A glimpse of you - 25 books and stories free download online pdf in Gujarati

તારી એક ઝલક - ૨૫






ઝલક વહેલી સવારે જ ભેંસાણ પહોંચી ગઈ હતી. એ પહેલાં અર્પિતાની ઘરે જવાનાં બદલે તેજસની ઘરે આવી પહોંચી. બહાર કોઈ દેખાયું નહીં, તો એ તરત જ ઘરની અંદર આવી ગઈ. એ સમયે જ તન્વી સીડીઓ ઉતરીને નીચે આવી રહી હતી. એની નજર ઝલક પર પડતાં જ એ ઝલક પાસે આવી, "અરે ઝલક! તું અત્યારે આ બેગ સાથે અહીં?"
"હાં, હું અમદાવાદ ગઈ હતી. આજે જ પાછી ફરી. એકચ્યુલી મારે તેજસ લંડનથી આવી ગયો કે નહીં? એ જાણવું હતું." ઝલકે કહ્યું.
"એમનો કોઈ કોલ તો નથી આવ્યો. પણ અંકલ કહેતાં હતાં, કે એ બહું જલ્દી આવી જાશે." તન્વીએ કહ્યું.
"અંકલ?" ઝલકે અસમજની સ્થિતિમાં તન્વી સામે જોયું.
"અનિકેત અંકલ, મારાં પપ્પાના મિત્ર છે. એનાં જ કોઈ કામ માટે તેજસ લંડન ગયો છે. પણ તને આ બાબતે કેમની ખબર?" તન્વીએ પૂછ્યું.
"અર્પિતાએ કોલ કર્યો હતો." ઝલકે કહ્યું, "તો હવે હું નીકળું. તેજસ આવે તો મને જાણ કરાવજો." એણે પોતાની બેગ હાથમાં લીધી, અને દરવાજા તરફ આગળ વધી ગઈ.
"અરે ઝલક! મને મળ્યાં વગર જ જતી રહીશ?" અચાનક જ એક તેજસનો અવાજ ઝલકના કાને પડ્યો. એનાં કદમ તરત જ રોકાઈ ગયાં. એ તરત પાછળ ફરી. તન્વીની પાછળ સીડીઓ ઉપર તેજસ ઉભો હતો, "કમ સે કમ તારી હકીકત તો અમને જણાવતી જા." એ તન્વીની આગળથી પસાર થઈને, ઝલક સામે આવીને ઉભો રહી ગયો. ઝલકના દિલમાં હકીકત શબ્દ સાંભળીને એક ધ્રાસકો પડ્યો. જાણે હવે એની ચોરી પકડાઈ જવાની હોય, એમ એનાં કપાળે પરસેવો વળી ગયો, "બહેન! મમ્મી-પપ્પાને નીચે બોલાવ." તેજસે સાઈડમાં ડોક કરીને કહ્યું.
તન્વી જગજીવનભાઈ અને જીવદયાબેનને બોલાવવા ઉપર જતી રહી. તેજસે ઝલકની બેગ લીધી અને સોફા પાસે મૂકી દીધી. એને નાં છૂટકે અંદર આવવું પડ્યું. એનાં હાથ-પગ ઠંડા પડી ગયાં હતાં. તેજસ એકદમ નોર્મલ હતો. એ સમયે જ તન્વી જગદીશભાઈનુ અને જીવદયાબેન સાથે નીચે આવી.
