યોગ સંયોગ - ભાગ 2 in Gujarati Novel Episodes by Bhumi Joshi "સ્પંદન" books and stories Free | યોગ સંયોગ - ભાગ 2

યોગ સંયોગ - ભાગ 2અભિનવને ચેરમાં પછડાતાં જોઈ આધ્યાની ચીસ નીકળી ગઈ. "અભિનવ..."  આધ્યા તેની પાસે આવી બોલી,  "ટેક ઈટ ઈઝી અભી ! શા માટે આટલો સ્ટ્રેસ લે છે ! હું છું ને !  આધ્યા એકીટશે અભિનવને જોઈ રહી."

છ ફૂટ ઊંચાઈ , અતિ ગોરો વર્ણ, ભૂરી આંખો, થોડા ભૂરા  થોડા સોનેરી વાળ, ટ્રિમ કરેલ દાઢી તેને ડેશીંગ લુક આપતી હતી. કોઈને પણ પ્રથમ નજરે ગમી જાય તેવો હતો અભિનવ પારેખ.

આધ્યા , અભિનવની એકદમ નજીક આવી ગઈ. એટલી નજીક કે અભિનવ તેના શ્વાસને મહેસુસ કરી શકતો હતો.તેની આંખોમાં ગજબનો નશો હતો. તેના દિલની તેઝ ધડકન સાંભળી અભિનવ, ચેરને પગેથી પાછળ હડસેલતા થોડો દૂર ખસી ગયો.

તે ચેર પરથી ઉભા થતા નારાઝ થઈ બોલ્યો, "આધ્યા !  અત્યારમાં તે ડ્રીંક કર્યું છે ? તારી હાલત તો જો ! કેટલીવાર મેં તને ડ્રીંક કરી ઓફીસ આવવાનું ના કહ્યું છે. પણ તું અને   તારી હરકતો મારી સમજની બહાર છે.એ તો સારું છે આજે ખરાબ મોસમને લીધે કોઈ ક્લાયન્ટ નથી. નહીં તો..?"

"આ તારું હાસ્ય કહે છે કે તે ફરી કઈંક કર્યું છે. પણ પ્લીઝ હવે નહીં. હું જાણી ગયો છું કે તું મને ઇન્ડિયા જવા દેવા નથી માંગતી. એટલે જ એક વિક પહેલાની મારી ટિકિટ તે મને પૂછ્યા વગર કેન્સલ કરી  દીધી હતી. પણ હવે હું તારી વાત નહીં માનું. આવતા વીકમાં એક ખૂબ મોટા પ્રોજેક્ટની ડીલ માટે મારે ઈન્ડિયા જવું પડશે. અને બે દિવસ બાદ મારી ફ્લાઇટ છે. એટલે જ આજ સવારથી મારી નજર કેલેન્ડર પર છે.બસ બે દિવસમાં આ સ્નોફોલ બંધ થઈ જાય અને રસ્તા ખુલી જાય."

આધ્યા ફરી એ જ હાસ્ય સાથે હસવા લાગી. પાતળી અને રૂપાળી કાયા પર ચુસ્ત બ્લેક કલરના શોર્ટ વનપીસમાં તે મનમોહક લાગતી હતી. તેની હાઈ હિલ તેને અલગ ઠસ્સો આપતા હતા. ખુલ્લા રેશમી ટૂંકા વાળમાં તે ખૂબ કામણગારી લાગતી હતી. તેની આંખો એટલી નશીલી હતી કે જોનાર તેમાં જ ડૂબી જાય. પરંતુ આધ્યાને એક નશો ચોવીસ કલાક ચડેલ રહેતો.  તે હતો અભિનવના પ્રેમનો !

અને એટલે જ તે કોઈને કોઈ રીતે અભિનવને ઇન્ડિયા જવા રોકતી. આજે પણ તે એજ ફિરાકમાં હતી. તે અભિનવને પાગલની જેમ પ્રેમ કરતી હતી. અભિનવ જવાનો છે તે વિચારોથી તેનું મન ધ્રુજી ઉઠતું. અને તેના મનને બહેલાવવા તે આજે ડ્રીંક કરી ઓફીસ આવી હતી.

અભિનવને સમજાતું ન હતું કે આધ્યાને કેવી રીતે સંભાળવી. તે આધ્યા સામે બેઠો અને બોલ્યો, "લુક, આધ્યા હવે આ બચકાની હરકતો છોડી દે. મેં તને કેટલી વાર કહ્યું અને ફરી કહું છું, વિ આર જસ્ટ ફ્રેન્ડ. મારી નજરોમાં તું ફક્ત મારી સારી દોસ્ત છે. અને મારી બિઝનેસ પાર્ટનર. મારા માટે તું  આમ ખુદને દુઃખી ન કર. અત્યારે તારી હાલત બરોબર નથી. આપણે પછી મળીએ .એમ પણ નીચેની વિંગમાં મારે એક મિટિંગ છે.  હું જાઉં છું. આધ્યાની આંખોના ખૂણામાં ભીનાશ બાઝી ગઈ. દરેક વખતની જેમ આજે પણ અભિનવ, આધ્યાને એકલી છોડી નીકળી ગયો. તે મનમાં જ બોલી,  'શા માટે અભિનવ ? શુ કમી છે મારામાં ?'  ખુદને માંડ સંભાળતી તે ત્યાં જ નીચે બેસી ગઈ.

