Sneh nitarati sanj - 3 - last part books and stories free download online pdf in Gujarati

સ્નેહ નીતરતી સાંજ - 3 - છેલ્લો ભાગ

માધવ પંજરીની સામે જોઈ રહ્યો હતો અને બ્રેકફાસ્ટ કરતાં કરતાં ધીમેથી તેણે પંજરીને પૂછ્યું કે," પંજરી આપણે પોલીસમાં કમ્પલેઈન નોંધાવી દઈશું કે, કાલુભા આ રીતે તને હેરાન કરે છે, એક રૂમમાં પૂરી રાખે છે અને તેમનો ઈરાદો ખરાબ છે."

માધવનો પ્રશ્ન સાંભળીને પંજરી બ્રેકફાસ્ટ કરતાં કરતાં એકદમ ઉભી થઈ ગઈ અને બોલી કે, "તમારે મને પોલીસને સોંપવાની જરૂર નથી તમે પોલીસ કમ્પલેઈન કરશો એટલે તરત જ કાલુભાને જાણ થશે અને તેમને જાણ થતાં જ તે પોલસની આગળ ડાહી ડાહી વાતો કરીને પોલીસને ફોસલાવીને, પોતાની બાજુમાં કરીને પાછા મને એ જ કારાવાસમાં ધકેલી દેશે. આજથી બે મહિના પહેલા પણ મેં ભાગવાની કોશિશ કરી હતી અને હું પકડાઈ ગઈ હતી ત્યારે મારી બોચી પકડીને કાલુભાએ મને ધમકી આપી હતી કે, "ખબરદાર જો ફરીથી જીવનમાં ક્યારેય આવી ભાગવાની કોશિશ કરી છે તો તારા ટાંટીયા ભાંગી કાઢીશ." અને એક મક્કમ અવાજથી પંજરી બોલી રહી હતી કે, "તમારે પોલીસ કમ્પલેઈન કરવાની જરૂર નથી હું મારો રસ્તો મારી જાતે જ શોધી કાઢીશ" અને તે ઉભી થઈને ચાલવા લાગી.

પંજરીનો જુસ્સો અને જૂનુન જોઈને માધવ સમજી ગયો હતો કે, પંજરીની વાત કદાચ સાચી સાબિત થાય અને તેને કાલુભા ફરીથી હેરાન કરશે તો? અને તે વિચાર માત્રથી તે ધ્રુજી ઉઠ્યો અને બોલી પડ્યો કે, "ના ના ના, એવું તો હું નહીં થવા દઉં અને તે પંજરીની પાછળ દોડ્યો અને તેનો હાથ તેણે જોરથી પકડી લીધો અને તેને કહેવા લાગ્યો કે, "એક મિનિટ ઉભી રહી જા પંજરી, તારે પોલીસ કમ્પલેઈન નથી કરવી તો આપણે નહીં કરીએ બસ પણ તું આમ એકલી ઘર છોડીને બહાર ન નીકળી જઈશ"

અને માધવ તેને સમજાવીને પાછો અંદર લાવ્યો અને બંને ડાઈનીંગ ટેબલ ઉપર પાછા ગોઠવાઈ ગયા. પંજરી પોતાના બંને હાથથી પોતાની આંખો દબાવીને બેસી ગઈ હતી જાણે કાલુભાએ તેની ઉપર કરેલો અત્યાચાર તેને યાદ આવી ગયો હોય તેમ.

માધવને થોડું અજુગતું તો લાગતું હતું પંજરીને સ્પર્શ કરવાનું પરંતુ અત્યારે પંજરીને કોઇના પ્રેમની અને હુંફની જરૂર હતી તેથી તેણે પંજરીના નાજુક હાથ ઉપર પોતાનો હાથ મૂક્યો અને તે બોલ્યો, "પંજરી તું જેમ કહીશ તેમજ હું કરીશ, વિશ્વાસ રાખ મારી ઉપર પણ આ જમાનો ખૂબ ખરાબ છે તને એકલી અટુલી જોઈને ખાઈ જશે તને માટે મહેરબાની કરીને હું કહું તેમ જ તું કરજે."