"આવો મમ્મી! આને ઓળખી?" તેજસે જીવદયાબેન પાસે આવીને ઝલક તરફ ઈશારો કરીને પૂછ્યું. જીવદયાબેન અજીબ નજરોથી ઝલકને જોઈ રહ્યાં હતાં. પણ જાણે ઝલક એમનાથી નજર ચુરાવી રહી હતી, "આરતીબેન, અમદાવાદ, તમારી મિત્ર, નાની ઝલક, કાર એક્સિડન્ટ, મમ્મી-પપ્પાનુ મૃત્યુ, ઝલકનુ ગાયબ થઈ જવું. કંઈ યાદ આવ્યું?" એણે પૂછ્યું. એ સાથે જ જીવદયાબેનની આંખો ભરાઈ આવી, "આ એ જ ઝલક છે. જે અત્યાર સુધી લંડનમાં હતી. આવી હતી તમને શોધવાં, પણ તમારાથી જ સંતાઈને અર્પિતાની ઘરે રહેતી હતી."
"તને આટલી બધી કેમની ખબર?" અચાનક તન્વીએ પૂછ્યું.
"મને તો હજું એ પણ ખબર છે કે, પપ્પાએ ગંગાનો કોઈ વાંક નાં હોવાં છતાંય એને જેલમાં કેમ મોકલી હતી?" તેજસે એક નજર જગજીવનભાઈ તરફ કરી. એ નીચું જોઈને ઉભાં હતાં, "તો પપ્પા! તમે જ હકીકત જણાવશો કે હું જણાવું?" તેજસે પૂછ્યું. એનાં સવાલથી જગજીવનભાઈ વધું નીચું જોઈ ગયાં. તેજસને એનાં સવાલનો જવાબ મળી ગયો, "પપ્પાએ મને બચાવવાં માટે ગંગાને જેલમાં મોકલી હતી. ગંગાનાં પપ્પાના એક મિત્ર હતાં. એમણે ગંગાનાં લગ્ન એમનાં દિકરા સાથે કરાવવાં કહ્યું હતું. પણ એમનો છોકરામાં એવી દરેક ખરાબ આદતો હતી. જે જાણ્યાં પછી એક બાપ એની દિકરીનાં લગ્ન એવાં છોકરાં સાથે નાં કરે, એટલે ગંગાનાં મમ્મી-પપ્પાના મૃત્યુ પછી ગંગા સાથે કોલેજમાં જે થયું, એ એમને ખબર પડતાં એમણે ગંગાને બદનામ કરવાની કોશિશ કરી. જેથી કોઈ છોકરો એની સાથે લગ્ન નાં કરે. પણ હું એમનાં રસ્તાનો કાંટો હતો. એટલે એમણે પપ્પાને ફોન કરીને કહ્યું કે, જો એ ગંગાને જેલમાં નહીં મોકલે. તો મારી લાશ આ ઘરમાં આવશે. પછી તો જે થયું એ તમને બધાંને ખબર છે."
"પણ આ બધી તને કેમ ખબર પડી? અને તું લંડન શાં માટે ગયો હતો?" જીવદયાબેને ડર મિશ્રિત અવાજે પૂછ્યું. જે રીતે તેજસ ભૂતકાળનાં રાઝ ખોલી રહ્યો હતો. એ મુજબ એમને કંઈક ભયાનક થવાની આશંકા દેખાતી હતી.
"એ લંડન મારાં માટે ગયો હતો." દરવાજેથી એક જાણીતો આવાજ સંભળાયો. બધાંએ એ તરફ નજર કરી. દરવાજે અનિકેતભાઈ ઉભાં હતાં. એ અંદર આવ્યાં, "જે વ્યક્તિએ ગંગાને જેલમાં નાંખવાનો પ્લાન બનાવ્યો હતો. એ જ વ્યક્તિએ મારી પત્નીની કંપની છળકપટથી લઈ લીધી હતી. એને ફરી લેવાં માટે જ તેજસ લંડન ગયો હતો."
અનિકેતભાઈએ બધી વાત કરી. ત્યાં સુધીમાં તેજસ એ પેપર્સ લઈ આવ્યો. જે પાછલી રાતે એ લંડનથી લાવ્યો હતો, "આ તમારી કંપનીનાં પેપર્સ! બધાંને ચકડોળે ચડાવીને પેપર્સ લાવ્યો છું. ત્યાંનું વાવાઝોડું ગમે ત્યારે અહીં પહોંચતું હશે." કહીને એ સહેજ હસ્યો.
