલિમા પર બળાત્કાર કર્યો છે એ બોલાવવા માંગે છે... તો એના માટે આટલો સમય બગાડવાની જરૂર નથી... જજ સાહેબ... નીલિમા પર મેં જ બળાત્કાર કર્યો હતો... એક વાર નહીં અનેક વાર કર્યો હતો... હું પોતે પણ જાણતો નથી કેટલી વાર... તમારે મને જે સજા કરવી હોય એ કરી શકો છો... બળાત્કાર જ નહીં... બાળકો પર દવાઓનાં પરીક્ષણનો આરોપ અને છોકરીઓ સાથે દેહવ્યાપાર કરવવાનો ગુનો પણ હું કબૂલ કરું છું...”
અંગાર બધા ગુનાઓ કબૂલ કરી નીલિમા સામે જોઈ આંખ મારે છે. અંગારનાં મગજમાં કોઈ પ્લાન હતો એ વિક્કીને શક જાય છે. શું પ્લાન હોય શકે એ વિચારે તે પહેલા અંગાર ચક્કર ખાઈ નીચે પડે છે. કોર્ટનાં કઠેરામાં અંગાર બેભાન થઈ જાય છે. કોર્ટમાં સન્નાટો છવાઈ જાય છે.

ક્રમશ: