Case No 369 Satyani Shodh - 50 - last part books and stories free download online pdf in Gujarati

કેસ નંબર ૩૬૯ સત્યની શોધ - ૫૦ (અંતિમ પ્રકરણ)

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ”

ડો. હિના દરજી

પ્રકરણ – ૫૦ (અંતિમ પ્રકરણ)

હોસ્પિટલમાંથી કોઈ તકલીફ વગર છટકી જવાશે એવું અંગાર વિચારતો હતો. બેભાન થવાનું નાટક કર્યું હતું. એમ્બ્યુલન્સમાં સુવાડયો ત્યાં સુધી એ ભાનમાં હતો. કોઈને શક ના થાય એટલે હાથપગ હલાવ્યા વગર સ્ટેચર પર સૂતો હતો. વિક્કીએ પહેલેથી એમ્બ્યુલન્સ બોલાવી રાખી હતી. શું કરવાનું છે નર્સ સાથે પહેલેથી વાત થઈ ગઈ હતી. વિક્કી ઈશારો કરે છે એટલે નર્સ સાચે બેભાન થવાનું ઇન્જેકશન અંગારને લગાવે છે. અંગારને ઇન્જેકશન લગાવ્યું એ ખબર પડી પણ એ વખતે તે કશું કરી શક્યો નહીં.

હોસ્પિટલનાં પાંચમાં માળે અંગારને રાખવામાં આવે છે. અંગારનાં રૂમની બહાર બે પોલીસને બેસાડે છે. અંગાર બેભાન અવસ્થામાં હતો. વિક્કી અણગમાથી એને જોવે છે. દેખાવમાં સંસ્કારી લાગતો હતો અને કામ પૂર્વજોનાં સંસ્કારને શરમાવે એવા કર્યા હતા. અત્યારે એના પિતૃઓને પણ તેના અસંખ્ય પાપોથી આત્મા દુભાતો હશે. બાપ-દાદાઓએ જેટલા પરમાર્થનાં કામો કર્યા હતા એનાથી વધારે લોકોનાં જીવનમાં મુસીબતો આપી હતી.

વિક્કીને અંગાર પર પારાવાર ગુસ્સો હતો. દિમાગ પોતાના હાથે સજા આપવા માટે કહેતું હતું. દિલ નીલિમા બદલો લે એવું કહેતું હતું. બદલો પોતે લે કે નીલિમા લે વાત એક જ હતી. એ નીલિમાને ફોન કરીને હોસ્પિટલનો રૂમ નંબર આપે છે. જજ સાહેબે ખેંગાર અને રાજુને ઉમરકેદ અને અંગારને ફાંસીની સજા આપી એ જણાવે છે. વિક્કી એ સાંભળી રાજી થાય છે. વિક્કી છેલ્લે નીલિમાને પ્લાન પ્રમાણે હોસ્પિટલ આવી જવા માટે જણાવે છે. ફોન મૂકી અંગારનાં રૂમમાંથી બહાર આવે છે. ડ્યૂટી પર રોકાયેલા બન્ને હવાલદારને કઈ પણ થાય અંગાર ત્યાંથી છટકવો જોઈએ નહીં એમ કહે છે. અંગાર ભગવાની કોશિશ કરે કે કોઈ એને લઈ જવા માટે આવે તો બંદૂક ચલાવવાની કહે છે. સાંજે આવશે એમ જણાવી એ મલકાતો મલકાતો હોસ્પિટલની બહાર જાય છે.

પાંચ કલાક જેવો સમય વિત્યા પછી અંગારને હોશ આવવા લાગે છે. આંખો ભારે લાગતી હતી. આંખો ખોલે છે. બેડની નજીક એક નર્સ દેખાતી હતી. આંખો ઘેનમાં હોવાથી બંધ થતી હતી. નર્સ એના પર પાણી છાંટે છે. આંખોમાં પાણી અડવાથી લાહ્ય બળવા લાગે છે. અંગાર ઝીણી ચીસ પાડે છે. આંખો ખૂબ મહેનત કરી ખોલે છે. નર્સ ફરી એના ચહેરા પર પાણી નાંખે છે. આંખોમાં અસહ્ય બળતરા થવા લાગે છે.