તેજસે પહેલાં તિવારી સાથે વિલ્સનની કંપનીની ડીલ કરી હતી. જે તિવારીએ વિલ્સન પાસેથી એને દગો આપીને છીનવી લીધી હતી, અને તેજસને ડબલ કિંમતમાં વહેંચી હતી. આ જ તિવારીનુ કામ હતું. તિવારી જ ગંગાનાં પપ્પાનો મિત્ર અને ગંગાને જેલમાં નાંખવા ષડયંત્ર રચનાર વ્યક્તિ હતો. તેજસે વિલ્સનની કંપની એની પાસેથી લઈને, વિલ્સનને તિવારી પાસેથી અનુપમાબેનની કંપનીનાં પેપર્સ લાવવાં કહ્યું હતું. કાલે રાતે એણે જ્યારે તિવારીની ઘરેથી પેપર્સ ચોરી કરીને, તેજસને આપ્યાં. ત્યારે તેજસની બાઈકનો પીછો કરનાર વ્યક્તિ તિવારી જ હતો.
"આ બધું તો ઠીક પણ આ ઝલક આરતીની દિકરી છે. એ તને કેમ ખબર પડી?" જીવદયાબેને પૂછ્યું.
"આ આવી ત્યારથી જે રીતે પહેલીઓ બુઝાવતી, મને દાળમાં કંઈક કાળું લાગ્યું હતું." તેજસે ઝલક તરફ જોયુ. જે નીચું મોં કરીને ઉભી હતી, "લંડનમાં અમે એક કેફેમાં ગયાં, ત્યાં મને ઝલકની ફ્રેન્ડ એશ્વી મળી. એ મને કંઈક અજીબ લાગી. પછી મેં હોટલ પર આવીને એની વિશે ફેસબુક પરથી માહિતી મેળવી. જેમાં મને ઝલકના એની સાથેનાં ફોટોગ્રાફ્સ મળ્યાં. ઝલકની ફેસબુક પર કોઈ એકાઉન્ટ ન હતું. પણ એશ્વીના એકાઉન્ટ પર જ મને આરતી આન્ટીનો ફોટો મળી ગયો." તેજસના કહેતાં જ ઝલકના ચહેરા પર પોતે તેજસથી બધું છુપાવીને ભૂલ કરી, એવાં ભાવ દેખાઈ આવ્યાં. એ જોયાં બાદ તેજસ જીવદયાબેન તરફ ફર્યો, "આરતી આન્ટીનો ફોટો મેં તમારી પાસે જોયો હતો. આગળના ફોટોગ્રાફ્સ જોયાં પછી મને એશ્વી અને ઝલકનો નાનપણનો ફોટો પણ મળી ગયો. પછી કાલે રાતે હું ઘરે આવ્યો. ત્યારે તમારાં વૉર્ડરોબમાથી મને આ ફોટો મળ્યો." તેજસે એનાં જીન્સના ખિસ્સામાંથી એક ફોટો કાઢીને જીવદયાબેનને આપ્યો, "આ ફોટો જોયાં પછી ઝલક જ આરતી આન્ટીની છોકરી છે, એ મને સમજાઈ ગયું."
તેજસે જીવદયાબેનને ફોટો આપ્યો, એ એ જ છોકરીનો ફોટો હતો. જે જીવદયાબેન એક દિવસ એનાં રૂમમાં બેસીને જોતાં હતાં. એમને પણ ઝલકને જોતાં જ એવું લાગ્યું હતું, કે એ એમની મિત્રની છોકરી છે. પરંતુ એ ઝલક કે તેજસને કંઈ પૂછી શકે, એ પહેલાં જ ઝલક અમદાવાદ અને તેજસ લંડન જતો રહ્યો હતો.

(ક્રમશઃ)

_સુજલ બી. પટેલ