Case No 369 Satyani Shodh - 49 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર ૩૬૯ સત્યની શોધ - ૪૯

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”
ડો. હિના દરજી
પ્રકરણ - ૪૯

અંગાર બધા ગુનાઓ કબૂલ કરી નીલિમા સામે જોઈ આંખ મારે છે. અંગારનાં મગજમાં કોઈ પ્લાન હતો એ વિક્કીને શક જાય છે. શું પ્લાન હોય શકે એ વિચારે તે પહેલા અંગાર ચક્કર ખાઈ નીચે પડે છે. કોર્ટનાં કઠેરામાં અંગાર બેભાન થઈ જાય છે. કોર્ટમાં સન્નાટો છવાઈ જાય છે.
અંગારને બેભાન જોઈ રાજુ એનું માથું ખોળામાં લે છે: “જજ સાહેબ મારા ભાઈને આ પોલીસવાળાએ શું કર્યું? ખેંગારે એને બહુ લાડકોડથો ઉછેર્યો છે... પોલીસે એના પર જુલમ કર્યો છે... એને દવાખાને લઈ જવાની વ્યવસ્થા કરાવો...”
વિક્કીને ખબર હતી અંગાર નાટક કરે છે. નીલિમા સામે જુએ છે. અંગાર તરફ આંગળી બતાવી નીલિમા આંખ મારે છે. અંગારે બેભાન થતાં પહેલા આંખ મારી હતી એ વિક્કીને ખબર પડે છે. નીલિમા હાથનો પંજો બતાવી બન્ને આંખથી શાંત રહેવા માટે કહે છે. વિક્કી સામે આંખોથી પોતે શાંત હોવાની ખાતરી આપે છે. નીલિમા બે આંગળી બતાવી બીજો ઈશારો કરે છે. વિક્કી પણ બે આંગળી બતાવી એવો જ ઈશારો કરે છે.
કરણ અને વિક્કી ગુનેગારોની ખરાબ અને સારી આદતો ખૂબ રીતે જાણતા હતા. અંગાર ભાગી જવા માટે પ્રયત્ન કરશે એ બન્નેને અંદાજ હતો. જેલમાંથી ભાગી જવા માટે એને બીજા માણસોની મદદ લેવી પડે, કોઈ માણસ સાથે સંપર્ક કર્યા વગર એ અશક્ય હતું. પોલીસની ગાડીમાંથી ભાગી જવા માટે પોલીસ સાથે હાથાપાઇ કરવી પડે, એવું કરવા જતાં પોતાનો જીવ જઈ શકે અથવા શરીરને કોઈ હાનિ થાય એમ હતું. ઉપરાંત એ ખતરો લેવામાં હાથ-પગ ભાંગે તો વધારે મુસીબત આવે. હોસ્પિટલમાંથી ભાગી જવામાં ખતરો અને મહેનત ઓછા હતા.
વિક્કી અને કરણે બહુ વિચાર કર્યા પછી યોજના બનાવી હતી. અંગારને ભૂખ્યો અને તરસ્યો રાખવાનું કારણ આ યોજનાનો એક ભાગ હતું. જેલમાંથી અથવા ગાડીમાંથી અંગાર ભાગે તો ફરી એને પકડવા માટે ભૂખ્યા રહી દોડાદોડ કરવાની અને હાથમાં ના આવે ત્યાં સુધી રાતોની ઉંધ બગાડવાની. કિસ્મત સાથે આપે અને પકડાય તો જેલમાંથી ફરી ભાગી જવા માટે કોઈને કોઈ પગલાં ભરે. એટલે પોલીસે આવા ગુનેગારો પાછળ બસ સમય બગાડવાનો.
નીલિમાને અંગાર સાથે જાતે બદલો લેવો હતો. નીલિમા પોતાનું કામ કરે અને કાયદાની દ્રષ્ટિમાં નિર્દોષ સાબિત થાય એવી યોજના વિક્કીએ બનાવી હતી. એ યોજના પ્રમાણે પહેલું ચરણ પૂરું થયું હતું. અંગાર અને રાજુએ કોર્ટમાં એમના મોઢે ગુનાઓ કબૂલ કર્યા હતા. અમદાવાદમાં ગમે તે રીતે છૂટી જવાશે એવું વિચારી, અમદાવાદની કોર્ટમાં એના પર કેસ ચલાવવામાં આવે એવું કહી રાજુએ બધુ કબૂલ્યું હતું. ખેંગાર છોડાવી લઈ જશે એવા વિશ્વાસ સાથે અંગારે ગુનાઓ કબૂલ કર્યા હતા.
રાજુ અને અંગાર પાસે કબૂલ કરાવ્યા પછી ખેંગારનો વારો હતો. કોર્ટનાં કેમ્પસમાં ખેંગારને એક ગાડીમાં રાખવામાં આવ્યો હતો. વકીલ રાજુ અને અંગારનું મોઢું ખોલાવે પછી ખેંગારને કોર્ટરૂમમાં લાવવાનો હતો. ખેંગારની કોઈ વાત નીકળે એ પહેલા અંગારે બેભાન થવાનું નાટક કર્યું હતું. જજે અંગારને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા માટે આદેશ આપ્યો.
જજ જ્યારે આદેશ આપતા હતા એ વખતે ખેંગારને લઈ કરણ રૂમમાં આવે છે. અંગારનું નામ સાંભળી ખેંગારને ટેન્શન થાય છે. વિક્કી અને બે હવાલદાર અંગારને લઈ રૂમની બહાર આવતા હતા. ખેંગાર જ્યાં ઊભો હતો ત્યાં અંગારને થોડી ક્ષણ માટે રોકે છે. એ અંગાર છે એવી ખેંગારને ખાતરી કરાવવી જરૂરી હતી. ખેંગાર પાસે આવી વિક્કી કમર પર બાંધેલી બંદૂક ઉપર હાથ મૂકી આંખથી અંગાર તરફ ઈશારો કરે છે. અંગાર બેભાન થવાનું નાટક કરતો હતો એટલે એણે કોર્ટમાં ખેંગારને જોયો નહીં.
વિક્કીનો ઈશારો પૂરી રીતે ખેંગાર સમજ્યો નહીં. પણ અંગારને મારવાનો ઈશારો થયો એ સમજી ના શકે એટલો મૂર્ખ નહોતો. કરણ એને છેલ્લી લાઇનની ખુરશી પર બેસાડે છે, એની બાજુમાં પોતે બેસે છે. ખેંગારનાં ચહેરા પર ધીરે-ધીરે ગુસ્સો આવતો હતો. દરવાજા બહાર દોડી વિક્કીને ગોળી મારવાની ઈચ્છા થાય છે. કરણ એના દિલની વાત સમજી ગયો હોય એમ એનો હાથ પકડી બેઠો હતો: “રૂમની બહાર જવાનું કે વિક્કીને નુકસાન પહોંચાડવાનું વિચારીશ પણ નહીં...” ખેંગાર સામે જોઈ કરણ એનો હાથ છોડે છે.
ખેંગાર હજુ પણ શું ચાલી રહ્યું છે એ સમજી શકતો નહોતો. એને એટલી ખબર પડી હતી એનો નાનો ભાઈ મુસીબતમાં છે. એ બહાર જવા માટે ઊભો થાય છે. કરણ પગ લંબાવી જતાં રોકે છે: “મેં કહ્યુંને બહાર જવાની ભૂલ ના કરીશ...”
હવે ખેંગારનો પારો ખૂબ ચડ્યો હોય છે: “કરણ, એકવાર મને બહાર જઈ અંગારને જોવા દે... જો એને કશું થયું તો તમને બધાને જાનથી મારી નાંખીશ... રાજુ મને છોડાવવા માટે આવતો હશે... વિચારી લેજે... એકવાર હું બહાર ગયો પછી તારી, અર્જુનની, વિક્કીની અને નીલિમાની ખેર નથી...”
કરણ એનો હાથ પકડી પાછો બેસાડે છે: “નાનાભાઈનાં પ્રેમમાં આંધળો થઈ ગયો છું એટલે તને બીજું કશું દેખાતું નથી... કોર્ટમાં બીજા અનેક લોકો બેઠા છે... એ લોકો કોનો કેસ જોવા આવ્યા છે એમાં તને રસ નથી... એ તો છોડ... કઠેરામાં કોણ ઊભું છે એ જોવાનો પણ તને સમય નથી... એકવાર કઠેરા તરફ નજર કરી લે તારા બધા ભ્રમ દૂર થઈ જશે...”