અંગાર બેભાન થવાનું નાટક કરી ભાગી જવાની જ્ગ્યાએ આંખો અને શરીરમાં બળતરા સહન કરતો હતો. નર્સ પાણી છાંટીને એ બળતરામાં વધારો કરતી હતી. નર્સને હાથથી ઈશારો કરી પાણી ના રેડવા માટે કહેતો હતો. નર્સને એક તમાચો મારી ઘાંટો પાડી પાણી ના રેડવા માટે કહેવું હતું પણ બોલી શકાતું નહોતું. શરીર અને આંખોમાં બળતરા પાછળ એનાથી બોલી શકાતું નથી તે બહુ વાર પછી ધ્યાનમાં આવે છે.

નર્સ ફરીવાર એના પર પાણી રેડે છે. આ વખતે અંગારનો ગુસ્સો ચરમસીમાએ પહોંચે છે. અસહ્ય લાહ્ય થતી હોવા છતાં એ આંખો ખુલ્લી રાખી નર્સ તરફ ધસે છે. નર્સ બે ડગલાં પાછી આવે છે. અંગાર નર્સ તરફ આગળ વધે છે. નર્સ જગનું બચેલું પાણી અંગાર તરફ છાલક મારે છે. પાણી અંગારની આંખો અને મોઢામાં જાય છે. પાણીમાં મીઠું અને મરચું ભેળવેલું હતું એ મોઢામાં પાણી જાય છે ત્યારે અંગારને ખબર પડે છે. અંગારનો ગુસ્સો એના નામની જેમ ધધકતો હતો.

અંગાર બેડ પર પાછો બેસી જાય છે. બેડની ચાદર લઈ મોઢું લૂછે છે. ચાદર થોડીવાર આંખો પર દબાવે છે. બળતરા ઓછી નથી થતી પણ મોઢું કોરું થાય છે એટલે આંખ ખોલવાનો પ્રયત્ન કરે છે. ત્યાં સુધી નર્સે ખાલી જગ મૂકી બીજો ભરેલો જગ ઉઠાવ્યો હોય છે. અંગાર બળતરા કરતી આંખોથી ડોળા કાઢી નર્સ સામે જુએ છે. નર્સનો ચહેરો બરાબર દેખાતો નથી. થોડી સેકન્ડ આંખોનાં ડોળા કાઢી રાખ્યા પછી એને નર્સનો ચહેરો દેખાય છે. નર્સને જોઈ એની આંખો ચાર થાય છે.

નર્સ ખંધું હશે છે: “શું થયું અંગાર? હું અહિયાં આવીશ એવું તેં સપનામાં પણ વિચાર્યું નહીં હોય... પણ મારે આવવું પડ્યું... મારા માટે... અસંખ્ય છોકરીઓ માટે જેની જિંદગી તેં દુ:ખોથી ભરવાનું અધર્મ કર્યું... અનેક અનાથ બાળકો માટે જેમને તેં મા-બાપની છત્રછાયાથી દૂર કરવાનું પાપ કર્યું...”

નીલિમાને જોઈ અંગારનાં ક્રોધની જ્વાળા વધારે ભભૂકી હતી. નીલિમા નર્સ બની આવી હતી અને અંગાર પર મીઠું-મરચાંવાળું પાણી રેડતી હતી. એ બોલવાની કોશિશ કરે છે પણ બોલી શકતો નથી. નીલિમાને મારવા માટે આગળ આવે છે.

નીલિમા હાથનો ઈશારો કરી દૂર રહેવા જણાવે છે: “ત્યાં જ ઊભો રહેજે અંગાર... જો આગળ આવીશ તો આ જગનું મીઠું-મરચુંવાળું પાણી તારી આંખોમાં રેડીશ... ચૂપચાપ બેડ પર બેસી જા...”