************************

અહીં  અદ્વિકા ભીતરની વ્યથાને ભીતરમાં જ દબાવતી નિશાબેનને સંભાળવાની કોશિશ કરતી હતી. આકાશ ભાઈ અને અદ્વિકા બંનેએ નિશાબેનને ચેકઅપ કરાવવા મનાવી લીધાં.

તેઓ નીકળતા હતા ત્યાં જ, અદ્વિકના ફોનમાં મેસેજ આવ્યો .આજની ઈવેન્ટ કેન્સલ થઈ છે. આ વાત સાંભળી આકાશભાઈને હાશકારો થયો.

અદ્વિકા બોલી, "જો મમ્મી મારી ઈવેન્ટ કેન્સલ થઈ છે.હવે તો તમે ખુશ છો ને ? મારે આજે ઓફીસ જવાનું નથી."

ત્રણેય ડોક્ટર મહેરાની ક્લિનિક પહોંચ્યા.  ડો.મહેરા તેમના ફેમિલી ડોક્ટર હતા. તેમજ આકાશભાઈના ખાસ દોસ્ત.

મહેરાએ નિશાબેનની બધી તપાસ કરી.જરૂરી રિપોર્ટ કર્યા. એક રિપોર્ટ બીજા દિવસે આવવાનો હતો.  રિપોર્ટ કરીને બહાર  નીકળ્યા ત્યાં નિશાબેનને તેની એક સહેલી મળી. એટલે તે ત્યાં બહાર વાતો એ વળગ્યા. આકાશ ભાઈ અને અદ્વિકા મહેરાની ચેમ્બરમાં ગયા.

તેમને જોઈ મહેરા બોલ્યો," આકાશ, નિશાના રિપોર્ટ ચિંતા જનક છે.તેના હાર્ટમાં આવેલ વાલ્વ પહોળો થઈ રહ્યો છે. અને એ માટે જ મેં બીજા રિપોર્ટ કરાવ્યા. કાલના રિપોર્ટ જોઈ આગળ વિચારશું.

આ સાંભળી આકાશભાઈની અત્યાર સુધી રાખેલી હિંમત તૂટી ગઈ. તે સાવ ભાંગી પડ્યા.

આકાશભાઈ આંસુ ભીની આંખે બોલ્યા," મહેરા, હજુ કેટલી પરીક્ષા આપવાની ?  કુદરત ક્યાં  છે ?  તેને મારી નહીં તો કંઈ નહીં પણ મારી આ અદીની સુની માંગ જોઈ કંઈ થતું નહીં હોય !  આજનો દિવસનો આ કેવો સંયોગ !  આજે મારા અન્વય અને અદ્વિકાના લગ્નની બીજી વર્ષ ગાંઠ  છે. અને આજના જ દિવસે એક વર્ષ પહેલાં અન્વય અમને છોડીને હંમેશ માટે ચાલ્યો ગયો. આજથી એક વર્ષ પહેલાં આજના જ દિવસે એ ગોઝારી ઘટના બની હતી. જેણે અન્વયને હમેશ માટે છીનવી લીધો. તે ગમને નિશા જીરવી ન શકી. રાત દિવસ તેની આંખોમાંથી આંસુ સુકાતા નથી. પણ, બહારથી નોર્મલ રહેવાની કોશિશ કરે છે. એમાં જ આ બીમારીએ તેને ઘેરી લીધી. પોતાના એક માત્ર પુત્રનો વિયોગ તે સહન નથી કરી શકતી."

આકાશભાઈની વાત સાંભળી મહેરા બોલ્યો, "આકાશ , તારું બધું દર્દ હું જાણું છું. નિશાને અદ્વિકાની બહું ચીંતા છે. એટલે જ તે પોતાનું દર્દ અંદર જ સંઘરી બહારથી ખુશ રહેવાનો દેખાવ કરે છે."

"મહેરા, તું સાચું કહે છે. કુદરતની લેણ દેણ તો જો !  જે ફરજ અન્વયે નિભાવવી જોઈએ તે અદ્વિકા હસતા ચહેરે નિભાવી રહી છે. તે આવી હતી અન્વયની પત્ની બનીને  પણ આજે અમારી દીકરી બની ગઈ  છે."

"અમને ખુશ રાખવા હરદમ હસતા ચહેરે રહે છે. પોતાની અન્વય સાથેની યાદોના પોટલાને દિલના કોઈ ખૂણે તેણે દફનાવી દીધું  છે. તું તો જાણે છે મારા અન્વયને !  કેટલો  માસુમ અને લાગણીશીલ !  ભૂલથી પણ કોઈને તકલીફ ન આપે. અને તેની જ સાથે....."

ક્રમશઃ
Bhumi joshi. "સ્પંદન "

શું થયું છે અન્વયની સાથે ?
શું અભિનવ ઈન્ડિયા આવી શકશે  કે આ વખતે પણ  આધ્યા રોકી લેશે ?
શું  છે અદ્વિકા અને અન્વયની કહાની ?
જાણવા માટે વાંચતા રહો..


Rate & Review

Pradyumn

Pradyumn 5 days ago

Manisha

Manisha 6 days ago

ashit mehta

ashit mehta 7 days ago

Ronak Shah

Ronak Shah 7 days ago

Bijal Patel

Bijal Patel 1 week ago