અને પંજરી પણ કોઈ સાથીની તલાશમાં જાણે કેટલાય સમયથી હોય અને તેને તેનો સાચો સાથી મળી ગયો હોય તેમ તેના ચહેરા ઉપર શાંતિનો અહેસાસ દેખાયો અને તેણે જવાબમાં મૌન રહીને માથું ધુણાવીને "હા" ભણી.

માધવ પંજરીને ઘર છોડીને ક્યાંય ન જવાનું સમજાવીને અને રામુકાકાને પણ પંજરીની જવાબદારી સોંપીને પોતાની ઓફિસ જવા રવાના થયો.

ઓફિસમાં તો પહોંચી ગયો પણ આજે તેનું દિલ કામમાં લાગતું ન હતું પોતાની ચેર ઉપર બેસીને, આંખો મીંચીને શાંત ચિત્તે વિચારી રહ્યો હતો કે, પંજરીનુ શું કરવું? તેને કઈરીતે મદદ કરવી અને કઈરીતે તેને આ કાલુભાની ચુંગાલમાંથી આબાદ રીતે બચાવી લેવી.

આમ વિચારતાં વિચારતાં તેને પોતાના પપ્પાના ખાસ મિત્ર મનીષકાકા યાદ આવ્યા જે વકીલ હતા અને તેમને ફોન લગાવ્યો.

મનીષ કાકાએ તેને રૂબરૂ મળવા માટે બોલાવ્યો અને પછી પોતાના પાંસઠ વર્ષના વકીલાતના અનુભવથી ખૂબજ સુંદર સલાહ આપી અને ચિંતામાં ડૂબેલા માધવને ચિંતામુક્ત કરીને રવાના કર્યો.

મનીષ કાકાએ પહેલા તો તેને આ છોકરી વિશેની તમામ જાણકારી મેળવી લેવા સમજાવ્યું અને આ કાલુભા કોણ છે અને ક્યાંથી આવ્યો છે તે તપાસ કરવા કહ્યું બીજુ તેમણે કાલુભાની વિરુદ્ધમાં સબુત ભેગા કરવા માટે તેને સમજાવ્યો અને આમ મનીષ ભાઈ વકીલ અને માધવ બંનેએ સાથે મળીને એક જબરદસ્ત પ્લાન બનાવ્યો.

બીજે દિવસે માધવે પંજરીની બધીજ તપાસ કરતા તેને જાણ થઈ કે પંજરી તો કરોડપતિ વિક્રમશેઠની એકની એક દીકરી છે. પંજરી બાર જ વર્ષની હતી અને વિક્રમશેઠ અને તેમની પત્નીનું ઓચિંતું અકસ્માતને કારણે મૃત્યુ થયું હતું જેથી કાલુભા ખૂબજ ખુશ થઈ ગયો હતો અને પંજરીની આગળ પાછળ બીજું કોઈ છે નહિ તે વાત તે જાણતો હતો તેથી વિક્રમશેઠના કરોડો રૂપિયાનો વહીવટ તેણે પોતાને હસ્તક લઈ લીધો હતો. આ કરોડોની મિલકત ઉપર તેની દાનત બગડતાં પોતાના પાગલ છોકરાનાં લગ્ન પંજરી સાથે કરાવીને પોતે આ તમામ મિલકતનો માલિક બનવા માંગતો હતો પરંતુ પંજરીને આ વાતની જાણ થતાં જ તે ઘર છોડીને ભાગી છૂટી હતી.

હવે આ આખીયે વાત માધવની સમજમાં આવી જતાં તેણે ઘરે જઈને પંજરીને ખૂબજ પ્રેમથી મનીષકાકા વકીલની વાત સમજાવી અને કાલુભાને પકડવા માટે તેણે પોતાના ઘરે એકવાર પાછા જવું પડશે તે પણ તેને સમજાવ્યું.

પંજરીની સમજમાં આખીયે વાત આવી ગઈ હતી તેથી તે હવે પોતાના ઘરે જવા માટે અને કાલુભા જેવા ગુંડાને પોલીસને હવાલે કરવા માટે તૈયાર હતી.

પ્લાન મુજબ પંજરી પોતાના ઘરે આવી ગઈ હતી અને સતત પોતાની પાસે માઈક્રોફોન રાખતી હતી જેથી કાલુભા જે કંઈપણ બોલતો હતો અને પંજરીને ધમકાવતો હતો તે બધું જ પોલીસ સ્ટેશનમાં રેકોર્ડિંગ થતું હતું.

કાલુભાએ પહેલાની જેમ જ પંજરીને એક રૂમમાં પૂરી દીધી હતી અને પોતાના દિકરાના લગ્નની તૈયારી શરૂ કરી દીધી હતી બે દિવસમાં તો ઘર આંગણે મંડપ પણ બંધાઈ ગયો હતો.

બેન્ડ બાજા વાગી રહ્યા હતાં. પંજરીના શરીર ઉપર પીઠીનો રંગ બરાબર ચઢ્યો હતો અને તેનાં નાજુક નમણા હાથમાં મહેંદી મુકાઈ ગઈ હતી મરુન કલરનાં દુલ્હનના ડ્રેસમાં પંજરી સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર પરી ઉતરીને આવી હોય તેટલી ખુબસુરત લાગી રહી હતી. આજે તેનો કંઈક અલગ જ રૂઆબ હતો તેને જોતાં જ તેની ઉપર નજર ઠરી જાય તેવી લાગી રહી હતી પંજરી....

આજે કાલુભાની ખુશીનો કોઈ પાર ન હતો, તેમનું મન કરોડોની મિલકતમાં રાચી રહ્યું હતું અને મહારાજ લગ્નના શ્લોક બોલવામાં મશગુલ હતાં.

વરરાજાની વિધિ પૂરી થતાં જ મહારાજ બોલ્યા કે, "કન્યા પધરાવો સાવધાન" અને કાલુભા અને તેનો પાગલ દિકરો પરી જેવી પંજરીને જોવા ઉત્સુક ઉંચા નીચા થતા હતા ત્યાં તો બારણે પોલીસ આવીને ઉભી રહી ગઈ અને કાલુભા બૂમો પાડતો રહ્યો કે, "આ મને કેમ પહેરાવો છો? મારો શું વાંક ગૂનો છે?" અને પોલીસે કાલુભાના હાથમાં વજનદાર હાથકડી પહેરાવી દીધી અને ખેંચીને તેને પોલીસ વાનમાં બેસાડી દીધો.

ઘર આંગણે શરણાઈના સૂર રેલાઈ રહ્યા હતા પંજરી તો દુલ્હનના ડ્રેસમાં તૈયાર જ હતી. બસ હવે તો ફક્ત જાન આવે તેટલીજ વાર હતી અને રૂડો રૂપાળો માધવ વરરાજા બનીને પોતાની જાનમાં પોલીસને જ લઈને આવ્યો હોય તેમ પોલીસની હાજરીમાં જ પંજરી સાથે ફેરા ફરી લીધા અને લગ્ન ગ્રંથીથી જોડાઈ ગયો. આખુંય વાતાવરણ ખુશીઓથી મહેંકી ઉઠ્યું.

લગ્ન ગ્રંથીથી જોડાઈ ગયા બાદ માધવ પંજરીની સામે વ્હાલભરી નજરે જોઈ રહ્યો પંજરીના બંને હાથ પોતાના હાથમાં લીધા તેને કપાળમાં એક ચુંબન કર્યું અને કહેવા લાગ્યો કે, "મારું ઘર કે મને છોડીને ક્યાંય ન ભાગી જતી હોં નેં !" અને એકબીજાની આંખોમાં આંખો પરોવીને ઉભેલા બંને એકબીજાની સામે જોઈને ખડખડાટ હસી પડ્યા. જાણે સ્વર્ગમાંથી ઉતરીને આવી હોય તેવી સુંદર જોડી લાગી રહી હતી માધવ અને પંજરીની...ઈશ્વર તેમની જોડી સલામત રાખે....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ

27/9/2021