અંગાર બેડ પર બેસવાનાં બદલે એક ડગલું પાછળ ખસે છે. નીલિમા બેસવાનો ઈશારો કરે છે. અંગાર ડોકું હલાવી ના પાડે છે. નીલિમા કટાક્ષમાં હસે છે: “ગમે તે થાય... પણ તારું અભિમાન ના છૂટે... આંખો અને શરીરમાં અસહ્ય પીડા થાય છે પણ મોઢા પરનો ગુસ્સો યથાવત છે... બોલી શકાતું નથી પણ આંખોનાં ડોળા કાઢી મને ધમકાવવાની કોશિશ કરે છે... માની ગઈ હું, તારા અભિમાન અને ગુસ્સાને... બધાએ તારો સાથ છોડી દીધો પણ એ બન્નેએ તારો સાથ ના છોડ્યો... પણ ચિંતા ના કરીશ... તારી લાશ સાથે એ પણ આ દુનિયામાંથી વિદાય લેશે...”

અંગારની આંખોમાં લાલ નસો ઉપસી આવી હતી. ભારે પથ્થર બાંધ્યો હોય એવો ગળામાં દુ:ખાવો થતો હતો. નીલિમા બોલતી હતી એમ એનું શરીર ધધકતું હતું. નીલિમા બે ડગલાં આગળ આવે છે: “અંગાર હું અહિયાં માત્ર આ બધું કહેવા નથી આવી એ તો તું સમજી ગયો હશે... હું તને જણાવવા આવી છું કે દસ મિનિટ પછી તું આ દુનિયામાંથી યમરાજાનાં નર્કમાં જવાનો છે... જ્યાં તારા પાપોની સજા તારી રાહ જોવે છે... હું પહેલાં મારા હાથે તને મારવા માંગતી હતી... પણ પછી મને વિચાર આવ્યો કે હું ભગવાન નથી... પાપ અને પુણ્યનું ફળ કુદરત અને ભગવાન સમય આવ્યે આપી દે છે... આજે કુદરત મારી સાથે છે... વધારે સમય બગાડવા નથી માંગતી... તારા જેવા પાપી સાથે વધારે વાત કરવી પણ મને હવે ગુસ્સો અપાવે છે...”

અંગારની આંખોમાં પીડા વધી રહી હતી. આંખોમાં પાણી છાંટવા માટે દવાઓનાં રેક પર પાણીની બોટલ હતી એ ખોલી એક ઝાટકે પાણી માથા પર રેડે છે. એ પાણી રેડવાથી સહેજપણ ફર્ક પડતો નથી. નીલિમા ખુશ થઈ હશે છે: “અંગાર મારૂ થોડું કામ તો તે સરળ બનાવી દીધું... એ બોટલમાં એકલું પાણી નહોતું!”

અંગાર બોટલ સુંધે છે. બોટલમાં પાણી સાથે કોપરેલ મેળવેલું હતું. અંગારનાં હાથ, ચહેરો, માથું પાણી અને કોપરેલનાં કારણે ચીકણું થઈ જાય છે. આંખોની પાંપણ પર કોપરેલની ચીકાશનાં કારણે વધારે ધૂંધળું દેખાવા લાગે છે. આંખોમાં પહેલા મીઠું-મરચુંવાળું પાણી અને પછી કોપરેલવાળું પાણી જવાથી બળતરા ઓછી થવાનાં બદલે વધારો થયો હતો. અંગાર વધારે ક્રોધિત થયો હતો. આંખોનાં પોપચાને જોર કરી ખુલ્લા રાખી નીલિમા સામે જુએ છે. એની આંખોમાં લાહ્ય ના બળતી હોત તો એનો ગુસ્સો જોઈ સામેવાળું માણસ ડરી જતો.