કરણ બોલવાનું બંધ કરે છે એ વખતે વકીલે ખેંગાર વિરુદ્ધ બોલવાનું શરૂ કરી દીધું હતું. વકીલ એના વિષે વાત કરતો હતો. કોર્ટ સામે એના ગેરકાનૂની કામને સાબિત કરતાં ફોટા અને કાગળિયા બતાવતો હતો. કઠેરામાં રાજુને ઉભેલો જુએ છે એટલે ખેંગારને આધાત લાગે છે. રાજુ કોર્ટમાં આવી છોડાવશે એવું વિચારતો હતો, ત્યાં રાજુ પોતે કઠેરામાં ઊભો હતો. એ કરણ સામે ગુસ્સાથી જુએ છે.
કરણ શાંતિથી મલકાય છે: “રાજુ પોતે જેલમાં જવાનો છે... એ તને કેવી રીતે છોડાવશે... અને હા, અંગાર તો વિક્કી પાસે છે... આજે તારા અંગારનો છેલ્લો દિવસ છે... અમે એને ધીમું ઝેર આપ્યું છે... એ ઝેરની અસરથી એ ચોવીસ કલાકમાં ઉપર જતો રહેશે... એ ધીમું ઝેર માણસનાં શરીરમાં ચોવીસ કલાક રહે... બીજા ચોવીસ કલાક જાય એટલે બોડીમાંથી એ ઝેર ગાયબ થઈ જાય... પોસ્મોટર્મમાં એ ઝેર દેખાશે નહીં... એનું મોત કુદરતી રીતે હાર્ટએટેકથી થયું છે એવું રિપોર્ટમાં આવશે... અમે એને માર્યો છે એ તું આખી જિંદગી સાબિત નહીં કરી શકે...”
કરણનું બાવડું પકડી ખેંગાર દાંત ભીસે છે: “મને મૂર્ખ સમજે છે... આમ પોલીસસ્ટેશનમાં કોઈની હત્યા થાય એટલે સજાથી બચી જવાતું નથી... તમે લોકો મારા અંગારને પોલીસસ્ટેશનમાં કશું કરી શકશો નહીં...”
કરણ વધારે મલકાય છે: “ખેંગાર તું મૂર્ખ જ રહ્યો... અંગાર બેભાન થઈ ગયો એટલે જજે એને હોસ્પિટલમાં લઈ જવા માટે કહ્યું... અમે ઝેર આપ્યું છે એટલે તો એ બેભાન થયો છે... એનું મૃત્યુ હોસ્પિટલમાં થશે... એટલે અમે લોકો બચી જવાના... કારણકે અમારી વિરુદ્ધ કોઈ પુરાવા મળશે નહીં... એનું કુદરતી મૃત્યુ સાબિત થશે... અમે અમારું કામ કરી લીધું છે...”
ખેંગાર શાંત થઈ જાય છે. કરણે જે પ્રમાણે આત્મવિશ્વાસથી વાત કરી પછી ખેંગારનાં મનનો બધો વહેમ નીકળી ગયો. જીવનમાં પહેલી વાર એ કોઇની સામે હાથ જોડે છે. કરણ આ જોઈ ફરી મલકાય છે: “જો તારે તારા ભાઈને બચાવવો હોય તો એક રસ્તો છે...” ખેંગાર ડોકું હલાવી હા પાડે છે. “તો પછી હું કહું એમ કરવું પડશે... વકીલ જ્યારે તને કઠેરામાં બોલાવી સવાલ પૂછે ત્યારે બધાં ગુનાઓ કબૂલ કરવા પડશે... માત્ર તારા નહીં... રાજુ અને અંગારનાં ગુનાઓ પણ કબૂલ કરવા પડશે... તું બધુ કબૂલ કરી લેશે એટલે હું વિક્કીને ફોન કરી એ ઝેર ઉતરવાનું ઇન્જેકશન આપવાનું કહીશ... અંગારને ચાર-પાંચ કલાકમાં હોશ આવી જશે...”