નીલિમા બૂચકારો બોલાવે છે: “તારી આ હાલત પર મને દયા આવે છે... તું ગમે તેવો હેવન હોય પણ હું સ્ત્રી છું... ક્ષમાની દેવી... હું નહીં દરેક સ્ત્રીમાં ક્ષમા કરવાનો ગુણ હોય છે... હું પણ તને અત્યારે માફ કરું છું... પણ મારા જેવી અનેક છોકરીઓ અને માસૂમ બાળકોની માફી તને ઉપર ગયા પછી પણ મળશે નહીં... ચાલ હવે હું મુદ્દાની વાત પર આવું... તને અહિયાં લાવવાનો અને મારો અહિયાં આવવાનો ઇરાદો કહું... તું જેલમાંથી ભાગવાની કોશિશ કરીશ એ અમને ખબર હતી... તને ભાગી જવા માટેનો રસ્તો પણ અમે લોકોએ તને આપ્યો... કોર્ટમાંથી હોસ્પિટલમાં લાવતી વખતે તને ઘેનનું ઇન્જેક્શન આપ્યું... ઇન્જેક્શનમાં બેભાન થવાની દવા સાથે તું ચોવીસ કલાક બોલી શકે નહીં અને શરીરમાં પીડા થાય એવી દવા પણ મિક્ષ કરી હતી. એટલે તું બોલી શકતો નથી અને શરીરમાં પીડા થાય છે... ઇન્જેક્શનની ખરી અસર હવે શરૂ થશે... તારા હાથ-પગ હાલતા બંધ થઈ જશે અને માથાની નસોમાં પીડા થશે... પાણીમાં મીઠું-મરચું ભેળવી તારી આંખોમાં નાંખ્યું... જે જગ મારા હાથમાં છે એની અંદર મીઠું, મરચું અને તજ, લવિંગ બધાનો પાઉડર મિક્ષ કર્યો છે... આ પાણી તારી આંખોમાં જશે એટલે તારી પીડા વધવાની છે... તું સહન કરી શકીશ નહીં અને રૂમની બહાર આવીશ... આ રૂમની બહાર પોલીસ બંદૂક લઈને તારા બહાર આવવાની રાહ જુએ છે... બચી શકતો હોય તો બચાવી લે તારી જાતને...”

નીલિમા જગનાં પાણીની છાલક અંગાર પર નાંખે છે. અંગાર આંખો બંધ કરે છે, પણ પાણી પોતાનું કામ કર્યા વગર રહેતું નથી. થોડું પાણી આંખો અને મોઢામાં જાય છે. નીલિમા એની નજીક આવે છે: “માનવતાનાં માટે છેલ્લે તને એક મદદ કરતી જવું છું... આ રૂમ પાંચમાં માળે આવેલ છે... બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે... ઉપર મોટું ટેરેસ છે એમાં પણ પોલીસ ગોઠવી છે... તું બહાર નીકળ્યો નથી કે તને ઠાર થયો નહીં... વિક્કીએ દરેક પોલીસને તારા પર ગોળી ચલાવવાની છૂટ આપી રાખી છે... એટલે તારો ભાગી જવાનો મનસૂબો પૂરો થવોનો નથી... ”

નીલિમા રૂમની બહાર જાય છે. અંગાર એને જતી જોઈ રહે છે. દરવાજો ખોલી જોવે છે તો બે હવાલદાર બહાર હતા. હવાલદાર એને રૂમમાં જવાનું કહે છે. અંગાર રૂમમાં પાછો આવે છે. આંખોની પીડા સહન થવા લાગી હતી. અંગારનાં મગજમાં ભાગી જવા માટે વિચાર આવે છે. નીલિમાએ છેલ્લી દસ મિનિટ છે એવું કહ્યું હતું. નક્કી નીલિમાએ કોઈ પ્લાન બનાવ્યો હશે. પણ શું પ્લાન હશે એ ખબર પડતી નથી. હવાલદારની હાજરીમાં ભાગવું એટલે સામે ચાલી મોત વ્હોરવા જેવુ હતું. અંગાર રૂમમાં નજર કરે છે. બારી અને પડદા સિવાય કશું દેખાતું નહોતું. રૂમમાં લાંબા પડદા પાછળ બીજો એક કાચનો દરવાજો હોય છે. એ દરવાજા પર તાળું મરેલું હતું. કાચમાંથી બહાર બાલ્કની દેખાતી હતી. એક રૂમની બાલ્કનીમાંથી બીજા રૂમની બાલ્કનીમાં જઈ શકાય એમ હતું. કાચ તૂટે તો અવાજ આવે અને તાળું કેવી રીતે તોડવું એ વિચારી તાળું ખેંચે છે.

તાળું સીધું અંગારનાં પગ પર પડે છે. તાળું ખુલ્લુ હતું કે કોઈ ચાલ હતી એ વિચાર કર્યા વગર અંગાર દરવાજો ખોલી બાલ્કનીમાં આવે છે. બાલ્કનીની રેલિંગ પરથી બીજા રૂમની બાલ્કનીમાં જવાનો વિચાર કરે છે. હકીકતમાં અંગાર બેભાન હતો ત્યારે વિક્કીએ ખાલી તાળું ત્યાં લટકાવી રાખ્યું હતું અને રેલિંગનાં નટ-બોલ્ટ છૂટા કરી રાખ્યા હતા. અંગાર બાલ્કનીમાંથી બીજા રૂમમાં જવાની કોશિશ કરશે એવું અનુમાન લગાવી પરફેક્ટ મર્ડરનો પ્લાન બનાવવામાં આવ્યો હતો જે અકસ્માત લાગે.

અંગાર રેલિંગ પર થોડું વજન આપે છે, રેલિંગ નીચે તરફ ધકેલાય છે. અંગાર કોઈ વિચાર કરે તે પહેલાં રેલિંગ સાથે એ પણ પાંચ માળથી નીચે ફેંકાય છે. અંગાર નીચેનાં માળની બાલ્કની પકડવાની કોશિશ અરે છે, પણ એનાં હાથ ચીકણા થયા હોવાથી બાલ્કનીની રેલિંગ પકડી શકતો નથી.

હોસ્પિટલની બહાર એક ગાડીમાં કરણ, વિક્કી અને નીલિમા આ દ્રશ્ય જોતાં હતા. પાંચમાં માળેથી નીચે પટકાવાથી અંગાર તરત મૃત્યુ પામે છે. પોલીસ હીરાસતમાંથી ભાગી જવાનાં ઈરાદા સાથે અંગારે પહેલાં તાળું તોડ્યું અને રેલિંગ પરથી બીજા રૂમામાં જતી વખતે રેલિંગ તૂટી જવાથી અંગારનું અકસ્માતમાં મોત થયું એવું પંચનામું તૈયાર કરવામાં આવે છે.

ખેંગાર અને રાજુને અંગારનાં અકસ્માતની ખબર પડે છે એટલે વકીલ દ્વારા કેસની ઊલટતપાસ કરાવવા માટે અપીલ કરાવે છે. કોર્ટ બન્નેની વાત માન્ય રાખી કેસ CBIને આપે છે. CBI પણ વિક્કીનાં પાંચનામાને સાચું બતાવે છે.

પર્વતસિંહ ખેંગાર અને રાજુનાં માણસોને જેલમાં જવાની ધમકી આપી ચૂપ કરે છે. વકીલ પણ સંજોગો પ્રમાણે ખેંગાર અને રાજુનો સાથ છોડે છે. જેલમાં ખેંગાર અને રાજુ પર ચાંપતી નજર રાખવામાં આવે છે. હવે સજા ભોગવ્યા સિવાય કોઈ રસ્તો નથી એમ વિચારી બન્ને શાંત થઈ જાય છે.

કરણ, વિક્કી, રાકેશ, પ્રતિક, સંજય અને વિશાલ એમની ફરજ પ્રત્યે વધારે નિષ્ઠાવાન બને છે. પર્વતસિંહ, સાધના, સુધા ત્રણેય ચિન્ટુ અને આર્યા સાથે બાળક બની રહેવા લાગે છે. હંસા અને કિશોર દીકરી પોતાનો બદલો લેવામાં સફળ થાય છે, એટલે ભગવાનનો આભાર માને છે. રીયા અને નીલિમા કરાટે કલાસ ચાલુ કરી છોકરીઓને આત્મરક્ષા કરવાનું શીખવાડવાનું શરૂ કરે છે. થોડા મહિના પછી નીલિમા અને વિક્કીનાં લગ્ન થાય છે.

સમાપ્ત