અંગારને બચાવવા માટે બોજો કોઇ રસ્તો ખેંગારને દેખાતો નથી. એ ફરી કરણને બધુ કબૂલ કરવા માટે સંમતિ આપે છે. વકીલ ખેંગારને બોલાવે છે એટલે એ કઠેરામાં જાય છે. વકીલનાં દરેક સવાલનાં જવાબ આપે છે. બધાં ગુનાઓ કબૂલ કરે છે. જે બાળકોનાં માતા-પિતાની હત્યા કરાવી મિલકત પચાવી હતી એ બધી માહિતી આપે છે. બાળકો પર દવાઓનું પરીક્ષણ કરાવવાનું કબૂલે છે. દવાઓનાં પરીક્ષણમાં લગભગ વીસ જેવા બાળકોનું મોત થયું હતું. અનેક છોકરીઓને દેશ-વિદેશમાં દેહવ્યાપાર કરાવવાનું પણ કબૂલ કરે છે.
જજ અને કોર્ટમાં બેઠેલા બધાંને ગુનાઓ સાંભળી આધાત લાગે છે. એક વ્યક્તિ જીવનમાં આટલા બધાં અપરાધ કરી સમાજમાં ઇજ્જતથી રહેતો હતો. લોકો એને સન્માનની નજરથી જોતાં હતા. ત્યાં હાજર દરેક વ્યકિત એ ક્ષણે જ ખેંગાર અને રાજુને સજા આપવા માટે જજને વિનંતી કરે છે. જજ પોતે એટલા લાગણીશીલ બન્યા હતા. એમને પોતાના હાથે ખેંગાર, રાજુ અને અંગારને ફાંસીનાં માચડે ચડાવવાની ઈચ્છા થઈ હતી.
જજ રાજુ અને ખેંગારને ઉમરકેદની સખત સજા સંભળાવે છે. અંગારને ફાંસીની સજાનો હુકમ કરે છે. આજે પહેલી વાર ખેંગાર માથું નીચું રાખી હાથમાં હથકડી પહેરી જાહેર જનતા સામે જેલમાં જાય છે. શુક્લા અને ખત્રીતો હજુ સપનામાં હતા. એમને માન્યામાં નહોતું આવ્યું કે કરણ અને વિક્કીએ બન્ને ભાઈઓને પકડ્યા હતા. ખેંગાર અને અંગારથી હમેંશા માટે છુટકારો મળશે એવું વિચારી ખુશ થતાં હતા. સાથે અંગાર હોસ્પિટલમાં છે ત્યાંથી ભગવાની કોશિશ કરશે એવું એમના મગજમાં પણ આવ્યું હતું, જો એવું થાય તો બીજી મુસીબત આવવાની શક્યતા ઊભી હતી.
કરણ, વિક્કી અને નીલિમાએ એમની યોજના પૂરી કરવા માટે શુક્લા અને ખત્રીને પણ સામેલ કર્યા હતા. ખેંગાર અને રાજુને સંજય અને વિશાલ જેલમાં સોંપવા માટે લઈ જાય છે. કરણ ફરી એકવાર અર્જુન બની શુક્લા સાથે વાત કરે છે. હોસ્પિટલમાં અંગાર સાથે રાકેશ અને ખત્રીની ડ્યૂટી ગોઠવાવે છે. ખેંગાર જોડે ગુનાઓ કબૂલ કરાવી અને ખત્રીની ડ્યૂટી હોસ્પિટલમાં ગોઠવી વિક્કી અને કરણે બીજું ચરણ પૂરું કર્યું હતું.
હોસ્પિટલમાંથી કોઈ તકલીફ વગર છટકી જવાશે એવું અંગાર વિચારતો હતો. બેભાન થવાનું નાટક કર્યું હતું. એમ્બ્યુલન્સમાં સુવાડયો ત્યાં સુધી એ ભાનમાં હતો. કોઈને શક ના થાય એટલે હાથપગ હલાવ્યા વગર સ્ટેચર પર સૂતો હતો. વિક્કીએ પહેલેથી એમ્બ્યુલન્સ બોલાવી રાખી હતી. શું કરવાનું છે નર્સ સાથે પહેલેથી વાત થઈ ગઈ હતી. વિક્કી ઈશારો કરે છે એટલે નર્સ સાચે બેભાન થવાનું ઇન્જેકશન અંગારને લગાવે છે. અંગારને ઇન્જેકશન લગાવ્યું એ ખબર પડી પણ એ વખતે તે કશું કરી શક્યો નહીં.

ક્રમશ: